કોલેજ કેમ્પસની જાણી અજાણી વાતો
Monthly Archives: March 2016
કોલેજ કેમ્પસની જાણી અજાણી વાતો (unpublish)
કોલેજ…ખુલ્લાં આભમાં ઉડવાનો સમય
દરેક કોલેજમાં ઓપન હાઉસ રખાય છે. જ્યાં પેરન્ટસ અને બાળકોને આખી કોલેજ અને તેની સીસ્ટમ સમજાવવામાં આવે છે. બાળકો પહેલી વાર ઘરની બહાર ભણવા રહેવા જવાના હોય છે. ટીનેજર્સને મુક્ત હવામાં ઉડવાની ઉતાવળ હોય છે , તેમને દુનિયા એક્સ્પ્લોર કરવી હોય છે. કેટલાકને ખાસ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થવું હોય છે. આ પછી આવે છે એક્સેપ્ટેન્સ લેટર અને ત્યાર બાદ ઓરીએન્ટેશનની તારીખ આવે, જ્યાં એડમીશન મળેલા સ્ટુડન્ટસને એક દિવસ ત્યાંજ રહેવાનું હોય છે જેથી કોલેજ અને બીજા સ્ટુડન્ટસને જાણવાની તક મળે છે.
આ બધા પછી આવે છે મુવિંગ ડે , જે કોલેજ શરુ થવાના આગળ દિવસે રખાય છે. બાળકો માટે એક્સાઈટમેન્ટનો અને પેરન્ટસ માટે બેચેનીભર્યો આ દિવસ હોય છે. જે બાળકોને સતત પાંપણોની છાયા હેઠળ રાખ્યાં હોય તેમને ખુલ્લાં આભમાં એકલા છોડવાના હોય છે. છતાં પણ તેમેને ઉડતા શીખવા દેવું પણ જરૂરી બને છે.
આજ કશુંક મનમાં ફાગણ જેવું ફૂટે છે,
આજ કશુંક મનમાં ફાગણ જેવું ફૂટે છે,
તહી ભીતરે અતીત સુખચેન લસોટે છે
આ આંબા ડાળે મંજરીઓ બહુ મહોરે છે
પીયુ મિલન કાજ કોયલ સુરને ઘુટે છે.
ફૂલોના તન શરમ સઘળી છોડી ઉઘડે છે
તહીજ ખુશ્બુ વાંચી ભમરા રસને લુંટે છે.
કેસુડાંને ગુલમહોર, કેમ છો એમ પૂછે છે
અહી રંગોની ટોળી આવી બેવને ચુંટે છે
ભાવના સઘળી ભીતે ચિતર્યા મોરની છે
જરી બારી ખોલી ત્યાં ઠંડી મનને કચોટે છે
રેખા પટેલ (વિનોદિની)
ઈલેકશન બહુ રસપ્રદ રહેશે;
સામાન્ય રીતે ઇલેકશનમાં થતા જંગી ખર્ચને પહોંચી વળવા માટે ઉમેદવારોને ફંડની બહુ જરૂર રહે છે , આ માટે ટેકેદાર પોતાનાથી બનતા પ્રયત્નો કરે છે તેની માટે ફંડ રેઝીંગ કરતા હોય છે. મોટી મોટી કંપની અને બીઝનેસ ટાયકુન દેખાતા ફાયદા અનુસાર ફંડ આપતા હોય છે.
કવિતા : એક

એક ટકોર
ટુંકી વાર્તા : એક ટકોર
આજે મારી નોકરીનો પહેલો દિવસ હતો. એથી જરૂર કરતા વહેલી જાગી ગઈ હતી. એકતો રાત્રે ટેન્શનના કારણે બહુ મોડા આંખ મીચાઈ હતી છતાં પાંચ વાગ્યાનું એલાર્મ મુક્યું હતું, રૂપેશ બોલ્યા પણ ખરા,”રીમા થોડી વાર સુઈ જા.હજુ વાર છે તારે આઠ વાગ્યે પહોચવાનું છે.આમ પાચ વાગ્યે ઉઠીને શું કરવાની છે?”
“રૂપેશ,મારે ઘરકામ પતાવીને જવાનું છે. તમે સાત વાગે ઉઠો તો ચાલે મારે ના ચાલે.”આમ કહીને ફટાફટ નાહી પરવારીને અને રસોડાની બાજુમાં આવેલા નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવી પ્રભુના આશિષ લીધા. મનમાં સ્તુતિ બોલતા રસોડામાં ઘુસી ગઈ.આજે મશીન કરતા પણ વધુ ઝડપે મારા હાથ ચાલવા લાગ્યા હતા. લંચમાં લઇ જવા શાક અને ભાખરી બનાવી કાઢ્યા. થોડું શાક અને બાકીની ભાખરીનો લોટ ડબ્બામાં રહેવા દીધો. વિચારીને કે બાને ખાવું હશે ત્યારે ગરમ ભાખરી બનાવી લેશે. કારણ બાને ઠંડી ભાખરી ભાવતી નહોતી.
સામે ઘડિયાળમા નજર પડી તો કાંટો સાડા છ બતાવતો હતો.રૂમમાં જઈ રૂપેશને જગાડ્યા “ચલો ઉઠો,ચા થઇ ગઈ છે ” રસોડું સાફ કરતા કરતા ચાના ગરમ ઘુંટ ભરવા લાગી. મને આદત હતી પહેલા ચાય પીવું પછીજ આગળ કામ સુઝતું. પણ આજે આ કામની લ્હાયમાં વર્ષોની ટેવ કેવી ભાગી! હું મનોમન હસી પડી.
આજે પહેલો દિવસ હતો નોકરીનો હું મોડી પાડવા માગતી નહોતી.અમારા લગ્નને છ મહિના થયા હતા હજુ બાળક માટે વાર હતી. મારી ઈચ્છા હતી કે ત્યાં સુધી હું ક્યાંક નોકરી કરું તો થોડી ઘણી વઘારાની બચત થઇ જાય.પરતું બાને આ વાત મંજુર નહોતી।…બાએ તો એક જ વાત પકડી રાખી હતી કે ” આજ સુધી મેં ધરકામ બહુ કર્યું હવે મારે આરામ જોઈએ છે” તેમને બીક હતી કે જો રીમા નોકરી કરશે તો તેમને વધારાનું કામ કરવું પડશે.
હું આ વાતને બરાબર સમજી ગઈ હતી માટે મેં સામેથી જણાવ્યું હતું,”બા….,તમે કામની જરાય ચિંતા નાં કરશો.હું ઘર અને બહાર બંને બરાબર સંભાળી લઇશ.”
મારા કહ્યા મુજબ બધું પરવારી બાને પગે લાગી હું નોકરી ઉપર જવા નીકળી ગઈ. રૂપેશ પણ ખુશ હતા. કારણ તે મારી ખુશીમાં કાયમ ખુશ રહેનારા હતા , વધારામાં કહેતા કે “રીમા હવે તને બહારનો અને બહારના લોકોનો અનુભવ થશે અને વધારાની બચત થશે જે આપણા આવનારા ભવિષ્ય માટે ઉપયોગમાં આવશે”.
નોકરી પરથી પાંચ વાગ્યે ઘરે આવી જતી.ઘરે આવીને બાકીનું કામ હસતા મ્હોએ ફટાફટ આટોપી લેતી જેથી બાને કોઈ અગવડ નાં પડે. છતાં પણ તેમને લાગતું કે હું ઘરે નાં હો ત્યારે તેમને ભાગ થોડા ઘણા કામ આવી જાય છે. તે ખુશ નહોતા જણાતા.
આ રીતે એક વર્ષ જેવો સમય થયો હશે. હવે ઘરના કામ અને મારી નોકરી માટે કરવી પડતી દોડાદોડીની માઠી અસર મારા સ્વાસ્થ ઉપર પડવા લાગી. ક્યારેક તો ધરે આવીને એમ થતું થોડી વાર સુઇ જઉ.એક દિવસ આ કારણે હું તાવમાં પટકાઈ ગઇ.ડોકટરે આરામ કરવા જણાવ્યું. પણ નોકરીમાં બહુ રજા મળે તેમ નહોતું આથી બે દિવસ આરામ કરી ફરી હું હાજર થઇ ગઈ. હવે રૂપેશ બાને ટોકતા હતા અને કહેતા કે,”બા….,આખો દિવસ ઘરે રહો છો તો ક્યારેક રસોઈની થોડી તૈયારી કરી લેતા હો તો રીમાને પણ રાહત રહે.”
બાને લાગ્યું દીકરો માનો મટી વહુનો થઇ ગયો.બા સ્વભાવે મળતાવડા અને પ્રેમાળ હતા. પણ કોણ જાણે તેમને બહાર કામ કરતી વહુ પસંદ નહોતી .
બા હવે બીમારીનું બહાનું કાઢી અમારા ઘરે આવવાના સમયે સુઈ જતા. હું આ વાત સમજી ગઈ હતી પરંતુ મારે કામ ઘર અને નોકરીના બંનેને જાતેજ સંભાળવાના છે.
મારા મોટા નણંદ સ્મિતાબેન બે દિવસ અમારા ઘરે રહેવા આવ્યા. આ બે દિવસમાં તેમને ઘણું જોયું હતું તેઓ આખી સ્થિતિ સમજી ગયા હતા. પાછા જવાની આગલી રાત્રે તે બાના ઓરડામાં વાતો કરતા હતા તે હું ત્યાંથી પસાર થતા સાંભળી ગઈ.
” બા સારું છે ને વહુ ચાર પૈસા કમાશે તો તારા જ ઘરમાં આવશેને! જો હું નોકરી કરું છું તો મારા ઘરમાં બધાને બહુ રાહત થાય છે. મારા સાસુ તો મને કાયમ કહે છે, “સ્મિતા,તું બહાર કામ કર હું ઘરનું કામ હું સંભાળી લઇશ.આથી મને પણ લાગે હું કામ કરું છું, બધાને મદદરૂપ થાઉં છું.” મારા આ સાસુ એ માત્ર સાસુજ નથી, તારી જેમ મા છે ”.
બીજા દિવસે એલાર્મ વાગતા હું બેઠી થઇ ગઈ અને રસોડામાં જઈને જોયું, તો બા મારી માટે ચા મૂકી રહ્યા હતા. તે બોલ્યા ” રીમા આવ પહેલા ચા પીલે પછી બીજા કામ કરજે” સ્મિતાબેનની એક ટકોર દવાની કામ કરી ગઈ અને મારી આંખો ખુશીથી છલકાઈ પડી.
-રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)
અછાંદસ કાવ્ય :
તું અને હું,
વનમાં પ્રવેશી ગયા ,
તેનો પુરાવો,
આ સફેદ લટો આપે છે.
આ સબંધને ચાર દાયકા થયા,
તેનો પુરાવો,
શબ્દો વિનાની વાતો આપે છે.
આજે અચાનક મળવું થયું ,
હવા સ્થિર બની ગઈ
સમય પોરો ખાવા રોકાઈ ગયો.
ચોતરફ મંડરાતો રહ્યો
માત્ર
આપણો અહેસાસ.
જે મને વન માંથી ઉચકી,
અઢારની વસંતમાં લઇ ગયો.
કેટલી નિશબ્દ ખામોશી ,
છતાં.
કેટકેટલી વાતોનો ગુંજારવ.
આ અંગુલીઓનો આછડતો સ્પર્શ,
ગાઢ આલિંગનનું સુખ અર્પી ગયો.
આખરે મેં મૌન તોડ્યું
“હું નીકળું,
પૌત્રને આવવાનો સમય થયો”
છેવટે તે પણ મૌન તોડ્યું,
“મળતી રહેજે કઈ પણ આપ્યા વીના
અઘઘ આપવા માટે “.
રેખા પટેલ (વિનોદિની)
લખતી રહું
લખતી રહું ઘીમી ઝરેલી ઓસમાં નામ તારું
મોતી બની પાનાં ઉપર તું ચમક થઇ આવજે ને
સઘળી સુકાયેલી ક્ષણો તું આંખમાં લાવજે રે
લખતી રહું ફૂલો વડે ઉપવન મહી નામ તારું
સ્નેહે તુ મારા પ્રેમની એ ભેટ લઇ આવજે ને
ખૂશ્બુ ભર્યો સંગાથ તારો સામે થી આપજે રે
લખતી રહું ક્ષિતીજની રેખા ઉપર નામ તારું
સંધ્યા સજાવે સેજ ગુલાબી અહી આવજે ને
નભને ઘરા જેવા મિલનનો ખ્યાલ તું રાખજે રે
લખતી રહું ધડકનને શ્વાસોમાં ભરી નામ તારું
મારી નશોમાં તું નશાને સાથ લઇ આવજે ને
પ્યાલી ભરીને પ્રીતની ઉર્મીના મય ચાખજે રે
લખતી રહું કાવ્યો ગઝલમાં માત્ર હું નામ તારું
સાથે સજાવીશું વફાને વાયદા આવજે ને
બે ટુંક તારી આપજે બાકી મને વાંચજે રે
રેખા પટેલ (વિનોદીની)
ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાલગાગા
લોટરી એ ઘેલછા થી વિશેષ કઈ નથી
તને યાદ કરવાનું કારણ છે ,હમણા મોલમાં શોપીંગ કરતા મારી એક ફ્રેન્ડ મલી. આમ તો જ્યારે પણ મને મળી જાય ત્યારે કાયમ જોબ અને પૈસાની વાત લઇ કંપ્લેન કરતી હોય. કે પાર્ટ ટાઈમ જોબ છે અને ખર્ચા બહુ થાય છે વગેરે. આજે મારી નવાઇ વચ્ચે બ્રાન્ડેડ કપડાં અને વસ્તુઓ બેગમાં લઇને નિકળતી હતી.તેને જોતા હું ઉભી રહી
તું અને હું,
વનમાં પ્રવેશી ગયા ,
તેનો પુરાવો,
આ સફેદ લટો આપે છે.
આ સબંધને ચાર દાયકા થયા,
તેનો પુરાવો,
શબ્દો વિનાની વાતો આપે છે.
આજે અચાનક મળવું થયું ,
હવા સ્થિર થઈ ગઈ,
સમય પોરો ખાવા રોકાઈ ગયો.
ચોતરફ મંડરાતો હતો
ફક્ત આપણો અહેસાસ
જે મને વન માંથી ઉચકી,
અઢારની વસંતમાં લઇ ગયો.
કેટલી બધી નિશબ્દ ખામોશી ,
છતાં કેટકેટલી વાતોનો ગુંજારવ.
અંગુલીઓનો આછડતો સ્પર્શ,
ગાઢ આલિંગનનું સુખ અર્પી ગયો.
આખરે મેં મૌન તોડ્યું
“હું નીકળું આરતીનો સમય થયો”
છેવટે તે પણ મૌન તોડ્યું,
“મળતી રહેજે કઈ પણ આપ્યા વીના
અઘઘ આપવા માટે “.
રેખા પટેલ (વિનોદિની)