
પ્રિય શાલીની ,
તને યાદ કરતા મને મારું બચપણ યાદ આવી યાદ આવે છે મસ્તી ભર્યું આપણું સમર વેકેશન કારણ તું અને હું શહેરમાં ભણતા હતા અને ઉનાળાની રજાઓ પડતા ગામ આવી જતા કારણ હતું અહીના લીલાછમ ખેતરો અને ખળખળ વહેતી મહીસાગર નદીનો કિનારો,
સખી ,બાળકોને લઇ અમે આ સમરમાં કેલીફોર્નીયાના નેવાડા સ્ટેટમાં ગયા હતા. ત્યાંથી શરુ કરાએલી મારી જર્ની વીશે કેટલીક રસપ્રદ વાતો કહેવા માગું છું કારણ હું જાણું છું તને પણ મારી જેમ નેચર સાથે પ્રીત છે..
બાજુ બાજુમાં આવેલા સ્ટેટમાં સાવ અલગ અલગ રીતે કુદરતે પોતાના પાથરણાં પાથર્યા છે તું વાંચીને પણ અલગ અનુભૂતિ કરીશ તેવી આશા છે। શાલીની નેવાડા એટલે બહુ ચર્ચિત લાસવેગાસ કસીનો નું શહેર જ્યાં રાત ઢળતી જ નથી ,રાતમાં આ શહેર નવોઢા જેવું શોભે છે, છતાં પણ મને આ શહેરની કેટલીક વાતો અરુચીકારક અને દુઃખી કરે તેવી લાગી , અને તે છે અહી ડોલર કમાવવા માટે ની સ્ત્રીઓની મજબુરી . અહી દેહ વ્યાપાર ખુલ્લે આમ ચાલે છે ,બહાર હસતી દેખાતી રૂપાળી સ્ત્રીઓની અંદરની મજબુરી મને સ્પર્શી જાય છે , તો વળી ઠેરઠેર સુંદર 18-20 વર્ષની છોકરીઓ સાવ ટુંકા બે અંતઃવસ્ત્ર પહેરેલા રાખી આવેલા પ્રવાસીઓ સાથે પિક્ચર ખેચાવી બે બે ડોલર ભેગા કરતી જોવા મળે છે.
શાલીની બે દિવસ રોકાઈ અમે કુદરતના બીજા રૂપને માણવાં મેમોથલેક્સ જવા નીકળ્યા ત્યારે વચમાં સિયેરા માઉન્ટેન ની ઇસ્ટ સાઈડે આવેલ ડેથવેલી આવ્યું , આ ડેથ વેલી એટલે દરિયાની સપાટીથી 282 ફૂટ નીચે આવેલ આ વેલીમાં હાઈએસ્ટ ગરમી નોધાય છે . સુકા પથરાળ એરિયામાં સરેરાશ 120 ફેરાનહીટ નોઘાય છે. 2013 ના જુન મહિનામાં 129 એટલેકે 54 સેલ્સિયસ સુધી પહોચી હતી, અમને 250 માઈલના ડ્રાઈવ દરમિયાન માંડ 50 કાર રસ્તામાં જોવા મળી હતી , સાવ ઉજ્જડ લાગતા આ રસ્તામાં ગામ કે ગેસ સ્ટેશન પણ આવતા નહોતા ,વધારામાં ફોન થી ટેવાઈ ગયા હોઈયે છે તેવા સમયમાં અહી ફોન પણ રેન્જ બહાર આવી જાય, સખી આવા સમયમાં ભગવાન યાદ આવે કેમ ખરુંને ?
પણ સાચુજ છે કે “દુઃખ પછી સુખ આવે ત્યારે તેની મીઠાશ કંઈક અનેરી લાગે” બરાબર આવું જ થતું જ્યારે અમે મેમોથલેક્સ પહોચ્યા આહા શું કુદરતે મન મુકીને સુંદરતા વેરી છે ,અને ત્યાં દસ હજાર ફૂર ઊંચા પર્વતોની વચમાં નાના મોટા 20 લેક થી ઘેરાએલા આ સ્થળને જોયું અને તું યાદ આવી ગઈ..
