RSS

Monthly Archives: February 2015

“ઓહ રાજ ! કમ બેક શુન “.

સંતાકૂકડી ની રમત થી શરુ થયેલી તેની અને રાજની દોસ્તીને આજે બાર વર્ષ પુરા થયા ત્યારે યૌવન નાં પહેલા પગથીયે બેસતા જ તે પૂછી બેઠી

“બાલ્યાવસ્થાથી શરુ થયેલો આપણો પ્રેમ,આપણી દોસ્તી શું સદા કાળ ચિરંજીવી રહેશે ?

“હા સખી કેમ નહિ મારું વચન છે તને આપણો પ્રેમ સદા કાળ જીવંત રહેશે “રાજ તેની મધુર મુશ્કાન સાથે બોલી ઉઠયો

ભાવિના ગર્ભમાં શું છુપાએલું છે તેની ક્યા કોઈને જાણ હોય છે?
ઢોલ નગારા વાગ્યા બે દિલોને છુટા પડવાનો સમય આવી ગયો ……
વિદાયની વસમી વેળાએ આંખોમાં આંસુની હેલી ભરી રાજનો હાથ પકડી તે પૂછી બેઠી
” શું આટલો જ આપણો સાથ ? હું નહોતી કહેતી આપણે સાથે નહિ રહી શકીએ ”
“સખી આપણે સાથે નથી પણ આપણો પ્રેમ અને દોસ્તી સદા જીવંત રહેશે, હું સાથે ન હોવા છતાં પણ તારી સાથેજ હોઈશ”

સમય લાગે છે તેટલો સહજ નથી હોતો ,
ભગ્ન સબંધોમાં દૂરતા મલમનું કામ પણ કરી જતી હોય છે , સમય અને સ્થળને અનુરૂપ થઇ તે અતીત થી દુર થતી ચાલી ,
તેવામાં આભ ઘરતી એક કરે તેવા સમાચાર આવ્યા ,હાથે કરીને રાજ આ ફાની દુનિયા છોડી ગયો…..

“અરેરે દુષ્ટ તને આ શું સૂઝયું ,તું તારા વચન થી પણ ફરી ગયો ? શું મેં તને ઓળખવામાં ભૂલ કરી ?” તે હૈયાફાટ રડી પડી

ત્યાંજ તેના મોબાઈલમાં વોઈસ મેલ આવ્યો ” સખી તને વચન આપ્યું હતું સદા આપણો પ્રેમ જીવંત રહેશે ,પણ લાગ્યું તારી દૂરતા મારા વચનમાં બાધા નાખે છે .
તો બસ સદા કાળ તારા મહી વસવા માટે હું તારા આવનાર બાળકના એઘાણની રાહ જોતા રહી તારી આસપાસ રહીશ “

આટલું સાભળતા તે ત્યાજ ઢળી પડી . આખરે નિદાન આવ્યું “શી ઇસ પ્રેગનેન્ટ ”
“ઓહ રાજ ! કમ બેક શુન “………………..

રેખા વિનોદ પટેલ(વિનોદિની)
ડેલાવર (યુએસએ )

 

એક કવિતા : એક મહેણું વાગી ગયું.

એક કવિતા : એક મહેણું વાગી ગયું.

સનનન કંઈક છૂટ્યું …
ચાર દીવાલોમાં સાચવેલું અચાનક ડહોળાઈ ગયું
કેટલુંય તરડાઇ ગયું ને કેટલુંય નંદવાઈ ગયું ,
ગુચળું વળી મહી સુતું હતું ,તે પણ સોરવાઈ ગયું
એક આવેગમાં ઉકલ્યું વણઉકલ્યું ખોરવાઈ ગયું.

તડાક કંઈક તૂટ્યું ….
ભેગું કરેલું આજ લગી જે પલકારે ઢોળાઈ ગયું
લીસું મુલાયમ ઝરી ગયું, બાકીનું શોષાઈ ગયું,
સાચવીને ભર્યું હતું મન જેમાં,એ નીર સુકાઈ ગયું
એક અભાવની લહેરમાં સારું નરસું તણાઈ ગયું.

જાળવીને કંઈક જોડયું…
લાગણીઓના ટાંકા દીધા થોડું સંધાઈ ગયું
સાચ જુઠની મલમપટ્ટી થી કેટલુંક જોડાઈ ગયું
બહારથી રૂડું લાગતું અંદરથી બેડોળ થઈ ગયું
લોક વાહવાહ કરે,પણ આંખોથી આહ બોલાઈ ગયું

રેખા પટેલ (વિનોદિની)

 

આજ કી નારી,સબ પે ભારી.

Displaying 40.jpg
પ્રિય વાંચક મિત્રો
આજની મારી “અમેરિકાની આજકાલ” શ્રેણીમાંનો આ લેખ આ વખતે અલગ રીતે લખ્યો છે.અહીયાં મેં બંને દેશોની સંસ્કૃતિ અને રીતભાતને અલગ નાં રાખતા એક પલ્લામાં મૂકી છે કારણ દુનિયાનો કોઈ પણ છેડો હોય સ્ત્રીઓની એક જ મનોદશા હોય છે.”સ્ત્રી એ બહુ નાજુક અંકુરણ પામતો છોડ છે જો યોગ્યતા મુજબ તેનું સિંચન કરવામાં આવે તો તે વટવૃક્ષ થઇ આખા કુટુંબ સાથે સમાજને છાંયડો આપવા સક્ષમ બની શકે તેમ છે અને એ જ સ્ત્રીઓને ઘરનાં એક ખૂણામાં એ નિર્જીવ ચીજની જેમ માનવામાં આવે તો એ જ નાજુક છોડ જેવી સ્ત્રીઓ એક સંવેદના વિહિન સુકાયેલા થડ જેવી બની જાય છે.કારણકે મોટે ભાગે સ્ત્રીઓ સંવેદનાં અને સજીવ લાગણીની ભાષાને વધારે પ્રાધાન્ય આપે છે.

આજની નારી,આજની આધુનિક નારી,ટુ ડેઝ વુમન લખેલા જાહેરાતોનાં હેડીગ ઠેરઠેર જોવા મળે છે.

પહેલા હંમેશા એકજ  વાક્ય સાંભળવા મળતું હતું કે “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” પરંતુ આજે સમીકરણ બદલાઈ ગયું છે “આજે દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે”. પોતાની કારર્કીદી એટલે કે કરિયરને મહત્વ આપતી સ્ત્રીઓ માટે આજની વુમન બનવું ખરેખર ચેલેન્જીગ હોય છે પુરુષો માત્ર ઘરની બહારની દુનિયામાં જીત મેળવવા ઝઝુમતા જોવા મળે છે. જ્યારે એ જ  સ્ત્રીને ઘર અને બહારના બંને મોરચા બાખૂબીથી સભાળવા પડે છે. ત્યારેજ તે પોતાની કઈક અલગ પહેચાન બનાવવામાં સફળ થતી હોય છે પછી તે અમેરિકા હોય કે ભારત કે પછી દુનિયાના ગમે તે દેશનો ગમેતે ખૂણો હોય,પણ સ્ત્રીઓને સોપાયેલા કામ દરેક જગ્યાએ એક સરખા જ હોય છે પતિ,  ઘર અને બાળકો ” સ્ત્રી આ બધામાંથી સમય કાઢી પોતાની અલગ પહેચાન બનાવવા ઝઝૂમે છે તારે તેને બીરદાવવી જ રહી.મોટે ભાગે જેને હાઉસ વાઇફ કહીએ છીએ એ આ બધા જવાબદારી ભર્યા કામમાંથી પણ સમયનો સદુપયોગ કરીને પોતાનાં નિજાનંદ માટે અથવા કેરિયર લક્ષી કોઇ કામમાં સફળ થાય છે ત્યારે આ સ્ત્રીને સલામ કરવી જ પડે.

અમુક પુરુષ સમાજ એવો દાવો કરે છે કે સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેવું ગમતું નથી એટલે સ્ત્રીઓ સ્વતત્રતાની આડે બહાર રહેવાના બહાના શોધે છે.અહીયાં મારૂં એવું માનવુ છે કે ખરેખર આવું નથી કે આજની સ્ત્રી કામકાજી દુનિયામાંથી બહાર નીકળવા વ્યાકુળ છે.હક્કીત એ છે એ સ્ત્રી બેવડી કમાણી કરી ઘર ચલાવવાની વિવશતાને અને વધારાની કમાણી કરીને ઘરમાં મદદરૂપ થવાનાં કારણે તે કામ કરવા મજબૂર બની અને પોતાની અલગ પહેચાન કરવા પ્રેરાઈ છે .

આજની નારીએ સમાજના જુના રૂઢીચુસ્ત વિચારોને ફગાવી પોતાની પ્રગતિનો માર્ગ જાતે મોકળો કર્યો છે.તો આજની નારીને બિરદાવવી રહી.પુરુષોના માથે તો સ્વતંત્રતાનો મુગટ સદિયોથી વરેલો હતો અને તેનો લાભ ગેરલાભ તેમણે આજ સુધી પુરતા પ્રમાણમાં લીધે રાખ્યો છે કે સ્ત્રીઓને પગની જુતી સમજીને,કે ભોજયેષુ માતા ,શયને શું રંભા ગણીને  ,પણ હવે શિક્ષણ આ સમાજને સમાજના વિચારોને ઘીરે ઘીરે બદલી રહ્યું છે તે આનંદની વાત છે અને સાથે એવા ધણા સમજદાર પુરુષો પણ છે જે પોતાની સ્ત્રીને આગળ વધવાં એને જોઇતી મોકળાશ અને અન્ય સહારો આપવા તત્પર રહે છે.

સ્ત્રીઓની હમેશાં એક ખાસિયત રહી છે.સ્ત્રીઓ એક સાથે અનેક કામ એક સમયે કરી શકે છે.ઘરકામ કરતા કરતા તે બાળકોને ભણાવી શકે છે પતિની વાતો સાંભળી તેને યોગ્ય સલાહ આપી શકે છે કે આજની વુમન તરીકે એક તરફ તેનું લેપટોપ રાખી ઓફીસ કામ કે તેનાથી વધી મિત્રો સાથે ચેટ પણ કરી સકે છે ,
“જ્યારે પુરુષ પોતે કામ કરતો હોય એવા સમયે જો બાળક તેના હોમવર્ક વિષે કઈ પણ પૂછવા આવે તો તેનો સીધો જવાબ મળી આવે છે હમણા હું બીઝી છું પછી પૂછજે ”
આનો અર્થ એ નથી કેપુરુષ તે કામમાં કાબેલ નથી પણ તેને એક સાથે બધા કામ કરવાની આદત નથી જ્યારે એક સ્ત્રી એક પત્ની એક માતા એક ગૃહિણી બધા રોલ સાથે નિભાવી શકે તેમ છે , થોડા હળવા શબ્દમાં કહું તો રસોડામાં ગેસ ઉપર શાકનાં વધારની સાથે રોટલી ચોડવતા ચોડવતાં એ ટીવી સિરિયલ જોઇ શકે છે , છતા એના એક પણ કામમાં કચાશ રહેતી નથી.દરેક કામમાં જાત રેડી દેવાની તેની આદત હોવાથી સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી શકે છે. “શિક્ષિત,પ્રતિભાસંપન્ન અને કાર્યદક્ષ મહિલાઓ માટે બેહતર વિકલ્પ એ જ છે કે તે પોતાની યોગ્યતાઓનો ઉપયોગ પોતાના અને કુટુંબના ઉત્કર્ષ માટે કરે. એવું કરવાથી તેની યોગ્યતાઓ ઘર,પરિવાર અને બાળકોને ધણી ઉપયોગી બની રહે છે

પુરુષોની તુલનાએ સ્ત્રીઓના નિર્ણય શકિતમાં લાગણીનો પ્રભાવ વધુ હોય છે. આથી તે જે કાર્ય હાથમાં લે છે તેને આગવી સૂઝ સાથે પુરેપુરી લગનથી પૂરું કરવા કટિબદ્ધ હોય છે.તેથી સ્ત્રીઓનાં કાર્યમાં એક ચોખ્ખી કાર્યદક્ષતા દેખાઈ આવે છે.એટલા માટે જ ઉચ્ચ કક્ષાએ પહોચેલી સ્ત્રીઓ બહુ સકસેસફૂલ હોય છે.

આજની જે પણ સુશિક્ષિત સ્ત્રીઓ સ્વાવલંબી બની છે તેમને કોઈની ઉપર અવલંબન રાખીને જીવવાનું પસંદ નથી. હું પોતે એક સ્ત્રી તરીકે માનું છું કે સ્વાબલાબી બનવું અતિ મહત્વ નું છે પણ સ્વછંદી નહિ। …. સ્ત્રીઓ એ પોતાની સમાજમાં પોતાનું સ્થાન બનાવવાનું હોય છે આવા સમયે દરેકે એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી બને છે કે સ્ત્રીઓ એ પોતાની બુદ્ધિ અને વિચારશક્તિનો  ઉપયોગ એવી રીતે કરવો જરૂરી બને છે કે જ્યાં કૌટુંબિક એકતા અને સુખ શાંતિ જળવાઈ રહે ,તેની પહેલી જવાબદારી છે પોતાના ઘરની ચાર દીવાલો બની તેમાં હૂફ અને લાગણીનું સર્જન કરવું જો આમ નાં કરવામાં આવે તો  ઘર ભંગાણ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.કારણ એક રીતે જોઇએ તો સ્ત્રી ઘરની એકતા અને સુખ શાંતિની પહેલી અને મજબુત કડી છે.

મોટા ભાગે દરેક પુરુષને એવી સ્ત્રી ગમે છે જે પોતાનાં અને રૂપ સાથે ગુણમાં અને વાક્ય ચાતુર્યમાં અવ્વલ હોય.એ સ્ત્રી પુરુષનાં દિલમાં આગવું સ્થાન બનાવે છે.દરેક પુરુષને આવી વર્કિંગ વુમન પસંદ હોય છે તેમની આગવી છટા અને ટેલેન્ટ થી લોભાઈ જતા હોય છે પરતું બેવડી વિચારધારા પ્રમાણે પોતાના ઘરની નારી તેમને ઘરમાંજ પુરાએલી ગમે છે

એકવીસમી સદીમાં વર્તમાન પત્રો, સામાયિકો,ટી.વી.. રેડિયો, ઇન્ટરનેટ જેવા ઇલેકટ્રોનિક મિડિયાનાં કારણે સ્ત્રીઓ જુદા જુદા ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી ઝડપથી આગળ આવી રહી છે.આજે આ બધા કારણે પોતાને લક્ષી કોઈ પણ જાતના પ્રશ્નોની ચર્ચા પણ તે ખુલ્લે આમ કરી પ્રશ્નોનું નિવારણ શોધી રહી છે

આજની નારી સમાજને બતાવી દેવા તૈયાર છે કે આજે તેની પહોંચની બહાર હવે કશું રહ્યું નથી.તે પુરુષ કરતા પણ વધુ ચાર ડગલાં આગળ ચાલી શકે તેમ છે,અને દરેક પ્રકારના મુશ્કેલીભર્યાં કામને એ સહજ રીતે કરી રહી છે. આજની સ્ત્રીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.

કાર્યક્ષેત્રમાં પુરુષ અને સ્ત્રી એક જ હોદો સંભાળતા હોય પણ સ્ત્રી હોવાને કારણે જે તે કાર્યક્ષેત્રને સ્ત્રીનાં કલાકો અને કાર્યદક્ષતાનો વધારાનો લાભ મળે છે.કારણકે સ્ત્રી થોડા થોડા સમયે ચાની તલપ નથી લાગતી.સ્ત્રી ઓફિસમાં પાન મસાલા કે સીગારેટ પીતી નથી.સ્ત્રીઓને ઓફીસ કામ પતાવી બીજો મોરચો સંભાળવા એટલેકે ઘર તરફ જવાની ઉતાવળ વધુ હોય છે આથી પરિણામે સ્ત્રીને સોપેલા કામ વધુ ઝડપથી પૂરા થાય છે.

ઈન્દિરા ગાંધી,માર્ગરેટ થેચર,શિરામાઓ ભંડાર નાયકે જેવી મનની સશક્ત અને અડગ નિર્શ્ચય ધરાવતી સાથે લોંખડી મનોબળ ધરાવતી મહિલાઓએ વર્ષો સુધી પોતપોતાના દેશ પર શાસન કર્યું હતું અને તેમના શાસન દરમિયાન તેમને હજારો પુરુષ નેતાઓ અને અધિકારીઓને પોતાના હાથ નીચે જ રાખેલા હતા.

ઇંદિરા ગાંધીનું ઉદાહરણ લઇએ ૧૯૭૧નાં ભારત પાકિસ્તાન યુધ્ધમાં પોતાની બાહોશી અને મુત્સદીગીરીથી કેકનાં બે ટુકડા કાપતાં હોય એમ પાકિસ્તાનમાંથી બાંગલાદેશ અલગ કરી નાખ્યુ.જ્યારે આવો યુધ્ધવિષયક નિર્ણય લેવા માટે લોંખડી મનોબળ જોઇએ.આ પ્રકારનો નિર્ણય લેવા માટે પુરુષ નેતાઓ પણ એક નહી અનેક વિચાર કરે.જ્યારે ઇંદીરાગાંધી આ નિર્ણય લેવાં જરા પણ સમય બગાડ્યો નહોતો.

આમ રાજકીય રીતે પણ સ્ત્રીઓ પોતાનું યોગદાન આપતી રહે છે.એટલું જ નહી,પોતાની કાબેલિયત દ્વારા સ્ત્રીઓને જુદી જુદા રાજકીય સંસ્થાઓમાં જોડાઇને પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવતી રહે છે.એ પછી કોઇ પણ પ્રકારની ચળવળ હોય કે રાજકીય મકસદ હોય,સ્ત્રીઓ એક શકિત બનીને ઉભરી આવે છે.એ પછી તસ્લીમા નશરીન હોય કે મલાલા હોય કે બેનઝીર ભૂટ્ટો હોય કે માયાવતી હોય કે સુષ્મા સ્વરાજ હોય કે સ્મૃતી ઇરાની હોય કે બાંગ્લાદેશની ખાલિદા ઝીયા હોય કે આપણા હાલ ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોય.

આનંદીબેનની એક શિક્ષિકાથી શરૂ થયેલી યાત્રા મુખ્યમંત્રીની ખૂરસી સુધી પહોંચી છે.હજુ પણ  ભવિષ્યમાં આનંદીબેન પોતાની પ્રતિભાને કારણે સફળતાનાં નવા શીખરો સર કરશે.

આવીજ રીતે હાલમાં થયેલા એક સર્વે મુજબ બહુજન સમાજ પાર્ટીની હાલની સર્વેસર્વા માયાવતીનોપણ પણ સમાવેશ થયો છે.જે પોતે ઉત્તર પ્રદેશનાં એક નાનકડા ગામમાંથી એક દલિત પરિવારમાંથી આવ્યા હતા.કાંશીરામની છાયામાં રહી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે ચાર-ચાર વાર બિરાજમાન થનાર માયાવતીને હવે વિશ્વમાં માનની નજરે જોવામાં આવે છે.

સ્ત્રીઓ વિશે દરેક દેશ હોય કે સમાજ હોય એક માન્યતા પહેલેથી જોવા મળે છે..એનું મુખ્ય કારણ એક જ છે.સર્જનહારેલી કરેલી સ્ત્રી શરીર રચના..ઇશ્વર જાણે છે કે સ્ત્રી સંતાનને જ્ન્મ આપવાથી લઇને અમુક મહારત વાળા કાર્ય પર સ્ત્રીઓનો સંપુર્ણ ઇજારો છે..એટલે સ્ત્રીઓને અન્ડરલાઇન કરવા કહેવતથી લઇને વાકયોમાં સ્ત્રીઓને એનું સ્થાન સમજાવવાની નિરથક કોશિશ કરી છે.

સાહિત્યકાર કાકાસાહેબ કાલેકર કહે છે
“અપ્રિતમ સૌંદર્ય આગળ જ્યારે વૈરાગ્ય પરાભૂત થાય છે ત્યારે આત્મા સંકુચિત થાય છે અને વિશ્વ માંગલ્યને આઘાત પહોચે છે…”

બસ મિત્રૉ કાકાસાહેબનાં એક વાકય પરથી જોઇએ તો પુરુષો માટે સ્ત્રીઓનું સૌંદર્ય જેટલુ દ્રશ્યપ્રિય છે એટલુ જ એનાં પુરુષ અહમને નીચા દેખાડી શકવાં શક્તિમાન  છે..કદાચ એટલે જ પુરુષો સ્ત્રીઓને રીઝવવાં એનાં બાહ્ય સૌંદર્યની પ્રશંસા કરતો જોવા મળે છે…ખરેખર તો સ્ત્રીઓને એવા પુરુષો ગમે છે જે એના સૌંદર્ય કરતાં એનાં આત્મિય સૌંદર્યને સમજી શકે તેના અંતરમન સુધી પહોચી શકે .આજની વુમનને કોઈ તેના રૂપના નહિ પણ ગુણ ના વખાણ કરે તેની શક્તિઓને બિરદાવે તે વધુ પસંદ હોય છે

આપણા પુરાણૉમાં પણ નારીઓનું મહત્વ અને  પ્રદાન જરા પણ ઓછું ગણી શકાય એમ નથી.એ પછી રામચંદ્ર ભગવાનની સીતા હોય કે મહાભારતની દ્રૌપદી હોય.ગાંધારી હોય કે રાવણની પત્ની મંદોદરી હોય.અને પ્રેમ અને બલીદાનમાં રાધા હોય કે લક્ષ્મણની પત્ની ઉર્મિલા હોય આપણાં પુરાણૉએ હમેશાં સ્ત્રીઓને શકિતનું સ્વરૂપ આપ્યું છે અને દરેકયુગમાં સ્ત્રીઓને મોકો મળતા પોતે આધ્યાશકિત છે એ પૂરવાર કરી બતાવ્યું છે.

આવી જ રીતે અમેરિકામાં સ્ટાર ઈન રાઈઝીંગ માં બિલ-હિલેરી ક્લિન્ટનને પણ સામેલ કરવામાં આવ્યા છે.જેમને એક વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ બીલ ક્લીન્ટન ઉપર મુકાએલા આરોપો સામે અડગ ઉભા રહી પોતાના પતિને સમાજમાં જાહેરમાં સપોર્ટ કર્યો હતો.બધું જાણવા છતાં પણ કે તેમાંના પતિની ભૂલ ક્યાંક તો થયેલી છે.છતા પણ પત્ની તરીકે પતિને સાથ આપી સમાજમાં એક મહત્વનું સ્થાન પણ અપાવી શકે છે અને તે જ રીતે પતિની ભૂલ પકડાઈ જતા પતિનો સાથ પલભરમાં છોડી ને સમાજમાં હલકો પણ બતાવી શકે છે
આજ સાબિત કરે છે “એક પત્ની પતિને જીતાવી શકે છે તો જીતેલા પતિને હરાવી પણ શકે છે.”

બીલ ગેટ્સની અજાબો સંપતિના માલિક તેમની પત્ની મીલીંડા ગેટ્સ પોતાને ભાગમાં આવેલી અઢળક સંપતિને હસતા મ્હોએ દાનમાં આપી દેવાની ઉદારતાં  દર્શાવીને પતિના પગલે ચાલવાની હિમત દર્શાવી છે

જ્યારે પણ વુમન્સ પાવરની વાત આવે છે ત્યારે આપણે ભારતના કલ્પના ચાવડાને કેમ ભૂલી શકાય? કલ્પના ચાવલા અમેરિકાના એક સ્પેસ મિશનની નિષ્ફળતાનો ભોગ બન્યા હતા અને તેને પરિણામે કલ્પના ચાવલા સહિત બીજા અવકાશીઓએ પણ જાન ગુમાવ્યો. જ્યારે રાતના અંધારામાં સ્ત્રીઓ બહાર જતા પણ ડરે છે ત્યારે કલ્પના ચાવડા પોતાના ફેમિલીને ટાટા કરી સ્પેશમાં કોઈ પણ ડર વિના જવા તૈયાર થઇ ગયા હતા.

આજ રીતે આજકાલ કોર્પોરેટ જગતમાં એક નામ મોખરે જણાય છે પેપ્સીકોલા ના  સીઈઓ ઈન્દ્રા નુઈ. શ્રી નૂયી પોતે ભારતીય મહિલા છે તેમણે કરેલા એ ઈનોવેશન ને કારણે  પેપ્સી કંપનીનેને ખાસ્સો ફાયદો થઈ રહ્યો છે .આજ રીતે બીજી અગ્રણી મહિલાઓમાં આઇસી આઇસી આઇ બેન્કના એમડી અને સીઈઓ  ચંદા કોચરને ભારતની શક્તિશાળી બીઝનેસ વુમન જાહેર કરવામાં આવ્યા.  એક્સીસ બેન્કના શીખા શર્મા તથા  અરુણા જયંતી ,અનીતા ડોગરે જેવી કેટલીય બીઝનેસ વુમન પોત પોતાના ફિલ્ડમાં બહુ નામના કાઢી છે.રીલાઇન્સના મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી આજકાલ જાહેરક્ષેત્રની તથા શૈક્ષણીક અને સ્પોર્ટને લગતી સંસ્થાઓ સાથે  જોડાયેલા છે.નીતા અંબાણીની એક બીજી ખાસિયત છે.એની કોઇ પણ કંપનીનાં એમ્પલોઇસની સુવિધા માટેની જવાબદારી પણ સંભાળે છે.રીલાઇન્સની ટાઉનશીપનાં મકાનોની ડીઝાઇનથી લઇને કર્મચારીઓને આધિનિક આરોગ્ય સુવિધા મળી રહે એ માટે હમેશાં પોતે જાગૃત રહે છે.

અહીંયા અમેરિકામાં પણ સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષોના ખભે ખભા મિલાવી કામ કરે છે અને દરેક ક્ષેત્રમાં પોતાની નામના અલગ રીતે બનાવતા જાય છે.હાલ ચોકાવનારી વાત ફોર્ચ્યુન મેગેઝિને બહાર પાડી તે મુજબ ‘વર્ષ ૨૦૧૪ની સૌથી શક્તિશાળી બિઝનેસ વિમેન’ની યાદી જાહેર કરી જેમાં લગભગ ૫૦ ટકા મહિલાઓ ખૂબ જ મોટા કદની કંપનીઓનું સંચાલન કરે છે જે એક રેકોર્ડ છે.

ન્યૂયોર્કના મેરી બારા પ્રખ્યાત ઓટો મેકર જનરલ મોટર્સના સીઇઓ છે. તેઓ એપ્રિલ ૨૦૧૪નાં બારા ટાઇન્સ મેગેઝીનનાં દુનિયાના સૌથી વધુ ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં ચમકયાં હતાં.એન્જિનિયરિંગ અને ઇલેકટ્રીકલ અભ્યાસ પહેલા પુરુષોને હસ્તક ગણાતું હતું તેમાં આજે સ્ત્રીઓ પોતાનું વર્ચસ્વ ઘરાવતી થઇ ગઈ છે અને તે પણ આટલી મોટી પોસ્ટ ઉપર પોતાની નામના કાઢવી તે કઈ નાની સુની સિદ્ધિ તો ના જ ગણાય.

આજ રીતે ન્યુયોર્કમાં જન્મેલા જેનેટ યેલન અમેરિકાની ફેડરલ રીઝર્વ બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રથમ ચેરપરસ બન્યા હતા.જે બીલ ક્લીન્ટનની સરકાર વખતે વ્હાઈટ હાઉસમાં કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઈઝર રહી ચુક્યા હતા. અમેરીકા જેવા દેશમાં આટલી મોટો પોસ્ટ ઉપર એક સ્ત્રીનું હોદ્દા ઉપર રહેવું તે ગર્વની વાત છે.

હેડમાર્ક તથા હેરાલ્ડરોબિસ જેવા પુરુષ નવલકથાકારોની જોનકાલિસ તથા એરિકા બીંગ્સ,અને શોભા ડે જેવી સ્ત્રી લેખિકાઓએ છુટ્ટી કરી દીધી છે.

આટલું બધું જોતા સામાન્ય રીતે એમ જ લાગે કે હવે મહિલાઓ સુરક્ષિત છે પોતાના પગ ઉપર ઉભી રહેલી સ્વતંત્ર બની છે… પણ નાં ! સાવ એવું નથી હોતું જે દેખાય છે.આવો આઘુનિક સમાજ આપણી વચ્ચે જુજ છે.આજની નારી કહેવાય છે વુમન પાવર,પણ હકીકતમાં આજે પણ પુરુષ સમાજથી દબાએલી કચડાએલ છે.કારણકે આજે પણ અમેરિકન હોય કે ભારતિય સમાજ હોય એ સમાજનાં મુળ પર આજે પણ પૈતૃક સમાજની પકડ જોવા મળે છે.

ભારત જેવા દેશોમાં તેમાય ખાસ જ્યાં પુરુષ પ્રઘાન સમાજ અસ્તિત્વમાં હોય તેવા સ્થળોએ ઘરેલું હિંસા થવી સામાન્ય વાત બની ગઈ છે.વિશ્વમાં દરેક જગ્યાએ સ્ત્રીઓ પર થતા પુરુષોના અત્યાચારોમાં જ્યારે અમેરિકા જેવા મહાસત્તા ધરાવતા વિકાસશીલ દેશોમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર અને ઘરેલું હિંસાની  વાતો સાંભળવામાં આવે ત્યારે સમજાય છે કે આજની નારી હજુ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પગભર નથી બની.

સમાજ વિકસી રહ્યો છે, પણ  જે વર્ષો પુરાણી બદીઓ અને વિચારસરણીઓ માંથી હજુ સંપૂર્ણ રીતે મુક્ત નથી બન્યો.એ માટે શિક્ષણ સહુથી મોટી જરૂરીયાત છે.

જુના પુરાણા વિચારો ઘરાવતો સમાજ હજુ પણ માને છે કે સ્ત્રી પુરુષની દાસી માત્ર છે.જ્યાં પત્નીને ઘરસંસાર સંભાળવા સિવાય બાકીના કોઈ હક આપવામાં આવતા નથી.તેઓનું માનવું હોય છે કે ઘર સાચવવા રસોઈ શીખવાની જરૂર છે.નહી કે વધારે ભણતરની…આજે પણ અમુક સમાજમા એવી માન્યતા પ્રર્વતે છે વધુ ભણેલી છોકરી અને ભણતર દ્રારા મેળવેલી કેળવણી એનું માંનસ બગાડે છે અને એના વિચારોને સ્વછંદતા આપે છે..સ્ત્રી સ્વતંત્રતાનો જુસ્સો આવે છે.જેના કારણે સ્ત્રી મુક્ત અને કુકર્મો કરનારી બને છે..

આ સુધારેલો કહેવાતો સમાજ એક પત્નીને ઘરમાં રસોડાની રાણી અને અને સમાજમાં તેના બાળકોની માતા તરીકે ઓળખ આપીને ખુશ રહે છે અને એમ માણે છે કે સ્ત્રીઓનો ઉઘ્ઘાર કરી નાખ્યો …

હક્કીતમા સ્ત્રીઓનો ઉધ્ધાર જ કરવો હોય તો દરેક દીકરીને સાચી કેળવણી આપો..એને જ્યાં સુધી ભણવુ હોય એટલી સ્વતંત્રતા આપો…

ભણેલી ગણેલી દીકરી તેના બાળપણથી લઇ યુવાની સુધીના સફરમાં કોઈ પણ ખરાબ પગલું ભરતા પહેલા દસ વખત વિચાર કરશે અને એ જ દીકરી એના સાસરિયામાં પણ તેની બુધ્ધીમત્તાને અને સંસ્કારને કારણે માં બાપનું નામ ઊચુ રાખશે.

એક માતા સો શિક્ષકો ની ગરજ સારે છે..અને એક શિક્ષિત માતા હોય તો એક પ્રાધ્યાપકથી લઇને એક સાચા કેળવણીકાર ગરજ સારે છે.જો માતા ભણેલી અને ઉચ્ચ વિચારો ઘરાવતી હશે તો તમારા બાળકોને તેમના જીવનપથ ઉપર આગળ વધવા મદદરૂપ બનશે.

પત્ની તરીકે એ શિક્ષિત હશે તો સાચા અર્થમાં પુરુષની સહચારીની બની તેના મુશ્કેલીના સમયમાં સાચો માર્ગ ચિંધનાર દોસ્ત અને સલાહમાં માર્ગદર્શીની સાબિત થઇ શકશે.. પુરુષની કટોકટીનાં સમયમાં એક પ્રેમિકા બની તેના માનસિક તણાવને કઈક અંશે ઓછો કરી શકશે!!!!

ભણેલી સ્ત્રી વિચારોની ઉચ્ચ્તાને લઈને ખરાબ માર્ગ ઉપર જતા પહેલા સારા નરશા પાસાઓ  ઉપર એક વાર જરૂર વિચાર કરશે..તે પોતાનો સ્ત્રી ધર્મ સમજીને ઘર સરસ રીતે ચલાવી છોકરાંને કેળવણી આપી શકે છે.

અક્ષર જ્ઞાન સ્ત્રી માટે જરૂરી છે તેના કરતા વધુ જરૂરી સમાજના ઉધ્ધાર માટે છે.

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)

 

” રોજ મનાવીશ વેલેન્ટાઈન ડે”.

