RSS

Monthly Archives: April 2015

માણસાઈને કોઈ સીમાડા નાં હોય ….

Displaying FullSizeRender.jpg

માણસાઈને કોઈ  સીમાડા નાં હોય …..

વ્હાલા પપ્પા .

કોણ જાણે આજે તમે મને બહુ યાદ આવી ગયા.કારણકે અમે નાના હતાં ત્યારથી  તમે અમને બીજાઓને મદદ કરવાનું શીખવતા આવ્યા હતા. તમે કહેતા હતા કે આજે આપણે કોઈને મદદ કરીશું તો કોઈ આપણને કાલે જરૂર હશે તો આવીને મદદ માટે ઉભું રહેશે.પછી આગળ તમે કહેતા કે બેટા,””આ પ્રકૃતિનો નિયમ છે એક હાથ લે તો એક હાથ દે.”

પપ્પા,તમે જાણો છો?આપણે બધા સાંજે પરવારીને આપણા વરંડામાં સાથે બેસતા હતા અને આડૉસી પાડોસીમાંથી કોઇને કોઇ આપણી સાથે બેસવાં આવી જતું હતુ.જ્યારે અહીયાં અમેરિકામાં સામાન્ય રીતે  સાંજ પડતા સહુ પોતપોતાના માળામાં ભરાઈ જાય છે.આખો દિવસ જોબ અને બીજા કામોમાં વ્યસ્ત લોકો સાંજે ઘરના સભ્યો સાથે થોડો બચેલો સમય વિતાવવા ઉતાવળા થતા હોય તે સ્વાભાવિક છે.આ જ કારણોસર આપણા દેશની જેમ લોકો એકબીજા સાથે બહુ હળતા મળતા નથી.સાંજ પડતા બહાર ઓટલે બેસી ટોળાંટપ્પા કરતા નથી.

પણ પપ્પા ! સમરમાં સાંજે થોડો સમય મળી જાય તો ક્યારેક આજુબાજુ રહેતા લોકો સાથે હાય હલ્લોનો સબંધ બંધાઇ છે.

પપ્પા,શરૂ શરૂમાં તો મને અહી બહુ અતડું લાગતું હતુ.મને થતું કે આ બધા જાણી જોઇને મારી સાથે નથી બોલતા.કારણકે હું ઇન્ડિયન છું.તો હું પણ જાણી જોઈ તેમની સાથે એક અંતર રાખતી હતી.હું વિચારતી કે હું ઇન્ડિયન છું તો શું થયું મને પણ મારૂં ઇન્ડીયન હોવાનું અભિમાન છે અને મને કોઈની જરૂર નથી. એ પછી હું પણ મારા કોચલામાં પુરાઈ રહેતી અને તમારી શીખ ભૂલી બધા સાથે માત્ર હાય હલ્લોનો સબંધ રાખતી હતી.ત્યાર બાદ ધીમેધીમે વરસો જતાં  મને સમજાયું કે આ તો અહીનો રીવાજ છે કે કોઈને કારણ વગર ડીસ્ટર્બ નાં કરવા જોઇએ.

પપ્પા,ગઇ કાલે રાત્રે અહી વાવાઝોડાની આગાહી થઇ હતી.પાછળ ડેક ઉપર મુકેલા ખુરશી ટેબલ બધું અંદર લઇ આવવાની ચેતાવણી વારેવારે ટીવી ઉપર આવતી  હતી.જેથી તેમાંની કોઈ વસ્તુ ઉછળીનેને બારી કે બારણાંના કાચ સાથે અથડાઇને બારી બારણાનાં કાચને તોડીને નુકશાન ના કરી શકે.તમારા જમાઈ કામ ઉપરથી બહારગામ ગયા હતા તેથી એ પણ  બીજા દિવસે આવવાના હતા.રાત્રીના આઠ વાગ્યા હતા.હું જાતે બધું સરખું કરવા બહાર ગઈ.

બહાર ડેક ઉપર પડેલી લાકડાની ભારે બેન્ચને ખસેડતા મારી આંગળી તેમાં ફસાઈ ગઈ અને હું ચીસ પાડી ઉઠી ત્યારે, મને લાગ્યું કે મારી આંગળી કપાઈ ગઈ. મારી ચીસ સાંભળી નાનકડી આપણી આઠ વર્ષની રીના દોડતી આવી. પછી કોણ જાણે રીનાને શું સુઝ્યું તે દોડીને બાજુમાં રહેતા જ્હોન અને તેની વાઈફ કેથીને બોલાવી લાવી બંને દોડતા આવી ગયા હતા.મારી આંગળીને પરાણે લાકડાના પક્કડમાંથી છોડાવી આ દરમિયાન જ્હોનની આગળીમાં બેન્ચની એક ખીલી ઘુસી ગઈ હતી તેને પણ લોહી દદડતું હતું પણ બંને પતિપત્ની તેની દરકાર કર્યા વિના મારી આગળી ઉપર બરફ લગાવી મને તાત્કાલિક સારવાર આપવામાં વ્યસ્ત રહ્યા.

જે જહોન અને કેથી સાથે હું ખાસ વાત પણ નહોતી કરતી તે મોડી રાત સુધી પોતાના નાના બાળકોને ઘરે એકલા રાખી મારી સારવાર કરતા રહ્યા.મારી આંગળીનો જે સોઝો ચડ્યો હતો એ  સહેજ ઓછો થતા છેવટે મારા કહેવાથી ઘરે પાછા  વળ્યા.

પપ્પા નવાઈની વાત તો એ હતી કે બીજે દિવસે સવારે કેથી સવારના પહોરમાં ટી પોટમાં અમેરિકન સ્ટાઈલની લીપ્ટન ટીની પડીકી વાળી ચાય સાથે ગરમ કેક બેક કરી મારી માટે લઈને ઘરે આવી.આજે પહેલી વાર મને તમે અને મમ્મી બહુ યાદ આવ્યા અને તેને હગ કરતા મારી આંખોમાં આંસુ આવી ગયા હતા.

પપ્પા કોણ કહે છે માણસાઈ ફક્ત દેશમાં જ છે અહી પરદેશમાં પણ મને દેશનો અનુભવ સતત થતો રહે છે .

મારી આંખો માંથી આંસુ વહેતા હતા ,આ આંસુ દર્દના નહિ પણ પસ્તાવાના હતા કે આટલા સારા માણસો માટે હું કેવું વિચારતી હતી.આજે મને તમારા શબ્દો બહુ યાદ આવતા હતા ” નેહા કોઈ પણ અપેક્ષા વિના બીજાની મદદ કરાવી જોઈએ તેનું મીઠું ફળ આપણી જરૂરિયાતના સમયે ચોક્કસ મળે છે ”

પપ્પા હવે હું આજુબાજુના બધા લોકો સાથે હળી મળીને રહું છું.આ જ કારણે હવે મને લાગે છે હું પણ તેમાની એક છું.હવે હું બહુ ખુશ છું.

હું ગયા વર્ષે ઇન્ડીયા આવી હતી ત્યારે ત્યાંથી તમે મને લઇ આપેલો હેન્ડવર્ક થી સજાવેલો બગલ થેલો અને નાનું પર્સ જે હજુ સુધી મેં વપરાશમાં નહોતા લીધા જે આજે મેં તમારા તરફ થી કેથીને ભેટમાં આપી દીધા,ત્યારે એ લોકોનાં ચહેરા પર જે ખૂશી હતી એ જોઇને મને લાગ્યું કે દરેક માણસનાં હ્રદયમાં એક ભગવાન બીરાજેલો હોય છે.બસ આપણી નજર એ ભગવાન સુધી પહોચવી જરૂરી છે.

પપ્પા,હવે આ પત્ર પૂરો કરૂં છુ.તમારી તબિયતનું ધ્યાન રાખજો અને દવા સમયસર લેતા રહેજો.

                              
– રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)
 

હુ મૂંઝાતું આ બચપણ જોઈ મારો જીવ બાળુ છુ

હુ મૂંઝાતું આ બચપણ જોઈ મારો જીવ બાળુ છુ
એ કોનુ બાળ છે ને ક્યાંથી આવે,ના હુ જાણુ છુ

ના માથે હાથ કોઇનો ના છે જાજમ કે પાથરણું
નથી મા-બાપનું ત્યાં છત્ર, તેથી આંસુ સારૂ છુ

બધે ઇશ્વર દયાળુ થઇને વર્તે સાંભળ્યું એવું,
દિવસભરનાં ભૂખ્યાનાં પેટને રાતે જમાડું છું

કરેલા કર્મ ભોગવવા પડે છે જિંદગી આખી,
આ ભોળા બાલુડાનો જ્ન્મ તારી ભૂલ માનુ છુ

કદી તારી દયા કેરી નજર આ બાળ પર તું રાખ
હુ પાલનહારના હાથે જ રમતો જોવા ચાહુ છુ

એ નીરાઘારને આશા છે કે સાથે છે ઈશ્વર તું
મળે તેને સહારો તુજ અમીનો એ હું યાચુ છુ

આ બાળકને નાં ચિંતા આજની કે કાલની પરવાં
હું એ આંખોમાં સપનું એક રોપી સૂખ માગું છું
-રેખા પટેલ (વિનોદિની)

 
2 Comments

Posted by on April 22, 2015 in ગઝલ

 

કુદરત :

કેટલાય દિવસ થી ઠંડીને કારણે બંધ રાખેલું ડોર મેં આજે ખોલ્યું ,
અને ખોલતાની સાથેજ થોડું શુષ્ક બનેલું મન પ્રસન્નતા થી ભરાઈ ગયું.
સુગંધ થી મારું મનોમસ્તક તરબતર થઈ ગયું,બહાર બગીચામાં રંગબેરંગી હાઈસીન્થાસ ખિલિ ઉઠયા હતા.

કુદરત પણ કેટલી કમાલ છે ,કઈ પણ બોલ્યા ચાલ્યા વિના કેટકેટલું બદલી નાખે છે,
પ્રકૃતિની અસર માનવ મન ઉપર હંમેશા પડે છે તે વાત સાચી છે.
બાકી મનના ભાવ આમ પળમાં બદલવા થોડા આસાન છે ?

બંધ બારણામાં મુઝાએલું મારું મન રોમરોમ ખીલી ઉઠયું,
અને તેની અસરથી આખું ઘર મહેકી ઉઠયું .
કદાચ તે પણ સાચા હતા કે મારા ઘરની હું જ કુદરત છું.
મારા મૂડ પ્રમાણે આખા ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે smile emoticon

રેખા પટેલ (વિનોદિની)

 
 

કવિતા : એક બારી એક ઝરુખો

છે વર્ષો પહેલાની આ વાત સાચી ,હતી એક બારી એક ઝરુખો.
બે વસતા હતા ત્યાં અલ્લડ જીવો ,જ્યાં એક બારી એક ઝરુખો.

ઓચિંતા ફૂટ્યા ઉન્માદ જાણે ફૂટી પતંગિયાને બે સતરંગી પાંખ
સાવ હતા દુનિયાદારી થી બેઉ અજાણ ,એક બારી એક ઝરુખો.

નાં જીભે બોલાય ,ના મનથી સહ્યું જાય,સઘળું આંખોમાં વંચાય.
આંખ ને જીભ વચમાં ચાલે ખેચમતાણ, એક બારી એક ઝરુખો.

દૂરતા ખાસ્સી વચમાં નાં ચહેરે ચહેરા કળાય,બસ પડછાયા જણાય.
છતાય સામસામી સુખ સાનીઘ્યનું મણાય,એક બારી એક ઝરુખો.

જ્યાં તનનું એકત્વ શક્ય નથી સમજાય છે ત્યાં મન થી પેટ ભરાય
પણ ક્યાં કુદરતને પહોચાય,નાં સમજે એક બારી એક ઝરુખો

એક કાળ રાત્રીએ ઘેરાયો કેવો ઝંઝાવાત,સઘળું સુખ તાણી ગયો.
ખોટી પ્રતીક્ષામાં હજુય ઉભા છે, ખાલી એક બારી એક ઝરુખો
-રેખા પટેલ (વિનોદિની)

 

બદલાએલું રુપ

http://www.pratilipi.com/rekha-vinod-patel/badalayelu-rup

આસોપાલવના તોરણો,ઝીણી ઝબુકતી લાઈટો અને લાલ પીળા ચકરડા વાળા મંડપ નીચે ધામધૂમ સાથે લતા નાયકના લગ્ન સુનીલ નાયક સાથે થયા ત્યારે આખું ગામ હિલોળે ચડયું હતું.કારણકે હેતાળ સ્વભાવ ધરાવતી,મળતાવડી અને મીઠા બોલી લતા આખા ગામની માનીતી દીકરી હતી.કોઈનું પણ કામ કરવામાં તે કદી પાછી પાની કરતી નહી.એના આ સૌને મદદરૂપ થાય એવા સ્વભાવથી બધાને તે પોતીકી લાગતી હતી.જાન શહેરમાં થી આવવાવની છે,એ ગામના લોકો જાણતાં હોવાથી ગામનાં બધા લોકો પોતપોતાની જવાબદારી સમજીને કામે લાગી ગયા હતા.સહુ સાથે મળીને સાથે જ્યારે કામ કરે ત્યારે તે એકતા રંગ  જરૂર લાવે છે.શહેરથી આવેલી જાનને પુરતી આગતાસ્વાગતા સાથે આવકારો મળ્યો હતો.લતાની વિદાઇનું દર્દ ગામનાં દરેક માણસની આંખમાં પોતાની દીકરી વિદાય થતી હોય એવી આંસુની ભીનાશ દેખાતી હતી અને ચહેરા ઉપર લતાને સુનીલ જેવો સુંદર વર અને સારૂં ઘર મળ્યાનો આનંદ ચમકતો હતો.

ગામડાના હેતાળ વાતાવરણમાં ઉછેર પામેલી લતાને શહેરમાં જલ્દી ગોઠતું નહોતું,છતાં આ જ મારું ઘર છે એમ સમજી બધા સાથે હળીમળી જવા બનતો પ્રયત્ન કરતી હતી.સુનીલ આમ તો લતા સાથે સ્નેહથી વર્તતો હતો છતા પણ   એક ઉષ્માનો સતત અભાવ દેખાતો હતો.મોટા કાકાના દબાવના કારણે આ લગ્ન શક્ય બન્યા હતા.કારણકે સુનીલનાં પરિવાર ઉપર કાકાનું બહુ અહેસાન હતું.

સુનીલ એન્જીનીયર થયેલો શહેરી યુવાન હતો.જ્યારે લતા પાસેના ગામમાં જઈ બીએ ભણેલી સામાન્ય યુવતી હતી.ભણતર અને ગણતરથી સામાન્ય જીવનમાં કદાચ બહુ ફેર નાં પડતો હોય,પણ વિચાર શક્તિ,વાણી વર્તન અને રીતભાત બધામાં અવશ્ય ફેર પડી જતો હોય છે.તેમાય ભણતર સાથે ટેકનોલોજી ભળી હોય ત્યારે સોનામાં સુગંધ ભળી જતી હોય છે.

સુનીલને આધુનિક સ્માર્ટ ફોન અને કોમ્પ્યુટર નો બહુ શોખ હતો.જ્યારે લતા આ  બધાથી ઇલેકટ્રોનિક ઉપકરણૉથી તદ્દન અજાણ હતી.કારણકે સામાન્ય પરિવાર અને નાના ગામમાંથી આવતી લતાને વેબ જગતનું કોઈ ખાસ જ્ઞાન નહોતું.

લગ્નના અઠવાડિયા પછી માતાના કહેવાથી સુનીલ લતાને મિત્રની બર્થડે પાર્ટીમાં સાથે લઇ ગયો.ત્યાં એકત્ર થયેલા મોર્ડન યુવાન યુવતીઓમાં લતા સાવ ભિન્ન દેખાઈ આવતી હતી.લતા પહેરવેશથી લઇ બોલચાલ સાવ અલગ પડતી હતી.છતાં સ્વભાવની મીઠાસના કારણે લતા બધાની વચમાં જાતે જ ગોઠવાઈ ગઈ હતી.છતાં પણ સુનીલને આ બાબતનો સંકોચ હતો જે તેના મ્હો ઉપર ચોખ્ખો દેખાઈ આવતો હતો.

“સુનીલ યાર આજે તારો મુડ બરાબર નથી લાગતો, નવા પરણેલા આવા ડરી  જતા હોય તો યાર આપણે કુંવારા સારા.” સુનીલની હાલત જોઇને તેનો એક મિત્ર તેની મજાક કરી રહ્યો હતો.
“નાં યાર બસ માથું ભારે છે,બાકી બધું બરાબર છે.” સુનીલે જવાબ વાળ્યો
“કે પછી ગામડાની અલકમલક વાતો કરી ભાભી સુવા નથી દેતા” યુવતીઓના ટોળા વચ્ચે ઘેરાએલી લતા સામે જોઈ પેલા મિત્રએ આંખ મિચકારી

સુનીલને  માટે આ વાત જરા વધારે વાગી ગઈ, ઘણીવાર બનતું હોય છે કે સાવ સામાન્ય લાગતી વાત જેને અણગમો હોય એને અનુલક્ષીને હોય તો એ કાંટાની જેમ ખુંપી જતી હોય છે.સુનીલને આ ગામડાની વાત અપમાનજનક લાગી ગઈ.એ ઘટનાં બન્યા પછી તેણે લતાને વ્યવહારિક પ્રસંગો સિવાય બહાર લઇ જવાનું ટાળવા લાગ્યો.

લતા આ વાત બરાબર સમજતી હતી છતાં પોતાની સ્થિતિથી તે અજાણ નહોતી આથી તે પણ ઘરને વહાલું કરી બધા સાથે સ્નેહથી જીવતી હતી.સુનીલ સાંજે ઘરે આવી હંમેશા કોમ્પ્યુટરમાં માથું ખોસી બેસી જતો.ક્યારેક લતા કઈ  પૂછે તો જવાબમાં હમેશા કહેતો કે તે ઓફિસનું કામ ઘરે લઈને આવે છે જેથી ઘરે સમય વધુ ફાળવી શકાય.પરંતુ આ વાતમાં કેટલું સત્ય હતું તે માત્ર સુનીલ જ જાણતો હતો.

શહેરી વાતાવરણમાં ઉછરેલા સુનીલને લાગતું હતું કે લત્તા બુદ્ધિના લેવલમાં પોતાનાથી ઉતરતી છે તો તેની સાથે એના લેવલની કોઈ જાતની ચર્ચા વિચારણાને અવકાશ નથી. બસ આ સમજી તે કોમ્યુટરમાં સોશિયલ સાઇટની આભાસી મૈત્રીની દુનિયામાં મિત્રો બનાવી તેમાં ખુપી જતો.અહી ચહેરા ઉપર ચહેરા ગોઠએલા હોય છે.એમાનાં અમુક લોકો ખરેખર મિત્રતાને લાયક હોય છે તો કેટલાક આભાસી મૃગજળ જેવાહોય છે. આવી અજીબો ગરીબ દુનિયામાં એક પાત્ર બની સુનીલ આ દુનિયામાં ખોવાઈ ગયો.

અહી નવાં નવા  દોસ્તો સાથેની મૈત્રી દરમિયાનાં એમાની એક  કેતકી સાથે તેની દોસ્તી વધતી ગઇ.કેતકી એક સરકારી ઓફિસમાં એકાઉન્ટ ડીપાર્ટમેન્ટમાં જોબ કરતી.હજુ સુધી અપરણિત રહેલી કેતકી રોજ સાંજે કામથી પરવારી ઓનલાઈન આવી જતી.સુનીલ ઓળખાણ થતા શરૂવાતમાં કેમ છો ,મઝામાંથી વધીને વાતોનો દોર હવે કલાકો સુધી લંબાયો હતો.

સુનીલને કેતકી સાથે વાતો કરતા લાગતું કે તેની અપેક્ષા મુજબની આ સ્ત્રી છે. એક મિત્રથી વધુ લાગતી કેતકીને મેળવીને તે ખુશ હતો.હવે તેને જીંદગીમાં ખાસ કોઈ ફરિયાદ નહોતી રહી.આ તરફ ઘર અને તેને સાચવવાનું કામ લતા પ્રેમથી કરતી હતી.માટે સુનીલને ધર માટેની ચિંતા નહોતી રહી.જ્યારે કૌટુંબિક પ્રસંગોમાં બહાર જવાનું થયું તો લતા સામે ખાસ વાધો નહોતો.પરંતુ અફસોસ ત્યારે થતો કે જ્યારે મિત્રો સાથે બહાર જવાનું થતું ત્યારે કોઈને કોઈ બહાનું બતાવીને સુનીલ એકલું જવાનું પસંદ કરતો હતો.

કેતકી જાણતી હતી કે સુનીલના લગ્ન થઈ ગયા છે,અને તે એની પત્નીથી ખુશ નથી.સ્ત્રીની છઠી ઇન્દ્રીય પુરુષને ઑળખવામાં મોટે ભાગે થાપ ખાતી નથી.કેતકી જાણતી હતી.આ જ કારણસર સુનીલ તેની હોશિયારી અને ચપળતાના બે મોઢે વખાણ કરતો હતો,અને બસ આજ વાત કેતકીને સુનીલ તરફ વધુ આકર્ષતી હતી.ગમે તેવી હોશિયાર અને ચાલાક સ્ત્રી હોય એવું ઇચ્છતી હોય અને મનમાં કોઇ ને કોઇ ખૂણે અવી અપેક્ષા હોય છે કે કોઇ એની તરફ સતત ધ્યાન આપે.અની સંભાળ લે,એને હુંફ આપે, એની પાછળ ઘેલું થાયં અને એની લાગણીને સમજે.સુનીલનાં પોતાનાં પ્રત્યેનાં ભાવ કેતકી આ બધુ અનૂભવતી હતી.

સમય જતા બંનેએ એકબીજાને મળવાની પણ વ્યવસ્થા કરી લીધી ,એક કોફી હાઉસમાં તેમની પહેલી મુલાકાત ગોઠવાઈ.
“હાય કેતકી કેમ છે તું ? ‘
“હાય સુનીલ “કહીને કેતકી મીઠું હસી
પછી આડી અવળી વાતો ચાલી।
“સુનીલ તું ખુશ તો છે ને મને પહેલી વખત મળીને”?
“હા….,કેતકી સાચે તું મારી કલ્પના કરતા પણ બધું સુંદર અને સ્માર્ટ છે , હું કમનશીબ છું કે તું મને મોડી મળી.કાશ !! એક વર્ષ પહેલા તું મને મળી હોત તો આજે આપણી લાઈફ કઈક અલગ હોત.” કહીને સુનીલ અફસોસ વ્યક્ત કરવા લાગ્યો
સુનીલની આ વાતનું દુખ  કેતકીને  સ્પર્શી ગયું,અને સુનીલનાં હાથ ઉપર હાથ મૂકી બોલી
“સુનીલ આમ નિરાશ નહી થવાનું અને હજુ તારે આખી જિંદગી વ્યતીત કરવાની છે,અને હું તો તારી સાથેજ છું ને!”
કેતકીને સુનીલને પોતાનો કરી લેવાની આશા જન્મી.હવે સમય મળે જરૂર મળીશું નાં વાયદો આપીને બંને છુટા પડયા.

બસ પછી આ પહેલી મુલાકાત પછી,મુલાકાતોનો સિલસિલો આગળ વધતો ચાલ્યો.એકલી રહેતી કેતકી વધુને વધુએ સમય સુનીલ સાથે વ્યતીત કરવા મોડે સુધી જાગીને તેની સાથે અવનવા ટોપિક ઉપર ચેટીંગ કરતી રહેતી.આ બધામાં તેઓ ભૂલી જતા કે લતા નામનો ત્રિકોણનો ત્રીજો ખૂણો એકલો ચુપચાપ ખાલી સુવાનો ડોળ કરી સુનીલના બીસ્તરના છેવાડે તેની રાહ જોતો આડો પડયો છે.

સુનીલ હવે કેતાકીમય બનતો જતો હતો અને ઘીમેઘીમે લતા તરફ તેનો ઉપેક્ષા ભાવ વધતો જતો હતો ,. શરુવાતમાં લતા તેના સ્વભાવની મીઠાસને અનુશરી આ બધું ચુપચાપ સહન કરતી હતી પરતું હવે તેની સહનશક્તિની હદ આવી ગઈ હતી ,તે સમજી ગઈ કે તેની ચુપ્પીને સુનીલ તેની કમજોરી સમજી રહ્યો છે , ગામડામાં રહેલી છતાં બીએ પાસ કરેલી લતાની સુઝબુઝ સહેરની ટાપટીપ કરીને બીજાને આકર્ષતી યુવતીઓ કરતા વઘુ પ્રમાણમાં હતી

ત્યાર બાદ લતાંએ મનોમન નક્કી કરી લીધું”બસ હવે બહુ થયું,માં કહેતી હતી કે આ જગતમાં હવે ભલમનસાઈનો જમાનો રહ્યો નથી.અહી માગ્યા વિના માં પણ પીરસતી નથી તો પોતાના હક માટે હવે સ્ત્રીઓ એ જાતે લડતા શીખવું જોઈએ.”

લતાએ આ માટે સહુ પ્રથમ તો તેના સાસુ મધુબેનને પોતાના વિશ્વાસ માં લીધા.એને સુનીલના પોતાના તરફના ઓરમાયા વર્તનની વાત કરી અને આ માટે તેણે પોતાના દેશી પહેરવેશ અને વેશભૂષા ને કારણભૂત ગણી વધુ મોર્ડન થવા માટે મધુબેનની પરવાનગી લીધી.આ તરફ મધુબેન દીકરાની પસંદ ના પસંદ બધુ જાણતા હોવાથી મધુબેન સમજી ગયા હતા કે  લતા શહેરી નથી,તો તો અભણ પણ નથી.તે હોશિયાર યુવતી છે બસ તેને થોડી ટ્રેનીગની જરૂર છે.નવા જમાના પ્રમાણે ઘડાવાની જરૂર છે. આથી તેમણે પણ વહુને દીકરાની મનગમતી લાડી થવા મદદ કરવા માટે ખુશીથી હા કહી. સાથે જરુર્રી ખર્ચ માટે તેમણે પોતાની બચતમાંથી દસ હજાર રૂપિયા કાઢી લતાના હાથમાં આપી દીધા .

આ જ શહેરમાં રહેતી લતાની ભાભીના બહેનની મદદથી લતા સારા બ્યુટી પાર્લરમાં ગઈ .ત્યાં થોડી બ્યુટી ટ્રીટમેનન્ટ કરાવીને પોતાની જાતને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવી દીધી.
લતાએ તેના લાબા વાળાને થોડા ટુંકા લેયર્સમાં કપાવી નાખ્યા.હવે રૂપાળી નમણી લતા હવે વધુ આકર્ષક દેખાતી હતી.મધુબેનની રજામંદીથી બજારમાં મળતા નવી ડિઝાઈનના ચાર જોડ સલવાર કમીજ ખરીદી લાવી.આટલાથી નાં અટકતા ભાભીના બહેનની મદદથી ત્રણ મહિનાનો કોપ્યુટરનો બેઝીક કોર્સ કરી લીધો.હવે તે વેબ જગતમાં ઘણું જાણતી થઈ ગઈ હતી.શોખ અને ધગશ લતાને બહું જલદી આગળ વધવામાં પ્રોત્સાહીત કરતાં હતા.

સુનીલના ઘરે આવતા પહેલા લતા પહેલા જેવી સીધી સાદી બની જતી છતાં પણ સુનીલ તેની પોતાના બાહ્ય દેખાવમાં ખાસ્સો ફેરફાર અનુભવતો હતો હવે તે લતા સાથે થોડો કુણો પડતો જતો હતો .

હવે લતાએ ફેસબુક ઉપર એક અલગ નામથી એકાઉન્ટ ખોલી નાખ્યું.પોતાની પ્રોફાઈલમાં બહુ થોડો ચહેરો દેખાય તેવી રીતે પોતાનું આકર્ષક પીક ગોઠવી દીધું.સુનીલ આકર્ષાય તેવી જ પ્રોફાઈલ લતાએ એક જાળની જેમ બીછાવી હતી.સુનીલનાં બેચાર કોમનફ્રેન્ડને પોતાના ફ્રેન્ડલીસ્ટ એડ કરી ત્યાર બાદ સુનીલને એડ કર્યો.ત્યાર બાદ ધીરે ધીરે લતાએ સુનીલને પોતાની તરફ આકર્ષવા માંડ્યો.લતાની સાથે વાતોમાં લપેટાઈ હવે સુનીલ કેતકીથી દુર થતો ગયો અને સમય મળતા ઓફીસમાથી જ લતા સાથે ચેટ કરતો હતો. વાતો વાતોમાં સુનીલ હવે લતા તરફ ખેચાતો જતો હતો અને આ ખેચાણ વધુ તીવ્ર થતા છેવટે સુનીલે લતાને મળવા માટેની ઈચ્છા વ્યક્ત કરી.થોડી આનાકાની પછી નજીકના કોફી હાઉસમાં બંને એ મળવાનું નક્કી કર્યું.

એ દિવસે લતા જરા વધારે સુંદર રીતે તૈયાર થઇ હતી.તેના કપાવેલા વાળને વ્યવસ્થિત રીતે સેટ કરેલા હતા,ગુલાબી લીપ ગ્લોઝથી હોઠ ચમકતા હતા,તેણે કાજળ કરેલી આંખો ઉપર ડાર્ક ગોગલ્સ ચડાવ્યા હતા.નક્કી કરેલી જગ્યા ઉપર લતા અવળા મ્હોએ સુનીલની રાહ જોતી બેઠી હતી.થોડીવારમાં સુનીલ ત્યાં આવી પહોચ્યો

“હલ્લી મિસ સુનીતા ” સુનીલે હસ્તધૂન માટે હાથ લાંબો કર્યો .લતાએ આંખો ઉપરથી ચશ્માં માથે ચડાવી સામે હલ્લો માટે હાથ લાંબો કરી સુનીલને આપ્યો.

લતાંએ જેવા ચશ્માં ઉંચા કરીને હાથ લંબાવ્યો ત્યારે સુનીલનો હાથ હવામાં અધ્ધર રહી ગયો તેના ગળામાંથી એક દબએલી ચીસ નીકળી આવી ” લતા તું ?”

“હા સુનીલ હું ” તમારા સાથ માટે હું આજે અહી સુધી ચાલી આવી છું.તો હવે શું મારો હાથ નહી થામો?” હસતા તેના મીઠા ચીર પરિચિત અવાજે તે બોલી ઉઠી
“લતા,તારૂં આ બદલાયેલું રૂપ મને અચંબામાં નાખી દે તેવું છે.ક્યારે આ બધું શીખી આવી એ તો જણાવ.” લતાનો હાથ પકડી સુનીલ બોલ્યો .

“સુનીલ લગ્નના થોડાજ સમયમાં હું સમજી ગઈ હતી કે તમારા મારા વચ્ચે આ એક ફેશન અને ટેકનોલોજીનું અંતર નડે છે.જે તમને મારી નજીક આવતા રોકે છે.તેથી સુખી લગ્નજીવન માટે આટલું કરવા મેં કમર કસી.કારણકે હું તમને ખોવા નહોતી માગતી અને પરાણે પકડી રાખવા પણ નહોતી માગતી.” લતા બોલી

હા….,લતા મને માફ કરી દે.દબાણમાં થયેલા લગ્નને મનથી અપનાવતા મને સમય લાગ્યો.તેમાય તું ગામડામાં ઉછરેલી અને હું અહી શહેરમાં મોટો થયો છુ,તો આટલી ખાઈ રહી ગઈ હતી,પણ તારા આ બદલાવ અને પુરતા પ્રયત્નથી આપણી વચ્ચેની ખાઈ જોતજોતામાં પુરાઈ ગઈ છે.બસ હવે સાથે મળી અહી એક ઉપવન બનાવી દઈએ અને એક નાનકડું ફૂલ ખીલવી દઈએ”સુનીલ આવેગમાં જાહેરમાં પણ લતાને કમર ફરતે હાથ વિટાળી નજીક ખેચી લીધી.
કેફેની દીવાલોમાં ફીટ કરાએલા સ્પીકર માંથી ગીત રેલાતું હતું
“સજના હૈ મુઝે સજના કે લિયે ,જરા ઉલઝી લટે સવાર લુ , હર અંગ કે રંગ નિખાર લુ। …કી સજના હૈ મુજે “
આજ લતાની આગવી સુઝબુઝ અને એની આવડતે એના વેરાન થતા ઉપવનને મઘમઘતા બાગમાં ફેરવી નાખ્યો.

-રેખા વીનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર( યુએસે

 

હવે એ આશા પણ ભેળસેળ વારી મળે છે તો સપના તાજા રહેવાને બદલે વધુ મુરઝાઈ જાય છે

અરે કોઈ સ્વપના લઈ લ્યો કોઈ સ્વપના લઈ લ્યો !!!!!
લો આવી ગયો સપનાનો સોદાગર …

આ રાત્રે આવતો હોય તોય સારું ,આ સવારના પહોરમાં આવે છે તો એ સપના લઈને શું કરું ?
સવારમાં લીધેલા સપના રાત સુધી ક્યા તાજા રહે છે ?

અને હમણા થી તો રાત્રે ઊંઘ પણ બહુ મોડી આવે છે,ત્યાં સુધી ઓલ્યા વાસી થઈ જાય છે.
ઓલો સોદાગર તો કહેતો હતો કે બહેન ઉપર થોડું આશાનું પાણી છાંટી રાખજો તાજા રહેશે ,
હવે એ આશા પણ ભેળસેળ વારી મળે છે તો સપના તાજા રહેવાને બદલે વધુ મુરઝાઈ જાય છે.

પહેલા સારું હતું કે સપના સવારમાં જોવા મળતા અને પુરા પણ થતા હતા ,
હવે સમયનું ચક્ર ફેરવાઈ ગયું અને સવારના સપના જોવાનો સમય નથી અને સાચા પણ નથી પડતા.
આ મુઓ હવે થી રાતના આવે તો સારું , થોડાક ખરીદી લઉં

રેખા પટેલ (વિનોદિની)

 
1 Comment

Posted by on April 6, 2015 in અછાંદસ

 

આત્માની ઓળખ

IMG_0251

હેપ્પી ઈસ્ટર સન્ડે”   આત્માનું વિસર્જન અને સર્જન

આ દિવસે ખ્રિસ્તીઓ ભગવાન ઈસુના પુનરુત્થાનની (મૃત્યુ બાદ ફરીથી સજીવન થવું) ઉજવણી કરે છે. તેઓ માને છે કે ભગવાન ઈશુ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ પછી પુર્નિજવિ ત થયા.

દરેક આત્મા એક શરીરનાં ત્યાગ કર્યા બાદ તે બીજું શરીર શોધી લે છે. દરેક નવા જીવન સાથે આત્માને એક નવી ઓળખ મળતી હોય છે. ઈશ્વરે આપણને આ જીવન બક્ષ્યું છે તો સહુ પ્રથમ આપણી અંદરના આત્માને ઓળખવાનું કાર્ય કરવું જોઇયે. ત્યાર બાદ દુનિયાને ઓળખીશું તો બધી ઓળખ સહેલી થઇ રહેશે.

હિન્દુ માન્યતા પ્રમાણે જન્મથી દરેક વ્યક્તિ સદગુણી છે કારણ દરેક આત્મા નું સર્જન ઈશ્વરે કર્યું છે આથી જન્મથી આપણે બધા દિવ્ય પવિત્ર જીવો છીએ ,માત્ર કર્મો આપણને સદગતી કે અધોગતિ સુધી દોરી જાય છે .

આવો પવિત્ર આત્મા હંમેશા આપણી અંદર હાજર છે. માત્ર તેની ઉપર આપણી આજુબાજુની પરિસ્થિતિઓ દ્વારા ચડેલું વાસ્તવિક અવાસ્તવિકતા ઓનું આવરણ રહેલું હોય છે. એને દુર કરવાથી આપણી અંદરનો આત્મા સ્વયં પ્રકાશી ઊઠે છે. ત્યાર બાદ આત્માના આ સાચા સ્વરૂપને બહાર ક્યાંય શોધવાની આવશ્યકતા નથી રહેતી.

સુખ દુઃખની આ આળપંપાળ દેહને છે આત્માને નહી .આત્માને કોઈ સુખ દુઃખ નથી.છતાં આપણે  કહેતા હોઈએ છીએ કે મારા મનને સુખ નો અનુભવ થયો, કે અમુક વાત થી આત્મા દુભાયો. આત્મા શરીર થી પર નથી પરતું જો શરીરની મોહમાયા ને આત્મા સુધી પહોચતા રોકી શકીએ તોજ સાચા અર્થમાં આત્માને ઓળખાવો સહેલો થઈ પડશે.

પ્રથમ આપણા આત્માની ઓળખ થાય તોજ તે પછીના બીજા પગલે આસપાસના અનંત આત્માઓ સુધી પહોચવું શક્ય બને છે. આજ કારણે યોગી મુનીઓ પહેલા પોતે ઘ્યાનસ્થ બની તેમના આત્માને ઓળખે છે ત્યાર બાદ પ્રાપ્ત થયેલું જ્ઞાન બીજાઓ સુધી પહોચાડી સકે છે

ઈશ્વરે આપણને એટલા માટે બનાવ્યાં છે કે આપણે દુનિયાની અંદર ઈશ્વરને શોધીએ, તેને ઓળખીએ, પ્રેમ કરીએ ,સાથે સાથે સર્વત્ર પ્રેમની લ્હાણી કરીએ . આમ કરીને સ્વર્ગનું સુખ પ્રાપ્ત કરી અનંત સુખના સહભાગી બનીએ.   જય હો…

રેખા પટેલ (વિનોદિની)
https://vinodini13.wordpress.com

 

Tags: