મઘર્સડે સ્પેશિયલ ……
સૌરાષ્ટ્ર કાઠીયાડનું એક નાનકડું ગામ ચન્દ્રપુર..ગામનું નામ પડ્યું હતું અહીના મૂળ દરબાર ચંદ્રસીહ ઝાલાના નામ ઉપરથી..ચન્દ્રસીહ ઝાલા એક ખમીરવંતો રાજપૂત અને એવો જ એનો ખમીરવંતો ઇતિહાસ હતો.વરસો પહેલા અંગેજો સામે પડીને એના ચુનંદા સાથીઓની મદદથી આ વિસ્તાર અંગ્રેજોના હાથમાંથી છોડાવ્યો હતો.ત્યારથી આ ગામનું નામ ચંન્દ્રપુર પડ્યું હતું.
એ સમયે બહારવટીયોની અતિ રંજાડ હતી. પણ ચન્દ્રસિંહની ધાકના કારણે એ જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી એક બહારવટીયાએ ચંન્દ્રપુર ગામને લુટવાની હિમ્મત નહોતી કરી.જેટલો એનો જીવ બહાદૂર હતો એટલો જ એનું દિલ દરિયો હતો..કહેવાય છે કે વખાનો માર્યો કોઇ પણ ગામનો જણ એની તકલીફ લઇને ચન્દ્રસિંહ બાપુ પાસે જાય તો બાપુની ડેલીએથી એ કદી વિલા મોઢે પાછો ના ફરે.ચન્દ્રસિંહ બાપુની વાતો અત્યારે તો દંતકથાઓમાં સચવાય ગઇ છે…આજે નિશાની રૂપે ઉભી છે કોટબંધ બ્રિટીશ સ્ટાઇલની હવેલી.. એમના વારસદારો આ જાહોજલાલી સાચવી ના શક્યા અને કાળક્રમે એ જાહોજલાનીની ચમક ઘસાતી આવી.
અંગ્રેજો હિંદુસ્તાન છોડી ગયા અને આઝાદ ભારતનો જન્મ થયો ત્યારે દેશનું એકીકરણ થતા દેશની અમાનત દેશને અર્પણ કરોની નીતિમાં મોટા ભાગની જૂની મિલકતો અને ગરાસમા આવેલા ગામડાઓ આઝાદ હિંદમા વિલિન થઇ ગયા,
ઝાલા પરિવારની કેટલીક મિલકત દેશના ભંડારમાં ઉમેરાઈ ગઈ બાકીની બાપદાદાનું નામ અને માન સાચવવામાં બાકીની સમૃદ્ધિ ખર્ચાઈ ગઈ. પૈસે ટકે ઘસાઈ ગયેલા ઝાલા પરિવારમાં અસ્સલ રાજપૂત ગરમ લોહી વહેતું હતું.ભલે આજે ચન્દ્રસિંહના વખતની જાહોજલાલી નથી છતા પણ ઝાલા ખાનદાનની આબરૂ માટે ઝાલા પરિવારનો વારસદારો ગમે તે હદે જવાની તાકાત ઘરાવતા હતા
આ હવેલીના નીચેના હિસ્સામા ચન્દ્રસિંહનાં વારસદાર પૈકી વજેસંગ ઝાલા અને તેમની પત્ની રૂપાબા એકની એક વહાલસોઈ દીકરી સોનલ સાથે રાજીખૂશીથી રહેતા હતા.દીકરાની આશા રહી નહોતી.રૂપાબાએ સોનલને જ્ન્મ આપ્યો એ વખતે વખતે ડૉકટરોએ નિદાન કર્યુ હતું કે બીજા બાળક રૂપાબા હવે પછી જન્મ આપી શકે એવી સ્થિતિમા નહી રહે..ત્યારે ઘ્રુસકે ઘુસકે રડી પડેલા રૂપાબાને ચંન્દ્રસિંહએ સધિયારો આપતા કહ્યુ,”આપણી દીકરીને દિકરા જેવા જ લાડકોડથી ઉછેર કરીશુ.”
