RSS

Monthly Archives: April 2016

હું કવિતા ….

હું કવિતા ….
શબ્દે શબ્દને જોડું છું
અર્થોને જાણી, સમજીને સજાવું છું
એક પળ જીવીને એમાં,
હું જિંદગી જણાવું છું.
ક્યારેક વહેતી નદી બની,
પથરા મહી તણાવું છું.
હું સુકા દરિયા મહી
સ્નેહની નાવ ચલાવું છું.
ફૂલોના રંગો ચોરીને,
પાંખો પતંગિયાની સજાવું છું.
હું કવિતા ….
ક્યારેક આંખો મહી મોતી ભરું
હોઠો પર હસી વિખેરું છું.
કદીક ભીતરે મૌન ભરું
કદી શબ્દોને ઉછાળું છું.
હું વસંતનું બહાનું ધરીને
કોયલની કુહુ ચલાવું છું
હું સુરજને ભાલે ચોડું
તારલીયાથી માંગ સજાવું છું
હું કવિતા ….

રેખા પટેલ (વિનોદિની )

 

 

ચ્હા સાથે ચાહ : રુચિ અરુચિ

IMG_7214ચ્હા સાથે ચાહ : રુચિ અરુચિ
ક્યારેક ગમતું કાર્ય હાથ લાગે તો તેની મઝા કૈક અલગ હોય છે, એક વિશ્વાસ સાથે આનંદ થી થતા એ કાર્યનું પરિણામ પણ મઝાનું આવે છે. અને સામા છેડે પરાણે સોપાએલું કાર્ય કરવાનો કંટાળો પણ બમણો રહે છે.
સરયુને બહારના કામ બધા કામ કરવા ગમે પરતું ઘરમાં કોઈ કામ સોંપવામાં આવે તો તે પરાણે કરતી હોય તેવું લાગે. ક્યારેય કોઈ કામમાં પરફેક્શન નાં મળે. કારણ તે કરવાની તેની વૃત્તીજ નહોતી. આમ કરવમાં એવું નાં કહી શકાય કે તે કામ ચોર હતી. કારણ તે જ્યાં જોબ કરતી ત્યાં રોજ દસ કલાક મન દઈને બધુજ પરફેક્ટ કરતી. પરિણામે ટુંકા સમયમાં તેને પ્રમોશન પણ મળી ગયું હતું. તો પછી ઘરકામ માટે કાયમ તેના ઘરના ખોડ કેમ કાઢતાં હશે?

કારણ એકજ હતું આ કામ તેની રૂચી પ્રમાણેનું નહોતું. બહુ અસર પડે છે ગમતા કે અણગમતાં કાર્ય કરવામાં આવે. જીવનમાં ઘણીવાર એવું પણ બને કે ના ગમતા કાર્ય કરવા પડે, આવા સમયે માણસની સાચી સમજ અને સ્વભાવનો પરિચય છતો થાય છે.  સમજુ માણસો આવી પરિસ્થિતિને સમજીને કાર્યને પૂરું કરે છે.

ક્યારેક આપણુ ગમતું કામ કરવાનું થાય છે ત્યારે આપણે સમય કે સંજોગો જોતા નથી. બસ ઉત્સાહ પૂર્વક તે કામની પાછળ લાગી જઈએ છીએ, આંતરિક રીતે જાગેલી શક્તિઓના પરિણામે ઘાર્યા કરતા ઓછા સમયમાં તેને યોગ્યતાથી પૂર્ણ કરી લઇએ છીએ. આ જોતા એક વાત ચોખ્ખી જણાય છે કે આપણા માં કાર્ય કરવાની શક્તિ છે. બસ આપણે તેને ગમતું  ના ગમતું ના વાડામાં બાધી દઈએ છીએ.

આવીજ રીતે જ્યારે આપણા માટે કૈક કરીએ ત્યારે તે કામ કરતા ખુશી આપે છે,સાથે આત્મવિશ્વાસ વધારે છે. અને લોકોને દેખાડવા કરવામાં આવતું કાર્ય જો યોગ્ય પ્રતિભાવ નાં મળે ત્યારે હતાશા તરફ લઇ જાય છે. બીજાઓની પરવા કરવા કરતા હકારાત્મક બની પોતાની ખુશ રહેવામાં શાણપણ છે. તો ચાલો ગમતું એકાદ કામ કરી લઇએ ” ગમતાનો કરીએ ગુલાલ”
  રેખા પટેલ (વિનોદિની )
 

image

આજ ખરેલા પાનની વાત કરું છું
સબંધોને ફરી તરો તાજા કરું છું
હું પાછો આવું કે ના આવું?
તારા તરછોડ્યાની વાત કરું છું
સબંધ તો બે હાથની તાલી છે દોસ્ત
આજે હું સઘળી સાંઠગાંઠ કરું છું
આજ કાલની દોસ્તીમાં,
છપ્પનિયા દુકાળની હામ ભરું છું
આમ તો ખાલી મળીયે ત્યારે
તું જોખીને તોલ મોલ કરું છું
યાદો પણ સાવ ગોફણ જેવી,
દૂર કરવા બમણું ખેચાણ કરું છું
ચાલ ને મળીયે આજ કારણ વિના
આજ હું બહુ જોર કરું છું.

રેખા પટેલ (વિનોદિની )

 

તું સુરજ બની પરોઢે પ્રસરે છે રંગો ભરી,
હું કિરણોથી મુજ જીવન ભરું તુજને અડી

તું જ ફરી ઊગવા થાકેલા સુરજને સાચવે છે
એમ હું મરણ પછી જન્મને પામું તુજને ભજી .

તું કરુણાનો સાગર થઇ હ્રદયે ઊછળે સદા.
સત્સંગ થકી કણમાં તારા ભળી થઈને નદી

રાહ જોઉ છુ વ્હાલા તુજની સદાય હર જગે,
વાટ જોતા મારું આયખું ખૂટે બસ તુજને નમી .

સંપૂર્ણ જગમાં અપૂર્ણતા મારા પ્રભુ તારા વિના
ચરણોમાં તારે સાચી મળે પૂર્ણતા તુજને વંદી.
રેખા પટેલ (વિનોદિની)

 

 

એક સાંજ

એક સાંજ
હજુ તો રંગીન હતી.
મસ્તીમાં સંગીન હતી
ક્યાંકથી વંટોળ વાયો.

ધેરું વાદળ દોડી આવ્યું
સૂરજ ડૂબતો છવાઈ ગયો
સાંજને કોઈ ગ્રહણ લાગ્યું
સઘળું રૂપ ઝંખવાઈ ગયું.

એક સાંજ,
ઢળવાને જેને વાર હતી
મનમાં ઘણી નિરાંત હતી
દિવસને જીવવાની ચાહ હતી
બાકી રહેલી ક્ષણોને.
મનભરીને માણવી હતી.

એજ સુખનો સમય હતો
જ્યાં મૃતપાય રહેલી ક્ષણોને
ફરી ફરી જીવંત કરવાનો.
પણ હાય રે ! કિસ્મત …..
થાકીને હારીને સાંજે,
ઓરડો છોડી દીધો.
બધુંજ સંકેલાઈ ગયું .
હવે અવનિ ઉપર અંધારાનું રાજ હતું.
રેખા પટેલ (વિનોદિની)

 

“કરેલા કર્મોની સજા”…રેખા પટેલ

 કરેલા કર્મોની સજા”…રેખા પટેલ

આજથી ચાર વર્ષ પહેલા મનુ અને શારદા તેમનું નાનકડું ગામડું છોડીને તેમના પાંચ વર્ષના દીકરા ગણેશનાં ભવિષ્ય માટે અમદાવાદમાં રહેવા આવ્યા. તેનાજ ગામના એક ઓળખીતા મહેશને કારણે એક સરકારી હોસ્પીટલના ચપરાસી તરીકે મનુને કામ મળી ગયું. સાથે નજીકની વસ્તીમાં તેમને એક રહેવા લાયક ખોલી મળી ગઈ.  શારદા ઘરના બેઉ છેડા ભેગા કરવા આજુ બાજુમાં બે ઘરકામ બાંધી આવી હતી. ગણેશ નિશાળમાં જાય અને પાછો આવે ત્યાં સુધીમાં કામ પતાવી ઘેર આવી જતી.અને મનુ પણ સવારમાં જાય તે છેક સાંજે પાછો ઘેર આવતો. સરસ મઝાનો સંસાર તેની ગતિએ ચાલવા લાગ્યો હતો.   હવે અહી આવ્યાને તેમને બે વર્ષ પૂરા થયા હતા. હોસ્પીટલમાં ડોકટરોને રુવાબથી ફરતા જોઈ મનુના દિલ દિમાગમાં એક સ્વપ્નું આકાર લેવા માડ્યું, વ્હાલસોયા દીકરાને ડોક્ટર બનાવવાનું સપનું મજબુત થતું જાતું હતું. પણ સપના પુરા કરવા પુરતી બચત થતી નહોતી.એવામાં સાથે કામ કરતો મહેશ એક કીડો મગજમાં નાખી ગયો કે ગેરકાયદેસર કામ કરીને પૈસા કેમ કમાઇ શકાય …

કહેવાય છે ને કે સંગ તેવો રંગ. હવે મનુ પણ મહેશની વાતોમાં આવી ગયો. કારણ બાદ હવે તેને જન્મેલા સ્વપનને એક વટવૃક્ષ બનતા જોવું હતું.

અહી તેમણે ગેરકાયદેસર રીતે કામ સરકારી દવાખાનામાં આવતા બ્લડ બેન્કના લોહીના બાટલા અને સરકારી દવાઓને તેમને નજીકની ખાનગી હોસ્પીટલમાં ખાનગી રીતે પહોચાડી દેવાના રહેતા. બદલામાં તેમને નક્કી કરેલી રકમ મળી જતી. મોટી  હોસ્પિટલ અને અહી ચાલતી અંધાધુંધીમાં તેમની આ ઘાલમેલની કોઈને ખબર પડતી નહી.આમને આમ  ત્રણ વર્ષ નીકળી ગયા.

એક સાંજે ગણેશ રડતો પગ પછાડતો પાસે આવ્યો ” બાપુ બધા છોકરાઓ પાસે સાઇકલ છે અને તે બધાય સ્કુલમાં સાઇકલ ઉપર આવે છે,મને એક સાઇકલ જોઈએ છે”  મનુએ તેનો હાથ પકડીને પ્રેમથી સમજાવ્યો કે”બસ હવે રડવાનું બંધ કર.આ મહિનાનો પગાર આવશે એટલે હું તને સાયકલ અપાવી દઈશ.”   “મહેશ મારે ચાર પાંચ હજાર જોઈએ છે.” કામ ઉપર આવતાની સાથે મનુએ મહેશને વાત કરી.

મહેશે તેને એક સૂઝાવ આપ્યો “જો એક ખાનગી હોસ્પીટલમાં એક મોટા માણસની સર્જરી  થવાની છે એમને એબી નેગેટીવ બ્લડ ગ્યુપની બે બોટલ જોઈએ છે.અને આપણી પાસે પણ બેજ બોટલો વધી છે. તું જો તારા જોખમ  ઉપર આ બે બોટલ આપી આવે.તો ચાર હજાર તને આરામથી મળી જશે,બોલ તૈયાર છે આ કામ કરવા?”

મનુની નજર સામે ગણેશનો ખુશ ખુશાલ ચહેરો તરવરી ઉઠ્યો અને લાંબો વિચાર કર્યા વિના તેણે હા કહી દીધી. બીજા દિવસે કહ્યા પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં એ લોહી પહોચાડી આવ્યો. અને બદલામાં કડકડતી ચાર હજારની નોટો ખિસ્સામાં લઇ નવી સાઇકલ ખરીદીને ઘેર પહોચી ગયો.

સવારે જરા સાચવીને રસ્તો ક્રોસ કરજે..બહું ફાસ્ટ ના ચલાવતો..એવી સલાહો આપીને મનુએ ગણેશને નિશાળે રવાના કર્યો અને પછી દવાખાને પહોચી ગયો. થોડીવારમાં એક રીક્ષા વાળો એક લોહી નીતરતા છોકરાને ઉચકીને અમારી હોસ્પીટલમાં હાંફતો દોડી આવ્યો ” ભાઈ સ્ટ્રેચર લઇ આવો આ છોકરનો જીવ જવાની અણી ઉપર છે.” મનુ ને ત્યાં કામ કરતો જોઈ એ બુમ પાડવા લાગ્યો. તેને આમ ગભરાએલો જોઈ મનુ દોડીને સ્ટ્રેચર લઇ સામો ગયો અને પેલા છોકરાને એમાં સુવાડ્યો. પણ આ શું? આ જોઇને તે  ચક્કર ખાઈ ત્યાંજ ઢગલો થઈ ગયો.. મારો ગણેશ..મારો ગણેશ..બોલીને મોટેથી મનુએ મોટી પોક મુકી. ગણેશની હાલત જોઇનેડોકટરો દોડી આવ્યા. તરત ઓપરેશન માટે લઇ જવાયો.પૂછપરછમાં જાણવા મળ્યું કે ગણેશ તેની નવી આવેલી સાઇકલ ઉપર ઝડપી ગતિએ સ્કુલે જતો હતો અને કોઈ ટેમ્પાવાળાએ એને ઠોકર મારી દીધી. તેને માથામાં સખત માર વાગ્યો હતો. પગેપણ ફ્રેકચર થયું હતું અને એનું ખાસું લોહી વહી ગયું હતું. આથી સર્જરી કરતા તેને લોહીની તાત્કાલિક જરૂર પડી …. ડોક્ટર મહેતા બહાર આવી મને કહેવા લાગ્યા,”જા મનુ નર્સ સાથે જઈને કોલ્ડરૂમમાંથી “એબી નેગેટીવ” બ્લડનો બાટલો લઇ આવ”.   ડૉકટરની વાત સાંભળી મનુના શરીરનું લોહી સુકાઈ ગયું હોય તેવું લાગવા લાગ્યું. એ જાણતો હતો કે અંદર એબી નેગેટીવ બ્લડ બાકી નથી રહ્યું.

કોલ્ડરૂમમાથી હાફળી ફાફળી દોડતી આવીને નર્સ બોલ “ડોક્ટર સાહેબ,અંદર આ ગ્રુપની એક પણ બોટલ બાકી નથી.”   શું ?એક પણ નથી હવે શું કરીશું આ છોકરાનું બહુ લોહી વહી ગયું છે તેને બચાવવો ભારે થઈ પડશે ” ડોક્ટર આટલું બોલીને અંદર દોડ્યા. મનુનું બ્લડ ગ્રુપ ચેક કરતા મેચ નાં થયું.અને શારદાને અહી બોલાવવાનો સમય હાથમાં નહોતો. હવે મનુને તેણે કરેલા કૃત્યો ઉપર મનોમન પસ્તાવા સિવાય કોઈ રસ્તો દેખાતો નહોતો. તે તેની જાતને કોસતો હતો.      “હે ઈશ્વર! મારા કરેલા ખરાબ કામોની સજા મારા દીકરાને નાં આપીશ” તે કરગરી ઉઠ્યો. તેની આવી મનોદશા કોણ જાણે કેટલો સમય રહી હશે. અચાનક તેના ખભા ઉપર એક હુંફ ભર્યો હાથ પડ્યો તે હાથ ડોક્ટર મહેતાનો હતો

“ મનુ….,હવે કશી ચિંતા નહી કરતો.તારા દીકરાનું ઓપરેશન સારી રીતે થઇ ગયું છે, ડોક્ટર પટેલનું લોહી એબી નેગેટીવ  હોવાથી તેની વ્યવસ્થા થઇ ગઈ હતી.” આટલું સાંભળતાં મનુના જીવમાં જીવ આવ્યો. મનોમન તેણે કરેલા કર્મો ઉપર તે પસ્તાવો કરી રહ્યો હતો અને સાથેસાથે એ આ ડોક્ટરોની મહાનતાને મનોમન વંદી રહ્યો હતો.

 

રેખા પટેલ (વિનોદિની) ડેલાવર (યુએસએ )

 

મોડર્ન દેખાવ સાથે વિચારોની આઘુનિકતા વિચારોમાં પણ બહુ જરૂરી છે

IMG_6907મોડર્ન દેખાવ સાથે વિચારોની આઘુનિકતા વિચારોમાં પણ બહુ જરૂરી છે

“માત્ર લુક બદલવાથી મોર્ડન થવાતું નથી. મોર્ડન દેખાવ સાથે વિચારોથી પણ આઘુનિક બનવું પણ જરૂરી છે”. પહેલા સમાજ સંકુચિત માનસ ઘરાવતો હતો પરંતુ હવે સમય સાથે સમજ અને શિક્ષણ વધતાં સમાજ પણ આધુનિક બન્યો છે.

એ સમય અલગ હતો કે વિધવાનુ લેબલ લાગી જાય કે ત્યક્તાનુ પછી સ્ત્રીનુ જીવન નર્ક બની જતુ.  પહેલાં પતિપત્ની વચ્ચે એકબીજા મન કે તનના કજોડાં હોય તો પણ  મને કમને આખી જીંદગી વિતાવી દેતા.  હવે જમાનો બદલાયો છે સાથે સમજ પણ પણ બદલાઈ છે. આજના સ્ત્રી પુરુષો બહુ ઝડપથી જોડાઈ જાય છે, નાં ફાવતા છુટા પણ પડી જાય અને ફરી નવી જિંદગીમાં ગોઠવાઈ જાય છે. પણ આ તોજ શક્ય બને છે જો વિચારોમાં ઉદારતા દાખવે.
હમણાં થોડા દિવસ પહેલા હું રેસ્ટોરન્ટમાં ડીનર માટે ગઈ હતી. ત્યાં વર્ષો પહેલા મારી બાજુમાં રહેતી સ્ટેસીને જોઈ. મને તેની સાથે બહુ બનતું આથી તેને જોઈ હું ખુશ થઈ. અમારી નજર એક થતા હું તેના ટેબલ પાસે ગઈ.
” હેય સ્ટેસી હાઉ આર યુ ?” કહી મેં હાથ લાંબો કર્યો ,બદલામાં ” હેય વોટ એ સરપ્રાઈઝ ” કહેતા હગ આપી.
અમને સ્ટેસી અને તેના હસબંડ  જહોન સાથે સારૂ બનતું કારણ મારી દીકરી અને તેની દીકરી ગ્રેસ લગભગ સરખી ઉંમરના હોવાથી સાથે રમતાં , પરતું આજે નવાઈ ત્યારે લાગી જ્યારે સ્ટેસીએ સામે બેઠેલા એક અમેરિકન યુવાન સાથે મારો પરિચય ” મિટ માય હસબંડ બ્રાયન ” કહી કરાવ્યો.
મેં હલ્લો કરવા હાથ લંબાવ્યો પરતું મારા મનમાં કેટલાય સવાલો જન્મી ગયા.
“હેવ એ સીટ” કહી તેણે મને બેસવા ઈશારો કર્યો , હું બે મિનીટ તેની સાથે વાત કરવા બેસી ગઈ.
સામેની ચેરમાં ગ્રેસ બેઠી હતી જે બહુ મોટી લાગતી. બાજુમાં તેનાથી આઠ દસ વર્ષ મોટી એક યુવતી હતી બાજુમાં ત્રણ વર્ષ નાનો એક બોય બેઠો હતો , સ્ટેસીએ તેમની ઓળખાણ કરાવતા કહ્યું આ મારો દીકરો મેટ અને આ મારી સ્ટેપ ડોટર રેચલ.
હું આ બધું જોઈ હજુ વિચારતી હતી કે આ ત્રણ બાળકોને એકમેક સાથે કેવું અને કેટલું જોડાણ હશે? કેટલી લાગણી એકમેક માટે હશે ? ત્યાંતો પેલા નાના મેટના હાથ માંથી કોક ભરેલો ગ્લાસ છટકી ગયો અને તેના કપડા ઉપર ઢોળાયો ,તેનો ચહેરો રડવા જેવો થઈ ગયો. હજુ સ્ટેસી કઈ પણ બોલે તે પહેલા તેની સ્ટેપ ડોટર રેચલ ઉભી થઈ ગઈ ” ડોન્ટ વરી આઈ વિલ ટેક કેર ઓફ હીમ , લેટસ ગો જુનિયર વી વીલ ક્લીન ઓલ મેસ ” કહી પ્રેમથી તેનો હાથ પકડી ચાલવા લાગી,  તેને જતાં જોઇ ગ્રેસ પણ પાછળ દોડી. ક્યાય કોઈ સીન ક્રિયેટ ના થયો કોઈના ચહેરા ઉપર અણગમો નહોતો જાણે કઈજ બન્યુ નહોતુ .
 મારી આંખોમાં ઘણા બધા સવાલો તરતા હતા જે સ્ટેસીની નજરમાં આવી ગયા.”સીયુ સમ અધર ટાઇમ” કહી હું ઉભી થઇ મારા ટેબલ તરફ જવા નીકળી છતાય વિચારોમાં એ ફેમીલી હતુ કારણ હું જ્હોન અને સ્ટેસીને બહુ સારી રીતે જાણતી હતી.
             મારા આશ્ચર્ય વચ્ચે બીજાજ દિવસે સ્ટેસીનો ફોન આવ્યો. તેની સાથેની વાતચીતમાં જાણવા મળ્યુ કે તેની અને તેના પહેલા હસબંડ જહોનની લાઈફ સ્ટાઈલ અલગ હતી આથી તેમની વચ્ચે કાયમ મતભેદ રહ્યા કરતા હતા, એવામાં જહોનની લાઈફમાં કોઈ બીજી સ્ત્રી આવી જતા વાત વણસી ગઈ. અને તેમણે ડિવોર્સ લઈ લીધા.
ત્યારબાદ તેણે તેની સાથે કામ કરતા બ્રાયન સાથે ફરી મેરેજ કર્યા. બ્રાયનની પહેલી વાઈફથી જે ગર્લ હતી તે રેચલ, અને સ્ટેસીની દીકરી ગ્રેસ, બંનેએ તેમને પ્રેમથી સ્વિકારી લીધા હતા. તેમની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ્ભાવ ના રાખવાને પરીણામે તે બંને ગર્લ્સ બહુ ઝડપથી એક્બીજાની નજીક આવી ગઈ. પરીણામે આજે બંને સાવ અલગ હોવા છતાં સગી બહેનોની જેમ પ્રેમથી રહેતી હતી. આજના જમાનામાં લોકોની સમજ અને વિચારો બ્રોડ થતાં ગયા છે આથી સમાજ પણ આવા સબંધો ઝડપથી અપનાવી લે છે.
પશ્ચિમની સંસ્કૃતિનો આ એક પ્લસ પોઇન્ટ કહી શકાય કે જે નકામુ લાગે તેને પરાણે વળગી રહેવાનુ છોડીને આગળ વધી જવાનુ અને જે નવું મળે તેને જુના સાથે ભેળસેળ કરવાનું રહેવા દઈ મુવ ઓન  દ્વારા પ્રેમથી અપનાવી લેવાનું . જરુરીઆત પ્રમાણે સ્ત્રી પુરુષ ઝડપથી એકમેકની નજીક આવી જતા હોય છે પરંતુ બાળકો ને એક કરવા અઘરું છે. આ કરવા માટે સહુ પહેલા તેમની વચ્ચેનો ભેદ્ભાવ મિટાવી દેવો જરૂરી છે. તેમને એક સમાન પ્રેમ આપવામા આવે તો તેઓને પણ રિલેશનને સમજતા વાર નથી લાગતી.
 સબંધોમાં વિશ્વાસ અને સમજણની ઉદારતા બહુ જરૂરી છે. આ સમજણ એક એવી સ્થિતિ છે જે અજ્ઞાનતા દૂર કરી ગમે તેવી વિકટ પરિસ્થિતિને હળવી બનાવી શકે છે. બરાબર એમજ જાણે આપણા જીવનના કોમ્યુટર ને વાઈરસથી બચાવવા ઇન્સ્ટોલ કરેલી એન્ટીવાઈરસ સીસ્ટમ.
રેખા વિનોદ પટેલ (યુએસએએ)

 

ટચાક ટચ કઈ ફૂટે છે.

કાવ્ય:
ટચાક ટચ કઈ ફૂટે છે.
હળવે આંગળીઓ ધ્રુજે છે.
જરાક સરખી હલચલ થી,
સઘળી અંગડાઈ તૂટે છે.
અહલ્યા થઈને બેઠેલી
લાગણીઓ સૂતી ઉઠે છે.
ભ્રમ તોડીને બહાર આવું
એને એ વાત વધારે ખુચે છે.
ટચાક ટચ કઈ ફૂટે છે.
એક તેજ લીસોટો નીકળે છે
અંધારું પળમાં વછૂટે છે.
તળાવ સરીખા મન મારામાં
તરવરીયા તરતા સપના છૂટે છે
મહી બેઠી’તી જળસુંદરી
એ ફરી મન મારાથી રૂઠે છે.
કંઈક ઝાંખી આંખોમાં ખૂટે છે
ટચાક ટચ કઈ ફૂટે છે.

રેખા પટેલ (વિનોદિની)

 

ચિલ્ડ્રન કાઉન્સીલીન્ગ શો “લેટ્સ ટોક “

ચિલ્ડ્રન કાઉન્સીલીન્ગ શો  “લેટ્સ ટોક ” આજના આધુનિક અને દેખાડા ભર્યા યુગમાં અનેક મહત્વકાંક્ષાઓ વચ્ચે પોતાના માન અને મોભાને સાચવી રાખવા કે પછી ઘર સંસારની જરૂરીઆત પૂરી કરવા માટે કામ કરતાં …

Source: ચિલ્ડ્રન કાઉન્સીલીન્ગ શો “લેટ્સ ટોક “

 
Leave a comment

Posted by on April 14, 2016 in Uncategorized

 

ચિલ્ડ્રન કાઉન્સીલીન્ગ શો “લેટ્સ ટોક “

IMG_6534ચિલ્ડ્રન કાઉન્સીલીન્ગ શો  “લેટ્સ ટોક “
આજના આધુનિક અને દેખાડા ભર્યા યુગમાં અનેક મહત્વકાંક્ષાઓ વચ્ચે પોતાના માન અને મોભાને સાચવી રાખવા કે પછી ઘર સંસારની જરૂરીઆત પૂરી કરવા માટે કામ કરતાં પતિ અને પત્નીને તેમની ખુશીઓ સાથે સમયનું પણ બલિદાનકરવું પડે છે.આવી સ્થિતિમાં સહુથી વધારે બાળકો પીસાય છે.
“આજની નવી જનરેશનનું થીંકીંગ માતા પિતા કરતા અલગ હોય છે. આવી પરિસ્થિતમાં તેમને ઘણું કહેવું કે પૂછવું હોય છે પરંતુ કોને પૂછે? જ્યારે આમ નથી બનતું ત્યારે તેઓ મનોમન કોચવાય છે અને ક્યારેક દેખાદેખીથી લીધેલા માર્ગમાં ખુદ અટવાઈ જાય છે”.
પહેલાનાં સમયમાં મા કે દાદા દાદી ઘરમાં કાયમ હાજર રહેતા આવા વખતમાં બાળકો પોતાને સલામત અનુભવતા અને મનમાં જાગતા દરેક પ્રશ્નોને તરત પૂછી અને એનું નિરાકરણ મળી જતું. આજે બહારથી એક લાગતી બે પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે. અને તેમની વચ્ચે આ જનરેશન ગેપ નામની દીવાલ મજબુત બનતી જાય છે. પરિણામે બાળકો માબાપને,અને માબાપ બાળકોને સમજી શકતા નથી. આની વધારે પડતી અસર  બાળકોના મગજ ઉપર પડતી જાય છે .
થોડા સમય પહેલા પેન્સીલવેનિયામાં બનેલા બનાવની વાત કરું તો,વેલ્ઘી અમેરિકન ક્રિશ્ચિયન ફેમીલીનો એકનો એક દીકરો હતો,શોન જે સારું ભણ્યો હતો. પરંતુ તેને કોઈ ગલફ્રેન્ડ નહોતી તેથી પેરેન્ટ્સને કઈ અજુગતું લાગતું હતું. તેથી તેની ઉપર લગ્ન માટેનું દબાણ વધાર્યું. માં બાપ અજાણ્યા હતા કે તેમનો દીકરો શોન ગે હતો. ત્યારે આજના જેવી હોમેસેક્સ્યુઅલ રીલેશનની છૂટ નહોતી. અને મનની વાત માબાપને કહી શકતો નહોતો, સાચી સ્થિતિ સમજાવવામાં તે નિષ્ફળ ગયો અને કોઈ ઉગ્ર માનસિક સ્થિતિમાં તેણે આત્મહત્યા કરી લીઘી.
જ્યારે તેના માબાપને આ વાત જાણવા મળી ત્યારે તેઓ પોતાને પણ દોષી માનવા લાગ્યા. પરિણામે તેમણે એક  ફાઉન્ડેશનની રચના કરી. જેનાં પગલે તેઓએ ઘણી બધી સ્કુલોમાં એક અનોખા પોગ્રામ “લેટ્સ ટોક” ની શરૂઆત કરી.
આજ પ્રોગ્રામ હેઠળ પેન્સીલવેનિયાના ગાર્નેટવેલીની મિડલ સ્કુલના બાળકોને એકઠાં કર્યા. એક રૂમમાં 20 બાળકો સાથે ૧૦ પેરેન્ટ્સ મુક્યા. તેઓ આ બાળકોને જાણતા નહોતા. જે બાળકો પોતાના મનની વાત પોતાના પેરેન્ટ્સ ને નથી કહી શકતા તે બધુ જેમ કે ગુસ્સો ,દુઃખ,મૂંઝવણ અહી અજાણ્યા સામે આસાનીથી વ્યક્ત કરી દેતા.
આ “લેટ્સ ટોક” ના પ્રોગ્રામમાં હાજર મારી ફ્રેન્ડના જણાવ્યા પ્રમાણે એક બાર તેર વર્ષના છોકરાને પૂછવામાં આવ્યું કે ” તને સ્ટ્રેસ થાય તો શું કરે છે?”  ત્યારે તેનો જવાબ આવ્યો કે ” હું શાવર લઉં છું, ક્યારેક તો બે ત્રણ વાર શાવરમાં જાઉં છું અને આમ કરવાથી મને ગુડ ફિલ થાય છે.” આ ઉપર થી આપણે પણ સમજી શકીએ કે બાળકો આમ કેમ કરે છે.
એક ભારતિય છોકરીને સવાલ કરવામાં આવ્યો કે “તું ઘરે તારી રૂમ બંધ કેમ રાખે છે” ? તો જવાબમાં તેને કહ્યું કે “મારા માબાપ હું કોની સાથે વાત કરું કોને મેસેજ કરું છું એ બધા ઉપર બહુ ધ્યાન રાખે છે. તેમને ખબર હોય છે હું મારા ફ્રેન્ડસને જ મેસેજ કરું છું છતાં પછી વારેવારે પૂછે કે કોણ છે?  આ બધાથી બચવા હું ડોર લોક રાખું છું.”
તો એક બીજી છોકરાની મનોવ્યથા કઈ અલગ હતી. સ્કુલમાં તેના કોઈ મિત્રો નહોતા કારણ તે કોઈ સાથે સરખી રીતે વાત કરી શકતો નહોતો, દરેક વખતે તેને એવું ફિલ થતું કે બધા તેની સાથે ચિટીંગ કરે છે. કારણ તેના પેરેન્ટ્સના ડિવોર્સ થયા હતા ત્યારે તે પાંચ વર્ષનો હતો અને ત્યારે બંને વચ્ચે થતા ઉગ્ર ઝગડાઓ તેના મગજ ઉપર અવળી અસર કરી ગયા હતા.
આ બધી વાતો સાંભળીને તેમને યોગ્ય સલાહ આપવામાં આવે છે અને આ રીતે એમના પ્રોબ્લેમ્સ અને મુંઝવણનું સોલ્યુશન થાય છે. અહી દરેક સ્કુલમાં ચિલ્ડ્રન કાઉન્સેલર એપોઇમેન્ટ કરાએલ હોય છે. તેની અલગ ઓફીસ હોય છે. જ્યાં બાળકો પોતપોતાની નાની મોટી સમસ્યાઓ લઈને જતા હોય છે અને ત્યાં તેમને શાંતિથી સાંભળે છે અને તેમને ગાઈડ કરે છે. અહી બાળકો પોતાની સ્ટડીથી લઇ ફ્રેન્ડસ સાથેના ઝગડા કે ઘરનાં નાનામોટા દરેક પ્રશ્નો વિષે ખુલ્લા મને ચર્ચા કરી શકે છે.
આ બધી વાતો સાવ સામાન્ય લાગે છે પરતું આજની જનરેશનને જાણવી સમજાવી હોય તો તેમની પાસે જવું જોઈએ. પહેલાનો સમય અલગ હતો કે તેમને ધાકધમકીથી કાબુમાં રાખી શકતાં હતા. હવે તો સમજણા થતા બાળકોને મારવું કે સજા કરવું તો ઠીક ઉંચા અવાજે કહીએ તો  પણ અમેરિકામાં ” મેન્ટલી ટોર્ચર” નો ગુનો બની જાય છે. આ જનરેશનગેપ નામની ખાઈને પાર કરવા તેમના જેવું બનવું અને તેમને સમજવા જરૂરી છે.
-રેખા વિનોદ પટેલ (યુએસએ)