વેલેન્ટાઈનની મીઠાશ ….રેખા પટેલ (વિનોદિની)
શરદભાઈને અમેરિકામાં આવ્યાને ચાલીસ વર્ષ થઇ ગયા છે. આવ્યા ત્યારથી તેઓ ન્યુજર્શીમાં આવેલ જર્સી સીટી એરિયામાં રહે છે. એન્જીનીયર હોવાને કારણે આવીને તરત સિટીમાં સારા પગારની જોબ મળી ગઈ હતી. શરદભાઈને ઓછું બોલવાની ટેવ હતી છતાં પરગજુ હોવાને કારણે મિત્રો અને સગાસબંધીઓની કદીયે ખોટ પડતી નહોતી. તેમના પત્ની રમાબેન પણ સ્વભાવે સંતોષી અને હેતાળ હતા.
શરદભાઈના લગ્ન થયા ત્યારથી લઇ આજ સુધી દર રવિવારની સવારે ઇન્ડિયા હતા ત્યારે એક કિલો અને અમેરિકા આવ્યા પછી પાઉન્ડ જલેબી ઘરે લાવવાનો અતુટ નિયમ રહ્યો હતો. આ કારણે બધા જાણતા હતા કે શરદભાઈને જલેબી બહુ ભાવે છે.
ઉંમરનાં તકાજાને કારણે તેમને ડાયાબિટીસ બોર્ડરમાં આવ્યો. આથી દીકરો અને બે દીકરીઓ સાથે રમાબેન તેમને દર વીકે આમ જલેબી નાં લાવવી એમ સમજાવતા. જોકે લાવ્યા પછી તેઓ ભાગ્યેજ તેમાંથી અડધી ખાતા, બાકીની ઘરમાંજ ખવાઈ જતી. છતાંય કોઈનું સાંભળ્યા વીના તેમના આ નિયમને તોડતા નહોતા. છેવટે બધાયે તેમને ટોકવાના છોડી દીધા હતા.
શરદભાઈ અને રમાબેનનો સંસાર મધુરતાથી ચાલતો હતો. છતાય ક્યારેક રમાબેન બર્થડે કે વેલેન્ટાઈન જેવા દિવસોમાં દીકરીઓ સામે અફસોસ વ્યક્ત કરતા કે તમારા પપ્પાને પ્રેમ વ્યક્ત કરતા નથી આવડતો, કદીયે મારા માટે ગીફ્ટ નથી લાવતા કે આઈ લવ યુ કે હેપી વેલેન્ટાઈન જેવા મીઠા બે શબ્દો નથી ઉચ્ચારતા.
સમયની ચાલને કોણ રોકી શકે છે. પચાસ વર્ષના દાપન્ત્ય જીવન પછી ઉંમરના છેલ્લા પડાવે રમાબેને ટુંકી માંદગીમાં શરદભાઈનો સાથ છોડી સદાને માટે આંખો મિચી ગયા. બહારથી નોર્મલ લાગતા શરદભાઈ હવે સગા સબંધીઓની વચમાં રહીને પણ એકલતાનો અનુભવ કરી રહ્યા હતા જે એમના વાણી વર્તન ઉપરથી કળાઈ આવતું.
છેલ્લા પચાસ વર્ષોનો દર રવિવારે જલેબી લાવવાનો ક્રમ અચાનક સદંતર બંધ થઇ ગયો. ઘરમાં બધાને ખુબ નવાઈ સાથે દુઃખ પણ થતું. તેમને ખુશ કરવા વેલેન્ટાઈનના દિવસે દીકરીઓ જલેબીનું બોક્સ લઈને તેમને મળવા આવી.
” પપ્પા આજ સુધી તમે અમને જલેબી ખવડાવતા હતા, હવે અમે તમને જલેબી ખવડાવીશું. આવો વેલેન્ટાઇનના દિવસે સાથે બેસીને નાસ્તો કરીએ”
” બેટા જેની માટે હું ખાસ દર વીકે જલેબી લાવતો હતો તેતો હવે આપણી વચમાં રહી નથી, લગ્નનાં બીજા દિવસે તારી મમ્મીને મેં કોઈને કહેતા સાંભળી હતી કે તેને જલેબી બહુ ભાવે છે. તો બસ તેની માટેજ હું લાવતો હતો.મારી માટેતો તેનો સાથ રોજ વેલેન્ટાઇન હતો”. આટલું બોલી શરદભાઈ રૂમમાં ચાલ્યા ગયા.
દીકરો વહુ અને દીકરીઓ બધા એકબીજાની સામે ચુપચાપ તાકી રહ્યા. દરેકના મનમાં એકજ સવાલ હતો કે ” પપ્પા કાશ આ વાત મમ્મીને મોઢામોઢ કહી હોત તો તેમને છેવટ સુધી આ એક વસવસો નાં રહ્યો હોત કે તમારા પપ્પાને પ્રેમ વ્યક્ત કરતાં નથી આવડતો.
“હેપી વેલેન્ટાઇન”
રેખા પટેલ (વિનોદિની)