રેખા વિનોદ પટેલ.- ૨૩/૫/૨૦૨૦
આજથી ૨૯ વર્ષ પહેલા લગ્ન કરીને અમેરિકા આવી ત્યારથી જીવનમાં આવેલા બદલાવો અને અનુભવો અહી ટાંકી રહી છું.
મારો જન્મ 1069 માં વાલવોડ ચરોતરના ખેડા જીલ્લાના નાનકડા ગામમાં થયો હતો ,નાનપણ થી ભાદરણ રહેતી હોવાથી ભાદરણ મારું ગામ બની ગયું છે
પિતા નવનીતભાઈ ખેતી કરતા હતા સાથે ઘંઘો પણ કરતા હતા ,અમે ત્રણ ભાઈબહેન હું મોટી અને પછી નાની બહેન પછી ભાઈ.
પણ હું મારા પિતાની લાડકી દીકરી હતી ,હું એટલું કહી શકું કે મારો પડ્યો બોલ બઘા ઝીલતા ,કારણ મારા પપ્પા બધાને મારું કહ્યું કરવા કહેતા કારણ હતું કે તેમને મારી સુઝબુઝ અને સમજદારી ઉપર વિશ્વાસ હતો અને હું છેવટ લાગી તેમના વિશ્વાસ ઉપર ખરી ઉતરી તેનો મને ગર્વ છે.
નાનપણથી મારા આગવા ગુણોમાં હું જેટલી સંવેદનશીલ હતી તેટલીજ વાચાળ અને નેતૃત્વ ઘરાવતું વ્યક્તિત્વ હતું ,થોડી ગરમ મીજાજની માલિકણ હતી નાનપણથી કોઈના તાબા હેઠળ કશું પણ કામ કરવું બહુ અઘરું લાગતું , છતાં પણ લાગણી વાળી હતી તો મિત્ર વર્તુળ ઘણું હતું
એ વખતે ગામડામાં જ્યાં છોકરીઓને બહુ બહાર એકલી જવા દેવામાં લોકો સંકોચ અનુભવતા તેવા વખતમાં મારા ઉપરના વિશ્વાસના કારણે મારા મારા પિતા મને સંપૂર્ણ છૂટ આપતા હતા.
નાનપણ થી કવિતા જુના ગીતો ગઝલોનો ભારે શોખ હતો આ શોખ મારા મમ્મી-પપ્પા માંથી વારસામાં ઉતાર્યો તેમ હું કહી શકું છું ,નાનપણથી વાચનનો ગાળો શોખ હતો ભાદરણની લાયબ્રેરી માં મોટા ભાગના પુસ્તકો વાચી લીધા હતા આખું વેકેશન વાંચવામાં જતું હતું
અને આજ શોખના કારણે હું મારું અલગ અસ્તિત્વ બનાવી શકી છું.
હું નાનપણ થી માનતી હતી કે ઉત્તમ પુસ્તકો મન અને એમાંથી ઉદભવતા વિચારોનુ શુધ્ધિકરણ કરે છે…
ભાદરણ રહીને મેં બીએસસી કેમેસ્ટ્રી પૂરું કર્યું
આ પહેલા કોલેજના બીજા વર્ષમાં 19 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા હતા,
વિનોદ પટેલ મુળગામ રઢુ ,તેઓ બીકોમ એલએલબી કરી અમેરિકા ગયા હતા ,ગ્રીનકાર્ડ લઇ પાછા આવ્યા અને મારા પપ્પાને તે પસંદ આવતા લગ્ન નક્કી થયા અને 15 દિવસમાં લગ્ન લેવાઈ ગયા
કોણ જાણે વિધિની વક્રતા શું હશે કે મારા લગ્નના પાંચમા દિવસે મારી એસવાયની પરીક્ષા શરુ થતી હતી અને તેજ દિવસે અચાનક ટુકી માંદગીમાં પપ્પાને હોસ્પિટલ ખસેડાયા, આ બાજુ હું પહેલું પેપેર લખતી હતી ત્યાં બીજી બાજુ મારી રાહ જોવાતી હતી કે ક્યારે હું ઘરે આવું અને સાંજ પડતા પહેલા મારા વહાલા પપ્પાના દેહને અગ્નિદાહ અપાય ,બહુ કારમી સ્થિતિ વચ્ચે પપ્પાની છેલ્લી ઈચ્છા પૂરી કરવા પરીક્ષા આપી અને સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થઇ હતી.
બસ એક સુખ પપ્પા જતા જતા આપી ગયા હતા કે મને બહુજ મજબુત અને પ્રેમાળ હાથમાં સોપી ગયા હતા.
વિનોદ મારા પતિ ખરેખર એક ઉમદા વ્યક્તિત્વના માલિક છે, પપ્પાના ગયા પછી મારા પિયરના ઘરને જાણે તે ઘરનો મોટો દીકરો હોય તેમ સંભાળ્યું હતું તેવું કહેવામાં જરાય અતીશયોક્તિ નથી
તેમને મારા ઘરને પોતાનું ઘર સમજી મારા નાના ભાઈ બહેનોને અહી સેટલ થવામાં પણ બહુ મદદ કરી હતી ,અને ખાસ વાત તો એ કે ક્યારેય મને આ બાબતે સંભળાવ્યું નથી , તે કાયમ બધાની ભૂલો માફ કરતા આવ્યા છે અને તેમના થી થયેલી ભૂલને પણ નમ્રપણે સ્વીકારી લેવામાં માને છે “ભૂલ ક્યા અને કોનાથી નથી થતી પરંતુ તે ભૂલને ભૂલીને આગળ વધવામાં માને છે”. એક દીકરો કરે તેનાથી વધુ તેમને મારા ઘર માટે કર્યું છે અને આજ કારણે હું પણ તેમના ઘર એટલેકે મારી સાસરીને મારીજ માનીને તેમાં એકરૂપ થઈ ગઈ છું.
અમે અમેરિકાના ડેલાવર સ્ટેટમાં જે એરિયામાં રહેતા હતા ત્યાં નવા નવા આવેલા ઇન્ડિયનો તો ઠીક ધોળીયા પણ આવતા ડરતા હતા એકદમ બ્લેક નેબર હુડ હતું , આખું બ્લેક નેબરહુડ હતું જ્યાં ત્રણ માઈલ સુધી કોઈ ખાસ કોઈ વ્હાઈટ પીપલ નહોતા ,ચારે બાજુ બધાજ બ્લેક પીપલ અને તે પણ વંઠેલા….. કોઈ ખાસ સારી જોબો વાળા નહોતા ,કેટલાક તો ડ્રગ્સના ધંધામાં હતા કોઈક માફિયા હતા ,ક્યારેક ગન નો પણ અહી ખુલ્લે આમ ઉપયોગ થતો જોવા મળી જતો ,પણ દેશમાંથી થોડાજ સમય પહેલા આવેલા વિનોદ પાસે ખાસ એવી કોઈ મૂડી નહોતી કે કોઈ સારી જગ્યાએ વધુ પૈસા આપીને સ્ટોર લઇ શકાય ,આથી ઓછા પૈસે તે ખતરનાક એરિયામાં ધંધો લેવા તૈયાર થઇ ગયા . તેમનામાં હિમત અને બુદ્ધિ ભારોભાર હતા,તે પહેલાજ દિવસ થી આવા કોઈ તત્વો સામે ડર કે બીક અનુભવતા નહોતા આથી તે ઝડપથી તેમની સાથે હળી ગયા
અહી નીચે કન્વીનીયન સ્ટોર હતો અને ઉપર અમારું એપાર્ટમેન્ટ હતું ,આવડત અને સ્વભાવની મીઠાશ ને કારણે અહી બધા સાથે સારી એવી મિત્રતા કેળવી લીધી હતી , બરાબર વર્ષ પછી જ્યારે હું અહી આવી ત્યાં સુધીમાં તો બધા તેમને માં અને પ્રેમ થી બોલાવતા હતા અને તેનાજ કારણે દેશમાંથી સાવ નવી આવેલી હું જેણે કાળીયાઓ જોયા પણ નહોતા તે બહુ જલ્દી બધાની સાથે ટેવાઈ ગઈ,
શરૂશરૂમાં બહુ બીક લાગતી પણ વિનોદની હિંમત અને સાથના કારણે હું બહુ ટુકા સમયમાં બરાબર ગોઠવાઈ ગઈ મને અજાણ્યા દેશમાં ગમવા માંડ્યું છતાય પણ દેશની યાદ દિલમાં કંડારાઈ ગઈ હતી અહી નાતો તે વખતે ગુજરાતી વાચન માટે કઈ ખાસ મળતું અને ના તો ટેલીવિઝન માં કોઈ હિન્દી અને ગુજરાતી ચેનલ આવતી છતા પણ જ્યારે દેશમાં થી આવતી ત્યારે બેગમાં વધારે કરીને પુસ્તકો લઇ આવતી।
બરાબર ત્રેવીસમા વર્ષે નીલીમાનો જન્મ થયો મેં મારું બધું સુખ તેને મોટી થતા જોવામાં મેળવવા માંડ્યું પણ વર્ષ પછી જ્યારે મારી દીકરીનો જન્મ થયો તેમણે તરત નક્કી કરી લીધું બસ હવે અહીંથી મુવ થવું પડશે કારણ અમારી દીકરી ઉપર અહીના વાતાવરણ ની કોઈ પણ અસર પડે તેમ તે ઈચ્છતા નહોતા।..ત્યાર પછી તરત બે વર્ષમાં અમે બીજા બે લીકર સ્ટોર લીધા અને દીકરીના શુભ પગલાથી આગળ વધતા રહ્યા
બહારથી બધું બરાબર હતું બસ મને દેશ બહુ યાદ આવતો આ તે જાણતા હતા આથી ધંધા ઉપર ગમેતેમ ગોઠવણ કરીને પણ મને દર વર્ષે દોઢ બે મહિના મને ઇન્ડિયા લઇ જતા
પાચ વરસ પછી નાની દીકરી શિખા નો જન્મ થયો, વિનોદ મને બહુ સમજતા હતા તે જાણતા હતા બધું હોવા છતાં મારો શોખ ક્યાંક દબાય છે। ..
બરાબર આજથી ૨૦ વર્ષ પહેલા નવુંનવું કોમ્યુટર બજારમાં આવતું હતું તે મારી માટે લઈ આવ્યા જેથી કરીને હું ઈન્ટરનેટ દ્વારા હું મારા શોખ પ્રમાણે વાચન કરી શકું
બંને દીકરીઓ અને વિનોદના સ્નેહ માં તરબોળ થતા જ્યારે પણ સમય મળતો હું કોપ્યુટરમાં સમય વિતાવતી શરુ શરૂમાં રાઝા ડોટ કોમ અને લેન્ગું ઉપર થી હું ગુજરાતી લખતા સીખી ગઈ પછી તો બસ નાની કવિતાઓ લખતી હતી ક્યારેક ટુકા વાક્યો હતી
એવામાં ફેસબુક નું ચલન વધુ અને જુના મિત્રોના સંપર્કમાં રહેવાના આસય થી હું છ વર્ષ પહેલા ફેસબુકમાં જોડાઈ,ત્યાં શરૂશરૂમાં બધા પોતાને આવડે તેવું લખતા હતા અને વોલ ઉપર પોસ્ટ મુકતા હતા ,તેમને આમ લખતા જોઈ મારી પણ હિંમત વધી અને મે ટુકા ટુકા વાક્યો અને સાદી કવિતાઓ લખવાનું શરુ કર્યું
શરૂવાતમાં મને ફેસબુકમાં રોજ સવારે આમ કવિતા ગઝલો લખતી જોઈ કેટલાક સગા સબંધી મારી મજાક ઉડાવતા કે “તમે આ શુ માંડ્યું છે?” કેટલાક તો વિનોદને કહેતા પણ ખરા કે આમ ફેસબુક ઉપર નાં લખાય બધા ને ત્યાં આપણે જાણતા નથી કોણ કેવા હોય તેની ખબર નથી અને રેખાબેન આમ લાખેતે સારું નાં કહેવાય ” પરંતુ બધાની પરવા કર્યા વિના મારા પતિ મને હમેશા કહેતા ” તને જે મેં છે જેમાથી સંતોષ મળે છે તે તું કર ,લોકોની ચિંતા નહિ કરવાની ” બસ તેમના આજ શબ્દો ના કારણે આજે હું લેખન જગતમાં મારી જગ્યા બનાવી રહી છું.
મારે મારા લેખન માટે કે કોઈક વાર જરૂરી માહિતી માટે આજે પણ કોઈને ગમેત્યારે ફોન કરવો પડે કે કોઈનો ફોન આવે પછી ભલેને તે સ્ત્રી હોય કે પુરુષ પણ વિનોદ કદી પણ મને તે બાબતે પૂછપરછ કરતા નથી સંપૂર્ણ વિશ્વાસ સાથે મને સાથ આપે છે કે હું લેખન જગતમાં કઈક કરી શકું જે મારો શોખ નહિ પણ હવે જીવનનો એક ભાગ બની ગયુ છે,
એક વખત બન્યું એમકે મારે એક લેખ “ફીલીન્ગ્સને “અમેરિકા લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટી” બીજા દિવસે સવારે આપવાનો હતો જે શરુ પણ નહોતો થયો મને તે બાબતે ચિંતા હતી કે મારાથી નહિ મોકલાય ત્યારે વિનોદેજ મને સધિયારો આપતા કહ્યું હજુ ઘણો સમય છે તું શાંતિ થી લખ હું ડીનર બહાર થી મંગાવી લઉં છું અને તેમને પીઝા ઓડર કરી દીધા જેથી રસોઈ બનાવવાનો સમય બચી જાય અને મેં તે લેખ પૂરો કરી મોકલી આપ્યો
હું ધીમેધીમે આગળ વધતી હતી આ દરમિયાન મારા પતિનો બહુજ સજ્જડ સાથ મળતો રહ્યો ક્યારેક સમયના અભાવમાં હું મારી જવાબદારી ચુકી જતી પરંતુ તે પ્રેમથી બધું ચલાવી લેતા હતા,
મેગેઝીનમાં માટે ટુકા સમય ગાળામાં લખાણ આપવાનું હોય તેવા સમયે ક્યારેક મારે લખવાનું વધી જાય તો બહારના ઘણા કામ તે હસતા મ્હો એ પતાવી લે છે.
આજ કાલ લેખન જગત માં પ્રવેશ્ય પછી મારે બહાર બીજા ઘણા લેખકો કે કવિઓ કે એડિટર સાથે સંપર્ક રાખવો પડે છે પણ વિનોદ ક્યારેય મને આ બાબતે ટોકતા નથી કે મારા કામમાં ઝાઝું પૂછપરછ કરી દખલ અંદાજી કરતા નથી , મારા ઉપરનો તેમનો સંપૂર્ણ વિશ્વાસ એજ મારી શક્તિનો મુખ્ય આધાર છે
ક્યારેક મારા મગજમાં અલગ અલગ લખાણ બધું એક સાથે ચાલતું હોય ત્યારે ઘરમાં ઘણી એવી વાતો હોય જે ખ્યાલ બહાર રહી જતી , ક્યારેક તો એમ પણ બન્યું છે કે વિનોદને સ્ટોર ઉપર આપવા બનાવેલું લંચ પણ આપવાનું ભૂલી જાઉં અને જ્યારે યાદ આવે તો હું મારી ભૂલ તેમને જણાવી દેતી ત્યારે બસ તે હંમેશા હસતા હસતા કહેતા ” બસ હવે દુઃખી નાં થઈશ હું બહાર થી મંગાવી લઈશ પણ હા લખવામાં ને લખવામાં મને ના ભૂલી જઈશ ”
ખરેખર પોતાના માણસો ના સાથ વિના ડગલું પણ ચાલવું મુશ્કેલ હોય છે તે વાત સાચી છે
सुनाऊँ धड़कन का ताल शब्दों में तुम सजे हो
प्रीत की है भाषा मनोहर,चेतना में तुम जड़े हो
प्यार से निहार लो साथी …
मुस्कुराते लब है ,और आँखोमे तुम बसे हो
तुम ही चारो तरफ हो,शब्दोंमें तुम रचे हो
प्यार से निहार लो साथी …
आँखे है मदभरी,फूलोसे ज्यादा तुम जचे हो
संग तुम्हारा सतरंगी,खुशियों से तुम लदे हो
प्यार से निहार लो साथी …
मै सिर्फ हुँ परछाई, इसी दिल में तुम पले हो
तेरे पैरो पे किये है सजदे,दुआ में तुम भरे हो
प्यार से निहार लो साथी …
रेखा पटेल (विनोदिनी )
વિનોદ સાથે હું ડેલાવર સ્ટેટમાં હું છેલા 24 વર્ષથી રહું છું મારા પતિનું અહી એક સ્થાન છે , તે પોતે પણ બીઝનેશમાં બહુ આગળ છે ,અનેક અલગઅલગ ધંધાને બહુ સાહજિકતા થી હેન્ડલ કરે છે ,આટલું કરતા પણ તે દરરોજ સમયસર ઘરે આવી જાય છે મને અને મારી બને દીકરીઓને પુરતો સમય આપે છે , મારી બંને દીકરીઓ ને હું મારાથી બનતા તમામ ભારતીય સંસ્કારો આપી રહી છું અને સાથે સાથે તેમને જે જગતમાં રહેવાનું છે તે જગતમાં પણ પગભર થવા માટે ની સ્વતંત્રતા આપું છું તેના કારણે મારી બને દીકરીઓ જેમની ઉમર 21 અને 16 છે તે મારાથી બહુ નજીક છે મને તેમની સારી ખોટી વાતોમાં સામેલ કરે છે મારી સલાહ લે છે અને મને સાભળે છે સાથે સાથે માને છે ,મને આ વાતનું બહુ ગર્વ છે..
વિનોદ સ્વભાવે પણ એટલાજ મિતભાષી છે કોઈને દુઃખ થાય કે ખરાબ લાગે તેવા શબ્દો કદી ઉચ્ચારતા નથી ,ના ગમે તેવી વાતો થી સમજી કરીને દુર રહે છે ,તેમના આ સ્વભાવના કારણે તે બધાને પ્રિય છે ,તેમનો બીજો એક ખાસ ગુણ હું અહી વ્યક્ત કરતા મારી જાતને રોકી સકતી નથી અને તે છે કે તેમના વર્તનમાં કદી રૂપિયા પૈસાની મોટાઈ દેખાતી નથી,અને કોઈ સારા કામ માટે જો દાન ઘરમ કરવાનું હોય તો બહાર કોઈને જણાવે પણ નહિ ,
એક દાખલો જો હું બતાવું તો અમાતા ડેલાવર સ્ટેટમાં થોડા વર્ષો પહેલા ભગવાન સ્વામીનારાયણ નું મંદિર થાપવાની વાત આવી,જેમાં કેટલાક હરિભક્તો અમારા ઘરે આવ્યા અને આ બાબતે ચેકની માંગણી કરી ,આ વખતે મંદિરની યોજના માત્ર પેપર ઉપર હતી, તેની માટે જમીન પણ લેવાઈ નહોતી છતાં પણ વિનોદે કોઈને કઈ પણ કહ્યા પૂછ્યા વિના મોટી રકમનો ચેક લખી આપ્યો. અને મહત્વની વાત છે કે ઘરમાં અમે વૈષ્ણવ ઘર્મમાં માનીએ છીએ .
કારણ માત્ર એટલુજ કે તેમને પ્રમુખ સ્વામીના સંચાલન હેઠળ ચાલતા આ ઘર્મની એક વાત હંમેશા આકર્ષતી હતી અને તે હતી કે તેમના દ્વારા આવનારી પેઢીમાં થતા સંસ્કારોનું સિંચન, તે હંમેશા માને છે કે મજબુત સમાજ માટે આવનારી પેઢીમાં સારા સંસ્કારોનું નિરૂપણ કરવું અતિ આવશ્યક છે,જે એક હકીકત છે. મને અભિમાન છે હું આવા વ્યક્તિની જીવનસંગીની છું .
સાસરીમાં ત્રણ ભાઈઓ અને એક બહેનના કુટુંબમાં બધાને પ્રિય છે ,ખાસ કારણ તેમણે કડી પણ બાપ દાદાની મિલકતમાં રસ નથી રાખ્યો કદી કોઈ પાસે અપેક્ષા નથી રાખી ,તે સંયુક્ત કુટુંબમાં માને છે .તેઓ હંમેશા કહે છે જે માગવાથી મળે તે આપણું નાં કહેવાય અને નશીબ કરતા ઓછું કદી મળવાનું નથી. કહેવાય છે ને કે જેવા સાથે રહો તેવા ગુણ તમારામાં આવી શકે છે તેનું ઉદાહરણ સ્વરૂપે, મારો સ્વભાવ નાનપણ થી ઉગ્ર હતો પરંતુ આજે હું બહુ સમજુ અને શાંત બની છું તેનું મુખ્ય કારણ છે વિનોદનો શાંત અને સમજદારી ભર્યો સ્વભાવ .
મારા પતિ એક નોલેજેબલ અને ડાઈનેમિક પર્સનાલીટી ધરાવતા વ્યક્તિ છે છતાં પણ સામાન્ય રીતે જોતા તે સાવ સામાન્ય વ્યક્તિ લાગે છે તેનું કારણ છે તેમની સિમ્પલીસીટી. તે કામ વગરના દેખાડા અને દંભની વિરુઘ્ઘ માં છે “તે માને છે તમારામાં કંઈક સારું હશે તો સામે વાળા જાતે બોલશે તમારે તેમને કહેવાની જરૂર નહિ પડે “.
ખિસ્સામાં માત્ર વીસ ડોલર લઈને આવેલા મારા પતિ આજે પચીસ વર્ષમાં સારી માત્રામાં રેન્ટલ પ્રોપર્ટી ઘરાવે છે, સાથે નાના બાળકોના ભણતર માટેની બે પ્રી સ્કુલ સાથે લગ્ન માટેનો વેડિંગ હોલ,ત્રણ લીકર સ્ટોર અને રેસ્તોરન્ટ માં માલિક છે। મને ગર્વ છે કે આટલી ધંધાકીય વિચક્ષણ બુદ્ધિ ધરાવતા વ્યક્તિ સાથે હું જીવનભર જોડાઈ ગઈ છું ,વિનોદ સાથેના લગ્ન પછી મેં દુઃખ શું છે તે જોયું નથી અનુભવ્યું નથી અને કસાચ આજ કારણે મારી રોજની પ્રાર્થનામાં તેમના સુખ સિવાય હું બીજું કઈ યાચતી નથી
તેઓ હંમેશા મારી ખુશીમાં પોતાની ખુશી માને છે અને તે જાણે છે લેખન વાંચન મારી ગમતી પ્રવૃત્તિ છે એથી તેમના સતત પ્રોત્સાહન ને કારણે હું ધીમેધીમે કવિતાઓ પછી અલગઅલગ લેખ અને ત્યાર બાદ છંદ સીખી ગઝલ અને અત્યારનો મારો શોખ છે તે સ્ટોરી લખતી થઈ ..
મારું નશીબ અને આવડત બંનેના કારણે મારી લખાએલી ત્રીજી જ ટુકી વાર્તા જે ચિત્રલેખાના તંત્રી શ્રી ભરત ઘેલાનીની નજરે ચડી ગઈ અને મને 20013 ના ચિત્રલેખા ના દિવાળી અંકમાં સ્થાન મળ્યું, મને જરૂર હતી એક ટેકાની બસ આનાથી વધુ મોટો ટેકો શું હોઈ શકે ?
ત્યાર બાદ મેં પાછું વાળીને નથી જોયું.. મારી બીજી વાર્તા માર્ગી મેગેઝીનમાં આવી , જેના ઉપર હ્યુસ્ટન નાં એક ગ્રુપ સહીયારા સર્જને સર્જેલી નવલકથા”રૂપ એજ અભિશાપ” બહાર પાડી જેને એમેઝોન ઉપર તરતી મૂકી ,ત્યાર બાદ “લોહીનો સાદ” , “જિંદગી પ્યારકા ગીત હૈ ” આમ ત્રણ નવલકથા સહિયારા સર્જન દ્વારા બહાર પડી તદુપરાત હાલ લાગણીઓનો ચક્રવાત મારી એક નવલકથા પબ્લીશ થઇ ચુકી છે તેમાં મને વિનોદનો માનશીક રીતે બહુજ સપોટ રહ્યો છે
આજે હું ભારતના એક નામી ફીલિંગ્સ મેગેઝીન માં “અમેરિકાની આજકાલ” કોલમ લખી. જેમાં હું અમેરિકામાં સમાજમાં રહેલી સત્યતાને મારી કલમ દ્વારા બહાર ભારતમાં લોકો સુધી પહોચાડવાનું કામ કરું છું, આજ ફીલિંગ્સ મેગેઝીનમાં મારી ઘણી વાર્તાઓ પ્રસ્સિદ્ધ થઇ ચુકી છે.
ત્યારબાદ ગુજરાતી મેગેઝીન “અભિયાનમાં” મારી નિયમિત કોલમ ” અમેરિકાના ખત ખબર ” બે વર્ષ વીકલી કોલમ તરીકે પ્રસિદ્ધ થઈ રહી.
હાલમાં હું ફીલિંગ્સ સાથે ફરી જોડાઈ મારા પ્રવાસ વર્ણન ” દેશ વિદેશની વાતો” કોલમ લખી રહી છું. સાથે દિવ્યભાસ્કર ઓન લાઈન સાથે NRG ન્યુઝ રિપોર્ટર તરીકે જોડાઈ છું. અમેરિકામાં ન્યુ જર્સી સ્થિત “ગુજરાત દર્પણ” અને એટલાન્ટાના “રાષ્ટ્ર દર્પણ” માં મંથલી કોલમ આપું છું.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણ પુસ્તકો પૈકી “તડકાનાં ફૂલ” – ટુંકી વાર્તાઓ, “એકાંતે ઝળક્યું મન ” – કવિતાઓનું પુસ્તક , ” અમેરિકાની ક્ષિતિજે” – અમેરિકા વિશેના અવનવા આર્ટીકલ્સ – જે પાર્શ્વ પબ્લીકેશન અમદાવાદથી પબ્લીશ થયેલા છે
આ પહેલા ગુર્જર પ્રકાશન માંથી ટૂંકી વાર્તાઓનો સમૂહ ” ટહુકાનો આકાર, સાથે બીજા બે પુસ્તકો લીટલ ડ્રીમ્સ, સાથે નવલકથા લાગણીઓનો ચક્રવાત, એમ કુલ મળીને છ પુસ્તકો પબ્લીશ થયેલા છે.
મારું એકજ ઘ્યેય છે કે હું મારા લેખન કાર્ય દ્વારા સમાજને સારા સંદેશા પુરા પાડુ તેથીજ મારા લેખ હોય કે કવિતા કે પછી સ્ટોરી હોય,દરેકમાં કઈકને કઈક ભાવ કે સમાજને કોઈ સારો મેસેજ મળે તેવી વાત વધારે હશે
લેખન ક્ષેત્રમાં આગળ વધવા ફેસબુકના અજાણ્યા છતાં પોતાના થી અદકા લાગતા મિત્રોનો સાથ પણ મહત્વનો છે જેમના સતત પ્રોત્સાહન ના કારણે આગળ વધવાની હિંમત મળતી રહી છે ,
વિનોદ બહુ સમજુ અને શાલીન વ્યક્તિત્વના માલિક છે ,ખોટો દેખાડો કે દંભ તેમના વ્યક્તિત્વથી કોશો દુર છે તે નાનામાં નાના માણસને પ્રેમ થી આવકારે છે તેમના વર્તનમાં ક્યારેક આછકલાઈ કે અભિમાન દેખાતું નથી ,પણ હું અભિમાન સાથે કહી શકું કે હું આવા વ્યક્તિની અર્ધાંગીની છું જે મારો સહારો છે મારા ઘરનો મોભ છે ,જેની છત હેઠળ હું અને મારી બંને દીકરીઓ દુનિયાની દરેક આફતથી રક્ષીત છીએ.
આથી કરીને મેં મારા બ્લોગનું નામ પણ” વિનોદિની” રાખ્યુ છે https://vinodini13.wordpress.com તેનું કારણ છે કે જેના સાથ અને સહકારથી હું આજે અહી સુધી પહોચી સકી છું તે નામ ને હું સતત મારી સાથે સાંકળી રાખવા માગું છું
હું આજે જે પણ કઈ મેળવી શકી છું તેનો મોટાભાગ નો શ્રેય વિનોદને આભારી છે બાકીનો થોડો મારી મહેનત અને લગનને આપુ છું ,આ લેખન કાર્ય મારા અંતરનો ખોરાક બની ગયો છે અને આજે હું મારા શોખને કારણે આંતરિક રીતે પણ સમૃદ્ધ છું.
આશા રાખું કે મારા અંતરના ઊંડાણ માંથી નીકળેલું આ બનાવટના આવરણ વિનાનું સત્ય તમને સ્પર્શી શક્યું હોય
રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુ એસ એ )
R Patel (vinodini)
https://vinodini13.wordpress.com