My Published in Rashtra Darpan
સૌદર્ય સ્પર્ધા કેટલી હદે યોગ્ય ગણી શકાય? – રેખા વિનોદ પટેલ.
આ સૌદર્ય તો આંખો વડે પીવાતો શરાબ છે
નશો ઉતર્યા પછી સમજાય એ આભાસ છે
આમ તો આપણે બધા આ વાત જાણીએ છીએ છતાંય રૂપાળું દેખાવાની ઘેલછા દરેકમાં જોવા મળે છે. સુંદર દેખાવું એ કઈ ખોટી વાત નથી. પરંતુ જીવન જોખમે કંઈ પણ કરતા પહેલા જરા વિચાર કરવો જરૂરી બને છે.
સુંદર દેખાવા પાતળું રહેવું બરાબર છે અને તે માટે સવાર સાંજ એકસરસાઈઝ કરી, ખોરાક ઉપર કંટ્રોલ રાખી હેલ્ધી ફૂડ ખાવું જોઈએ. પરંતું પાતળાં થવા માટે ભોજનનો ત્યાગ કરવો એ નરી મુર્ખામી ગણાય. કેટલાક લોકો દેખાદેખી શરીરમાં જોઈતા દ્રવ્યોની ઉણપને સમજ્યા વિના ખાવાનું બંધ કરી દેતા હોય છે. આવી પરિસ્થિતિમાં તે વ્યક્તિ ઝડપથી વૃદ્ધાવસ્થા તરફ ધકેલાય છે. સાથે તેની શારીરિક કાર્યની ક્ષમતા પણ ઘટવા લાગે છે. માત્ર પાતળાં દેખાવથી સુંદર નથી દેખાતું. ચહેરાની ચમક અને તાજગી પણ મહત્વની છે.
આજ કાલ યોજાતા જુદાજુદા નામ હેઠળના બ્યુટી કોન્ટેસ્ટ જોઈ ક્યારેક સવાલ થાય છે કે સ્ત્રીઓ ને માત્ર સુંદરતાનું પ્રતિક ગણાવવી કેટલા હદ યોગ્ય ગણાય ? આ ઘેલછા ક્યા સુધી બરાબર લાગે? બીચ પાર્ટીઓમાં જતા પહેલા કે ખાસ કોઈ પાર્ટીમાં જવાના થોડા દિવસ પહેલા અહી યંગ છોકરીઓ ભૂખ હળતાળ ઉપર ઉતરી જાય છે. અને માને છે તેઓ સ્લિમ દેખાઈ રહ્યા છે. હકીકતમાં આવું હોતું નથી.
સાંભળવામાં આવેલા એક કિસ્સા પ્રમાણે … અમેરિકાના ફિલાડેલ્ફીયામાં રહેતી એમી નામની 21 વર્ષની યંગ બ્યુટીફૂલ યુવતીનું મૃત્યુ થયું. કારણ હતું ઈન્ટરનેટ દ્વારા મંગાવેલી ડાયેટ પિલ્સનો ઓવરડોઝ . આ દવા હાઈ ટોકસીક ઇન્ડસ્ટી યલ કેમિકલ યુઝ કરાઈ બનાવાઈ હતી. ઝડપથી પાતળાં થવા માટે તેણે જરૂરી માત્ર કરતા વધારે પડતી મેડીસીન લીધી હતી. જેમાં ઓવરડોઝને કારણે મેટાબોલીઝમ સેલ વધારે પડતા બર્ન થઈ ગયા. પરિણામે તેનું અંદરથી બોડી ઓવરહીટ થઈ ગયું અને શારીરિક સિસ્ટમ ખોરવાઈ જતા તેજ દિવસે તેનું મોત થયુ , આમ બહારથી સુંદર પાતળાં દેખાવાની ઘેલછામાં તે જિંદગીને કાયમ માટે ખોઈ બેઠી.
ફેટ બર્ન મેડીસીનમાં કેમીકલની માત્ર જરૂર કરતા વધારે હોવાની જે આગળ જતા આડઅસર આપે છે. શરીરના બીજા જરૂરી અવયવોને નુકશાન કારક સાબિત થાય છે. આનાથી આગળ બધીને લાયપોસકસ્ન જેવી ક્રિયાથી શરીરમાની વધારાની ચરબીને એક સીરીન્જની મદદથી બહાર ખેંચી લેવામાં આવે છે. જેના કારણે પાતળું થઈ શકાય છે. આ ક્રિયા થોડી મોંધી છે છતાં આમ કરવું શક્ય છે. પણ આગળ જણાવ્યું તે પ્રમાણે રિસ્ક દરેક જગ્યાએ રહેલું છે. એનેસ્થેસિયા આપીને થતી આ પ્રક્રિયામાં ઘણીવાર દર્દીની જાનને ખતરો થઇ જતો હોય છે.