Displaying IMG20150214133244.jpg

આણંદ શહેર માંથી પસાર થતી રેલ્વે લાઈનની નજીક આવેલા ચાર નાનકડા ઝુંપડામાં સવલી અને જગો બાજુબાજુમાં રહેતા હતા ,સાવ નાનપણથી ચડ્ડી બંડીના સહારે બહાર ઘૂળમાં આળોટતા મોટા થયેલા આ બે જીવો એકમેક સાથે સંધાઈ ગયા હતા. જગો સવલી કરતા બે વર્ષ મોટો હતો પરંતુ આ ચડ્ડી બંડીની મિત્રતામાં ઉંમર બાધ નથી આવતી.
પાસે આવેલી સરકારી નિશાળમાં ભણવા જતા જગો સવલીને હાથ ઝાલી રેલ્વે લાઈન પાર કરાવતો હતો ,ક્યારેક સવલીને ઠોકર લાગે તો આજ જગો તેનાં હાથે પંપાળી તેને “બસ હવે મટી જાશે “કહી ખુશ કરાવતો
સામે માએ આપેલી બે પીપરમીન્ટ માંથી એક સવલી જગાને આપી દેતી ,આમ એકમેકના સહારે બેવ જીવો વધમાં પડતા ગયા સાથે સાથે માયા પણ વધતી ચાલી
જગો આઠ ચોપડી પાસ કરી રહ્યો ત્યાજ તેના બાપા ટુંકી માંદગીમાં તેને અને તેની માને એકલા છોડી પરલોક સિધાવી ગયા અને જતાજતા જગાને વારસામાં આપતા ગયા એક ખારીસીંગ ચણા વેચવાની લારી અને નાનકડી સઘડી જેનો રોજનો મુકામ હતો વલ્લભ વિધાનગરની એક કોલેજનું પ્રવેશ દ્વાર.
હવે જગો ભણવાનું છોડી રોજ આ કોલેજના દ્વાર ઉપર લારી જમાવી જતા આવતા યુવાન છોકરા છોકરીઓને ખારીસીંગ ચણાની મોજ કરાવતો અને સામે બે ટંકના રોટલા મેળવી લેતો.
આઠ ચોપડી ભણેલો જગો એના હૈયે મહી એક કવિ જીવ હતો ,શોખ અને ધ્ગાસના કારણે થોડી ઘણી કવિતાઓ રચી કાઢતો અને આજ કારણે કોલેજ બહાર આવતા જતા યુવાન યુવતીઓમાં બહુ પ્રિય થઈ પડયો હતો.કેટલાલ તો મસ્તી ભર્યા મિત્રો તેની પાસે થી એ સરતે ખાઘ્ય સામગ્રી ખરીદતા કે એ કોઈ કવિતા ગઈ સંભળાવે ! આમ તે આજુબાજુ વિસ્તારમાં પણ પ્રિય થઈ પડ્યો હતો।
જગના કહેવાથી સવલી ભણવામાં ઘ્યાન આપતી હતી અને રજાના દિવસે જગાને મદદ કરવા આવી પહોચતી,આમ કરતા ચાર વર્ષ નીકળી ગયા. જગો અઢાર વર્ષનો ફૂટડો યુવાન બનતો જતો હતો અને સવલી પણ માસુમ બચપણને અલવિદા કરવા ઉતાવળી દેખાતી હતી. જતા આવતાની નજરમાં વસી જતી સવલી આજે સવારથી જગાની સાથે હતી …
આજે ચૌદમી ફેબ્રુઆરી ,કોલેજ’વેલેન્ટાઈન ડે’ની ઉજવણી માટે થનગનતી હતી..કેમ્પસમાં ચારે બાજુ ઉત્સાહનો અને મસ્તીનો માહોલ હતો….સહુ કોઇના હાથમાં વેલેન્ટાઈનનાં સ્પેશ્યલ કાર્ડ,અવનવી ભેટ સોગાદોના બોકસ,ફૂલોના બુકે તો કોઇના હાથમા ફકત દાંડીવાળા ગુલાબ હતા..આજના આ ખાસ દિવસે પોતાના હૃદયમાં બિરાજતી ખાસ એક વ્યકિતને ગુલાબ,ભેટ સોગાદો અને ચોકલેટસ વગેરે આપીને પ્રેમનો એકરાર કરવા માટે તેમના હૈયા થનગનતાં હતા.પોતાના મનગમતા સાથીને પ્રેમનો અહેસાસ કરાવવામાં જાણે કશી કચાશ રાખવા માંગતા નહોતા ! દરેકની આંખમાં એક ગુલાબી સપનુ હતુ
સવલી આ બધું વિસ્મય પૂર્વક જોઈ રહી હતી ” જગા આ બધું શું છે કોઈ તહેવાર છે કે શું? જોને બધા કેટલા ખુશ અને સુંદર લાગે છે ” તે અચાનક પૂછી બેઠી
હા સવલી !આજે વેલેન્ટાઈન છે આજે જે પ્રેમ કરતા હોય તે બધા તેમની પ્રેમિકાને ભેટ આપે ,ગુલાબ આપે ” પોતાનું જ્ઞાન બતાવતા જગો બોલ્યો.
એમ ? સવલી તેની ભોળી આંખોમાં કુતુહલ ભરી બોલી। ..”તોતો આજે મને પણ કશુક ભેટમાં મળવાનું કેમ?” ભોળપણ મસ્તીમાં ફેરવાઈ ગયું.
“હવે ખોટા વિચાર રહેવા દે ,તારા જેવીને કોણ ભેટ આપવાનું હતું ”
“જગલા ભૂલતો નહિ મારે એક કહેતા અગિયાર હાજર થઇ જાય તેમ છે પણ મારું મન મુઆ એકમાં અટવાઈ ગયું છે ” સવલીની આંખોમાં શરમના શેરડા ઉતરી આવ્યા.
આ  જોઈ જગો બધીય મસ્તી ભૂલી ગયો ” સવલી લે આજે તારી માટે ખાસ લાવેલા લાલ ગુલાબને તારા ચોટલે લગાવી આપું બાકી જે’દી ઉપરવાળો  તેની કૃપા વરસાવશે તે’દી તને મોંઘી ભેટ જરૂર આપીશ “
“હવે જાજા તું ખોટા વાયદા નાં કરીશ, મારા બા બાપુ જોડે મારો હાથ માગવાની હિંમત છે તારામાં? ” સવલી મનની વાત પૂછી બેઠી
વ્હાલી સમય આવવા દે આમ ઉતાવળે આંબા નાં પકાય બોલી જાગો નવી રચેલી કવિતા ગાવા લાગ્યો …
“હોય છે ભીનાશની સમજણ હ્રદયમાં જેમનાં
મનના પુષ્પો પાનખરમાં પણ કદી ખરતા નથી
પ્રીતના પગલા કદી પાછા પગે હટતા નથી
સ્નેહ સાગર પાર કરનારા કદી ડુબતા નથી”
સવલી અઢારે આંબી ત્યાંજ શરણાઈના શૂર અને નાતના આશીર્વાદ વચ્ચે તેનો જગા જોડે સદાને માટે એક થવાનો દહાડો આવી પહોચ્યો ,નશીબ જોગે આ દિવસ ચૌદમી ફેબ્રુઆરી હતો.  લગ્નની પહેલી રાતે બંધ ઝુંપડામાં સવલી જગના બે હાથ વચ્ચે ઘેરાતી જતી હતી,આજે બંને વચ્ચે જિંદગીમાં પ્રથમ અનૂભવયેલી શબ્દોમાં ના ઉતારી શકાય એવી મખમલી સંવેદનાનો ગુંજારવ થયો હતો..
આભે બે પ્રેમીઓનું એકત્વ  માણતો ચાંદો વાદળીઓ સાથે આંખ મિચોલી રમતો હતો ,મહી ઝુંપડીમાં જગો પહેલી રાત સવલી માટે ખાસ લખેલી કવિતાને તેના ચરણે અર્પણ કરી રીઝાવતો હતો ….
કારણ વિનાં લોકો અહીંયા ચાંદની ચર્ચા કર્યા કરે છે
ને રૂપ તારૂં જોઇને ખુદ ચાંદ અંદરથી જલ્યાં કરે છે.
પાતાળમાં પરવાળ મોઘાં ભાવનાં શોધે છે મરજીવાઓ
હોઠોની લાલી જોઇ તારી રત્ન પણ ખામી પૂર્યા કરે છે.
એ જામ,એ સાકી સૂરાહીને,ને મ્હેફીલૉ ભૂલી ગયો છુ
ને જ્યારથી મારા ખભા પર ભાર ગરદનનો પડ્યા કરે છે.
અટકી પડી મારી કલમ જોઇને તારા હુસ્નની નવાબી
મારી ગઝલના શબ્દ તારા રૂપની ગાથા કહ્યા કરે છે.
સમયના ચક્રને કોણ ઝાલી શક્યું છે ? વરસ વિતતા વાર લાગતી નથી, સવીના સાથ અને તનતોડ મહેનત સાથે તેના મીઠા સ્વભાવને કારણે જગો ઝુંપડા માંથી બે ઓરડીનું ખોરડું સવી માટે બનાવીને ખુશ હતો ,ચાર વર્ષમાં હવે જગો ખાસ્સું કમાવા લાગ્યો ઘરખર્ચ કાઢતા તેની બચતમાં આજે પચ્ચીસ હજાર જેવી રકમ જમા થઈ ગઈ હતી ,હવે સવલીને આપેલું વચન પૂરું થવામાં ગણતરીના દિવસો બાકી હતા ,જગો વિચારતી હતોકે આ વખતે વેલેન્ટાઈન નાં દહાડે અને તેની લગ્નની ચોથી વર્ષગાઠ ઉપર સવલીની ડોકે એક સોનાનો દોરો પહેરાવી તેને ચોકાવી દેવી છે .સોનાનો દોરો સવલીની પાતળી સુરાહીદાર ડોકને કેવો શોભાવશે તેવું વિચારતો દીવા સ્વપનોમાં રાચતો જગો રોજની જેમ કોલેજ બહાર તેની લારીમાં ભરેલી ખારીસીંગ ચણા જોડે બોર આમલા આમળાં વગેરે વેચવામાં મશગુલ હતો ત્યાજ બાજુમાં રહેતો મગન દોડી આવ્યો…..
“જગલા ઝટ હાલ સવલી ભાભીને એકસીડન્ટ થયો છે તેને સરકારી દવાખાને લઇ ગયા છે ”
જગાને માથે આભ તૂટી પડ્યું ,તેના હાથ પગ જાણે ઠંડા પડી ગયા પરંતુ જાતને માંડ સંભાળતા બોલ્યો “મગના બહુ વાગ્યું છે તારી ભાભીને ?”
“હોવે ભાભીને ખાસ્સું વાગ્યું છે પણ જેની ગાડીને અથડાયા તેજ શેઠ દવાખાને લઇ ગયા છે ,બસ તું જલદી હાલ ”
લારી મગનને સોપી જગો દોડતો હોસ્પીટલમાં પહોચી ગયો .
સવલી ને ઓપરેશન રૂમમાં લઇ જવાઈ હતી ,ફૂલ સ્પીડે આવતી ગાડીની અડફોટ માં રસ્તો ક્રોસ કરતી સવલી આવી ગઈ હતી ,ગાડી વાર શેઠ બહાર બેઠા હતા જે જગાને જોઈ બોલી ઉઠયા ” ભાઈ જો આમાં મારો વાંક નથી તારી પત્ની અચાનક મારી ગાડી સામે આવી ગઈ હતી ,છતાય તેની દવામાં જે પણ ખર્ચ થશે તે હું આપીશ તું આ બાબતે લગીરે ચિંતા નાં કરીશ ”
ત્યાજ બંધ રૂમનું બારણું ખુલ્યું અને ડોક્ટર બહાર ડોકાયા ”  જુવો એ બહેનના પેટમાં કારનો આગળનો ભાગ સજ્જડ રીતે ઘુસી જતા તેની બંને કીડની ઉપર ગંભીર ઈજા થઈ છે જે લગભગ નકામી થઈ ગઈ  છે ,હાલ તો તબિયત ઠીક છે પરંતુ જલદી થી તેની માટે નવી કિડનીની વ્યવસ્થા કરાવી પડશે નહીતર તેને બચાવવી મુશ્કેલ થઈ  પડશે ” આ સાંભળતાં જ જગો બે હાથ માથે દઈ ત્યાજ ઢગલો થઈ બેસી પડ્યો.
સવલી વગરનું જીવન જગો સપનામાં પણ વિચારી શકે તેમ નહોતો ,કોઈ કારણસર સવી ઘેર નાં હોય તો જગો ઘરમાં અંદર જવાને બદલે બહાર ઓસરીમાં બેસી રહેતો , સવી આવીને ટોકતી પણ ખરી “મુઆ બહાર મારી રાહ જોયા વગર અંદર બેસતો હોય તો”
નાં તું જાણે છે તારી વગર આ ખોરડું મને ખાવા દોડે છે ,અને એક વાર અંદર જઈને બેસું તો તું આમ મારી માટે દોડતી નાં આવે ” કહી તે લુચ્ચું હસતો
 આજે જગો સમયને રેતીની માફક સરતો જોઈ રહ્યો હતો ,પેલા શેઠ દવાખાનાનો ખર્ચ આપવા તૈયાર થયા પણ આટલા ઓછા સમયમાં સવલીને અનુકુળ આવે એવી કીડની ક્યાંથી શોધવી ? ડોક્ટરના જણાવ્યા પ્રમાણે સવલીનો સમય ખૂટતો જતો હતો ,છેવટે જગાએ ડોક્ટરને વિનવણી કરી કે તેની એક કીડની સવલીને આપીને તેને જીવતદાન બક્ષે ,કુદરતની મહેરબાની સમજો કે જગાનો પ્રેમ ગણો પણ બે જીવોનું લોહી પણ એકજ ગ્રુપનું નીકળ્યું અને કીડની પણ સરખી નીકળી.
ડોક્ટરોની ભારે મથામણ પછી સવલીનું ઓપરેશન બરાબર રીતે થઈ ગયું અને આજે દિવસ પણ હતો ચૌદમી ફેબ્રુઆરી “પ્રેમીઓ નો દિવસ “.
સાંજ થતા સુધીમાં સવલીને ભાન આવી ગયું હતું ,પાસેના ખાટલામાં સુતા સુતા જગાએ હાથ લંબાવી સવલીનો હાથ ઝાલ્યો ,બંનેની નજર એક થતા થાકેલા અવાજે જગો બોલ્યો “સવી આજે વેલેન્ટાઈન ડે છે,આજે હું તારી માટે ખાસ ભેટ લાવવાનો હતો પણ સમય અને સંજોગોને કારણે તને કશુજ આપી શક્યો નથી “
” જગા તારા શરીરનું અંગ મને આપી તે આજે મને દુનિયાની સહુથી મોઘી ભેટ આપી છે ” હથેળીના ભારને વધારતા આંખમાં ભીનાશ ભરતા સવી ઘીમાં અવાજે બોલી પછી ગણગણી ઉઠી ….
તારો સાથ એ સાજન મારે ચુંદડી અને ચોખા
આ જનમે તો ના કદી થાસું આપણ બેવ નોખા.
સાથ તારો ઉજ્જળ વગડે વસંતના રંગ અનોખા
તુજ મારે મન આનંદ”વિનોદ” હુ તારી જીવન રેખા.
“પાગલ આમાં તો નર્યો મારો સ્વાર્થ છે ,આજે મેં મને જીવતદાન આપ્યું છે ,અને આમ કરી હું હંમેશા તારા મહી સમાઈ ગયો છું ,તું મારા આખા દેહમાં અણુએ અણુમાં તુ વ્યાપી ગઈ છે . હવે તારા શરીરમાં વહેતા લોહીના કણેકણ ને હું પળેપળ સ્પર્શી શકીશ અને આમ કરીને હું રોજ મનાવીશ વેલેન્ટાઈન ડે ” જગો ઘીમું હસીને બોલ્યો .
.
હોસ્પીટલના સ્પેશિયલ રૂમનુ અંદરનું દ્રશ્ય જોઈ એ બાજુથી પસાર થતા ડોક્ટર અંદર થતો આ વાર્તાલાપ સાંભળી મનોમન બબડી ઉઠયા ” જે પ્રેમ માટે આ દોડાદોડી અફડાતફડી થાય છે તે પ્રેમ જો કોઈના આત્માને સુખ આપવા ખર્ચાય તો કદાચ આ મજા અને આનદ બેવડાઈ જાય…”
ખરેખર વેલેન્ટાઈન ડેની ઉજવણી સમજયા વિના માત્ર એકબીજાની દેખાદેખી કરવાનો કોઈ મતલબ નથી. ” આ અભણ ગરીબ જીવો બરાબર સમજે છે કે સાચો “વેલેન્ટાઈન ડે “કોને કહેવાય “

રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુ એસ એ )

 

આપણી હારું તો આજ વેલેનતીન (વેલેન્ટાઇન)છે,

“તે હે આ લોકો રોજ કરતા આટલા ખુશ ચ્યમ દેખાય છે?
દિવાળીને તો બહુ છેટી સે …
હોવ તું હાચી સે પણ આજ તો પ્રેમી પંખીડાઓ ની દિવાળી સે. આજ આ સંઘાય લોકો પ્રેમની વાતો કરે

અને ભેટમાં આપણા આ લાલ ફુગ્ગા અને તું વેચે સે તે ફૂલોને ભેટમાં આપે અને બીજીય ભેટો આપે ,
એમ ? તો તમે તો મને કોઈ દી કોઈજ આપ્યું નથી ,હું આપણી વચમાં પ્રેમ નથી ?”
“અરે ગાંડી જેને પ્રેમનો ભરોષો ના હોય તેજ આવા દેખાડા કરે ,તું તો મારા હ્રદીયાનો ટુકડો સે ”
મુઓ લાડમાં બહુ બોલી જાય છે ……
” આજ સવારથી બપોર લગીમાં આ લાલ દિલવાળા ફુગ્ગા અને તારા ફૂલ બહુ વેચાયા,
આપણી હારું તો આજ વેલેનતીન (વેલેન્ટાઇન)છે,

લે હેડ તું રોટલો ઘડી દેજે અને આજ હું તારી હારું રોટલો ચડવી દઈશ બસ!”
રેખા પટેલ (વિનોદિની )

 
Leave a comment

Posted by on February 12, 2015 in અછાંદસ

 

એક પત્ર : મારી સખી હું અહી ખોટો ઠર્યો..

પ્રિય સખી ,
આમ તો હું તને વર્ષોથી ઓળખું છું અને કદાચ એથી વધારે જો હું કહું તો તારી સાથે મારે જન્મોની ઓળખાણ છે.

તું તો જાણે છે કે આજ સુધી મેં તને માત્ર દુરથી જોઇને પ્રેમ કર્યો હતો,પરંતુ મારા પ્રેમની તીવ્રતાને જોતા હું ચોક્કસ માનતો હતો કે હું તને સંપૂર્ણ પણે જાણી ગયો છુ. અને આજ દાવો તારી સમક્ષ હું હંમેશાં કરતો હતો ત્યારે તું મને હસીને રણકતાં અવાજમાં જવાબ આપતી કે,”સખા….,અહીયાં તો તારી ભૂલ છે તું હજુ પણ મને ઓળખવામાં થાપ ખાય છે ”

અને તારા એક વાક્યને ખોટુ ઠેરવવાના હેતુ થી જવાબમાં હું તારા વિષે અગણિત કવિતાઓ પત્રો લખી નાખતો હતો. સતત તને જતાવવાનો પ્રયત્ન કરતો કે “જો સખી !હું તને કેટલું જાણુ છુ તારી રગેરગ ઓળખુ છુ.”

આખરે વર્ષો પછી મારે તને જ્યારે મળવાનું બન્યુ એટલે મારા માટે તો “જાણે પિંજરના પંખીને ખુલ્લું આભ મળ્યું, વરસોથી સાચવીને રાખેલા સપનાઓને હકીકતની પાંખ મળી.”

તને મળવાના દિવસો જ્યારે આંગળીને વેઢે ગણવા જેટલા રહ્યા ત્યારે આ પુરપાટ ચાલ્યો જતો સમય નિષ્ક્રીય થઇને રાત દિવસના કોચલામાં પુરાઈને બેસી ગયો.
તારી યાદમાં રોજ વિજળીક ગતિએ ફલાગો ફરતા દિવસના ઓળા જાણે ગોકળગાયની ગતિથી ચાલતા હતા અને ઝબકારે વીતતી કાળી રાતો તેની કામળી સંકોરવાનું ભૂલી જતી. એ બધી રાતો શીયાળાની લાંબી રાત્રી કરતાં વધુને વધું લાંબી લાગતી હતી.
પ્રિય સખીને સન્મુખ નિહાળવાની તડપનાં આ દિવસો મારી જિંદગીના સહુથી ધીમા ગયેલા દિવસો હતા અને એટલાજ મારી માટે એ દિવસો મહત્વના હતા.

છેવટે તને નિહાળવાનો એ સુખનો સુરજ ઉગી આવ્યો.આજનાં દિવસનું દરેક ચોઘડિયું મારી માટે શુભ લાભ હતું તો ક્યાંક અમૃત હતું.
વહેલી પરોઢે આંખો ઉધડી ત્યારે સંપુણ વાતાવરણ તારામય લાગ્યુ. આજે પંખીનાં કલરવમાં એક અનેરી મીઠાશ હતી.આંબા ડાળે બેઠેલો કોકિલ પોતાના સાથીદારને બોલાવવા પોતાનાં ટહુકાઓમાં અવનવાં મધુર સ્પંદનો રેલાવતો હતો….માનવની જેમ પંખીઓને પણ પોતાના પ્રિય સાથીની મધુર ઝંખનાં હોય છે.

બરાબર જેવું સ્વપ્નમાં જોતો એવું જ બન્યું.હું તને મળવાં આવ્યો ત્યારે મને આવકારવા તું બારણે ઉભી હતી. તારી ઘવલ દંત પંક્તિઓને “આવો” કે “પધારો” જેવાં શબ્દના ઉચ્ચારણની પણ ક્યા જરૂર હોય છે.?તારા શરીરની આગવી લાક્ષણીકતાઓ તારા શબ્દોને પણ હંફાવે તેવી છે તે હું તને રૂબરૂ મળીને જાણી શક્યો.

હા સખી ! તું મારી ઘારણા કરતા કંઈક અલગ છે એ સત્યને હું તને મળીને સમજી શક્યો.અત્યાર સુધી હું માનતો હતો કે તું મેનકા અને રંભાને શરમાવે તેવી સ્ત્રીત્વથી લથપથ હોઈશ અને ઋષીવરોને લોભાવે એવી સૌંદર્યવતી હશે. તને જોતા જ કોઈ પણ પુરુષ એનો ઘમંડ,તોર અને પદ તારા ચરણે ધરી દેવા તત્પર થઇ જતો હશે!!

પણ આજે તને સન્મુખ નિહાળીને સાચું કહું મારી સખી. “હું અહી ખોટો ઠર્યો” જે રૂપ સ્વરૂપને તોરીલું અને ઠસ્સાદાર માનતો હતો એ મારી ધારણાંથી સાવ ઉલ્ટુ તારું રૂપ બાળકને પણ શરમાવે તેવું નિર્દોષ નીકળ્યું.

પહેલી વખત થોડીક ક્ષણો માટે તારો નાજુક હાથ મારા હાથમાં આવ્યો ત્યારે હું સમજી સખ્યો કે આ સ્પર્શની શકિત કેટલી પાવરફૂલ છે.તારો હાથ જ્યારે મારા હાથમાં હતો ત્યારે આજ સુધી કદીના અનૂભવી હોય એવી માસુમ અને અનકહી એવી નમણી સંવેદનાં મારામાં અનૂભવાતી હતી…કેટલો મુલાયમ સ્પર્શ હતો કે એ સમયે મારા શરીરનાં બધાં રૂવાંડા ઉભા થઇ હતા…હું જાણે તારા સંમોહનમાં સંમોહિત હતો શું કરવુ કે શું બોલવું એ સમજાતું નહોતું છતાં પણ વિચારોની મલિનતાથી કોશો દુર હતો.

તારી હથેળીના સ્પર્શને માણ્યા પછી મને એક પંકતિ યાદ આવી ગઇ.

ફૂલો સમી તું ને મારૂં ઝાકળ બની કાયમનુ તુજને અડકવું
જળ બિંદું જેવું તારૂ નિસ્પૃહ થઇ સાથમાં કાયમનું ભળવું

એ પછી આપણે બહાર વરંડામાં ખુરશીઓ ઢાળીને બેઠા હતા ત્યારે પાસેના ખેતરમાં પતંગિયાને ઉડતા જોઈ તું નાના બાળકની અદાથી એકદમ દોડી પડી એ સાથે તું એ પણ ભૂલી ગઈ કે ગઈકાલ રાત્રે ખેતરમાં પાણી છોડયું હતું. અચાનક દોડતા તે સંતુલન ગુમાવ્યું અને તું કાદવથી ખરડાઈ હતી છતાં પણ બાળ સહજ રમતમાં પતંગિયાને સ્પર્શી તું ખુશ થઇ ગઇ અને એક નિર્દોષ બાળકની જેમ ખિલખિલાટ હસવા લાગી.ત્યારે તું એ પણ ભૂલી ગઈ કે મહેમાન તરીકે આવેલો હું પાસે બેઠો હતો.

આ દ્રશ્ય જોઇને લાગ્યુ કે,ઓ સખી !આ તું તે નહોતી જેને યાદ કરી હું મારા જીવનમાં મીઠાશ ભરતો હતો.જેના હું ગીતો ગાતો હતો… તું તો તેના કરતા કંઈક વધારે મીઠી નીકળી.સાવ સાચું કહું જેટલી પહેલા વ્હાલી હતી હવે એનાં કરતા પણ તું મને અનેક ગણી વહાલી લાગવા માંડી…..

સખી તું મારી કલ્પના કરતા સાવ અલગ નીકળી.તને મળ્યા પહેલા હું માનતો હતો કે તું ઐશ્વર્યથી ભરપુર ભારે સ્વમાની સ્ત્રી છો. તારામાં વાકચાતુર્ય ભરપુર છે અને તું ભલભલાને તારી વાતોથી રીઝવી શકે તેમ છે અને એ લોકો ઉપર તારી મરજી ચલાવી શકે છે. તેથી જ હું હમેશા તને રૂપ ગુણમાં સહુથી ચડીયાતી વર્ણવતો હતો.

સખી અહીયાં હું સાવ ખોટો ઠર્યો. એ ઢળતી સાંજે મને તારી સાથે ચાર કદમ ચાલવાનું અહોભાગ્ય મળ્યું હતું.આપણે હજું ચાલતાં ચાલતાં થોડા દુર ગયા ત્યાં જ કોઈ પુરફાટ આવતી મોટર બાઈકે ટક્કર મારીને તને હવામાં ઉછાળી દીઘી.આ દ્રશ્ય જોઇને મારા તો શ્વાસ અઘ્ઘર થઇ ચુક્યા હતા.મારી આંખો સામે મારી જિંદગીને ઘાયલ અવસ્થામાં હું કેમ કરીને જોઈ શકું ?

તું જમીન ઉપર ફસડાએલી હતી અને ઘાયલ જોઈ આજુબાજુ ટોળું ભેગું થઇ ગયું.આ બધું જોઈ પેલો બાઈક સવાર બહુ ડરી ગયો હતો.અને ત્યારે તું તારું દુઃખ ભૂલી પેલાને જવાનું કહી રહી હતી કે,” જા ભાઈ મને ખાસ નથી વાગ્યું તું ડરીશ નહી”.

ઓ સખી !આ તું નહોતી જેની મેં કલ્પના કરી હતી.જેને મેં મારી મહેબુબા માની હતી,જેની માટે મેં અસંખ્ય રોમાન્સ ભર્યા ગીતો લલકાર્યા હતા … હા તું તે નહોતી.

થોડી વખત તારી સાથે વિતાવ્યા પછી ખબર પડીને કે જેને હું ઐશ્વર્યથી છલોછલ અને રૂપગર્વિતા અને તોરીલી સ્ત્રી સમજતો હતો એ સ્ત્રી તો નાના જીવને પણ દુઃખી જોઈ શકતી નથી.એક ચોક્કસ તથ્ય જાણવાં મળ્યુ કે તારામાં સ્વમાન કરતા સહ્રદયતા વઘુ ઝલકતી હતી અને તારા રૂપ અને બુદ્ધિ સામે તારામાં રહેલા પરોપકારી અને બીજાનું સતત ભલુ ઇચ્છતા ગુણ ઘણા અંશે ચડિયાતા હતા.

હા… તું મળ્યા પછી તારા નજાકતી અને નર્મીલા સ્વભાવને કારણ આજે હું સમજી શકું છું કે ,

પ્રેમ એટલે આપણા અલગ-અલગ હૈયામાં પાંગરતા સપનાઓને એક તાંતણે બાંધવાનો પ્રયાસ…
પ્રેમ એટલે એક મેકના મન તરફ, અત્યંત નાજુકાઈ ભર્યો સંવેદનાઓ નો સુંદર પ્રવાસ…

બસ હવે એટલુ જ કહીશ કે “હે સખી હવે મને તું પહેલા હતી તેના કરતા પણ વધારે પ્રિય છો, બસ આજથી તું મને મારો એક અંશ સમજી તારામાં સમાવી લે અને મને બસ તારા જેવો બનાવી લે!”

રેખા પટેલ (વિનોદિની)
2/11/15

 

સંવેદનાનું સીમકાર્ડ :સ્વેચ્છાએ દાન

મારા નાનકડા ગામ સંતોષપુરામાં આખરે અમારી કુળદેવી લક્ષ્મી માતાનું મંદિરનું જીર્ણોધ્ધાર કરવાની ઘોષણા થઇ હતી.

છેલ્લા ઘણાં વખતથી ગામમાં કઈકને કઈક અમંગળ બનાવો બનતાં રહેતા હતા.ગયા વર્ષે અમારા પાછલા ફળિયાના બે નાના છોકરા રમતા રમતા કોઈને જાણ પણ ના આવે તે રીતે પાસેના કુવામાં ગબડી પડયા હતા.લોકો કહેતા હતા કુવાનું થાળું છોકરાઓના પ્રમાણમાં ઉચું હતું તો આમ કેમ બન્યું ?આજનાં દિવસે પણ  આ માત્ર કોયડો જ રહી ગયો,અને તેના થોડા જ મહિના પછી સાંજના સમયે ગામની બે બાયુંઓ તાજી કાપેલી જુવારનો ભારા માથે લઇ સીમમાંથી ઘેર આવતી હતી ત્યારે રસ્તામાં કાળોતરો ડંખી ગયો.બેઉને ઉચકી ભાથીજીના મંદિરે લઇ ગયા અને બાજુના ગામમાંથી ઝેર ઉતારવા મદારી તેડાવ્યો પણ બેઉ બાયું પોતાનાં નાના છોકરા અને એના ઘરના માણસોને એકલા મૂકી ઝેરની અસરમાં    લીલીકાચ બની સ્મશાને પહોચી ગઈ.

