વ્હાલી બેન,
આજે ધણા વખત પછી પત્ર લખું છું. છેલ્લા થોડા સમયથી હું મારા કામમાં બહું વ્યસ્ત હતી.એ જ કારણ હતું બાકી હું અહીના બીઝી સમયમાં પણ તને બહુ યાદ કરતી હતી.તેનું ખાસ કારણ એ છે કે મારી અડોશ પડોશમાં થતા અવનવા બનાવો.
બેન…., તે થોડા સમય પહેલા મને જણાવ્યું હતુકે બાજુ વાળા ભાભીને બાળક ના થવાના એંઘાણ દેખાતા તેમાંના સાસુએ ભાભી સામે છૂટાછેડા આપવા માટેની માગણી કરી હતી.
આપણા દેશમાં પ્રવર્તતી અમુક માન્યતાઓ બહું અજીબ અને મનને વિચલિત કરનારી હોય છે.બાળક નાં થાય તો શા માટે માત્ર અનેમાત્ર સ્ત્રીને દોષ દેવાય છે.શું બાળકનો જન્મ એ જ સ્ત્રીનું એક માત્ર કાર્ય ગણાતું હશે?શું પુરુષમાં બાળક પેદા ના કરી શકે એવી ખામી હોવાની શક્યતાઓ પણ રહેલી હોય છે.
જો કોઇ યુગલને પોતાનું બાળક નાં હોય તો શું બીજાના તરછોડાએલા બાળકને પોતાનું કરી શું બાળકનું સુખ પ્રાપ્ત નાં થઇ શકે?હું તો માનું છુ કે આ બધું થઇ શકે છે બહેન.બસ આપણે આપણી જૂની રૂઢીચુસ્ત માન્યતાઓને સમય અનુસાર બદલવી જોઈએ .
મારી સોસાયટીના છેવાડે આવેલું એક નાનકડું સુંદર મજાનું હાઉસ છે.એ હાઉસમાં છેલ્લા પાંચ વર્ષથી પાંત્રીસની આસપાસની ઉમર ઘરાવતું એક અમેરિકન યુગલ રહે છે.બંને પતિપત્ની કોઈ સારી કંપનીમા જોબ કરે છે.છેલ્લા દિવસોથી એની પત્ની જીમીને હું ઘરે જોઉં છું.અત્યાર સુધી તો અહી વિન્ટર હતો તો લોકોની બહાર અવરજવર ઓછી દેખાતી અને કોના ઘરમાં શું ચાલી રહ્યું છે તેની જાણકારી નહીવત હોય છે.
હવે સ્પ્રિંગની શરૂવાત થઇ છે અને બેન તું તો જાણે છે કે મને બહાર ગાર્ડનીગ કરવું બહુ ગમે છે.બે ત્રણ દિવસથી રોજ સવારે હું જીમીને સ્ટ્રોલર ગાડી લઈને તેના નાના બાળકને લઇ ફરવા જતી જોઉં છું. છેવટે કુતુહલતા વશ હું આજે તેને પૂછી બેઠી.
“જીમી,આ તારી બેબી છે? મને તો તું પ્રેગનેન્ટ હતી તેની પણ જાણ નહોતી”
જવાબમાં તે મીઠું હસીને બોલી ” હા મારી બેબી છે,પણ પ્રેગનેન્સી વિનાની છે,કારણે કે આ બાળક મેં એડોપ્ટ કરેલું છે ”
તેની વાત સાંભળી હું નજીક ગઈ તો આભી બની ગઈ.ગોરી ગોરી સુંદર રૂપાળી જીમીના સ્ટ્રોલરમાં પાતળું કાળું પાંચ છ મહિનાનું બાળક ઊંઘતું હતું.
“નેહા……,જોઇ લે મારી કેટલી વ્હાલી લાગે તેવી બેબી છે?”જીમી ખુશ થતા બોલી.
હા જીમી,બહુ જ વ્હાલી લાગે તેવી છે તારી બેબી.”મારાથી પ્રીટી શબ્દ નાં બોલાયો.કારણકે આપણે માત્ર રંગને સુંદરતા માં ગણાતા આવ્યા છીએ.
વાતવાતમાં જાણવા મળ્યું કે જીમીને બાળક થઇ શકે તેમ નહોતું આથી તેમણે ઇથોપિયા જઈ બાળક દત્તક લીધું.જીમી અત્યારે તેની સારી જોબ ઉપર ત્રણ મહિનાની રજાઓ કપાતા પગારે લઇ અને પોતે ઘરે રહીને પોતાના બાળકની કાળજી લે છે.જીમીની માન્યતા પ્રમાણે જો કોઈને સુખ આપવુ જ હોય તો સુખીને સુખ આપ્યા કરતા જરૂરીયાતને સુખ આપવામાં વધુ ખુશી મળે છે.
મારી બહેન,આ વાત ઉપરથી મને થોડા સમય પહેલાના બહુ ચર્ચિત સમાચાર પણ યાદ આવી ગયા.