અન્ય કોઇ સંતાન ના હોવાથી લાડકી સોનલ ઉપર માં-બાપના ચાર હાથ હતા.પહેલાના વખતની કેટલીક જમીનો અને ખાનદાની કહી શકાય એવી કોટબંધ હવેલી અને સૌથી વઘુ મોઘી હતી આજે પણ અમુક અંશે સચવાયેલી ઝાલા ખાનદાનની આબરૂ.
આજુબાજુના ગામડાઓ કરતા ચન્દ્રપુરમાં ઉજળીયાત કોમની વસ્તી પણ અહી સારા પ્રમાણમાં હતી,અને આ વિસ્તારના ધારાસભ્ય ભાવસિંહ ચૌહાણનું નિવાસસ્થાન ચન્દ્રપુરમા હતું..ભાવસિંહ સ્વભાવે કાચીડા જેવો હતો,મુત્સદી એવો અઠંગ ખેલાડી હતો.એના મનમાં શું ચાલે છે એ પારખવું કોઈના હાથમાં નહોતું.ચાણક્ય નીતીના દરેક દાવપેચ જાણતો હતો આથી જ તેની પહોચ રાજ્ય કક્ષામાં ઉપર સુધી હતી અને ખાધેપીધે લીલાલહેર વાળો હતો શરાબ સુંદરીઓનો શોખીન હતો આથી અવારનવાર બહારથી મહેમાનો આવતા અને મિજબાની ગોઠવાતી હતી.
શરૂ શરૂમાં ભાવસિંહ વાજેસંગને આવી મહેફિલમાં આવવા આગ્રહ કર્યો હતો.એક વાર ભાવસિંહનુ માન રાખીને વજેસંગ ગયા,અને પછી આવી બદીથી દુર ભાગનારા વજેસંગ ત્યા જવાનું છોડી દીધું હતું.
વજેસંગ તેમના નાનકડા પરિવાર સાથે ખુશ હતા,રૂપાબામા અસ્સલ રાજપુતાણીની ખુમારી છલકતી હતી,એમની ચાલ અને બોલવામાં રાજપુતાઇ ગર્વ હતો.જેટલા એ દેખાવડા હતા તેના કરતા જાજરમાન વધુ હતા.એમની આંખોમા ખુમારી ચમકતી હતી,લાંબુ પાતળું નાક નીચે બે પરવાળા જેવા ગુલાબી હોઠ અને ખાનદાની તેજ ઘરાવતું અને મોટું કપાળ,કપાળ પર મોટો લાલ રંગનો ચાંલ્લો લગાવતા.લાંબા કાળા ભરાવદાર વાળને એક ઢળતા અંબોડે બાંઘ્યા હોય..લાંબી ડોક ઉપર હંમેશા શોભતું મંગળસૂત્ર તેમની ગરિમા વધારતું હતું. શરીરના ભાગ ઓછા દેખાય તે રીતે કોણી સુધીના બ્લાઉઝ ઉપર હંમેશા માથે ટકીને રહેતો સાડી રહેતો પાલવા..આ બધુ ભેગું કરી એક પતિવ્રતા નાંરીની આભા ઉપસાવતી જીવંત પ્રતિમા ઉપસતી હતી.
માબાપના બેય કાઠે છલકાતા હેત અને લાડ વચ્ચે આ ખમીરવંતા ખોરડે સોનલ રાતેના વધે તેમ દિવસે વધતી હતી..એમ કરતા સોનલને બરાબર સોળ વર્ષ પૂરા થયા હતા.
એવામાં ગામમાં ચૈત્રી પુનમનો મેળો ભરાયો હતો..પરાણે જવા મથતું બચપણ ને તેને હડસેલો મારી આવવા મથતી જુવાનીનાં રંગમા રંગાયેલુ યૌવન સોનલને વિટળાય ગયુ..અંતરમા હિલોળા લેતો યૌવનનો દરિયો,સોનલના મનના કાઠે પછડાતો હતો..અને મેળૉ હોયને જુવાન લોહી થોડુ શાંત રહે..મેળામા મહાલવા સોનલ હવામાં ઉડતી હતી..અને એક દિવસ મેળામાં જવાનું નક્કી કરીને ખાસ તૈયાર થઇ હતી
ઘેરદાર ઘાઘરો અને ઉપર આભલા ભરેલું ઓઢણું,પગમાં ઝાંઝરી, હાથમાં ઘૂઘરીઓ ભરેલા કડલાં,રૂપાબાએ પ્રેમથી ગુથેલા લાબા ચોટલામાં તાજા ફૂલોની મહેકતી ડોલરના ફૂલની વેણી સજાવી સોનલ બહેનપણીઓ હારે મેળામાં જવા તૈયાર થઈ
કોઇ પરી જેવી લાગતી સોનલને રૂપાબા અમીભરી નજરે જોતા રહ્યા..હજુ તો હવેલીના ઝાપે પહોચી ત્યા રૂપાબા કોણ જાણે શું યાદ આવ્યું કે દોડીને સોનલ પાસે જઇને આંખોમાંથી કાજળ આગળીયે ભરી દીકરીના કાનની પાછળ લગાવી દીઘું.
માં બાપુની લાડકી હતી પણ હતી ખમીરવંતા ખોરડાની કન્યા આથી માને ખાસ કઈ બીક નહોતી છતાય,જતા જતા સોનલને સુંડલો ભરીને સલાહ આપી…અટકચાળી સોનલ રૂપાબાને ગળે વળગીને કહેવા લાગી “તારી દીકરી છુ.કોની મજાલ છે કે મારી સામે આંખ ઉચી કરીને જુએ!”
તે છતાં માના મોંઢામાંથી શબ્દો સરી પડ્યા”દીકરા!સાચવીને જાજે અને દિવસ ઢળતાં પહેલા ઘરે પાછી આવી જાજે.”
એમાંય સૌરાષ્ટ્રનો ભાતીગળ મેળો એટલે રંગોનો ઝમેલો.અહીની પ્રજા પણ મીઠી અને રંગીલી હતી.ચારે બાજુ રંગબેરંગી ફૂગ્ગાઓ લટકતા હતા.મોરલી,પાવા,ઢોલ ખંજરીના અવાજોથી ચારે દિશા ખનકતી હતી.ક્યાંક બાવાઓની જમાત ધુણી ધખાવી બેઠી હતી તેમની આજુબાજુ ,કરતાલ,,મંજીરા,અને અલખ નિરંજનના નારા બોલતા હતા.ક્યાક છુટા છવાયા નાના હાટડાઓ નાખેલા હતા.ફજળફાળકા અને નાની મોટી ચકરડી,મોતના કુવા,સિવાય માણસોને ભરપૂર મજા મળે એવું ઘણુ મેળામાં ચોતરફ જોવા મળતું હતું.
અહીની કોળી,રબારણ,આયરાણી,સ્ત્રીઓ રાસડા લેવાના મશગુલ હતી.મીઠા કંઠે અને મોકળા મને ગાતી અને સાગરની ભરતી સમાન તાલબદ્ધ ઉછળતી હતી!એ લચકતી લય,કમરનો મરોડ અને તાલબધ્ધ રીતે ઝુમતી રંગબેરંગી કપડે મઢેલી કાઠીયાણીઓને જોઇને જુવાનીઓની આંખો ચકળવકળ થાતી હતી અને ગલઢેરાઓ આંખે છાજલી કરીને આ દ્રશ્ય જોવામાં મશગુલ હતાં.
સોનલની હારોહાર ઉમરની બહેનપણીઓ મલકતી મલકતી અને એકાબીજા સાથે મસ્તીમાં કરતા કરતા મોજની છોળૉ ઉડાડતી મેળામાં મહાલતી હતી..ત્યા જ ભીડમાંથી કોઈએ તેનો હાથ ઝાલ્યો અને સોનલ ચમકી ગઈ……એ હતો ભાવસિંહનો એકનો એક બગડેલો જવાન છોકરો રોકી હતો.જેને બાપના નામ હેઠળ જાણે બધાજ કુકર્મો કરવાની ખુલ્લી પરવાનગી મળી હતી.રસ્તે જતી જુવાન છોકરીઓની છેડતી તો તેની માટે જાણે સામાન્ય બાબત હતી. ગરીબોને એની જુતીની ધૂળ પણ સમજતો નહોતો.કોઈની પણ ઉંમરનો લિહાજ કર્યા વગર તેને ઉતારી પાડતો ટુકમાં એક નંબરનો બદમાશ હતો..બાપના મોટા નામના ઓઠે રોકી માતેલા સાંઢની જેમ ગામા આખામાં ઘુમતો હતો..ભાવસિંહના ખોફના કારણે આ સાંઢને નાથવાની કોઇની હિમ્મત નહોતી.
રોકીએ મેળાની ભીડનો લાભ લઇ રૂપાનો હાથ પકડી નજીક ખેચીને ભીસ દીઘી.અને પછી તો બસ ખલ્લાસ.નાનું તોય સીહનું બાળ…તેને ગલુડિયું સમજવાની ભૂલ નાં કરવી જોઈએ .અચાનક સોનલના હાથનો એક સણસણતો તમાચો રોકીના ગાલ ઉપર પડયો..અને આજુ બાજુ બધાનું ઘ્યાન દોરાય તે પહેલા રોકી ત્યાંથી ફટાફટ સરકી ગયો..જતા જતા સોનલને કહેતો ગયો “આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજે.રોકી તને છોડવાનો નથી.
સોનલ રોકીના આવા વર્તનથી થોડી ડઘાઈ ગઈ હતી..ઘરે પહોચીને રૂપાબાને આખી ઘટના કહી દીધી.
રૂપાબાને, રોકી અને એના બાપ ભાવસંગના આખા ઈતિહાસ ભૂગોળની બરાબર ખબર હતી..તેથી રૂપાબાએ સોનલને એકલા બહાર આવવા જવાની નાં સલાહ આપી..પણ માનું મન અંદરથી ચીંતાતુર હતું..અને હવે આંખ કાન બરાબર ખુલ્લા રાખ્યા હતા..આ ઘટનાને ત્રણ મહિના વીતી ગયા.સોનલ તો આ વાતને જ ભૂલી ગઈ હતી !!!
એ દિવસ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો.દર વર્ષે ઝાલા પરિવાર તરફથી સાંજના સમયે ગામની બહાર આવેલા ભોલેનાથના મંદિરે આરતી પહોચતી હતી.પૂજાની થાળી લઈને રૂપાબા મંદિર જવા નીકળ્યા ત્યા તો પાછળથી એક ટહુકો સંભળાયો
“માં ઉભા રહો હું પણ આવું છું.” સોનલે બુમ મારી
“દીકરી મને મોડું થાય છે હું ચાલતી થાઉં છું,તું ઝડપથી મારી પાછળ આવી જાજે”આમ કહીને રૂપાબા ચાલતા થયા
સોનલ કપડા બદલી ઝડપભેર મંદિરે જવા નીકળી ચાલવા માંડી..રસ્તામાં એક બહેનપણી મળીતો ઉતાવળે થોડી વાતો કરીને મંદિરના રસ્તે ડગ ભરવા લાગી.
મંદિરના પગથીયા ચડતા રુપાબાએ પાછળ વાળીને જોયું તો આઘેથી સોનલ આવતી દેખાણી એટલે એને હાશ થઇ.. તેની સામે હાથ ફરકાવી રૂપાબા મંદિરમાં ગયા અને પુજારીને થાળી આપી આરતી શરૂ થવાની રાહ જોતા હતા.ફરી એની નજર મંદિરના મુખ્ય દરવાજા તરફ તાકી રહી હતી..અને સોનલ દેખાણી નહી..કાળજાનો કટકા જેવી દીકરી સહેજ પણ નજરથી દુર જાય તે માનું હ્રદય કેમ સાંખી શકે?
“કેટલી વાર થઇ આ છોકરી ક્યા અટકી ગઈ” ચિતિંત સ્વરે બબડતા બબડતા રૂપાબા મંદિરના પગથીયા ઉતરીને નીચે આવ્યા..મંદિરને ફરતે બધે આંટૉ મારી આવ્યા પણ ક્યાય સોનલ દેખાણી નહી.”હે ભોલેનાથ…., મારી દીકરી આટલી વારમાં ક્યા ગાયબ થઈ ગઈ.”બોલતા બોલતા મંદીરની પાછળ આવેલા જુના પુરાના અતિથી ગૃહ સુધી આવી ગયા.
