
પ્રેમ માત્ર પ્રેમ છે
—————–
થોડા મહિનાઓ પહેલા જ મારી બદલી થતા આ નવા શહેરમાં નવી જોબ અને નવી જગ્યાનો પરિચય થયો…શહેર નાનુ અને માણસો મળતાવડા હોવાને કારણે અહીંયા નોકરી સાથે આરામદાયક મોહોલ જીવવાનું મજા હતી…ઓળખાણના કારણે એક સરસ મજાનો,હવા ઉજાશવાળૉ એક ફલેટ ભાડે મળી..નાના શહેરમાં એકલા માણસને બે રૂમનો ફલેટ એટલે મોકળાશ અને થોડી એકલતા બંનેનો મિશ્ર અનુભવ થાય….થોડા મહિના આવુ ચાલ્યું..પણ રોજ વિશીનું ખાઇને એમ થતું કે ઘરનું જમવાનું મળે..
એટલે ગામડે એકલી રહેતી માંને અહીંયા તેડી લાવ્યો..કુંટુબના નામે જુઓ તો હું અને મારી માં…બાપુજી તો વરસો પહેલા પરલોક સીધાવી ગયા હતા. નાનું શહેર અને વૃક્ષોની સરસ વાવણીને કારણે અમારો વિસ્તાર એકદમ સાફસુથતો અને લીલીતરી ભર્યો ભર્યો લાગતો હતો…જગ્યા બહુ સરસ હતી બીજા માળા ઉપર મારો ફ્લેટ હતો અને બરાબર સામે એક બીજો ફ્લેટ હતો,મારા બેડરૂમની સામે જ બીજા ફ્લેટની બારી પડતી હતી અને બારીની લગોલગ એક પંલંગ હતો
જોબ પરથી સાંજે ઘરે આવું ત્યાં રોજ એક રૂપાળું દ્રશ્ય સર્જાતું.એક બાજુ ઢળતો સુરજ તેની લાલાશ પ્રસરાવતો અને તેજ લાલાશ સામેની બારી ઉપર ફેલાય જતી.ત્યા એક બહુ રૂપાળી નાજુક નમણી યુવતી કઈક વાંચતી હોય.ત્યારે ધવલ ચહેરા પર ઢળતો સૂરજ એની લાલિમાની લાલાશે ભરી દેતો,જો એની અધખુલ્લી અને અલ્લડ આંખોથી એ સૂર્યને ડારો દેતી કે હવે તારી આ તોફાન-મસ્તી થોડી ક્ષણોની મહેમાન છે સંધ્યાની સવારીમાં રજની રૂમઝુમ કરતી આવશે એની શ્યામ ઘટાઓમાં મને છુપાવી દેશે……
હવે આ કાર્ય જોવાનું મારી આંખોને વ્યસન પડી ગયું..કલાકો સુધી હું હાથમાં ચાનો કપ લઇ તેને તાક્યા કરતો,અને ક્યારેક આ કાર્યના કારણે ચા પણ ઠંડી થઇ જતી…ખબર નહી પણ ક્રિયાથી મારા દિવસ આખાનો થાક ઉતારી જતો..
હવે મારી નજરમસ્તીની કિમત બારી પાસે બેઠેલી યુવતીને સમજાય ગઇ હતી..એને પણ ખબર પડી ગઇ કે ફકત એને નિરખવા માટે હું સાંજે અહીંયા બેસું છુ…એક બીજાનું નામ જાણવાનું કે પરિચયની કોઇ વિધિમાં પડ્યા વિનાં અમોને સ્મિતની આપ લે શરૂ કરી દીધી.
ક્યારેક મારી મસ્તીમાં હાથ હલાવીને અભિવાદન કરતો હતો….ત્યારે પોતાનો એક હાથ હલાવીને મારૂં અભિવાદન જીલતી હતી….જેમ હાથ નીચે જતો એમ એની નજર પણ ઠળી જતી હતી…અને ચહેરા એક ખૂબસૂરત સ્મિત અનાયાસે આવી જતું…અને હા…એક ક્રિયા તો અચુક મને ગમતી હતી…પોતાના આગળ આવી ગયેલા વાળને હળવેકથી એ કાન પાછળ સરકાવતી હતી..
ઘણી વખત એવું બનતુ કે બારી ખૂલતી નહી..ત્યારે એમ લાગતું સાંજની મારી અતિપ્રિય ગતિવિધિ પર કોઇએ બળજબરી બ્રેક લગાવી હોય…અને બેચેની બળજબરીથી મારા મન પર કબજો જમાવી દેતી….ક્યારેક એ કારણે મારૂં જમવાનું પણ ટાળ્યું હતું..
