RSS

Monthly Archives: May 2016

શ્રેષ્ઠ લગ્ન પ્રથા : એરેન્જ મેરેજ કે લવમેરેજ ? ?

કહેવાય છે કે પૃથ્વી ઉપર લગ્ન માટેના જોડા ઉપરથી નક્કી થઈને આવે છે. હકીકતમાં આ વાતમાં સત્ય કેટલું છે એ તો સાથે  જીવનારી બે વ્યકિત  જ  નક્કી કરી શકે છે. છોકરીની મુગ્ધાવસ્થા અને છોકરાની કિશોરાવસ્થા પૂરી થતાં લગ્નની ઉંમરે પહોચતાં લગભગ દરેકને આ પ્રશ્ન થતો હશે લગ્ન પછીનું જીવન કેવું હશે? લગ્ન કોની સાથે કરવા?  લવ મેરેજ કરવા કે એરેન્જ મેરેજ કરવા?  ક્યા લગ્ન ઉત્તમ ગણાય? લવ મેરેજ કે એરેન્જ મેરેજ?
ઘણાં એરેન્જ મેરેજ  કરનારા એમ વિચારીને દુઃખી થતાં હશે કે મારા લવ મેરેજ થયા હોત તો હું મારું મનગમતું પાત્ર મેળવી શક્યો હોત.  જ્યારે લવ મેરેજ કરનારા એમ વિચારીને અફસોસ કરતાં હશે કે મેં હાથે કરી કુહાડી મારા પગ ઉપર મારી.
એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય એને ટકાવી રાખવાં સૌથી વધુ અગત્યનું પરિબળ છે પ્રેમ. લગ્ન એ પ્રેમ કરી અને  તેને કાયમ ટકાવી રાખવાનું બંધન છે. કારણકે લાંબા ગાળાનાં એકધારા સહવાશ દરમિયાન પ્રેમને ટકાવી રાખવો એ જ સૌથી મુશ્કેલ કામ છે.
પ્રેમ એટલે શું?
એ કોઈ સબંધ છે કે બંધન છે ? કે મનનું મન સાથેનું ગઠબંધન છે…
આ વિચારવા જેવી બાબત છે. કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિને દોષ આપતા પહેલા તેના દરેક પાસાઓ ઉપર વિચાર કરવો જરૂરી બને છે …લવ મેરેજમાં કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે.આવી સ્થિતિમાં જ્યારે બસ પ્રેમ થઈ જાય છે ત્યારે તેના સારા નરસા પરિણામોનો વિચાર કરવાની સુધબુધ  પ્રેમીઓ ગુમાવી દેતા હોય છે. અને કેટલીક વખત માત્ર આકર્ષણને કારણે  પાત્રની પસંદગીમાં થાપ ખાઇ  જવાતી હોય છે. હકીકતમાં અઢારથી અઠ્ઠયાવીસ નાં દસકા વચ્ચેની ઉંમરનો માણસ પ્રેમ અને આકર્ષણની પાતળી ભેદ રેખાને સમજી શકતો નથી.
આકર્ષણનાં પાયા પર રચાયેલો લગ્ન સંબધ અને તેમાં આવતા પરિણામો જીંદગીમાં સુખને બદલે અસુખ નોતરે છે. થોડા વર્ષમાં આકર્ષણનો એ ઉભરો સમી જાય એટલે વિચારે  કે આના કરતા એરેન્જ મેરેજ થયા હોત તો સારું હતુ. કમસે કમ માતાપિતા કે કુટુંબના કોઈ વડીલની સલાહ કે પસંદગીને ઘ્યાનમાં લેવાઈ હોત તો મને યોગ્ય પાત્ર મળ્યું હોત!!?
પ્રેમલગ્ન હોય કે એરેન્જ મેરેજ હોય પણ ગમે તેવી કપરી સ્થિતિમાં સાથી સાથે હળવા મૂડમાં રહેવું જરૂરી છે.નહીતર ગમે તેવા સબંધનો વિચ્છેદ થતા વાર લાગતી નથી.ક્યારેય જો આપણે જોઇએ છીએ કે સામાન્ય પણે આપણી આજુબાજુ કાયમ ખુશમિજાજમાં રહેતા લોકો બીજાને વધુ પસંદ આવતા હોય છે.જ્યારે અકડું અભિમાની કે ગંભીર લોકોને મિત્રો બહુ ઓછા હશે.બસ આજ પરિબળ સુખી લગ્નજીવને માટે જરૂરી છે.સદા મળતાવડું અને હસમુખું પાત્ર તણાવ પામેલા લગ્નજીવનને ફરીથી ખુશીઓથી મહેકતું બનાવી શકે છે.
શોભા અને સંજીવનાં પ્રેમ લગ્ન હતા બંને કોલેજના દિવસોથી એકબીજા તરફ આકર્ષાયા હતા.ખાસ કરીને બંનેનાં  શોખ અને રુચિ એકસરખા હતા આથી તેમને જોનાર દરેક માનતા કે આ જોડું બેસ્ટ કપલ બની શકે તેમ છે. બંનેના શોખ અને સ્વભાવ સરખા હતા પણ એક અસમાનતા હતી કે શોભા ઉચ્ચ મધ્યમ પિતાની પુત્રી હતી.જ્યારે સંજીવ મધ્યમવર્ગનાં પિતાનો ત્રીજા નબરનો પુત્ર હતો. તેનું પરિવાર સંયુક્ત હતું. આ અસમાનતા જોતા બંને પરિવારો આ લગ્નની વિરૂધ્ધમાં  હતા. છતાં શોભા અને સંજીવની જીદ સામે બધાએ હાર કબુલી લીધી અને તેમના લગ્ન સાદાઈથી કરાવી આપ્યા. લગ્ન પછી થોડા સમય બધું બરાબર ચાલતું રહ્યું. છેવટે સંજીવને ગૃહસ્થજીવન જવાબદારી પૂરી કરવાં માટે બોજો માથે પડતા કેટલા વિસે સો થાય છે તે સમજાવવા લાગ્યું.આ જવાબદારીએ તેના હાસ્ય અને શોખને છીનવી લીધા.વધુ પૈસા કમાઈને પોતાનું ઘરનું ધર બનાવવામાં તે આખો દિવસ કામમાં રચ્યોપચ્યો રહેવા લાગ્યો.
    આ તરફ નાનકડા ઘરમાં શોભા પણ મુઝાતી હતી.જેના સાથ માટે તે બધું છોડીને આવી હતી તે સંજીવ પોતાનાં કામસર હવે એનાથી દુર રહેતો હતો.પરિણામે એ વિચારતી કે હવે સંજીવ બદલાઈ ગયો છે.હવે એની પાસે મારી માટે સમય નથી અને તેના શોખ પુરા કરવા તેની પાસે જોઈતા રૂપિયા પણ એ આપવામાં ગલ્લાતલ્લા કરે છે.આ બધા અસંતોષમાં તેનો મૂળ સ્વભાવ બદલાઈ ગયો.એક હસતા રમતા જોડાને જાણે કોઈની નજર લાગી ગઈ અને રોજનાં તણાવ અને સમયના અભાવે તેમને બહુ જલ્દી અલગ કરી દીધા.
આવા સમયમાં શોભા અને સંજીવ પોતાના સંબંધમાં નિરસતાની ફરિયાદ કરવાને બદલે એકબીજાને સમજવાની કોશિશ કરી હોત અને બંનેએ કપરી પરિસ્થિતિમાં પોતનો મુળભૂત હસમુખો સ્વભાવ જાળવીને પરસ્પર થતી બોલાચાલી કે આક્ષેપોને ગંભિરતાથી લેવાને બદલે હળવા મુડમાં કે  હસી-મજાક ગણીને અપનાવ્યા હોત તો આજે આ બે પ્રેમાળ હૈયાઓને આમ વિખૂટા પડવાનો દિવસ નાં આવ્યો હોત….એક બીજાની અણસમજનાં કારણે ઉદભવેલી પરિસ્થિતિને કારણે છેલ્લે તો દોષ દેવાયો લવમેરેજના લેબલને.
ઘણા યુગલો એવા હોય છે જેમાં કેટલીક વખત એકતરફી પ્રેમ હોય છે.તેવા સમયમાં જો લગ્ન નક્કી થયા તો તેના પરિણામો બહુ ઘાતક આવે છે  પ્રેમમાં એક તરફી પાગલતા પણ સારી નહીં.એક તરફી પ્રેમનાં કારણે લગ્નજીવનમાં એક પાત્રની નિરસતાનાં કારણે જે સહજીવની અસલ મીઠાસ હોય છે એની સતત ગેરહાજરી જોવા મળે છે.
મારી આસપાસના કેટલાક યુગલોનાં જે અનુભવો હતા એ એકબીજાથી ભિન્ન હતા. કેટલાંક સફળ લગ્નો હતાં, તો કેટલાક અસફળ રહ્યા તો કેટલાંક સમજુતીથી નિભાવ્યે રાખતાં હતાં.
માત્ર સમાજને દેખાડવા ખાતર અથવાં સંતાનો હોય તો એનાં ખાતર આવા લગ્નજીવન નિભાવતાં હોય છે.
પ્રેમ હોય કે  લગ્ન જીવન હોય.જ્યારે અધિકાર ભાવના એક હદ કરતા આગળ વધી જાય છે ત્યારે ગમે તેવા મજબુત સબંધને તોડી નાખે છે.ત્યારે એમ જ લાગે કે જાણે વધારે પડતા ખેચાણને કારણે મજબુર રબર પણ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેડોળ બની ગયું છે.
આમ કરવાની કોશિશ બહુ ઘાતક પરિણામ આપી શકે છે.કેટલાક લોકોને ટેવ હોય છે કે મારી પત્ની કે મારો પતિ મારી મરજી મુજબ જીવે.હમેશા મને ગમતું એ કાર્ય કરે.મારી જ પસંદગીના કપડા પહેરે.શરૂઆતમાં સામેની વ્યક્તિ વધું પડતો  સ્નેહ ભાવ સમજીને સાથીને હાવી થવા દે છે પરંતુ સમય જતા તેને આજ વસ્તુઓનો ભાર લાગે છે અને તેનામાં રહેલ હું બહાર આવવા કોશિશ કરે છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે.છેવટે થતું નુકશાન બંનેએ ભરપાઈ કરવું પડે છે.
સીમા અને મહેશ વચ્ચે આવું જ કંઇક બન્યું હતું.બનેનાં લગ્નની શરૂઆતમાં સીમાનાં સાડી ડ્રેસથી લઇને ચપ્પલ સુધ્ધાની પંસદગીમાં મહેશ પોતાને ગમતાં રંગોની પહેરે એવો જ એનો આગ્રહ રહેતો હતો.શરૂઆત સીમાં મહેશને ગમે એ મને પણ ગમે એમ સમજીને મહેશની પંસદગીને પ્રાધાન્ય આપતી હતી.જેમ જેમ વરસો વિતતા જતાં હતા.ટીવીથી લઇને ઓનલાઇને શોપીંગ જાહેરાતોમાં અવનવી વસ્તુઓ જોઇને સીમાં પોતાને ગમતી વસ્તુંઓનો આગ્રહ રાખવા માંડી.પરિણામે નાની નાની પસંદગી બાબતનાં ઝઘડા મોટું સ્વરૂપ લઇ લેતાં હતાં.
સૌ પ્રથમ વિચારવું જોઈએ કે તમારો સાથી શું ઈચ્છે છે?તેને તમે સજાવવા માગો છો એ પ્રકારની સજાવટ એને પસંદ છે કે નહી? પતિ પત્ની એ પોતાની ઈચ્છા અનિચ્છા એકબીજા ઉપર લાદવાનો પ્રયત્ન નાં કરવો જોઈએ.કારણકે આ રીતે પડતી ગાંઠ જલદી ઉકેલાતી નથી  એકવાર જો તે આ બાબતને લઇને નારાજ કે દુર થઇ ગયેલો સાથી પછી કદાચ તમારા લાખ પ્રયાસો પછી પણ મૂળ ભાવે તમારાથી ના પણ જોડાઈ શકે.
તમે અધિકારભાવથી સાથીદાર પંસદગી બદલી શકો  છો પણ એનો મુળભૂત સ્વભાવ બદલી શકતા નથી.કદાચ એનો મુળભૂત સ્વભાવ અને આદત બદલવાં મજબૂર કરો તો એનું ધાતક પરિણામ આવી શકે છે…આવો જ એક દાખલો છે રજની અને રોકીનાં લગ્નજીવનનો છે.
રજની અને રોકીના લગ્નજીવનમાં આ એક વાત હોળી પ્રગટાવી ગઈ હતી.. ..
