RSS

Category Archives: Uncategorized

19437571_1606254212742670_164774469317099302_nપરદેશમાં વ્હાલો દેશ- રેખા પટેલ(વિનોદિની)
આ વાત ખરા અર્થમાં દેશની બહાર પરદેશમાં વસતાં થઈએ ત્યારે સાચી લાગે છે. આમતો આપણા દેશના કેટલાક ગામોમાં એકતાનો પ્રભાવ બીજા ગામો કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેમાય ગામ શિક્ષણ, કલ્ચર સાથે સમૃદ્ધિ ભરેલું હોય તો આવી એકતા વધુ રહેલી હોય છે.
આવા ગામોમાં મોખરાનું નામ ઘરાવતું ચરોતરનું ” ભાદરણ” ગામ છે. નાનકડાં ગામ ભાદરણની સ્વચ્છતા અને ત્યાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રગતિનો ગ્રાફ છેલ્લા સો વર્ષથી એકધારો ઉંચો જતો જાય છે. ગામમાં રહેતા લોકોનો ગામ તરફનો પ્રેમ સાથે બીજું જવાબદાર એક કારણ છે પરદેશમાં વસતા વતન પ્રેમીઓનો ગામ માટેનો લગાવ. “જો આપણું ઘર વહાલું હોય તો આગણું વહાલું હોવુજ જોઈએ” આ માન્યતા ત્યાં બાળપણથી શીખવવામાં આવે છે. અને સ્વચ્છતા હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ દોડતી આવે છે. જેના પરિણામે આજે પણ ભાદરણ જાણીતું ગામ બની રહ્યું છે.
હવે વાત પરદેશમાં વસતા વતન પ્રેમીઓની કરું તો , અમેરિકાના ન્યુજર્શી સ્ટેટમાં ૧૯૮૦માં ભાદરણ સમાજની શરૂઆત સાવ નાના પાયે થઈ હતી. જેમાં શૈલેષભાઈ, પ્રફુલભાઈ ,તારકભાઈ વગેરેએ સાથે મળીને સમાજને આગળ લાવવા પ્રયત્નશીલ રહેતા હતા.જેમાં તેમની પત્નીઓનો સંપૂર્ણ સહકાર રહેતો, શરુઆતમાં મીકીબહેન, મયુરીબહેન વગેરે ડ્રામા તૈયાર કરતા, જાતે જમવાનું બનાવતા, આ રીતે દિવાળી પાર્ટી અને સમર પીકનીકનું આયોજન કરતા. જે આગળ વધીને આજે કોઈનું પણ ઘ્યાન ખેચે તેવી પાર્ક પીકનીકમાં ફેરવાઈ રહ્યું છે.
આ વખતે સમર પીકનીક જુન અઢારના રોજ રડ્ગર્સ યુનીવર્સીટી પાસે આવેલા હાઈલેન્ડ પાર્કમાં આયોજિત કરાઈ હતી. સવારે દસ વાગ્યાથી શરુ કરાએલી આ પીકનીકમાં સહુ પહેલા આરોગ્ય શિબિરનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં મૂળ ભાદરણના ન્યુજર્શીમાં રહેતા હાર્ટ સ્પેશ્યાલીસ્ટ ડોક્ટર અક્ષય પટેલે અહી આવનાર દર્દીઓનું મફત કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેસર વગેરેની તપાસ કરી હતી. આ સાથે મઝાની વાત એ હતી કે પાર્કમાં ભારત પાકિસ્તાનની મેચને નિહાળવા માટે ટીવી અને સેટેલાઈટની ખાસ વ્યવસ્થા કરાઈ હતી.સાથે વોલીબોલ અને ક્રિકેટ જેવી રમતો પણ રમાઈ હતી.
આવી પીકનીકની ખાસ મઝા પાર્કમાં ખવાતા ફૂડની હોય છે. સવારે ફાફડા જલેબી, મેથીના ગોટા સાથે ચાય કોફીથી થયેલી શરૂઆત છેક સાંજ પડતા સુધીમાં કેટકેટલી વાનગીઓ સુધી લંબાઈ ગઈ. બપોરમાં દહીવડા, પાપડીનો લોટ, સેન્ડવીચ સાથે કેરીનો બાફલો, મકાઈ, આઈસ્ક્રીમ અને બીજું કેટલુંય રાખવામાં આવ્યું હતું. સાંજે આપણી દેશી ખીચડી છાસ અને શાક. બધુજ ત્યાં ગરમ ગરમ બનાવાયું હતું. આ વખતે આશરે ૪૦૦ જેટલા વતનપ્રેમીઓ હાજર રહ્યા હતા. મોટાભાગના આસપાસના વિસ્તારોમાં રહેતા આવ્યા હતા. તો કેટલાક આજુબાજુ ફિલાડેલ્ફીઆ, ડેલાવર, મેરીલેન્ડ અને કેટલાક એથી પણ દુરથી ખાસ પીકનીક માટે આવ્યા હતા. કલ્પેશભાઈ પટેલ છેક ફ્લોરિડાથી દર વર્ષે બે દિવસ માટે સમર પીકનીકમાં હાજર રહે છે.
પાર્ક હોય અને બાળકોને કેમ ભૂલાય? બાળકો માટે વોટરબલુનની રમતમાં મિકી બહેને બાળકોને ખુબ મઝા કરાવી હતી. તેમનો બાળકો પ્રત્યેનો પ્રેમ સ્પસ્ટ દેખાઈ આવતો હતો. આ સાથે ફેઈસ પેન્ટિંગ અને મેજિશીયનને પણ બોલાવાયો હતો. આ ઉપરાંત ફાધર્સ ડે હોવાથી બાળકો પાડે કેક પણ કપાવાઈ હતી.
મને ગમતી વાત અહીની એ છે કે અહી સમાજમાં કોઈ પ્રેસિડેન્ટ કે બીજા હોદ્દાઓ નથી બધા સભ્યો એક થઇ કામ કરે છે. નોંધ લેવા જેવી બાબત છે કે પહેલા વડીલો જે કામ કરતા હતા તે કામ હવે અહી વસતા યુવાનોએ હોંશભેર આગળ વધારવા આગળ આવી રહ્યા છે.
અમેરિકામાં પૈસા કરતા સમયનો દરેકને અભાવ હોય છે તેવા વખતમાં ભાદરણના મયંક પટેલ (ડઘુ) અને તેમની પત્ની ધ્વનીએ બહુ મહેનત અને હોંસથી જવાબદારીઓ ઉપાડી લીધી હતી. આ ઉપરાંત પાર્કમાં લાવેલી બધીજ સેન્ડવીચ તેમણે તેમની સેન્ડવીચ સોપમાં બનાવીને ફ્રી સ્પોન્સર કરી હતી. આજ રીતે કેટલાક ભાઈઓ લીકર બીયર તથા જરૂરી વસ્તુઓ આપમેળે લઇ આવ્યા હતા. વધારામાં રોકડ રકમ નોંધાવી હવે પછી થનારી દિવાળી પાર્ટી અને આવતા વર્ષની પીકનીક માટે પોતાનો ફાળો નોંધાવ્યો હતો. આવી એકતા જોતા લાગે છે કે પરદેશમાં પણ દેશ સદાય જીવંત રહેશે….ડેલાવર(યુએસએ)