અને એક દિવસ કાયમી એ બારી બંધ થઇ ગઇ.થોડા દિવસ તો સખત બેચેની અનૂભવી અને થતું કે એ ધરમાં જઇને હડસેલો મારી બારી ખોલી આવું..પણ મારાથી આવું થઇ ના શકયું અને આ જ સમય દરમિયાન મારે ટેઇનીંગ માટે છ મહિના બેંગ્લોર હેડઓફિસે જવાનું થયું…મા પણ આ દિવસોમાં ગામડે ચાલી ગઇ…બધું ઉતાવળે થયું,અને મેં કદી આ છોકરી વિશે પાડૉસી પાસે જાણકારી મેળવવાની પણ તસ્દી ના લીધી….છ મહિના પછી ફરી પાછો મારા અસલ વિસામે આવી પહોચ્યો.
ટ્રેઇનીંગમાંથી આવ્યા બાદ તુરત જ મારૂ પ્રમોશન થયું…એટલે આજુબાજુનાં પાડૉસીઓમાં મે મીઠાઇ વહેચી હતી..ત્યારે સામે રહેતા એના ઘરનાં દરવાજે “ધીમંતભાઇ ઓઝા”ની નેમપ્લેટ જોઇ..લાગ્યું કે ઘર તો નાગર ખાનદાનનું છે…અંદરથી ત્યારે મને સારૂં લાગ્યું.ઘરમાં પ્રેવેશી મીઠાઇ ઔપચારિક વાતો કરીને હું વિદાઇ થયો…પણ એ ધરમાં એ છોકરી દેખાઇ નહી…જતા એ રૂંમ પર નજર કરી તો દરવાજો બંધ હતો..મનોમન એમ થયુ કે કદાચ બહારગામ ગઇ હશે?
બીજે દિવસે સવારે ચા પીતા પીતા મારી માંએ કહ્યું,”મે તારા માટે એક છોકરી પસંદ કરી છે.”
મેં વળતો જવાબ આપતા કહ્યું કે,”મા,થોડા મહિના જવા દે,હજું મારૂં નવું નવું પ્રમોશન છે,હું તને સામેથી કહીશ…પછી એ છોકરીના વડીલો સામે વાત ચલાવજે..”
કારણકે મારા દિલોદિમાગમાં તો સામે વાળી છોકરીનો ખ્યાલ છવાય ગયો હતો…દીવાળીનો તહેવાર નજીક હતો…અને ફરી તહેવારોની શૂભેચ્છા આપવને બહાને હું મીઠાઇ આપવા જવાનો વિચાર આવ્યો…દિવાળીની સવારે ત્યાં જવાનું નક્કી કર્યું…એક હાથમાં મીઠાઇનું બોકસ લઇને એના દરવાજા પાસે ઉભો રહ્યો….અને મનમાં વિચાર આવ્યો કે કાશ!!આજે મારા હ્રદયની રાણી જ દરવાજો ખોલે….અને મે દરવાજે ટકોરા માર્યા….થોડી વારમાં દરવાજો ખુલ્યો…સામે અદલ એના જેવી દેખાતી એની નાની બહેન અસ્મિતાએ દરવાજો ખોલ્યો અને મને એના મોહસ સ્મિતથી આવકારો આપ્યો.
થોડી વાતો થઇ એ દરમિયાન મારી નજર એનાં રૂમ પર પહોચી જતી હતી…દરવાજો ખુલ્લો હતો અને અંદર કશીક ચહલ પહલ થતી હોય એવું લાગ્યું…અંતે ના રહેવાયું અને મારાથી પુછાય ગયું કે,”પંકિત કેમ દેખાતી નથી.”
એની નાની બહેને મલકાતા મલકાતા જવાબ આપ્યો કે,”પંકિતબહેન તો બહાર ગયા છે,થોડી વાર પછી આવશે..”
જવાબ સાંભળીને મારી ઉદાસીને મારા સ્મિત પાછળ છુપાવી વિષાદભાવે પંકિતનાં ધરમાંથી વિદાય થયો..
“પંકિતઃ…આહા….કેવું મજાનું નામ…!!!મારા હ્રદયના પાનેપાનાંમાં અંકિત થયેલી પંકિત ધીરેધીરે ના કહેવાયેલા શબ્દોનું એક ઉર્મિસભર મહાકાવ્ય બની ગયું હતું.
બે દિવસ ગયા અને જોંઉ છું તો પંકિતનાં ધર પર તાળું મારેલું હોય છે..મેં માને પુછ્યું કે સામેવાળા ઓઝા સાહેબનું ધર કેમ બંધ છે?,માં એ જવાબ આપતા કહ્યું કે એ લોકો થોડા મહિનાઓ માટે એના મુંબઇ ગયા છે..કોઇ હોસ્પીટલનું કામ છે..”
મેં પુછ્યું કે,”કોઇ માંદુ છે એમનાં ધરમા”?
બાએ ટુંકમાં જવાબ આપ્યો,”કશી જાણ નથી,આડાસી પાડોસીને પણ એ લોકોએ કશી જાણ કરી નથી.”
આટલા મહિનામાં આજુબાજુનાં લોકો સાથે માત્ર ઉપરછલ્લો પરિચય હોવાને કારણે પંકિત વિશે માહિતિ મેળવવા માટે મારે કોની પાસે જવુ..?અને એની માહિતિ સચોટ આપે એવી વ્યકિત કોણ હોઇ શકે એ પણ જાણકારી મારી પાસે નહોતી. હજું તો પંદર દિવસ ના થયા અને એક દિવસ સાંજે માં કહે,”જલદી તૈયાર થઇ જા,અને મારી સાથે ચાલ..પેલા છોકરીવાળા લોકો અહીંયા એનાં સગાને ઘરે આવ્યા છે અને છોકરી પણ સાથે આવી છે…એટલે આપણે ત્યાં જવાનું છે..છોકરી તને ગમે તો વાત આગળ વધારીશું.”
અમે છોકરીવાળાના સગાને ઘરે પહોચ્યા…એક સુંદર યુવતી ચા સાથે નાસ્તો આપી અને મારી સામે મંદ સ્મિત વેરતી ચાલી ગઇ..એ યુવતીનુ નામ મીતા હતું…અમે એક અઠવાડીયામાં જવાબ આપવાનું જણાવીને ધરે જવા નીકળ્યા રસ્તામાં માં તો બસ એક જ રઢ લઇને બેઠી હતી કે,”આવી સરસ છોકરી જોઇને માણસ પળમાં હા પાડી દે તો અને એક તું છે કે એને જેને હજી અઠવાડીયું વિચારવા માટે જોઇશે..”
હું મનોમન વિચારૂં કે માંને કેમ સમજાવું કે મારા દિલમાં પંકિત સજ્જડપણે લીપાઇ ગઇ છે…આમને આમ છ દિવસ વિતી ગયા…અને રાતે માં મારી પાસે આવીને પુછ્યું,”બેટા,શું નક્કી કર્યુ..?
મેં જવાબ આપતા કહ્યું,”માં,થૉડા મહિનાં પછી લગ્ન કરૂં તો તને કોઇ વાંધો છે..”
માંએ થોડા ગુસ્સા સાથે કહ્યું,” કે મારો જુવાનજોધ દીકરો હજું લગી વાંઢૉ છે.”
હું હસવા લાગ્યો,એ જોઇને માં વધું ભડકી ઉઠી,ને કહેવા લાગી કે,”આપણા સમાજમાં આવી સુંદર છોકરી દીવો લઇને શોધવા જઇશું તો મળશે નહી,તારે શું કોઇ અપ્સરા સાથે લગ્ન કરવું છે?.”
મને હસતો જોઇને માં કહે,”છોકરીને હજું ૬ મહિનાં ભણવાનું બાકી છે,તારે ક્યાં હમણાને હમણા એની સાથે લગ્ન કરી લેવાના છે…તું કહે તો વાત પાકી કરી નાખીએ..વિધિ ભલે આપણે એનું ભણવાનું પુરું થાય પછી કરીશુ..”
મેં થોડું વિચારીને કહ્યુ,”જો માં,વાત પાકી નહી કરવાની,પણ તું કોઇ રીતે વાત સમજાવ કે,જ્યાં સુધી એનું ભણવાનું પુરું ના થાય ત્યાં સુધીમાં અમે પણ અમારી રીતે વિચારી લઇએ..”
માંડ માંડ માંને સમજાવી..માં જમાનાની ખાધેલ અને અતિ વહેવારકુશળ હોવાથી કોઇ પણ રીતે મીતાનાં ઘરનાં લોકોને સમજાવી દીધા…
બે મહિનાં થયા…પંકિતનાં ધરે હજુ પણ તાળુ લાગેલું હતુ..ક્યારેક એનું ઘર સવારે ખુલ્લુ જોવા મળતું…એક દિવસ ખુલ્લુ ઘર જોઇને એના ઘરે ગયો..બારણું ખુલ્લુ જ હતું..મે ટકોરા માર્યા તો એક સાફસફાઇ કરનારી બાઇ આવી…એને પુછયું તો,”કહ્યું કે મોટાબેનનું ઓપરેશન છે એટલે હજુ આવતા મહિને આવશે…હું તો બે ચાર દાડે અહીં સાફસુફ કરવા માટે આવું છું..”
હવે મારી ધીરજની સાચી કસોટી હતી…અને રોજ રાતે આંખો મીચાતા પંકિતનું સ્વપનવત થઇ એમાં આવી જવું…કેવી કેવી કલ્પના અને ઝંખનાઓનો ગુંજારવ મારા સપનાઓને પંકિતમય બનાવતો હતો…અને એક દિવસ માંની સચ્ચાઇભરી જીદ સામે મારા સપનાઓ ઝૂકી ગયા…માંની મમતાની સામે અંતે મારે ઝુકીને મીતા માટે હા પાડવી પડી.
ઝટ મંગની અને પટ શાદી થઇ ગઇ…
મીતા સુંદર સંસ્કારી અને ભણેલી નાના શહેરમાં રહેતી સરળ યુવતી હતી તેને ના કરવાનું કોઈ કારણ નહોતું, અને મને પણ એની સાથેની પ્રથમ મુલાકાતમાં લાગ્યું કે તે મારું અને માંનું બહુ પ્રેમ થી ઘ્યાન રાખી શકશે..બસ આજ ખ્યાલ સાથે મારી હા થઇ ગઇ.
હવે મારા ઘરમાં મીતના મીઠડા સ્વભાવ સાથે તેના પગના ઝાંઝર અને બંગડીનો રણકાર ગુંજતો થઇ ગયો હતો.તેના આ ત્રિવેણી સ્વર સંગીતે મારા જીવનને મધુર કરી દીધું હતુ. છતાંય પંકિતની બારી મારો પીછો છોડતી નહોતી ક્યારેક થતું અહી થી દુર ચાલી જાઉં પરંતુ પહેલા પ્રેમને ભૂલવાની તાકાત મારામાં ના હતી
હવે મારા આ ઘરમાં અમે ત્રણ જીવો રહેતા અને સાથે જીવતી હતી પંક્તિની બારી ….
અચાનક એક દિવસ સાજેં આવીને જોયું તો પંક્તિનાં રૂમની બારી ખુલ્લી હતી..એ જ સંધ્યાનાં સૂર્યની લાલિમાં હતી… ફર્ક એટલો પડ્યો કે હવે બારી અને મારી વચ્ચે એક પાતળો પડદો લાગી ગયો છતાય તેની પેલે પાર બે તાકતી આંખો હજુય હૈયા સોંસરવી ઉતરી જતી હતી
મારા મન ઉપર નવા નવા લગ્નનો નવો ઉન્માદ ચડ્યો હતો,એક રજાના દિવસે સવારે હું સ્નાન પતાવી બાથરૂમની બહાર નીકળ્યો અને મારી નજર લાબા કાળા છુટ્ટા વાળ સવારતી પડી ,નાહીને તૈયાર થયેલી મીતાને જોઈ મારું મન મસ્તીએ ચડ્યું,અને મારા તાજા બોડીસ્પ્રે લગાડેલા ભીના શરીરથી તેને જકડી લીધી ,મારી બાહુપાશ માંથી છૂટતા ખોટા ગુસ્સા સાથે બોલી “શું કરો છો બસ તમને તોફાન જ સૂઝે છે મારે માં સાથે સામેના ફ્લેટમાં ઉપર વાળાને ત્યાં બેસવા જવાનું છે ”
અને તેનો આ ફ્લેટ શબ્દ મારો બધો ઉન્માદ પળવાર માં ઓગાળી ગયો !!!!!
હું કશું બોલ્યા વિનાં સ્થિતપ્રગ્ન અવસ્થામાં ઉભો રહી ગયો…ક્યારે મીતા મારા બાહુપાશમાંથી છુટીને માં સાથે ઓઝાસાહેબ ત્યાં જવા નીકળી ગઇ એ ધ્યાન પણ ના રહ્યું.
લગભગ એક કલાક પછી મીતા પાછી આવી..પોતાની સાડી બદલાવતા બદલાવતા મારી સાથે વાતો વળગી..
તમને ખબર છે!પંક્તિ બહેનને આજે પહેલી વાર મળી.કેવા રૂપાળા છે,અને આંખો જોઇને હું તો એની પર મોહી પડી….એકદમ પાણીદાર અને ચમકીલી..કાશ!! આવી આંખો ભગવાને મને આપી હોત…..અને એ આંખોમાં તમને ડુબાડી દેત..
મારી હડપચી પકડીને મીતા કહે હવે મારી આંખોમાં જુઓ અને મારી વાત ધ્યાનથી સાંભળૉ..
હું ફકત એટલું બોલી શકયો,” હા……..બોલ..”
પંકિતબેનને બે વર્ષ પહેલા એક અકસ્માત નડ્યો અને એના ગોઠણથી નીચેના બે પગ ગુમાવી દીધા છે…અને હજુ પણ ઘરે રહી “એમ એ” કરે છે.કેટલી મહેનતથી જાતે આગળ વધે છે..”
“હમણા એને પ મહિના માટે એને મુંબઇ સારવાર માટે લઇ ગયા હતાં..સતત ત્રણ ઓપરેશન કર્યા છતા પણ એના પગમાં કશો ફર્ક ના પડયો..આખી જિંદગી હવે એને વ્હિલચેરના સહારે વિતાવવી પડશે…”
મીતાએ એની વાત આગળ વધારતા કહ્યું..”જેવી હું એની પાસે ગઇ..એ બહુ ખુશ થઈ ગયા હતા પછી કોણ જાણે એને શું થયું મને એની પાસે બેસાડી,અને મારો હાથ એના હાથમાં મજબૂતીથી પકડીને અને બીજો હાથ મારા ઉપર મારા ચહેરા ઉપર પ્રેમથી ફેરવી અને મને ગળે લગાવી બોલ્યા કે,”આ સુગંધ થી મને મહેકાવવા આવતી રહેજે કઈ સુધી મારો હાથ પકડી રાખ્યો અને અને મારી આંખોમાં જાણે કઈક શોધતા હોય તેમ કેટલીય વાર સુધી મને તાક્યા કરી..જતા જોયું તો પંકિતબેનની આંખોમાં ઝળઝળિયાં હતા.”
હું કઈ પણ બોલ્યા વિના મીતાથી નજર જુકાવીને સાંભળતો રહ્યો..ક્યાંક મારી નજરના ઝળઝળીયા મીતાની નજરે ચડી ના જાય !!
બને તેટલી સ્વસ્થતા રાખી ને હું એટલુ જ બોલી શક્યો “તારા જવાથી તેને કદાચ અંગત લાગતું હશે તો બસ હવે ત્યાં કાયમ જતી રહેજે ! અને જા મારા માટે એક કપ ચા બનાવી લાવ અને હા સાંજની ચા હવે થી હું અહી રૂમમાં જ લઈશ.”
જતા જતા મીતા કહી ગઇ કે, મે પંક્તિબેન ને કહ્યું છે કે હવે જ્યારે સાંજે મારા મિસ્ટર ઘરે આવે પછી હું તમને મારા ઘરે કયારેક તેડી જઇશ….તમોને એની સાથે વાતો કરશો તો મન ઘણું હળવું થશે…અને પણ તમારી જેમ વાંચનનો બહું શોખ છે…એટલે તમારી સાથે વાતો કરવી એને ગમશે…”
હવે પંકિત ઘણીવાર ઘરે આવે છે……રૂંમમાં આવે છે ખૂબ વાતો કરે છે….ક્યારેક મીતા વાતોમાં જોડાય છે…..જ્યારે પંકિત કંઇ બોલતી હોય ત્યારે મીતા એના વાળને અડકે કે અથવા એની વ્હિલચેરની પાછળ જઇને એના ગળે પોરવીને અમારી વાતોમાં સાથ પુરાવે છે…
પ્રેમ માત્ર……પ્રેમ છે…..એનું કોઇ નામ નથી હોતું….શરીરથી પામવું અને મન પામવું……પ્રેમનાં આ બે અંતિમ તબક્કા છે….મૈત્રિ અને પ્રેમનાં બે સ્તર છે…એક બૌધ્ધિક લેવલ પર થતો પ્રેમ અને દોસ્તી….અને માત્ર દેહાઆકર્ષને કારણે કરેલી દોસ્તી કદી પ્રેમનાં અંતિમને પામી શકતી નથી….
મીતા ચોપડી વાંચતા વાંચતા બોલી….”આ લેખકે કેટલી સરસ વાત કહી છે…..”
મીતનું ધ્યાન ચોપડીમાં હતુ….અચાનક પંકિતની હથેળી મારા હથેળીને સ્પર્શી…પંકિતની આંખોના કિનારે એક શાંત જળાસય સ્થિર હતું…
-રેખા પટેલ (વિનોદિની)
-ડેલાવર