રોકી એક ફેશનેબલ યુવાન હતો.માતા પિતાની પસંદગી પ્રમાણે તેના લગ્ન એક સીધી સાદી રજની સાથે થયા.તે ભણેલી સંસ્કારી યુવતી હતી પરંતુ તેનો ઉછેર સંસ્કારોની આડમાં બહુ સામાન્ય રીતે થયો હતો.આથી રોકીને રજની ગામડીયણ લાગતી હતી.છેવટે માતાપિતાની સલાહ મુજબ તેણે રજનીને પોતાને ગમતી યુવતી બનાવાવનું બીડું ઝડપ્યું.તેથી રજની માટે આઘુનિક યુવતીને શોભે તેવા ટુંકા વસ્ત્રો રોકી લઇ આવતો.બ્યુટી પાર્લરમાં શારીરિક સાજ સજાવટ માટે સમયાંતરે લઇ જતો.આમ ધીરેધીરે રજની રોકીની પસંદ આવે એવી મોર્ડન બની ગઈ. હવે તે રોકી સાથે પાર્ટીઓમાં જવા લાગી અને ક્યારેક ડ્રીન્કસ પણ લેવા લાગી.રજનીની સુંદરતાથી અંજાઈ રોકીના મિત્રો ક્યારેક તેની સાથે છૂટછાટ લેતા તો રોકી અકળાઈ ઉઠતો.
પરંતુ આઘુનીકતાનો ચહેરો લગાવેલી રજનીને આ બધું સામાન્ય લાગતું હતું.તે રોકીના વર્તનને ઉલટી રીતે સમજવા  લાગી. રજની હવે વિચારતી કે રોકી તેની ખુશીથી જલે છે તેને ઈર્ષા આવે છે કે પોતે બીજા સાથે મિત્રતા રાખે છે. બંને વચ્ચે નાં મતભેદ એ પછી મનભેદ સુધી પહોચી ગયા. રજની હવે રોકી વગર પણ પાર્ટીઓમાં જવા લાગી હતી અને આ બાબતે જ્યારે રોકી કે તેના પિતા રજનીને કઈ કહે તો જવાબમાં કહેતી હતી કે હું તો સીધી સાદી યુવતી હતી પણ આ બધું તમારા ઘરે આવીને હું શીખી છું. હવે જયારે આ જિંદગી મને માફક આવી ગઈ છે ત્યારે તમારા ઇશારે ફરી બદલાઈ જવું મને મંજુર નથી.હવે હું જેવી છું એવી જ અલ્ટ્રામોર્ડન સ્વીકારવી પડશે.
આમ સામાન્ય રીતે સુખી લાગતું યુગલ દેખાડા કરવા બદલ બરબાદીના રવાડે ચડી ગયું .આમ જોતા અહી એરેન્જ મેરેજ હતા છતાં પણ આજે સ્થિતિ બદલાઈ ગઈ હતી .
મોટે ભાગે લગ્ન નિષ્ફળ નથી જતાં પરંતુ,લગ્ન કરીને જીવાતુ જિવન નિષ્ફળ હોય છે..બે વ્યક્તિઓ વચ્ચેની સમજ નિષ્ફળ જાય છે.કારણકે લગ્ન માત્ર સ્ત્રી અને પુરુષનું શારીરિક ઐક્યથી ટકતી કોઈ ઘટના નથી.તેમાં બે અલગ અલગ વિચારસરણી ઘરાવતા બે અલગ મનનું એકત્વ થવું જરૂરી છે.સાચુ ઐકય માનસિક રીતે તમારૂ બંધન કેટલુ મજબૂત છે,એના પાયા પર ટકેલુ રહે છે… કારણકે અહી બે અલગ વ્યક્તિઓનો વૈચારિક સંગમ પણ એટલો મહત્વનો બને છે..દરેકનું વ્યક્તિત્વ અને વૈચારિક દ્રષ્ટીકોણ અલગ અલગ હોય છે..અને મોટે એક બીજાથી સ્વતંત્ર હોય છે.આથી સ્વાભાવિક રીતે જ જીવન  સમજવાની રીત પણ અલગ હોય છે ..આ અલગ દ્રષ્ટીકોણનું લક્ષ એક થવું જરૂરી છે આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું લગ્ન જીવન હશે તો પણ સફળ જશે .
સહજીવનમાં પ્રેમની ઈચ્છા અનિચ્છાઓ નું બેલેન્સ જાળવવું એ પણ એક કળા છે. પ્રેમમાં લાગણીઓનો અતિરેક કે પ્રદર્શન કરવાનું છોડી એકમેકને સાથ આપવાનું વધુ જરૂરી બને છે. સુખી લગ્ન જીવન માટે જરૂરી રહે છે કે સાથી સામે મનની વાત મનમાં છુપાવી રાખો નહી..અહી વિશ્વાસનું બંધન જેટલું મજબુત હશે તેટલું જીવન સરળ બનશે તે સાવ સાચું છે. જ્યાં વિશ્વાસનો જરા સરખો અભાવ જણાશે,તો ધીમે ધીમે પ્રેમમાં દુરત્વ પેદા થાય છે.
“અવિશ્વાસ અને ભરોસોના કમી એટલે કે જાણે ઉકળતા મીઠાં દુઘમાં ચમચી ખટાસ જે દુઘ અને પાણી અલગ કરે છે”
અને જયારે આ વાત સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે, અને પ્રેમનો નાજુક છોડ લગ્નના બંધનમાં બંધાયા પછી પણ ખીલી શકતો નથી. આ સહજીવનનો છોડ આંબાની કલમની જેમ તમારા વર્ષો અને ધીરજની કસોટી કરે છે.  તેને હંમેશા  લાગણીનું ખાતર અને ધીરજનુ પાણી આપી માવજતથી ઉછેરવો પડે છે..અને જ્યારે આ છોડ વિકસીને ઝાડ બની જાય ત્યારે લગ્ન જીવનમાં મીઠાસનાં ફળો ઉગવા માંડે છે…અને એની મીઠાસ આજીવન માણવા મળશે..
નાની મોટી લડાઇ-ઝઘડા..રીસાવવુ..મનાવવું એ બધું અહી આવી ક્ષણભંગુર હોવું જરૂરી છે. લગ્ન જીવન પ્રેમ કર્યા પછી કરાયું હોય કે લગ્ન કર્યા પછી પ્રેમ થયો હોય બંને બાબતો માટે મહત્વનું છે કે,  આ સબંધ માત્ર અપેક્ષાઓ સંતોષવા બનેલો નાં રહે. આવા સબંધ માત્ર અને માત્ર દુઃખ સિવાય કશું જ આપી શકતો નથી
અત્યારે યુવક યુવતીઓના લગ્નની ઉંમર સામાન્ય રીતે જે ૨૨થી૨૪ વર્ષની હતી તે વધીને ૨૪  કે ૨૮ ની થઇ ગઈ છે. તેનું મુખ્ય કારણ એ છે  કે આજકાલના યુવક યુવતીઓ આધુનિક શિક્ષણ અને ટેરવાં પર પીરસાતા જ્ઞાનને કારણે જલ્દી પુખ્ત બની જાય છે.આ બધી વસ્તુઓ એમની  વિચારસરણી પર  મજબુતાઈથી પકડ જમાવતી હોય છે. જીવનમાં કૈક કરી બતાવવાની ભાવના સાથે તેમની પોતાની  જીદગીને જોવાની અલગ દ્રષ્ટી કેળવતી જાય છે. જેના પરિણામે તેઓ બાંધછોડમાં બહુ માનતા નથી અને સો ટકા ગમતું પાત્ર મેળવવાની ઈચ્છામાં ઉમર વધતી જાય છે.
      જેમ જેમ ઉમર વધતી જાય તેમતેમ તેમની માન્યતાઓ મજબુત બનતી જાય છે. પહેલા આપણે માનતાં કે  કુમળો છોડ વાળીએ તેમ વળે.તે અહી લાગુ પડે છે. જ્યારે આ સત્ય  અઠ્યાવીસ ત્રીસ વર્ષના પોતે કમાતા યુવાન યુવતીઓને સમજાવવું ભારે પડી જાય છે. પરિણામે લગ્નની ઉંમર વધતી જાય છે આજે આ સ્થિતિ અમેરિકામાં યુરોપ અને ભારત સહીત બધા જ દેશમાં આ સમસ્યાઓ જોવા મળે છે. ત્યારે વિચાર આવે છે કે જો અરેંજ મેરેજની પ્રથા ચાલુ રહી હોત તો આવા યુવાન યુવતીઓ પોતાના જીવનમાં ક્યારના સ્થાઈ થઇ ગયા હોત. ગ્લોબલાઇઝેશનાં યુગમાં ઘણાં યુવક યુવતીઓ લગ્ન કર્યાં વિનાં એક બીજાને અનૂકૂળ હોય ત્યા સુધી સાથે રહે છે અને અનૂકૂળ ના આવે તો બંને છુટા પડી જાય છે.
એક રીતે જોઇએ તો અરેન્જ મેરેજની વાત આવે છે. ત્યારે સહુથી પહેલો વિચાર આવે છે કે શું આ પ્રકારનાં લગ્નો ક્યારેક અંધારી કેડી જેવા નથી લાગતા?
કારણકે જ્યાં આગળ ભાવિમાં શું હશે તેનો કોઈ ખ્યાલ આપણને હોતો નથી. મોટે ભાગે આપણા સગાવહાલાઓ આ સારા માણસો છે એવી ભલામણ કરી હોય છે,અને એના કહેવાં પર આવા લગ્નો નક્કી થતાં હોય છે.  ઘણી વખત એવું બનતું હોત છે કે જેની સાથે આખો જન્મારો કાઢવાનો હોય તેવી વ્યકિતને એક જ મુલાકાતમાં મળીને માત્ર એક વાર કેમ છો? શું નામ તમારું? તમારો શોખ શું છે? જેવા સાવ સામાન્ય હસવું આવે તેવા સવાલો પૂછવામાં આવે છે અને બસ માત્ર દેખાવ અને એકબીજાના કુટુંબો જોઈ હા કહેવાઈ જાય છે.
આવી પરિસ્થિતિમાં સૌથી વધારે દયાજનક સ્થિતિ સ્ત્રીની બને છે કે જેને એ જાણતી પણ નથી. એવી વ્યક્તિ સાથે લગ્ન થતાં,જે માતા પિતા એને ફૂલની જેમ સાચવે છે એ જ માતા પિતા તેને પરાયે ઘેર સાવ એકલી વળાવી દે છે અને તે પતિ કહેવાતા પુરુષને લગ્નની પહેલી રાત્રે પોતાનું સર્વસ્વ હસતા મ્હોએ સોંપી દેવાનું હોય છે. તેમાય બીજા દિવસે તેને એ પણ ખબર નથી હોતી કે જેની સાથે હવે આખી જીંદગી વિતાવવાની છે એ સવારમાં ચા પીવે છે કે કોફી? તેને શું પસંદ છે શું નાં પસંદ છે એ પણ જાણતી નથી હોતી. એક રીતે જોઇએ તો આ સામાજિક પરંપરા દ્રારા રચાતા લગ્નો સ્ત્રી માટે  ટેમ્પરરી માનસિક આઘાત આપતા લાગે છે તે વાતને સાવ નકારી શકાતી નથી. છતાં પણ ભારતિય સર્વેનાં રીપોર્ટ પ્રમાણે એવું કહેવાય છે કે પ્રેમ લગ્નો કરતાં એરેન્જ મેરેજ વધું સફળ જોવા મળે છે.
આ બાબતે એક સ્ત્રી તરીકે મારૂં એવું માનવું છે કે લગ્ન ગમે તેવી સ્થિતિમાં થયા હોય પરંતુ બંને વ્યકિતએ એકબીજાને સમજવાનો સમય અવશ્ય આપવો જોઈએ. પરણીને પ્રેમ કરો કે પ્રેમ કરીને પરણી જાઓ ,તે મહત્વનું નથી પરતું મહત્વનું છે જેની સાથે જિંદગીભર રહેવાનું છે તેને સમજો તેની પસંદ નાપસંદ જાણો.તો જીવન આસાનીથી શરૂં થઇ શકશે અને હા તેનો અંત કેવી રીતે લાવવો એ તો તમારી સમજ અને ધૈર્ય ઉપર આધાર રાખે છે.લગ્ન જીવનની ગાડીને હાલકડાલક થાય નહી માટે આ બંને પૈડા વચ્ચે સમતોલન જાળવવુ અંત્યત જરૂરી છે. જો સ્વસ્થતા અને સમજદારીના સમતોલ ભારથી બેલેન્સ જાળવી જાણીએ તો જીદગીને સરળતાથી પાર કરી શકાય છે.
જો તમારામાં એક પ્રેમાળ હ્રદય હશે તો સમજ અને ધૈર્ય જેમ જેમ પરિથિતિ આગળ વધે એમ વધુને વધુ આવતા જશે..એક પ્રેમાળ હ્રદય જગત જીતવા માટે સક્ષમ છે.જ્યારે અહીંયા તો એક દિલને જીતવાની વાત છે…
રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસેએ )    for review :  rekhavp13@gmail.com
 

અમેરિકામાં સ્પ્રિંગ અને ઉનાળાની મસ્ત શરૂઆત

માણસ ઋતુઓ પ્રમાણે ટેવાતો જાય છે અને સ્થિતિ પ્રમાણે બદલાતો જાય છે.  એકધારી લાઈફ કોઈને પણ મળતી નથી. સમરનાં છ  મહિના નોર્થમાં રહેતા અમેરિકન-કેનેડીયન લોકો માટે ઊર્જા શક્તિનું કામ કરે છે. નવેમ્બર થી લઇ માર્ચ મહિના સુધીનો સમય એટલે ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેવાની સજા. તમે ઘારો તોય બહાર નીકળી શકો નહિ , આ પછી વેધર સહેજ સારું થાય એટલે બઘાના તન સાથે મન પણ ઉત્સાહમાં આવી જતા હોય છે .
અમેરીકામાં ૨૦ માર્ચથી ઓફિસયલી સ્પ્રિંગની શરૂઆત થાય અને ૨૧ જુનથી સમર શરુ થાય છે. સ્પ્રિંગ આવી જાય છતા પણ વાતાવરણમાં ઠંડીના ચમકારા દેખાય છે. ક્યાંક સ્નો વરસી જાય તો સાથે સાથે વરસાદ પણ ટપકતો રહે છે. છતાં પણ આ સમયે વિન્ટરમાં ગરમ પ્રદેશમાં ઉડી ગયેલા બર્ડ પણ પાછા ફરવા માંડે છે. રંગીન નાની ચકલીઓ, બ્લૂબર્ડ અને રોબિનનો કલબલાટ બહુ મીઠો લાગે છે. શિયાળામાં અંદર ગ્રાઉન્ડ રહેતા સસલાઓ, ઉંદર ,ગ્રાઉન્ડ હોગ અને ખિસકોલીઓ બહાર દોડતા જોવા મળે છે.
આ સાથે બારીની બહાર ચેરી ફ્લાવરથી લચી ગયેલી ડાળીઓમાં કુદરત પોતાનું કામ કરતી દેખાય છે. સામાન્ય રીતે વૃક્ષો ઉપર સૌ પ્રથમ પાંદડાં આવે ત્યાર બાદ ફૂલ આવે પણ જેમ નોર્થ અમેરિકામાં આ વૃક્ષોનું ઊંધું છે. અહી આ વૃક્ષો ઉપર પહેલા ફૂલો આવે છે પછી પાનાં ફૂટે છે. ખાસ તો સ્પ્રીન્ગમાં ચેરી ફ્લાવાર્સની શોભા અહી અનોખી હોય છે. આ ચેરી વૃક્ષો ઉપર આવતા ફૂલોનું જીવન બહુ ટુકું હોય છે.
આ ફૂલોને મુક્તિ, ફ્રીડમના એક પ્રતીક તરીકે માનવામાં આવે છે. ૧૯૧૨માં જાપાનના ટોકિયોના નગરપતિએ વોશિંગ્ટનને જાપાન-અમેરિકાના મીઠા થતા જતા સંબંધના માનમાં આ  ચેરી ફ્લાવરનાં ટ્રી ગીફ્ટમાં આપ્યા હતા.  આ નાજુક ફ્લાવર્સમાં ખાસ કરીને સફેદ પિંક વાયોલેટ અને ડાર્ક ગુલાબી વધારે પડતા જોવા મળે છે. જ્યારે આ ફ્લાવર્સ બ્લુંમીંગ થતા હોય ત્યારે આખા ઝાડ ઉપર માત્ર ફૂલોનું રાજ હોય છે.
    આખાય વોશિંગ્ટન ડીસી માં ઠેરઠેર રોપાએલા આ વૃક્ષો ઉપર આ સિઝનમાં ચેરી ફ્લાવર ઝૂમતા દેખાય છે. આ સમયે યોજાતો ફેસ્ટીવલ ચેરી બ્લોસમ કહેવાય છે. હવામાં ઝૂમતા આ ફૂલો સાથે જમીનમાં દટાઈ રહેલા સુગંધીદાર  એઝાલિયા, લીલીના ફૂલો બહાર નીકળી આવે છે અને સાથે આંખોને જકડી રાખે તેવા રંગબેરંગી તુલીપ, આઈરિસ, રેન્યુક્યુલસ, સ્નોફ્લેક્સ પથરાઈ જાય છે.
વેધરમાં ગરમીનો બદલાવ આવતા અમેરિકામાં રહેતા લોકોની દિનચર્યામાં પણ સ્ફૂર્તિ અનુભવાય છે. આમ પણ મોટાભાગની અમેરિકન પ્રજા એકસરસાઈઝ કરવાની શોખીન હોય છે. વિન્ટરમાં ઘરે ટ્રેડમિલ કરતા કે જીમની ચાર દીવાલોમાં એકસરસાઈઝ કરતા લોકો હવે બહાર ખુલ્લી હવામાં દોડતાં જોવા મળે છે.
        આજકાલ સવારમાં રોજ લગભગ એકજ સમયે મારા ઘર પાસે થી એક અમેરિકન વૃદ્ધને સ્પીડમાં ચાલવા જતા જોતી હતી.  છેલ્લા કેટલાક સમરના પાંચ મહિના હું તેમની સાથે તેમની પત્નીને પણ સાથે ચાલતા જોતી હતી, પરતું આ વખતે તે એકલા વોક કરવા જતા, આથી મને નવાઈ લાગતી. છેવટે એક સવારે વોક કરતા હું તેમની સાથે થઇ ગઈ તો વાત વાતમાં તેમણે જણાવ્યું કે તેની પત્નીનું થોડા સમય પહેલાજ ડેથ થયું છે. અને તેની છેલ્લી વિશ હતી કે મારે રોજ બે માઈલ વોક કરવું. કારણ હતું આ વૃદ્ધને ડાયાબિટીસ હતો આથી તેમના માટે વોક કરવું જરૂરી હતું.
તેમણે વાત આગળ વધારતા કહ્યું ” તેની આ છેલ્લી વિશ હતી કે ચાલવાનું બંધ નાં કરીશ નહિતો તારા પગ થંભી જશે પછી તારી પાસે ચાકરી કરવા કોઈ નથી , બસ તેની લાસ્ટ વિશ પૂરી કરવા ચાલુ છું, પણ અહી હવે થોડાજ સમય રહેવાનો છું, એકલો છું તો હવે પાસેના ટાઉનમાં આવેલા સિનયર હોમમાં રહેવા જવાનો છું. ” કહી તે આગળ નીકળી ગયા. તેમની આ વાત મને વિચારતી કરી ગયા.
વાત સાચી હતી વોક કરવું હેલ્થ માટે ખરેખર જરૂરી છે.  હેલ્થ કોન્શિયસ લોકો અહી ભરેલા પડ્યા છે જેઓને સાઇકલિંગ, સ્વિમિંગ, જેવી એકસરસાઈઝ વધુ પસંદ હોય છે. આઉટસાઈડ એક્ટિવિટીમાં ટ્રેકિંગ, ફિશિંગ કરતા જોવા મળે છે.
     પણ આ બધું જેને પોતાના હેલ્થની પરવા છે તેમની માટે છે. બાકી અહી મેદસ્વી લોકો પણ ભરપુર માત્રામાં જોવા મળે છે. જેમની માટે સ્પ્રિંગ અને સમર એટલે ખાઈ પીને જલસા કરવાનો સમય. લોકો દારુ ,નોનવેજ અને આઉટસાઈડ બાર્બીક્યું ઠેરઠેર કરતાં જોવા મળે છે. વળી કેટલાકતો હેલ્થ સારી હોય છતાં ચાલવું ના હોય તેવા લેઝી લોકો ગવર્મેન્ટ તરફથી મળતી હેન્ડીકેપ પીપલ માટેની બાઈસીકલ લઈને ફરતા જોવા મળે છે. લાઈફને કેવી રીતે અને કેટલા હદ સુધી એન્જોય કરવી તે આપણા હાથમાં છે. બાકી કુદરત સદાય આપણી આજુબાજુ જ રહેતી હોય છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ)

