વ્હાલા બા ,
તમને ભૂલીજ નથી તો યાદ ક્યાંથી કરું ? બા તમારો પ્રેમ તમારો હેતાળ સ્પર્શ આજે પણ મારા રોમરોમમાં વર્તાય છે ,છતાય તમારી ગેરહાજરી હંમેશા ખુંચે છે , એટલેજ હું ઓલ્વેઝ કહેતી આવી છું કે થોડા દિવસ માટે પણ આ દેશ જોવા આવી જાવ.
બા આ દેશ અમેરિકા તમે માનો છો તેવો સાવ સ્વછંદતા ભર્યો નથી બસ રહેણી કરણી જરા અલગ છે , તેમાય હવે તો દિવસે દિવસે વધતી જતી આપણા દેશી ભાઈ બહેનોની સંખ્યા નાં કારણે અમેરિકાના મોટાભાગના સ્ટેટસ માં મીની ગુજરાત ઉભું થઇ રહ્યું છે .
બા હવે તમારો માનીતો શ્રાવણ મહિનો આવે છે હું જાણું છું આ મહિનો એટલે તમે અને તમારા ઠાકોરજી . તમે અમને નાનપણમાં પાસે બેસાડી ધર્મ વિશેનું જ્ઞાન આપતા હતા , તમારી સમજ પ્રમાણે એડવાઈઝ આપતા , તમે જુનવાણી છો એવું ક્યારેય લાગ્યું નથી ,તમારી સમજ અને વિચારો બહુ ઊંચા હતા ,છતાં પણ ક્યારેક લાગતું તમને બીજા દેવદેવીઓ કરતા તમારા ઠાકોરજીમાં વધારે શ્રધ્ધા હતી … આથી હું તમને એક એવી વાત કહેવા માગું છું જેનાથી તમે સમજી શકશો કે દરેક ઘર્મ એક સરખા છે ,દરેક ધરતી એકસમાન છે બસ હૈયામાં રામ હોવા જોઈએ.
હમણા હું અમારા એક રીલેટીવનાં દીકરાના લગ્નમાં ફ્લોરીડા સ્ટેટના ફોર્ટલોડરેડલ વિસ્તારના એક નાનકડાં પણ કુદરતી સૌદર્યથી ભરપુર ટાઉન બોયન્ટોન ગામમાં ગઈ હતી , આ ફોર્ટલોડરેડલ વિસ્તાર એટલે દરિયા કિનારે ગોઠવાએલું એક નાનકડું સ્વર્ગ ,ચારે બાજુ લહેરાતા શોભા વધારતા પામ ટ્રી ,રંગબેરંગી ખીલતા ફૂલો અને મીઠા ફળોથી લચી પડતા વૃક્ષો. તેમાય જ્યારે કોઈ ઇસ્ટકોસ્ટ માંથી ત્યાં જાય તેને તો આ જગ્યા સાવ અલગ લાગે ,બસ અમારે પણ આવુજ હતું ..
આ લગ્ન અહી બોયન્ટોનમાં આવેલા સ્વામીનારાયણ સંપ્રદાય (બીએપીએસ) નાં મંદિરમાં રાખવામાં આવ્યું હતું , અમે જાન તરફ થી હતા, અમારો ઉતારો મંદિર થી પંદર માઈલ દુર રાખવામાં આવ્યો હતો. છ્તાય આ મંદિરના હરી ભક્તોએ ભેગા મળીને જાન જાણે પોતાના ઘરમાં આવી હોય તેવા ભાવ સાથે અમારી આગતાસ્વાગતા કરી અમને વેલકમ કર્યા . ત્રણ દિવસ સુધી સવારમાં ગરમ મસાલા વાળી ચાય સાથે સ્વાદિષ્ટ ગરમ નાસ્તો જાતે આવીને બધાને પ્રેમપૂર્વક ખવડાવતાં હતા.
લગ્ન મંદિરના એક મોટા હોલમાં રાખવામાં આવ્યા હતા , અમે જ્યારે જાન લઈને ત્યાં પહોચ્યા અત્યારે તેજ ભાઈ બહેનોએ અમારું સ્વાગત બહુ સરસ રીતે ઠંડા ફાલુદાના ગ્લાસમાં મીઠાશ ભરીને કર્યું . મને વધારે સ્પર્શતી વાત એ હતીકે ત્યાં મંદિરની આજુબાજુ કેસર કેરીઓ ની જાત વાળા આંબાનું નાનકડું વન હતું , જે અમારી માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું જે વાત આ હરિભક્તોને ઘ્યાનમાં આવી ગઈ તેમને આંબાઓ ઉપર પાકેલી બધીજ કેરીઓ અમારી માટે ઉતારી લીધી અને અમને આગ્રહ પૂર્વક કાપી કાપી ખવડાવી.
બા આવું તો આપણાં દેશમાં પણ લોકો નથી કરતા ,મંદિરમાં થાળીમાં રહેલો પ્રસાદ પણ માંડ ચપટીમાં ભરાય તેટલો આપે છે. જ્યારે અહી તો અજાણ્યા માટે આટલું કોણ કરે ? વાત આટલે થી અટકતી નથી તેમની જાણ માં આવ્યું કે અહી અમારી બાજુ ડેલાવર ન્યુજર્સી તરફ લીચીના ફળ બહુ મળતા નથી તો એક ભાઈ પોતાના ફાર્મ માંથી આખું બોક્સ ભરી મીઠી રસઝરતી લીચી લઇ આવ્યા . જે અમારી માટે તો આ બહુ એક લ્હાવા સમાન હતું .
ત્યાં અમને કોઈએ પૂછ્યું નથી કે તમે ક્યા ઘર્મમાં આસ્થા ધરાવો છો ,તમારા ઇષ્ટદેવ ભગવાન સ્વામીનારાયણ છે કે ,ઠાકોરજી છે કે બીજો કોઈ અલગ ઘર્મ છે …. મને ત્યાં ખુશી અને અતીથિ ભાવ મોટો ઘર્મ લાગતો હતો. આતો બધા આપણાં હિંદુ ધર્મ કહેવાય . બાકી અહી તો ક્રિશ્ચિયન , મુસ્લીમ અને બીજા ધર્મોના માણસો પણ એટલાજ પ્રેમ થી સાથે રહે છે એકબીજાને આવકારે છે સ્વીકારે છે . માનવતા એજ મહા ઘર્મ છે કેમ સાચુંને ?
અહી અમેરિકામાં ઘર્મ બાબતે સરકારની કોઈ રોકટોક નથી અહી પચરંગી પ્રજા પોતપોતાના ઘર્મ અને તેને લગતા ફેસ્ટીવલ ફ્રીડમતા થી ઉજવી શકે છે. અને તેથીજ અહી હોળી ધૂળેટી થી લઇ દિવાળી અને ગરબા બધું ભાવ થી મસ્તી થી ઉજવાય છે.
બધે આમ હોતું નથી અમેરિકાને બિલકુલ અડીને આવેલું મેક્સિકોમાં મોટેભાગે ધાર્મિક સંસ્થાઓ માટેના કાયદામાં લોકોને પોતાના ધર્મ પ્રમાણે કરવાની સ્વતંત્રતા આપવામાં આવી નથી.” તેમણે બંધારણની એક કલમ બતાવે છે કે “આ દેશમાં દરેક વ્યક્તિની ફરજ છે કે, તેઓ આ દેશના નિયમ અમલ કરે. તેમ જ આ જવાબદારીઓને લાગુ પાડવા માટે કોઈને પોતાના ધર્મ કે અંતઃકરણ પ્રમાણે કરવા સ્વતંત્રતા આપવામાં આવશે નહિ” .
બા તમે અમારા સંસ્કારોનું સિંચન કર્યું હતું, માટે આજે પણ તમારા પગલે ચાલીને હું બધાજ ધર્મોને એક સમાન નજરે જોવાને સક્ષમ બની છું. તમે કહેતા ” સાચો વૈષ્ણવ કદી કોઈની નિંદા કરતો નથી . ક્યારેક આપણા વિચારો અને ઘર્મ કે સ્વભાવમાં મેળ ના ખાય તો તટસ્થ રહેવું , કોઈના દોષ જોવા કરતા ચુપ રહેવું વધારે સારું ” .
“મારા વ્હાલા બા તમે હંમેશા અમારા સંસ્કારોમાં ઝળહળતા રહો છો ”
તમારી વ્હાલી દીકરી નેહા નાં પ્રણામ.
રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ )