આવતી કાલનાં સોનેરી સ્વપ્નાં જોતા બાળકોને પેરન્ટ્સ ના પરિશ્રમ ભર્યા ભૂતકાળ થી વાકેફ કરવા ખાસ જરૂરી હોય છે. કારણ જો દુઃખનો અહેસાસ નાં થયો હોય તો સુખનું મહત્વ સમજાતું નથી. અને જ્યાં સુધી તેઓ આ વાત સમજી ના શકે ત્યાં સુધી મળેલા સુખની તેમને મન કોઈ કિંમત જણાતી નથી.
જોય અને રેવા ગુજરાતી પરિવારના અમેરિકન બોર્ન બાળકો છે. તેમના પેરન્ટ્સ આજથી બાવીસ વર્ષ પહેલા ચાર બેગોમાં ઘરવખરી અને જરૂરી મસાલા અને કપડાં લઈને અમેરિકાની ઘરતી ઉપર પગ મુક્યો હતો. અમેરિકામાં નાનકડાં ભાડાનું ઘર લઇ પોતાના રોજીંદા ઘરખર્ચ માટે બંનેએ નોકરીમાં ભારે મહેનત કરી હતી. આ દરમિયાન મોજશોખ શું છે એ પણ તેઓ ભૂલી ગયા હતા. ત્યાર બાદ પોતાનો આગવો ઘંઘો ખરીદયો. એમાં પણ દિવસ રાત જોયા વિના રોજના ૧૦ થી ૧૨ કલાક કામ કરતા બાળકોને ઉછેર્યા. તેમની મહેનત અને બુધ્ધિના કારણે તેઓ ઘણું સારું કમાતા થયા હતા. શરૂઆતના મુશ્કેલી ભર્યા દિવસો તેમને આજે પણ યાદ છે. તે સમયે પડેલી અગવડ બાળકોને ના પડે એવું વિચારી તે લોકો જોય અને રેવાને બધાજ સુખ આપતા, તેમની દરેક માંગ પૂરી કરતાં. હવે ટીનેજર બનેલા આ બંને બાળકોને દરેક બેસ્ટ વસ્તુઓ લેવાની આદત પડી ગઈ છે . કપડાં થી લઇ કાર સુધી બધુજ બ્રાન્ડેડ માંગતા. જોયને તેની ચોઈસની પહેલી જીપ લાવી આપી હતી, હવે રેવા સિક્સટીન થતા તેણે પણ મોંઘી કારની માંગણી કરી.
પ્રોબ્લેમ અહી એ વાતનો હતો કે હાલની પરિસ્થિતિ પ્રમાણે ઘંઘામાં ખાસ વળતર મળતું નહોતું. આથી તેઓને પણ વધારાના ખર્ચમાં ડોલરની ખેંચ રહેતી. પરંતુ બાળકોને આ વાતની જાણ નહોતી. આથી અજાણતાં તેઓ પોતાની વિશ પૂરી કરવા જીદ કરતા. નાની મોટી વસ્તુઓ તો તેમના પેરન્ટ્સ તેમને ભીડ વેઠીને પણ લાવી આપતા. પરંતુ આ વખતે કાર માટે તેના ડેડીની સ્પષ્ટ નાં થતા રેવાને લાગ્યું કે મોમ ડેડ ભાઈનું બધું ગમતું બધું કરે છે કારણ તે બોય છે . અને તે ગુસ્સામાં બધાથી અતડી રહેવા લાગી.
રેવાની મોમ આખી વાતને સમજી ગઈ, છેવટે તેણે લાગણીમાં નાં ખેચાતાં બાળકોને આજની સ્થિતિ થી વાકેફ કરવાનું ઉચિત માન્યું . આજના બાળકો જેટલા જીદ્દી અને ફેશનેબલ હોય છે તેટલીજ સ્થિતિને સમજી શકવાનાં ગુણ ઘરાવે છે. તેની મોમે જ્યારે અમેરિકા આવેલા ત્યારે તેમને પડેલા હાર્ડ ટાઈમ થી લઇ આજની પરિસ્થિતિ સુધીની આખી વાત ડીટેલ માં સમજાવી. રેવા સાથે જોય પણ આખી વાતને સમજી ગયો. બંનેને સાચી સ્થિતિનું ભાન થતા તેઓએ જાતેજ પોતાના ખોટા ખર્ચા ઉપટ કંટ્રોલ લાવી દીધો.
આજકાલ સ્ટેટસ અને ફેશનના નામે કેટલાય ખોટા ખર્ચા થતા રહે છે. વસ્તુ તેની કીંમત કરતા કઈ કેટલી ગણી મોંઘી બ્રાન્ડના નામે વેચાય છે. કેટલીક વખત તો કવોલીટીના નામે કઈજ હોતું નથી છતાં બેસ્ટ દેખાવા દેખાદેખી ખરીદી થાય છે. દેવું કરીને જાત્રા નાં કરાય વાતને જાણતા હોવા છતાં પોતાની જાતને સોસાયટીમાં મોર્ડન અને રીચ દેખાવા દેવું કરતા દંભી સમાજ અચકાતો નથી. આજ રીતે મિત્રો વચ્ચે પોતાનું સ્ટેટસ જાળવી રાખવા કેટલાક બાળકો ક્યારેક તેમની માંગ પૂરી નાં થતા ચોરી કરતાં પણ અચકાતા નથી.
રેખા વિનોદ પટેલ(યુએસએ)