અમેરિકાની ખ્યાતનામ અભિનેત્રી એન્જોલીના જોલીએ પણ આજ રીતે એક ઈથોપિયાના બાળકને એડોપ્ટ કર્યું હતું.જ્યાં રંગભેદના ગાણા ગવાય છે તેવા દેશમાં આમ જોતા મને ક્યાય રંગભેદ જણાતો નથી.હા મનભેદ અવશ્ય જણાતો હશે.
હા સાચું છે કે શ્વેત અશ્વેત વચ્ચે એક અંતર કાયમ રહ્યું છતાં પણ થોડા ઘણા મનબેદને બાદ કરતા અહીની પ્રજા બહુ ઝડપથી બદલાવને અપનાવી લે છે.એજ્યુકેશનલ કે પ્રોફેશનલ બેક ગ્રાઉન્ડ્ઝ પર દુનિયાના જુદા – જુદા દેશોમાં કેટલાય લોકો રોજ અમેરિકાના જુદાજુદા એરપોર્ટ ઉપર ઠલવાય છે અને અહી આવતા દરેક પોતપોતાની જરૂરીયાત મુજબ ગોઠવાઈ જાય છે.
જ્યારે આપણા દેશમાં તો વર્ષોથી વસવાટ કરી રહેલા,આપણા ઘરઆંગણે વસતા લોકો સાથે એક અંતર આખીયે છીએ. આજે જ્યારે પણ ભારતમાં જાતિવાદની વાત આવે ત્યારે અમેરિકાની રંગભેદની વાત અચૂક થાય છે.પણ તે યોગ્ય નથી કારણકે અહીનો રંગભેદ તે શ્વેત અશ્વેત વચ્ચેનો છે.આ બંને અલગ પ્રજાતી છે.જે અલગ અલગ ખંડોમાંથી આવેલી હતી. શ્વેત પ્રજા મૂળ યુરોપના દેશોમાંથી આવીને અહી વસી હતી.જ્યારે અશ્વેત આફ્રિકાના દેશોમાંથી કામ કરવા લવાએલી પ્રજા હતી તેમનો રંગ રૂપ બોલી અને વિચારશક્તિ બધુજ સાવ ભિન્ન હતું આથી બંને વચ્ચે એક અંતર હોવું સ્વાભાવિક છે.
જ્યારે આપણા દેશમાં દેશમાં એક સરખા રંગ રૂપ અને બોલી વાળી આર્યવંશની પ્રજા વચ્ચે તો જુના સમય કાળથી બ્રામણ,વૈશ્ય,ક્ષત્રિય અને ક્ષુદ્ર એવા ચાર ભાગ પાડી દેવાયા હતા. પછી ઉચનીચ એવા જાતીય ભેદભાવ થયા અને એક સરખા દેખાવ અને એકજ ભૂમિના લોકો વચ્ચે અણગમાના બીજ રોપાયા.જુના સમયમાં ઉચ્ચવર્ણનાં લોકો સામે ક્ષુદ્ર સમાજનો માણસ પસાર થાય તો માથા પર ચપ્પલ મુકીને પસાર થવું પડતુ.હદ તો ત્યા સુધી થતી કે ઉચ્ચવર્ણ સિવાયનાં લોકોને ગામનાં કુવામાંથી પાણી સુધ્ધા ભરવાની મનાઇ હતી.
આ જાતીય ભેદભાવે હજારો વર્ષોથી માણસથી માણસને દુર કરવામાં ભાગ ઘણૉ મહત્વનો ભજવ્યો.ભારતમાં અટક ઉપરથી માણસનો વર્ગ નક્કી થાય છે કે એ કઈ કોમનો છે.એ જાણી શકાય છે.અને આ ઉપરથી તે સુદ્ર છે કે ઉજળીયાત છે એવા અણગમતા શબ્દોનો પ્રયોગ થાય છે.
જ્યારે અમેરિકામાં આ રીતે અટકનાં નામે વ્યવહારમાં કોઈ ઉચનીચ જેવું છે જ નહિ ,અહી અટકો ઉપરથી કોઈની ઉચનીચ કે જાતી પ્રજાતિ નક્કી થતી નથી.આ દેશમાં લાખો લોકો બહારના જુદાજુદા દેશોમાંથી આવ્યા છે અને સમયાંતરે અહીના વતની બની ગયા છે.અને એક બીજી જ્ઞાતિઓ તથા વિભિન્ન પ્રજાતીના સાથેના આંતરવિવાહને કારણે હવે અમેરિકામાં મિક્સ પ્રજાની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો છે. અને જેના પરિણામે અહી રંગભેદ ઘટતું જાય છે.
ખેર બહેન ભાભીના સાસુને આ વાત જરૂર જણાવજે.બની શકે કે તેમનું મન બદલાઈ જાય.
લી . તારી બહેન
રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ )