“વિદેશી સમાજ વચ્ચે દેશી વિદેશી સમજ”
એજ “ડાયાસ્પોરા જીવન” …રેખા પટેલ ✍
થોડા વર્ષો પહેલા આ “ડાયાસ્પોરા” શબ્દથી હું તદ્દન અજાણ હતી, આજે આ શબ્દ મારી આજુબાજુ એક વર્તુળ બની ઘેરાવો વધારી રહ્યું છે. આજે પણ આ શબ્દને સાચા અર્થમાં ઓળખવાનો મારો પ્રયાસ ચાલુ છે.
દેશની માયા મમતા વિચારો અને સંસ્કૃતિને સાથે લઇ જ્યારે પરદેશમાં આપણે સ્થાઈ થઈએ છીએ ત્યારે જાણે અજાણે આ બધું દરિયા પાર લઈને આવીએ છીએ. આપણે બંને સંસ્કૃતિને સાથે જીવીએ છીએ અને તેથી ઉત્પન્ન થતો વિચારોનો પડઘો એજ મારા મતે ડાયસ્પોરા ફીલિંગ હોઈ શકે.
શરૂઆતમાં દેશની યાદ બહુ તીવ્રતાથી સતાવે છે. પરંતુ સમય જતા એ મીઠી યાદ બની રહી જાય છે. છતાં પણ એ ઘૂળ એ હવા કોઈનાથી ભુલાતી નથી. ગમે એટલા મોટા થઈયે તો પણ માની મમતા નથી ભૂલી શકાતી બરાબર આજ લાગણીઓ જકડી રાખે છે. હું માનું છું ગઈકાલની સંવેદનાં અને આજના વિચારોનો સંગમ એક થઈને ડાયાસ્પોરા સાહિત્યનો જન્મ થાય છે……
સમયના થર ચડી ગયા,
મને
હિન્દમહાસાગર છોડયાને,
આ એટલાન્ટીક ઓળંગ્યાને.
હજુય વરસાદની ઝરમર સાથે
માટીની મહેક સુંઘવા શ્વાસ ખેચું છું.
વહેલી સવારે મસ્જિદની બાંગ,
સંઘ્યા ટાણે મંદિરના ઘંટ
અને
ખુલ્લી બારી માંથી ઝાંકતા તારલિયા
હું હજુય શોઘ્યાં કરું છું….
ડાયાસ્પોરા લેખન એટલે નવી સફર, નવા સ્ટેન્ડ પોઈન્ટ ઓફ વ્યુ વચ્ચે ઓરીજીનલ વિચારોની કશ્મકશ સાથે સમન્વયતા. જાણે કે આલીશાન હોટલમાં બેસીને ધુળીયા રસ્તા ઉપરની રેંકડીમાં બનતી ચ્હા ની ઝંખના.. તેઓ પરદેશમાં રહીને એ સંસ્કૃતિ વચ્ચે દેશમાંથી લાવેલી બેગમાંથી આવતી સુગંધને આલેખે છે.
પરદેશમાં દેશનાં ભૂતકાળ માટે નો ઝુરાપો, અને વર્તમાનના જીવન સાથેનું મિશ્રણ એક થઇને ડાયાસ્પોરા ફીલિંગનો જન્મ થાય છે. સામાન્ય સમજ અને વિચારો કરતાં તેમની કવિતા,વાર્તાઓ અને લખાણમાં અલગતા જોવા મળે છે. પરિણામે તેનું મહત્વ અલગ હોય છે. આવા લખાણમાં પોતાના ખોવાતા જતા અતીત્વને જકડી રાખવાની તડપ પણ જણાઈ આવે છે.
આ સર્જનમાં પૂરેપૂરું સત્ય હોવું જરૂરી નથી, જરૂરી છે એમાંથી નીતરતી લાગણીઓનું પારદર્શક હોવું. જે વાંચનારને આજ માંથી સીધા ઉઠાવી કાલની કોઈ છુટેલી પળો સાથે સંપર્ક કરાવી આપે તેવું હોવું જરૂરી છે. આ એક વિચારોનો ત્રીભેટો ગણી શકાય. જ્યાં સંપૂર્ણ ક્યાંયના નથી અને સંપૂર્ણ સમર્પણની ભાવના દેખાય આવે છે. આજકાલ આમ પણ ફયુઝનનો જમાનો છે કદાચ આજ કારણે હશીખુશી સાથે છુપાએલી એક તડપ એક અધુરી વાસના ભેગી થઈને ડાયાસ્પોરા લાગણીઓને જન્મ આપે છે.
રેખા પટેલ (વિનોદિની)