રીટાયર્ડમેન્ટ – રેખા પટેલ(વિનોદિની)
પતિના સ્વર્ગે સિધાવ્યા પછી દેશમાં સુધાબેન સાવ એકલા પડી ગયા હતા. આ સમય દરમિયાન મિલન અને તેની પત્ની મોના હંમેશા સુધાબેનને અમેરિકા આવી જતા સમજાવતા રહેતા. સારું હતુકે સુધાબેન અહી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે કામ કરતા હતા. આથી દિવસ જેમતેમ ટુંકો થઇ જતો.
” મમ્મી અહી આવી જાઓ તો તમારે પૌત્ર પૌત્રી સાથે રહેવાય અને અમને તમારી સાથે રહેવાનો લ્હાવો મળે.ખાસ તો તમારી દેખરેખમાં બાળકોની ઉછેર થાય તો તેમનામાં થોડાંક ભારતીય સંસ્કારો આવે.” મોના કહેતી રહેતી.
દીકરો અને વહુનું આટલું બધું મન જોઈને અને ખાસ તો બાળકોની કેળવણીની વાતે સુધાબેન પીગળી ગયા. આમ પણ એકલતા તેમને માફક આવતી નહોતી. પતિના મરણ બાદ તેમને ચિંતા રહેતી કે ઉંમર થતા બીમારી આવે તો તેમની દેખભાળ હવે કોણ કરશે. વધારામાં એકનો એક દીકરો પરદેશમાં છે તો તેની પાસે જવા પણ મન તલપાપડ થઈ જતું. છેવટે નીકરી ઉપરથી અર્લી રીટાયર્ડમેન્ટ લઇ સુધાબેન અમેરિકા આવી ગયા.
અહી મોના અને મિલન બહાર નોકરી કરતા હતા આથી સુધાબેને ઘરકામ સાથે પીન્કી અને મોન્ટુનું બધું કામ હસતા મ્હોએ ઉપાડી લીધું. “પૌત્ર પોત્રીઓ જ્યાં સુધી નાના હોય ત્યા સુધી વૃદ્ધોની જરૂરીયાત પ્રમાણે તેમનું માન બરાબર જળવાય છે”
પીન્કી અને મોન્ટુ દાદીની આગળપાછળ ઘૂમતા રહેતા. તેમની બનાવેલી રસોઈ પ્રેમથી જમતા હોય. દાદીનો હાથ પકડી વોક કરવા જતા અને રાત્રે ટચુકડી વાર્તાઓ સાંભળતાં બાના ગળે હાથ વિટાળી સુઈ જતા. મોના પરાણે તેમનાં રૂમમાં મૂકી આવતી. મમ્મીના આવ્યા પછી મિલન અન મોનાને ઘણી રાહત હતી. ખાસ મોનાને બાળકો અને ઘરની કોઈ ખાસ ચિંતા હવે નહોતી રહેતી. તેઓ પણ સુધાબેનને વીકેન્ડમાં બહાર લઇ જતા, નજીકમાં મંદિર લઇ જતા. જેથી મમ્મીનું મન અહી ગોઠી શકે.
આ બધી સહુલિયત સુધાબેનને પાંચ વર્ષ સુધી બરાબર મળતી રહી. બંને બાળકો બાર અને ચૌદ વરસનાં થઈ ગયા. હવે ટીનેજર બાળકોને સુધાબેનના હાથની ઇન્ડિયન રસોઈ ભાવતી નહોતી,કારણ તેમને ઇન્ડિયન ફૂડ પસંદ નહોતું આવતું. તેમને બા સાથે રમવા અને વાતો કરવા કરતા મિત્રો ચેટીંગ કરવામાં બહાર ફરવામાં વધારે રસ રહેતો. છતાં બાળકો ક્યારેક આવતા જતા હલ્લો બા ,હાય બા કહી જતા ત્યારે સુધાબેનને એક હાશકારો જરૂર થઈ આવતો.
મોનાને બાળકો મોટા થઇ જતા આ બાબતે રાહત હતી. સાથે ઘરની કે રસોઈની ચિંતા નહોતી આથી તે પણ વધુ સમય બહાર પસાર કરતી. વીકેન્ડમાં તેમની પાર્ટીઓ રહેતી. આમ કાળક્રમે સુધાબેન એકલા પડતા ચાલ્યા. અહી કોઈ આજુબાજુમાં ખાસ ઇન્ડિયન નહોતા રહેતા કે સુધાબેન જાતે તેમની પાસે જઈ શકે, મનની વાત કહી થોડા હલકા થઇ શકે. બહુ તો ફોનમાં તેમના જેવા બે ચાર સગાઓ સાથે સામાન્ય વાતોની આપલે કરી લેતા હતા. એકલતામાં સમય કરતા સુધાબેન સમય કરતા વહેલા વૃદ્ધ થઇ ગયા હતા.
સુધાબેન જોતા હતા કે હવે મિલન પણ આવતાની સાથે મોના સાથે વાતો કરવામાં, આખા દિવસની દિનચર્યા પૂછવામાં વ્યસ્ત રહેતો અથવા તો બાળકો સાથે બીઝી થઈ જતો. માત્ર કેમ છો મમ્મી અને જયશ્રી કૃષ્ણ જેવા બે ચાર શબ્દોની આપલે સિવાય તેમની વચ્ચે વાતોની કોઈ દોર સંધાતો નહોતો.
એક દિવસ ભરેલા ઘર વચ્ચે એકલતાનો સામનો કરતા સુધાબેનને દેશ, ફળિયું અને પાડોશીઓ યાદ આવી ગયા. જે તેમની એક બુમે શું કામ હતું કહી દોડતા આવી જતા. તેનું ખાસ કારણ હતું આજે બહાર જરા વધારે ઠંડી હતી, વા ને કારણે સુધાબેનથી સવારમાં બેઠું થવાતું નહોતું. તેમણે રૂમમાં બેડ ઉપરથી બહાર સંભળાય તેવી રીતે બે ત્રણ બુમો પાડી. મિલન અને બાળકો નીકળી ગયા હતા. મોના ઉતાવળમાં હતી તેણે આ સાભળ્યું નાં સાભળ્યું કરી હું જાઉં છું મમ્મી કહી નીકળી ગઈ. બહુ વાર પછી સુધાબેન જાત સંભાળતા માંડ બેઠા થયા. આજે પહેલી વાર તેમને અપાહીજ હોવાનો અનુભવ થઇ આવ્યો.
એ સાંજે ડીનર ટેબલ ઉપર તેમણે મિલન સામે પોતે ઇન્ડીયા પાછા જવા માગે છે એવી વાત મૂકી. માત્ર આ સમય પુરતો તેમનો દીકરો પાંચ મિનીટ તેમની સામે બેઠેલો જોવા મળતો. સાવ એવું નહોતું કે મિલનને તેની મમ્મીની પરવા નહોતી. પરંતુ અહીની ફાસ્ટ લાઈફમાં તેની પ્રાયોરિટી બદલાઈ ગઈ હતી. તે સમયે મિલન હા કે ના કંઈ બોલ્યો નહોતો. માત્ર પૂછ્યું હતું ” મમ્મી તમારી તબિયત તો સારી છે ને?” અને આશ્ચર્ય વચ્ચે મોનાએ બીજાજ અઠવાડિયે ઇન્ડીયાની વનવે ની ટીકીટ મમ્મીના હાથમાં થમાવી દીધી. સુધાબેનને લાગ્યું કે હવે રીટાયર્ડમેન્ટ મળી ગયું છે.