દરેક સારી વસ્તુની પ્રસંસા અને પ્રદર્શન કરવું ખોટું છે એવું નથી. પરંતુ પ્રદર્શન એનું થવું જોઈએ જેનાથી પોતાની સાથે બીજાને પણ લાભ થાય. અહી તો પ્રદર્શન કરતા પોતાનેજ ગેરલાભ થાય એવી સ્થિતિ સર્જાઈ જતી હોય છે. આપણે જોતા સાંભળતાં આવ્યા છીએ કે આજકાલના યુવાનોને મોર્ડન દેખાવના હોડ હોય છે તે માટે ડ્રીન્કસ અને ડાન્સ ખુબ ચલણમાં છે તેમાય યુવતીઓ આ માટે ટુંકા કપડા પહેરતી હોય છે. આવી સ્થિતિમાં કિડનેપ, રેપ અને મર્ડર જેવી ઘટનાઓ વધી જાય છે.
સામે ચાલીને આગને આહવાન આપવાનું કામ કર્યા પછી નકરો દોષ પુરુષ જાતિ ઉપર નાખવો પણ યોગ્ય નથી. આ માટે સ્ત્રીઓએ પોતાની ખુબસુરતીને ઢાંકી રાખવી જોઈએ એવું નથી. પરંતુ સ્થળ અને સમયની નજાકતા પણ સમજવી જોઈએ.
કેટલીક વાતો વારંવાર યોજાતા બ્યુટી કોન્ટેસ્ટ વિશેની જાણવા જેવી હોય છે. જેમાં બહારથી ચમકદમક આપતી આ ફરિફાઈ વિશેની અંદરની વાતો હલાવી જાય તેવી હોય છે. આ મિસ યુનિવર્સીટી થી લઈને મિસ યુનિવર્સ સુધીના ટાઈટલ જીતવા માટે વિશ્વભરની રૂપાળી યુવતીઓ પોતાના શરીરથી લઈ મન સુધીના બદલાવ માટે સજ્જ હોય છે. કેટલાક દેશો તો આ ખિતાબ જીતવો ગૌરવ ગણી પોતાના દેશની સુંદરીઓને ઘોળા દિવસે તારા બતાવે તેવી ક્રૂર ટ્રેનિંગ આપીને આ કોમ્પિટિશન માટે તૈયાર કરે છે.
આ લાઈનમાં જવા ઇન્ટરેસ્ટ ઘરાવતી બાળકીઓને તેમનું બચપણ ભૂલવું પડે છે. ખુબ અહી નાની ઉંમરથી જ ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યાં શરીરને ચરબી વિનાનું પાતળું રાખવાની પહેલી ફરજ પડે છે આ માટે જરૂર કરતા ઓછો ખોરાક આપવામાં આવે છે , વધારે ખાઈ ગયેલા ખોરાકને ઉલટી કરી કાઢી નંખાય છે. આવી કોન્ટેસ્ટમાં 17 થી 24 વર્ષની યુવતીઓ ભાગ લઇ શકે છે, આથી નાની ઉમરથી જ તેમના અંગ ભરાવદાર સાથે સુડોળ રહે અને ઊંચાઈ વધે તે માટે હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે છે.
બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લઇ રહેલી સ્ત્રીઓના શારીરિક સૌંદર્યને ઝીણવટથી જોવામાં આવે છે જોકે અહી તેમની બુધ્ધી શક્તિનો પણ ક્યાસ કાઢવામાં આવે છે, આવી સૌદર્ય સ્પર્ધામાં રંગને કોઈ મહત્વ અપાતું નથી એ એક જમા પાસું ગણી શકાય. બધી પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ યુવતીને મિસ યુનિવર્સ, મિસ વર્લ્ડ , મિસ અર્થ વગેરે ઉપનામ આપવામાં આવે છે , આ એક વર્ષ દરમિયાન તેઓને જવાબદારીના ભાગ રૂપે લગ્ન કરવાનો હક છીનવાઈ જાય છે . આ ઉપરાંત તેમને ચેરીટી વર્કમાં કામ અલગ અલગ દેશોમાં ફરી લોકોને હેલ્થ, ભણતર, સ્વચ્છતા જુદાજુદા રોગો વિષે જાગૃત કરવા પડે છે,. ટુંકમાં સમાજસેવા તેમના કામનો એક ભાગ બની જાય છે , બદલામાં તેમને ફેન, ફેઈમ અને પૈસા મળે છે.
