RSS

Monthly Archives: May 2017

હોય સરળ કે બરછટ ઘણું, પડવાની અસર પક્ષપાતની.

સીધા સરળ શબ્દોને અહી નડવાની અસર પક્ષપાતની.

રેલાવે સુરજ આભેથી એના કિરણોને બધે એક સમાન,

હોય મહેલ કે ઝુંપડી, નાં પડવાની અસર પક્ષપાતની.

છે શ્વાસોનો મહિમા બધો, જેની ભીતર આવનજાવન છે,

થાય નશ્વર દેહ પછી, નાં નડવાની અસર પક્ષપાતની.

ગમતું મળે મુખ મલકાય, જો દુઃખ આવે ચિરાય છાતી,

સમજદારી લેશે જન્મ, નાં જડવાની અસર પક્ષપાતની

દાન ધરમ થી માન મળે, મંદિરમાં જગ્યા ખાસ સચવાય,

એવા ભેદભાવની ક્યા ઈશ્વરને અડવાની અસર પક્ષપાતની

રેખા પટેલ(વિનોદિની )IMG_5974

 

પ્રતીક્ષા લાંબી પછી ક્ષણિક મિલનનો સમય આવ્યો.
એક ઘડીને પ્રહરમાં ગણવી, મિલનનો સમય આવ્યો.

ફરી ફરી તો શક્ય નહોતું એકાંતે આપણું એ તારામૈત્રક
જુદાઈની વસમી વેળા,વહારે મિલનનો સમય આવ્યો.

ઓગળતી રહી જાત આખી એક એ વાયદાની આસમાં
પાનખર પછી કહેશે એ ફૂલો, મિલનનો સમય આવ્યો.

આ શુંન્યતાઓ વિસ્તરતી રહી છેક ચારે દિશાઓ સુધી
પીછું એ આભેથી ખર્યું, લાગ્યું મિલનનો સમય આવ્યો.

ઓછામાં જો મન ભરાય , એને જિજીવિષા કેમ કહેવી
જોઈ રેખા હથેળીમાં, લાગ્યું મિલનનો સમય આવ્યો.

રેખા પટેલ(વિનોદિની)IMG_5971

 

માઈક્રોફિક્સન

ખુશી:

કેટલાક સમયથી મનન નું મન ઉદાસ રહેતું, હંમેશ કશુંક ખૂટતું લાગતું.

પોતાની મસ્તીમાં જીવતી પત્ની અને બાળકો કહેતા આ બધી મનની બીમારી છે. અને તેને લાગતું કોઈ તેના મનની સાચી વાત સમજતું નથી.

દોમદોમ સાહ્યબી અને ભરેલા ઘર વચમાં ભલા શું ખૂટતું હશે! વાત પણ વિચારવા જેવી ખરી.

આજે સવારે મહારાજે ગરમ બ્રેકફાસ્ટ ખવરાવ્યો તોય સંતોષ નહોતો લાગ્યો. સામે ગોરી ચિટ્ટી પત્ની રૂપાને કોફીના શીપ ભરતી જોઈ ઉત્સાહ નહોતો જન્મ્યો. શું કારણ હશે? વિચારતો મનન ચુપચાપ તૈયાર થઇ , બાય કહી ડ્રાઈવર સાથે તેની ઈમ્પોર્ટેડ કારમાં ઓફીસ જવા નીકળી પડ્યો.

ટ્રાફિક લાઈટની લાલ બત્તી સામે તેની કાર અટકી ગઈ. મનનની નજર સામેની ફૂટપાથ ઉપર ફેલાએલાં વાળ અને મેલોઘેલો સાડલો પહેરેલી સ્ત્રી ઉપર પડી. જે સામે બેઠેલા પુરુષને ટીનના ડબલામાં કાળી ચા અને ચૂલા ઉપર શેકાતો રોટલો ભાવ કરી આપી રહી હતી. બરાબર એજ વખતે મનનને એ પુરુષના ચહેરા ઉપર તેની ખોવાઈ ગયેલી ખુશી ઝળહળતી દેખાઈ ગઈ. અને ત્યાંજ ગ્રીન લાઈટ થતા થતા ડ્રાઈવરે ગાડી હંકારી મૂકી.

રેખા પટેલ (વિનોદિની) , ૧૪૦ શબ્દો

 

માઈક્રોફિક્સન

આજની વાર્તા …રેખા પટેલ(વિનોદિની)

યુવાનીના આંગણમાં પગલા માંડતી દીકરીએ પુછેલાં એક સવાલે, રેવતીના અંતરમાં કેટલાય વમળો ઉત્પન્ન કરી નાખ્યા. ” મમ્મી તું જ્યારે કોલેજમાં હતી ત્યારે શું તારે કોઈ બોય ફ્રેન્ડ હતો?”. સહેજ ચમકી જઈને રેવતીએ માથું હલાવી ના પાડી. પણ એ ચમક અને નકારની વચ્ચે તેને કશુંક હચમચી ગયું હતું. વીસ વર્ષ થઇ ત્યાંતો  “દીકરી સાસરે શોભે”  વિચારસરણી ધરાવતા માતાપિતાએ રેવતીને પરણાવી દીધી હતી. બધી લાગણીઓની ફુંટતી કુંપળો કોણ જાણે સિંદુરનાં ભાર હેઠળ ક્યાંય દટાઈ ગઈ હતી. આજે આ છોકરી એકજ પ્રશ્નમાં બધું ઉલેચી ગઈ છતાય મૌનનો પહાડ યથાવત રહ્યો….

એ સાંજે મિત્રો સાથે ટોળટપ્પા કરતા મનોહરને રેવતીએ બારણાની તિરાડમાંથી સાંભળી લીધો. મનોહર લગ્ન પહેલા તારે એકાદ ગર્લફ્રેન્ડ હતી કે ? કોઈકે પૂછ્યું અભિમાન ભર્યું હસતા તે બોલ્યો હતો “અલ્યા આ શું બોલ્યો એક? મારેતો ઘણી ગર્લફ્રેન્ડ હતી. એક જતી ને તરત બીજી આવી જતી. શું જમાનો હતો ,આપણો તો વટ હતો.” અભિમાન ભર્યા સુરે તે બોલતો હતો.

રેવતીના પગ નીચેની ઘરતી ધ્રુજી ગઈ. એટલે નહિ કે મનોહરને બહેનપણીઓ હતી, પણ એટલા માટે કે પુરુષ પોતાના જુઠા પ્રેમની કે લફરાની વાતો વધારી ને લોકો સામે રાખી શકે છે. અને એમ કરવામાં પોતાની શાન સમજે છે. જ્યારે એક સ્ત્રી જૂની સાચી લાગણીઓને લગ્ન પછી પોતાની સામે પણ વ્યક્ત કરતા ખચકાય છે. અને જો તે આમ કરે તો? પતિ અને સમાજ ………… રેખા પટેલ(વિનોદિની) (૨૦૦ શબ્દો)

 

 

આ સૃષ્ટીનો રચેયતા આજ ઈશ્વર કવિતા વાંચે છે.
તિમિરથી લઇ ધરા મહાલતી ઈશ્વર કવિતા વાંચે છે

એની શાબ્દિક નજરોથી મીઠા મધુરા ટહુકા ઝરે છે
પંખીઓ સૂર તાલ પુરાવે આ ઈશ્વર કવિતા વાંચે છે

પતંગિયા પાંખો હલાવી તહી હળવેક તાલી ભરે છે
આભે વાદળાં બહુ ધૂમ મચાવે ઈશ્વર કવિતા વાંચે છે

ફૂલ પત્તીઓ પાછળ સંતાય,ને કળીઓ ધીરે ખુલે છે
હૈયે હૈયા બહુ જોડાય જ્યાં ઈશ્વર કવિતા વાંચે છે

અંતરના આનંદ સંગે જડચેતનનાં તનમન ઝૂમે છે
ઝરણું પણ નિર્ભીક થઇ દોડે ઈશ્વર કવિતા વાંચે છે
રેખા પટેલ(વિનોદિની)IMG_5186

 

माँ में तेरा अंश 💞

જિંદગી પામનાર દરેક સહુ પહેલો જે શબ્દ જાણે છે તે “મા”
માને યાદ કરવા માટે આપણે કોઈ ખાસ દિવસની જરૂર નથી પડતી. પોતાના અસ્તિત્વને યાદ કરીશું તો પણ મા અચૂક યાદ આવી જવાની. આજના દોડઘામ ભર્યા જીવનમાં આવો એકાદ વધારાનો દિવસ માનું મહત્વ યાદ કરાવવાનો મોકો આપે છે જેને હસીને અપનાવી લેવો જોઈએ. માની ખુશી વધે તેવી રીતે તેની ઉજવણી કરાવી જોઈએ.
મા બનવા માટે પુષ્કળ બલિદાન જોઈએ. નાનપણમાં બાળક માટે મા એટલે તેની બધી જરૂરીઆત પળવારમાં પૂરી કરતી સહુથી વહાલી અને નજીકની વ્યક્તિ. બાળક નાનીમોટી દરેક જરૂરીઆત માટે માને શોધે છે. જરા સરખો ઘા લાગે અને માને પોકારે. આવા સમયે તેને જાણ નથી હોતી કે પોતાની દરેક જરૂરીઆત વેળાએ શું મા નવરી બેઠેલી હશે? તેને તો બસ મા એક પોકારે હાજર જોઈએ.
બાળપણમાં બાળક બીમાર થાય જરા સરખો પણ તાવ આવે તો તેને બસ ચોવીસ કલાક મા પાસે જોઇયે. કારણની કોઈ જાણ નથી બસ તેને સંતોષ થતો હશે કે કોઈક મારું મારી પાસે છે. બધાજ બાળપણમાં આવીજ કોઈક ટેવ ધરાવતા હશે. પરતું આજે જ્યારે આપણે બાળકોના માતાપિતા બની ચુક્યા છીએ ત્યારે સમજાય છે કે એક બાળકને સુંદર વિચારો અને સ્વાસ્થ પૂર્વક મોટા કરવામાં તન મન અને ધનથી કેટલું બધું બલિદાન નિસ્વાર્થભાવે આપવું પડે છે. આટલું કરતી વેળાએ શું કોઈ માં કે બાપ વિચારે છે કે આ બધું જે હું કરૂ છું તે મને મારું બાળક મોટા થઈ બદલામાં કશું પાછું આપશે? જવાબ મળશે નાં.
“આજ સુધી મા વિષે ઘણાય લેખ લખાયા છે ,જેમાં મા અને માના પ્રેમની વાતો આલેખાઈ છે. કારણ મા વિષે લખવું એ નાના બાળક માટેનો પણ સાવ સહેલો વિષય છે , આજ કારણે નાનપણમાં સહુથી પહેલો નિબંધ હંમેશા “મા ” ઉપર લખવાનો હોય છે. નાનપણથી એક બાળક જેટલું તેની માને સમજતો હોય છે તેટલું તે બીજા કોઈ વિષે જાણતો નથી.એ માટે આજ સુધી સેંકડો આર્ટીકલ મા માટે આલેખાયા છે .
જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે મા પણ યુવાનીથી થનગનતી હોય છે. તેના પોતાના અઢળક સપનાઓ હોય છે શોખ હોય છે. આવા સમયમાં નાના બાળક માટે તે બધુજ ભુલાવી બાળકની આળપંપાળ કરવામાં ખોવાઈ જાય છે. આવી સ્થિતિમાં તે ખુદને ભૂલી સંપૂર્ણપણે બાળકમાં ખોવાઈ જાય છે. જે સ્ત્રીને સળંગ દસ કલાકની ઊંધ વિના ચાલતું ના હોય કે તેને કોઈ વધારાનું કામ કરવાની આદત નાં હોય તેવી સ્ત્રી પણ રાત રાતભર જાગીને બાળકની સંભાળ કરે છે. તેને સાચવે છે, પોતાનું દૂધ પાઈને ઉછેરે છે. આ બધું કરવાની સાથે તે પોતાના રોજીંદા કામ પણ પહેલાની જેમજ કરતી રહે છે.

કેરિયર લક્ષી મા પોતાનું સમગ્ર કેરિયર પણ દાવ ઉપર લગાવી દેતી હોય છે. આ વખતે તેના મનમાં કોઈ સ્વાર્થ રહેલો નથી હોતો. માત્ર બાળક માટેનો પ્રેમ છલકાતો હોય છે. દેશમાં જોઈન્ટ ફેમિલીમાં રહેતી સ્ત્રીને જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે બાળકને સાચવવાની મોટો કરવાની જવાબદારી વહેંચાઇ જાય છે. પરંતુ પરદેશમાં કે શહેરોમાં એકલા રહેતા પતિપત્ની માટે આવી કૌટુંબિક એકતા હોતી નથી. આવી પરિસ્થિતિમાં બહાર નોકરી અને બાળકની બેવડી જવાબદારી ઉઠાવતી માની તકલીફ વધારે હોય છે.

જરાક વિચારવા માટે ઉભા રહેવું જરૂરી છે કે તેનામાં આ શક્તિ, વધારાનો આવો સમય ક્યાંથી આવ્યો? એક સ્ત્રી પાસે આવો કોઈ સમય મળતો નથી. અને મળે તો તે પોતાની અંગત ખુશી માટે ,અધૂરા સ્વપ્નાઓ પુરા કરવામાં વાપરશે. પણ એક મા પાસે આ શક્તિ તેના બાળકના જન્મ સાથે આવી જતી હોય છે. સાથે સાથે તે બધુજ ભૂલી બાળકની ખુશીમાં પોતાની ખુશી શોધી લેતી હોય છે. તે સમયની સામે પડકાર ફેકે છે. શું કદીયે સાભળ્યું છે કે કોઈ મા વ્યસ્ત રહેવાને કારણે બાળકને એક દિવસ ભૂખ્યું રાખ્યું. મા પાસે આ હૈયું જ નથી.

મા કઈ દેવી નથી છતાંય તે પૂજનીય છે, બાળકની જન્મદાત્રી છે. બસ આપણે આપણી ફરજ પૂરી કરીને આ જીવન આપનારી ને સુખ સંતોષ આપી થોડું ઋણ ચૂકવવાનું છે. જો મા બાળકને જન્મ આપી જો તેના ઉપર કોઈ ઉપકાર નથી કરતી તો મોટા થયા બાદ એ માને સાચવીને સુખ આપીને એ તેના ઉપર શું ઉપકાર કરી શકવાનો હતો.
“એક માત્ર જનનીના બંધનને આપણે કદી તોડી શકીશું નહિ, સાથે તેનું ઋણ પણ ઉતારી શકવાના નથી, તો બસ માન અને પ્રેમ આપી અહી સદાય નમન કરતા રહેવું જોઈએ.”
રેખા પટેલ (વિનોદિની) ડેલાવર (યુએસએ)IMG_5142

 

નવલિકા – લાલ ફૂલ : રેખા પટેલ (વિનોદિની)

નવલિકા – લાલ ફૂલ : રેખા પટેલ (વિનોદિની)

” રૂપલી…ઓ છોડી હવારના પ્હોરમાં કંઈ ગઈ હતી”?

માની બુમ સાંભળીને રૂપી દોડતી આવી અને મારી સામે જોતા જ મારી મા હસી પડી અને બોલી ” એ,છોડી આ માથા કરતાં મનોહર મોટું . લાલ ફૂલ જોયું નથી કે માથામાં ખોહ્યુ નથી,કેવડું મોટું ફૂલ!”

રૂપી બોલી’તી, ” એ..માં, મારા ફૂલને કંઈ નાં કે’તી ને હોંભળી લે, મને બહ્ડા વગર હાલશે પણ લાલચટક ફૂલ વગર નંઈ હાલે.”

મા જોડેનો આ વાર્તાલાપ રૂપીને રોજનો હતો. આમ કરતા કરતા આઠ ચોપડી પુરી કરી ત્યાજ તેના લગ્ન નક્કી થઇ ગયા. નીચલા વરણમામાં છોડીઓ ને કંઇ લાંબું ભણાવે નહી.. પણ રૂપી એના માં-બાપુની લાડકી હતી એટલે આઠ ચોપડી સુધી ભણવા મળ્યું.

રાવજી સાથે લગ્ન પછી અઢાર વર્ષની રૂપી સાસરે આવી ગઈ. રાવજી બહુ સરળ અને સ્વભાવનો મીઠો હતો. માં બાપ વગરના નાના ભાઈ વિપિનને રાવજીએ મોટો કર્યો હતો. થોડું ભણીને વિપિન શહેરમાં ક્યાંક નોકરી કરતો હતો. અને. રાવજી ચાર વીઘાના ટુકડામાં ઘરનુ ગાડુ ચાલે એનાથી થોડુ ઘણુ વધારે પકવી લેતો.. સાસરે આવીને રુપીને એય લીલા લહેર હતી!! ના સાસુ સસરાની રોક ટોક કે ના કોઈ ખાસ જવાબદારી..

વધારામાં વિપિન શહેરમાંથી  ઘેર આવે ત્યારે નવી આવેલી ભાભી હાટુ કંઈક ને કંઈક લેતો આવતો. એક વખત તો લાલ હોઠ રંગવાની લીપસ્ટીક લાવ્યો હતો, જોડે પાઉડરનો ડબ્બો ને કેટકેટલું બીજું લાવ્યો હતો, રાવજી એ જોઇને બોલ્યો હતો. ” બસ અલ્યા વિપીનીયા તારી ભાભીની તેવો નાં બગાડીશ.”

બેય દીયર ભોજાઈને બહુ બનતું. એ પછી તો રૂપી વિપિનના ઘેર આવવાની રાહ જોતી..કે ક્યારે મારો દિયેર  શહેર થી ઘરે આંટો દેવા આવે..વિપિન હતોય નટખટ!!! ક્યારેક મસ્તીમાં તેનો હાથ પકડી લેતો કહેતો કે,”મારી ભાભી તું તો ભારે રૂપાળી લાગે છે હો!!” અને રૂપી બદલામાં જવાબ દેતી,”હોવે… એટલે તો તારા ભાઈને બહુ વહાલી છુ.”

આમને આમ એના લગ્નને છ વર્ષ થઇ ગયા. રામ અને શ્યામ બે છોકરા તેનો સાડલો પકડીને પાછળ દોડતાં થઇ ગયા. રામ ચાર વર્ષનો, નાનો શ્યામ એક વર્ષનો થઇ ગયો. વિપિન રજાઓમાં ઘરે આવ્યો હતો.  આ વખત ખેતરમાં ડાંગરનાં પાકનો મબલખ ઉતારો આવ્યો હતો.એક રાતે વિપિન અને રાવજી વચ્ચે કંઇક બોલાચાલી થઇ.. બેય ભાઇ  થોડે દુર રહી બોલાચાલી કરતા હતા, તેથી ખાસ તો સંભળાતું નહોતું છતાં એ સમજી ગઈ કે  કાંઇક પૈસાની વાત હતી. માં-બાપુના ગયા પછી રાવજીએ વિપિન ને ભણાવી શહેરમાં મોકલ્યો હતો. છેલ્લી એકાદ વાત રુપીને કાને પડી,રાવજી ઘરમાં આવતા આવતા બોલતો હતો કે,”જા..જા..તારાથી થાય તે કરી લેજે, હવે હું તારા ખોટા શોખને પુરા કરવા કાંઇ વધારાના રૂપિયા આપવાનો નથી. તારી મનમાની બહુ પૂરી કરી હવે તારી જબાબદારી જાતે ઉઠાવ વિપલા…તારી આ ટેવો કંઈ સારી નથી”.

તે રાત્રે રાવજીએ વાળુંપાણી કર્યા ને છોકરાં સાથે થોડીવાર ઘમાલ કરી મસ્તી કરી, રૂપલીને થોડા લાડ લડાવીને રાતવાસો કરવા હાથમાં ડાંગ લઇને તે ખેતરે જવા નીકળ્યો. રોજની ટેવ પ્રમાણે રુપલીએ એને

પાછળથી ઝાલી લીધો.. દરેક વખતે એને ખેતરે જતો રોકવામાં તેને  બહુ મજા આવતી, રાવજી પણ પાછળ ફરી એને વહાલથી જકડી લેતા બોલ્યો કે “જાવા દે રૂપલી,સવારે આવું છું પાછો, ને હવે બસ બે જ રાતની વાત છે. આ ઉભી ડાંગર ઘેર આવે પછી તો તું ને હું,ને એય આપણો ઢોલિયો” આટલુ બોલી તેને પાતળી કમર પર હાથ ફેરવીને ખેતરે વહેતો થયો.. એના ચેન ચાળા જોઈ રૂપા પણ નવોઢાની જેમ શરમાઈ ગઈ..અને બંને છોકરાઓને  લઇ ઓરડમાં ભરાઈ ગઈ.

બીજા દિવસે મોં સૂઝણું થયું ને જરા આંખ ઉઘડી ત્યાં તો બહાર ગોકીરો સંભળાયો. રૂપા ગભરાઈ ગઈ અને અડધી પડધી બારી ખોલીને બહારે જોયુ.. એક ખાટલીમાં રાવજીનો ફીક્કો ભૂરો પડેલો કસાયેલો દેહ નિષ્પ્રાણ પડ્યો હતો..એ હાંફળી ફાંફળી બહાર દોડીને સીધી રાવજીના દેહને વળગીને મોટેથી પોક મુકી, હાથને ખાટલાની અફળાવા લાગીને પછી બેભાન બની ઢળી પડી. જ્યારે ભાનમા આવી ત્યારે તેના કલેજાના કટકા જેવા રાવજીના પ્રાણ વગરના ખોળિયાને સ્મશાન  ભેગો કરવા ગામ આખું ભેગુ થયું હતું. તેને ભાનમાં આવતા કલાકો લાગ્યા હશે.

તે છાતીફાટ રુદન વચ્ચે રડતી રહી “મારો ચૂડી ને ચાંદલો નંદવાઈ ગયો.મારા કાળજાનો કટકો હોમાઈ ગયો”.

*****************

“વિધિના લેખ કોઇ આજ ‘દી ટાળી શક્યુ છે?  દીકરી, અમને અહી આવ્યાને તેર દાડા થઇ ગયા..હવે અમારે જાવું પડશે,જો તું કહેતી હોઇ તો,તને ને તારે બેઇ છોકરાવને અમે સાથે લઇ જઈએ.” રૂપાના બાપુ તેના ચાંદલા વિનાના કપાળ ઉપર હેતાળ હાથ ફેરવતાં બોલ્યા.

ત્યાતો વચમાં વિપિન બોલી ઉઠ્યો,”હોવે ભાભી તમે જાઓ.અહી એકલા કેમ રહી શકશો? હું તો આજકાલમાં શહેર પાછો જવાનો છુ..શેરમાં મારું કામ અધૂરું છે.

બધાની વાતને વચ્ચમાંથી કાપી રૂપાએ મક્કમ બની જવાબ આપ્યો કે “તમ-તમારે બધા જાઓ. હું બેવ છોકરાનું અને મારું ઘ્યાન રાખીશ.જો કોઇની જરૂર પડે તો તમે બધા તો છો. હું કામ પડ્યે બોલાવી લઈશ . અહી મારા રાવજીની યાદો બસ છે મારી જોડે રહેવા માટે”.

બહુ સમજાવ્યા છતાં રૂપા એકની બે ના આથી છેવટે ભીની આંખોએ બા બાપુએ વિદાય લીધી.આ ચાર મહિના રૂપાને બહુ આકરા પડ્યા. આ વર્ષના તૈયાર પાકને જેમેતેમ વેચીને આગલા વરસનું દેવું ચૂકવી ગુજરાન ચલાવ્યું. હવે નવી ખેતી રોપવાનો સમય વીતી ગયો હતો. હવે શું કરવુ ? એ સવાલ તેની સામે મ્હો ફાડીને ઉભો હતો.

એક તો એકલી બૈરીની જાત એમાય રૂપાળી બહું! એટલે જીવવું આકરું થતું જતું હતું, ગામનો શાહુકાર બે વાર આટાં મારી ગયો હતો. ” તેની નજરમાં લોલુપતા ભરી રૂપા સામે જોઈને કહેતો, “કાંઇ કામ કાજ હોય તો અડધી રાતે મને હોંકારો દેજે..તારો જ માણહ સમજીને.”

કરીયાણાની દુકાન વાળો  શેઠ ઘેર આવીને વગર માંગ્યે અનાજ મોકલાવવાની વાતો કરતો હતો.આ બધું નાં સમજી શકે એટલી અભણ કે અબુધ એ નહોતી..જિંદગીની એકલતા કરતા આ ચારેતરફ ની વધતી ભીડ તેને બધું ડરાવી દેતી….હવે તો ઘર બહાર નીકળતા પણ તેને બીક લાગતી હતી.

એવામાં એક દિવસ વિપિન ઘરે આવ્યો. અને રૂપાથી આ બધું સહન ના થતા તે વિપીનને કહેતા રડી પડી. આ સાંભળી વિપિન રૂપાને માથે હાથ ફેરવતા કહેવા લાગ્યો કે,”ભાભી તું છે જ એવી રૂપાળી,એમાં લોકોના કાન કેમ કરી પકડવા. અહી ગામડામાં આવું બધું હાલતું રહેવાનું. એના કરતા તું મારી ભેગી શેર ચાલ., ત્યાં તને કોઈ પૂછવા વાળું નહી હોય. હવે તારો નહી પણ તારે આ બેઇ છોકરાવનો વિચાર કરવાનો .એને સારી નિશાળમાં ભણાવીને મોટા સાહેબ બનાવીશુ. ને બસ પછી તારેય લીલાલહેર.”

લાબું વિચાર્યા વિના છોકરાઓનાં ભવિષ્યને ધ્યાનમા રાખીને રૂપાએ  વિપિનની વાતમાં હા ભણી દીધી. તેને એક જ આશા હતી કે આ બાપ વગરના છોકરા કંઈક ભણી ગણીને નામ કાઢે. અને બસ એ જ લાલચમાં આવી એ વિપીન જોડે શહેર જવા તૈયાર થઈ. બે ચાર દહાડામાં આખુ ય ઘર સમેટી લીધું.બા બાપુને ગામડે જઈ મળી આવી. એમની જોડે વાત કરતા લાગ્યું તેમની ખાસ ઈચ્છા નહોતી,કે એ શહેર જાય. પણ રૂપાની જીદ આગળ તેમનું કશુય નાં હાલ્યું. અને ભાભીને તો જાણે હાશ થઇ એવું એના વર્તન ઉપરથી લાગતું હતું.

રૂપી રાવજીની યાદો મનમાં ભંડારી નશીબ અજમાવવા એના વહાલા ઘરને મોટું ખંભાતી તાળું લગાવી શહેરમાં જવા નીકળી. શહેરની વાતો મોટી એટલી જ ખોટી હોય છે,એ સત્ય અહીયા આવીને સમજાઈ ગયું. અહી ના તો રાવજી હતો કે ફળિયું હતું. હા બરોબર વિપિનની ચાલી બહાર એક જાસુદનો છોડ હતો…….

એક રૂમ રસોડું હતું રસોડાની બહાર જગ્યામાં વિપિન નો ખાટલો પથરાય અને બેઉ છોકરાને લઇ રૂપા અંદરના ઓરડામાં સુઈ જશે એવું રૂપાએ ફરમાન કર્યું. વિપીને પણ કઈ આનાકાની વગર હા કહી. થોડા દિવસ આ બધુ સારું લાગ્યું. રવિપિન તેમની માટે જરૂરી વસ્તુઓ ખરીદી લાવ્યો. અને રામને નજીકની સરકારી નિશાળમાં દાખલો પણ અપાવી દીધો.

એક રાત્રે વિપિન દારુ પીને નશામાં લહેરાતો ઘેર આવ્યો. રોજ રૂપી ને ભાભી કહેતો વિપિન આજે એ “રૂપલી લે હેંડ રોટલા કાઢી દે.” અને રૂપી સમજી ગઈ કે એ નશામાં બોલે છે,એટલે માથાકૂટ કર્યા વગર તેને રોટલા-શાકની થાળી આપવા હાથ લંબાવ્યો, ત્યાંતો વિપીને ભાન ભૂલીને રૂપીનો હાથ પકડી એના તરફ ખેચી.

ગામડાં ના ચોખ્ખાં ઘી દૂધ ખાઈ ઉછરેલી અને રાવજીને ખેતરમાં હારોહાર કામ કરીને રૂપીએ શરીર મજબુત રાખ્યું હતું. એક જ હડસેલે નશામાં ચુર વિપિનની મહેનત ઉપર પાણી ફેરવી દીધુ. એકવડીયા બાંધાના વિપિનને હડસેલી નાખ્યો..પણ  વિપિનના મોઢામાંથી બોલાએલા સત્યે રૂપાલીને ઝંઝોળી નાખી. વિપિને બોલવાનુ શરૂ કર્યુ, “સાંભળ રૂપલી, તને અને ગામડાંની મિલકત પામવા હારું તો મેં મારા સગા ભાઈને પણ

સાપ હારે વરાવ્યો છે અને જોઇ લેજે બેવ હું લઈને જ ઝંપીશ. હવે તમે બેવ મારા છો. પાસે આવ તારી જિંદગી બનાવી દઈશ”

બસ ખલાસ!!! રૂપી હ્રદયમા જાણે તેજાબ રેડાયો હોય એવી કાળીબળતરા થવા લાગી. એમ થાતું હતું ગામડે હોત તો એ હાથમાં દાતરડુ લઇને એક ઘાએ કદાચ એના ગળાને વાઢી નાખત..પરંતુ આવીચાર જોડે તેને અંદરના ઓરડામાં સુતેલા નાના બે છોકરાઓના દયામણા ચહેરા યાદ આવી ગયા અને મ્હોમાં સાડલાનો ડૂચો મારી અંદર રૂમમાં દોડીને ભરાઈ ગઈ. અકાહી રાત એક ખૂણામાં બસીને રડતી રહી. સવારે વિપિનને જોતા જોતા લાગ્યું નહી કે એને રાત્રે જે કંઈ બોલી ગયો એ કશુજ યાદ નહોતું.  બસ હવે રૂપીએ મગજનાં સોગઠાંની બાજી ગોઠવવા માંડી. એણે વિચાર્યું અહી બળથી નહિ કળથી કામ લેવું પડશે. અને  હિંમત સાથે ધીરજ રાખ્યા વગર છૂટકો તેને બીજો કોઈ છૂટકો પણ ક્યા હતો!”

થોડા દિવસો વિચારવામાં કાઢ્યા અને તે દરમિયાન તે વિપીનથી દુર રહેવાનો પ્રયત્ન કરતી રહી.. છેવટે જે મોકાની તલાશ હતી એ દિવસ આવી ગયો.

સાસરી પક્ષના કોઈ બીમાર સગાને મળવા જવાનું થયું.. રૂપી બાળકોને અને વિપિનની સાથે બીજા શહેર ટ્રેનમાં જવા નીકળ્યા..રસ્તામાં ખાવા માટે સુખડી બનાવી અને વિપિન માટે ભાંગ વાળી અલગ બનાવી.  ટ્રેનમાં બેઠા પછી  વિપિને સુખડી ઉપર મારો ચલાવ્યો..ધીરે ધીરે ભાગનો નશો મગજે ચડી આવ્યો. થોડી વાર પછી તો તેને ખ્યાલ નાં રહ્યો કે તે શું બકે છે..એ પછી રુપીએ વિપિનને થોડો ઉશ્કેર્યો અને તે બધુ જ બકી ગયો. એ રાત્રે જે એકાંતમાં બોલ્યો હતો એજ વાતો  જાહેરમાં બધાની વચમાં બોલવા લાગ્યો..

બસ રૂપીને આ જ જોઇતું હતુ, એ પછી લોકોનું ઘ્યાન ખેચવા માટે તેણે મોટેથી પોકો મુકી રડવાનું શરુ કરી દીધું. જે કંઇ બન્યું હતુ એ બધાને વિગતવાર હિબકા ભરતા કહેવા માંડી..દુઃખને બધાની વચમાં જાહેરમાં ફેલાવો તો જ લોકો તેને આસાનીથી સમજી શકે છે. આમ બધાને ભેગા કરી રુપીએ આસાની થી વિપિનને પોલીસમાં પકડાવ્યો.. કેસ લડવા રૂપીને જે થોડા ઘણા દાગીના હતા તે બધા વેચવા પડયા. છતાં તેને સંતોષ હતો કે તેના રાવજીના ખુનીને સજા અપાવવામાં કામિયાબ નીવડી. અંતે અદાલતે વિપીનને ચૌદ વર્ષ સજા ફરમાવી અને વિપિનને જેલ થઈ.

******************

હવે શું કરવું? સવાલ સામે ઉભો હતો. ગામમાં પાછાં જવાનું વિચારીને રૂપી અહીથી બધું સમેટવાની તેયારી કરતી હતી..ત્યા તો ગામથી આવેલા એક પાડોશીએ સમાચાર આપ્યા કે થોડા વખત પહેલાજ વિપીને જમીન અને ઘર બધું કોઈને નકલી દસ્તાવેજ કરી વેચી માર્યુ હતું. આ કારણસર ત્યાં પણ જવાનું ટળી ગયું. બાળકોને મોટા કરવાના અને ત્રણનું પેટ ભરવાનું , આ અજગર જેવો પ્રશ્ન મ્હો ફાડીને સામે ઉભો હતો.

એણે મનોમન ફરીથી એક વાર હિમત એકઠી કરીને આવનારા દિવસો સામે લડવાનું  નક્કી કરી લીધું. બીજા દિવસે મોટા છોકરાને સ્કુલમાં મુક્યો અને નાના મેં કેડમાં ખોસી ઘેર ઘેર કામ માંગવા નીકળી પડી. બહુ

રખડી ક્યાય કામ નાં મળ્યું..આમને આમ મહીનાના ત્રીસ દિવસ નીકળી ગયા..કોક ને તેનું  બે વર્ષનું છોકરું નડતું તો વળી કોકને તેનું રૂપ.  હવે. તો થોડા દિવસોનું કરિયાણું રહ્યું હતું.

નિરાશ હાલતમાં તેને કશુંજ સુઝતું નહોતું.. તેમાય વળી રૂપીએ બાપુને લખેલા કાગળના જવાબમાં ભાભીએ લખ્યુ કે અહીંયા હવે ઘર નાનું અને વસ્તાર મોટો છે…બની શકો નાનુમોટુ કામ ગોતીને તમે ત્યા જ રહો” વાંચીને એ સમજી ગઈ હતી કે ઘરડાં માં બાપની લાચારીને કારણે પિયરમાં હવે જગ્યા નથી રહી. છેવટે થાકી હારીને છોકરા ને મોટા કરવા ગમે તેવું કામ કરી લેવાનું નક્કી કરી લીધું. “એક સ્ત્રી વિકટ પરિસ્થિતિઓ સામે હારી જાય છે પણ એક મા કદીયે હારતી નથી “.

આ દરમિયાન તેની ઓળખાણ લીલા સાથે થઇ. એ એની સાસુ અને બે છોકરાઓ સાથે ચાલીમાં જ રહેતી હતી. લીલાનો વર આ ચારેને છોડી ક્યાંક ભાગી ગયો હતો. કશુજ કામ નાં મળતા છેવટે એ શરીર વેચવાના ધંધામાં જોડાઈ હતી. રૂપી પણ લીલાની લાંબી સમજાવટ પછી કકળતા હૈયે, ભારે મન સાથે આ કામ કરવા પરાણે રાજી થઇ. સાંજ પડતા લીલાના સાસુ પાસે બેવ છોકરાઓને મૂકીને લીલી સાદી પહેરીને,આછી લીપસ્ટીક ને પાવડર લગાવી એ તૈયાર થઇ. ત્યાં તો લીલાએ સામે ઉગેલું લાલ જાસુદ લાવી રૂપીના લાંબા ચોટલામાં ખોસી દીધું. અને બોલી કે,”હવે રોજ રાત્રે આ લાલ ફૂલ ખોસજે ,જો કેવી રૂપાળી લાગે છે.”

રૂપીના હાથપગ ઘ્રુજાતા હતા હૈયું રડતું હતું તેને સમજાતું નહોતું કે જે કરી રહી છુ તે યોગ્ય છે કે નહિ? એકવાર તો એને થયું કે બધું ઉતારી પાછી મારા ભૂરા સાડલાને વીંટી દુઉ પણ નજર સામે ભૂખ્યા બે છોકરાઓ તરવરી ઉઠ્યા.

છેવટે હિંમત એકઠી કરી ઘરને તાળુ લગાવી એ લીલા જોડે નીકળી પડી. ચાલીથી થોડે દુર એક નિર્જન ઓટલો હતો ત્યાં એક લાઈટનો થાંભલો હતો. ત્યાં નીચે જઈને બેવ ઉભા રહ્યા. લીલા હવે આ બધાથી ટેવાઈ ગઈ હતી. પરંતુ રૂપીના હાથપગ ઘ્રુજાતા હતા આંખો લાલ થતી જતી હતી..જાણે અંતરમાં ઉકળતું લોહી આંખોમાંથી આવી બહાર ટપકવાની રાહ જોતું હતું

ત્યાં એક ગાડી આવીને ઉભી રહી. ગાડીના ડાર્ક ગ્લાસને નીચે ઉતરી અંદર બેઠેલા પુરુષે લીલાને હાથ હલાવીને પાસે બોલાવી. લીલા લચકતી ચાલતી કોઈક વિચિત્ર હાસ્ય સાથે ત્યાં પહોચી ગઈ..ખબર નહી લીલાએ શું વાત કરી પણ મને કહે મારે જવું પડશે. તારો આજે પહેલો દિવસ છે અને આ ઘંઘામાં તું નવી છે તો તને આ મારા સાહેબના એક દોસ્તના ઘરે મુકતી જાઉં છું. એ બિચારાની બૈરી થોડા દિવસ પહેલા ભગવાનની પ્યારી થઇ ગઇ છે. એ સાહેબ બહુ દુઃખી રહે છે. બસ તારે એના ઘેર જઈ એમને બધી રીતે ખુશ કરવાના છે. હું વહેલી સવારે આવીને તને લઇ જઈશ.” કહી આંખ મિચકારી. તેની હાકે ના ની પરવા કર્યા વગર લીલાએ તેનો હાથ ઝાલીને ગાડીમાં ધકેલી દીધી..

આવી મોંઘી ગાડીમાં એ પહેલી વાર બેઠી હતી..પણ એ આનંદ પણ લઇ સકતી નહોતી. એની પોચી પોચી ગાદી તેને ખૂંચતી હતી. ગભરાહટ સાથે તેનું હ્રદય બમણાવેગથી ધડકતું હતું. થોડે દુર એક ઘર પાસે ગાડી

ઉભી રહી. પેલા ગાડી વારા ભાઈ અંદર ગયા થોડીવાર પછી બહાર આવ્યા, રૂપીને ઇશારેથી બહાર આવવાનુ કહ્યુ,અને કહેવા લાગ્યા કે,”જા..અંદર એ મારો મિત્ર છે રોશન..એ બહુ સીધો છે, એને તારી રીતે ખુશ કરજે.” લીલાએ આંખોથી સાંત્વન આપવાની કોશીશ કરી ત્યાં તો ગાડી ઉપડી ગઇ.

મનમા ફડક સાથે ના છુટકે રૂપી સામે પડતાં અઘખુલ્લા બારણાને હડસેલતી અંદર પહોચી. અંદર બહુ ઝાંખી રોશની હતી..વિશાળ બંગલાને સુંદર રાચરચીલાથી સજાવેલુ ઘર હતું.. આછા અજવાશમા સોફા ઉપર એક પુરુષ હાથમાં સિગારેટ લઇ આંખો મીચી બેઠો હતો. રૂપી એની સામે ઉભી રહી. તેની આંખોમાં ભય અને આંસુ બંને બહાર આવવા મથામણ કરતા હતા..પેલા પુરુષે આંખો ઉચી કરી તેની સામે જોયું પછી ઈશારો કરી બાજુની ખુરશી ઉપર બેસવા કહ્યુ. અને તે  સંકોચાતી ત્યાં બેસી ગઈ.

તેને થતું હતું કે જો ઘરતી માર્ગ આપે તો સમાઈ જાઉં, અંદર ચાલી રહેલા યુધ્ધના પ્રહારો ઝીલતી એ વિચારતી રહી. સ્ત્રીઓ પાસે એવુ તો શું છે કે પુરુષો તેમના શરીર માટે હડકાયા બની જાય છે. લાગણીભાવ કે પ્રેમ વગર પૈસાના જોરે શરીર સાથે એ શું આનંદ લઇ શકતા હશે? પાના મારા છીકારાઓની ભૂખ અને જીવન માટે હું આજે એક માસનો લોચો બનવા તૈયાર છું. ત્યાં તો જાણે એક તણખો અડયો હોય એમ એ ઝબકી ઉઠી..પેલા પુરુષે રુપીના હાથ ઉપર હાથ મૂકી એકદમ સહજતાથી પંપાળ્યો. અને ત્યાજ રૂપીની આંખો ભય અને શોક થી મિચાઈ ગઈ,અને શરીરમાં એક લખલખુ પસાર થઇ ગયુ. એ એકદમ સહજ ભાવે એ બોલ્યો કે, શાંતિ રાખ અને લે આ પાણી પી પછી બોલ તારું નામ શું છે?.”

એ ધ્રુજતા હાથે પાણી લઇ એકજ શ્વાસે ગટગટાવી ગઈ અને પછી બોલી “રૂપી”..

તે હસી પડયો ,”તારું નામ તો સરસ છે સાથે તારા ચોટલે હસતું તારું આ લાલ ફૂલ મને બહુ ગમ્યું વળી તેની ગભરુ પારેવા જેવી હાલત જોઈને એ અનુભવી ભાવે આગળ બોલ્યો,”તું આ ઘંઘા માં પહેલી વાર આવી છે ને “?

એના અવાજમાં થોડો લાગણીનો ભાવ અનુભવતા રૂપીની આંખો માથી બે મોટા મોતી જેવા ચમકદાર આસું મોંધી કાર્પેટ પર આળોટી પડ્યા.. આછા અજવાળામાં આંખોની પાણીદાર ચમક જોઇને પેલા સજ્જન પુરુષે થોડી વધુ સહાનુભુતિ ઉમેરીને એને કહ્યુ, રૂપી ,જરાય ચિંતા નાં કરીશ તને નાં ગમે તેવું હું કશુજ નહી કરું…ચાલ શાંતિથી તારી બધી વાત મને માંડીને કહે”. આ સાંભળીને તપતા રેગીસ્તાનમાં બે ઘુંટ વરસાદ જાણે હેલી કરી ગયો..અને રૂપીએ તેના જીવનને શરુથી લઇ અંત સુધી અજાણ્યા પુરુષ સામે પાથરી દીધુ.

” રૂપી તને ખબર છે ,આ દુનિયામાં કોઈ સુખી નથી.બધાને કોઈ ને કોઈ વાતનું દુઃખ હોય છે. મારી પત્ની સાથે મારા દસ વર્ષના લગ્નજીવનના અમૃતસમી મારી આઠ વર્ષની દીકરી છે. મારી પત્ની અમને બંનેને એકલા મૂકી ભગવાની વહાલી થઇ ગઇ. તેના જવાથી અમે સાવ નિરાધાર થઈ ગયા. તેની યાદોને ગળે વળગાડી હું એકલતામાં આરામથી જીવું છું. છતાં મારા મિત્રને એવુ લાગ્યું કે હું દુઃખી છું..મને કોઈ સ્ત્રી શરીરસુખ આપી શકશે, એવુ માની તને મોકલી આપી. પણ રૂપી જેમ તારામાં  “રાવજી” જીવે છે બસ એમજ મારામાં “તારા” જીવંત છે.” આટલું બોલી તેમણે વાત આગળ વધારી.

“જો તારે આ ઘંઘામાં નાં જવું હોય તો તું મારે ઘરે કામ કરવા આવી શકે છે. મારે મારી દીકરી માટે એક એવી બાઈ જોઈયે છે,જે દીકરીની દેખરેખ સાથે તેને માનો પ્રેમ પણ આપી શકે. જો તું આ કામ કરી શકે.’

અને તારી હા હોય તો કાલથી જ તારા બાળકો સાથે અહી મારા બંગલાની પાછળના ભાગમાં આવેલા આઉટહાઉસમાં રહેવા આવી શકે છે”.

રૂપી કશું બોલ્યા વિના એ દેવ જેવા પુરુષના ચરણૉમાં નમી ગઇ.. તેની આંખોનાં પાણી એ નવજીવન આપનારા દેવ જેવા પુરુષના ચરણોને પખાળી રહ્યા હતાં. એ સાથે માથામાં ખોસેલું પેલું લાલ ફૂલ સરકીને તેમનાં ચરણોમાં પડી ગયું.

રેખા પટેલ (ડેલાવર , યુએસએ )

 

નયનમાં ઝાંકો એકવાર,જુવોને કેવી ધાર કરું
ઉડે તમારી નિંદર જોડે સપના હું સાકાર કરું.

કોઈ કહે એ જરા રસીલાં,કોઈ કાતિલ વાર કહે
નેહ નીતરશે હાશ થાશે, ગુસ્સાથી તાર તાર કરું

આંખોનું ગગન વિશાળ, દેખાશે સ્વચ્છ નિર્મળ,
મન કહે સઘળી વાતો હું કીકીઓમાં સવાર કરું

નયનની ભાષા સાવ સરળ તોયે લાગે અટપટી
સમજો તો સમજાશે,જે પ્રશ્નો અવાર નવાર કરું.

ઝીલે દ્રશ્યો દુનિયાભરનાં, ના અંદર કંઈ કળાય,
છે પાંપણની સારણીથી, કીકીઓને ઘારદાર કરું.
રેખા પટેલ (વિનોદિની)IMG_5030