RSS

Monthly Archives: November 2015

Abhiyaan 5 DEC 1546__

થેન્ક્સ ગીવીંગ ડે એટલે પરસ્પર આભાર વ્યક્ત કરતો દિવસ”

પ્રિય પંકજ ભાભી ,
આજે તમારો આભાર માનવાનું મન થયું અને ખાસ આ પત્ર તમને લખું છું . આજથી પચ્ચીસ વર્ષ પહેલા તમે રાજસ્થાન થી પરણીને અમારી બાજુમાં એકલા રહેતા ભાઈના ઘરે આવ્યા ત્યારે અમે ઘણા નાના હતા અને તમે પણ અહીની રહેણીકરણી થી સાવ નવા હતા. તે વખતે અમારા મમ્મી તમને અહીના રીતરિવાજ રસોઈ શીખવતા બદલામાં તમે અમને ભાઈ બહેનોને ઘણું વહાલ આપતા ક્યારેક તમારી પાસે રહેલી આધુનિક વસ્તુઓ વાપરવા આપતા હતા .”આ પરસ્પર આભાર વ્યક્ત કરવાની સૂઝ હતી અને તેના કારણે આપણો સબંધ આજ પર્યંત મીઠો રહ્યો છે”.

આ વાત આટલા માટે યાદ આવી કે આ નેશનલ હોલીડે અમેરિકામાં  દર વરસે નવેમ્બર મહિનાના ચોથા ગુરુવાર અને  કેનેડામાં ઓક્ટોબર  મહિનામાં ઉજવાય છે. જે પરસ્પર આભાર વ્યક્ત કરતા દિવસ તરીકે વર્ષો થી ઉજવાય છે.

1620 માં 100 જેટલા પિલગ્રેમ્સ એટલાન્ટીક ઓશન પાર કરીને મેસેચ્યુસેટ્સ સ્ટેટના કિનારે  ઉતર્યા ,ત્યારે અહી વિન્ટર ની કડકડતી ઠંડી હતી જ્યાં ભૂખ અને ઠંડીના કારણે કેટલાક મૃત્યુ પામ્યા તેવા વખતે અમેરિકામાં રહેતા નેટીવ અમેરિકનો એ તેમને બચાવી લીધા અને તેમને અહીની ખેતી કરવાની જુદીજુદી રીતો શીખવી અહીની ભૌગોલિક સ્થિતિ વિષે જ્ઞાન આપ્યું ,પરસ્પર સાથ અને સહકાર થી તેઓ અવનવા પાક મેળવતા થયા . છેવટે  મજબુત સબંધો અને આભાર વ્યક્ત કરવાના ઈરાદા થી એક પાર્ટીનું આયોજન કરાવ્યું જ્યાં નેટીવ અમેરીકન ટર્કી ,અને ડીયર નું માંસ અને કોર્ન લાવ્યા સામે પિલગ્રેમ્સ પણ તેમણે પકવેલી ચીજવસ્તુઓ લાવ્યા આમ સહુ પ્રથમ થેક્સ ગિવીંગ ડીનર ની શરૂઆત થઇ ત્યાર બાર 1776 માં અમેરિકા આઝાદ થયો અને 1789 માં આ દિવસ નેશનલ હોલીડે જાહેર થયો.
આ દિવસને હાર્વેસ્ટ દિવસ તરીકે પણ ઉજવાય છે ,શિયાળાની શરૂવાત થતા પહેલા બધા પાકની લણણી કરી લેવાની હોય છે. તો તેને યાદગાર બનાવવા અહીના ખેડૂતો આ દિવસને માનભેર ઉજવે છે

આ દિવસે જાહેર રજા નક્કી કરાઈ છે ,  અમેરિકનમાં આ દિવસે ખાસ થેક્સ ગિવીંગ ડીનરનો મહિમા રહેલો છે , જ્યાં આખું ફેમેલી એક સાથે ડીનર ટેબલ ઉપર બેસી પ્રાર્થના કરી સહુ પ્રથમ ગોડનો આભાર માને છે .  ત્યાર બાદ એક બીજાને તેમના હેલ્પ અને કાઈન્ડનેશ માટે થેક્યું કહે છે ,ગીફ્ટ આપે છે, ઘરમાં અંદર અને બહાર સુંદર સજાવટ કરે છે ટુંકમાં આભાર વ્યક્ત કરવાનો આ દિવસ અનોખી રીતે ઉજવાય છે  થેક્સ ગિવીંગના  દિવસે ટર્કી નામના પક્ષીનું માંસ રાંધીને ખાવાની પ્રથા પડી ગઈ છે . આ તહેવારમાં દર વર્ષે આશરે 200-250 મિલિયન ટર્કી નો વધ થાય છે.

આ દિવસથી શરુ થઇ છેક ક્રિસમસ સુધી અમેરિકામાં ઉત્સવ જેવો માહોલ રહેતો હોય છે , આ સમય બરાબર આપણી દિવાળીના નવા દિવસોને યાદ અપાવી જાય છે. શોપિંગ મોલ પણ અવનવી વસ્તુઓ થી છલકાતા હોય છે

થેક્સ ગીવીન્ગના બીજા દિવસને બ્લેક ફ્રાયડે કહેવામાં આવે છે , આ દિવસ શોપિંગ સ્પેશ્યલ દિવસ તરીકે ઓળખાય છે  ,  આ દિવસે જુદીજુદી વસ્તુઓ ઉપર આખા વર્ષનો બેસ્ટ સેલ રહેતો હોય છે . લોકો “અર્લી બર્ડ ”  નામના સેલમાં લોકો બહુ ઉત્સાહ થી શોપિંગ કરવા જતા હોય છે, જેના શોપિંગ અવર્સ જે વહેલી સવાર ચાર કે પાંચ વાગ્યાથી શરુ કરી બપોરે એક વાગ્યાનો રહેતો હોય છે તેમાં અમુક વસ્તુઓ સસ્તી મળતી હોવાથી વહેલા તે પહેલાના ઘોરણે આગલી રાતથી સ્ટોર બહાર લાઈન લગાવી ઉભા રહી જતા હોય છે .
ભાભી મઝાની વાત કહું તો કેટલાક મોંઘા ઇલેક્ટ્રોનીક્સ ઉપર મળતી વધારે છૂટ ને લેવા લોકો ઠંડીમાં રાતથી ત્યાં નાનકડાં ટેન્ટ બાંધી બેસી જાય છે. શોપિંગ તો ઠીક છે પણ આવા ખેલ જોવા એકાદવાર તો જવું જોઈએ.  ટુંકમાં કહું તો રાતથી જ દિવસ જેવી ચહલ પહલ જોવા મળે છે .
હા શોપિંગના જોશ અને સસ્તું મેળવવાની લાલચમાં કેટલીક વખત અણગમતા  બનાવો પણ બની જય છે , જેમકે ઘણાં સ્ટોરમાં એવા ડીલ રખાય છે કે પહેલા પચાસ શોપર્સ ને તે વસ્તુ લગભગ નહીવત ભાવે આપાય,  તો તેવા વખતે સ્ટોર ખુલતાની સાથે ઘક્કામુક્કી થઇ જાય છે અને કેટલાક પડી જાય છે કે મારામારી સુધી વાત આવી જાય છે . છતાં પણ સસ્તું મેળવવાનો એક આનંદ દરેકના મનમાં છવાએલો હોય છે.
આ દિવસે કેટલાય યુગલો અને ગરીબો તરફ અનુકંપા ધરાવતા પીપલ  શેલ્ટર હોમમાં જઈ ગરીબો તથા હોમલેસ લોકોને માટે ભોજન વ્યવસ્થા કરાવે છે , વધુમાં અનાથ બાળકો માટે ભેટ લઇ જાય છે કેક અને ચોકલેટ બિસ્કીટ આપે છે.   ભાભી હું પણ કહીશ કે “પ્રભુએ આપણને જે પણ આપ્યું છે તેનો આભાર આ રીતે પણ માની શકાય તેમ છે ,બીજાઓને સુખ આપી સુખી થવાનો આનંદ અનેરો હોય છે “. તમને મારા તરફ થી હેપ્પી થેક્સ ગિવીંગ ..નેહાની યાદ
રેખા વિનોદ પટેલ (યુએસએ )
 

abhi

આ આતંકનો અંત આવે તો સારું ..
વ્હાલા પપ્પા ,
ગયા અઠવાડિયા થી મન બહુ ઉદાસ છે ,તમે જાણો છો જ્યારે પણ અણગમતું બને અચૂક તમારી યાદ આવી જાય છે , હમણાં ફ્રાન્સના કેપિટલ પેરિસમાં આઇએસ ના ત્રાસવાદીઓએ કરેલામાં હુમલામાં આખું વિશ્વ હચમચી ગયું છે. જેમાં આઇએસના આત્મઘાતી બોમ્બરો અને એકે-૪૭ રાઇફલોથી સજ્જ ૮ ત્રાસવાદીઓએ એક કોન્સર્ટ હૉલ, રેસ્ટોરન્ટ્સ અને નેશનલ સ્પોર્ટ્સ સ્ટેડિયમને નિશાન બનાવ્યા હતા. જ્યાં  ફ્રાન્સ અને જર્મની વચ્ચે ફ્રેન્ડલી ફૂટબોલ મેચ ચાલી રહી હતી, આ હુમલામાં કુલ ૧૫૮ જણાં માર્યા ગયા અને ૩૦૦થી વધારે લોકો ઘાયલ થયા.

આવા ન્યુઝ સાંભળતાં આપણા મનમાં અરેરાટી ફેલાઈ જાય છે,  પરંતુ આ હત્યાકાંડને નજરે નિહાળનાર લોકોના જણાવ્યા પ્રમાણે આટલા બધા નિર્દોષ માણસોને કોઈ પણ વાંક ગુના વિના મોતને ઘાટ ઉતારી દેતા આ ત્રાસવાદીઓ ના ચહેરા સાવ લાગણી વિહીન સપાટ હતા. ત્યારે વિચાર આવે છે કે તેમની લાગણીઓ ને કેટલી ક્રુરતાથી કુંઠીત કરી દેવાઈ હશે. ક્યા કારણો આગળ રખાઈને તેમને પથ્થર બનાવી દેવાયા હશે .
હું દુઃખી છું કારણ મારી મેક્સિકન ફ્રેન્ડ મારિયા તેના ભાઈને યાદ કરીને મારી સામે બહુ રડી હતી ,જે 14 વર્ષ પહેલા અમેરિકાના ન્યુયોર્ક સિટીમાં 11મી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બે ટાવરો પર થયેલા ભયંકર ત્રાસવાદી હુમલામાં માર્યો ગયો હતો. આ ટેરેરીસ્ટ હુમલામાં ન્યુયોર્કના 110 માળના ટવીન ટાવરને તોડી પડાયા હતા . અહી કેટલાય પોલીસ ઓફિસર અને સિક્યોરીટી ગાર્ડ સાથે  343 ફાયર ફાઈટરે બીજાઓ ને બચાવતા પોતાના જીવ ખોયા હતા જેમાં મારિયાનો ભાઈ પણ શામેલ હતો .અને કેટલાક ગેસના ધુમાળાને કારણે અનેક રોગોના શિકાર બન્યા હતા. આજે પણ જ્યારે તેમની કામ અને દેશ પ્રત્યેની વફાદારી યાદ આવે છે તો મનોમન સલામ ભરી દેવાય છે .
24 વર્ષના ડેનિયલને ન્યુયોર્ક સિટીમાં ફાયર ફાઈટરની જોબ મળ્યાને માંડ વર્ષ પૂરું થયું હતું ,તેનો એક વર્ષનો દીકરો અને પત્ની સાથે બહુ ખુશ એવો ડેનિયલ ક્યારેક મારી ફ્રેન્ડને મળવા આવતો ત્યારે મને પણ અચૂક હાઈ  કહેતો . ન્યુયોર્કમાં થયેલી આ દુર્ધટનામાં તેને સોપવામાં આવેલી જવાબદારીને પૂરી કરવામાં તે તેની જાતને ભૂલી ગયો હશે, ત્યાં ફસાએલા લોકોને બચાવવા તેની ટુકડી છેક 65 મા માળ સુધી પહોચી ગઈ હતી , લોકોને બહાર કાઢવા જતા કેટલાક ફાયર ફાઈટર  ત્યાં ફસાઈ ગયા અને શહીદોમાં તેમનું નામ લખાવી ગયા .
 આ હુમલામાં કેટલાય ભાઈ અને બહેન કે તેમના સગા વહાલાઓ એ પોતાનો જાન ગુમાવ્યો હશે તે વાત યાદ આવતા કંપી જવાય છે, વિશ્વના કોઈ પણ ખૂણે આવા અમાનવીય કૃત્યો થયા છે ત્યારે પેલા દુઃખી સ્વજનો ના દુઃખો ઉભરાઈ આવે છે .
મારિયાના કહ્યા મુજબ તેના ભાઈ સાથે કામ કરતો તેના જેવો બીજો યુવાન ગેરી જે થોડા સમય પહેલા કેન્સરમાં મૃત્યુ પામ્યો ,જેના લંગ્સમાં ત્યારે ઝેરી ધુમાડો ભરાઈ ગયો હશે અને તેના પરિણામ સ્વરૂપે તે કેટલીય દવાઓ અને કિમોથેરાપીની પીડા સહન કરતા ચાર વર્ષ રીબાયો હતો. આવા તો કેટલાય દાખલા જાણ્યા અજાણ્યા ઘરબાઈ ચુક્યા હશે .
પપ્પા તમે કહેલી ઇન્ડીયાની વાત , જેમાં 2008માં 26-11નાં ત્રાસવાદી હુમલામાં તાજ હોટેલને પણ નિશાન બનાવી 60 કલાક સુધી કબજામાં રાખી હતી , તે યાદ આવી ગઈ.

પપ્પા, પેરિસના આ હુમલાને પ્રત્યક્ષ નિહાળનાર ના જણાવ્યાનુસાર, હુમલાખોરો એમ કહેતા હતા કે સિરિયામાં આઇએસના ત્રાસવાદીઓ પર થયેલા હુમલા ના વિરોધમાં તેમણે આ હુમલો કર્યો છે. સીરિયામાં છેલ્લા ચાર વર્ષથી આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે તેમાય હાલ ભરબજારે થયેલા એક હવાઈ હુમલામાં ૨૩ લોકો માર્યા ગયા હતા. જેમાં મૃત્યુ પામનાર મોટાભાગના સામાન્ય નાગરિકો હતા , અને આવા કૃત્યોના બદલામાં સીરિયાના ત્રાસવાદીઓ એ બદલ સ્વરૂપે આવું કૃત્ય કર્યું હતું. ખૂન નો બદલો ખૂન એ કયાનો ન્યાય રહ્યો ?

થોડા સમય પહેલા પાકિસ્તાનમાં પેશાવરની આર્મી સ્કુલમાં થયેલા આતંકી હુમલામાં 124 જેટલા નિર્દોષ બાળકોને બેરહેમી થી મોતને ઘાટ ઉતાર્યા હતા તે વખતે 160 થી પણ લોકો મૃત્યુ પામ્યા હતા ,વિષે પણ પૂરો ખ્યાલ નથી તેવા વિચારવા જેવી વાત છે કે  જેમને હજુ દુનિયાદારી વિશે કોઈ ખ્યાલ નથી તેવા બાળકોને આવી લડાઈઓમાં કેમ ઘસેડવામાં આવે છે.
  ભારત હોય કે પાકિસ્તાન ,અમેરિકા હોય કે જાપાન કે પેરીસ નિર્દોષ લોકોના જાન બધેજ એક સરખા કીમતી હોય છે .અત્યારની આ પરિસ્થિતિ ખરેખર નિંદનીય છે
“કોણે કોનો બદલો પૂરો કર્યો કે હરાવ્યા તે મહત્વનું નથી,  બસ હું તો એજ વિચારે દુઃખી થાઉં છું કે આમાં થયેલા નરસંહાર થી નિર્દોષ પ્રજાને કેટલું ભોગવવું પડ્યું છે . આ આતંક એટલે કે ભય,જે આયોજન પૂર્વક ઉભો કરાય છે.  તેમની માટે કોઈ કાયદો નથી કોઈ શાંતિ વસ્તુ નથી ,તેમની માટે સત્તા અને પાવર એજ મહત્વનું છે અને તે મેળવવા તેઓ હજારો નિર્દોષ લોકોની બલી ચડાવે છે , ક્યારેક વધારે પડતી જો હુકમી પણ ત્રાસવાદને જન્મ આપે છે તે પણ આપણે યાદ રાખવું જ રહ્યું”  .
બસ હવે લોક જાગૃતિ જ આનો એક માત્ર ઉકેલ છે ” પપ્પા કોણ જાણે આજે મન દુઃખી છે તો હું આ સાથે મારો પત્ર અહી પૂરો કરું છું  તમારી વ્હાલી દીકરી ના પ્રણામ ..નેહા  rabhiyaan@gmail.com

રેખા વિનોદ પટેલ ( યુએસએ)

 

સાકી

FullSizeRenderસૌંદર્ય તો ખાલી આંખો વડે પીવાતો શરાબ છે સાકી
ઉતર્યા પછી એ નશો જણાશે નકરો આભાસ છે સાકી

પૂછો ભલા એ બાગ ને કે પાનખર માં શું હાથ આવે
મુરઝાતા ફૂલો અને ખરતા પત્તાનો આવાસ છે સાકી.

ઉગતો સુરજ અને જન્મ લેતી જીંદગી બેવ સરખા લાગે
સાંજે ગણગણે જી કાનમાં લાગે આખરી શ્વાસ છે સાકી

તમે પૂછો જઈ સુરદાસને કે પ્રીત કેમ ચડાવશે ચાકડે?
વિના આંખે પ્રેમને આપ્યો મઝાનો અજવાશ છે સાકી

છેલ્લો જામ ભરતી વેળા થોડું સ્મિત ભરજે સાકી
ખુશી હોય કે ગમ છલકે તારા સાથની આસ છે સાકી

શું ફર્ક પડે છે,કાનાને હાથમાં બંસી હોય કે સુદર્શન
હોઠે છલકાતી દેખાય રાઘા ને બંસીની પ્યાસ છે સાકી

-રેખા પટેલ ( વિનોદિની)

 

વિનોદિની પંકાય છે

12227190_1086847481350015_4689667958980976089_nઆંસુની જો પરબ ભરું તો તું વચમાં મને દેખાય છે,
જ્યાં ગઝલની કરું અવતરણ તુ શબ્દોમાં ટંકાય છે

તારી સંગાથે જીવતર જોને ઉત્સવ બની ઉજવાય છે,
વિરહ જો આવી ચડે લખેલ કાગળિયાં કોરા વંચાય છે.

આંખ મીચું અને સપનામાં તારો પગરવ જણાય છે,
એને રવાડે ચડીને બધા દુઃખ ખુશીઓ તળે ઢંકાય છે.

વેઢાર્યો હોય વિરહનો ભાર,પણ હવે ના ઉચકાય છે,
હર્દયમાં પડેલા પગલાંમાં,ના બીજા પગલાં સંતાય છે.

જોઉં જ્યાં અરીસા મહી તું આવી ત્યાં મલકાય છે,
તુજ અલગારી લાગણીઓમાં મન ગુલાલે રંગાય છે .

સ્મરણ જરા આવે એનું વિનોદે,ઉર્મીઓ લહેરાય છે
સ્પર્શ જો ભેગો ભળે તો તનમન વિનોદિની પંકાય છે.

રેખા પટેલ (વિનોદિની)

 

એક પાનખરની કવિતા

એક પાનખરની કવિતા.
12249847_1085904534777643_616470867987356115_n

આ ઉનાળો ગયો
અને,
શિયાળો આવ્યો.
હું એસી છોડી હીટમાં ભરાણો
રોજ સવારમાં બારી ખુલતી.
એક પંખી,
ત્યાં સામે બેસી ટહુકતું હતું
મારે તેની સાથે
રોજ બે પળની રંગત હતી.
ફુલો સાથે પણ સંગત હતી.

આ પંખીઓ
બહુ શાણા નીકળ્યા
જોઈ હવા બદલાતી
ઘર છોડી ગયા.
જાતી વેળાએ ટહુકામાં
કંઈક કહી ગયા,
કે ઝાડ
બધાય પાનાં ખેરવી બહુ રડયા.
હું
ના પંખી બની ઉડી શક્યો,
ના પાંદડા ખેરવી શક્યો.

રેખા પટેલ (વિનોદિની)

 

વહેવારોને વહેવા દ્યો,

વાત વહી છે નાની સરખી,
વહેવારોને વહેવા દ્યો .
તહેવારો તો બહાનું છે ભૈ.
એકમેક સંગ ભળવા દ્યો.
આ વહેવારોને વહેવા દ્યો…..

રાહ મહી જો કોઈ મળે ,
એને રંગેચંગે ખીલવા દ્યો.
વસંતનું તો બહાનું છે ભૈ,
સુગંધ જેવું ભળવા દ્યો.
આ વહેવારોને વહેવા દ્યો….

જતા આવતા મળી ગયા છો ,
હવે હૈયે હૈયા મળવા દ્યો.
કેમ છો ખાલી બહાનું છે ભૈ,
જીવતર ભેગું ભળવા દ્યો.
આ વહેવારોને વહેવા દ્યો …

નજરનું કામણ ઘાતક છે બહુ
હથિયારોને રહેવા દ્યો.
નાસમજી તો બહાનું છે ભૈ,
નજર નજરમાં ભળવા દ્યો.
આ વહેવારોને વહેવા દ્યો …..

ઝાકળ પર ચીતર્યા નામ અમે,
પારખવાનું રહેવા દ્યો
હથેળીનું તો બહાનું છે ભૈ,
હસ્ત રેખામાં ભળવા દ્યો
આ વહેવારોને વહેવા દ્યો ….

રેખા પટેલ (વિનોદિની)

 

પ્રેમ શું છે ?
શું તેના સુખે સુખી રહેવું,
ને, દુઃખે દુઃખી થવું
કે પછી
સુખ દેવા દુઃખ સહેવું
પ્રેમ પામવા રાહ જોવી
કે પછી,
યાદોમાં જીવન વહેવું
વિરહમાં વાત ભુલવી

રેખા પટેલ

 
Leave a comment

Posted by on November 14, 2015 in અછાંદસ

 

સફળતાની શરૂઆત અંતરની ખુશી

FullSizeRender

“સફળતાની શરૂઆત અંતરની ખુશી માટે”

પ્રિય મોટીબેન ,
દિવાળીના નવા દિવસોમાં તમને મારા પ્રણામ , હું હમેશા તમને દરેક સારા પ્રસંગે સહુ પ્રથમ યાદ કરુ છુ, કારણ તમે મારા બહેન હોવાની સાથે મારા સખી અને ગુરુ રહ્યા છો . બહેન નાનપણમાં હું તમને પૂછતી કે જીવનમાં સફળતા એટલે શું ?
ત્યારે તમારો કાયમનો જવાબ રહેતો કે ” નેહા, આ પ્રશ્નનો દરેક પાસે અલગ અલગ જવાબ હશે , તું જાતે નક્કી કર તને શું જોઈએ છે તેના ઉપર તારા આ પ્રશ્ન નો જવાબ આધારિત છે. કેટલાકને માટે સફળતા એટલે આર્થિક સધ્ધરતા તો કેટલાક માટે માન, આદર કે જોઈએ. તો વળી કેટલાકને માટે ઘારેલી વસ્તુ મેળવવી તે સફળતા .પરતું આ બધામાં સહુ પહેલા જરૂરી છે શરૂઆત ,આરંભ “.

હા! વધતી જતી સમજણમાં હું આટલું જરૂર સમજી શકી છું કે  “આકાશને આંબવા મથતા સ્વપ્નોને પુરા કરવા તેની યોગ્યતાથી શરૂઆત કરવી અતિ આવશ્યક છે. તેમાય જો આ કાર્યમાં અંતરનો આનંદ ભળેલો હશે તો આત્મવિશ્વાસ વધશે  અને કાર્યમાં ઉત્સાહ રહેશે “.
મારી દીકરી રીની જે પ્રાઈવેટ સ્કુલમાં ભણે છે ત્યાં મારી મુલાકાત મિસિસ બાર્બરા લીચ સાથે થઇ ,આશરે પચાસ પંચાવન ની ઉંમરે બાર્બરા ચાલીસની આજુબાજુના દેખાવડા અમરિકન મહિલા હતા , જે કોઈ કારણોસર અહી આવ્યા હતા. અમારી બંને પાસે સમય હતો તો વાતચીત દરમિયાન તેમની સાથે થયેલી કેટલીક વાતો મને સ્પર્શી ગઈ.

આજથી વીસ વર્ષ પહેલા બાર્બરા અને મિસ્ટર લીચ એક સામાન્ય જોબ કરતા હતા ,બાર્બરાને બાળકો અત્યંત પ્રિય હતા . લગ્ન પછી જાણવા મળ્યું કે તેમને બાળકો થવાની શક્યતા નહોતી આથી તેઓ બહુ નિરાશ થઈ ડીપ્રેશન માં આવી ગયા. અને છેવટે તેમણે જોબ પણ છોડી દીધી. મિસ્ટર લીચની સલાહને કારણે તેમના ઘરની આજુબાજુ રહેતા નાના બાળકોના બેબી સીટીંગ નું કામ કરવાનું શરુ કર્યું. તેમની બાળકો પ્રત્યેની મમતા અને લાગણીને કારણે બહુ ઝડપથી તેઓ બાળકોમાં અને ખાસ તેમના પેરેન્ટસ માં પ્રિય થઇ ગયા. છેવટે મિત્રોની સલાહ અને મિસ્ટર લીચના સાથને કારણે તેમણે નાના બાળકોની એક પ્રી-સ્કુલ શરુ કરી , વીસ બાળકોથી શરુ કરેલી એક પ્રી-સ્કુલ તેમની મહેનત અને લાગણીને કારણે આજે સો થી બસ્સો બાળકોને સમાવતી અલગ અલગ ચાર સ્કુલ બની ગઈ.

વધારામાં છેલ્લા કેટલાય વર્ષો થી કાઉન્ટીની બેસ્ટ સ્કૂલનો એવોર્ડ પણ દર વર્ષે તેમના ફાળે આવે છે . તેમના જણાવ્યા પ્રમાણે “દરેક કામમાં નિષ્ઠા અને સચ્ચાઈની બહુ જરૂર પડે છે “.
અહી આવી કેટલીય પ્રી-સ્કુલ છે છતાય અહી તેમની મહેનત સાથે અંતરની ખુશી પણ જોડાએલી છે જેના કારણે તેમની સફળતા બેવડાઈ જાય છે . અહી થી ભણીને આગળ વધતા બાળકો આજે પણ મોલમાં કે ક્યાંક બહાર મીસીસ બાર્બરા લીચને જોઈ લે છે તો આનંદથી બુમ પાડી દેતા હોય છે . જે બતાવે છે કે આજે તેમને ડોલર સાથે પ્રેમ પણ પ્રાપ્ત થયો છે આજ તેમનાં માટે સાચી સફળતા છે .

મોટીબહેન , હું પણ માનું છું કે દરેક ધ્યેય પુરા થતા જોવું હોય તો જે તે કાર્ય સાથે હિંમત સાથે લાગણીથી જોડાવું આવશ્યક છે . આ માટે હું આજે મારા હસબંડ ની વાત લખું છું જેનાથી તમે અજાણ્યા છો. આજથી પચ્ચીસ વર્ષ પહેલા અમે જ્યારે અહી આવ્યા ત્યારે સાથે ઇન્ડીયાથી બે બેગ અને માત્ર વીસ ડોલર ખિસ્સામાં હતા . અહી આવી ડોલર કમાવવાની ઈચ્છા દરેકમાં બરાબર ભરેલી હોય છે . પરંતુ વિનોદ માટે ડોલર ની કમાણી કરતા મને તકલીફ આપ્યા વિના બને તેટલું સુખ ઝડપથી આપવાની લાગણી સભર ઈચ્છા હતી,  જેને હું  પ્રેમનું ઝુનુન પણ કહી શકું .

ઇન્ડીયાના સુખી ઘરમાંથી આવતા અમે બંને કદીય દુઃખ જોયું નહોતું ,છતાય તેમણે પસંદ કરેલો પહેલો ધંધો એક નાનકડો ગ્રોસરી સ્ટોર,  જે  અહીના ડાઉન ટાઉનનો સહુથી વર્સ્ટ આફ્રિકન અમેરિકન ના એરિયામાં શરુ કરેલો હતો. અહી ત્રણ ચાર માઈલના એરિયામાં ભાગ્યેજ કોઈ વ્હાઈટ અમેરિકન જોવા મળતો ,અહી ઘંધો લેવાનું કારણ સસ્તા ભાવે આ ધંધો મળે તેમ હતો અને કમાણી પણ વધુ હતી.  સાંજ પછી સારા ઇન્ડિયન કે અમેરિકન અહી આવતા પણ ડરતા હતા ત્યાં અમે બે વર્ષ રહ્યા હતા . મોટી બહેન આજે હું તમને આફ્રિકન અમેરિકન વિષે એક જરૂરી માહીતી આપું છું ” દેખાવમાં બહુ કાળા અને શરીરે અલમસ્ત લાગતા આ લોકો અંદર ખાને ભીરુ હોય છે , તેમના થી જો ડરો તો તમને ડરાવે છે ,અને જો મિત્રતા બાધી નીડર રહો તો તેઓ મારા મતે બીજાઓ કરતા ઘણા સારા હોય છે”.  બસ આ એક તકલીફને બાદ કરતા તેમની વિચક્ષણ બુદ્ધિને કારણે અમે ઝડપથી આગળ વધતાં ગયા.
“કહેવાય છે કે જિંદગીમાં અનુભવે સતત નવું શીખી શકાય છે. જીવનની દરેક ક્ષણ આપણી પરીક્ષા લેતી હોય છે.  જીવનના આ કોયડાને જે સફળતાથી પાર કરે છે તેને જીત હાંસિલ થાય છે”.  ચાલો બહેન હું હવે રજા લઉં , તમારી નેહાના નવા વર્ષના પ્રણામ સ્વીકારજો .  rabhiyaan@gmail.com
રેખા વિનોદ પટેલ , (યુએસએ )
 

ઉત્સવ માણવા સમય સંગ સ્નેહ જોઈએ.

diwali with neighbors

ઉત્સવ માણવા સમય સંગ સ્નેહ જોઈએ.
દોમદોમ સાહ્યબી વચ્ચે પણ માલતીને કાયમનું અસુખ.
જ્યાં મનમાં સંતોષની કમી હોય ત્યાં કેવું સુખ કેવી શાંતિ,કેવી હોળી કેવી દિવાળી!
તેના શબ્દોની તોછડાઈ ને કારણે દીકરો વહુ બીજે રહેવા ચાલ્યા ગયા.
મને કોઈની પડી નથી જેને જવું હોય તે જાય ” કહી માલતી અક્કડ રહી
કાયમની આડાઈને કારણે પતિ દુર થતો ગયો, નોકર ચાકર પણ માત્ર ખપ પુરતું બોલી કામ પતાવી દેતા
માલતીને હવે નવી ઉપાધી આવી ” કોઈને મારી પડી નથી હું જીવું કે મરું “.
અસુખમાં એક નવું દુઃખ ઉમેરાયું, થાકી હારી પતિ દીકરા વહુ સાથે રહેવા ચાલ્યો ગયો.
દિવાળી આવી ઘેરઘેર દીવા પ્રગટ્યા પણ માલતીના મનમાં એકલતા ની આગ હતી
આજુબાજુ બધે રંગોળી સજાવાઈ પણ અહી આગણું બે રંગ હતું.
વળી મનની અક્કડતા વળ ખાઈ બેઠી થઇ ” મારે કોઈની જરૂર નથી”.
માલતીએ ચારે બાજુ દીવા પ્રગટાવ્યા ,મીઠાઈઓ મંગાવી ,રંગોળી પુરાવી ,
છતાં પણ બધું ભેકાર રહ્યું……………………….
અહી નાં સ્વજનોનો સંગ હતો , નાં પ્રેમનો રંગ હતો. બસ હતું સાવ ખાલીખમ મન.
ચોમેર ઉત્સવ ઉજવાયો પણ અહી દિવાળી આવીને ગઈ કોઈ ફર્ક નાં પડયો.
થાકેલું મન તન ઉપર હાવી થયું, છેવટે માલતી એ બીમારીને આવકારી.
જાણ થતા વહુ મગની ખીચડી લઈને આવી જાણે તેના આંગણે ઘનતેરસ આવી,
સાંજ પડે દીકરો ફ્રુટ લઈને આવ્યો જાણે ઘેર દિવાળી આવી.
પતિના હાથમાં ફૂલોનો ગુચ્છો અને આંખોમાં પ્રેમ જોઈ માલતીને લાગ્યું આજ મારું નવું વર્ષ.
ચારે કોઠે દીવા પ્રગટ્યા સુખની રંગોળી પથરાઈ અને આનંદ ના ફટાકડા ફૂટ્યાં,
જીવનમાં ચારે બાજુ ઉત્સવ ઉત્સવ…….હેપ્પી દિવાળી, હેપ્પી દિવાળી .
રેખા વિનોદ પટેલ (વિનોદિની)

 

कितना पीछे छूट गया कुछ नया पाने की चाह में.

कितना पीछे छूट गया कुछ नया पाने की चाह में.
बहोत ज्यादा टूट गया कुछ जोड़ने की चाह में

जो आज तक खामोश रहा तनहाई भरी राह में
वो अपना पता दे गया फिर ना आनेकी चाह में.

अपना अश्क दिखाने खुद ही आईना बन गया
इन्सान तक मिट गया वो खुदा बनने की चाह में.

हर क़दम ढुंढा जिसे इस पार से उस पार तक
मंदिर मस्जिद तक गया उसे जानने की चाह में.

जिंदगी उसकी अजीब थी ख़ुशी के संग गम थी
अघूरे अरमाँ छोड़ गया दिलमें रहने की चाह में.

हम भी कहाँ कम थे ईस कलम उसके नाम की
नाम उनका लिख दिया यादें सँवारने की चाह में.

अब जब जी भर जाता है एक पन्ना जुड़ जाता है
हम भी मशहूर हो चले उसे जिंदा रखने की चाह में

रेखा पटेल (विनोदिनी )