રૂપાબાના કાને આછો પાતળૉ અવાજ સંભળાયો એટલે ઝડપભેર એ બાજુ વળ્યા..ત્યાં જઇને જોયું તો બારણું અંદરથી બંઘ હતું.સાંજના ઉતરતા ઓળા વચ્ચે,ચારે તરફ ઘેરો સન્નાટો હતો. એક અલગ વિચિત્ર પ્રકારની અનુભૂતિ રૂપાબાના મનમાં થઇ રહી હતી.અને ફફડતા મન સાથે હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યુ.
બારણા પાસે જઇને કાન માંડયા,અંદર બળજબરી કોઇ સાથે થતી હોય એવો અવાજ કાને પડયો..જોર જોરથી બારણું ઠપકારીને,”અંદર કોણ છે.”ની બુમો પાડી..ને અચાનક સોનલની તીણી ચીસનો ધીમો અવાજ રૂપાબાને કાને પડયો.
રૂપાબા પૂરી તાકાતથી બારણાને ધક્કો મારતા રહ્યાં.પણ જુના જમાનાના તેલ પાયેલા સાગના ધોકાવાળા બારણા એમ કાંઇ થોડા ખૂલી શકે કે તૂટી શકે.
રૂપાબાને પૂરી ખાતરી થઇ ગઇ કે નક્કી પેલા નપાવટ બાપની હરામખોર ઔલાદ રોકી જ હોવો જોઇએ..
રજપુતાણીનું ગરમ લોહી ખોલી ઊઠયુને આખા શરીરમાં ઝડપભેર વહેવા લાગ્યું..ગુસ્સાથી ધ્રુજતા શરીર સાથે આંખોમાં રતાશ ઉભરી આવી…ગુસ્સામાં આજુબાજુ નજર દોડાવી દુર ખુણામાં એક જૂની કૂહાડી દેખાઈ.
“જય ભોલેનાથ…જય આશાપૂરી માં,મારી દીકરીની રક્ષા કરજો બોલી,”મહાદેવ હર”ના નારા સાથે પૂરી તાકાતથી બારણા ઉપર ઉપરા છાપરી કુહાડીનાઘા ઝીકતી રહી..એક માંના સખત મનોબળ સાથે પડતા પ્રહારો સામે બારણું આખું વેતરાય ગયું..પગેથી લાત ફટકારી અને આખુ નમી પડ્યું..ઝડપભેર પગલા ભરતી,હાથમાં કુહાડીને ફેરવતી,એક રણચંડીની જેમ આમતેમ પગલા ભરતી રૂપાબાની ખુન્નસભરી નજરે અંદર પહોચી ગઈ ..
જરા આગળ વધીને જોયું તો રોકી સોનલને ઉપર ઝઝૂમતો હતો અને સોનલ તેનાથી બચવા એક ગભરું પારેવાની જેમ હવાતિયા ભરતી હતી,સોનલે પહેરેલો કુર્તો ફાટી ગયો હતો આખી ધૂળમાં રગદોળાય ગઇ હતી…હાથ જોડીને રોકીને કાલવાલા કરતી દીકરીને જોઇને રૂપાબાની આંખોં પહોળી થઇ,ઝડપથી દોડીને રોકીના પાછળથી કોલર પકડી એક ઝાટકે દૂર ફંગોળી દીધો અને રજપુતાણીના મોઢેથી ગાળ નીકળી ગઇ,”સાલા હલકટના પેટના,નીચ રોકીડા! તારી આ હિમ્મત કે એક રાજુપુતની દીકરીની આબરૂ પર હાથ નાખ્યો.”
આમતો દયાની દેવી જેવી આ માંના હાથોમાં કોણ જાણે કેવી રીતે પ્રેરણા અને શક્તિ આવી ચડી કે તે વાસનામાં ડૂબેલા રોકીને લલકારવા એક જ ઝપાટે બેઠી થઈ ગઈ ,
સોનલ તો જાણે થરથરતું પારેવું બની એક ખુણામાં ભરાઈ ગઈ હતી અને તેની બુઘ્ઘી તો જાણે થીજેલો પહાડ બની ગઈ હતી બસ આંખોમાં થી અવિરત આંસુ વહેતા જતા હતા
રોકી ઘવાએલા સાપની જેમ ફરી આ માં દીકરી ઉપર ઘસી આવ્યો અને રૂપાબાનો અંબોડો હાથમાં ઝાલી સોનલથી દુર કર્યા..પણ રોકીનું ધ્યાન કુહાડી પર નહોતું.
રોકીએ અંબોડૉ પકડીને હડસેલો માર્યો હતો તેથી રૂપાબાના વાળ ખુલ્લા થઇ ગયા..તેમણે જોરથી બુમ પાડી,”હર હર મહાદેવ”….અને રોકીની નજર રૂપાબા પર પડી તો એના મોતિયા મરી ગયા…ખુલ્લા વાળ,હાથમાં કુહાડી અને આંખોમાં ગુસ્સાનો અગ્નિ..જાણે સાક્ષાત જોગમાયા સામે ઉભી હોય એવું રોકીને લાગ્યુ..રોકી હજુ કંઇ આગળ વિચારે એ પહેલા સ્વબચાવમાં માની કુહાડી આ નારાઘમના પગ ઉપર મારવાના ઈરાદે ઉઠી હતી પરંતુ ઝપાઝપીમાં એક જ ફલાંગ કુહાડી રોકીના ગળા પર ઝીકાઈ ગઈ ……..
એક જ ઘા વાગતા રોકી લોહીલુહાણ થઇ જમીન ઉપર ફસડાઈ પડ્યો ,થોડાક તરફડીયા પછી રોકી શાંત થઇ ગયો , રોકીનુ પ્રાણ પંખેરું નર્કના માર્ગે રવાના થઇ ગયું..
ઊંડા શ્વાસ ભરતી અને હિબકે ચડેલી સોનલને રૂપાબાએ સોડમાં લીધી તના વાળ સરખા કર્યા અને આંસુ ભરેલા ચહેરાને સાડલા થી બરાબર સાફ કરી સોનલનો હાથ પકડી ચુપચાપ ઘર તરફ જવા રવાના થયા.
ઘરે આવી સહુ પ્રથમ રૂપાબાએ સ્નાન કર્યું.લાલ સાડી પહેરી,કપાળમાં કંકુનો મોટો ચાંદલો કર્યો … પછી સોનલને નહાવા પાણી કાઢી આપ્યું.ઘરના નાનકડા મંદિર બનાવેલા ઓરડામાં જઈ દીવો પ્રગટાવ્યો
ત્યાં સુધીમાં વજેસંગ ઝાલા ઘરે અવી ગયા હતા રૂપાબાએ બહુ પ્રેમથી આગ્રહ પૂર્વક બનેને જમાડ્યા.સોનલ તો મૂર્તિ બની આ બધું જોયા કરતી હતી.ચુલો ટાઢો કાર્ય પછી રુપાબા પતિ વજે સંગની પાસે જઈ બેઠા તેમનો હાથ હાથમાં ઝાલી…અને ઠંડા કલેજે જાણે કંઇ બન્યુ ના હોય એવી ટાઢકથી આખી ધટના કહી સંભળાવી
આખી ઘટનાની રજેરજની માહિતી આપી..એકદમ સ્વસ્થતાપૂર્વક રૂપાબા વજેસંગ બાપુને કહ્યું,સોનલના બાપુ,મને જાવા દો,મેં દીકરીને બચાવીને મારી ફરજ પૂરી કરી હવે મારી જાતને કાનુનના હવાલે કરી પ્રાયશ્ચિત કરવુ છે..હું જ્યા સુધી મારી સજા ભોગવીને પાછી ના આવું ત્યા સુધી દીકરી સોનલને સાચવજો..આપણા આંગણાની મહેક છે અને આપણા બેઇના લોહીની નિશાની છે..એને કાંઇ દુઃખ ના આવે એ સોનલના બાપુની જવાબદારી છે.
રૂપા તમે નાં હોતતો દીકરીનું શું થાત ? પણ બહુ ઉતાવળ કરી તમે મારી રાહ તો જોવી હતી ! મને દીકરીના બાપ હોવાનો હક તો દેવો હતો …કહેતા ઈ સાવજ જેવા બાપનો માહલો કડક જીવ આજે પહેલી વાર ઢીલો પડતો જણાયો
બસ એકજ વિચારો મનમાંથી સરવા લાગ્યા કે આજે તેની માં તેના બચાવમાં મોડી પડી હોત તો મારી ફૂલ જેવી દીકરીનું શું થાત ? આ વિચારે બીજીજ ક્ષણે તેની આંખોમાંથી જાણે લોહી તરવા લાગ્યું ,પણ બદલો તો તેની માએ ઢાલ બની પૂરો કર્યો હતો
વજેસંગ ફકત એટલું બોલ્યા અત્યારે ચોકીએ જવાની બદલે સવારે જાશું..થોડૉ વિચાર મને કરી લેવા દે…આપણે કાંઇક રસ્તો કરવો શોધવો પડશે..અને તે તો રોકીને એના કુર્કમની સજાની સાથે દીકરીની લાજ બચાવી છે..તમે ગુનેગાર નથી..”
પણ રાજપુતાણીએ નક્કી જ કર્યુ હતુ કે કોઇની જાન લેવાનો અધિકાર ઇશ્વર સિવાય કોઇનો નથી…માટે આત્મસમર્પણના માર્ગે જઇને મારા ગુનાની સજા ભોગવવી છે.
વજેસંગ પણ રૂપાબાની હારે પોલીસ સ્ટેશન જવા નીકળ્યા..ત્યાના ડયુટી પરના ફોજદાર પટેલ સાહેબ રૂપાબા ને અને વજેસંગ ઝાલાને સારી રીતે જાણતા હતા અને આ સમયે બંનેને સાથે જોઇને ચોકી ઉઠયા.વજેસંગ સાથે સારો ઘરોબો હતો તેથી વજેસંગ અને રૂપાબાએ આખી ગોઝારી ઘટનાની વાત વિસ્તારથી કહેવાનું શરૂ કર્યુ..અને વાત સાભળતા સાંભળતા અધવચ્ચે પટેલ સાહેબ ખુરશી માંથી ઉભા થઇ ગયા અને,એટલુ જ બોલ્યા,
“રૂપાબા,આ ઘટનાનો કોઇ સાક્ષી નથી અને તમે ઈચ્છો તો કેશને રફેદફે કરી દેશુ.અને આમ પણ આ રોકી ગામનો ઉતાર હતો.કેટલાયની બહેન દીકરીયુંની જિંદગીને મસળી ચુક્યો છે પરંતુ કોઈ પુરાવા વગર અમારા હાથ બંઘાએલા હતા.”
“નાં રે મારા વીર!મારા હાથે જાણે અજાણે પાપ થયું છે મારા પાપનું પોટલું મારેજ શિરે હોય નહીતો મારા ખાનદાનની લાજ જાય.”પટેલ સાહેબના કાને રૂપાબાનો રાજપુતી સંસ્કારી અવાજ પડયો.
“તમ તમારે જે કાર્યવાહી થાતી હોય એ કરો” તેમનાં અવાજમાં દ્રઢતા હતી ……..
પટેલ સાહેબે ફરિયાદ નોધી લાશને જરૂરી કાર્યવાહી કરી રોકીના બાપ ભાવસંગને હવાલે કરી.પટેલ સાહેબે ખાસ રસ લઇ આ કેશનો બને તેટલો જલ્દી નિવેડો આવે તેવી કાર્યવાહી શરુ કરી દીધી…એક વરસની લાંબી કોર્ટની કાર્યવાહીના અંતે ફાઇનલ ચુકાદાના દિવસે રુપાબાને મોટી કોર્ટમાં હાજર કરાયા.આખું ગામ કોર્ટમાં હાજર હતું પરિણામે કોર્ટ આખી ખીચોખીચ ભરેલી હતી …..
વજેસંગ અને સોનલની આંખોમાં અભિમાન ચમકતું હતું સાચી રજપુતાઇ ખમીરની ઝલક તેમના ચહેરા ઉપર ઝળહળતી હતી..સમય થતા રુપબાને મેજીસ્ટ્રેટ સામે હાજર કરાયા..અંતે એની રૂપાબાની જુબાની લેવાણી..બોલતી વખતે એના ચહેરા ઉપર ઝગારા મારતું તેજ હતું..અંત્યત રૂઆબી અને રાજપુતી લહેજા સાથે તેને જુબાની શરૂ કરી,”નામદાર મેજીસ્ટ્રેટ સાહેબ! મેં મારી કોખની આબરૂ બચાવી છે અને એક માં હોવાથી મે મારું સાચું મારું કર્તવ્ય નિભાવ્યુ છે અને અને એક માં હોવાને લીધે મારી દીકરીનું શીયળ લુંટતું બચાવવાની મારી ફરજ છે,અને જો આ સમયે હું બચાવવામાં એક નારી તરીકે જરા પણ ઢીલી પડુતો છ ફૂટનો એ રાક્ષસ મારી એક પળમા જાન લઇ લે અને મારી દીકરીની શીયળ લૂટી લે..હા…, મને રોકીના ખૂન કરવા માટે જરા પણ અફસોસ નથી…હા!અફસોસ છે તો એ કે,મારા હાથે એક માની કોખ ઉજળી ગઈ..બસ આ જ પ્રાયશ્ચિત સ્વરૂપે હું અહી છું
બંને પક્ષોની દલીલો અને રૂપાબાની જુબાની સાંભળીને અંતે ન્યાયાધીશે પોતાનો ચુકાદો જણાવી દીધો !
દીકરીની આબરુની રક્ષા કરવા અજાણતા એક માના હાથે આ કૃત્ય થયું છે આથી આ વાતને ઘ્યાન માં રાખીને રુપાબાને પાંચ વર્ષની જેલ કરવામાં આવે છે..દરેકનો આંખોમાં આંસુની ભીનાશ તરવરતી હતી બસ એક માંની આંખોમાં પ્રેમ હતો દીકરીની આબરૂ બચાવ્યાની હાશ હતી ,
જતા જતા સોનલના માથે હાથ મુક્યો ” દીકરી પાચ વર્ષના વહાણા આમ વહ્યા જશે,બસ ખોરડાની આબરૂ સાચવજે અને તારા બાપુનું ઘ્યાન રાખજે.મે માં હોવાનું મારું કર્તવ્ય પૂરું કર્યુ છે..અને જલ્દી પાછી આવી જઈશ..ક્યાં મારે જનમટીપ ભોગવવાની છે.
પોલિસની વાનમાં બેસતા પહેલા રૂપાબાએ વજેસંગના ચરણરજ આંખે અડાડીને,રૂપાબા બોલ્યા “સોનલના બાપુ….,હું આ ગઈ અને આવી.. બસ ખુશ રહેજો,અને મારી રાહ જોજો..
આખી કોર્ટમાં ઉપસ્થિત તમામની આંખોમાં એક ‘માં’ માટે ગર્વ છલકતો હતો..એક માં ની મહાનતા ને સહુ વંદી રહ્યા….પોલિસની વેનમા પાછળ બેઠેલા હસતા મુખે ગામ લોકોને હાથ હલાવીને અભિવાદન કરતા રહ્યા……
ને વજેસંગ અવાચક બનીને રૂપાબાને જોતા રહી ગયા…. રૂપાબાને વિદાય કરતી વખતે એની આંખોના કિનારે ભેજ હતો….અને છાતીમાં અભિમાન છલકતું હતું રૂપાબા જેવી ખાનદાન પત્ની માટે.
પણ રૂપાબાની આંખોમાં જરાય દુઃખની છાયા નહોતી તેમની આંખોમાં એક સ્વાભિમાન ઝલકતું હતું દીકરીની માં હોવાનો ગર્વ હતો
રેખા પટેલ (વિનોદિની)
…