આ જગ્યા બરાબર આપણા કુલુ મનાલીની સુંદરતાને યાદ કરાવે તેવી છે ,આપણો ભારત દેશમાં સૌદર્યમાં ક્યા કોઈના થી કમ છે કેમ ?
પણ સખી સાચું કહું અહી સુંદરતા સાથે સ્વચ્છતા નો સુમેળ છે જે કુદરતને વધારે નિખારે છે , ક્યાય ગંદકી જોવા મળતી નથી , અહી અમેરિકન કરતા યુરોપિયન પ્રજા વધારે આવે છે ,ગામની વસતી 10000 હશે પણ પ્રવાસીઓ ની અવરજવરના કારણે અહીની વસ્તી સરેરાશ 22 થી 25 હજારની થઇ જાય છે . અહી સમર કરતા વિન્ટર ની બ્યુટી અનોખી હોય છે માટે સ્કી અને સ્નો સર્ફિંગ માટે ભારે ધસારો રહેતો હોય છે.
અમે તો સમરમાં ગયા હતા, મને યોસેમીતે ના ઈસ્ટ એન્ટ્રેન્સ પાસે આવેલા મોનો લેક નું અનોખું સૌદર્ય આકર્ષી ગયું હતું ,આ લેકની ખાસિયત તને ટુકમાં કહું તો આનું પાણી દરિયાના પાણી કરતા પણ વધારે ખારું છે એક લીટર પાણીમાં સરેરાશ 70 ગ્રામ સોલ્ટ મળે છે। હવે આટલા ખરા માની સાથે હવાને કાર્બનડાયોક્સાઈડ નાં મિશ્રણને કારણે ફોર્મેડ થઈને ટુફા એટલેકે લાઈમ સ્ટોન રચાય છે જેના કારણે લેકના કિનારે અદ્ભુત દ્રશ્ય સર્જાયું છે. જે દુરથી જાણે બાળપણમાં કહેવાતી પરી કથાના હવા મહેલ જેવુજ દેખાય છે .
આનાથી સાવ ઉલટું બસ 15 માઈલ દુર આવેલા સ્પ્રિંગ હોટ ક્રિક નામની જગ્યા ઉપર આવેલી ક્રિક માંથી વહેતા પાણીનું ટેમ્પરેચર 200 ડીગ્રી જેટલું છે ,થોડે દુર ઉભા રહીને પણ ઉકળતા પાણીનો અવાજ સંભળાય છે આનું કારણ છે નીચે જમીનમાં થી પસાર થતી વોલ્કેનો ટ્યુબ। સખી જોને કુદરતને કેમ કરી સમજવી. અહી એકજ સ્થાને અલગ અલગ સુંદરતાના અજુબા વેર્યા છે .
સખી મિત્રો વિના બધું સુખ ફીકું લાગે છે , અહી મારી સાથે મારી એક પ્રિય સખી હતી જેથી આ જગ્યાનું મહત્વ વધી ગયું હતું , પણ સાચું કહું તો હું તને યાદ કરતી હતી તેથીજ પ્રેમ સાથે આંખે દેખ્યો અહેવાલ તને આ પત્ર સાથે મોકલું છું .
“મિત્રો અને કુદરતનો સાથ જીંદગીમાં નવો જોશ અને તાજગી ભરીઆપે છે ,કુદરત પણ અઢળક સંપતિ આપણી ખુશી માટે છુટ્ટે હાથે વેરતો જાય છે અને સાચા મિત્રો પણ આપણા ભલા માટે બંને હાથ ખુલ્લા રાખે છે”.
ચાલ સખી હવે રજા લઉં બસ આમજ તને અહીની માહિતી આપતી રહીશ
-રેખા વિનોદ પટેલ
યુએસે