
કોલેજમાં અભ્યાસ કરતા તમામ છોકરાઓ અને છોકરીઓ માટે જાણે સૌથી મોટૉ તહેવાર હોય એ રીતે બધા નવા નવા કપડામાં સજીધજીને આવ્યા હતા..અમુક ઉત્સાહી છોકરાઓ અને છોકરીઓના જુદા જુદા જુથો કોલેજની અંદરની લોબીની બંને બાજૂની જાળીમાં ગુલાબના તથા અન્ય ફૂલોને હારને લટકાવવામાં મશગૂલ હતા… દરેકની આંખમાં એક ગુલાબી સપનુ હતુ….એક મનગમતા સાથીના સ્વાંગમાં એ સપનાને સાચુ કરવા આજની તૈયારીમાં કશી કચાશ રાખવા માંગતા નહોતા !
આજે ચૌદમી ફેબ્રુઆરી ,કોલેજ’વેલેન્ટાઈન ડે’ની ઉજવણી માટે થનગનતી હતી..કેમ્પસમાં ચારે બાજુ ઉત્સાહનો અને મસ્તીનો માહોલ હતો….સહુ કોઇના હાથમાં વેલેન્ટાઈનનાં સ્પેશ્યલ કાર્ડ,અવનવી ભેટ સોગાદોના બોકસ,ફૂલોના બુકે તો કોઇના હાથમા ફકત દાંડીવાળા ગુલાબ હતા..આજના આ ખાસ દિવસે પોતાના હૃદયમાં બિરાજતી ખાસ એક વ્યકિતને ગુલાબ,ભેટ સોગાદો અને ચોકલેટસ વગેરે આપીને પ્રેમનો એકરાર કરવા માટે તેમના હૈયા થનગનતાં હતા.
પણ આજના દિવસે એક છોકરો ઉદાસ નજરે ચડતો..કારણકે એની વેલેન્ટાઈનની છેલ્લા એક અઠવાડિયાથી કોઈ ખબર નહોતી.એના હાથમાં એક ગીફ્ટ બોક્સ હતું,જેમાં એક પત્ર હતો..એ પત્રને આજે એની વેલેન્ટાઇને હાથોહાથ આપવો હતો. એ નિરાશ વદને બેઠો બેઠો આજુબાજુ થતી હિલચાલને નિસ્પૃહ ભાવે જોઈ રહ્યો હતો,મનોમન વિચારતો હતો કે પ્રેમ માટે આ દોડાદોડી અફડાતફડી થાય છે..જો આટલો સમય અને પૈસો જો કોઈના આત્માને સુખ આપવા ખર્ચાય તો કદાચ આ મજા અને આનદ બેવડાઈ જાય…એને વિચાર્યુ કે આજે શ્વેતા કોલેજ આવશે તો હું એને પાસેના વૃઘ્ઘાશ્રમમાં લઇ જઈશ વેલેન્ટાઇન ડેની ઉજવણી વૃધ્ધાશ્રમાના વૃધ્ધો સાથે ઉજવીને મારા આ ખાસ દિવસને સાર્થક કરીશ..આ વેલેન્ટાઈન ડેની ઉજવણી સમજયા વિના માત્ર એકબીજાની દેખાદેખી કરવાનો કોઈ મતલબ નથી.
