“અમેરિકાનું સ્મોલ વન્ડર ડેલાવર સ્ટેટ” – રેખા વિનોદ પટેલ.
ચાર વર્ષ પછી ફીલિંગ્સ સાથે ફરી જોડાતા ખુબ આનંદની લાગણી અનુભવું છું. આજથી ફીલિંગ્સ ઇન્ડિયા અને યુએસએ ખાતે મારી એક નવી ઉત્સાહી કોલમ “વાતો દેશ વિદેશની” શરુ થઈ રહી છે. ઉત્સાહી એટલા માટે કહીશ કે અહી મને મનગમતા શોખ મારા પ્રવાસ વર્ણનના અનુભવો ટાંકવા મળશે. અત્યાર સુધી જે ફોટોગ્રાફીમાં અને ડાયરીમાં ટપકાવી રાખતી એ બધું હવે લખાણ દ્વારા વાંચકો સુધી પહોચી શકશે.
આજે જ્યારે આ કોલમને હાથમાં લેવાનું બન્યું ત્યારે સહુથી પહેલા બાળપણ યાદ આવી ગયું. ઉનાળાની રજાઓ પૂરી થયા પછી નિબંધમાં પ્રવાસ વર્ણન વિષે લખવાનું બનતું. ત્યારે વર્ણનાત્મકશક્તિ અને યાદશક્તિની કસોટી થતી. બરાબર હવે પણ એજ બનવાનું બસ જોડે થોડી કલ્પનાશક્તિ ઉમેરાઈ જશે. ખરા અર્થમાં પ્રવાસ એટલે રખડવાનું મન થયું અને બસ નીકળી પડ્યા. જોકે આમ વિચારવું સહેલું છે પણ આવું થતું નથી. પ્રવાસ માટે પહેલેથીજ પ્લાન કરવા પડે છે.
અમેરિકા બહુ વિશાળ દેશ છે. સાથે બધાજ કામ ધંધામાં વ્યસ્ત રહેતા હોય છે. માટે વેકશન લેવા માટે પહેલેથી પ્લાન કરવો પડે છે. દુર જવાનું હોય તો પ્લેનની ટીકીટ થી લઇ હોટલનું બુકિંગ વગેરે પહેલેથી નક્કી કરવું જરૂરી બની જાય છે. બધુ નક્કી હોય તોજ વેકેશનની મઝા માણી શકાય છે. છતાય ક્યારેક કોઇપણ પ્રી-પ્લાન વગર જંગલો પહાડો ખુંદવાની અગમ્ય ઈચ્છા જોર મારી જાય ત્યારે નજીકમાં વિકેન્ડ પુરતું જઈ આવવું કઈ ખાસ મુશ્કેલ નથી લાગતું.
આમતો ફરવાનો શોખ દરેકને હોય છે. જો મારી વાત કરું તો મને પણ હતો. છતાં લગ્ન પહેલા ઇન્ડીયામાં ગુજરાત રાજસ્થાન ઉત્તરપ્રદેશ સિવાય બાકીના સ્થળોએ ફરવાનો ખાસ મોકો નહોતો મળ્યો. હા લગ્ન પછી અમેરિકા આવ્યા પહેલા ઘણી જગ્યાઓ જોવાનો મોકો મળ્યો હતો.. હું મારી જાતને નશીબદાર માનું છું કે મારા પતિ વિનોદ પટેલને જુદીજુદી જગ્યાઓ જોવાનો, ફરવાનો ખુબજ શોખ છે. જેના કારણે મને અમેરીકા સાથે દુનિયાના અલગઅલગ દેશોમાં જવાનો મોકો મળતો રહે છે. પરિણામે દરેક વસ્તુને અલગ રીતે જોવાની માણવાની મારી સમજ એક વટવૃક્ષની માફક વિસ્તરી ચાલી છે. આ બધા મારા દેખ્યા અનુભવોને ટુંક સમયમાં આ કોલમ દ્વારા આપ સહુ સમક્ષ આલેખતી જઈશ.
જોયેલા જાણેલા અનુભવોને શબ્દોમાં ટાંકવા એટલે ફરીફરી એ સ્થળોની શબ્દદેહે સુખદ મુલાકાત. આ પહેલા આર્ટીકલને શરુ કરવાની ક્ષણે હું સીધી પચ્ચીસ વર્ષ પાછળ ધકેલાઈ ગઈ. હું એટલે રેખા પટેલ. બાવીસ વર્ષની ઉંમરે નવેમ્બર મહિનાની ઠંડીમાં અમેરિકાની ઘરતી ન્યુયોર્કના જ્હોન એફ કેનેડી” જેએફકે” એરપોર્ટ ઉપર પગલું મુક્યું હતું. જેટલું પતિને મળવા મન ઉતાવળું હતું એનાથી બમણાં ઉત્સાહથી તેમણે મને આવકારી હતી. ત્યાંથી ૧૪૫ માઈલ દુર આવેલા ડેલાવર સ્ટેટમાં આવીને વસવાનું બન્યું.
ડેલાવર એટલે મીડ એટલાન્ટીક ઓસનનાં કિનારે આવેલું અમેરીકાનું સ્મોલ વન્ડર ગણાતું સ્ટેટ. આને ડાયમંડ સ્ટેટ કે ફસ્ટ સ્ટેટ પણ કહેવામાં આવે છે. કારણ અમેરિકા આઝાદ થયુ ત્યારે પહેલી કોલોની રચાઈ હતી. તે વખતે ફેડરલ બંધારણની શરૂઆત સહુ પ્રથમ ડેલાવરમાં શરુ કરાઈ હતી. આ આખા રાજ્યની વસ્તી ૯૫૨,૦૭૦ જેટલી છે. અહીનું કેપિટલ ડોવર અને સહુથી મોટી સીટી વિલ્મીંગટન છે, જે ધંધાકીય રીતે વિકાસ પામેલું સીટી છે.. ઉત્તર અને પૂર્વમાં પેન્સિલવેનિયા અને ઉત્તરમાં ન્યુજર્શી, પશ્ચિમ અને દક્ષિણમાં મેરીલેન્ડમાં. આમ ત્રણ રાજ્યો સાથે જોડાએલા આ સ્ટેટ આમ પણ મહત્વનું છે. મોટાભાગના રાજ્ય સરકારની કામગીરી રાજયમાં ડોવર સ્થિત છે. ન્યુજર્સી અને ડેલાવરને જોડતો બ્રીજ ” ડેલાવર મેમોરીયલ બ્રીજ” જાણીતો છે.
ડોવરમાં કાર રેસીંન્ગનું પ્રખ્યાત ડોવર ડાઉન સ્ટેડીયમ આવેલું છે. જ્યાં વિશ્વવિખ્યાત ડેટોના રેસટ્રેક જેવી પ્રખ્યાત કાર રેસ યોજાય છે. આ સ્ટેડીયમને કારણે અહી હોટેલ્સ અને મોટેલ્સનાં બિઝનેસ સારા પ્રમાણમાં જોવા મળે છે. ડેલાવર સ્ટેટમાં લાસ્ટ પાંચ વર્ષથી જુન મહિના ના એન્ડમાં ” ફાયર ફ્લાય મ્યુઝીક ફેસ્ટીવલ યોજાય છે આ ફાયરફ્લાય એક મ્યુઝીકલ પ્રોગ્રામ છે જેમાં સો કરતા પણ વધુ ફેમસ બેન્ડ પોતાની આર્ટ દર્શાવવા અહી એકઠાં થાય છે .
આ ફેસ્ટીવલ કેપિટલ “ડોવર”માં આવેલા કાર રેસના ગ્રાઉન્ડની 105 એકરની જગ્યામાં યોજાય છે ,આ ફેસ્ટીવલ શરુ થવાનો હોય તેના ત્રણ ચાર દિવસ પહેલા મ્યુઝીકના શોખીન લોકો આજુબાજુની મોટેલ્સ માં આવીને રોકાઈ જાય છે અથવા તો કેટલાક લોકો આજુબાજુની ખાલી પડેલી જમીનમાં ટેન્ટ બાધી પોતાની રહેવાની વ્યવસ્થા કરી લેતા હોય છે , હજારો લોકો આ ઇવેન્ટનો લહાવો લેવા દુરદુરથી આવે છે.
ગયા વર્ષે લાખથી પણ વધુ લોકો અહી એકઠા થયા હતા. આ ફેસ્ટીવલ દરમિયાન ૧૨,૦૦ માણસોને જોબ મળતી હોય છે.
આ યોજાતા પ્રોગ્રામમા અહીના પોપ્યુલર બેન્ડ , સિંગર્સ અને મ્યુઝીસિયન પોતાની કળા પ્રદર્શિત કરતા હોય છે ,દરેકની સ્ટેજ ઉપર અવવાની અલગ અલગ રીતો પણ મઝાની અને આકર્ષક હોય છે ,કેટલાક તો હેલીકોપ્ટર થી દોરડા વાટે નીચે સ્ટેજ ઉપર ઉતરતા હોય છે. 201૭ માં ૧૦૦ કરતા વધારે બેન્ડ અહી ભાગ લેવા આવ્યા હતા.
તેની એક બોર્ડર મેરીલેન્ડ, એક ન્યુજર્સી,અને પેન્સીલવેનિયા સ્ટેટથી જોડાએલી છે. આમતો અહી ખાસ કશુજ જોવા લાયક સ્થળ નથી છતાંય અમેરિકામાં આ સ્ટેટ જાણીતું છે. તેનું ખાસ કારણ છે કે અહી ખરીદારી ઉપર સેલ ટેક્સ નથી આપવો પડતો. એટલેકે આ ટેક્સ ફ્રી સ્ટેટ છે. અમેરિકાની મોટાભાગની કંપનીઓ તેમના કોર્પોરેટને અહીનાં એડ્રેસ ઉપર રજીસ્ટર કરાવે છે કારણે તેમને લોઅર ટેક્સ ભરવાનો રહે છે. જેના કારણે સારી એવી બચત થઈ જતી હોય છે. વધારામાં અને બહુ નજીવી કિંમતનાં રોકાણ ઉપર પણ કોર્પોરેશન રજીસ્ટર થઇ શકે છે. ઉપરના ત્રણ પાડોશી સ્ટેટ્સ કરતા સરખામણીમાં ડેલાવરમાં પ્રોપર્ટી ટેક્ષ ઘણો ઓછો છે. આજ કારણે અહિયાં રહેવા આવવાનું લોકોમાં ઘણું આકર્ષણ રહેલું છે.
લાંબી ચાવી જેવા સ્ટેટના સાઉથના ભાગમાં નાના મોટા બીચ આવેલા છે. જ્યાં બેથનીબીચ, રીહોબોથબીચ, ડુઈ અહીના જાણીતા છે. ઇસ્ટ કોસ્ટમાં શિયાળો બહુ ઠંડો રહે છે તદુપરાંત સ્નો પણ પડતો હોય છે. આ કારણે પાનખરની શરૂઆત દરમિયાન બીચ નહાવા માટે બંધ કરાય છે અને મેં મહિનાના પહેલા વીકમાં પબ્લિક માટે ખોલી દેવાય છે. આ બધી અહીની ભૌગોલિક વાતો છે.
હું મારી વાત જો આગળ વધારું તો જેમ શરૂઆતના દિવસો જેમ દરેકની માટે મુશ્કેલીઓ ભર્યા હોય છે. છતાં વિનોદે મારા આવતા પહેલા ઘણી તૈયારીઓ કરી રાખી હતી. પરિણામે બે જણનાં સંસારને વસાવતા બહુ તકલીફ ના પડી. સાથે આવેલી બેગો માંથી મસાલા અને વાસણો વડે ઘરસંસાર શરુ કરી દીધો. અહી નીચે અમારો કન્વીનીયન સ્ટોર હતો. અને ઉપર અમે રહેતાં હતા.
૨૦૯૨માં હું આવી ત્યારે અમે ડેલાવરનાં જે એરિયામાં રહેતા હતા ત્યાં નવા આવેલા ઇન્ડિયનો તો ઠીક ધોળીયા પણ આવતા ડરતા હતા. આખું નેબરહુડ આફ્રિકન અમેરિકનથી ભરેલું હતું. અહી ત્રણ ચાર માઈલ સુધી કોઈ ખાસ કોઈ ધોળિયા રહેતા નહોતા,ચારે બાજુ આફ્રિકન અમેરિકન લોકો અને તે પણ કોઈ ખાસ સારી જોબો વાળા નહોતા.મોટાભાગના બેકાર ફરતા રહેતા.અને ગવર્મેન્ટના ફૂડ સ્ટેમ્પ ઉપર જીવતા હતા. કેટલાક તો ડ્રગ્સના ધંધામાં હતા કોઈક માફિયા હતા. અહી ક્યારેક ગનનો પણ ખુલ્લે આમ ઉપયોગ થતો જોવા મળતો. ઇન્ડીયાથી બે વર્ષ પહેલા આવેલા વિનોદને ક્યાંકથી તો શરૂઆત કરવાની હતી આથી ઓછા પૈસે ખતરનાક એરિયામાં ધંધો લેવા તૈયાર થઇ ગયા. તેમનામાં હિંમત અને બુદ્ધિ ભારોભાર હતા પહેલેથી જ દિવસથી આવા કોઈ તત્વો સામે ડર કે બીક નહોતી. પોતાની આવડત અને મીઠાશને કારણે બધા સાથે મિત્રતા કેળવી લોધી હતી. આ કારણે બધા તેમને માન અને પ્રેમથી બોલાવતા હતા.
હું દેશમાંથી સાવ નવી આવેલી, આવા જાયન્ટ આફ્રિકન અમેરિકન કદી જોયા પણ નહોતા છતાં બધા સાથે બહુ જલ્દીથી ટેવાઈ ગઈ. જોકે શરૂઆતમાં મને બધાથી બીક લાગતી પછી તો હું પણ તેમની સાથે હાય હલ્લો કરતી થઇ ગઈ હતી. બહારથી બિહામણા લાગતા હતા પરંતુ નજદીકી કેળવાતા તેમની અંદરનું ભીરુ હૈયું પણ મને જોવા મળતું હતું. સ્ટોરની ભલે બહાર ગમે તેવી ભાષા વાપરતા પણ સ્ટોરમાં દાખલ થતા તેમની નજર નીચી રહેતી, રીસ્પેકટ આપતા. જે દેશમાં ગંદી નજરે તાકી રહેતા યુવાનોની સરખામણીમાં ત્યારે પણ સુખદ લાગતું.
બહુ ટૂંકા સમયમાં હું અહી બરાબર ગોઠવાઈ ગઈ હતી. અજાણ્યા દેશમાં મને ગમવા માંડ્યું હતું. છતાય દેશની યાદ રોજ આવતી. તે સમયે હિન્દી ગુજરાતી ટીવી ચેનલ નહોતી આવી, આથી વાંચન મારી માટે બધુજ હતું. દર વર્ષે ઇન્ડીયા જવાનું બનતું અને બેગમાં વધારે કરીને પુસ્તકો લઇ આવતી.
આ દરમિયાન મારા પતિએ લીકર બિઝનેસમાં ઝંપલાવ્યું. ડેલાવરના લીકર બીઝનેસ વિષે જાણવા જેવું ખરું. ૨૪ વર્ષથી લીકરના ધંધામાં સફળ રહેલા મારા પતિ સાથેની વાતચીત દરમિયાન મળેલી આ બીઝનેસ અંગે થોડીઘણી જાણકારી લખું તો …..
૩૦ માઈલ પહોળું અને ૯૫ માઈલ લાબું આ નાનકડાં સ્ટેટમાં આશરે ૩૩૦ જેટલા લીકર સ્ટોર છે. જેમાં ૩૦૦ જેટલા ઈન્ડિયન્સની માલિકીના છે. નવાઈની વાત એ છે અહીના મોટાભાગના ઓનર્સ ચરોતરના પટેલ છે. ડેલાવર બહારના કોઈ પણ સ્ટેટના વ્યક્તિ સાથે વાત કરો તો એ પહેલો પ્રશ્ન પૂછશે, “ગુજરાતી છો?” અને જો હા કહો તો બીજો પ્રશ્ન પૂછે, ” તમારે લીકર સ્ટોર છે?”.
આમ ચરોતરની સોનું આપતી જમીનોના પટેલો અહી દારૂના ધંધામાં કમાણી કરી રહ્યા છે. અમેરિકામાં દારૂનું વેચાણ ખુલ્લેઆમ અને વધારે પ્રમાણમાં થાય છે. પાર્ટીઓમાં ધૂમ દારુ પીવાય અને પીવડાવાય છે. તેવીજ રીતે અહીના બંધાણી બની ગયેલાઓ રોજ ઘરમાં પણ એટલુજ ડ્રીંક લેતા હોય છે. દુઃખમાં, એકલતામાં કે ડીપ્રેશનમાં તેમની માટે દારુ સહારો બની જાય છે. મારા પતિના જણાવ્યા પ્રમાણે એક ડોલર થી લઈને ૧,૦૦૦ ડોલર્સ સુધીની એક બોટલ મળે છે. અહી બધા એકજ બિઝનેસમાં હોવા છતાં એકબીજા માટે કોમ્પીટીશનનો કોઈ ખોટો ભાવ નથી આમ તેઓ ગર્વપૂર્વક જણાવે છે. વારે તહેવાર બધા એકજ ફેમિલીની માફક વર્ષોથી એકઠાં થઈ આનંદથી પ્રસંગ ઉજવે છે. વળી એકબીજાને ખૂટતી વસ્તુઓ પણ પ્રેમથી આપે છે. પરદેશમાં આટલી એકતા હજુ પણ એકજ ધંધામાં રહેલાઓ વચ્ચે સચવાઈ રહી છે તે નોંધવા લાયક ગણાય. લીકર સ્ટોર્સની એકતા જળવાય અને સ્ટેટના બંધારણની લોબીમાં પણ મહત્તા રહે તે હેતુથી લીકરનું એક એસોસીએશન પણ રચ્યું છે. બહુમતીને કારણે લીકર લોબીમાં પણ ગુજરાતીઓનું ખાસ્સું વર્ચસ્વ છે.
ડાઉન ટાઉનના એરિયામાં એક એક બ્લોકમાં લીકર સ્ટોર આવેલા છે જેમાં ૯૮ ટકા બધાજ ગુજરાતીઓના સ્ટોર છે. તે પણ મોટાભાગના ચરોતરના પટેલો. આ બધું જોઈએ ત્યારે પ્રશ્ન થાય કે શું અમેરિકામાં છીયે કે ગુજરાતના કોઈ ગામમાં આવ્યા છીએ?
UD “યુનિવર્સીટી ઓફ ડેલાવર” અહીની પ્રખ્યાત યુનિવર્સીટી છે. જેની શરૂઆત ૧૭૪૩માં થઇ હતી. અહી આશરે ૧૯,૦૦૦ અન્ડરગ્રેડ્સ સ્ટુડન્ટસ(બેચરલ) અને ૪,૫૦૦ જેટલા ગ્રેજ્યુએટ સ્ટુડન્ટસ (માસ્ટર્સ) એજ્યુકેશન લઈ રહ્યા છે. બહારથી હજારો સ્ટુડન્ટસ અહી સ્ટડી માટે આવતા રહે છે. આ યુનિવર્સીટીમાં ઘણા ઇન્ડીયન સ્ટુડન્ટસ સ્ટડી કરી રહ્યા છે જેઓએ (IGSA) ઇન્ડિયન ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ એસોસિએશન બનાવ્યું છે. જેઓ ઇન્ડીયન કલ્ચરલ પ્રોગ્રામ્સ કરતા હોય છે. આ સિવાય વિલ્મીંગટન યુનિવર્સીટી પણ આવેલી છે. ભારતથી ભણવા આવતા ઘણા વિદ્યાર્થીઓ અહી શિક્ષણ લઇ રહેલા છે. તેમાય આંધ્રપ્રદેશ અને તામીલનાડુના ઘણા વિદ્યાર્થીઓ જોવા મળે છે. તેનું કારણ અમેરિકાની બીજી યુનીવર્સીટીઓ કરતા તેનું ફીનું ધોરણ પોષાય તેવું છે.
અમેરિકા હોય એટલે ચર્ચ તો હોવાનાજ. પરંતુ આપણા હિંદુ મંદિરો પણ ઘણા છે જેમના મુખ્ય સ્વામિનારાયણ બીએપી એસ, સ્વામિનારાયણ સોખડા સંપ્રદાય, હિંદુ ટેમ્પલ, સાંઈ ટેમ્પલ, શીખ ગુરુદ્વારા, ક્રિશ્ના ટેમ્પલ વગેરે છે. અહી હોળી ધુળેટી, દિવાળી જેવા મુખ્ય તહેવારો ધામધુમથી ઉજવાય છે. આ સાથે ઘણી બધી ઇન્ડીયન રેસ્ટોરન્ટસ આવેલી છે. આમ આ સ્મોલ વન્ડર ખરેખર અલગ અને રહેવા માટે મઝાનું સ્ટેટ છે.
(ડેલાવર,યુએસએ)