RSS

Monthly Archives: June 2016

સંજોગો અને સ્થિતિ મુજબ જીવવું જરૂરી છે

IMG_9539સ્ટેટસ સિમ્બોલની વાતો ઠેરઠેર જોવા મળે છે. પરંતુ ક્યારેક આ ખોટો દેખાડો બહુ ભારે પડે છે. આપણી પાસે હોય તેના કરતા વધુ ઘનવાન દેખાવાના હોડમાં જે સંઘરેલું સાચવેલું હોય છે એ પણ છીનવાઈ જતા વાર નથી લાગતી. ઘરડાઓ કઈ એમજ નહોતા કહેતા કે જેટલી ચાદર હોય તેટલી સોડ તાણવી જોઈએ.

 હમણાં એટલાન્ટા શહેરમાં રહેતા એક ઓળખીતા સાથે ફોનમાં વાત થઇ. તેમના અવાજમાં વ્યથા ભારોભાર ટપકતી હતી. આડી અવળી વાત પછી તેમણે જે જણાવ્યું તે જાણી અચંબા સાથે દુઃખ થઇ આવ્યું. આ પહેલા જ્યારે પણ તેમની સાથે વાત કરવાની થતી તેઓ હંમેશા પોતાની હાઈ-ફાઈ લાઈફ સ્ટાઈલ , બિઝનેશ તથા મોટા બનાવેલા હાઉસની વાતો કરતા રહેતા. ક્યારેક સામે વાળા દ્વારા થતા જાત વખાણ બહુ કંટાળો આપતા હોય છે. છતાં તેમની એ કુટેવ સમજી બધા ચલાવી લેતા.

       પણ આ વખતે તેમણે જણાવ્યું તેઓ ૬,૦૦૦ સ્ક્વેર ફૂટનો બંગલો છોડી બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગયા છે. ગયા વર્ષે નવી લીધેલી લક્ઝુરીયસ કાર પણ વેચાઈ ગઈ છે. બધુ બેંકદ્વારા જપ્ત થયું છે. ત્યારે ખરેખર નવાઈ લાગી હતી. પછી જાણવા મળ્યું કે આ બધું રાતોરાત નહોતું થયું. પરંતુ છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં ચાલતા રીશેસનને કારણે તેમની ધમધોકાર ચાલતી મોટેલ સાવ બંધ થવાની અણી ઉપર ચાલતી હતી. તેમાય મોટા દેખાડા કરવાની તેમની આદતને તેઓ છોડી શકતા નહોતા, પરિણામે ખર્ચ ઉપર કાપ મુકાતો નહોતો. આવી સ્થિતિમાં તેઓ લાંબો સમય સુધી બેન્કની લોન ભરી શક્યા નહોતા. પરિણામે બધું જપ્ત થઈ ગયું , બેન્કરપ્સી જાહેર થઇ અને તેઓ સાવ કંગાળ હાલતમાં આવી ગયા.

 આવા તો અહી આવા અનેક દાખલાઓ જોવા મળે છે . ચાર જણની વચમાં પોતાનો માન મોભો સચવાઈ રહે તે દરેકને ગમે છે. પરંતુ ઘર વેચીને કંઈ જાત્રા ના કરાય. અમેરિકામાં લાંબા સમય થી ચાલતાં રિશેસનની સહુ થી મોટી અસર મોટેલ બિઝનેસ ઉપર પડી છે. આ કારણે કેટલીય મોટેલ બંધ થઈ ગઈ છે. માત્ર ઓનર જ નહિ પણ તેમાં કામ કરનારા કેટલાયની જોબ ગઈ છે. પરિણામે મોટા હાઉસ લઈને બેઠા હોય તેની બેંક લોન નાં ભરાઈ શકે તેવી સ્થિતિમાં બધું છોડવાનો વારો આવી જાય છે. કારણ અહી મોટા ભાગે દરેક વ્યક્તિ બેન્કની લોન લઈને કાર, ઘર કે બીઝનેસ ખરીદતા હોય છે.

            જે હાઉસની કિંમત પહેલા હતી તેનાથી લગભગ ૨૫ ટકા કરતા પણ ઓછી થઈ ગઈ છે. અમેરિકામાં ૪૦ ટકા નેબરહુડને ગરીબાઈ સ્પર્શી ચુકી છે. લોકોને મોટા ઘર હવે પોસાતા નથી. પ્રોપર્ટીટેક્ષ થી લઇ ઈલેક્ટ્રીસીટીનો વધારાનો ખર્ચ ભારે લાગે છે. આથી તેઓ મોટા હાઉસ સસ્તી કિંમતે વેચી નાના ઘરમાં રહેવા ચાલ્યા જાય છે. કેલીફોર્નીયા જેવા હાઈ લીવીંગ સ્ટાન્ડર્ડ ઘરાવતા સ્ટેટમાં પણ જ્યાં ગરીબાઈનો રેશીઓ ૨૫ ટકા હતો તે વધીને ૪૦ થી ૪૫ ટકા થઇ ગયો છે.

દુનિયાનો કોઈ પણ દેશ હોય પછી ભલેને શિક્ષિત હોય કે અશિક્ષિત હોય ગરીબાઈ વધતા ક્રાઈમ વધે છે. પેરેન્ટ્સ જોબ લેસ થાય તેની સીધી ઈફેક્ટ બાળકો ઉપર તેમની લાઈફ સ્ટાઈલ ઉપર પડે છે. અત્યારે ટીનેજર્સ નાની ઉંમર થી જોબ શોઘવા લાગી જતા હોય છે. એના લીધે સ્ટડી તરફ ઘ્યાન પણ ઘટતું જવાનું બને છે. ફન મસ્તીભરી લાઈફ જીવવા ડોલર્સની પહેલી માંગ હોય છે. આથી જોઈતા ડોલર નાં મળે ત્યારે તેને મેળવવા સંસ્કારી બાળકો જોબ શોધે છે,  અને પુઅર અને અશિક્ષિત ફેમિલીમાં થી આવતા બાળકો ક્રાઈમ તરફ પણ વળી જતા હોય છે. પરિણામે અત્યારે ટીનેજર્સ નું ક્રાઈમ ધોરણ વધી ગયું છે.

હમણાં સાંભળવામાં આવ્યું કે ૧૩ વર્ષના છોકરાએ માની માટે એક ગ્રોસરી સ્ટોરમાં રોબરી કરી અને તે દરમિયાન આનાકાની થતા સ્ટોર ઓનરનું સાથે લાવેલી ગન વડે મર્ડર કરી નાખ્યું.  આપણે જ્યારે આવું સાંભળીએ છીએ ત્યારે આધાત તો લાગે છે. અહી ડેલાવરમાં એક મહિના પહેલા બે ટીનેજર્સ ખોટી ગન બતાવી ઘણી જગ્યાએ નાઈટમાં રોબરી કરી આવ્યા. લોકો નજર સામે મોત જોઇને ડરતા હોય છે, આથી તરત રજિસ્ટરમાં હોય તે આપીને મુક્તિ મેળવામાં માને છે. પરિણામે તે લોકોને પણ આવી ટેવ પડી જાય છે. એક નાઈટ આ બંને પોકેટ લીકર નામના લીકર સ્ટોરમાં આ રીતે રાત્રે દસ વાગ્યે રોબરી કરવાના આશય થી ગયા હતા. તે વખતે ત્યાં રજિસ્ટર ઉપર કામ કરતા એક સ્પેનીશ યુવકે ડર્યા વિના તે બંને ઉપર સામો હુમલો કર્યો. સાથે કામ કરતા બીજા એમ્લોયીની મદદ થી તેમને જમીન ઉપર પાડી માર માર્યો અને પોલીસમાં પકડાવી દીધા હતા. ડરનો સામનો કરવો જોઈએ. સાથે સંજોગો અનુકુળ હોય કે પ્રતિકુળ, દરેક સ્થિતિને અપનાવી જીવતા શીખવું જરૂરી છે.
રેખા વિનોદ પટેલ (યુએસએ)
 

જુના સ્મિતની ઓળખાણ

ટુંકી વાર્તા : જુના સ્મિતની ઓળખાણ

હંમેશાં એ બિલોરી કાચ જેવી બે તગતગતી આંખો સવારે મને ઉગતાં સૂર્યના દર્શન કરાવતી.
રોજ સવારના સાત ચાલીસની ટ્રેનને પકડવા હું સ્ટેશનના પગથીયા ચડતી હોઉં
ત્યારે સ્ટેશનની લગોલગ આવેલા ઝુંપડાની બહાર પાથરેલી ગોદડીમાં,
સુતી રહી એ એની ભોળી આંખોથી આભમાં તાક્યા કરતી હોય, જાણે આભમાં ઉડવાની એક માત્ર તમન્ના હોય.
તેની આંખોમાં ઉગતો સુરજ પડઘાતો રહી પાંપણના પલકારે આંખમિચોલી ખેલ્યા કરતો.
અમારી નજર મળતા તે સામે જોઈ મીઠું હસતી ,અને હું પણ સ્મિત થી  વળતો જવાબ આપતી.

મારે તો આ રોજનું થયું, હું સુંદર ચિત્ર આંખોમાં ભરીને સીડીઓ ચડી જતી .
ગઈ કાલ રાત થી વરસાદ હતો, સુરજના કોઈ ઠામ ઠેકાણા નહોતા .
સ્ટેશન પાસે આવતા વિચાર આવ્યો, ચાલો આજે વાદળાં ભરી ભૂરી આંખો જોવા મળશે.
પણ આ શું?
ના આભે સૂરજ, ના પેલી તગતગતી આંખો. અને ઝુંપડી સાવ ખાલી હતી. ખુણામાં પેલી ગોદળી ટુંટીયું વાળી પડી હતી.
મારા દાદર ચડતાં પગલાં ત્યાંજ રોકાઈ ગયા. આજુબાજુ નજર દોડાવી, ક્યાંય કોઈજ બીજો અણસાર નહોતો.
દૂર દેખાતાં એક પોલીસમેન ઉપર મારી નજર પડી.પૂછપરછ કરતા વાતનો તંતુ પકડાઈ ગયો.
રાત અહી ઝુંપડામાં રહેતાં વૃધ્ધની મોત થઈ હતી.જોડે રહેતી એની અપંગ દીકરીને અનાથાશ્રમમાં પહોચાડાઈ હતી.
પળવાર લાગ્યું મારા પગે લકવા મારી ગયો, એ દિવસે ટ્રેન પણ છૂટી ગઈ.
થોડા દિવસ ઉગતી સવાર કૈક અંશે ખાલી લાગતી.
પણ એક સંતોષ મનમાં રહેતો કે જ્યાં પણ હશે એ ભૂરી આંખો ખુશ હશે ,સલામત હશે.
છ મહિના પછી મારી વર્ષગાંઠના દિવસે અનાથાશ્રમમાં જવાનું થયું.
અચાનક મારી નજર ખુણામાં આવેલા ખુલ્લા ઓસરી જેવા ભાગમાં પડી. ખાટલામાં રહેલી માનવ આકૃતિ જોઈ હું ચમકી ઉઠી.
આતો એજ કાચ જેવી આંખો જે મને જોઈ વરસી પડી, કદાચ મને ઓળખી ગઈ હતી.
હું પાસે ગઈ,ત્યાંતો એ બોલી ઉઠી ” બહેન હું તમને રોજ યાદ કરતી હતી”
“અરે વાહ તું મને ઓળખી ગઈ” હું બોલી
” હા બહેન આ દુનિયામાં હવે તમે એકજ બાકી રહ્યા છો જેને હું ઓળખું છું ” કહી તેની આંખો વરસી પડી.
” અનાયાસ મારો હાથ તેના માથા ઉપર ફરવા લાગ્યો ” અમારી આ જુના સ્મિતની ઓળખાણ હતી “
રેખા પટેલ (વિનોદિની)
 

સાદગીમાં સૌંદર્ય 
 લે. રેખા પટેલ (વિનોદિની)
આ જગત આખું સુંદરતાનું પુજારી છે. હમેશાં લોકોની નજર સુંદર અને દેખાવડી વસ્તુને પહેલી પસંદ કરે છે. પછી તે લગ્નવિષયક જાહેરાત હોય કે ઘરનું કોઇ રાચરચીલું.
આ કારણે જ પોતાની બહેનથી ઓછી દેખાવડી શ્યામવર્ણી શીતલ નાનપણથી મનોમન હિજરાતી રહેતી હતી. વાત પણ સાચી હતી. બાળપણથી બીજા ભાઈ બહેનોની તુલનામાં તે રંગે શ્યામ હતી. ક્યારેક તો એનાં મા બાપ પણ તેની અવગણના કરતા. જ્યારે પણ ઘરમાં નવી વસ્તુ કે કપડાં આવતા ત્યારે પહેલી પસંદગી હમેશાં તેની મોટી બહેન કરતી, અને બાકીનું ‘લે, આ તને સારું લાગશે,’ કહીને શીતલને અપાતી હતી. નાનો ભાઈ કદી શીતલ નામથી બોલવતો નહી. એને હમેશાં  કાળી કહી ચીડવતો હતો.એક માત્ર દાદી તેને ‘મારી શ્યામા’ કહી બોલાવતાં અને કહેતાં કે જે કૃષ્ણની પ્રિય સખી હોય તેને જ શ્યામા કહેવાય. દ્રૌપદી કૃષ્ણની પ્રિય સખી હતી તેથી જ તેને શ્યામા અને કૃષ્ણા ઉપનામ આપવામાં આપ્યું હતુ.
શીતલ રંગે શ્યામ હતી પણ તેની કાયા ઘાટીલી અને ત્વચા સુંદર અને ચળકતી હતી. બુદ્ધિમાં પણ એટલી જ તેજસ્વી હતી. સ્વભાવે નામ પ્રમાણે શીતળ અને સૌ સાથે સહજતાથી ભળી જતી. એની એક વિશેષતા એ હતી કે કોઇને પણ હમેશાં કામમાં મદદરૂપ થવાની. તેમ છતાં એનાં શ્યામ રંગના કારણે સ્કુલ અને હાઈસ્કુલમાં તેને આ રંગભેદ હંમેશા નડતો. જ્યારે વાર્ષિક મહોત્સવ નિમિત્તે કલ્ચરલ પ્રોગ્રામ થતા ત્યારે તેની અભિનય કળા બીજા બધા કરતાં વધારે વાસ્તવિક હોવા છતાં તેને ભાગે ખાસ સારૂં પાત્ર મળતું નહિ. આનું એક માત્ર કારણ હતું તેનો શામળો રંગ. તેમ છતાં તેના મળતાવડા સ્વભાવને કારણે મિત્રોમાં તે પ્રિય હતી.
મોટીબહેન રૂપા હંમેશા બ્યુટી પાર્લર અને સૌદર્ય પ્રસાધન પાછળ ખર્ચા કરતી અને જ્યારે પણ શીતલ આ માટે કંઈ કહે તો તેને તરત જવાબ મળતો કે, ”હું રૂપાળી છું અને એટલે જ મારા રૂપને સાચવવા હું પાર્લર જાઉં છું. તારે ક્યાં રૂપ સાથે નહાવા નિચોવા જેવું છે! તારે ક્યાં કોઈને બતાવવા તૈયાર થવાનું હોય છે.” આમ રૂપા દિવસે દિવસે અભિમાની થઇ ફરતી હતી.
શીતલ હંમેશા ચૂપ રહેવામાં માનતી પરંતુ ક્યારેક બહુ દુઃખી થાય તો તે મમ્મીને કે બાને આ બાબતે ફરિયાદ કરતી. મમ્મી હંમેશા કહેતી કે,”એ તો છે જ એવી. તું તેની સાથે શું કામ જીભાજોડી કરે છે?” કહી શીતલને ચુપ કરી દેતી. પણ બા ગુસ્સે થઈ રૂપાને કડવાં વેણ જરૂર કહેતાં.
હવે શીતલ કોલેજમાં આવી ગઈ હતી, જ્યાં રૂપા પણ ભણતી હતી. અહીં રૂપાને તેના મિત્રો સામે તેની બહેન તરીકે ઓળખાણ કરાવતાં બહુ સંકોચ થતો. શીતલ આ વાત જાણી ગઈ હતી તેથી તે સમજી કરીને તેનાથી દુર રહેતી હતી. કોલેજમાં બંને બહેનો હોવાં છતાં એક બીજાથી કિનારો કરી પોતપોતાનાં મિત્ર મંડળ સાથે રહેતા.
ધીમે ધીમે શીતલ એનાં મિલનસાર સ્વભાવને કારણે કોલેજના પહેલા વર્ષથી બધાને પ્રિય થઇ ગઈ હતી. જેમ જેમ ભણતર વધે તેમ ગણતર પણ વધે છે તેમ બધાનાં મન અને વિચારો બહુ સંકુચિત નહોતા રહ્યાં, તેથી સૌએ શીતલને પ્રેમથી અપનાવી લીધી હતી. એક બાજુ જેમ જેમ શીતલ બધામાં પ્રિય થતી જતી હતી તેમ તેમ રૂપાને તેની નાની બહેનની ઈર્ષ્યા થતી જતી હતી. તેમ છતાં બંને બહેનો હતી તો ઘરે આવતાં બધું બરાબર થઈ જતું હતું. 
સમય જતાં રૂપાને કોલેજના ચાર વર્ષ પુરા થયા અને શીતલ હવે કોલેજના બીજા વર્ષમાં આવી હતી.
ઘરમાં હવે રૂપાનાં લગ્નની વાત ચાલવા લાગી. ક્યારેક મમ્મી બળાપો કાઢતાં, ‘મારે રૂપાની કોઈ ચિંતા નથી, પણ કોણ જાણે મારી આ શીતલને કેવો વર અને કેવું ઘર મળશે!’
તે દિવસે અમેરિકાથી આવેલો રવિ રૂપાને જોવા માટે આવવાનો હતો. ઘરમાં સહુ ખુશ હતા. રૂપા આગલા દિવસે પાર્લરમાં જઈ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી આવી હતી તેથી તેનો ચહેરો ખુશીથી ચમકતો હતો. તેનાં પગ તો જાણે જમીન ઉપર ઠરતા નહોતા. એ સુંદર રીતે તૈયાર થઈ રવિની રાહ જોતી હતી. ઘરમાં મહેમાન આવવાના હોવાથી શીતલે પણ સુંદર લાઈટ વાયોલેટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે લાંબા કાળા વાળને ખુલ્લા રાખ્યા હતા અને કપાળમાં નાની લાલ બિંદી ચોંટાડી હતી. બંને કાનમાં એનાં જ્ન્મદિવસમાં મામાએ આપેલા લાંબી સેર વાળા બુટિયાં પહેર્યા હતાં. ખુલ્લા વાળા અને નાકમાં જમણી બાજુ પહેરેલી વાળીને કારણે શીતલ બહુ સોહામણી લાગતી હતી.
રવિ તેના પરિવાર સાથે આવ્યો ત્યારે નાની બહેન હોવાના કારણે મમ્મી પાપા અને દાદી સાથે શીતલ બધાને આવકાર આપવા બહાર ઉભી હતી. રવિની નજર પહેલાં શીતલ ઉપર પડી અને તેને જોતોજ રહી ગયો. તે મનોમન બોલી ઉઠયો, “સાદગીમાં સૌંદર્ય તે આનું નામ”. 
બારી પાસે ખુણામાં પડેલા કોતરણી વાળા કોર્નર ટેબલ ઉપર ઝીણી બારીકાઈથી ફૂલવેલની ગુંથણી ભરેલો ટેબલ ક્લોથ બેઠકખંડમાં આવનારા દરેકની નજરને ખેંચતો હતો. રવિ થોડીવાર પછી ત્યાં જઈને ઉભો રહ્યો અને ઘ્યાન પૂર્વક પેલા રૂમાલને જોઈ રહ્યો. તેને આમ જોતા રૂપાનાં બા ત્યાં આવી પહોચ્યાં. 
” શું જોઈ રહ્યા છો, કશું જોઈએ?”
” બા આ સુંદર કલાત્મક ડિઝાઈનનો ટેબલ ક્લોથ ક્યાંથી લાવ્યા? આવી આર્ટ પરદેશમાં જોવા નથી મળતી,” રવિ અહોભાવપૂર્વક બોલ્યો.
” બેટા આ મારી દીકરી શીતલની હસ્ત કારીગરી છે, આવું તો કેટલુંય તે જાણે છે” બાના આવાજમાં આનંદ છલકાતો હતો.
આટલું સાંભળતાં રવિ શીતલ સામે જોઈ ગર્વથી હસ્યો. જવાબમાં શીતલ બોલી ” હા આવો બીજો ટેબલક્લોથ જતી વેળાએ હું તમને અમેરિકા લઇ જવા ભેટમાં ચોક્કસ આપીશ”.
થોડીવાર પછી રૂપા ચા – નાસ્તાની ટ્રે લઈને બહાર આવી. બધાએ સાથે મળી કેટલીક વાતો કરી. આ દરમિયાન અહીં બધાને શીતલના મૃદુ સ્વભાવનો, તેની સૌમ્યતા અને વાચાળતાનો અનુભવ થઈ ચુક્યો હતો. થોડીવાર પછી રૂપા અને રવિએ એકબીજા સાથે એકાંતમાં વાતચીત કરી. જતી વેળાએ રવિના માતા પિતાએ ‘બે દિવસ પછી જવાબ આપીશું’, કહી વિદાય લીધી. આ તરફ રૂપાને તો વિશ્વાસ હતો કે રવિ તેને હા જ કહેવાનો છે.
બે દિવસ પછી રવિના પપ્પાનો ફોન આવ્યો. તેમણે કહ્યુ,”નવીનભાઈ, રવિને તમારી દીકરી પસંદ છે પણ માફ કરજો તેણે રૂપા પર નહી, શીતલ પર પસંદગી ઉતારી છે.”
“શું…….? “આટલું બોલ્યા તો  નવિનભાઈના હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો. ફકત એટલું જ બોલી શક્યા, “પણ રૂપા અમારી મોટી દીકરી છે, અને વધુ દેખાવડી પણ છે.”
“નવીનભાઈ, તમારી વાત સાચી છે પણ મારા દીકરો અમેરિકામાં રહે છે. અને ત્યાં છોકરીના એકલા રૂપ પરથી એનું મૂલ્ય અંકાતું નથી. દેખાવ સાથે સાથે એનાં આંતરિક ગુણોની પણ નોંધ લેવાય છે. ઉપરાંત ત્યાં  કાળા રંગનો કોઇ છોછ નથી. તમારી શીતલ તો નાજુક નમણી અને  સૌમ્ય સ્વભાવ અને મીઠી વાચાળતા ધરાવતી દીકરી છે.”
નવિનભાઈને શાંત થયેલા જોઈ તેમણે કહ્યું, “જુઓ નવિનભાઇ, અમને બધાંને પણ શીતલ પસંદ છે. જો તમારી હા હોય તો અમે શીતલનું માગું નાખીએ છીએ”.  રવિના પપ્પાએ છેલ્લો જવાબ આપ્યો.
આટલું સારું ઘર અને છોકરો નવીનભાઈ છોડવા તૈયાર નહોતા આથી તેમને જવાબ આપ્યો, ”ભલે જેવી તમારી મરજી. હું ઘરમાં બધાને પૂછીને જવાબ આપું છું,” કહીને ફોન મૂકયો.
ઘરમાં બધાને આ જાણીને બહુ નવાઈ લાગી.બા એ મોકો જોઇને હસતા હસતા કહ્યું,”મારી શ્યામાને તો રૂડો રૂપાળો કાન મળ્યો”.
આજે પહેલી વાર રૂપાનું અભિમાન તૂટી પડ્યું. તેને સાક્ષાત્કાર થયો કે સુંદરતાના દાયરામાં એકલા રંગની ગણના નથી થતી. રૂપ અને રંગની કરતાં આંતરિક સૌંદર્યનાં મૂલ્યો વધુ મહત્વના હોય છે.
 લે. રેખા પટેલ (વિનોદિની)
 

IMG_8609
“વાઈલ્ડ ફાયરથી જમીન સળગતું રણ બની જાય છે”
અમેરિકાને ભલે ખેતી પ્રધાન દેશ નથી કહેવાતો છતાં વસ્તીના પ્રમાણમાં વિશાળ જમીન ક્ષેત્ર ઘરાવતો દેશ છે. અહી જંગલો મોટા પ્રમાણમાં છે. ભૈગોલીક સ્થિતિને કારણે વાઈલ્ડફાયર એટલે કે દાવાનળ બહુ કોમન થઇ ગયા છે.
તેમાય કેલીફોર્નીયામાં જંગલો પુષ્કળ પ્રમાણમાં છે. ઉપરાંત અહી ડ્રાય એર વહેતી હોય છે પરિણામે સ્પ્રિંગથી લઇ ઓટમ એટલે કે પાનખર સુધીના સમયમાં અહી વાઈલ્ડફાયર થવાની શક્યતાઓ બહુ વધી જાય છે. આ સમયમાં લાગતી આગમાં સુકી અને સ્ટ્રોંગ હવાને કારણે ફેલાવો ઝડપી થતો હોય છે. વધારે પડતી આગ થંદર સ્ટ્રોમમાં વીજળી પડવાને કારણે કે સુકા પાંદડાનાં ઢગલાંઓને લીધે અને વધારે પડતી  માનવસર્જિત ભૂલને કારણે લાગતી હોય છે.

અમેરિકામાં વર્ષે ૩ બિલિયન કરતા પણ વધારે ખર્ચ આ ફાયરને કંટ્રોલ કરવામાં થઇ જાય છે. જોકે અહી જાન હાની પ્રમાણમાં ઓછી થાય છે. છતાંય લાખો એકર્સમાં લાગતી આ આગના કારણે સેંકડો વૃક્ષોનો નાશ થાય છે. એકલા અમેરિકામાં આશરે એક લાખ વાઇલ્ડ ફાયર થયા છે જેમાં પાંચ મિલિયન એકર્સ જેટલી જમીન ડેમેજ થઈ છે. આ આગ ફેલાય ત્યારે માઈલો સુધી કાર્બંમોનોકસાઈડ અને હીટને કારણે અહી રહેતા લોકો અને ખેતીને નુકશાન થાય છે. આવા વખતે લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડે છે.

અહી ગ્રોસરી સ્ટોરની બહાર અગિયાર બાર વર્ષની એક અમેરિકન ગર્લને તેની ગ્રાન્ડ મધર સાથે હાથમાં બેલ અને રેડક્રોસની દાનપેટી સાથે ઉભેલી જોઈ. ત્યાં બોર્ડ હતું ” હેલ્પ ફોર મેક મરકયુરી વાઈલ્ડ ફાયર”. સહુ જાણે છે કે પશ્ચિમ કેનેડામાં આવેલા ફોર્ટ મેક્મુર અને આલ્બર્ટામાં વાઈલ્ડફાયરને કારણે લગભગ આખું શહેર નાશ પામ્યું છે. જ્યાં રહેતા લાખ કરતા પણ વધુ લોકોને ઘર છોડી શેલ્ટર હોમમાં આશરો લેવો પડ્યો છે. આ નાનકડી છોકરીને તેમની માટે હેલ્પ માગતી જોઈ મને આનંદ સાથે આશ્ચર્ય થયું. મારા પ્રશ્નના બદલે તેણે જવાબ આપ્યો, ” હું મને મળેલી હેલ્પને યાદ કરી નીડેડ પીપલ્સને હેલ્પ કરી રહી છું.
વાત જાણે એમ બની હતી કે એપ્રિલમાં અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના જંગલોમાં લાગેલી આગમાં સેન્ડી નું ફેમિલી કેલીફોર્નીયાથી મુવ થઈ અહી તેની ગ્રાન્ડ મધર સાથે રહેવા આવ્યું હતું. તે તેના ફેમીલી સાથે ત્યાં સેન્ડોહા નેશનલ પાર્ક પાસે રહેતી હતી , ફોરેસ્ટમાં લાગેલી આ વાઈલ્ડ ફાયરને કારણે હજારો લોકો સાથે તેને પણ પોતાનું સ્વીટ હોમ છોડવું પડ્યું હતું, આટલું બોલતા તેની  આંખો ભરાઈ ગઈ હતી.

        ‘સેંતા એના’ ની ડ્રાય અને ગરમ હવાને કારણે આ આગ બહુ ઝડપથી ૭૦,૦૦૦ કરતા પણ વધુ એકરમાં ફેલાઈ ગઈ હતી, જેને કંટ્રોલમાં લાવવા હજારો ફાયર ફાઈટર્સ જોખમ ખેડી કામે લાગ્યા હતા. ૬૫ થી ૭૦ હજાર એકર્સનો વિસ્તાર આગમાં ઝડપાઈ ગયો હતો. આવા વખતે લોકોને પોતાનું સ્વર્ગ જેવું ઘર છોડવાની ફરજ બને છે તેમના સંજોગો વિષે એક વાર જરૂર વિચાર કરવો રહ્યો. આ નાનકડી છોકરી મને વિચારતા કરી ગઈ હતી.

અમેરિકાની વાઈલ્ડ ફાયર હિસ્ટ્રી પણ વાઈલ્ડ છે. ૧૮૨૫માં લાગેલી આગમાં ૩ મિલિયન (૩૦ લાખ)એકર જમીન સળગતું રણ બની ગઈ હતી. ૧૮૭૧મ મીશીગનમાં ૨.૫ મિલિયન અને ૧૯૧૦ કેલીફોર્નીયામાં  ૩ મિલિયન એકર્સ જમીન ઘમધમી ઉઠી હતી. વધારે પડતા ફાયર આગ મોન્ટાના,આઈડાહો ,વોશીન્ગટન ,વાયોમીંગ કોલોરાડો ,ઓરેગોન ,ઉટાહ,ન્યુ મેક્સિકો અને ખાસ તો કેલીફોર્નીયાના જંગલોમાં લાગે છે. અહી કાયમ વાઈલ્ડફાયર સળગતું હોય છે. આવા વિસ્તારોમાં તો માનવ તો શું પશુ પંખી પણ જોવા મળતા નથી.

     પાનખરમાં સધર્ન કેલીફોર્નીયા અને નોધર્ન કેલીફોર્નીયામાં જંગલો ઉપરાંત અહી પર્વતો અને રણ પણ આવેલા છે પરિણામે ગરમ અને ડ્રાય એરના દબાણનો ઘેરાવો વધી જાય છે અને પરિણામે ફાયર ટોર્નેડો રચાય છે અને આગ ઝડપથી આખાય જંગલમાં ફેલાઈ જાય છે, અહી દરેક વાઈલ્ડ ફાયરને અલગ અલગ નામ આપવામાં આવે છે જેનાથી તેના રેકોર્ડ નોંધી શકાય. અહી સહુથી જોખમી કામ ફાયર ફાઇટર્સ નું રહે છે.

આજ સુધીના વાઈલ્ડ ફાયરનો કરુણ ઈતિહાસ છે ૩૦ જુન ૨૦૧૩માં એરિઝોનામાં લાગેલી આગ. જેમાં લોકોને બચાવતા અને આગ હોલાવતા ૧૯ ફાયર ફાઈટર જીવતા સળગી ગયા હતા. તે વખતે પવન બહુ ઝડપી હતો અને ભારે માત્રામાં લાગેલી આગને કંટ્રોલમાં લાવવા પ્રયત્નશીલ ૧૯ ફાયરમેનો પોતેજ ચારે બાજુથી આગમાં ઘેરાઈ ગયા હતા. પુરતા પ્રયત્નો છતાં પણ તેઓ જાતને આગમાં હોમાતી બચાવી શક્યા નહોતા અને આખી આ ટુકડી જીવતી હોમાઈ ગઈ હતી .

છેલ્લા કેટલાક વર્ષોમાં વાઈલ્ડફાયર ચાર ગણું વધી ગયું છે. દર વર્ષે સરેરાશ ૮૦ હજાર વાઈલ્ડફાયર નોંધાય છે, જેનાં પરિણામે લાખો હેકટર જમીન સળગતું રણ બની જાય છે.  આઠ વર્ષમાં ૧૦ મીલીયન એકર લેન્ડ ડેમેજ થઈ છે અને લાખો વૃક્ષો રાખમાં ફેરવાઈ ગયા છે આ બધું ક્લાઈમેટ ને અસર કરતા પરિબળો છે. જેને આપણે ગ્લોબલ વોર્મિંગનો એક ભાગ કહી શકીએ છીએ.”સળગતું રણ અને સળગતું જંગલ અને સળગતું મન કાયમ વિનાશ વેરે છે “.

રેખા વિનોદ પટેલ (યુએસએ)

 

 
Image

ચ્હા સાથે ચાહ

 

બહારનો બધોજ કોલાહોલ એ નિસ્પૃહી માટે વ્યર્થ હતો.

બહાર પવનના સુસવાટામાં
અડીખમ ઝાડ પણ ધ્રુજતા હતા.
અંદર અસંખ્ય ડુસકાઓ વચ્ચે,
પણ એ હાલતો નથી,બોલતો નથી.
આજ સુધી જેણે મારું કહી
બધું એકઠું કરી સાચવી રાખ્યું.
કામ લાગશે કહી સંઘરી રાખ્યું.
એમાનું મોટાભાગનું
વપરાય વિનાનું
એમનું એમ રહી ગયું,
ખુદનું ઘર ખુદના જણ
જેને જીવથી વધારે વહાલા કહેતો.
સઘળું અંતરિયાળ છોડી
એ જીવ
એકલો હાલી નીકળ્યો અનંતની વાટે
બહારનો બધોજ કોલાહોલ
એ નિસ્પૃહી માટે વ્યર્થ હતો.
રેખા પટેલ (વિનોદીની)

 

આંખો મહી મારગ કરી અંતરમા તું હરખાય છે

 

આંખો મહી મારગ કરી અંતરમા તું હરખાય છે
આંધી જગતની શાંત લાગે ને ત્યાં તું વરતાય છે

જો યાદ પોકારે, ચડીને છાપરે એકાંતમાં
વરસાદને ઓઢી ગગન આખું તહી છલકાય છે

ભવના આ ભંવરમાં ભમુ છું પ્રીત રાધાની બની
આ સાદ મીરાંનો કદી ક્યા કાનને અથડાય છે

દિન-રાત તારી જીતની ગાથાને હું ગાતી રહું
તે ભેટમાં આપી જે હાર ફરી ફરી વીંટાય છે

ફૂલો સમયના ,કાયમી અંદર અભાવો થઇ ઉગે
ને રૂબરૂ મળવાની આશા દૂર જઈ ધરબાય છે

ક્યાં ચેન આવે છે મને કાવ્યો ગઝલ લખ્યા વિના
આ એક ગમતું કામ મળતી ખોટ પૂરી જાય છે

-રેખા પટેલ(વિનોદીની)

 

 

 
Leave a comment

Posted by on June 2, 2016 in ગઝલ