 

 
 

19510376_1609198372448254_4581931847235259814_nદ્રષ્ટીફેર – રેખા પટેલ(વિનોદિની)
હાશ ચાલો હવે આ ભારતની ધૂળ,ગરમી અને બેકારીમાંથી મુક્તિ મળશે એવું વિચારતો ૨૫ વર્ષનો મોહન મોટાભાઈની ફાઈલ ઉપર અમેરિકા આવ્યો. શરૂઆતના એકાદ અઠવાડિયું તો અહી બહુ સારું લાગ્યું. ન્યુજર્સીના જર્સી-સીટી એરિયાના બે બેડરૂમના નાના ઘરમાં ભાઈ ભાભી અને તેમની દસ વર્ષની દીકરી રહેતા હતા. થોડું ચાલીને જતા ઇન્ડિયન માર્કેટ આવી જતું. આજુબાજુ રહેનારા પણ ઘણા ઈન્ડિયાનો હતા તેને અહી ગમવા લાગ્યું. આ બધું થોડા દિવસનું હતું. હવે ભાઈએ જોબ શરૂ કરી દેવાની વાત મૂકી.
થોડું ઘણું અંગ્રેજી જાણતા મોહનને અહીની અલગ ઉચ્ચારણ વાળી અંગ્રેજી હજુ બરાબર સમજાતી નહોતી, અને દેશમાં ખાસ કામ પણ કર્યું નહોતું. છતાં કાયમ અહી રહેવા માટે કામ તો કરવુજ પડશે વિચારી મોટાભાઈની લાગવગથી થોડે દુર એક ઇન્ડીયનની કોફી અને બ્રેકફાસ્ટ માટે પ્રખ્યાત ડંકીન ડોનટમાં કામે લાગી ગયો. શરૂઆતમાંતો શીખવાનું હોય કરી બે ત્રણ અઠવાડીયા ખાસ કોઈ પગાર મળ્યો નહિ. ત્યાર બાદ હજુ કશું આવડતું નથી કહી પાણીચું પકડાવી દીધું. છતાય હિંમત હાર્યા વિના મોહન જે પણ કામ મળે તે કરવાનો પ્રયત્ન કરતો રહેતો. છેવટે ઘરથી માઈલ દુર તેને ગ્રોસરી સ્ટોરની વખારમાં આવેલા માલને ગોઠવવાનું કામ મળ્યું. આખો દિવસ ભારે બોક્સ ઉઠાવવા પડતા. સાંજે ઘરે આવી ભાભીને કામમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરતો. કારણ ભાભી પણ જોબ કરતા હતા,આથી એકબીજાને હેલ્પ કરવી અહીનો નિયમ હતો.
આમને આમ બે વર્ષ થઈ ગયા. હવે ભાભીને મોહનની હાજરી ખૂંચવા લાગી હતી. આ વાત મોહન પણ સમજતો હતો. એવામાં વખારમાં ઇન્ડીયાથી ઈલીગલ કમાવવા આવેલી શિવાની સાથે મનમેળ થઈ ગયો. શિવાનીને પણ આ બહાને ગ્રીનકાર્ડ મળી શકે તેમ હતું. આથી ઝાઝી પૂછપરછ કર્યા સિવાય ભાઈ ભાભી અને થોડાક મિત્રોની હાજરીમાં બંને એ લગ્ન કરી લીધા. અને એક બેડરૂમના ફ્લેટમાં નવજીવનની શરૂઆત કરી.
સમય તેની ગતિએ વહેતોજ જાય છે જેમાં સહુએ પોતપોતાના રોલ ભજવતા રહીને વહેતા જવાનું હોય છે. બસ આમજ મોહન અને શિવાનીએ બહુ મહેનત કરી ડોલર બચાવી દસ વર્ષમાં પોતાનો નાનકડો અમેરિકન ગ્રોસરીનો સ્ટોર ખરીદ્યો. આ સાથે દીકરા રાજનો પણ જન્મ થયો. પોતે જે દુઃખ વેઠવા છે તે દીકરાને નાં પડે એની આ બંને ખુબ કાળજી રાખતા. દસ પંદર ડોલરથી મોંઘા કપડા કે વસ્તુઓ મોહન કે શિવાની જાત માટે ખરીદતા નહોતા. પરંતુ રાજ માટે તેની ગમતી વસ્તુઓ માંગતાની સાથે હાજર કરી દેતા.
બહુ જતનથી ડોલર બચાવી અઢાર વર્ષના રાજને ન્યુજર્શીની રડ્ગર્સ કોલેજમાં ભણવા મુક્યો. ખર્ચા વધવા લાગ્યા અને આવકમાં ખાસ કોઈ વધારો નહોતો. આથી શિવાની સ્ટોર ચલાવતી અને મોહન હવે બહાર નોકરી કરવા લાગ્યો. રાજ આ બધું જોતો હતો પરંતુ તેને મોજશોખની આદત પડી ગઈ હતી. મિત્રોમાં વટ જળવાઈ રહે માટે ખર્ચા ઉપર કાપ મુકવા એ તૈયાર નહોતો.
મોહન અને શિવાનીને બે છેડા એક કરવામાં તકલીફ પાડવા લાગી. સાથે રાજના ખર્ચા પણ ભારે પાડવા લાગ્યા. પરંતુ હવે તેને કંઈ પણ કહેવાનું નકામું હતું. કારણ એ કોઈ વાતને સમજવા તૈયાર નહોતો “બેટા તું તારા વધારાના ખર્ચા ઓછા કર, બહાર ખાવાનું ઓછું રાખ.” શિવાની તેને સમજાવતાં કહેતી.
” તો ભલે હું હવે આગળ ભણવાનું છોડી દઉં છું અને તમારી જેમ કોઈ લેબર જોબ શોધી લઉં છું.” રાજ અકળાઈ જતો.
આમ કરતા રાજની કોલેજ પૂરી થઈ અને સારા નશીબે તેને એક કંપનીમાં જોબ મળી ગઈ. મોહનને હાશ થયું ” ચાલો હવે દુઃખના દિવસો ગયા, સુખનો સુરજ ઉગ્યો.”
પરંતુ આ માત્ર સપનું નીકળ્યું. ” ડેડી મમ્મી હું મારી સ્પેનીશ ગર્લ ફ્રેન્ડ સાથે રહેવા જવાનો છું.’ રાજે ધડાકો કર્યો.
” બેટા તારી ગર્લફ્રેન્ડ હોય તને પસંદ હોય તો અમે તેની સાથે તારા લગ્ન કરાવી આપીશું. પણ આ રીતે લગ્ન વગર તેની સાથે રહેવા ના જવાય.” મોહને શાંતિથી રાજને સમજાવતા કહ્યું.
” લુક ડેડ ધીસ ઇસ નોટ યોર ઇન્ડિયા, અહી આ બધું કોમન છે, મને મારી રીતે જીવવા દ્યો.”
માં બાપ રડતાં રહ્યા અને રાજ તેની ગર્લફ્રેન્ડ સાથે તેના ફ્લેટમાં રહેવા ચાલ્યો ગયો. રાજના ગયા પછી શિવાનીની તબિયત લથડતી ચાલી. એક માં દીકરાનું આવું અવહેલના ભર્યું વર્તન સહન નાં કરી શકી. ડીપ્રેશનની હાલતમાં હવે શિવાની સ્ટોર ઉપર કામ કરવા જવાનું બંધ કરી દીધું. હવે મોહનને માથે બેવડી જવાબદારી આવી પડી. સ્ટોર અને શિવાનીની સંભાળ લેવાનું.
” રાજ તારી મમ્મીની તબિયત સારી નથી રહેતી તું બધું છોડી ઘરે રહેવા પાછો આવીજા.” થાકીને મોહને રાજને ફોન કર્યો.
” ડેડી હું સાંજે મમ્મીને મળવા આવું છું. તમે પણ હાજર રહેજો.” કહી રાજે ફોન પટકી દીધો.