આ સ્વપ્ન મોટાભાગે તે યુવતીઓમાં તેમના માતા પિતા બચપણથી રોપી દેતા હોય છે. અને બાળપણથી તેમને આ માટે તૈયાર કરાય છે. નાજુક બાળકીનું જીવન માત્ર શોકેસની એક ઢીંગલી જેવું બનીને રહી જાય છે.
તેનો એક જીવંત દાખલો છે અહી અમેરિકામાં ચાલતો એક રીયાલીટી શો …. “ટોડલર્સ એન્ડ ટીયારાઝ” 2008 થી શરુ થયેલ આ રીયાલીટી શો ચિલ્ડ્રન બ્યુટી પેજન્ટ માટે જાણીતો છે . જેમાં સાવ નાના ભૂલકાઓને ભારે મેકઅપ અને ગ્લેમર થી તૈયાર કરી , બ્લીચીંગ, વેક્સિંગ જેવી ટ્રીટમેન્ટ કરાવી કેટવોક કરાવાય છે . આવા પ્રોગ્રામમાં મોટાભાગે મા બાપ બાળકોને તેમની મરજી વિરુદ્ધ પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા ઘકેલાતા હોય છે.
આજથી પચીસ વર્ષ પહેલા જ્યાં પેરેન્ટસ ને બાળકો ઊંચા કપડાં પહેરે તે પસંદ નહોતું ત્યાં હવે ટુંકા કપડાં પહેરી એડલ્ટ પણ શરમાય તેવા સેક્સી પોઝ આપતા શિખવાડવામાં આવે છે, પેડેડ બ્રા પહેરાવી અને શરીર ચપોચપ કપડાં પહેરાવી રેમ્પ ઉપર ખુશી ખુશી મોકલી આપે છે. વળી તેમના સેક્સી લુક્સને જોઇને ગૌરવ અનુભવે છે. સારા નારાશાનું ભાન થાય તે પહેલા અપાતું શારીરિક જ્ઞાન તેમના માસુમ મગજમાં વિકૃતિઓ પણ લાવી શકે છે. આ ઉપરાંત વધારે પડતી દેખાવ પ્રત્યેની સભાનતા તેમના સ્વભાવને અભીમાની ઉદ્ધત બનાવે છે.
આધુનિક સમાજમાં નાના બાળકોને પોતાના એમ્બીશીયસ નો ભોગ બનાવી તેમને દિવસ રાત સુંદરતા અને ફેશનમાં ડુબાડી દઈ, તેમને જરૂર કરતા બહુ વહેલા મેચ્યોર બનાવી તેમની માસુમતાને ઓગાળી નાખે છે. ક્યારેક આવી સ્થિતિ તેમની વિચાર શક્તિને ડામાડોળ બનાવી નશા તરફ ધકેલી દેતી જોવા મળે છે.
કેથ રીચાર્ડસને પોતાનીજ હાઈસ્કુલમાં યોજાએલી મિસ ટીનની સ્પર્ધામાં ભાગ લીધો. કેથ ઘણી દેખાવડી હતી. તેમાય તેના મિત્રોએ જરૂર કરતા વધારે તેના મગજમાં પોતે બધાથી વધુ સુંદર છે એવું ઠસાવી દીધું હતું.તેની પ્રતિ સ્પર્ધી યેન તેના કરતા બધી રીતે વધુ યોગ્ય પુરવાર થતા મિસ ટીનનો ખિતાબ જીતી ગઈ. જેને કેથ સહન કરી શકી નહિ. તેજ સાંજે હાઈસ્કુલમાં યોજાએલી પાર્ટી દરમિયાન “તું ફ્રોડ કરીને મિસ ટીન બની છે” એવો આરોપ કરી કેથે ,યેન ઉપર હુમલો કરી દીધો.અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ.
જ્યારે આપણે જ સમાજનાં ઉગતી આશાઓ જેવા બાળકોને માનશીક વિકૃતિઓ ભેટમાં આપવા માંગતા હોઈએ ત્યાં તેમનો દોષ કેટલો કાઢવો?, પોતાના સંતાનોના રૂપ ગુણનું ગૌરવ દરેક માં બાપને હોય છે જે કશુજ ખોટું નથી છતાં તેનો અતિરેક થાય તે પહેલા આપણેજ સમજદારીની પાળ બાંધવી જોઈએ ” .
ડેલાવર (યુએસએ