આ બનાવથી ગામ આખું ભયભીત બની ગયું હતું.આમ જ્યારે પણ કઈક આવા અમંગળ બનાવો બનતા તે બધા  જોડીમાં એટલે કે બે વ્યકિત આ બનાવનાં ભોગ બનતી હતી.ધીરે ધીરે ગામમાં અફવા ફેલાતી જતી હતી કે કોઇ આત્માનો ખરાબ પડછાયો ગામ ઉપર પડ્યો છે તો વળી કોઇ એમ  કહેતું કે ભગવાન કોપાયમાન બન્યા છે કશુક અમંગળ બનવાનું હજુ પણ બાકી છે.

આ દહેશતનાં કારણે ગામનાં લોકો સાંજ પડે એ પહેલા પોતાનાં ઘર ભેગા થઇ જતા હતાં.ગામની માંતા પોતાનાં નાના છોકરાઓને એકલા રમવા જવા દેતી નહોતી.જ્યારે અમારા ઘરે પણ સવિતા રવિને જરાય એકલો  મુકતી નહોતી.

એવામાં લક્ષ્મી માતાના મંદિરની પાછળ આવેલી નાનકડી ઓરડીમાં કોઈ સંતનું આગમન થયું.બે દિવસ ચાલેલા ભજન કીર્તન અને સત્સંગમાં બાદ લોકોને તેમની ઉપર શ્રધ્ધા બેસવા લાગી.બાપજીએ લોકોના દુઃખ ના ઉપાય તરીકે જાહેર કર્યું કે,”માતાના મંદિર માં ભગવાન વિષ્ણુની મૂર્તિ ખંડીત થઇ છે અને આના કારણે માતા કોપાયમાન બનીને ગામમાં અમંગળ બનાવો થકી એમનો કોપ લોકો પર ઉતરે છે.” બસ આવી વાતો તો હવા કરતા પણ વધુ વેગે ફેલાઈ જાય છે.પરિણામે ઘેર ઘેર આ વાતની ચર્ચા થવા લાગી.આખરે સરપંચે નક્કી કર્યું થોડો ખર્ચ એ પોતે ઉઠાવશે અને બાકીનો ગામ લોકોએ સ્વેચ્છાએ દાન આપી ભેગો કરવાનો રહેશે.ગામ આખુય આ માતાના કોપાયમાનની વાત સાંભળી દૃજી ઉઠયું હતું.સહુએ પોતાની યથાશકિત પ્રમાણે દાન લખાવા માંડયું. મારી અને સવિતાની ઈચ્છા હતી કે ઓણ  સાલ ખેતી સારી થઈ છે તો થોડું લક્ષ્મી માતાના નામે ઘર્મ કરી નાખીએ.

એ દિવસે રાત્રે વાળું કરી હું સવિતા સાથે આ બાબતે ચર્ચા કરતો હતો,ત્યારે એવામાં મારો સાત વર્ષનો રવી ત્યાં આવી ચડયો.તે અમારા વચ્ચે થતી વાતો બહુ ઘ્યાન પૂર્વક સાંભળતો હતો જે મારી ઘ્યાન બહાર હતું.

હું અને સવિતા માતાના નામે પંદર હજાર લખાવવું નક્કી કરતા હતા આ જોઈ રવિ વચમાં બોલ્યો,”પિતાજી,આટલા રૂપિયાને ભગવાન શું કરશે?એ તો સ્કુલ નથી જતા કે તેમને ખાવાનું પણ નથી જોઈતું કે નથી તેમને રહેવા માટે ઘરની ચિંતા છતાં પણ આખું ગામ ભગવાનને આટલા બધા કેમ રૂપિયા આપે છે ?
મેં જવાબ વાળ્યો “બેટા આ બધું આપણને ભગવાને આપ્યું છે તો આપણે તેમની માટે ખર્ચ કરવો જોઈએ”

મારા આ જવાબથી  હજુ પણ તેના મગજમાં ઉઠતા સવાલોનું નિરાકરણ નહોતું થતું,”પિતાજી,જો ભગવાન પાસે બધું હશે તો જ તે આપણને બધું આપે ને!!!  તો હવે તેને પાછું આપવાની શી જરૂર?”
તેના બધાજ સવાલોના જવાબો મારી પાસે નહોતા આથી મેં વાત ટુંકાવતા કહ્યું
” જો બેટા તું મોટો થઇ જઈશ પછી બધું તને આપોઆપ સમજાઈ જશે ચાલ હવે સુઈ જઈએ ” એમ કહીને મેં વાત વાળી લીધી

આ વાતને બે દિવસ પણ નહોતા થયા ત્યાં એક દિવસ અમારા ખેતરમાં કામ કરતો રાવજી ઘેર આવ્યો ,તે બહુ દુખી અને ચિંતિત હતો. આવતાની સાથે પરસાળમાં માથે હાથ દઈ બેસી ગયો.

“કાં રાવજી શું થયું,કેમ આમ સાવ દુઃખી થઈને બેઠો છું ?” મેં બહાર આવતાની સાથે જ પૂછ્યું
“સાહેબ શું કહું?….મારા નાનકાને પેટમાં પથરી થઇ છે,બે દહાડાથી પેટ પકડીને રડતો હતો.આજ સવારે હું તેને લઈને ગામના દવાખાને ગયો હતો. દાકતર સાહેબ કહે છે તેને શહેરના દવાખાને લઇ જવો પડશે કદાચ ઓપરેશન કરવું પડશે.”આટલું બોલતા તો એ લગભગ રડવા જેવો થઈ ગયો
“અરે !એમાં આમ સાવ ઢીલો શું થાય છે.પથરી થવી એ કાંઈ મોટી બીમારી નથી,અને ઓપરેશન થાય તો પણ એમાં કંઈ ડરવા જેવું નથી હોતું ” મેં રાવજીને  સમજાવતા કહ્યું
“હોવે સાહેબ એ તો ડોક્ટર સાહેબ પણ કહેતા હતા,પણ તેની માટે હું પૈસા ચ્યોથી લાઇશ?”
“તું દર વર્ષની ખેતી માંથી કઈ બચત નથી કરતો?” હું પ્રશ્ન પૂછી બેઠો પણ પછી મનોમન શરમાઈ ગયો કે માંડ બે ટંક પૂરું કરનારા આ મહેનત કશ માણસો બચત કંઇ રીતે કરી શકે?
“સાહેબ બચત તો કઈ નથી પણ આજ લગણ ભેગા કરેલા બે હજાર જેટલા રૂપિયા પડ્યા છે પણ દાકતર કહે છે કે આશરે દશ હજાર જેટલો ખર્ચ ઓપરેશનનો થશે.સાહેબ અમારા જેવાને વ્યાજે પણ કોણ આટલા રૂપિયા આલે? પેલા વજેસંગ શેઠ સામે કઈ મિલકત મુક્યા વિના એક  રૂપિયો પણ આલે એમ નથી અને ગામના સરપંચ સાહેબને ત્યાં ગયો પણ એ કહે અત્યારે રૂપિયા નથી જે થોડા હતા તે મંદિરના ખર્ચમાં આપી દીધા”

હું રાજજીની વ્યથાં સાંભળવામાં મશગુલ હતો.મને ખબર નહોતી કે આ બધી  વાતો મારો રવિ કાન દઇને સાંભળતો હતો.તેને નાનપણ થી આ રાવજી જોડે માયા બંધાઈ ગઈ હતી તેથી તેને દુઃખી થતો જોઈ તે અમારી નજીક આવ્યો અને રાવજીને કહેવા લાગ્યો,”રાવજી કાકા તમે ચિંતા નાં કરશો મારા પિતાજી પંદર હજાર ભગવાનને આપવાના છે તો તમે ભગવાનને જઈને કહેજો કે તમારે તમારા દીકરાને દવા માટે રૂપિયા જોઈએ છે.માં કહેતી હતી ભગવાન બહુ દયાળુ હોય છે તે તમને તેમાંથી થોડાક રૂપિયા ચોક્કસ આપશે ”

રવીએ ભોળપણ માં કહેલી વાત મારા કાન માંથી સીધી મારા મગજ સુધી પહોચી ગઈ એટલે તુરત મેં સવિતાને બુમ પાડી,”સવિતા….,જરા બહાર આવ તો”
તેના બહાર આવતા મેં લગભગ હુકમ ભર્યા અવાજે કહ્યું ” સવિતા જા અંદર કબાટમાંથી દસ હજાર રૂપિયા લઈને આવ,આ રાવજીને તેના દીકરાના ઓપરેશન માટે જોઈએ છે અને બાકીના પાચ હજાર કાલે લક્ષ્મીજી નાં મંદિરે લખાવી આવજે ”

સવિતા,રવિ અને રાવજીની આંખો હસી પડી અને સામે દિવાલ પર ટાંગેલા   કેલેન્ડરમાં લક્ષ્મીમા પણ સાક્ષાત હસતા હોય એવું મને લાગ્યું.
રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ)