ટકળ- રેખા પટેલ(વિનોદિની)
કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી શ્રુતિ જેટલી દેખાવડી હતી એટલીજ મેઘાવી અને તેજસ્વી હતી. તેના રૂપ અને ગુણથી અંજાઈ ગયેલા કેટલાય પતંગિયાઓ જાણે સળગતા દીવડાની આજુબાજુ ફનાહ થવા મંડરાતા રહેતા. શ્રુતિ કોઈને પણ મચક આપતી નહોતી. હા તેનું મિત્ર વર્તુળ ભારે હતું વધારામાં મઝાના રમતિયાળ સ્વભાવને કારણે બધામાં ખાસ્સી લોકપ્રિય પણ હતી.
શ્રુતિને ગ્રેજ્યુએટ થયા પછી આગળ આઇએસઆઇ માટેની ઈચ્છા હતી. આઝાદ વિચારોની તે માનતી કે સ્ત્રી અને પુરુષ વચમાં કોઈજ ઝાઝો ફર્ક નથી. એ દરેક કામ સ્ત્રી કરી શકે છે છે જે પુરુષ નથી કરી શકતો. વધારામાં બાળકને જન્મ આપવાનું ગૌરવ માત્ર સ્ત્રીનાં મસ્તકે લખાએલું છે. તો આ ગણતરીમાં સ્ત્રી આગળ ગણાય.
મિત્રોનાં પ્રેમનાં ગળાડૂબ રહેતી શ્રુતિ જીવનને મસ્તીથી જીવતી હતી. આ છેલ્લા વર્ષ પછી કોલેજ જીવનને ટાટા બાય કહેવાના દિવસો નજીક આવતાં હતાં. એવામાં હિન્દીનાં પ્રોફેસર મીસીસ વ્યાસને મેટરનિટી લીવ ઉપર જવાનું બન્યું. તેમના બદલામાં થોડા સમય માટે ભોપાલથી આવેલા યુવાન પ્રોફેસર સુબોધ મહેતાએ ચાર્જ સંભાળ્યો.
હિન્દીનાં એ સમયે ચાલી રહેલા કાલીદાસ મેઘદૂતનાં મહાકાવ્યને સુબોધની આગવી છટામાં વંચાતા ત્યારે માત્ર છોકરીઓ જ નહિ છોકરાઓ પણ દિલ ઉપર હાથ મૂકી સાંભળી રહેતા.
“આભમાં કાળા વાદળાઓ એકઠાં થઈ ધરતીને ભીંજવી દેવા આતુર બને, વનમાં નાચતા મયુર ટહુકા ભરે જોઈ તેમની અદા નિરાળી ઢેલડીઓ મદહોશ બને….” હવામાં ઉછળતી લટોમાં ઘેરા મદહોશી ભર્યા અવાજમાં સુબોધ મેઘદૂતને સમજાવી રહ્યો હતો. તેની પ્રણય નીતરતી વાતોમાં શ્રુતિ પલળતી ચાલી. વર્ષા ભીજવે ઘરતીને અને મને ભીજવે તું ” બબડતી શ્રુતિ ક્યારે સુબોધના પ્રેમમાં ઝબોળાઈ ગઈ તેનો તને ખ્યાલ સુધ્ધાં ના રહ્યો.
પ્રેમભર્યા પાઠ ભણાવનાર સુબોધ પણ પ્રેમની મૂર્તિ સમી શ્રુતિથી દુર રહી શક્યો નહોતો. તેને પણ શ્રુતિ આકર્ષી રહી હતી.
સુબોધની મધ ઝરતી વાણીમાં શ્રુતિ લપેટાઈ ગઈ હતી. એક નાનકડાં શ્લોક વિષે વધારે જાણવાની ઉત્કંઠા લઈને એક દિવસ શ્રુતિ સુબોધને મળવા સ્ટાફ રૂમમાં પહોંચી ગઈ.
” સર મને જરા આ વિષે વિસ્તારથી સમજાવશો”
સાવ લગોલગ અને જરા નીચે વાળીને પૂછી રહેલી શ્રુતિના શરીરની વિશેષ સુગંધ અને લાંબા વાળની લહેરાતી લટોના હળવા સ્પર્શે સુબોધના મનનો સાગર બેવળી ગતિથી ઉછળવા લાગ્યો.
” શ્રુતિ અત્યારે તો મારે બીજા ક્લાસનો સમય થવા આવ્યો છે. પરંતુ તું કોલેજ પછી મને મળેલા સ્ટાફ ક્વાટર્સમાં આવી શકે છે હું તને બરાબર સમજાવી દઈશ.”
શીખવા શીખવાડવાનું તો નજીક આવવાનું બહાનું માત્ર હતું. એ પછીની બેચાર મુલાકાતોમાં જ
” હવે તું મને સર કહેવાનું છોડી માત્ર સુધીર કહે તો વધુ ગમશે. આમ પણ હું તારા કરતા માંડ પાંચ વર્ષ મોટો છું.” કહી સુધીરે શ્રુતિને નજીક આવવા આહવાન આપ્યું અને બંને થોડાજ દિવસોમાં ખાસ્સા નજીક આવી ગયા.
આજ સુધી પ્રેમ અને લાગણીઓથી દુર રહેનારી એ હવે પ્રેમમાં ડૂબવા લાગી અને સુબોધ સાથે લગ્ન કરી જીવન વસાવવાના સ્વપ્નો જોવા લાગી. સુબોધે પણ બહુ ચતુરાઈ થી અને શ્રુતિને પ્રેમના બધાજ પાઠ ભણાવી દીધા.
આ બધાની વચ્ચે શ્રુતિને સુધીરના ફેમિલીમાં કોણ છે,તેનું ભવિષ્ય કેટલું સધ્ધર છે તે વિષે જાણવાની જરૂરીઆત લાગી નહોતી. ચોરી છુપીથી મળતી ક્ષણોને બંને પ્રેમની લેવડ દેવડમાં વિતાવી દેતા. એક દિવસ શ્રુતિને તેના શરીરમાં થતા ફેરફારો વિષે ચિંતા થવા લાગી. ચોરી છુપીથી બાજુના કેમિસ્ટની દુકાનેથી લાવેલી પ્રેગનેન્સી કીટ દ્વારા પોતે મા બનવાની છે નાં એંધાણ આવી ગયા. ગઈ. થોડીક ક્ષણો જાણે એ બેસુધ બની ગઈ. કાનમાં લોકોના અટ્ટહાસ્ય ગુંજવા લાગ્યા. બધુજ પડતું મુકીને તે સીધી સુધીરના ઘરે દોડી.
“સુધીર હવે શું કરી શું? તું બધું સંભાળી લઈશ ને?” સુધીરના બંને હાથ પકડીને શ્રુતિ આદ્ર સ્વરે પૂછવા લાગી.
” જો શ્રુતિ હું પરણેલો છું, મારાથી મારી પત્ની અને બે વર્ષના બાળકને તેમના કોઈ વાંક ગુના વગર કંઈ છોડી નાં શકાય. મારું માની તું પણ બધું ભૂલી અજન્મ્યા ગર્ભનો નિકાલ કરાવી દે.હજુ કઈ ખાસ મોડું થયું નથી.”
” પણ મને આ વાત વિષે તે કદી જણાવ્યું નથી. મારી સાથે આટલી મોટી છેતરપીંડી?” શ્રુતિ માથે હાથ દઈને ઢગલો થઇ ગઈ.
” જો તને મેં છેતરી નથી, આ વિષે તે પહેલા કદીયે મને પુછ્યુ જ નથી. અને મેં તારી સાથે કોઈ બળજબરી પણ નથી કરી. માટે તું મને કોઈજ પ્રકારનો દોષ નાં દઈ શકે. તને મારી માટે આકર્ષણ હતું અને મને તારી માટે. તો હવે કોઈને દોષ આપવો જોઈએ નહિ.” કહીને સુબોધ શ્રુતિને એકલી રડતી મૂકી અંદરના રૂમમાં ચાલ્યો ગયો.
સુબોધના યૌવનના આવેગને પ્રેમ સમજી જીવનનું સર્વસ્વ સોંપી દેવાની ભૂલ કરીને શ્રુતિ તેના જીવનમાં મોટો ઝંઝાવાત લઇ આવી હતી. તેને આજે ભૂલ સમજાઈ રહી હતી ,પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું.
આજે શ્રુતિને સ્ત્રી અને પુરુષની વચ્ચેનો આ મોટો ભેદ સમજાઈ રહ્યો હતો. એક પુરુષ હાથ ખંખેરી ચાલી નીકળ્યો હતો. જ્યારે એક સ્ત્રી એ પ્રેમ સબંધના બીજને પોતાના તન મનમાં કાયમી સ્થાન આપી ચુકી હતી. “સાચી વાત હતી કે સ્ત્રી અને પુરુષની બરોબરી કદીયે થઈ શકે નહિ”.
બીજા દિવસે કોલેજમાં “સુબોધ સર અચાનક નોકરી છોડી કેમ ચાલ્યા ગયા? શું થયું હશે ?” ના અટકળ ચાલવા લાગ્યા. એકલી શ્રુતિ જાણતી હતીકે એક કાયર પુરુષ કેમ ભાગી ગયો.
ત્રણ મહિનાં સુધી છુપાવી રાખેલી વાત હવે વધારે સમય સંતાડી રાખવી શક્ય નાં લાગતા એક રાત્રે શ્રુતિએ મમ્મીના ખોળામાં માથું નાખી હળવી કરી નાખી. થોડી બુમાબુમ રોકકળ વચ્ચે છેવટે ” હવે સમાજમાં શું મ્હો બતાવીશું? આ છોકરીએ આપણી આબરૂ કાઢી.” નાં કકળાટ વચ્ચે માં બાપે બળજબરીથી શ્રુતિનું અબોર્શન કરાવી દીધું. સ્ત્રીના જીવનનું અતિ અમુલ્ય એવું માતૃત્વનું સુખ શ્રુતિને જીવનમાંથી પરાણે દુર કરવું પડ્યું.
બહારથી બધું સામાન્ય થઇ ગયું. માં બાપની આબરૂ બરાબર સચવાઈ ગઈ. માત્ર એનેસ્થેસિયાના વધારે પડતા ડોઝને કારણે શ્રુતિના મગજને અસર થઇ ગઈ. બહુ લાંબી સારવાર પછી પણ તેની માનસિક અવસ્થામાં કોઈ ઝાઝો સુધારો થયો નહિ અને એક તેજસ્વી તારલો ઘૂમકેતુ બની ગયો. એક પ્રતિભાશાળી અને મહત્વાકાંક્ષી યુવતી શૂન્ય બનીને રહી ગઈ.
આજે તેને પોતે ક્યા છે શું કરે છે તેનું કોઈ તેને ભાન રહેતું નથી. માત્ર ક્યારેક મેઘદૂતની કાવ્ય પંક્તિઓ હજુ પણ એકલી બેસીને ગુંચાઈ ગયેલા વાળમાં આંગળીઓ ખોસીને બબડતા ગણગણતી જોવા મળે છે.
શ્રુતિ જાણનારા બધાને એક વાતનું આશ્ચર્ય થયા કરે છે કે “આને અચાનક શું થઈ ગયું? શું કોઈ આ સુંદર ખીલતા ફૂલને ક્રુરતાથી કોણ મસળી ગયું હશે? કોણે તેની આવી અવદશા કરી હશે” સમાજમાં ફરી આવી અટકળ ચાલવા લાગી…
ડેલાવર (યુએસએ)
29
Dec