IMG_8107

 

સદાય બંધ રહેતા એ ઓરડામાં,
બહુ વખતે જવાનું થયું.
ખુણામાં જૂનું પુરાણું કબાટ હતું.
ખોલું કે ખોલું ના અસમંજસમાં
છેવટે ધ્રુજતા હાથે ખોલ્યું.
ખાસ તો કઈ જડ્યું નહીં.
નજરે ચડયો
એક કોરો કાગળ,
અને ગળી વાળેલો રૂમાલ.
જોઈ લાગ્યું આખું કબાટ ભરચક છે.
કોને ખબર ક્યા અને કેવી રીતે
મને એ સફેદ રૂમાલ સાથે પ્રેમ થયો..
મેં લાવીને અહી છુપાવી દીધો હતો.
હજુય મહી પરસેવાની એ ગંધ
યથાવત હશે કે નહિ એની જાણ નથી.
અને પેલો કોરો કાગળ,
લખું નાં લખું નાં અવઢણમાં
એમજ હતો સાવ કોરો કટ્ટ.
વણ લેખ્યો, વણ ઉકલ્યો ….
જાણે મૃતપાય પડેલી તોપ….
રેખા પટેલ (વિનોદિની)

 

અચાનક,

ભર શિયાળે

ઠુંઠવાતી ટાઢમાં

એક સળગતી આગ

લગભગ ઓલવાઈ જવાની

અણી ઉપર હતી.

હૂંફ આપતી એ

જતા પહેલા થોડી

થરથર કાંપતી ગઈ.
અને આજુબાજુના ને,

સદાને માટે કંપાવતી ગઈ.

રેખા પટેલ (વિનોદિની )

 

જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે

FullSizeRenderમાનસિક વિકૃતિનો સહુથી ખતરનાક ચહેરો મર્ડર અને પછી આવે છે આપઘાત અને રેપ. આ બધું ટેન્શન, ડીપ્રેશન અને માનસિક વિકૃતિઓની ઉપજ છે. આજકાલ આપઘાત કરવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આ મોટાભાગના આત્મહત્યાનું કારણ પણ માનસિક તાણ હોવાનું નજરે પડે છે. આજે એક પ્રશ્ન ઉદ્ભવે છે કે આ તાણ જન્મવાનું કારણ કેવું હશે ,તેમની મનોવ્યથા કેટલી દુઃખ કારક હશે?  આ વિકૃતિઓનો જન્મ બાળપણ થી થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.
આજના વર્કિંગ પેરેન્ટસના વ્યસ્ત જીવનમાં બાળકોને અપાતો સમય ઓછો થતો જાય છે. આવા સમયમાં બાળકો પોતાના વિચારોમાં કેદ થતા જાય છે અને આ ગુંગણામણ અને એકલતા તેમના મગજમાં વિકૃતિઓને અને ડીપ્રેશનને જન્મ આપે છે.
હાલ NBC ( એન બી સી )ન્યુઝ ચેનલમાં ન્યુઝ સાંભળતાં મનમાં એક ઊંડી ટીસ ઉભરી આવી, કેલીફોર્નીયાના સેન હોઝેમાં રહેતા ૫૯ વર્ષના મૂળ બાંગ્લાદેશી ગોલામ રાબી અને તેમના ૫૭ વર્ષના વાઈફ સમીમાં રાબીનું ગન શોટ દ્વારા મર્ડર થયું. અને તે પણ તેમના જ બે પુત્રો દ્વારા, જેમાં એક ૧૭ વર્ષનો અને બીજો ૨૨ વર્ષનો  હસીબ બિન ગોલાર્બી બંનેએ ભેગા મળીને આ અધમ કૃત્ય કર્યું હતું.  તેઓ પોતે બાંગ્લાદેશ થી ત્રીસ વર્ષ પહેલા અમેરિકામાં આવ્યા હતા. કેટલીય મહેનતથી પોતાનું ઘર વસાવીને બાળકોને સારી લાઈફ આપવા પ્રયત્નશીલ રહ્યા હતા.
       તેમના કુટુંબીજનો નું કહેવું હતું કે તેઓને આજ કપલે અહી અમેરિકા બોલાવીને રહેવાની અને કામ માટે મદદ કરી હતી. તેમને ઓળખતા મિત્રો અને સગાવહાલાનું કહેવું છે કે કદી આ પેરેન્ટ્સને તેમના બંને દીકરાઓ સાથે લડતાં ઝગડતાં નથી જોયા. હંમેશા દીકરાઓ પણ તેમના પેરેન્ટ્સ સાથે પ્રેમથી વર્તતા હતા.
તો પછી આમ થવાનું શું કારણ હશે? હજુ આ પ્રશ્ન નો જવાબ મળ્યો નથી . વધારે આશ્ચર્ય અને દુઃખ ત્યારે થયું કે પોલીસની કસ્ટડી દરમિયાન મોટા દીકરાએ સાવ ઠંડે કલેજે શાંતિથી જવાબ આપ્યો ” સોરી માય ફસ્ટ કિલ વોઝ ક્લ્મ્ઝી ”  તેના ચહેરા ઉપટ ગીલ્ટનું નામોનિશાન જોવા મળ્યું નહોતું .
    ૨૨ અને ૧૭ વર્ષના બે બાળકોને પ્રેમાળ માતા પિતા તરફ એવો તે કેવો ગુસ્સો કે નફરત થયા હશે કે આટલા હીન શબ્દો તેમના ખૂન કર્યા પછી બોલી રહ્યા છે. આ માનસિક વિકૃતિ સિવાય બીજું શું હોઈ શકે ?
ક્યારેક લાગે છે કે માત્ર બાળકોને લકઝરીયસ લાઈફ આપવાથી કે ઉચ્ચ શિક્ષણ આપવાથી પેરેન્ટ્સનું કામ પૂરું નથી થઇ જતું. બાળકોને તેમના બચપણથી લઇ યુવાની સુધી પુરતો સમય આપવો અત્યંત જરૂરી બની રહે છે. તેમની બાળ હઠને જાણવા સમજવાની પણ બહુ જરૂરી છે. કેટલીક વખત શિસ્તના નામે તેમની સાથે થતી સખતાઈ પણ માનસિક વિકૃતિઓને જન્મ આપે છે. અને તેના વિપરીત પરિણામે બાળક જડ અને લાગણીવિહીન બનતો જાય છે.
 એક સર્વે મુજબ અમેરિકમાં ૯.૫ ટકા લોકો ડીપ્રેશન થી પીડાય છે જેમાં ૪૦ મિલિયન પીપલ જે ૧૮ થી મોટી ઉંમરના લોકોમાં એન્કઝાઈટી ડીસઓર્ડર નામની માનસિક બીમારીનો ભોગ બનેલા જાણવા મળ્યું છે. આ બીમારી  ૧૦ થી ૨૫ ટકા વુમન અને ૫ થી ૧૨ ટકા મેન માં જોવા મળી છે. આ બીમારી ઉંમર સાથે વધતી જાય છે.
આજે અમેરિકામાં ૪ % ટકા લોકો આપઘાત કરે છે અને આપઘાત કરનાર ૬0% લોકો ડિપ્રેસન અથવા અન્ય મૂડ ડિસઓર્ડરથી પીડાતા હોવાનું અનુમાન કરાય છે. આમાં વિદ્યાર્થીઓ ની સંખ્યા નોધપાત્ર હોય છે. આ અવસ્થામાં બાળક ભારે માનસિક તાણનો ભોગ બનતા હોય છે. તેમના વધતો જતો અભ્યાસક્ર સાથે એક્સ્ટ્રા એક્ટીવીટીનો બેવડો બોજ તેના ઉપર પડે છે ,ત્યારે થાક અને તાણ અને એકલતા તેમને અવળે માર્ગે દોરે છે. આ બધાનું મૂળ કારણ આપણી હંમેશા પ્રથમ રહેવાની અભિલાષા. જેના પરિણામે બાળકો ગેરમાર્ગે દોરાય છે, આપઘાતો કરે છે અથવા મોટા થાય ત્યારે જડ રોબોટ જેવા બની જાય છે.
      મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરનું નિદાન દર્દીની વર્તણૂક અને માનસિક સ્થિતિ કસોટીને આધારે થાય છે. આ બિમારી વધારે કરીને સમય 20થી 30 વર્ષની વચ્ચેની ઉંમરનો છે, આગળ જતા તેમાં વધારો થવાની શક્યતા નકારી શકાય નહિ . આ મોટાભાગે જન્મજાત કે ભૂતકાળ નાં કડવા અનુભવોને આધારે ઉદ્ભવે છે. દર્દીઓને  એન્ટીડિપ્રેસન્ટ ની દવાઓ આપી સારવાર કરવામાં આવે છે. આ પ્રકારનું ડીપ્રેશન ભોગવતા દર્દીઓ કાયમ શંકાનો ભોગ બનતા હોય છે જે છેક આપઘાતનું કારણ પણ બની જાય છે .
કોઈ પણ પ્રકારના ડીપ્રેશન થી દૂર રહેવા માટે મેડીટેશન,યોગા,કસરત અને ગમતી રૂચી પ્રમાણેની એક્ટીવીટી રામબાણ ઉપાય છે. સારી ક્વોલીટી ઘરાવતા પુસ્તકો દવા કરતા પણ વધુ અસરકારક પુરવાર થયા છે. આજના આધુનિક જમાનામાં જાત માટે જીવતા શીખવું પણ ખાસ જરૂરી છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ)

 

કવિતા…તું

હું રોજ મને તારા મહી શોધું, શોધી મનમાં સરખાવું છું.
કેટલું છુપાવ્યું શું જતાવ્યું, અંતરમાં ચોપડે લખાવું છું

હિસાબ બધા બરાબર રાખજે, હું સમજીને સમજાવું છું
આપણી વચમાં જો હવા આવશે,તો આડ તને ચડાવું છું

થોડીક ઘાલમેલ પ્રેમમાં ચાલે, આટલું સહર્ષ જણાવું છું
સઘળા સુખો વહેચ્યાં ભારોભાર, થોડા દુઃખો હું ચુરાવું છું

જો મોકલે તું કોરોકટ,કાગળ વાંચી આખો મૌજ મનાવું છું
શબ્દોની ક્યા જરૂર પડે છે,તું આંખોથી સધળું વંચાવું છું

સાગર થઈને ઉછળ્યા કરજે, હું નદી થઈ મહી સમાઉં છું
તું થાજે સોણલાં સપના સાજન,હું નીંદર થઈને આવું છું

શરીરનું અસુખ આવીને જાશે ,તું મનનું સુખ અપાવું છું
દુખતું તન કાયમનું રીઝે, તું સ્પર્શ મહી અમૃત રેલાવું છું

રેખા પટેલ(વિનોદિની)

 

मशरूफियत का दम भरता ये ज़माना अपनी औकात दिखता है

मशरूफियत का दम भरता ये ज़माना अपनी औकात दिखता है
जब खुशियाँ हमारी देख जलता है तब अपना ही मुँह छुपाता है

हम उसकी खूबियाँ कैसे जाने,वो बेरंग हर रंग नया दिखलाता है
हर वक्त दोस्ती का तकाजा करता, छुपके खंजर खूब चलाता है

जब भी गीरे बड़ा लुफ्त उठाये, उठे जब शानसे धक्का लगता है
दोस्ती को छोडो उसक़ी,वो दुश्मनो की गिनती तक नहीं आता है
रेखा पटेल (विनोदिनी )

 

એ ઝાડ , હજુય સ્થિતપ્રજ્ઞ હતું.

એ ઝાડ,
આખું લીલું હતું.
ખાલી ડાળ બટકી.
કોણ જાણે ત્યાં શું થયું,
ને, કેટલાની જાન અટકી.
મહી બંધાએલો માળો તુટ્યો,
પાંદડાઓની આવી પડતી.
ચોતરફ ખળભળાટ મચ્યો.
એ ઝાડ,
ચુપ હતું, કંઠે ડૂમો હતો.
એને માથે ભાર હતો,
હજુય ડાળો લટકતી હતી.
કેટલાંય માળા બાકી હતા.
ના નમી શક્યું ના તૂટી શક્યું.
એ ઝાડ ,
હજુય સ્થિતપ્રજ્ઞ હતું. 😶

રેખા પટેલ (વિનોદિની)

 

આજની જનરેશન

IMG_7393આજકાલની હાઈફાઈ અને વાઈ ફાઈ કનેક્શન ઘરાવતી સોસાયટીમાં ભારે બદલાવ આવી રહ્યો છે. આ બદલાવના જેટલા પ્લસ પોઈન્ટ્સ છે તેટલાજ માઈનસ પોઈન્ટ્સ પણ છે.  ઈન્ટરનેટના  હાઇસ્પીડ કનેક્શનમાં થોડીવાર થંભી જઈ આજની જનરેશન માટે વિચારવું જરૂરી બની જાય છે.

” કુમળાં છોડને વાળો તેમ વળે” આ કહેવત સાર્થક કરવા માટે, આ માટે હવે આપણી પાસે ઓછા વર્ષો રહ્યા છે. કારણ આજની જનરેશન જેટલી ઝડપથી ગતિ કરી રહી છે તે જોતા તેમને વાળવાનો ટાઈમ પીરીયડ પણ ઘટતો જાય છે. હવે નાની ઉંમર થી બાળકોને સ્વતંત્રતા જોઈએ છે. અલગ રૂમ અને પ્રાઈવસી જોઈએ છે. બાળકો સમજણા થતા જ તેમની બેડરૂમ હોય છે. આ તેમની રૂમ છે તેવું જતાવવા તેઓ રૂમને અંદરથી લોક લગાવી બેસવાનું પસંદ કરે છે. આ તેમના માટે ફ્રીડમ ગણાય છે. અને પેરેન્ટ્સ માટે આ હેડેક બની રહે છે.

      અમેરિકામાં રહેતા દરેક ઇન્ડિયન માતાપિતાના મનમાં વ્યક્ત અવ્યક્ત ઈચ્છા રહેલી હોય છે કે તેમનું બાળક ભાષા અને સંસ્કારો અપનાવે. સવારમાં ઉઠીને ગુડમોર્નિંગ સાથે ભગવાનનું નામ બોલે, કે પછી કોઈ વડીલ સાથે ઓળખાણ કરાવે તો હાઈ કહેવા કરતા કરતા બે હાથ જોડી અભિવાદન કરે. પરંતુ દરેકની ઈચ્છા પ્રમાણે થવું જરૂરી નથી. કારણ બાળકો આવી બધી બાબતો સામે હવે પોતાના ઓપિનિયન આપતા થઇ ગયા છે. ક્યારેક તો કહેતા હોય છે ,” શું હાથ જોડીને કેમ છો, કે જયશ્રી કૃષ્ણ કહીએ તોજ રીસ્પેક્ટ આપી ગણાય”? વાત પણ સાચી છે.
હમણા થોડા સમય પહેલા મારી ટીનેજર દીકરી સાથે વાતચીત કરતા મેં સ્વાભાવિક પણે તેને સમજાવતા કહ્યું ” બેટા આપણું અને અમેરિકન કલ્ચર અલગ છે. આપણે ફેમીલી ,લવ અને કમીટમેન્ટ માં માનીએ છીએ. ઇન્ડિયન કલ્ચરમાં મેરેજ પહેલા ફીઝીકલ રીલેશન નથી હોતા”. તેના જવાબમાં મારી દીકરી મને સમજાવે છે” મોમ તને રીયલ ક્રિશ્ચિયન કલ્ચરની જાણ નથી. તું કહે છે તેમ તેમનામાં પણ રીયલ ક્રિશ્ચિયન ફેમીલી કમીટમેન્ટ અને ફેમિલીને વધારે ઈમ્પોર્ટન્સ આપે છે, મારી ફ્રેન્ડને બોય ફ્રેન્ડ છે અને એ તેની સાથે મેરેજ કરવાની છે. છતાં પણ તેણે હજુ તેને એક કિસ પણ કરી નથી કારણ તે કહે છે એ તેના ઘર્મની વિરુદ્ધ છે. તેના ઘરમાં હજુ સુધી આલ્કોહોલ નથી આવ્યો”. અને મોમ શું ઈન્ડિયાનો બધા સારા હોય છે?” તેના આ એક પ્રશ્નથી હું ચુપ થઈ ગઈ હતી. અમેરિકામાં રહેતી આજની જનરેશન જેટલી સ્વતંત્ર છે તેટલી મનની ચોખ્ખી પણ હોય છે. વાતને ઘુમાવવાને બદલે કહી દેવાનું વધુ પંદ કરે છે. તેમની આ ટેવ પણ સરાહનીય હોય છે.
 અત્યારની જનરેશનના બાળકોને કોઈના ઘરે કે સોશ્યલ પ્રસંગે લઇ જવા હોય તો પહેલો પ્રશ્ન તેઓ પૂછશે ” તેમના ઘરે મારી એઈજ નું કોઈ છે ? હું શું કરીશ? ” અને તેઓ આવવાનું પસંદ કરતા નથી . અને સાથે આવે તો પણ એકબાજુ ચુપચાપ બેસી રહે અથવા ત્યાં બેઠા બેઠા તેમનો સંપર્ક સોશ્યલ મીડિયા સાથે જ રહેતો હોય છે. આમ તેમનો સમાજ અને સબંધો મિત્રો પુરતા બની રહે છે. અહી પરદેશમાં મિત્રો પણ પરદેશી આથી બાળકો ઝડપથી તેમની ટેવો અપનાવે છે. આવા સમયમાં ઇન્ડિયન પેરેન્ટ્સની ચિંતા વધી જાય તે સ્વાભાવિક છે.
બાળકોને પોતાના ફ્રેન્ડ્સની કંપની વધારે ગમે છે. સ્કુલમાં આખો દિવસ તેમની સાથેજ રહેતા હોવાથી મેક્સિકન, ઈટાલિયન, કોન્ટિનેન્ટલ ફૂડ વધારે પસંદ કરે છે. પરિણામે ઇન્ડિયન ફૂડ તેમાય ગુજરાતી ફૂડ ખાવું પસંદ નથી કરતાં, જેના પરિણામે મોટા થઈને તેઓ બનાવતા પણ શીખતા નથી. આજના કલ્ચરની સમસ્યા છે કે તેઓને થોડું ઘણું ઇન્ડિયન ફૂડ ભાવે છે પણ બનાવતા નથી આવડતું. આ કારણે ઇન્ડિયન મમ્મીઓ થી છેવટ સુધી કિચન પણ છૂટતું નથી.
આ સમસ્યા માત્ર પરદેશની નથી. હવે તો ભારતમાં પણ શહેરો સ્માર્ટ સિટી બની રહ્યા છે, ત્યાંના બદલાતા શોખ અને દેખાડામાં ભાષા સાથે પહેરવેશ અને વિચારો સાથે વર્તન ઝડપથી બદલાઈ રહ્યા છે. એક જમાનો હતો જ્યારે પેરેન્ટ્સ પુખ્ત સંતાનો માટે જીવન સાથીની શોધ કરતા, આજે પેરેન્ટ્સ સામે ચાલીને કહે છે કોઈ તમારા ઘ્યાનમાં હોય તો જણાવજો . એક રીતે સારીજ વાત છે બાળકોને મનગમતા જીવનસાથીની શોધ કરવો ચાન્સ મળે છે. છતાં યુવાનીના જોશ ની સમજ ક્યારેક થાપ ખાઈ શકે છે માટે પેરેન્ટ્સ નું માર્ગદર્શન જરૂરી બની રહે છે. આજના યુવાનો માટે ડેટિંગ’ કરવું સહેલું છે પણ તેમની માટે ‘કમિટમેન્ટ’નો હાઉ પણ ભારે છે માટે તેઓ જલદી લગ્નના બંધનને સ્વીકારતા નથી. પરિણામે લગ્ન કરવાની ઉંમર વધતી ચાલી છે.
આજની જનરેશન ‘ના’ કહી દેતા સહેજેય અચકાતી નથી. એવું નથી કે એમની માટે લાગણીઓનું મહત્વ નથી પરતું તેઓ પરાણે કોઈ કામ કરવામાં માનતા નથી, આ સાથે દબાએલું કચડાએલું જીવન તેમની ડીક્ષનેરીમાં નથી. તેઓ જિંદગીને જીઓ ઓર જીનેદો ના એન્ગલ થી જુવે છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ)
 

આજની નારી, “ટુ ડેઝ વુમન”

અમેરિકા હોય કે ઇન્ડીયા હોય કે દુનિયાનો કોઈ પણ છેડો હોય સ્ત્રીઓની એક જ સરખી મનોદશા હોય છે. ઉપરવાળાએ સ્ત્રીનું હૈયું બહુ નાજુકાઈથી ઘડ્યું છે તે વાત સાવ સાચી છે. પરંતુ સાથે સાથે આઘાત ઝીલવાની અજીબ શક્તિ પણ સાથે આપી છે.

“સ્ત્રી એ બહુ નાજુક અંકુરણ પામતો છોડ છે જો યોગ્યતા મુજબ તેનું સિંચન કરવામાં આવે તો તે વટવૃક્ષ થઇ આખા કુટુંબ સાથે સમાજને છાંયડો આપવા સક્ષમ બની શકે તેમ છે અને એ જ સ્ત્રીઓને ઘરનાં એક ખૂણામાં એ નિર્જીવ ચીજની જેમ માનવામાં આવે તો એ જ નાજુક છોડ જેવી સ્ત્રીઓ એક સંવેદના વિહિન સુકાયેલા થડ જેવી બની જાય છે.કારણકે મોટે ભાગે સ્ત્રીઓ સંવેદનાં અને સજીવ લાગણીની ભાષાને વધારે પ્રાધાન્ય આપે છે.

આજની નારી,આજની આધુનિક નારી,ટુ ડેઝ વુમન લખેલા જાહેરાતોનાં હેડીગ ઠેરઠેર જોવા મળે છે.

પહેલા હંમેશા એકજ  વાક્ય સાંભળવા મળતું હતું કે “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” પરંતુ આજે સમીકરણ બદલાઈ ગયું છે “આજે દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે”. પોતાની કારર્કીદી એટલે કે કરિયરને મહત્વ આપતી સ્ત્રીઓ માટે આજની વુમન બનવું ખરેખર ચેલેન્જીગ હોય છે. પુરુષો માત્ર ઘર બહારની દુનિયામાં જીત મેળવવા ઝઝુમતા જોવા મળે છે. જ્યારે એ જ  સ્ત્રીને ઘર અને બહારના બંને મોરચા બાખૂબીથી સંભાળવા પડે છે. અને ત્યારેજ તે પોતાની કંઈક અલગ પહેચાન બનાવવામાં સફળ થતી હોય છે.  પછી તે અમેરિકા હોય કે ભારત કે પછી દુનિયાના ગમે તે દેશનો ગમેતે ખૂણો હોય,પણ સ્ત્રીઓને સોપાયેલા કામ દરેક જગ્યાએ એક સરખા જ છે “પતિ, ઘર અને બાળકો”.  સ્ત્રી આ બધામાંથી સમય કાઢી પોતાની અલગ પહેચાન બનાવવા ઝઝૂમે છે તારે તેને બીરદાવવી જ રહી. મોટે ભાગે જેને હાઉસ વાઇફ કહીએ છીએ એ આ બધા જવાબદારી ભર્યા કામમાંથી બચેલા સમયનો સદુપયોગ કરીને પોતાનાં નિજાનંદ માટે અથવા કેરિયર લક્ષી કોઇ કામમાં સફળ થાય છે ત્યારે આ સ્ત્રીને સલામ કરવી જ પડે.

અમુક પુરુષ સમાજ એવો દાવો કરે છે કે સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેવું ગમતું નથી એટલે સ્ત્રીઓ સ્વતત્રતાની આડે બહાર રહેવાના બહાના શોધે છે. અહીયાં મારૂં એવું માનવુ છે કે ખરેખર આવું નથી કે આજની સ્ત્રી ઘરકામની  દુનિયામાંથી બહાર નીકળવા વ્યાકુળ છે. પણ હક્કીત એ છે એ સ્ત્રી ઘર ચલાવવાની સાથે વધારાની કમાણી કરીને ઘરમાં મદદરૂપ થવા પ્રયત્ન કરે છે અને આજ કારણે તે કામ કરવા મજબૂર બને છે. અને સાથે પોતાની અલગ પહેચાન કરવા પ્રેરાઈ છે .

આજની નારીએ સમાજના જુના રૂઢીચુસ્ત વિચારોને ફગાવી પોતાની પ્રગતિનો માર્ગ જાતે મોકળો કર્યો છે. તો સાથે પોતાની જવાબદારી થી દૂર નથી ભાગી, તો આજની નારીને બિરદાવવી રહી. પુરુષોના માથે તો સ્વતંત્રતાનો મુગટ સદિયોથી વરેલો હતો અને તેનો લાભ ગેરલાભ તેમણે આજ સુધી પુરતા પ્રમાણમાં લીધે રાખ્યો છે.  પહેલાના વખતથી સ્ત્રીઓને પગની જુતી સમજીને,કે ભોજયેષુ માતા ,શયને શું રંભા ગણવામાં આવી છે.  પણ હવે શિક્ષણ આ સમાજને સમાજના વિચારોને ઘીરે ઘીરે બદલી રહ્યું છે તે આનંદની વાત છે અને સાથે એવા ધણા સમજદાર પુરુષો પણ છે જે પોતાની સ્ત્રીને આગળ વધવાં એને જોઇતી મોકળાશ અને અન્ય સહારો આપવા તત્પર રહે છે.

સ્ત્રીઓની હમેશાં એક ખાસિયત રહી છે કે તેઓ એક સાથે અનેક કામ એક સમયે કરી શકે છે. ઘરકામ કરતા કરતા તે બાળકોને ભણાવી શકે છે પતિની વાતો સાંભળી તેને યોગ્ય સલાહ આપી શકે છે કે આજની વુમન તરીકે એક તરફ તેનું લેપટોપ રાખી ઓફીસ કામ કે તેનાથી વધી મિત્રો સાથે ચેટ પણ કરી સકે છે ,
“જ્યારે પુરુષ પોતે કામ કરતો હોય એવા સમયે જો બાળક તેના હોમવર્ક વિષે કઈ પણ પૂછવા આવે તો તેનો સીધો જવાબ મળી આવે છે હમણા હું બીઝી છું પછી પૂછજે . કે કામ કરતો હોય અને પત્ની કૈંક કહે તો ” જોતી નથી કામ કરૂ છું, જા ચાય બનાવી લાવ ” .

આનો અર્થ એ નથી કે પુરુષ તે કામમાં કાબેલ નથી, પણ તેને એક સાથે બધા કામ કરવાની આદત નથી.  જ્યારે એક સ્ત્રી એક પત્ની એક માતા એક ગૃહિણી બધા રોલ સાથે નિભાવી શકે તેમ છે.  થોડા હળવા શબ્દમાં કહું તો રસોડામાં ગેસ ઉપર શાકનાં વધારની સાથે રોટલી ચડાવતાં એ ટીવી સિરિયલ જોઇ શકે છે. તેમ છતા એની રસોઈ કાયમની માફક સ્વાદિષ્ટ થશે. એના એક પણ કામમાં કચાશ રહેતી નથી. દરેક કામમાં જાત રેડી દેવાની સ્ત્રીઓની આદત હોવાથી તેઓ દરેક ક્ષેત્રમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી શકે છે. “શિક્ષિત,પ્રતિભાસંપન્ન અને કાર્યદક્ષ મહિલાઓ માટે બેહતર વિકલ્પ એ જ છે કે તે પોતાની યોગ્યતાઓનો ઉપયોગ પોતાના અને કુટુંબના ઉત્કર્ષ માટે કરે. એવું કરવાથી તેની યોગ્યતાઓ ઘર,પરિવાર અને બાળકોને ધણી ઉપયોગી બની રહે છે

પુરુષોની તુલનાએ સ્ત્રીઓના નિર્ણય શકિતમાં લાગણીનો પ્રભાવ વધુ હોય છે. આથી તે જે કાર્ય હાથમાં લે છે તેને આગવી સૂઝ સાથે પુરેપુરી લગનથી પૂરું કરવા કટિબદ્ધ હોય છે.તેથી સ્ત્રીઓનાં કાર્યમાં એક ચોખ્ખી કાર્યદક્ષતા દેખાઈ આવે છે.એટલા માટે જ ઉચ્ચ કક્ષાએ પહોચેલી સ્ત્રીઓ બહુ સકસેસફૂલ હોય છે.

આજની જે પણ સુશિક્ષિત સ્ત્રીઓ સ્વાવલંબી બની છે તેમને કોઈની ઉપર અવલંબન રાખીને જીવવાનું પસંદ નથી. હું પોતે એક સ્ત્રી તરીકે માનું છું કે સ્વાવલંબી બનવું મહત્વ નું છે પણ સ્વછંદી નહિ …. સ્ત્રીઓ એ પોતાનું સમાજમાં પોતાનું સ્થાન બનાવવાનું હોય છે. આવા સમયે દરેકે એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી બને છે કે સ્ત્રીઓ એ પોતાની બુદ્ધિ અને વિચારશક્તિનો  ઉપયોગ એવી રીતે કરવો જરૂરી બને છે કે જ્યાં કૌટુંબિક એકતા અને સુખ શાંતિ જળવાઈ રહે.
તેની પહેલી જવાબદારી છે પોતાના ઘરની ચાર દીવાલો બની તેમાં હૂફ અને લાગણીનું સર્જન કરવું જો આમ નાં કરવામાં આવે તો  ઘર ભંગાણ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.કારણ એક રીતે જોઇએ તો સ્ત્રી ઘરની એકતા અને સુખ શાંતિની પહેલી અને મજબુત કડી છે.
મોટા ભાગે દરેક પુરુષને એવી સ્ત્રી ગમે છે જે પોતાનાં અને રૂપ સાથે ગુણમાં અને વાક્ય ચાતુર્યમાં અવ્વલ હોય. અને એ સ્ત્રી પુરુષનાં દિલમાં આગવું સ્થાન બનાવે છે. દરેક પુરુષને આવી વર્કિંગ વુમન પસંદ હોય છે તેમની આગવી છટા અને ટેલેન્ટ થી લોભાઈ જતા હોય છે પરતું બેવડી વિચારધારા પ્રમાણે પોતાના ઘરની નારી તેમને ઘરમાંજ પુરાએલી ગમે છે. તેમની આ વિચારસરણી ને પ્રેમથી કાબુમાં લાવવી જરૂરી છે. કારણ પુરુષો સ્વભાવગત માલિક ભાવથી પીડાતા હોય છે. સાથે પ્રેમ અને સમજ થી બહુ જલદી વશ પણ થઇ જતા હોય છે. આ દરેક સમાજની સ્રીઓ એ શીખવું જરૂરી છે.

એકવીસમી સદીમાં વર્તમાન પત્રો, સામાયિકો,ટી.વી.. રેડિયો, ઇન્ટરનેટ જેવા ઇલેકટ્રોનિક મિડિયાનાં કારણે સ્ત્રીઓ જુદા જુદા ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી ઝડપથી આગળ આવી રહી છે.આજે આ બધા કારણે પોતાને લક્ષી કોઈ પણ જાતના પ્રશ્નોની ચર્ચા પણ તે ખુલ્લે આમ કરી પ્રશ્નોનું નિવારણ શોધી રહી છે

આજની નારી સમાજને બતાવી દેવા તૈયાર છે કે આજે તેની પહોંચની બહાર હવે કશું રહ્યું નથી.તે પુરુષ કરતા પણ વધુ ચાર ડગલાં આગળ ચાલી શકે તેમ છે,અને દરેક પ્રકારના મુશ્કેલીભર્યાં કામને એ સહજ રીતે કરી રહી છે. આજની સ્ત્રીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.

કાર્યક્ષેત્રમાં પુરુષ અને સ્ત્રી એક જ હોદો સંભાળતા હોય પણ સ્ત્રી હોવાને કારણે જે તે કાર્યક્ષેત્રને સ્ત્રીનાં કલાકો અને કાર્યદક્ષતાનો વધારાનો લાભ મળે છે.કારણકે સ્ત્રી થોડા થોડા સમયે ચાની તલપ નથી લાગતી.સ્ત્રી ઓફિસમાં પાન મસાલા કે સીગારેટ પીતી નથી. હા ગોસીપની શોખીન જરૂર હોય છે ,પરંતુ સ્ત્રીઓને ઓફીસ કામ પતાવી બીજો મોરચો સંભાળવા એટલેકે ઘર તરફ જવાની ઉતાવળ વધુ હોય છે આથી પરિણામે સ્ત્રીઓને તેમને સોંપેલા કામ ઝડપથી પૂરા કરવામાં વધુ રસ રહે છે .

ઈન્દિરા ગાંધી,માર્ગરેટ થેચર,શિરામાઓ ભંડાર નાયકે જેવી મનની સશક્ત અને અડગ નિર્શ્ચય ધરાવતી સાથે લોંખડી મનોબળ ધરાવતી મહિલાઓએ વર્ષો સુધી પોતપોતાના દેશ પર શાસન કર્યું હતું અને તેમના શાસન દરમિયાન તેમને હજારો પુરુષ નેતાઓ અને અધિકારીઓને પોતાના હાથ નીચે જ રાખેલા હતા.

ઇંદિરા ગાંધીનું ઉદાહરણ લઇએ ૧૯૭૧નાં ભારત પાકિસ્તાન યુધ્ધમાં પોતાની બાહોશી અને મુત્સદીગીરીથી ઘરમાં આવેલી કેકનાં બે ટુકડા કાપતાં હોય એમ પાકિસ્તાનમાંથી બાંગલાદેશ અલગ કરી નાખ્યુ. જ્યારે આવો યુધ્ધવિષયક નિર્ણય લેવા માટે લોંખડી મનોબળ જોઇએ. આ પ્રકારનો નિર્ણય લેવા માટે પુરુષ નેતાઓ પણ એક નહી અનેક વિચાર કરે.જ્યારે ઇંદીરાગાંધી આ નિર્ણય લેવાં જરા પણ સમય બગાડ્યો નહોતો.

આમ રાજકીય રીતે પણ સ્ત્રીઓ પોતાનું યોગદાન આપતી રહે છે. એટલું જ નહી,પોતાની કાબેલિયત દ્વારા સ્ત્રીઓને જુદી જુદા રાજકીય સંસ્થાઓમાં જોડાઇને પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવતી રહે છે.એ પછી કોઇ પણ પ્રકારની ચળવળ હોય કે રાજકીય મકસદ હોય,સ્ત્રીઓ એક શકિત બનીને ઉભરી આવે છે.એ પછી તસ્લીમા નશરીન હોય કે બેનઝીર ભૂટ્ટો હોય કે માયાવતી હોય કે સુષ્મા સ્વરાજ હોય કે સ્મૃતી ઇરાની હોય.

સ્ત્રીઓ વિશે દરેક દેશ હોય કે સમાજ હોય એક માન્યતા પહેલેથી જોવા મળે છે..એનું મુખ્ય કારણ એક જ છે.સર્જનહારેલી કરેલી સ્ત્રી શરીર રચના..ઇશ્વર જાણે છે કે સ્ત્રી સંતાનને જ્ન્મ આપવાથી લઇને અમુક મહારત વાળા કાર્ય પર સ્ત્રીઓનો સંપુર્ણ ઇજારો છે..

સાહિત્યકાર કાકાસાહેબ કાલેકર કહે છે
“અપ્રિતમ સૌંદર્ય આગળ જ્યારે વૈરાગ્ય પરાભૂત થાય છે ત્યારે આત્મા સંકુચિત થાય છે”
બસ મિત્રૉ કાકાસાહેબનાં એક વાકય પરથી જોઇએ તો પુરુષો માટે સ્ત્રીઓનું સૌંદર્ય જેટલુ દ્રશ્યપ્રિય છે એટલુ જ એનાં પુરુષ અહમને નીચા દેખાડી શકવાં શક્તિમાન  છે..કદાચ એટલે જ પુરુષો સ્ત્રીઓને રીઝવવાં એનાં બાહ્ય સૌંદર્યની પ્રશંસા કરતો જોવા મળે છે…સ્ત્રી ને રીઝવવા બળવાન અને બુદ્ધિમાન પુરુષ તેના ચરણોમાં પણ બેસી જાય છે. આનાથી વધુ નાજુક નામની સ્ત્રીનું મહત્વ હોઈ શકે. અને સ્ત્રીઓની બાબતમાં કહું તો મોટેભાગે સ્ત્રીઓને એવા પુરુષો ગમે છે જે એના સૌંદર્ય કરતાં એનાં આત્મિય સૌંદર્યને સમજી શકે, તેને લોલુપતા ત્યજી  માનભરી નજરે જુવે અને  તેના અંતરમન સુધી પહોચી શકે .આજની વુમનને કોઈ તેના રૂપના નહિ પણ ગુણ ના વખાણ કરે તેની શક્તિઓને બિરદાવે તે વધુ પસંદ હોય છે

આપણા પુરાણૉમાં પણ નારીઓનું મહત્વ અને  પ્રદાન જરા પણ ઓછું ગણી શકાય એમ નથી. એ પછી રામચંદ્ર ભગવાનની સીતા હોય કે મહાભારતની પાંચાલી દ્રૌપદી હોય.પતિવ્રતામાં ગાંધારી હોય કે રાવણની પત્ની મંદોદરી હોય.અને પ્રેમ અને બલીદાનમાં રાધા હોય કે લક્ષ્મણની પત્ની ઉર્મિલા હોય આપણાં પુરાણૉએ હમેશાં સ્ત્રીઓને શકિતનું સ્વરૂપ આપ્યું છે અને દરેકયુગમાં સ્ત્રીઓને મોકો મળતા પોતે આધ્યાશકિત છે એ પૂરવાર કરી બતાવ્યું છે.

આવી જ રીતે અમેરિકામાં સ્ટાર ઈન રાઈઝીંગ માં બિલ-હિલેરી ક્લિન્ટનને પણ સામેલ કરવામાં આવ્યા છે.આજે અમેરિકામાં ચાલતા ઈલેકશન વોરમાં ડોનાલ્ડ ટ્રમ્પ જેવા માણસને હિલેરી બરાબરની ટક્કર આપી રહી છે.  જેમને એક વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ બીલ ક્લીન્ટન ઉપર મુકાએલા આરોપો સામે અડગ ઉભા રહી પોતાના પતિને સમાજમાં જાહેરમાં સપોર્ટ કર્યો હતો.

એક પત્ની જ પતિની બધી ભૂલોને પોતાના ઘણી ચાર દીવાલોમાં સંતાળીને સાથ આપીને સમાજમાં તેને મહત્વનું સ્થાન પણ અપાવી શકે છે.  અને તેજ રીતે પતિની વિરુધ્ધે ચડેલી પત્ની ભૂલ પકડાઈ જતા પતિનો સાથ પલભરમાં છોડી ને સમાજમાં હલકો પણ બતાવી શકે છે. આ સાબિત કરે છે “એક પત્ની પતિને જીતાવી શકે છે તો જીતેલા પતિને હરાવી પણ શકે છે.”. જોકે પતિ પત્નીનો સાથે એક સિક્કાની બે બાજુઓ જેવો રહ્યો છે આથી આ વાત સ્ત્રી માટે પણ લાગુ પડી શકે છે.

બીલ ગેટ્સની અજાબો સંપતિના માલિક તેમની પત્ની મીલીંડા ગેટ્સ પોતાને ભાગમાં આવેલી અઢળક સંપતિને હસતા મ્હોએ દાનમાં આપી દેવાની ઉદારતાં  દર્શાવીને પતિના પગલે ચાલવાની હિમત દર્શાવી છે. આવીજ રીતે મધર ટેરેસાને યાદ કરવાજ ઘટે છે. એક સ્ત્રી પોતાના મોજશોખને નેવે મૂકી દુઃખીજનો માટે જે કરી છુટ્યા છે તેમ કરવા માટે હ્રદયમાં કરુણાનો સાગર જોઈએ.

જ્યારે પણ વુમન્સ પાવરની વાત આવે છે ત્યારે આપણે ભારતના કલ્પના ચાવડાને કેમ ભૂલી શકાય? કલ્પના ચાવલા અમેરિકાના એક સ્પેસ મિશનની નિષ્ફળતાનો ભોગ બન્યા હતા અને તેને પરિણામે કલ્પના ચાવલા સહિત બીજા અવકાશીઓએ પણ જાન ગુમાવ્યો. જ્યારે રાતના અંધારામાં સ્ત્રીઓ બહાર જતા પણ ડરે છે ત્યારે કલ્પના ચાવડા પોતાના ફેમિલીને ટાટા કરી સ્પેશમાં કોઈ પણ ડર વિના જવા તૈયાર થઇ ગયા હતા.

આજ રીતે આજકાલ કોર્પોરેટ જગતમાં એક નામ મોખરે જણાય છે પેપ્સીકોલા ના  સીઈઓ ઈન્દ્રા નુઈ. શ્રી નૂયી પોતે ભારતીય મહિલા છે તેમણે કરેલા એ ઈનોવેશન ને કારણે  પેપ્સી કંપનીનેને ખાસ્સો ફાયદો થઈ રહ્યો છે .આજ રીતે બીજી અગ્રણી મહિલાઓમાં આઇસી આઇસી આઇ બેન્કના એમડી અને સીઈઓ  ચંદા કોચરને ભારતની શક્તિશાળી બીઝનેસ વુમન જાહેર કરવામાં આવ્યા.  એક્સીસ બેન્કના શીખા શર્મા તથા  અરુણા જયંતી ,અનીતા ડોગરે જેવી કેટલીય બીઝનેસ વુમન પોત પોતાના ફિલ્ડમાં બહુ નામના કાઢી છે.રીલાઇન્સના મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી આજકાલ જાહેરક્ષેત્રની તથા શૈક્ષણીક અને સ્પોર્ટને લગતી સંસ્થાઓ સાથે  જોડાયેલા છે.નીતા અંબાણીની એક બીજી ખાસિયત છે.એની કોઇ પણ કંપનીનાં એમ્પલોઇસની સુવિધા માટેની જવાબદારી પણ સંભાળે છે.

અહીંયા અમેરિકામાં પણ સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષોના ખભે ખભા મિલાવી કામ કરે છે અને દરેક ક્ષેત્રમાં પોતાની નામના અલગ રીતે બનાવતા જાય છે.હાલ ચોકાવનારી વાત ફોર્ચ્યુન મેગેઝિને બહાર પાડી તે મુજબ ‘વર્ષ ૨૦૧૪ની સૌથી શક્તિશાળી બિઝનેસ વિમેન’ની યાદી જાહેર કરી જેમાં લગભગ ૫૦ ટકા મહિલાઓ ખૂબ જ મોટા કદની કંપનીઓનું સંચાલન કરે છે જે એક રેકોર્ડ છે.

ન્યૂયોર્કના મેરી બારા પ્રખ્યાત ઓટો મેકર જનરલ મોટર્સના સીઇઓ છે. તેઓ એપ્રિલ ૨૦૧૪નાં બારા ટાઇન્સ મેગેઝીનનાં દુનિયાના સૌથી વધુ ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં ચમકયાં હતાં.એન્જિનિયરિંગ અને ઇલેકટ્રીકલ અભ્યાસ પહેલા પુરુષોને હસ્તક ગણાતું હતું તેમાં આજે સ્ત્રીઓ પોતાનું વર્ચસ્વ ઘરાવતી થઇ ગઈ છે અને તે પણ આટલી મોટી પોસ્ટ ઉપર પોતાની નામના કાઢવી તે કઈ નાની સુની સિદ્ધિ તો ના જ ગણાય.

આજ રીતે ન્યુયોર્કમાં જન્મેલા જેનેટ યેલન અમેરિકાની ફેડરલ રીઝર્વ બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રથમ ચેરપરસ બન્યા હતા.જે બીલ ક્લીન્ટનની સરકાર વખતે વ્હાઈટ હાઉસમાં કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઈઝર રહી ચુક્યા હતા. અમેરીકા જેવા દેશમાં આટલી મોટો પોસ્ટ ઉપર એક સ્ત્રીનું હોદ્દા ઉપર રહેવું તે ગર્વની વાત છે.

હેડમાર્ક તથા હેરાલ્ડરોબિસ જેવા પુરુષ નવલકથાકારોની જોનકાલિસ તથા એરિકા બીંગ્સ,અને શોભા ડે જેવી સ્ત્રી લેખિકાઓએ છુટ્ટી કરી દીધી છે.

આટલું બધું જોતા સામાન્ય રીતે એમ જ લાગે કે હવે મહિલાઓ સુરક્ષિત છે પોતાના પગ ઉપર ઉભી રહેલી સ્વતંત્ર બની છે… પણ નાં ! સાવ એવું નથી હોતું જે દેખાય છે.આવો આઘુનિક સમાજ આપણી વચ્ચે જુજ છે.આજની નારી કહેવાય છે વુમન પાવર,પણ હકીકતમાં આજે પણ પુરુષ સમાજથી દબાએલી કચડાએલ છે.કારણકે આજે પણ અમેરિકન હોય કે ભારતિય સમાજ હોય એ સમાજનાં મુળ પર આજે પણ પૈતૃક સમાજની પકડ જોવા મળે છે.

ભારત જેવા દેશોમાં તેમાય ખાસ જ્યાં પુરુષ પ્રઘાન સમાજ અસ્તિત્વમાં હોય તેવા સ્થળોએ ઘરેલું હિંસા થવી સામાન્ય વાત બની ગઈ છે.વિશ્વમાં દરેક જગ્યાએ સ્ત્રીઓ પર થતા પુરુષોના અત્યાચારોમાં જ્યારે અમેરિકા જેવા મહાસત્તા ધરાવતા વિકાસશીલ દેશોમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર અને ઘરેલું હિંસાની  વાતો સાંભળવામાં આવે ત્યારે સમજાય છે કે આજની નારી હજુ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પગભર નથી બની.

સમાજ વિકસી રહ્યો છે, પણ  જે વર્ષો પુરાણી બદીઓ અને વિચારસરણીઓ માંથી હજુ સંપૂર્ણ રીતે મુક્ત નથી બન્યો.એ માટે શિક્ષણ સહુથી મોટી જરૂરીયાત છે.

જુના પુરાણા વિચારો ઘરાવતો સમાજ હજુ પણ માને છે કે સ્ત્રી પુરુષની દાસી માત્ર છે.જ્યાં પત્નીને ઘરસંસાર સંભાળવા સિવાય બાકીના કોઈ હક આપવામાં આવતા નથી.તેઓનું માનવું હોય છે કે ઘર સાચવવા રસોઈ શીખવાની જરૂર છે નહી કે વધારે ભણતરની…આજે પણ અમુક સમાજમા એવી માન્યતા પ્રર્વતે છે વધુ ભણેલી છોકરી અને ભણતર દ્રારા મેળવેલી કેળવણી એનું માનસ બગાડે છે અને એના વિચારોને સ્વછંદતા આપે છે..ભણતર થી સ્ત્રીઓમાં સ્વતંત્રતાનો જુસ્સો આવે છે.જેના કારણે સ્ત્રી મુક્ત અને કુકર્મો કરનારી બને છે.. આવા જડ વિચારોને તિલાંજલી આપવાની તાકીદે જરૂર છે. કારણ એક ભણેલી સ્ત્રી આખા વંશવેલાને સુધારી શકે તેમ છે.

આ સુધારેલો કહેવાતો સમાજ એક પત્નીને ઘરમાં રસોડાની રાણી અને અને સમાજમાં તેના બાળકોની માતા તરીકે ઓળખ આપીને ખુશ રહે છે અને એમ માણે છે કે સ્ત્રીઓનો ઉઘ્ઘાર કરી નાખ્યો …

હક્કીતમા સ્ત્રીઓનો ઉધ્ધાર જ કરવો હોય તો દરેક દીકરીને સાચી કેળવણી આપો..એને જ્યાં સુધી ભણવુ હોય એટલી સ્વતંત્રતા આપો…

ભણેલી ગણેલી દીકરી તેના બાળપણથી લઇ યુવાની સુધીના સફરમાં કોઈ પણ ખરાબ પગલું ભરતા પહેલા દસ વખત વિચાર કરશે અને એ જ દીકરી એના સાસરિયામાં પણ તેની બુધ્ધીમત્તાને અને સંસ્કારને કારણે માં બાપનું નામ ઊંચું રાખશે.

એક માતા સો શિક્ષકો ની ગરજ સારે છે..અને એક શિક્ષિત માતા હોય તો એક પ્રાધ્યાપકથી લઇને એક સાચા કેળવણીકારની ગરજ સારે છે. જો માતા ભણેલી અને ઉચ્ચ વિચારો ઘરાવતી હશે તો તમારા બાળકોને તેમના જીવનપથ ઉપર આગળ વધવા મદદરૂપ બનશે.

પત્ની તરીકે એ શિક્ષિત હશે તો સાચા અર્થમાં પુરુષની સહચારીની બની તેના મુશ્કેલીના સમયમાં સાચો માર્ગ ચિંધનાર દોસ્ત અને સલાહમાં માર્ગદર્શીની સાબિત થઇ શકશે.. પુરુષની કટોકટીનાં સમયમાં એક પ્રેમિકા બની તેના માનસિક તણાવને કઈક અંશે ઓછો કરી શકશે!!!!

ભણેલી સ્ત્રી વિચારોની ઉચ્ચ્તાને લઈને ખરાબ માર્ગ ઉપર જતા પહેલા સારા નરશા પાસાઓ  ઉપર એક વાર જરૂર વિચાર કરશે..તે પોતાનો સ્ત્રી ધર્મ સમજીને ઘર સરસ રીતે ચલાવી છોકરાંને કેળવણી આપી શકે છે.

અક્ષર જ્ઞાન સ્ત્રી માટે જરૂરી છે તેના કરતા વધુ જરૂરી સમાજના ઉધ્ધાર માટે છે. આજની સ્ત્રીને કોઈના ટેકાની જરૂર નથી માત્ર તેને પ્રેમ અને માં આપો થોકોદ વિસ્વાસ તેની પ્રગતિના માર્ગને મોકળો કરી દેશે.

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)