અચાનક એના વિચારોને ભંગ કરતો એનો મિત્રો સોહન ત્યાં આવી ચડયો અને હાફળો ફાફળૉ થઇને એને કહ્યુ,’સ્મિત જલદી ચાલ…..,આપણે અત્યારેને અત્યારે તાતા હોસ્પિટલ જવું પડશે..સ્મિત કઈ બોલે તે પહેલા સોહેને એનો હાથ પકડીને બાઈકની પાછલી સીટ ઉપર લગભગ બળજબરીથી બેસાડી દીઘો…બાઈક પુરઝડપે તાતા હોસ્પીટલના મેઈન ગેટ પાસે અટકી સ્મિતને ત્યા જ ઉતારીને સોહન બાઈક પાર્ક કરવા પાર્કિગ તરફ વળી ગયો..સોહને રસ્તામાં કહેલી વાત સાભળતા સ્મિતના હોશકોશ ઉડી ગયા હતા.એક શ્વાસે હોસ્પીટલની લીફ્ટની રાહ જોયા વગર બબ્બે પગથીયા એક સાથે કુદતો સ્મિત ચોથા માળનાં આઈ સી યુ પાસે આવીને ઉભો રહી ગયો..ના એને ખુદનુ ભાન હતું કે ના આજુબાજુના કોઈ પરિબળોનું …….એની આંખો તો બસ શ્વેતાની હાલત જોવા માટે બેબાકળી હતી
હોસ્પીટલના સ્પેશિયલ રૂમનુ અંદરનું દ્રશ્ય જોઈ શકાય એવડી બારીમાંથી એનુ મન ક્યારનું અંદર ઘુસી ગયું હતું અને અંદર બિછાના પર શાંતિથી આંખ બંધ કરીને સૂતેલી શ્વેતાને જગાડવાની તૈયારીમા લાગી ગયુ હતુ.. ત્યા સ્મિત સાથે આવેલો સોહન એનો હાથ પકડીને બાજુમાં પડેલી ખુરસી તરફ દોરી ગયો અને ઇશારાથી બેસવાનુ કહ્યુ. પરાણે આવતા ઝળઝળિયાં રોકીને સ્મિતે આજુ બાજુ નજર ફેરવી અને જોયું તો શ્વેતાના માતા પિતા અને ભાઈ એ બધાની રડી રડીને થાકેલી આંખોમાં દુખ અને નરી ગમગીની અહેસાસ નીતરતો ચહેરાનુ દ્રશ્ય સ્મિતને હચમચાવી ગયુ. શ્વેતાના નજીકના મીત્ર હોવાને કારણે ઘરના તમામ સભ્યો સ્મિતથી સુપેરે પરિચિત હતા….અને પરિવારના સભ્યો એ પણ જાણતા હતા કે શ્વેતાને સ્મિત સાથે બહુ ભળતુ હતુ…ક્યારેક શ્વેતાને પરિવાર સામે જીદ કરતી ત્યારે પરિવારના સભ્યો સ્મિતએ કહેતા કે,’તુ એને સમજાવશે તો જ એના મગજમાં સાચી વાત ઉતરશે..”
સ્મિત તુરત જ ઉભો થઇએ એના પિતાની પાસે જઈ એમના હાથ ઉપર હાથ મૂકી કઈ પણ બોલ્યા વિના મૂક બની ઉભો રહ્યો.. બસ વારાફરતી બધાની આંખોમાંથી ટપકતા આંસુઓની ભાષામાં બધાની આંખ સાથે સ્મિતની આંખો મળતા દર્દની વહેચણી થઇ ગઇ..
છેવટે મૌન તોડતા સ્મિત બોલ્યો,” અંકલ….,આ કેમ બની ગયું? હું તો છેલ્લા અઠવાડિયાથી શ્વેતાની કોલેજે રાહ જોતો હતો..શ્વેતાને કેટલા ફોન કર્યા…દરેક વખતે એનો ફોન સ્વિચઓફ આવતો હતો. “સ્મિત બેટા…શ્વેતાના એક્સીડન્ટને આજે એક અઠવાડીયુ થયું..એ દિવસે જેવી એ કોલેજેથી ઘરે આવી અને અચાનક શું યાદ આવ્યું અને સીધી ગાડીની ચાવી હાથમાં લઇ જાતે બહાર નીકળી પડી…તું તો જાણે છે અમારી રૂપિયાની છોળો વચ્ચે ઉછરેલી અમારી બહુ લાડકી દીકરી છે.. અને આવી રીતે ઘણી વાર બહાર થોડી વાર માટે ડ્રાઇવ કરવા જતી અને થોડી વારમાં પાછી આવી જતી અને શ્વેતા કદી અમારી ઉપરવટ નથી ગઈ….
એ દિવસે એના દાદી અને એની મમ્મીએ ના પાડી છતા જાતે ડ્રાઈવ કરવાની જીદ કરીને બહાર નીકળી પડી અને થોડી જ વારમાં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો કે એક ઘસમસ આવતી ટ્રક સાથે તમારી સફેદ મર્સિડીઝનુ અઠડાતા મર્સિડીઝના ફૂરચા થઇ ગયા છે અને કાર ડ્રાઈવ કરતી તમારી બેબીને તાતા હોસ્પિટલમાં તાત્કાલીસ સારવાર માટે ખસેડાઈ છે !!!….”આટલુ કહેતા શ્વેતાના પપ્પાની આંખો ભીની થઇ ગઇ અને ખીસ્સામાંથી રૂમાલ કાઢી આંખો સાફ કરી…અને આગળ બોલ્યા “અમે જલ્દી જલ્દી હોસ્પીટલ પહોચ્યા..એને જોતા જ અમારી આખે અંઘારા આવી ગયા..અને ડૉકટરો પાસે જાણવા મળ્યું કે તેનો ડાબો પગ નકામો થઈ ગયો છે.. અને ત્યાર બાદ તે હજુ હોશમાં નથી આવી ” , આટલુ બોલીને શ્વેતાના પપ્પા રીતસર રડી પડયા..એટલે સ્મિતે એને સાંત્વન આપતા કહ્યુ..”અંકલ,તમે ચીંતા ના કરો,સમય જતા શ્વેતાને સારૂં થઇ જશે..
શ્વેતાના પપ્પાના મુખેથી નીકળેલા શબ્દો સ્મિત માટે વિધાતાના શ્રાપ પૂરવાર થતા હોય એવુ સ્મિત અનૂભવવા લાગ્યો…સ્મિતે પોતાની આંખોના આંસુને ખાળતા મહા પરાણે એટલુ જ બોલ્યો,”શું અંકલ…,હું એક વાર શ્વેતા સાથે વાત કરી શકું છુ? એને હુ જોઈ શકું છુ? “શ્વેતાના પપ્પાએ હાથનો ઇશારો કરીને સ્મિતને રૂમ તરફ જવા અનૂમતિ આપી..આઇસીયુમાંથી એક દિવસ પહેલા જ શ્વેતાને સ્પેશિયલ રૂમમા ખસેડવામા આવી હતી.. રૂમમાં પ્રેવેશતા જ સ્મિતે જોયુ કે,એના હૃદયના ટુકડા જેવી અને સ્મિતના સ્મિતનુ કારણ એવી શ્વેતા લગભગ નિર્જીવ હાલતમા હોય એ રીતે બીછાને પડી હતી..અને સ્મિતને લાગ્યું કે એના સહીત આજુબાજુ બધુ જ ચકળવકળ ધૂમી રહ્યું છે અને પળવાર માટે સ્મિત જાણે હોશ ખોઈ બેઠો..
મન અને શરીર પર કાબુ રાખી સ્મિત શ્વેતાના બિછાનાની એક સાઇડમા બેસીને શ્વેતાની એક હથેળીને પોતાની હથેળીમાં લઇને કોમળતાથી દબાવી….બીજી હાથમા તો હજુ બોટલોની સોઇ અને એની નળીઓ હજુ યથાવત હતી…શ્વેતાની બંધ આંખો સામે જોઇને સ્મિત એની સાથે હળવો સંવાદ સાધે છે..જાણે બેભાન અવસ્થામાં પડેલી સ્મિતની બધી વાતો સાંભળવાની હોય એમ સ્મિત બોલવાનુ શરૂ કરે છે…
“માય વેલેન્ટાઈન.. જો આજે સાચે જ વેલેન્ટાઈન ડે છે ચૌદમી ફેબ્રુઆરી, દુનિયાભરના પ્રેમીઓ માટે લાગણીઓ ને વ્યક્ત કરવાનો ખાસ દિવસ પણ મારા માટેતો મહિનાની દર ચૌદમી તારીખ વેલેન્ટાઈન…. એ જ મારા પ્રેમનો પહેલો દિવસ અને એ જ મારો વેલેન્ટાઈન દિવસ …..મારે માટે તારી યાદ એટલે આખું વર્ષ-દરેક મહીના-દરેક દિવસ-દરેક કલાક-દરેક સેકન્ડ વેલેન્ટાઇનના તહેવાર જેવી જ છે…તો હુ શા માટે આ ખાસ દિવસની રાહ જોઉ..મને હજુ પણ યાદ છે કોલેજનો પહેલો દિવસ…મારી વ્હાલી શ્વેતા….આ દિવસે જ તને મેં પહેલી વાર કોલેજના પ્રાંગણ જોઈ હતી..તુ તારા ડેડીની સફેદ માર્સીડીસ કારમાંથી સફેદ મલમલી ચૂડીદારમા પહેરીને જ્યારે નીચે ઉતરી ત્યારે પહેલી વાર આંખોમાં જીલાયેલા દ્રશ્યની અસર દિલ પર થઇ હતી…મારી જિંદગીમાં પ્રથમ અનૂભવયેલી શબ્દોમાં ના ઉતારી શકાય એવી મખમલી સંવેદનાનો ગુંજારવ થયો હતો..તને ખબર છે?બરોબર તેજ બખતે મારું પપ્પાએ નવું લાવી આપેલ બાઈક પાર્ક કરતો હતો..હુ મારી બાઈક જોઈને મનોમન પોરસાતો હતો.. પણ પહેલી તને મર્સિડીસમાં ઉતરતી જોઇને..હું બે ડગલા તારાથી પાછળ લાગ્યો..પછી મને લાગ્યુ કે પ્રેમ ક્યાં દોલતની દિવારો વચ્ચે આવે?પ્રેમ કંઇ બજારમાંથી ખરીદી ના શકાય….આ તો દિલની દોલત લૂંટાવો ત્યારે પ્રેમનો આવિષ્કાર થાય છે….અને મારા હ્રદયમાં પ્રથમ પ્રેમનો આવિષ્કાર તને પ્રથમ જોયા પછી થયો છે..
બાઈક પાસે ઉભો રહીને સોનચંપાવર્ણુ,સુરજની પહેલી કિરણની નમણાશ ભરેલુ,વહેલી સવારના ઝાકળ બાજેલા ફૂલો જેવુ,રુપ મને બીજા બે ડગલા પાછળ મૂકી આવ્યું ! પણ આ મારી વ્હાલી!આ દિલ ક્યા પીછેહઠ કરે તેવું હતું ?એતો જીદ ઉપર અડી ગયું કે.. તુ જ મારી વેલેન્ટાઈન,અને આજ વેલેન્ટાઇન ડે!!!પછી તો તું આવે અને તારા દિદાર થયા પછી મારી કોલેજ શરું થતી અને તું જાય એટલે પૂરી થતી…તુ જતી પછી ખબર નહી…મને લાગતુ કે કોઇ મારા હ્રદયમાંથી અમુક ઘડકનોને ચોરી ગયુ હોય…એક પ્રકારનો અજબ ખાલિપો અને અકથ્ય કહી શકાય એવીએવી વેદના અનૂભવતો હતો…અને જેવા બીજે દિવસે કોલેજે તારા દિદાર થાય એટલે એ ક પળે જાણે મારી ખાલિપો..વેદના…ઉદાસી જે કંઇ કહેવાતું હોય પળમાં તારી ચહેરાની રોનકમા ગાયબ થઇ જતુ..
મારી આ તારા માટે દિલને તાર તાર કરી નાખનારી સવેંદનાઓને જાણીને મને ખબર નથી કે તું કેવું અનૂભવતી હશે…તને કેવું લાગતુ હશે!? તને ગમશે આ બધુ ગમશે કે નહી ? કદાચ તને ગુસ્સો આવે અને તું હવે મને ઇગ્નોર કરે?…આઈ ડોન્ટ નો….જેવી પ્રભૂની ઇચ્છા..!!!! ક્લાસમાં લેક્ચર્સ સાભળતા કે લોબીમા આવતા જતા સામાન્યપણે જયારે તારી સાથે મારી નજર મળી જતી ત્યારે કઈક આંખોથી લઇને આંખા શરીરમાં અજબ પ્રકારનો અનૂભવ થતો હતો…અને મને એ અનૂભવ બહુ ગમતો હતો…જેને યુવાનીમાં પ્રથમ વાર અનૂભવાતું વિજાતિય આકર્ષણની ઝંખનાઓનુ સ્પંદન “ફિલ ગુડ ફેકટર” કહેવાતું હશે..?
તારી આંખોમા,તારા સદાબહાર સ્મિતમાં,તારા હોઠ અડીને આવેલા તલમા,તારી ગૌર અને ચમકતી ત્વચામાં કૈક ચુંબકિય ખેચાણ છે….અને આજ ખેંચાણને કારણે મારી લાગણીઓનો દરિયો સતત ઉછળતો રહે છે.. જ્યારે તું આછું આછું મલકાતી હતી.ત્યારે તારા ગાલ પરના આછા ડીમ્પલ માં હું ડૂબી જતો ,તારી યાદ એ મારી માટે મનોહર સપનું બની જતી અને તારી ગેરહાજરીમાં હું એ સપનાની સવારી કરતો … સમય જતા ઘીરે ધીરે તારી અને મારી વચ્ચે મૈત્રી બનતી ગઇ..એક બીજાનુ સાનિધ્ય ગમવા લાગ્યુ.. આપણી મિત્રતામાં તારી અમીરી કદી આડસ બનીને વચમાં નથી આવી. આપણુ એક બીજાનુ રોજ મળવુ સામાન્ય બનતુ ગયુ..પછી તો ક્યારેક હું જાણી જોઇને નોટ્સ મિસ કરતો અને તારી પાસે હેલ્પના બહાને તારી નોટ્સ લેતો..કારણકે એ નોટસમા તારા સ્પર્શની સુગંધ સમાએલી હોય.. ક્યારેક બુક્સની આપ લે કરતા તારી નાજુક આંગળીઓનુ ભૂલથી જો સ્પર્શી જવુ મારા માટે ગોલ્ડન મોમેન્ટ બની જતી..જે જિંદગીની ખાસ સેલિબ્રેશન મોમેન્ટ બની જતી.
તે દિવસે પહેલી વાર તું મારી બાઈકની પાછળની સીટ ઉપર ગોઠવાઈ હતી,તે દિવસે જાણે હું કોઈ મોટો શહેનશાહ હોઉં તેવો ગર્વ અનુભવવા લાગ્યો , તું તો તારા અસલ મીજાજ માં હતી ,તે આછા પિંક કલરની મેક્સી પહેરી હતી અને ખુલ્લા વાળ હવામાં ફરફરતા હતા ક્યારે તે અટકચાળા થઇ મનફાવે તેમ મને સ્પર્શી જતા ,મને પણ આ મસ્તી કરતો પવન ગમતો હતો ,અચાનક તારો હાથ મારી આંખ નીચે ગાલને સ્પર્શી ગયો અને તું બોલી હતી ” એય રડે છે કે શું ? તારી આંખોના પાણી મારા ઉપર વરસાદી વાછટ જેવા ફેલાય છે “હું હસીને બોલ્યો હતો “ના રે! પાગલ આતો આજે ગોગલ્સ ભૂલી ગયો છું તો હવાને કારણે આંખોમાં પાણી આવી જાય છે…..
“હું જાણું છુ તારામાં અને મારામાં બહુ અંતર છે…હું જાણું છું..તું એક પૈસાદાર પિતાની એકની એક મનચલી પુત્રી છે અને હું એક માઘ્યમ વર્ગના પિતાનો એકનો એક સંસ્કારી કુળદીપક।પણ તુ નહી માને તને જોયા પછી હું માણસ મટી કવિ થઈ ગયો છુ..તારા માટે અત્યાર સુધીની અનૂભવાયેલી મારી બધી જ લાગણીઓને અલગ અલગ,શબ્દોમા હુ ઢાળતો રહ્યો.. અને એ બધા શબ્દોને ભેગા કરીને તને મહિનાની દર ચૌદમી તારીખે અજ્ઞાતના નામથી તારા સુધી પહોચાડતો રહ્યો..બરાબર બે વર્ષ સુધી મારી આ ક્રિયા સતત અટકી નહી…અને નશીબની બલિહારી તો જુઓ….પછી આપણે જ્યારે જ્યારે મળતા હતા ત્યારે તું મારા જ લખેલા પત્રો મારી પાસે બેસીને વાંચતી અને ખિલખિલાટ હસતી હતી ..પણ તારી એ હસીમાં અને તારી આંખોમાં મારા શબ્દો થકી ઉપજતી શરમ નહોતી…એ શબ્દોની સરાહના નહોતી…તારા મન ઉપર ભીની અસર નહોતી પણ હું સમજી શકતો હતો કે આ અજ્ઞાત લાગણીઓ તારા દિલના ખૂણાને ક્યાંક ભીજવી રહી છે.હુ મજબુર હતો તને જણાવી ના શકયો કે આ લખનારો તારો મિત્ર જ છે..મને ડર હતો કે જો હું સત્ય બોલીશ તો તું દૂર ચાલી જશે..મારી મિત્રતાનો અંત લાવશે..?બસ દૂરતાના કાલ્પનિક ભયથી હું સચ્ચાઇ ના બતાવી શક્યો.
આજે ફરી ચૌદમી ફેબ્રુઆરીનો દિવસ આવી ગયો..દુનિયાભરના પ્રેમિઓ માટે ખુશીનો દિવસ છે……યુવાન અને યુવતીઓને પ્રેમના એકરાર કરવાનો સૌથી મનભાવન દિવસ…એટલે વેલેન્ટાઇ ડે…..પણ મારી વ્હાલી…છેલ્લા અઠવાડીયાથી તું કોલેજમા દેખાતી નથી… આજે હું નક્કી કરીને આવ્યો હતો કે તને મારા દિલની બધી વાતો કહીને ઝંપીસ , પણ ખબર નહોતી કે મારા દિલની વાત તને આ રીતે અહી કહીશ. પણ મારી જાન છે તું ,બસ આ સમજી લે! હવે તું નહિ તો હું નહિ.
આજ વેલેન્ટાઇન દિવસે તારા હાથને હજુ પણ મારી બે હથેળીમાં દબાવી રાખ્યો છે…અને શ્વેતા તુ આંખો ખૉલીને જરા જોઇ લે.. આપણા બંનેના હાથ મારા આસુંથી ઘોવાઈ રહ્યા છેમારી વ્હાલી… તું જાણે છે છેલ્લા એક અઠવાડીયાથી તું કોલેજમા દેખાતી નહોતી…તું નહોતી તો જાણે મારા જીવનમાં કોઈ આનદ ન્હોતો.. તારી એ શબ્દેહી ભીનાશનો સ્પર્શ નહોતો..આ છેલ્લા અઠવાડીયામાં હુ એક દિવસ સરખી રીતે ઉંઘી શકતો નહોતો અને રોજ તારી રાહ જોતો ….આજે તું મારી આંખ સામે છે, જાણે મારા આખા દેહમાં અણુએ અણુમાં તુ વ્યાપી ગઈ છે . હવે મને તારા બહારી સૌદર્યની કોઈ જરૂર નથી..કારણ કે હું તારા આત્મા સુધી પહોચી ગયો છું..જે દુનિયામાં સૌથી સુંદર અને નિચ્છલ છે ,જેની મને સતત તલાશ હતી…હવે મને છોડીને ક્યાય નાં જઈશ તારા વગર આ જીવન આખું અંઘકારની ગર્તામાં ડૂબી જશે,હવે મારા જીવનનું તું એક માત્ર કિરણ છે,આ છેલ્લા બે વર્ષમાં ફક્ત તને જ શ્વસી છે મારા શ્વાસ- ઉચ્છવાસ બનાવીને..
બસ આટલું કહેતા સ્મિત હિબકે ચડ્યો…અને શ્વેતાનાં હથેળી જ્યા હતી એના પર માથુ રાખીને સ્મિત રડવા લાગ્યો….. અચાનક અંદર આવી ચડેલી નર્સ આ દ્રશ્ય જોઇને ચોંકી ગઇ….અને તુરત જ બહાર નીકળીને શ્વેતાના પરિવાર પાસે ગઇ અને બોલી,”ચાલો જલદી રૂમમા..અંદર એક છોકરો હિબકા ભરે છે..”
અનાયાસે વિઝિટે નીકળેલા ડોકટરોની ટીમ ત્યા ઉભી હતી એના કાને વાત પડતા એ પણ બધા સાથે શ્વેતાના રૂમ તરફ વળ્યા…. અને હિબકે ચડેલા સ્સ્મિતની હથેળી વચ્ચે કંઇક સંચાર થયો એવો આભાસ થયો…અને અચાનક સ્મિતે હિબકા રોકી અને ડોકટરો અને બધા સામે જોયુ અને બોલી ઉઠયો……”જુઓ….શ્વેતાની હથેળી મારા પંજાને દબાવે છે..”સ્મિતની વાત સાંભળીને એક ડૉકટર ઝડપથી શ્વેતાની હથેળીને પકડીને તપાસવા લાગ્યા..અને ડૉકટરની આંખોમાં ખૂશી ચમકી ઉઠી….અને એના મુખેથી નીકળી પડયુ…”ઓહ માઇ ગોડ…..ઇટસ રીયલી મેઝિક….”
આ વાતને બે વર્ષ થઇ ગયા…એક પગ ગુમાવેલી શ્વેતાએ જયપૂર જઇને નકલી પગ બેસાડ્યો ,તેથી બરોબર હલનચલન કરી શકતી….અને એનો મજબુત સહારો હતો….સ્મિત.જેની સાથે આવતા મહિનાની ચૌદમી ફેબ્રુઆરીને લગ્ન લેવાના હતા…
રેખા વિનોદ પટેલ (વિનોદિની ), ડેલાવર (યુ એસ એ)