પિતાનું કવચ અને કડપ- રેખા પટેલ (વિનોદિની)
આજ સુધી લખાએલા એક હજાર પુસ્તકોમાં “મા” ઉપર ૯૦૦ પુસ્તકો કે નિબંધ મળી આવશે. જયારે પિતા ઉપર બહુ ઓછું લખાણ જોવા મળશે.
બાળક માના અસ્તિત્વનો ભાગ છે, તો એ પિતાનો અંશ છે. મા જન્મ આપે છે તો પિતા જીંદગી બક્ષે છે. મા ગુરુ છે તો પિતા હાથ ઝાલી રસ્તો સૂચવનાર જીવનરથનો સારથી છે. આપણા રથને યોગ્ય દિશામાં લઇ જવા માટે આ સારથી ક્યારેક ઢીલ આપે છે તો ક્યારેક લગામ કસીને ખેંચે છે. આપણે તેની ખેચાએલી લગામને પિતાની કડપ માની લઈએ છીએ. પરંતુ હકીકતમાં એ તેમની આપણા ભવિષ્ય પ્રત્યેની ચિંતા અને લગાવ માત્ર છે.
આખો દિવસ ઘર અને બાળકો માટે બહાર કમાણી કરીને આવતા પિતાને સાંજે આરામ અને શાંતિની જરૂર પડે. છતાં પણ એ પોતાનો થાક ભૂલી બાળકની દિનચર્યા ઉપર ઘ્યાન આપે સલાહ આપે કે પછી કડક વર્તન દાખવે એ શું અનહદ પ્રેમનું ઉદાહરણ નથી?
મા પોતે ભૂખી રહી બાળકને કોળીયો ખવરાવે છે ત્યારે એ ભૂલવું પણ ભૂલ ભરેલું હોય છે કે પિતા બાળકને ભૂખ્યો રાખી ખાઈ શકે છે. યુવાનીમાં જે પુરુષ પોતાના મોજશોખ અને રંગીનીયાને દુનિયા માનતો હોય છે તેજ એક પિતા બનતા સાવ બદલાઈ જાય છે. તેની સહુ પહેલી પ્રાથમિકતા તેનું બાળક બની જાય છે.
પિતાના પ્રેમ અને ત્યાગને જરાય ઓછું નાં આકવું. પોતાના બધાજ શોખને એક બાજુ મૂકી પિતા બાળક અને તેની જનેતાનું રક્ષણ કરે છે. તેમના સપના પુરા કરવામાં પોતાના સ્વપ્નાઓને રાખમાં ભંડારી રાખે છે.
નિરાશ હતાશ બાળકને પિતાના સાનિધ્યમાં હુંફ મળે છે. દુર બેઠેલો દીકરો કે દીકરી જ્યારે બાલ્યાવસ્થામાં હોય ત્યારે મુશ્કેલીમાં મા સાંભળે છે. અને તેજ બાળકો જ્યારે યુવાનીમાં પગલાં માંડે ત્યારે વિષમ પરિસ્થિતિમાં તેમને પ્રથમ પિતા યાદ આવે છે. તેના મનમાં કાયમી ભરોસો હોય છે કે ભલે બધા દુર જાય પરંતુ મારા પિતા ગમેતેવા સંજોગોમાં પણ મારો સહારો બની સાથે રહેશે. સારા કે ખરાબ પ્રસંગોમાં જેમના માથા ઉપર પિતાનો હાથ રહે છે તેઓ ખરા અર્થમાં નશીબદાર છે. એથીજ તો પિતાને ઘરનો મોભ કહેવાય છે. એક બાપનો ખભો બાળકોના ભારથી ક્યારેય ઝૂકતો નથી. હા બાળકોનું ઓરમાયું વર્તન અને બેજવાબદારી તેમને યુવાનીમાં પણ તોડી શકે છે. મા રડીને કે દુઃખ જાહેર કરીને મનનો ભાર હળવો કરી લેતી હોય છે. જ્યારે એક પિતા પુરુષ છે તેને રડવાનો અધિકાર નથી એમ કહેતા સમાજમાં તે સઘળું દુઃખ લાવાની માફક પોતાની અંદર છુપાવી રાખે છે. તેની એ સ્થિતિ ખરેખર વિચારવા જેવી છે.
બાળક નાનું હોય કે યુવાન બને પરંતુ તેમની માટે પિતાની સહનશક્તિ અમાપ હોય છે. એક નાનો દાખલો હું અચૂક વર્ણવીશ. મારા લગ્ન સમયે મારા પિતાની ઉંમર પચાસ વર્ષ હતી. લગ્નના આગલા અઠવાડિયે તેમની તબિયત અચાનક બગાડવા લાગી. છેલ્લા દિવસોમાં હું અને મમ્મી જ્યારે મારી શોપિંગ કરીને ઘરે આવતા ત્યારે પપ્પા ઓસરીમાં અત્યંત દર્દ સહન કરતાં જોવા મળતા. છતાં અમને જોઈ ” લાવ બતાવ શું લાવી તું? તારું ગમતું બધું મળ્યું ને ? એવા પ્રશ્નો પૂછી બધું દુઃખ સંતાડી ખુશ થવાનો પ્રયત્ન કરતા. ત્યારે હું એ વાત નહોતી સમજી શકી કે કેવા દર્દ માંથી તે પસાર થતા હશે. લગ્ન પછી બીજા દિવસે હું ઘરે આવી, મને જોઈ તરત એ પલંગમાં બેઠા થઇ ગયા અને મારા માથા ઉપર હાથ ફેરવી સહુ પહેલા એજ પૂછ્યું કે ” તું ખુશ છે ને? ત્યાં બધા તારી માટે પ્રેમ રાખે છે ને ? લગ્નના ચોથા દિવસે તેમને હોસ્પિટલ જતા રસ્તામાં પ્રાણ ત્યજી દીધા. આજે પણ એ દિવસો યાદ કરતા કંપી જાઉં છું. મારા વહાલા પપ્પાના દુઃખને નાં સમજી શકવાનું દુઃખ આજે પણ તીવ્રતાથી અનુભવું છું.
‘મારા લગ્નની ખુશી ડહોળાઈ ના જાય એ માટે બધું દુઃખ બહુ સિફતથી પચાવી ગયા હતા.’ મારી માટે પિતાનું મહત્વ હંમેશા વધારે રહ્યું છે… more read on pratilipi