ગો બેક ટુ યોર ઓન કન્ટ્રી ” ” હેટ ક્રાઈમ”…રેખા પટેલ(વિનોદિની)
દરેક પરદેશીઓ તેમાંય ખાસ કરીને ભારતીયો માટે ડ્રીમલેન્ડ ગણાતું અમેરિકા અત્યારે વંશીય ભેદભાવના કારણે વખોડાઈ રહ્યું છે. ” પ્રાઉડ ટુ બી અમેરિકન કહેનારા ભારતીયોને અત્યારે ” ગો બેક ટુ યોર કન્ટ્રી સાથે ખરાબ ગાળો અને અપમાન સહન કરવા પડે છે. આ વાત ભયજનક અને શરમજનક બની રહી છે. અમેરિકન સીટીઝન થયા પછી આ દેશના નાગરિક હોવાનું ગૌરવ અનુભવતા હતા તેવા ૨૫ વર્ષથી પણ વધારે વર્ષોથી રહેતા રહેવાસીઓ ને આજે જાઓ પાછા તમારા દેશમાં કહેવામાં આવે ત્યારે આ વાત દરેકને વિચારતા કરી મુકે છે..
જો નિષ્પક્ષ રીતે વાતને સમજવામાં આવે તો અમેરિકાનું ન્યાયતંત્ર સામાન્ય રીતે સુવ્યવસ્થિત અને કડક વલણ અપનાવનારું છે, આ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી …..
અમેરિકાનું જમા પાસુ એ છે કે અમેરિકાને “લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટી’ પણ કહે છે. એનું ખાસ કારણ કે,અહી ભલેને ખાલી ખીસ્સે ભલે આવ્યા હોય પરંતુ જો તમારામાં આવડત હોય અને કામ કરવાની તાકાત હોય તો ખિસ્સાને ભરાતા વાર લાગતી નથી. અને આથી બીજા દેશોમાંથી આગળ વધવાની ઈચ્છા ઘરાવતા દરેકને આ દેશમાં આવવું હોય છે. આવા ડ્રીમલેન્ડ માં આજે ” હેટ ક્રાઈમ” નામનું ભૂત મંડરાઈ રહ્યું છે.
પ્રેસિડેન્ટ ટ્રમ્પની સરકાર બનાવવા ભારતીઓએ ગજા કરતા વધારે ઈલેકશન નું ફંડ ભેગું કરાવી આપ્યું હતું એ ઉપરાંત બનતી મદદ કરી હતી તેજ રીપબ્લીકન ગવર્મેન્ટના હાથ નીચે અમેરિકામાં રહેતા ભારતીઓ આજે ફફડી ઉઠ્યા છે તે પણ હકીકત છે.
જે લોકોને આશા હતી કે ટ્રમ્પ સરકારના નેજા હેઠળ રીશેસન ઘટશે, જીવન ધોરણ ઊંચું આવશે સાથે ટેક્સ તથા મેડીકલ ઈન્સ્યોરન્સમાં ઘટાડો થશે, કમાણી વધશે. એનાથી વિપરીત અત્યારે વંશીય હત્યાઓને કારણે ઇમિગ્રન્ટ પ્રજા ભયમાં રહે છે. અસામાજિક ઇસ્લામિક તત્વોને સાથ આપતા મુસ્લિમ કન્ટ્રીના લોકો સાથે ભારતીય લોકો પણ ઘઉં ભેગી કાંકરીની જેમ પીસાઈ રહ્યા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે ચુંટણી પ્રચાર દરમિયાનની સ્પીચમાં જણાવ્યા પ્રમાણે ઈલીગલ કામ કરતા ઇસ્લામિક તત્વોને, આતંકવાદને દેશની બહાર ફેંકી દેવામાં આવશે. ઈલીગલ ઇમિગ્રનટ્સ ને બહાર કાઢવામાં આવશે. જેના કારણે અહીના નાગરિકોને કામ મળી રહેશે. જેવા વાક્યોનો અહી રેસીસ્ટ મનોવૃત્તિ ધરાવતા લોકોએ અવળો અર્થ લીધો. જેના પ્રમાણે આ કન્ટ્રી તેમનાં એકલાનો છે તેવું માનવા લાગ્યા. હકીકતમાં આ દેશમાં રહેલા બોર્ન અમેરિકન કે અહી અર્હીને થયેલા અમેરિકન સીટીઝન બધાજ ક્યાંક અને ક્યારેક ઈમિગ્રન્ટ હતા તેમ કહી શકાય છે.
૨૨ ફેબ્રુઆરીના મૂળ આંધ્ર પ્રદેશના ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચીભોતલાની કેન્સાસમાં હત્યા થઇ હતી. તેની હત્યા કરનારે ” ગો બેક યોર કન્ટ્રી કહી ગોળીબાર કર્યો હતો. હુમલો કરનાર નેવીનો રીટાયર્ડ અઘીકારી હતો. આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય છે કે ઉપર બહુ બ્લ્યુ કોલર જોબ ઘરાવતા અને એજ્યુકેટેડ લોકોના દિલ દિમાગમાં કેટલું ઘીમું ઝેર રહેલું હોય છે. ટ્રમ્પ સરકાર તરફથી ઉચ્ચારાએલા શબ્દો “ઈલીગલ ઇમિગ્રન્ટ આર બેન્ડ ફોર ધીસ કન્ટ્રી ” ને આવા મનથી મેલા હિપોક્રેટ લોકોએ પોતાને મન ગમતો અર્થ તારવી લીધો છે. આના કારણે આવા અઘટિત બનાવો ઘટી રહ્યા છે. જોકે આની વિરુદ્ધમાં અહી રહેતા ભારતીઓ સાથે સમજુ અમેરિકન પ્રજાએ પણ તેના ઉગ્ર પ્રતિભાવ પાડ્યા. કારણ આ બધું ટેમ્પરરી આક્રોશનું પરિણામ ગણવું વધારે યોગ્ય રહેશે.
આ ઘટનાનાં બે દિવસ પછી સાઉથ કેરોલિનાનામાં રહેતા વડોદરાના ગુજરાતી યુવાન હર્નિશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હર્નિશ પટેલ લેન્કેસ્ટર કાઉન્ટીમાં કન્વીનિયન્સ સ્ટોર હતો. રાત્રે સાડા અગિયારે સ્ટોર બંધ કરી ઘરે જતા હતા તે સમયે ઘરની પાસે પહોચતાં અજાણ્યા શખ્સ દ્વારા ગોળીબાર થયો હતો.
શુક્રવાર, 3 માર્ચે શીખ યુવક દીપ રાય ઉપર ચહેરા ઉપર માસ્ક પહેરેલા યુવાને ગોળી મારી હતી. એ ઘરની બહાર કાર રીપેર કરી રહ્યો હતો. એતો નશીબ સારું હતું કે હાથ ઉપર ગોળી વાગવાથી તે બચી ગયો.
આ સિવાય અન્ય ઘટનાઓમાં પણ ભારતીયો નાના મોટા અંશે હેટ ક્રાઇમનો ભોગ બન્યાના અહેવાલ છે. આ બધી આ ઘટનાનાં વિરુદ્ધમાં વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, અમેરિકામાં દરેક અમેરિકન નાગરિત્વ ઘરાવતા નાગરીકને તેમનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. કોઈએ ડરમાં રહેવાની જરૂર નથી. એક રીતે ટ્રમ્પ સરકાર બધાની તદ્દન વિરુધ્ધ છે અને આવા હુમલાખોરો ને સખત સજા મળશે કહી નિંદા કરે છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પના વિજયમાં ભારતીય કોમ્યુનિટીનો મોટો ફાળો હતો એ સહુ કોઇ જાણે છે. ટ્રમ્પ સરકારની ભારત અને ભારતીયો તરફ સોફ્ટ કોર્નર ધરાવતી હોવાની છાપ છે પણ ભારતીયો પરના હુમલા રોકવામાં તે નિષ્ફળ નીવડી રહી છે.
આવા થતા હુમલાઓની વિરુદ્ધમાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. જેમના હાથમાં ‘વી વોન્ટ પીસ’ ” વી હેટ ક્રાઈમ” લખેલા બેનર્સ હતા. આવા વંશીય હુમલા દિનપ્રતિદિન વધતાં જાય છે જે જોતા લોકોના મનમાં છૂપો ડર વધવા લાગ્યો છે. અમેરિકામાં જે લોકો એક કુટુંબની માફક રહેતા હતા તેમાની વચ્ચે અચાનક આવો ભેદભાવ ક્યાંથી જન્મ્યો જે સમજાતું નથી કે પછી આ આજ દિવસ સુધી મનમાં સંઘરાઈ રહેલી ઈર્ષા કે ધૃણા હશે જે જરાક છૂટ મળતા બહાર આવવા લાગી છે. જોકે બધા આવા નથી તે વાત સાવ સાચી છે. કારણ મરનાર શ્રીનિવાસને બચાવવા જતા તેમના અમેરિકન મિત્ર ઇયાન ગ્રિલોટને પણ ઇજા થઈ હતી. આવા કેટલાય અમેરિકનો છે જે ઇમિગ્રન્ટ સાથે એકજ કુટુંબના સભ્યોની માફક સ્નેહથી રહે છે, મદદ કરે છે
છતાં આવા નાના મોટા બનાવો હમણાંથી ઠેરઠેર થવા લાગ્યા છે. હમણાં થોડાજ દિવસ પહેલા મારી એક મિત્ર ગ્રોસરી સ્ટોરમાં ગઈ હતી. બહાર આવતાની સાથે કોઈ અમેરિકન આવી તેને પૂછવા લાગ્યો ” તારી પાસે ગ્રીનકાર્ડ છે કે તું ઇલીગલ છું?” અહી ૨૫-૫૦ વર્ષથી રહેતા લોકોને જ્યારે કોઈ આમ અટકાવીને પૂછે ત્યારે નવાઈ લાગે છે.
ન્યૂ યોર્ક પોલીસ વિભાગનાં જણાવ્યા મુજબ ટ્રમ્પનાં પ્રેસિડેન્ટ બન્યા પછીના થોડાજ દિવસોમાં વંશીય હિંસામાં ૧૧૦ ટકાનો વધારો થયો છે.. ભારતીયો પર હુમલાની ત્રણ ઘટના બનતાં ત્યાં વસી રહેલા ભારતીય સમુદાયમાં ગભરાહટની લાગણી પ્રવર્તી રહી છે. ત્રણમાંથી બે ઘટનામાં તો હુમલાખોરોએ કહ્યું હતું કે, “ગો બેક ટુ યોર કન્ટ્રી ” જે સ્પસ્ટ કરે છે કે તેઓ અમેરિકામાં ઇમિગ્રન્ટને જોવા માગતા નથી. જે અહીના બંધારણની તદ્દન વિરુધ્ધમાં છે.
પહેલા ક્યારેક રેસિસ્ટની કમ્પ્લેન કરતા લોકોને હવે લાગવા માંડયું છે કે તેમની સાથે માત્ર નોકરીઓમાં ભેદભાવ થશે તેમ ના રહેતા જીવને પણ જોખમ રહેશે. જેના પરિણામે અમેરિકામાં વસી રહેલા સ્વજનોની ભારતમાં પણ ચિંતા થવા લાગે તે સ્વાભાવિક છે. અહી પહેલા આફ્રિકન અમેરિકનની બધાને બીક રહેતી હતી. એ સમય બદલાઈ ગયો છે હવે ભારતીયોને પણ વ્હાઈટ અમેરિકનોના ધોળિયા ધિક્કાર નો ભોગ બનવું પડે છે.
હમણાં સાંભળવામાં આવેલી વાત પ્રમાણે ફ્લોરીડામાં રહેતા એક ભારતીય મહિલા ડોક્ટર સાંજના સમયે પોતાના નેબરહુડમાં ચાલવા નીકળ્યા હતા. ત્યારે સુમસાન રસ્તામાં એક કારમાં ચાર પાંચ યુવાનોએ કારની વિન્ડો ખુલ્લી કરી તેમને જોરથી “ગો બેક ટુ યોર કન્ટ્રી” કહી ગમે તેવી ગાળો આપી હતી.
આવીજ રીતે પેન્સીલવેનિયાના લેન્સ્ડેલમાં રહેતા એક આધેડ ઉંમરના બહેન પોતાના ડ્રાઈવેમાં કંઈ કરી રહ્યા હતા. તે વખતે કારમાંથી એક અમેરિકન યુવાને હાથમાં છુરી સાથે અચાનક હુમલો કર્યો અને એજ વાક્ય” ગો બેક ટુ યોર કન્ટ્રી” આતો સારું હતુ કે તે બહેન પહેલેથી એલર્ટ થઈ ગયા અને બચી ગયા. છતાં હાથમાં વાગેલી છુરીને કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવા પડ્યા હતા.
આવા તો કેટલાય નાના મોટા કિસ્સા સાંભળવા મળી રહ્યા છે. હવે તો આપણી બહેન દીકરીઓને બહાર એકલી મોકલતા પણ ડર રહે છે. છતાંય કોલેજમાં ભણતાં યુવાનોમાં આવી નકારાત્મકતા જન્મી નથી. તે લોકો બહુ ઉદારવાદી અને લિબરલ રહે છે. તેમનું માનવું છે અહી રહેતા મોટાભાગના બધાજ ક્યાંક ને ક્યાંકથી ઇમિગ્રન્ટ છે. સહુએ આ દેશને પોતાનો માનીને રહેવું જોઈએ. આજની યુવાન પ્રજા આ બાબતે સમજુ લાગે છે. ઈલેકશન વખતે પણ યુવાનો અને સ્ટુડન્ટ મોટાભાગે હિલેરીની તરફેણમાં હતા. કારણ તેઓનું માનવું હતું કે ટ્રમ્પનાં આવ્યા પછી રેસીઝમ વધી જશે. જે આજે સાચું લાગી રહ્યું છે.
ટ્રમ્પ સરકારે આતંકવાદ સામે વિરોધ નોઘાવ્યો હતો , આતંકવાદને પોષતા દેશો ઉપર પાબંધી લગાવી હતી. જે દેશના હિતમાં હતું. પરંતુ તેના પગલે ચાલી રહેલા અણસમજુ લોકો તેનો અવળો અર્થ લઈને અમેરિકન સિવાય બીજા લોકોને તિરસ્કારથી જોવા લાગ્યા. આ બધામાં ખાસ એ પણ છે કે ભારતીય લોકો ઘરબાર છોડી પરદેશ કમાવવા આવે છે. અને મહેનત ભણતર અને આવડતથી બહુ ઝડપથી ડોલર કમાઈ લેતા હોય છે. પોતાના ઘર અને ઘંધા જમાવી લેતા હોય છે. આ ઉપરાંત આઈટીમાં ભણેલાં યુવાનો, એન્જીનીયરીંગ અને ડોક્ટરસ સારી સારી પોસ્ટ ઉપર કામ કરતા જોવા મળે છે. તેમની પ્રગતિ થી જેલસ થયલા અમેરિકાનો આ રીતે પોતાનો ગુસ્સો બહાર કાઢી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે આવા નાના મોટા બનાવો બનતા રહે છે.
વધારામાં યુએસ કોંગ્રેસમાં હવે અમેરિકનોને કામ મળવું જોઈએ ના પગલે ઈલીગલ લોકોને શોધી શોધી પકડી લેવાય છે. જેના પરિણામ સ્વરૂપ અહી મોટાભાગના લેબર વર્ક માટે ઓછા વેતને વધુ કામ કરવા મળી આવતા મેક્સીક્સન લોકોની ખોટ પડવા લાગી છે. જો આમ વધતું રહેશે તો અહી બિઝનેશ કરતા લોકોને કામ ઉપર રાખવા કે લેબર વર્ક માટે માણસો મળવા મુશ્કેલ થશે. મોટેભાગે લેન્ડસ્કેપીંગ, ઘરકા ક્લીનીંગ માટે, મોટેલમાં હાઉસ કીપિંગ માટે અને વ્હિન્ટરમાં સ્નો દુર કરવાનાં કામ મોટા ભાગે મેક્સિકન લોકો કરતાં હોય છે. કારણ આવા બધા મહેનતના કામ અહીના વ્હાઈટ અમેરિકન અને આફ્રિકન અમેરિકનને નથી કરવા હોતા. પરિણામે અહી કામ કરનારની ખોટ પડશે તેવું સતત લાગ્યા કરે છે. સ્ટોર્સ અને સ્ટોર્સની બહાર ગવર્મેન્ટના માણસો અચાનક આવીને કામ કરતા માણસો પાસે આઇડીની પૂછપરછ કરી રહ્યા છે. જેના કારણે હવે ઈલીગલ કામ કરતા લોકોમાં ખાસ્સો ફફડાટ જોવા મળે છે. આમ અમેરિકામાં ઈલીગલ આવેલા સેંકડો લોકોના માથે પકડાઈ જવાના ભયની તલવાર ઝળુંબી રહી છે….
આ યુનાઇટેડ સ્ટેટ્સ,ઓફ અમેરિકા પચાસ રાજ્યોની બનેલી ફેડરલ( સંઘીય ) ગવર્મેન્ટ છે ,અહી સરકારી માળખાનું બંધારણ પ્રજાસત્તાક છે. અહીની રાજકીય પદ્ધતિ શ્રેષ્ઠ છે કારણ કે તેમાં લોકોને સંપૂર્ણ સ્વતંત્રતા અને અધિકારો અને સામાજિક ન્યાય મળે છે.
અમેરિકામાં પ્રમુખશાહી લોકશાહી, વ્યવસ્થા છે તેમાં પણ પ્રમુખને આપખુદ સત્તા નથી તેમને સંસદ દ્વારા મંજૂરી અને સ્વીકૃતિ મેળવવી જરૂરી છે. અહી ડેમોક્રેટીક અને રીપબ્લીકન બે મજબુત પક્ષો છે. આ વખતની ચૂટણીમાં રીપબ્લીકન સત્તા આવી છે.
અમેરિકામાં આ બધી બદી બીજા દેશોની સરખામણીમાં ઘણા ઓછા અંશે જોવા મળે છે . અહીનું ન્યાયતંત્ર ઝડપી અને સ્પષ્ટ હોય છે. આવા દેશમાં આજે જ્યારે ક્રાઈમને આ રીતે લોક માનસમાં ફેલાતું જોઈએ ત્યારે અક્રોશ સાથે દુઃખ થાય છે.
આ બધાને બાદ કરવામાં આવે તો અમેરિકા સ્વતંત્રતાને નામે કોઈની લાગણીઓ ના દુભાય એવી રીતે વાણી સ્વાતંત્રતાની માનસિકતા વિચારસરણીનું ઘડતર કરે છે. આજે અમેરિકાની વાણી સ્વતંત્રા વિશે વાત કરવામાં આવે તો અમેરિકાનું એક સહુથી મોટું જમા પાસું હોય તો એ છે.”ફ્રીડમ ઓફ સ્પીચ” જેમાં દરેક વ્યક્તિને પોતાની વાત મુકવાનો હક છે.
અહી વસતી નાની હોય કે મોટી દરેક વ્યક્તિને પોતાના વિચારો રજુ કરવાનો સમાન હક છે. અહી વાણી સ્વતંત્રતા બાબતે અમીર કે ગરીબ એવો કોઇ ભેદ નથી. એક સામાન્ય માણસ પણ ઊંચા પોસ્ટ ઉપર બેઠેલા અધિકારીને પોતાની વાત અને વિચારોને બેધડક એની સમક્ષ રાખી શકે છે
અમેરિકામાં જુદા જુદા દેશના લોકો આવીને વસ્યા છે. અલગ અલગ સંસ્કુતિથી બનેલો આ દેશ અત્યારના આ કેટલાક બનાવોને બાદ કરતા વધારે કરીને ઉદારવાદી નીતિ અપનાવે છે. અહી આવેલા બધાને અપનાવી પોતાના બનાવી લેવાની કળામાં આ દેશ માહેર છે. તેથી જ બહારના દેશોમાંથી ભણેણું યુવાધન અમેરિકામાં રહેવાનું કે સ્થાઈ થવાનું પહેલું પસંદ કરે છે. અહી તમારી બુદ્ધિનું અને હોશિયારીનું પૂરેપૂરું વળતર મળે છે. આજ કારણે બીજા દેશોનું યુવાધન અહી આવીને વસી રહ્યું છે. મારા મત પ્રમાણે અહીની ગવર્મેન્ટ આ વાતને બરાબર સમજે છે એથી કરીને આ બધું થોડાજ સમયમાં સમેટાઈ જશે
છતાં આ બધું ટેમ્પરરી છે એમ સમજીને સાવચેતી પૂર્વક થોડો સમય જવા દેવામાં સમજદારી છે. આવા સમાજમાં ધિક્કાર ફેલાવતા પૂર્વાગ્રહ વાળા લોકો લાંબો સમય ટકી શકતા નથી. પરંતુ ત્યાં સુધી નિર્દોષ લોકોએ તેમની નારાજગી અને ખોફનો ભોગ બનવું પડે છે એ હકીકત છે. આ માટે સરકારે કડક પગલાં લેવા અતિ આવશ્યક છે.
રેખા પટેલ (વિનોદિની) ડેલાવર (યુએસએ)