 

એ સાંજે રાજ ઘરે આવ્યો. શિવાનીએ રાજનું ભાવતું જમવાનું બનાવ્યું, તેનો બેડરૂમ ફરીફરી ગોઠવી સુવ્યવસ્થિત કર્યો અને આખો દિવસ એ બીઝી છતાં ખુશ રહી હતી.
” આવી ગયો બેટા? બે મહિના થયા તને તારી મમ્મી યાદ નહોતી આવતી? તારો સામાન ક્યા?”શિવાનીના અવાજમાં અધીરાઈ હતી.
” લુક મોમ હવે હું નાનો નથી. હું પણ જોબ કરું છું મારી પોતાની લાઈફ છે. આ બધામાં મને સમય નથી મળતો નથી. ડેડીએ કહ્યું કે તમારી તબિયત સારી નથી તો મળવા આવ્યો. પણ તમે તો બરાબર લાગો છો. મને નકામો દોડાવ્યો.” રાજાના અવાજમાં કંટાળો સ્પસ્ટ વર્તાતો હતો.
” બેટા સાવ એવી નહોતું તારી મમ્મી તને યાદ કરીને ઉદાસ રહે છે. હવે સ્ટોર ઉપર કામ કરવા પણ નથી આવતી. તું પાછો આવીજા તું અહી પણ તારી મરજી પ્રમાણે જ રહેતો હતો ને!” નાં છુટકે મોહન મા દીકરાના વાર્તાલાપ વચ્ચે કુદ્યો.”
જનરેશન ગેપ અને વિચારોની અસમાનતાનાં કારણે ત્રણેવ વચ્ચે ઉગ્રતા સરજાઈ ગઈ. છેવટે સમાધાન કરવાનાં હેતુ થી રાજે પોતાનો આખરી વિચાર જણાવ્યો
” જુઓ મમ્મી ડેડી હું હવે સોફી સાથેજ રહેવાનો છું તેને અહી તમારી સાથે ફાવે તેમ નથી અને તમને ત્યાં ફાવે નહિ. બીજું હમણાં અમારે લગ્નના કોઈ બંધનમાં ફસાવું નથી. તમે ભારત છોડીને આવ્યા અને તમારી મરજી મુજબ જીવ્યા. હવે મારો વાળો છે. હું દર મહીને તમને મળવા આવીશ બાકી તમેં તમારી રીતે અને હું મારી રીતે જીવીશું.”
આ બધાથી અકળાઈ મોહને રાજને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું” અમારે તારી મહિનામાં એકવાર આવી મ્હો બતાવી જવાની ભીખ જોઈતી નથી. આજથી તારે અને અમારે કોઈ લેવાદેવા નથી. હા તારું ઘર સમજી તું કાયમને માટે આવે તો આવજે બાકી તારો અને અમારો સમય બગાડીશ નહિ.”
શિવાની રડતી રહી અને રાજ પગ પછાડીને ચાલ્યો ગયો. સમય વીતતો રહ્યો ત્રણ મહિનામાં બધુજ બદલાઈ ગયું. રાજના સુખમાં જીવ પરોવીને જીવતી શિવાની સાવ સુનમુન બની ગઈ હતી. મોહન આ વાત સમજતો હતો પરંતુ એ તે પણ જાણતો હતો કે રાજ હાથમાંથી ચાલ્યો ગયો છે તેને પરાણે ખેચવામાં બંનેના હૃદય લોહીલુહાણ થઇ જવાના છે.
છેલ્લા ઉપાય તરીકે રાજે શિવાની સામે એક વાત મૂકી.
” શિવાની અહી આપણા ઘરની સામેના અપાર્ટમેન્ટમાં ચાર પાંચ ઇન્ડીયાથી આવેલા યુવક યુવતીઓ દસ બાર કલાક નોકરી કરે છે અને એકલા રહે છે. તેમને જમવાની બહુ તકલીફ રહે છે. એવું મારી સાથે વાત થઇ તો કહેતા હતા. શું આપણે તેમની માટે ટીફીન સર્વિસ શરુ કરીએ તો કેમ?”
શિવાનીએ પહેલા તો નન્નો ભણી દીધો. પછી તે છોકરાઓની તકલીફ વિષે જાણી તેનું દિલ પીગળી ગયું. અને વિચાર્યું ચાલો એ બહાને થોડું વ્યસ્ત રહેવાશે. શરૂઆતમાં ત્રણ છોકરાઓના ટીફીન બનાવવાનું શરુ કર્યું. ક્યારેક તેઓ ટીફીન ઘરે લઇ જતા ક્યારેક અહી શિવાની માસીના ઘરેજ વાતોના વડાં કરતા જામી લેતા. ધીમેધીમે આઠ છોકરાઓનું ટીફીન બનાવવાનું કામ મળ્યું. વધારે આનંદ આઠ છોકરાઓની માસી બનવાનો હતો. આખો દિવસ ઘરમાં ચહલપહલ રહેવા લાગી, વધારામાં ઘરથી દુર એકલા રહેતા બાળકોની મદદ પણ મળવા લાગી. શિવાની આજુબાજુના વિસ્તારમાં શિવાની માસી તરીકે બધાના પ્રિય થઇ પડ્યા. તેમનો દીકરો રાજ આવીને મળીને પાછો જતો રહેતો તેનાથી કોઈ ખાસ ફર્ક હવે તેમના જીવનમાં નહોતો પડતો. મોહનને સંતોષ હતો કે હવે શિવાનીની દ્રષ્ટીફેર ને કારણે તેની સૃષ્ટી બદલાઈ ગઈ હતી. તેની આંખોમાં તરસ અને વેદનાને બદલે તૃપ્તિ અને વાત્સલ્ય લહેરાતું હતું…. ડેલાવર(યુએસએ)

 

પિતાનું કવચ અને કડપ

પિતાનું કવચ અને કડપ- રેખા પટેલ (વિનોદિની)
આજ સુધી લખાએલા એક હજાર પુસ્તકોમાં “મા” ઉપર ૯૦૦ પુસ્તકો કે નિબંધ મળી આવશે. જયારે પિતા ઉપર બહુ ઓછું લખાણ જોવા મળશે.
શું બાળકના ભરણ પોષણ અને પ્રગતિમાં પિતાનો કોઈ ફાળો નથી?
આ પ્રશ્નનો જવાબ દરેકે પોતાને પૂછવો રહ્યો. હા સાચી વાત છે. બાળક માના અસ્તિત્વનો ભાગ છે, તો એ પિતાનો અંશ છે. મા જન્મ આપે છે તો પિતા જીંદગી બક્ષે છે. મા ગુરુ છે તો પિતા હાથ ઝાલી રસ્તો સૂચવનાર જીવનરથનો સારથી છે. આપણા રથને યોગ્ય દિશામાં લઇ જવા માટે આ સારથી ક્યારેક ઢીલ આપે છે તો ક્યારેક લગામ કસીને ખેંચે છે. આપણે તેની ખેચાએલી લગામને પિતાની કડપ માની લઈએ છીએ. પરંતુ હકીકતમાં એ તેમની આપણા ભવિષ્ય પ્રત્યેની તેની ચિંતા અને લગાવ માત્ર છે. આખો દિવસ બહાર કામ કરીને ઘર અને બાળકો માટે કમાણી કરીને આવતા પિતાને સાંજે આરામ અને શાંતિની જરૂર પડે છે. છતાં પણ એ પોતાનો થાક ભૂલી બાળકની દિનચર્યા ઉપર ઘ્યાન આપે સલાહ આપે કે પછી કડક વર્તન દાખવે એ શું અનહદ પ્રેમનું ઉદાહરણ નથી?
મા પોતે ભૂખી રહી બાળકને કોળીયો ખવરાવે છે ત્યારે એ ભૂલવું પણ ભૂલ ભરેલું હોય છે કે પિતા બાળકને ભૂખ્યો રાખી ખાઈ શકે છે. યુવાનીમાં જે પુરુષ પોતાના મોજશોખ અને રંગીનીયાને દુનિયા માનતો હોય છે તેજ એક પિતા બનતા સાવ બદલાઈ જાય છે. તેની સહુ પહેલી પ્રાથમિકતા તેનું બાળક બની જાય છે.
પિતાના પ્રેમ અને ત્યાગને જરાય ઓછું નાં આકવું. પોતાના બધાજ શોખને એક બાજુ મૂકી પિતા બાળક અને તેની જનેતાનું રક્ષણ કરે છે. તેમના સપના પુરા કરવામાં પોતાના સ્વપ્નાઓને રાખમાં ભંડારી રાખે છે.
નિરાશ હતાશ બાળકને પિતાના સાનિધ્યમાં હુંફ મળે છે. દુર બેઠેલો દીકરો કે દીકરી જ્યારે બાલ્યાવસ્થામાં હોય ત્યારે મુશ્કેલીમાં મા સાંભળે છે. અને તેજ બાળકો જ્યારે યુવાનીમાં પગલાં માંડે ત્યારે વિષમ પરિસ્થિતિમાં તેમને પ્રથમ પિતા યાદ આવે છે. તેના મનમાં કાયમી ભરોસો હોય છે કે ભલે બધા દુર જાય પરંતુ મારા પિતા ગમેતેવા સંજોગોમાં પણ મારો સહારો બની સાથે રહેશે. સારા કે ખરાબ પ્રસંગોમાં જેમના માથા ઉપર પિતાનો હાથ રહે છે તેઓ ખરા અર્થમાં નશીબદાર છે. એથીજ તો પિતાને ઘરનો મોભ કહેવાય છે. એક બાપનો ખભો બાળકોના ભારથી ક્યારેય ઝૂકતો નથી. હા બાળકોનું ઓરમાયું વર્તન અને બેજવાબદારી તેમને યુવાનીમાં પણ તોડી શકે છે. મા રડીને કે દુઃખ જાહેર કરીને મનનો ભાર હળવો કરી લેતી હોય છે. જ્યારે એક પિતા પુરુષ છે તેને રડવાનો અધિકાર નથી એમ કહેતા સમાજમાં તે સઘળું દુઃખ લાવાની માફક પોતાની અંદર છુપાવી રાખે છે. તેની એ સ્થિતિ ખરેખર વિચારવા જેવી છે.
બાળક નાનું હોય કે યુવાન બને પરંતુ તેમની માટે પિતાની સહનશક્તિ અમાપ હોય છે. એક નાનો દાખલો હું અચૂક વર્ણવીશ. મારા લગ્ન સમયે મારા પિતાની ઉંમર પચાસ વર્ષ હતી. લગ્નના આગલા અઠવાડિયે તેમની તબિયત અચાનક બગાડવા લાગી. છેલ્લા દિવસોમાં હું અને મમ્મી જ્યારે મારી શોપિંગ કરીને ઘરે આવતા ત્યારે પપ્પા ઓસરીમાં અત્યંત દર્દ સહન કરતાં જોવા મળતા. છતાં અમને જોઈ ” લાવ બતાવ શું લાવી તું? તારું ગમતું બધું મળ્યું ને ? એવા પ્રશ્નો પૂછી બધું દુઃખ સંતાડી ખુશ થવાનો પ્રયત્ન કરતા. ત્યારે હું એ વાત નહોતી સમજી શકી કે કેવા દર્દ માંથી તે પસાર થતા હશે. લગ્ન પછી બીજા દિવસે હું ઘરે આવી, મને જોઈ તરત એ પલંગમાં બેઠા થઇ ગયા અને મારા માથા ઉપર હાથ ફેરવી સહુ પહેલા એજ પૂછ્યું કે ” તું ખુશ છે ને? ત્યાં બધા તારી માટે પ્રેમ રાખે છે ને ? લગ્નના ચોથા દિવસે તેમને હોસ્પિટલ જતા રસ્તામાં પ્રાણ ત્યજી દીધા. આજે પણ એ દિવસો યાદ કરતા કંપી જાઉં છું. મારા વહાલા પપ્પાના દુઃખને નાં સમજી શકવાનું દુઃખ આજે પણ તીવ્રતાથી અનુભવું છું.
‘મારા લગ્નની ખુશી ડહોળાઈ ના જાય એ માટે બધું દુઃખ બહુ સિફતથી પચાવી ગયા હતા.’ મારી માટે પિતાનું મહત્વ હંમેશા વધારે રહ્યું છે.
ઓ પિતા તુંજ ઈશ્વર છે
બાળક માટે પરમેશ્વર છે.
તુજ થકી રોનક છે ચહેરે
મા સંગીત,તું સાથે સ્વર છે
ભુલભુલામણી મુંઝવે ત્યારે,
જીવન તુંજ પર અસ્વાર છે
ડેલાવર (યુએસએ)

 

સમર જોબ

ટીનેજર્સ માટે વેકેશનમાં સમર જોબની જરૂરીઆત.
જુન થી સપ્ટેમ્બરનું પહેલું વિક અમેરિકામાં સ્કુલ કોલેજમાં વેકેશન ટાઈમ ગણાય. એક તરફ સ્કુલ વર્ષ પૂરું થવા આવે અને સમરની શરૂઆત હોય, આ બાળકો માટે સહુથી ગમતો ટાઈમ હોય છે. આ અઢીથી ત્રણ મહિના વેકેશન દરમિયાનનો ટાઈમ કેમ પસાર કરવો તે પ્રશ્ન પણ તેમને મૂંઝવી જતો હોય છે. કારણ ઇન્ડીયામાં સમય કેમ વીતી જાય તેની કંઈજ ખબર ના પડે, પરતું અહી મિત્રો દુરદુર રહેતા હોય તેથી એકબીજાને ત્યાં જવા ટ્રાન્સપોર્ટેશન જરૂરી બને છે. વળી મોટા ભાગના પેરેન્ટ્સ જોબ કરતા હોય. આવા સમયમાં બાળકો ઘરે કંટાળી જાય છે. આથી અહી વેકેશનમાં ટીનેજર્સને જોબ કરવાનું સામાન્ય ગણાય છે. દરેક માટે જરૂરી નથી કે ડોલર કમાવવા જોબ કરવાની હોય. કેટલાય સમય પસાર કરવા અને વધારે શીખવા માટે જોબ કરતા હોય છે.

અહી કોઈ કામ માટે નાનમ નથી હોતી. આ વાત બાળકોને નાનપણથી સ્કુલ દરમિયાન શીખવવામાં આવે છે. અહી બાળકોને સ્કુલમાં અમુક અવર્સ ફરજીઆત વોલેન્ટર વર્કસ કરવાનું હોય છે. જેમાં તેમને કોમ્યુનીટી માટે મફત સેવા કરવાની રહે છે.
દરેક સ્કુલોના પ્રોગ્રામ અલગ અલગ હોય છે. જે પ્રમાણે ચર્ચ, હોસ્પિટલમાં કે સ્કુલમાં એક્સ્ટ્રા ટાઈમ રહીને મદદ કરવી ,ગેમ્સ હોય ત્યારે ફિલ્ડ વર્ક, ગેસ સ્ટેશન ઉપર કાર વોશ કરવું , કેન્ડી અને ન્યુઝપેપર સેલ કરવા અને મળતા ડોલર સ્કુલના ડોનેશન પ્રોગ્રામમાં આપવા હોય છે. આ બધું તેમને આવતી કાલ માટે તૈયાર થવાના ભાગ રૂપે હોય છે.
અમેરિકામાં સમર આવતા ટીનેજર્સ સમર જોબ માટે એપ્લીકેશન આપવા માંડે છે. અહી આવા બાળકોને જોબ અપાવતી કંપનીઓ પણ હોય છે. જેમના દ્વારા પાર્ટ ટાઈમ જોબ સહેલાઇ થી મળી જતી હોય છે. બેબી સીટીંગ થી લઇ ઓફિસમાં ફાઈલીગ કરવાનું , સ્ટોર્સમાં કેશ રજિસ્ટર ચલાવવાનું , વસ્તુઓની ગોઠવણીનું અને રેસ્ટોરન્ટમાં ઓર્ડર થી લઇ ટેબલ ક્લીન કરવા સુધીના કામ કરી બાળકો સમર વેકેશનમાં પોકેટ મની કમાઇ લેતા.

અહી ગર્લ્સ માટે સહુથી સારી સમર જોબ બેબી સીટીંગ કે પેટ-કેર ( પાળેલાં પ્રાણીઓની દેખરેખ માટે )ની હોય છે. કારણ સ્કુલ બંધ થતા બાળકો ઘરે રહેતા હોય છે પરંતુ તેમના પેરેન્ટ્સને તો જોબ ચાલુ રહેવાની. તેમાય અહીના રૂલ્સ પ્રમાણે ૧૩ વર્ષથી નાના બાળકોને એકલા ઘરે રાખી શકાય નહિ. માટે તેમની ટેકકેર કરવા કોઈની જરૂર પડે. આવા સમયમાં આજુ બાજુમાં રહેતા બાળકો આ કામ હોંશભેર કરતા હોય છે.
અત્યારે ચાલતા રીસેશનમાં રેગ્યુલર જોબ કરનારા માટે પણ કામ મેળવવું અઘરું થઈ ગયું છે ત્યારે ટીનેજર્સને સમર જોબ મળવી અધરી થઈ પડે છે . પહેલા બાળકો સમર જોબથી ઘણું કમાઈ લેતા અને પરિણામે ટીનેજર્સનો ખર્ચ આરામ થી નીકળી જતો. ૧૮ વર્ષના વિકીના પેરેન્ટ્સ સામાન્ય જોબ કરે છે. આથી તેને પોકેટ મની તરીકે વધારાના ડોલર મળતા નહોતા. આ ઉંમર એવી હોય છે કે હાથમાં ડોલર હોય કે ના હોય તેમને બધાજ મોજશોખ કરવા હોય છે. આથી તેમની માટે પાર્ટ ટાઈમ જોબ જરૂરી બની જાય છે. આ વર્ષે તેણે ૨૦ જગ્યાએ એપ્લીકેશન ભરી પછી એક કન્વીનીયન્સ સ્ટોરમાં કેશિયર ની જોબ મળી. તેના જણાવ્યા પ્રમાણે માત્ર ચાર જગ્યાએથી ઈન્ટરવ્યુ કોલ આવો હતો.
રેસ્ટોરન્ટમાં સમરજોબ મળવાના ચાન્સ વધારે હોય છે. જ્યાં ટીનેજર્સને હોસ્ટેસ થી લઇ સર્વર સુધીના કામ અપાય છે. કેટલાક તો પોતાની આગવી પ્રોડક્ટ બનાવી ઘેરઘેર સેલ કરવા પણ જતા હોય છે.
સમર જોબ માટે હું પણ મારી દીકરીઓને ઉત્સાહિત કરતી. કારણકે આ ત્રણ મહિના ઘરે બેસી રહે તેના કરતા કોઈ સારી જગ્યાએ જોબ કરાવી જોઈએ જેથી નવું કશુક શીખવા મળે. જોકે મારી આ સમજ મારી દીકરીએ બદલાવી છે તે પણ હું સ્વીકારું છું.

હમણા મારા ઘર પાસે એક નવી અપસ્કેલ રેસ્ટોરન્ટ ખુલી છે. જ્યાં મારી ૧૯ વર્ષની દીકરીએ સમરના બે મહિના માટે જોબ એપ્લીકેશન આપી. તેને ત્યાં હોસ્ટેસની જોબ મળી ગઈ. મને લાગ્યું કે આ જોબ તેની માટે બરાબર નથી. કારણ પૈસાનો અમારે કોઈ સવાલ નથી તેને સમય પસાર કરવા કામ કરવું હતું આથી મેં તેને બીજી કોઈ નોકરી કરવા સમજાવ્યું.
” બેટા આમ રેસ્ટોરન્ટમાં શું કામ કરવાનું ? કોઈ સારી જગ્યાએ કામ કર તો નવું શીખવા મળે સાથે સ્ટેટસ મળે.”
” મોમ કોઈ પણ કામ નાનું નથી હોતું જ્યાં સુધી તમારો સેલ્ફ્ર રીસ્પેક્ટ સચવાય રહે. અને હું તો આવનારા ગેસ્ટને તેમની જગ્યા બતાવવાનું કામ કરું છું. આતો સારું છે ને કોઈ ત્યાં ખોવાઈ નહિ જાય.” અને મારી દીકરી લુચ્ચું હસી પડી.
ત્યાર બાદ તે તેની લાઈફનો પહેલો પગાર લઈને ઘરે આવી
” મોમ મારો ફાસ્ટ પે ચેક ફોર યુ” ખુશીથી બોલતી હતી.
“બેટું, તારો આ પેચેક આપણે જરૂરીઆત વાળાને આપીશું ” મેં સમજાવ્યું .તો એ તરત માની ગઈ. પછી કહે મોમ આ મેં જરુરીઆતને હેલ્પ કરીને જ ભેગા કર્યા છે..” અને હું હસી પડી.
તે મને સમજાવતી હતી. કોઈ જાતની નાનમ કે શરમ તેની આંખોમાં નહોતી, પછી મને પણ તેની ઉપર પ્રાઉડ થઇ આવ્યું. અહી બાળકોને નાનપણ થી શીખવવામાં આવે છે કે કોઈ પણ જાતનું કામ નાનું નથી હોતું.

બદલાતા સમયની સાથે કોર્પોરેટ કંપનીઓમાં એકસ્પીરીયન્સ તરીકે પણ પાર્ટ ટાઈમ જોબ બહુ જરૂરી બની રહે છે.આ માટે આજના યુવાનો ખાસ સેલેરીની આશા વિના ફાઈલિંગ કરવા કે ઓફિસમાં રિસેપ્સનિસ્ટ, હોસ્પિટલમાં કે બીજા કોઈ પણ ફિલ્ડમાં કામ કરતા અચકાતા નથી
ટીનેજર્સ તેમના ફ્રી ટાઈમમાં કામ કરી શકે તે માટે કેટલીક જગ્યાએ ગવર્મેન્ટ દ્વારા જોબ માટેની ખાસ તકો ઉભી કરવામાં આવે છે. રિસોર્ટ, બીચ એરિયા, પાર્ક કે એમ્યુઝમેન્ટ પાર્ક અને કેટલીક ઓફિસોમાં તેમની માટે અલગ વ્યવસ્થા કરાવાય છે. શેલ્ટર હોમ અને સીઝનલ બીઝનેશમાં ખાસ કરીને આવા બાળકોને જોબ અપાય છે. કહેવાય છે નવરું મગજ શેતાનનું કારખાનું છે . તેમાય ટીનેજર અવસ્થા બહુ ચંચલ અને આક્રમક છે આથી તેમનું બીઝી રહેવું પણ જરૂરી છે પરિણામે સમર જોબ તેમની માટે જરૂરી બની રહે છે
રેખા વિનોદ પટેલ (યુએસએ)

 

 

સ્વ-શક્તિ…

સ્વ-શક્તિ…રેખા પટેલ(વિનોદિની)
આપણી અંદર રહેલી શક્તિઓને સ્વ-શક્તિ કહેવાય છે. દરેક માણસમાં પોતાની ખાસિયત અને અલગ શક્તિઓ છુપાએલી રહે છે. જેની ઓળખ જાતેજ કરવાની હોય છે. કેટલાકની અંદર બુદ્ધિ શક્તિ પહેલેથી જ રહેલી હોય છે. તો કેટલાંકને એ મહેનત દ્વારા વિકસાવવી પડે છે. પરંતુ આ બધાની વચમાં જરૂરત છે પોતાની સર્જનાત્મક શક્તિનો વિકાસ કરવાની. આપણે જો આપણીજ શક્તિઓ વિષે શંકાશીલ રહીશું તો લઘુતાગ્રંથી ક્યારેય આપણો પીછો નહિ છોડે. અને સ્વશક્તિનો અહેસાસ કદીયે નહિ થાય.
લઘુતાગ્રંથીથી પીડાતી વ્યક્તિ અને ઘડીયારના લોલક વચમાં ખાસ કોઈ ફર્ક નથી. સમય આગળ વધતો જાય છે પરંતુ વારંવાર પોતાની લક્ષ બદલતું, સતત ચાલતું લોલક ક્યારેય ક્યાંય પહોચતું નથી. આમજ હારી થાકીને વારંવાર પોતાનું લક્ષ બદલનાર વ્યક્તિ પોતાની શક્તિ, અને સમયનો બગાડ કરે છે..
કોઈ કહે કે મને કોઈ શોખ નથી તો એ વાત નવાઈ પમાડે તેવી લાગશે. કોઈ પણ શોખ કે સર્જનાત્મક વિચારો વિના માણસનું જીવન નીરસતાથી ભરેલું લાગે છે. જેના જીવનમાં જિંદગી પ્રત્યેનો પ્રેમ ઓછો છે એવું પાસે જનારને જણાઈ આવશે. જીવનને જીવનરસથી છલોછલ ભરેલું રાખવા ઈચ્છા શક્તિનું હોવું ખાસ જરૂરી છે.
આની જરૂરીઆત ત્યારે સમજાશે જ્યારે આપણી પાસે કરવા જેવું કશુજ નહિ હોય. એકલતામાં આજ સર્જનાત્મક શક્તિ વહારે આવશે. તેમાય ખાસ જ્યારે આપણી સંસારિક જવાબદારીઓ ઓછી થશે અને શરીર પણ દોડધામમાં થાકી જશે ત્યારે પગ વાળીને બેસવાનો સમય મળે છે પરંતુ મગજ પોતાની ગતિ થી ચાલતું રહે છે. હવે જો તેને તરત રોકી દેવામાં આવે તો કાં વિચારોનો ધોધ છલકાઈ આજુબાજુ રહેનારને ચીડિયાપણાના સ્વભાવનો અનુભવ કરાવશે અથવા તો વિચારો રૂંધાઇ જશે અને ડીપ્રેશન જેવી બીમારીમાં ઘેરાઈ જશે.
આવા સંકટોને ટાળવા માટે એકજ સહેલો રસ્તો છે. સર્જનાત્મક શક્તિનો જે આપણી અંદર છુપાઈને રહેલી હોય છે. કોઈ પણ જુના શોખને જાગૃત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેનાથી પોતાની સાથે બીજાઓને પણ ખુશી મળવી જોઈએ. આમ કરવાથી જીવનશૈલી સાથે વિચારો પણ બદલાઈ જશે.
સરોજ અને કનકને બે દીકરા હતા. તેમનો સંસાર સુખરૂપ ચાલતો હતો. ગવર્મેન્ટમાં નોકરી કરતો કનક ઉચ્ચ પોસ્ટ ઉપર હતો. બંને બાળકોની જવાબદારી સરીજ બાખૂબી નિભાવતી હતી. બાળકો અને ઘર તેનું સર્વસ્વ હતું. આ દરમિયાન તેણે બહારી સબંધો બહુ માપસરના રાખ્યા હતા.
સમય જતા બાળકો મોટા થઇ અલગ અલગ શહેરોમાં પોતપોતાના સંસારમાં ગુંથાઈ ગયા. કનક રીટાયર્ડ થઇ તેના જવા મિત્રો સાથે પાર્ક અને ક્લબમાં વધારાનો સમય વ્યતીત કરવા લાગ્યો. ઢળતી જતી ઉમરે શરીર વૃદ્ધ થાય પણ મનના ભાવ અન વિચારો વૃદ્ધ બની અટકતાં નથી. આ દરમિયાન સરોજ ભારે એકલતા અનુભવવા લાગી. સમય એવો આવ્યો કે જીવવાની ઈચ્છા લગભગ ઘટવા લાગી હતી.દરેક પોતપોતાના કોચલામાં રહેવા લાગ્યા હતા.
આજ સમયે સરોજની ઓળખાણ સુમિત્રાબેન સાથે થઇ. તેના કરતા ઉંમરમાં આઠ દસ વર્ષ મોટા અને વિધવા સુમિત્રાબેન શરીર સાથે મનથી તંદુરસ્ત જણાતા હતા. હકારાત્મક વિચારોનો જાણે ધોધ હતા. તેમને સરોજને શીખવ્યું કે રાતી અંદર રહેલા કોઈ પણ જુના શોખને બહાર લાવ અને તેને અનુરૂપ જીવવાનો રસ કેળવ. જેમ કનક અત્યારે મરજી મુજબ ગોલ્ફ રમે છે યોગ કરે છે અને મિત્રો સાથે રમી રમે છે અને ખુશી થી સમય પસાર કરે છે. બસ એમજ તું જીવતા શીખ.

સરોજે મનને ટટોલી જોયું. અને સમજાઈ ગયું કે નાનપણમાં તેને ફેશન સાથે કપડા ડીઝાઈન કરેલા પહેરવાનો ગજબનો શોખ હતો. બાને તે જાતે ડીઝાઈન કરીને આપતી અને બા તેના કહ્યા પ્રમાણે બધા કરતા અલગ કપડાં સીવી આપતા. સરોજે સહુ પહેલા બે મશીન વસાવ્યા સાથે સોસાયટીમાં રહેતી આવાજ શોખ ધરાવતી બે યુવતીઓને ટ્રેનીંગ આપવા માંડી. આમ જોતજોતામાં ઘરે રહી ફેશન ડીઝાઈનીગના ક્લાસ શરુ કરી દીધા. તેની આત્મશક્તિમાં વધારો થયો સાથે તેનું નામ પણ જાણીતું બન્યું. એક માત્ર સ્વ-શક્તિની ઓળખ તેને બીજાઓ કરતા અલગ ઓળખ અપાવી ગઈ.
માત્ર નક્કી કરવું જરૂરી છે કે ,કોઈ પણ ઉચ્ચતમ સ્થાન ઉપર પહોચવાને આપણે કાબિલ નથી એ વાત જ્યારે પણ સમજાઈ જાય ત્યારે ખોટા દિવાસ્વપ્નો છોડી આપણી સ્થિતિ અને શક્તિ પ્રમાણેનું લક્ષ નક્કી કરી ત્યાં સુધી પણ ખુશીથી પહોચવા પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે ખુશ હોઈશું તોજ બીજાને ખુશી વહેચી શકીશું. લઘુતાગ્રંથી થી પીડાતો માણસ કોઈ બીજાને સુખ આપવા શક્તિમાન નાં હોઈ શકે. ” જીવનનો સાચો આનંદ તોજ માણી શકાય કે આપણી હાજરીથી બીજાઓ પણ ખુશી મેળવે.
ડેલાવર (યુએસએ)

 

had

તમે તમારી હદમાં રહો….
આ હદ ક્યાં અને કેટલી હોવી જોઈએ? આ નક્કી કોણ કરે છે?
આપણે, સામે વાળી વ્યક્તિ કે સમાજ?
આ સમાજ કોણ? સમાજ એટલે જેને આપણે બનાવ્યો એ કે પછી આપ મેળે ઉભો થયેલો જાતીય ઘેરાવો?
આવા સવાલો એ દરેકના મનમાં ઉઠતાં હશે જે પરાણે હદમાં બંધાઈ, રૂંધાઇને જીવતા હશે. સામાન્ય રીતે વ્યક્તિ જાતેજ પોતાની હદ નક્કી કરે તો સ્વાભાવિક જીવન જીવી શકે છે. પરંતુ આપણે તેમ કરી શકતા નથી. દરેકને સામે વાળી વ્યક્તિ શું કહેશે શું વિચારશે તેનો ભય સતાવ્યા કરે છે. આનાથી આગળ વધીને સમાજ શું કહેશે એ વિકરાળ પ્રશ્ન તમામ ઈચ્છાઓનું દમન કરી નાખે છે. અને મોટાભાગના સ્વપ્નાઓને જીવતા મનમાં ભંડારી રાખીને જીવી લેતા હોય છે. તેઓને સમાજમાં માનની નજરે જોવાય છે.
કાયમ આપણે બીજાઓના સુખ માટે કે તેમની વિચારસરણી પ્રમાણે જીવીએ એ શક્ય નથી, અને જરૂરી પણ નથી. કારણ દરેકની સોચ સમાજ અને સામેની વ્યક્તિને મૂલ્યાંકન કરવાની નજર અલગ અલગ હોય છે, અને તેજ પ્રમાણે તે ધારણા બાંધી લેતો હોય છે કે શું સારું અને શું ખોટું.
કેટલાક ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા લોકો પોતાના સ્વપ્નાઓ ઈચ્છાઓને અકાળે મૃત્યુ પામતા જોવા તૈયાર નથી હોતા, તેઓ સમાજે બનાવેલા દાયરાની પરવા કર્યા વગર પોતાની મરજી મુજબ જીવવા તૈયાર થાય છે ત્યારે લોકો કહે છે તે હદ તોડી સ્વછંદી બની ગયા. આવા લોકોને ક્યારેક સમાજ પોતાના વાડામાંથી બહાર પણ ફેકી દેતો હોય છે. પરંતુ જ્યારે આ લોકો પોતાના સ્વપ્નાઓને ઉજાગર કરીને જ્યારે કઈક મેળવે છે સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે આજ સમાજ તે પોતાના વાડાનો ભાગ છે કહી હારતોરા પહેરાવે છે.
પરંતુ આ બધા સમય દરમિયાન તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. લોકોની તીક્ષ્ણ નજર અને શબ્દો તેમને ઘાયલ કરી દેતા હોય છે. કહેવાય છે ને કે ‘ કંઇક મેળવવા કશુંક ગુમાવવું પડે છે.” અંત ભલા તો સબ ભલા.
મુશ્કેલીઓ પછી પણ જો મનગમતી સ્થિતિ પ્રાપ્ત થાય તો હદ તોડવી ગુનો નથી લાગતો. છતાં કેટલીક વખત હદ તોડવાથી ઘણા ગેરલાભ પણ થતા હોય છે. સ્વજનોનો સાથ પણ ગુમાવી દેવો પડે છે. અહી દરેક ફિલ્ડમાં બે ચહેરા ધરાવતા લોકો રહેતા હોય છે. આજે ઊંચકીને માથે બેસાડનાર એ બધા ફાવતું નાં લાગે તો પળવારમાં જમીન ઉપર પટકી મારે છે. આવા સમયમાં એકલતાનો ભય પણ ડરાવતો હોય છે.
સમાજે બાંધેલા હદના ડાયરાને તોડવો સહેલો નથી. આ માટે હિંમત અને બુદ્ધિ બંનેવની સરખી જરૂર પડે છે. સમજી વિચારીને લેવાએલા પગલાથી કોઈ નુકશાન થયું નથી વધારામાં પોતાની ઈચ્છા પ્રમાણેની મુક્તતા સાથેનું જીવન મળે છે. પરંતુ અવિચારી ભરાએલા બળવાખોર પગલાઓ ને કારણે ગેરમાર્ગે દોરાઈ જવાનો ડર રહે છે. આવા લોકો સમાજનું દુષણ બની જાય છે. સ્વજનોના પ્રેમ માન સાથે સર્વસ્વ ગુમાવી દેતા હોય છે.
કહેવું જરાય ખોટું નથી કે સમાજ આપણા સંરક્ષણ માટે બનાવાએલો છે. પરંતુ તેના રૂઢીચુસ્ત વિચારો સમય સાથે તોડવા જરૂરી બની જાય છે. જો વહેતા પાણીને લાંબો સમય બાધી રાખવામાં આવે તો તે પણ ગંધાઈ ઉઠે છે. તેવુજ વિચારો અને જીવનનું છે. અને હક માટે લડવું જરાય ખોટું નથી પરંતુ સમજ અને સત્યતા સાથે રાખવા જરૂરી છે.
સમાજની હદ સામાન્ય રીતે સ્વછંદી બનતા રોકે તે યોગ્ય છે પરંતુ જો એ રૂઢિચુસ્તતાના નામે આપણી સ્વતંત્રતાને અવરોધે ત્યારે તેને તોડવું આવશ્યક બની જાય છે. પહેલાના સમયમાં બાળકી યુવાન બને તે પહેલા તેને પરણાવી દેવાતી, તેના માથા ઉપર જવાબદારીઓના પોટલા નાખ દેવાતા,સાથે માથા ઉપર સાડલો છેક કપાળે ઢાંકતો રાખવાની ફરજ રહેતી. આવી બધી અગવડમાં માત્ર સ્ત્રીઓજ બંધાએલી હતી.
સમય જતા આ બધા કુરિવાજો સ્ત્રીઓએ આગળ આવીને ફગાવી દીધા. આજે તેમનું સ્વતંત્ર વ્યક્તિત્વ ઉભરી રહ્યું છે. સાથે પુરુષો જોડે બહાર કામ કરવાની હોડ પણ ભરી રહી છે. આવા સમયમાં જો માથા ઉપર ઘૂંઘટ તાણેલો રાખ્યો હોત તો એ કેમ રહ્યું હોત? જરૂરી હતું તેમની પ્રગતિને અવરોધે તેવા વસ્ત્રોને ફગાવી દેવાની. સાથે એ પણ જરૂરી છે કે સ્ત્રીઓના શરીરને શોભે તેવા વસ્ત્રો પહેરવાની, અને તોજ તેઓ તેમની ગરિમા સાચવી શકે છે. પરંતુ આ બધું વિચારવાનો હક સ્ત્રીઓને મળવો જોઈએ નહિ કે દબાણ દ્વારા કરવવાની ફરજ પાડવામાં આવે. છોકરીઓથી આમ ના કરાય , નાં પહેરાય કહી રોકટોક કરવામાં આવે તેને હદના દાયરા બાંધ્યા કહેવાય. ત્યાં તેમની સ્વતંત્રતા રૂંધાઇ જાય.
પરંતુ સ્વચ્છંદી બનેલી યુવતી માટે સમાજ નો ડર આગળ કરાઈને તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવે તો આજ હદ તેની અવળે માર્ગે દોરાઈ જતી જિંદગીને બચાવી શકે છે. આતો માત્ર સમાજની હદના બે પાસાનું ઉદાહર માત્ર હતું. આવીજ રીતે વ્યક્તિ પોતાના દરેક વિચારોના બંને પાસાને જો સમજવાનો પ્રયત્ન કરે તો હદની પાતળી રેખા જરૂર જોઈ શકશે.
” હદ બેહદ નાં બને તે જોવાની આપણી ફરજ બની રહે છે”

રેખા પટેલ (વિનોદિની)

 

 

ના હોય ચન્દ્રમાં આભમાં જ્યારે ગગન અંધાર દેખાય છે
સાચા અર્થે આ દીવડાની કીંમત જરૂરતમાં સમજાય છે

સાચો મળે સાથી સફર, કાંટા ભરી હસતાં કપાઈ જશે
વચમાં હશે જો પ્રેમ છોડી વૈભવ ઝુપડીમાં રહેવાય છે

માગ્યાં વિના આ સુરજમુખી જોઈ સુરજ બહુય મલકાય છે.
જો હોય હૈયે પ્રીત સાચી,કાયમી એ સબંધ સચવાય છે

મીંચો નયનને રોજ સપનામાં ઘણી હલચલ થઈ જાય છે
ભર નીંદરે યાદો બની જાળું બધે ચોતરફ ફેલાય છે

લખવા જરા બેસુ ગઝલ અને શબ્દ સાથે પ્રેમ ટંકાય છે
અંતરની ગાઢી પ્રીત હો તો મન ગુલાબી થઈને હરખાય છે.

વરસો વરસ વધતું રહે આ પ્રેમનું જે ઋણ કેમ ચુકવાય છે ?
દેજે પ્રભુ શક્તિ અમોને,પ્રેમથી જે જગને જીતાય છે.

-રેખા પટેલ(વિનોદિની)

ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-ગાલગા