RSS

Monthly Archives: March 2015

ના થયું તારૂ મારૂ આ ભવમા મિલન,તે છતા દૂરીમા હસતાં જઇએ

ના થયું તારૂ મારૂ આ ભવમા મિલન,તે છતા દૂરીમા હસતાં જઇએ
ચાંદ સાથે ઊગતો જોઇ આભમાં,એક-બીજાનેય ગમતા જઇએ

માત્ર મળવું એક હોવાનું એ લખ્યું ક્યા ગ્રંથોમાં એ બતાવો કોઇ?
દૂરતામાં એકતાં લાગે,કાવ્ય એવા મજાનાં રોજ લખતાં જઇએ

સાભળ્યું છે કે જુદાઈમાં જીવ ઘીમેથી ગળતો રહે બરફ જેવો થઇ,
સામસામાં ખોળિયે યાદોમા પૂરી પ્રાણ,આતમથી ચમકતાં જઇએ

કોઇ માસુમ પળમા તપતા રણની તરસ ઝળહળે છે ચાંદની રાતોમાં
બસ સ્મરણની આગમાં બહુ શેકાઈ મીણ જેવા થઇ પિગળતા જઈએ

મજબૂરી,ખાલીપણુ,એકલતા,આ બધું આંખમાં લાવી દે છે અશ્રુઓ
ચલ પ્રતીક્ષાની વસંતોને આંખે ભરી કૃપણોની જેમ ઉગતાં જઇએ

પ્રેમમાં પણ ક્યાં જરૂરી છે કદી લખવો પડે છે કોઇને શિલાલેખ,
આ હથેળીમાં લખેલા એ નામને પ્રેમંગંથો જેમ પઢતાં જઇએ

લેખ જ્યાં વીધી લખાવે ને વાંક આવે હથેળીમાં ની રેખાઓ નો
ભૂલ કિસ્મતની ભૂલીને સૌને ખૂશીઓ ની પળ આપીને હસતાં જઇએ
રેખા પટેલ (વિનોદિની).

 
1 Comment

Posted by on March 28, 2015 in ગઝલ

 

દર્દ ,દવા અને ડોકટર એકમેકના જોડીદાર

Displaying image-50706aa56950cf91c4311039bce257bcfadd4997995d1a3c855be67078d16d73-V.jpg

દર્દ ,દવા અને ડોકટર આ ત્રણ એકમેકના જોડીદાર છે ,એક બીજા વિના તેમને જરાય નાં ચાલે ,આ સાચી વાત છે કારણ દર્દ હશે તો દવાની જરૂર પડશે અને દવા માટે ડોક્ટર જોઇશે .પણ જ્યારે દર્દ માટે દવા જરૂર કરતા બધું મોંઘી થતી જાય ત્યારે આ બેલેન્સ બગડી જાય છે જોડી તુટતી જાય છે,અને  ક્યારેક જીવન અઘૂરું રહી જાય છે.

આજકાલ બજારમાં એક રોગ માટે અનેક દવાઓ અનેક કંપનીઓના માર્કા હેઠળ મળતી થઈ ગઈ છે , એક સામાન્ય રોગની દવા જેનું મુલ્ય નહીવત હોવું જોઈએ તેને ક્યારેક હોવી જોઈએ તેના કરતા સો ગણી કિંમત ની જોઈએ ત્યારે પ્રશ્ન ઉઠે છે કે” શું જીવન સસ્તું છે કે પૈસો મોંઘો છે? ”

અહી અમેરિકામાં દવાઓના ભાવ આસમાને હોય છે , સાચું કારણ સમજાતું નથી. જે દવાઓ ભારતમાં પચાસ રૂપિયામાં મળતી હોય તે અહી પચીસ ડોલરમાં મળે છે જેની કિંમત આપણા આસરે બે હજાર રૂપિયા થાય છે, ખાસ વાત એ છે કે આ દવાઓ મોટાભાગે ભારત જેવા દેશોમાં થીજ આવતી હોય છે , આ વાત થઈ સામાન્ય રોગોની દવાઓ માટેની , તેમાય જો એન્ટીબાયોટીક  કે કોઈ ખાસ ઇન્ફેકશન માટેની દવા હોય તો તેના ભાવ આસમાને પહોચેલા હોય છે ,
અહી “જીનેરીક” અને ” બ્રાન્ડેડ ”  આમ  બે જાતની મેડીસીન મળે છે, જાતે ખિસ્સાના ડોલર ખર્ચવાના થાય તો સામાન્ય રીતે લોકો જીનેરીક બ્રાંડ પસંદ કરે છે જે થોડી સસ્તી પડે છે અને દવામાં રહેલા ફાયદાકારક તત્વો લગભગ સરખા હોય છે , બાકી ડોક્ટર કરતા દવાઓ ભારે પડી જાય છે.
જીનેરીક અને બ્રાન્ડેડ દવાઓના ભાવમાં ઘણો ફેર હોય છે પણ સમજવા જેવી બાબત એ છે કે તેની ગુણવતામાં માત્ર 3 ટકાનો ફેર રહેતો હોત છે ,અહીની સરકાર તરફથી નક્કી કરાએલા કાયદાને અનુસરી જીનેરીક દવાઓની ગુણવત્તા 97 ટકા સરખી રહેવી જરૂરી છે ,માટે આ દવાઓ પણ પુરતી અસરકારક હોઈ શકે છે …

જો ખરીદવામાં આવતો ઇન્સ્યોરન્સ સારી કંપનીનો અને મોઘો હોય તો ખર્ચની મોટાભાગની ટકાવારી ઇન્સ્યોરન્સ કંપની ચૂકવે છે ,અહી ખાસ મળતી સહુલિયત માં જે ગરીબી રેખાથી નીચેનો વર્ગ છે તેમને અને પાંસઠ થી વધારે ઉંમરના વૃધ્ધોને મળતા મેડીકેર કે  મેડીકેડ મેળવે છે તેમનો બધોજ ખર્ચ સરકાર પોતાના માથે ઉઠાવી ને દર્દીને ડોક્ટર અને દવા મફતમાં આપે છે ,આવા સંજોગોમાં આવા ફંડનો ભારે પ્રમાણમાં ગેરઉપયોગ થાય છે . જે દવા તમે રોકડા ડોલર આપી પચ્ચીસ ડોલરમાં ખરીદી શકો તે દવા જો મેડીકેડ કે ઇન્સ્યોરન્સ દ્વારા ખરીદવાની હોય તો તેના ભાવ બદલાઈ જાય છે  સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ ની દવાનો એક મહિનાનો ડોઝ જે દસ થી પંદર ડોલર હોવો જોઈએ તેનો ખર્ચ જો ઇન્સ્યોરન્સ કે મેડીકેર નાં ખાતામાં નાખવાનો હોય તેની કીમત છસ્સો ડોલર ભરી દેવાતી હોય છે , આંકડો સામાન્ય રીતે તમને ખોટો લાગે પણ આ હકીકત છે.હું મારો પોતાનો દાખલો અહી વર્ણવું તો મારી દીકરીને સામાન્ય ચહેરા ઉપર થયેલી ફોલ્લીઓ જેને આપણે ખીલ કહી “રેટીનો એ ”  જેવી  સામાન્ય દવા જે ટ્યુબમાં મળે છે તે આપતા હોઈએ છીએ ,હવે તેજ દવા અહી પણ ડોકટરે લખી આપી જેની કિંમત અહીના સો ડોલર માં હતી જે આપણા  દેશના રૂપિયામાં છ હજાર થી પણ વધુ થાય છે. સવાલ એ આવે છે કે આવી સામાન્ય દવાઓ આટલી મોઘી કેમ વેચાતી હોય છે .

આમ  દવાઓ મોંઘી હોવાના કારણોમાં એક કારણ બતાવાય છે  કે રિસર્ચમાં વધુ ખર્ચ થતો હોય છે જેને પહોચી વળવા માટે દવાઓ બનાવતી કંપનીઓ ઉપર વધારાનો ભાર નખાય છે જેના અકારણે દવાઓ મોંઘી મળે છે ,પણ આ કારણ માં કેટલું તથ્ય હોઈ શકે ? કારણ બીજા દેશોમાં પણ રીસર્ચ થતું જ હોય છે ,ત્યાં આવા વધારે પડતા ભાવ દર્દીઓને માથે નથી નખાતા.
ખરેખર તો આ બધાનું મૂળ ઇન્સ્યોરન્સ કંપનીઓ છે ,દરેકની પાસે પોતાનો કે સરકાર દ્વારા મળતો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે ,જેથી કરી આ કંપનીઓ ડોક્ટર દવાખાના અને દવાઓ બધું કંટ્રોલમાં રાખે છે ,
જ્યારે ડોલર અને રૂપિયાના તફાવત ની વાત આવે ત્યારે દેશમાં રહેતા ઘણા એવું કહેતા સંભળાય છે કે અમારે પચાસ રૂપિયા તેમ તમારે પચાસ ડોલર, આ કિંમત બહુ ના કહેવાય
પરંતુ આમ કહેનારે એક વાત સમજાવી અત્યંત જરૂરી છે કે સામાન્ય સારી નોકરીમાં ભારતમાં મળતું વેતન વીસ થી પચ્ચીસ હજાર રૂપિયાનું હોય છે જ્યારે અમેરિકામાં 3000 હજાર ડોલરની આસપાસનું.  હવે આ રેશ્યો ક્યાય મેળ ખાય તેમ નથી.
જીવન જરૂરિયાતની વસ્તુઓમાં ભાવનો તફાવત કદાચ ચાર પાચ ગણો હોય છે તો દવાઓ માટે આજ તફાવત પચાસ ગણો હોવાના ક્યા કારણો છે તે હજુ સમજી સકાયુ નથી.

ભારતમાં  આશરે 200 જેટલી લાઈફ સેવિંગ દવાઓ સરકારે પોતાનાં કંટ્રોલ હેઠળ રાખી છે , જેના ભાવ ભારત સરકાર કંટ્રોલ કરે છે જેના કારણે દવાઓના ભાવ સામાન્ય જનતાને પરવડે તેવા હોય છે જ્યારે અહી અમેરિકામાં સરકાર આ બાબતે માથું મારતી નથી જેના કારણે દવાઓના ભાવ આસમાને રહેતા હોય છેઆજ કારણોને લીધે મેડીકલ ટુરીઝમ આજકાલ બહુ વધી રહ્યું છે , અમેરીકામાં દવાઓ સાથે દવાખાના પણ બહુ મોંઘા છે ,   સર્જરીના બીલ અમેરિકાની હોસ્પિટલોમાં એટલા ઊંચા આવતા હોય છે કે ખિસ્સા માંથી જો તે ભરવાના આવે તો માણસ દુખ પણ ભૂલી જાય ,આથી દરેકનો અહી હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી બની જાય છે , બસ આ ઇન્સ્યોરન્સ કંપનીઓ નાં ખિસ્સા ભરવાનો સીધો રસ્તો દેખાય છે, જેટલા માણસ તેટલો ઇન્સ્યોરન્સ। જો કમાણી નાં હોય તો તેવા સરકારના ફાળવેલા ફંડમાં જાય, આવી સ્થિતિના કારણે આપણા દેશી ભાઈ બહેનો ઘણી વાર દેશમાં આવી દવાઓ કરાવી જાય છે અને કહેતા સંભળાય છે કે “માત્ર ટીકીટના ખર્ચમાં ભારત જવાય દવા કરાવી પાછુ આવી જવાય છે ,બાકી અહી આજ દવા કરાવીએ તો બીલ ભરીને તૂટી જવાય”

વાત પણ સાચી છે હવે ભારતમાં સારી હોસ્પિટલો અને તેમાં મળતી સુવિધાને કારણે મેડીકલ ટુરીઝમનો ખાસ્સો લાભ ભારતને મળવા લાગ્યો છે

હવે વાત આવે છે હોસ્પીટલમાં દર્દીને દાખલ કરવાની. એક રાત ફક્ત રૂમમાં દવાખાનાની નજર હેઠળ રાખવાના 2000 થી 2500 ડોલર લેવામાં આવે છે ,જ્યાં દર્દીને નથી કોઈ પ્રકારની સર્જરી કરવાની કે નથી તેમને કોઈ સેવન સ્ટાર નું ભોજન મળવાનું તો ,આટલો ખર્ચ લેવી રીતે વશુલ કરવામાં આવતો હશે?

અહી પ્રાઈવેટ કેર કે નર્સિંગ કેરમાં એક રૂમમાં બે દર્દીઓને રાખવાની સહુલીયત કરાતી હોય છે ,તેના એક મહિનાના બીલ આશરે 5000  ડોલર જેટલું છે જે દેશના 3,25,000 રૂપિયા થયા હવે વિચાર કરો માત્ર એક મહિનાનું આ બીલ કેટલાને પરવડે તેવું છે ?
અહી સામાન્ય રીતે આવા નર્સિંગ કેરમાં પાંસઠ પછીના મેડીકેડ ફેસીલીટી ઘરાવતા વૃધ્ધો હોય છે અથવા તો ડિસેબલ થયેલા પેશન્ટ હોય છે જેમનો ખર્ચ સરકાર ચુકવતી હોય છે , બાકી સામાન્ય માણસને આવા ખર્ચ અહી પણ પોસાય તેમ હોતા નથી
અહી અમેરિકામાં દવા અને ડોકટરો સર્વોત્તમ છે મળતી સુવિધા ખરેખર સરાહનીય છે પણ મારા કહેવાનું તાત્પર્ય એટલું છે કે દર્દીઓને માથે આવતો ખર્ચ આ બધાની સામે અનેકગણો વધારે છે . અમેરિકાના ઘણા બધા સારા ગુણો સામે બહુ ઓછા અવગુણો છે જેના આ એક નરી આંખે દેખાતો અવગુણ દર્દીઓને બહુ ભારે પડે છે .

રેખા વીનોદ પટેલ
ડેલાવર (યુ એસ એ )
 

શ્રેષ્ઠ લગ્ન પ્રથા : એરેન્જ મેરેજ કે લવમેરેજ ? ?

Displaying IMG20150324130357.jpg

શ્રેષ્ઠ લગ્ન પ્રથા : એરેન્જ મેરેજ કે લવમેરેજ ? ?

કહેવાય છે કે પૃથ્વી ઉપર લગ્ન માટેના જોડા ઉપરથી નક્કી થઈને આવે છે.હકીકતમાં આ વાતમાં સત્ય કેટલું છે એ તો સાથે  જીવનારી બે વ્યકિત  જ  નક્કી કરી શકે છે.છોકરીની મુગ્ધાવસ્થા અને છોકરાની કિશોરાવસ્થા પૂરી થતાં લગ્નની ઉંમરે પહોચતાં લગભગ દરેકને આ પ્રશ્ન થતો હશે લગ્ન પછીનું જીવન કેવું હશે? લગ્ન કોની સાથે કરવા?  લવ મેરેજ કરવા કે એરેન્જ મેરેજ કરવા?  ક્યા લગ્ન ઉત્તમ ગણાય?લવ મેરેજ કે એરેન્જ મેરેજ?

મોટે ભાગે એરેન્જ મેરેજ  કરનારા એમ વિચારીને દૂખી થતાં હશે કે મારા મારા લવ મેરેજ થયા હોત તો હું મારું મનગમતું પાત્ર મેળવી શક્યો હોત.  જ્યારે લવ મેરેજ કરનારા એમ વિચારીને દુખી થતાં હશે કે મેં હાથે કરી કુહાડી  મારા પગ ઉપર મારી .

એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય એને ટકાવી રાખવાં સૌથી વધું અગત્યનું પરિબળ છે પ્રેમ.લગ્ન એ પ્રેમ કરવાં કરતાં પ્રેમને ટકાવી રાખવાનું બંધન છે.કારણકે લાંબા ગાળાનાં એકધારા સહવાશ દરમિયાન પ્રેમને ટકાવી રાખવો એ જ સૌથી મુશ્કેલ કામ છે.

પ્રેમ એટલે શું?
એ કોઈ સબંધ છે કે બંધન છે ?
કે મનનું મન સાથેનું ગઠબંધન છે…

મન એટલે શું ?
શું ઈચ્છા કે અનીચ્છાઓની ગાંસડી છે?
કે કાયમની અતૃપ્તિ ભરી પોટલી છે …

આ વિચારવા જેવી બાબત છે.કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિને દોષ આપતા પહેલા તેના દરેક પાસાઓ ઉપર વિચાર કરવો જરૂરી બને છે …લવ મેરેજમાં કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે.આવી સ્થિતિમાં જ્યારે બસ પ્રેમ થઈ જાય છે ત્યારે તેના સારા નરસા પરિણામોનો વિચાર કરવાની સુધબુધ  પ્રેમીઓ ગુમાવી દેતા હોય છે અને કેટલીક વખત આકર્ષણ માત્રમાં પાત્રની પસંદગીમાં થાપ ખાઇ  જવાતી હોય છે.હક્કીત એ છે વીસથી ત્રીસ વચ્ચેનાં ઉમરનો માણસ પ્રેમ અને આકર્ષણની પાતળી ભેદ રેખાને સમજી શકતો નથી.

આ જ કારણસર આકર્ષણનાં પાયા પર રચાયેલો લગ્ન સંબધ અને તેમાં આવતા પરિણામો જીંદગીમાં સુખને બદલે અસુખ નોતરે છે.થોડા વર્ષમાં આકર્ષણનો ઉભરો સમી જાય એટલે વિચારે  કે આના કરતા એરેન્જ મેરેજ થયા હોત તો સારું હતુ.કમસે કમ માતાપિતા કે કુટુંબના કોઈ વડીલની સલાહ કે પસંદગીને ઘ્યાનમાં લેવાઈ હોત તો મને યોગ્ય પાત્ર મળ્યું હોત!!?

પ્રેમલગ્ન હોય કે એરેન્જ મેરેજ હોય પણ ગમે તેવી કપરી સ્થિતિમાં સાથી સાથે હળવા મૂડમાં રહેવું જરૂરી છે.નહીતર ગમે તેવા સબંધનો વિચ્છેદ થતા વાર લાગતી નથી.ક્યારેય જો આપણે જોઇએ છીએ કે સામાન્ય પણે આપણી આજુબાજુ કાયમ ખુશમિજાજમાં રહેતા લોકો બીજાને વધુ પસંદ આવતા હોય છે.જ્યારે અકડું અભિમાની કે ગંભીર લોકોને મિત્રો બહુ ઓછા હશે.બસ આજ પરિબળ સુખી લગ્નજીવને માટે જરૂરી છે.સદા મળતાવડું અને હસમુખું પાત્ર તણાવ પામેલા લગ્નજીવનને ફરીથી ખુશીઓથી મહેકતું બનાવી શકે છે.

શોભા અને સંજીવનાં પ્રેમ લગ્ન હતા બંને કોલેજના દિવસોથી એકબીજા તરફ આકર્ષાયા હતા.ખાસ કરીને બંનેનાં  શોખ અને રૂચી એકસરખા હતા આથી તેમને જોનાર દરેક માનતા કે આ જોડું બેસ્ટ કપલ બની શકે તેમ છે.શોભા બહુ વાતોડીયણ,મળતાવડી અને મીઠી છોકરી હતી સામે છેડે સંજીવ મળતાવડો અને હસી મજાક કરનાર યુવાન હતો.બંનેને બહારનું ખાવા પીવાનો અને ફરવાનો શોખ પણ સરખો હતો.એક અસમાનતા હતી કે શોભા ઉચ્ચ મધ્યમ પિતાની પુત્રી હતી.જ્યારે સંજીવ મધ્યમવર્ગનાં પિતાનો ત્રીજા નબરનો પુત્ર હતો.તેનું પરિવાર સંયુક્ત હતું.આ અસમાનતા જોતા બંને પરિવારો આ લગ્નની વિરૂધ્ધમાં  હતા.છતાં શોભા અને સંજીવની જીદ સામે બધાએ હાર કબુલી લીધી અને તેમના લગ્ન સાદાઈથી કરાવી આપ્યા.લગ્ન પછી થોડા સમય બધું બરાબર ચાલતું રહ્યું. છેવટે સંજીવને ગૃહસ્થજીવન જવાબદારી પૂરી કરવાં માટે બોજો માથે પડતા કેટલા વિસે સો થાય છે તે સમજાવવા લાગ્યું.આ જવાબદારીએ તેના હાસ્ય અને શોખને છીનવી લીધા.વધુ પૈસા કમાઈને પોતાનું ઘરનું ધર બનાવવામાં તે આખો દિવસ કામમાં રચ્યોપચ્યો રહેવા લાગ્યો.આ તરફ નાનકડા ઘરમાં શોભા પણ મુઝાતી હતી.જેના સાથ માટે તે બધું છોડીને આવી હતી તે સંજીવ પોતાનાં કામસર હવે એનાથી દુર રહેતો હતો.પરિણામે એ વિચારતી કે હવે સંજીવ બદલાઈ ગયો છે.હવે એની પાસે મારી માટે સમય નથી અને તેના શોખ પુરા કરવા તેની પાસે જોઈતા રૂપિયા પણ એ આપવામાં ગલ્લાતલ્લા કરે છે.આ બધા અસંતોષમાં તેનો મૂળ સ્વભાવ બદલાઈ ગયો.એક હસતા રમતા જોડાને જાણે કોઈની નજર લાગી ગઈ અને રોજનાં તણાવ અને સમયના અભાવે તેમને બહુ જલ્દી અલગ કરી દીધા.

આવા સમયમાં શોભા અને સંજીવ પોતાના સંબંધમાં નિરસતાની ફરિયાદ કરવાને બદલે એકબીજાને સમજવાની કોશિશ કરી હોત અને બંનેએ કપરી પરિસ્થિતિમાં પોતનો મુળભૂત હસમુખો સ્વભાવ જાળવીને પરસ્પર થતી બોલાચાલી કે આક્ષેપોને ગંભિરતાથી લેવાને બદલે હળવા મુડમાં કે  હસી-મજાક ગણીને અપનાવ્યા હોત તો આજે આ બે પ્રેમાળ હૈયાઓને આમ વિખૂટા પડવાનો દિવસ નાં આવ્યો હોત….એક બીજાની અણસમજનાં કારણે ઉદભવેલી પરિસ્થિતિને કારણે છેલ્લે તો દોષ દેવાયો લવમેરેજના લેબલને.

ઘણા યુગલો એવા હોય છે જેમાં કેટલીક વખત એકતરફી પ્રેમ હોય છે.તેવા સમયમાં જો લગ્ન નક્કી થયા તો તેના પરિણામો બહુ ઘાતક આવે છે  પ્રેમમાં એક તરફી પાગલતા પણ સારી નહીં.એક તરફી પ્રેમનાં કારણે લગ્નજીવનમાં એક પાત્રની નિરસતાનાં કારણે જે સહજીવની અસલ મીઠાસ હોય છે એની સતત ગેરહાજરી જોવા મળે છે.
મારી આસપાસના કેટલાક યુગલોનાં જે અનુભવો હતા એ એકબીજાથી ભિન્ન હતા. કેટલાંક સફળ લગ્નો હતાં, તો કેટલાક અસફળ રહ્યા તો કેટલાંક સમજુતીથી નિભાવ્યે રાખતાં હતાં.
માત્ર સમાજને દેખાડવા ખાતર અથવાં સંતાનો હોય તો એનાં ખાતર આવા લગ્નજીવન નિભાવતાં હોય છે.
પ્રેમ હોય કે  લગ્ન જીવન હોય.જ્યારે અધિકાર ભાવના એક હદ કરતા આગળ વધી જાય છે ત્યારે ગમે તેવા મજબુત સબંધને તોડી નાખે છે.ત્યારે એમ જ લાગે કે જાણે વધારે પડતા ખેચાણને કારણે મજબુર રબર પણ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેડોળ બની ગયું છે.

આમ કરવાની કોશિશ બહુ ઘાતક પરિણામ આપી શકે છે.કેટલાક લોકોને ટેવ હોય છે કે મારી પત્ની કે મારો પતિ મારી મરજી મુજબ જીવે.હમેશા મને ગમતું એ કાર્ય કરે.મારી જ પસંદગીના કપડા પહેરે.શરૂઆતમાં સામેની વ્યક્તિ વધું પડતો  સ્નેહ ભાવ સમજીને સાથીને હાવી થવા દે છે પરંતુ સમય જતા તેને આજ વસ્તુઓનો ભાર લાગે છે અને તેનામાં રહેલ હું બહાર આવવા કોશિશ કરે છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે.છેવટે થતું નુકશાન બંનેએ ભરપાઈ કરવું પડે છે.

સીમા અને મહેશ વચ્ચે આવું જ કંઇક બન્યું હતું.બનેનાં લગ્નની શરૂઆતમાં સીમાનાં સાડી ડ્રેસથી લઇને ચપ્પલ સુધ્ધાની પંસદગીમાં મહેશ પોતાને ગમતાં રંગોની પહેરે એવો જ એનો આગ્રહ રહેતો હતો.શરૂઆત સીમાં મહેશને ગમે એ મને પણ ગમે એમ સમજીને મહેશની પંસદગીને પ્રાધાન્ય આપતી હતી.જેમ જેમ વરસો વિતતા જતાં હતા.ટીવીથી લઇને ઓનલાઇને શોપીંગ જાહેરાતોમાં અવનવી વસ્તુઓ જોઇને સીમાં પોતાને ગમતી વસ્તુંઓનો આગ્રહ રાખવા માંડી.પરિણામે નાની નાની પસંદગી બાબતનાં ઝઘડા મોટું સ્વરૂપ લઇ લેતાં હતાં.
સૌ પ્રથમ વિચારવું જોઈએ કે તમારો સાથી શું ઈચ્છે છે?તેને તમે સજાવવા માગો છો એ પ્રકારની સજાવટ એને પસંદ છે કે નહી? પતિ પત્ની એ પોતાની ઈચ્છા અનિચ્છા એકબીજા ઉપર લાદવાનો પ્રયત્ન નાં કરવો જોઈએ.કારણકે આ રીતે પડતી ગાંઠ જલદી ઉકેલાતી નથી  એકવાર જો તે આ બાબતને લઇને નારાજ કે દુર થઇ ગયેલો સાથી પછી કદાચ તમારા લાખ પ્રયાસો પછી પણ મૂળ ભાવે તમારાથી ના પણ જોડાઈ શકે.

તમે અધિકારભાવથી સાથીદાર પંસદગી બદલી શકો  છો પણ એનો મુળભૂત સ્વભાવ બદલી શકતા નથી.કદાચ એનો મુળભૂત સ્વભાવ અને આદત બદલવાં મજબૂર કરો તો એનું ધાતક પરિણામ આવી શકે છે…આવો જ એક દાખલો છે રજની અને રોકીનાં લગ્નજીવનનો છે.

રજની અને રોકીના લગ્નજીવનમાં આ એક વાત હોળી પ્રગટાવી ગઈ હતી.. ..
રોકી એક ફેશનેબલ યુવાન હતો.માતા પિતાની પસંદગી પ્રમાણે તેના લગ્ન એક સીધી સાદી રજની સાથે થયા.તે ભણેલી સંસ્કારી યુવતી હતી પરંતુ તેનો ઉછેર સંસ્કારોની આડમાં બહુ સામાન્ય રીતે થયો હતો.આથી રોકીને રજની ગામડીયણ લાગતી હતી.છેવટે માતાપિતાની સલાહ મુજબ તેણે રજનીને પોતાને ગમતી યુવતી બનાવાવનું બીડું ઝડપ્યું.તેથી રજની માટે આઘુનિક યુવતીને શોભે તેવા ટુંકા વસ્ત્રો રોકી લઇ આવતો.બ્યુટી પાર્લરમાં શારીરિક સાજ સજાવટ માટે સમયાંતરે લઇ જતો.આમ ધીરેધીરે રજની રોકીની પસંદ આવે એવી મોર્ડન બની ગઈ. હવે તે રોકી સાથે પાર્ટીઓમાં જવા લાગી અને ક્યારેક ડ્રીન્કસ પણ લેવા લાગી.રજનીની સુંદરતાથી અંજાઈ રોકીના મિત્રો ક્યારેક તેની સાથે છૂટછાટ લેતા તો રોકી અકળાઈ ઉઠતો.પરંતુ આઘુનીકતાનો ચહેરો લગાવેલી રજનીને આ બધું સામાન્ય લાગતું હતું.તે રોકીના વર્તનને ઉલટી રીતે સમજવા  લાગી.રજની હવે વિચારતી કે રોકી તેની ખુશીથી જલે છે તેને ઈર્ષા આવે છે કે પોતે બીજા સાથે મિત્રતા રાખે છે. બંને વચ્ચે નાં મતભેદ એ પછી મનભેદ સુધી પહોચી ગયા. રજની હવે રોકી વગર પણ પાર્ટીઓમાં જવા લાગી હતી અને આ બાબતે જ્યારે રોકી કે તેના પિતા રજનીને કઈ કહે તો જવાબમાં કહેતી હતી કે હું તો સીધી સાદી યુવતી હતી પણ આ બધું તમારા ઘરે આવીને હું શીખી છું. હવે જયારે આ જિંદગી મને માફક આવી ગઈ છે ત્યારે તમારા ઇશારે ફરી બદલાઈ જવું મને મંજુર નથી.હવે હું જેવી છું એવી જ અલ્ટ્રામોર્ડન સ્વીકારવી પડશે.

આમ સામાન્ય રીતે સુખી લાગતું યુગલ દેખાડા કરવા બદલ બરબાદીના રવાડે ચડી ગયું .આમ જોતા અહી એરેન્જ મેરેજ હતા છતાં પણ આજે સ્થિતિ બદલાઈ ગઈ હતી .

મોટે ભાગે લગ્ન નિષ્ફળ નથી જતાં પરંતુ,લગ્ન કરીને જીવાતુ જિવન નિષ્ફળ હોય છે..બે વ્યક્તિઓ વચ્ચેની સમજ નિષ્ફળ જાય છે.કારણકે લગ્ન માત્ર સ્ત્રી અને પુરુષનું શારીરિક ઐક્યથી ટકતી કોઈ ઘટના નથી.તેમાં બે અલગ અલગ વિચારસરણી ઘરાવતા બે અલગ મનનું એકત્વ થવું જરૂરી છે.સાચુ ઐકય માનસિક રીતે તમારૂ બંધન કેટલુ મજબૂત છે,એના પાયા પર ટકેલુ રહે છે… કારણકે અહી બે અલગ વ્યક્તિઓનો વૈચારિક સંગમ પણ એટલો મહત્વનો બને છે..દરેકનું વ્યક્તિત્વ અને વૈચારિક દ્રષ્ટીકોણ અલગ અલગ હોય છે..અને મોટે એક બીજાથી સ્વતંત્ર હોય છે.આથી સ્વાભાવિક રીતે જ જીવન  સમજવાની રીત પણ અલગ હોય છે ..આ અલગ દ્રષ્ટીકોણનું લક્ષ એક થવું જરૂરી છે આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું લગ્ન જીવન હશે તો પણ સફળ જશે .

અત્યારે અમેરિકામાં યુવક યુવતીઓના લગ્નની ઉંમર સામાન્ય રીતે જે ૨૨થી૨૪ વર્ષની હતી તે વધીને ૨૬ કે ૨૮ કે ૩૦ની થઇ ગઈ છે.તેનું મુખ્ય કારણ એ છે  કે આજકાલના યુવક યુવતીઓ આધુનિક શિક્ષણ અને ટેરવાં પર પીરસાતા જ્ઞાનને કારણે જલ્દી પુખ્ત બની જાય છે.આ બધી વસ્તુઓ એમની  વિચારસરણી પર  મજબુતાઈથી પકડ જમાવતી હોય છે.જીવનમાં કૈક કરી બતાવવાની ભાવના સાથે તેમની પોતાની  જીદગીને જોવાની અલગ દ્રષ્ટી કેળવતી જાય છે.જેના પરિણામે તેઓ બાંધછોડમાં બહુ માનતા નથી અને સો ટકા ગમતું પાત્ર મેળવવાની ઈચ્છામાં ઉમર વધતી જાય છે.જેમ જેમ ઉમર વધતી જાય તેમતેમ તેમની માન્યતાઓ મજબુત બનતી જાય છે.

પહેલા આપણે માનતાં કે  કુમળો છોડ વાળીએ તેમ વળે.તે અહી લાગુ પડે છે.જ્યારે આ સત્ય  અઠ્યાવીસ ત્રીસ વર્ષના પોતે કમાતા યુવાન યુવતીઓને  સમજાવવું ભારે પડી જાય છે.પરિણામે લગ્નની ઉંમર વધતી જાય છે આજે આ સ્થિતિ એકલા અમેરિકામાં નથી પરતું યુરોપ અને ભારત સહીત બધા જ દેશમાં આ સમસ્યાઓ જોવા મળે છે.ત્યારે વિચાર આવે છે કે જો અરેંજ મેરેજની પ્રથા ચાલુ રહી હોત તો આવા યુવાન યુવતીઓ પોતાના જીવનમાં ક્યારના સ્થાઈ થઇ ગયા હોત.ગ્લોબલાઇઝેશનાં યુગમાં ઘણાં યુવક યુવતીઓ લગ્ન કર્યાં વિનાં એક બીજાને અનૂકૂળ હોય ત્યા સુધી સાથે રહે છે અને અનૂકૂળ ના આવે તો બંને છુટા પડી જાય છે.

એક રીતે જોઇએ તો અરેન્જ મેરેજની વાત આવે છે.ત્યારે સહુથી પહેલો વિચાર આવે છે કે શું આ પ્રકારનાં લગ્નો ક્યારેક અંધારી કેડી જેવા નથી લાગતા?

કારણકે જ્યાં આગળ ભાવિમાં શું હશે તેનો કોઈ ખ્યાલ આપણને હોતો નથી.મોટે ભાગે આપણા સગાવહાલાઓ લોકો સારા માણસો છે એવી ભલામણ કરી હોય છે,અને એના કહેવાં પર આવા લગ્નો નક્કી થતાં હોય છે.કારણકે ઘણી વખત એવું બનતું હોત છે કે જેની સાથે આખો જન્મારો કાઢવાનો હોય તેવી વ્યકિતને એક જ મુલાકાતમાં મળીને માત્ર એક વાર કેમ છો? શું નામ તમારું? તમારો શોખ શું છે? જેવા સાવ સામાન્ય હસવું આવે તેવા સવાલો પૂછવામાં આવે છે અને બસ માત્ર દેખાવ અને એકબીજાના કુટુંબો જોઈ હા કહેવાઈ જાય છે.

આવી પરિસ્થિતિમાં સૌથી વધારે દયાજનક સ્થિતિ સ્ત્રીની બને છે કે જેને એ જાણતી પણ નથી.એવી વ્યક્તિ સાથે લગ્ન થતાં,જે માતા પિતા એને ફૂલની જેમ સાચવે છે એ જ માતા પિતા તેને પરાયે ઘેર સાવ એકલી વળાવી દે છે અને તે પતિ કહેવાતા પુરુષને લગ્નની પહેલી રાત્રે પોતાનું સર્વસ્વ હસતા મ્હોએ સોંપી દેવાનું હોય છે. તેમાય બીજા દિવસે તેને એ પણ ખબર નથી હોતી કે જેની સાથે હવે આખી જીંદગી વિતાવવાની છે એ સવારમાં ચા પીવે છે કે કોફી? તેને શું પસંદ છે શું નાં પસંદ છે? એ પણ જાણતી નથી હોતી.છતાં પણ ભારતિય સર્વેનાં રીપોર્ટ પ્રમાણે એવું કહેવાઇ છે કે પ્રેમ લગ્નો કરતાં એરેન્જ મેરેજ વધું સફળ જોવા મળે છે. એક રીતે જોઇએ તો આ સામાજિક પરંપરા દ્રારા રચાતા લગ્નો શું  સ્ત્રી માટે એક માનાશિક આઘાત આપે તેવી વાત નથી?

આ બાબતે એક સ્ત્રી તરીકે મારૂં એવું માનવું છે કે લગ્ન ગમે તેવી સ્થિતિમાં થયા હોય પરંતુ બંને વ્યકિતએ એકબીજાને સમજવાનો સમય અવશ્ય આપવો જોઈએ.પરણીને પ્રેમ કરો કે પ્રેમ કરીને પરણી જાઓ ,તે મહત્વનું નથી પરતું મહત્વનું છે જેની સાથે જિંદગીભર રહેવાનું છે તેને સમજો તેની પસંદ નાપસંદ જાણો.તો જીવન આસાનીથી શરૂં થઇ શકશે અને હા તેનો અંત કેવી રીતે લાવવો એ તો તમારી સમજ અને ધૈર્ય ઉપર આધાર રાખે છે.

જો તમારામાં એક પ્રેમાળ હ્રદય હશે તો સમજ અને ધૈર્ય જેમ જેમ પરિથિતિ આગળ વધે એમ વધુને વધુ આવતા જશે..એક પ્રેમાળ હ્રદય જગત જીતવા માટે સક્ષમ છે.જ્યારે અહીંયા તો એક દિલને જીતવાની વાત છે…

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસે)

 

આછંદસ :એક માળો

આછંદસ :એક માળો

ના ફિકરો બની ખુલ્લા આભે હું બહુ ઉડયો ,
હવે લાગ્યું એક માળો જોઇશે ,જોઇશે એક ઠહેરાવ.
શોધ આદરી કોઈ માળો મળી જાય તૈયાર ,
રે પાગલ! પોતાનો માળો કોઈ મરજી થી ક્યા છોડે છે.
છેવટ નવો માળો બનાવવાનો મનમાં રાખ્યો વિચાર ,
વીણવા માંડયા તલખણાં ,એક મહી એક ગોઠવ્યા
ભારે કરી મહેનત આખરે મનગમતો માળો થયો તૈયાર
મહેલ હોય કે હોય ઓરડો,એકલા કોઈ દી’ નાં ચેન આવે
એકલતા કોરી લે પહેલા શોધ સાથીની આરંભી દીઘી.
માળો જોઈ એ ગઈ રીઝાઈ ચાંચમાં ચાંચ આપી દીધી.
હું પણ ખુશ એ પણ ખુશ પોતપોતાની ઈચ્છા ફળી.
માળા મહી જણ વધતા ચાલ્યા ,મોટો એ નાનો પડયો
ભેગા મળી કીધી મહેનત , ઝાઝું ભર્યું હૈયે જોમ.
એક નવો મોટો મસ માળો આજ ફરી થયો તૈયાર.
સમયનું ચક્ર ફરતું ચાલ્યું ,નાનાં સહુ હવે મોટા થયા
પોતપોતાના માળા ગુથવા બહાર એ ઉડતા થયા.
માળો હવે મોટો લાગે છે ,એકલતા ભારે લાગે છે.
થાય નાનો માળો શોધું,હવે એટલુ હામ ક્યાથી લાવું?
માળો છોડવાનું મન થાય છે, એ ક્યા મરજી થી છૂટે છે.

રેખા પટેલ (વિનોદિની)

 
 

કવિતા : સાંજ થવા આવી છે જો….

જાવાની વેળા આવી ઝીણું મર્મર હસતો જા સાંજ થવા આવી છે જો,
ડૂબતો સુરજ લાલ થઈને ભાઈ બહુ હસ્યો આ સાંજ થવા આવી છે જો.

બહુ જોયા ભજવ્યા નાટક જગમાં ,ભેગા થઇ મહેફિલે ઘણી દાદ ભરી,
હસતા મુખે આવીને હવે અવનીને આવકાર ,સાંજ થવા આવી છે જો

બહુ ગુમાવ્યું આજકાલમાં તારું મારું કરવામાં,સાથ કશું નાં લઇ જાવાનું,
ગળી લે છેલ્લો છે સમજી આ કડવો ઘુંટ ,તારે સાંજ થવા આવી છે જો.

આખું જીવન જે તાર તાર કરી બહુ કાંત્યું,એ સહુને કકડો કકડો દેતો જા,
વિદાયે વેળાએ તોજ બધા ભેગા થઇ કરશે યાદ,સાંજ થવા આવી છે જો.

આગળ પાછળ તે બહુ વીંટાડયા, આ મારા છે જાણી સહુ સ્વજનોનાં ભાર
હલકું થાતા શરીરને એ પ્રથમ લઇ દોડયા બહાર,સાંજ થવા આવી છે જો.

બનાવી ઘરને મંદિર તે સંસ્કારોની ગીતા વાંચી,નાં આટલા થી ભલું થાશે,
ભવસાગરને પાર ઉતરવા થોડું હરિને ભજતો જા ,સાંજ થવા આવી છે જો
-રેખા પટેલ (વિનોદિની)

 

” સીમાએ એ નંબર કાયમ માટે ડીલીટ કરી નાખ્યો.

ઘડકતા હૈયે સીમાએ ફોન જોડયો ,
સામે છેડે ફોન ઉચકાયો ” હલ્લો કોણ ?” એક સ્ત્રી અવાજ ગુંજી ઉઠયો
અવાજ સાંભળી સીમાની બોલતી બંધ થઇ ગઈ, છતાય હિમત ભેગી કરી પૂછ્યું ” સનમ છે?”
“સનમ” હંમમ છે, પણ બીઝી છે ,એક હંમમ માં કેટલો બધો ઉપહાસ જણાતો હતો
કારણ સીમાનું સનમ બોલવું તેને જરાય પસંદ નહોતું ,લગ્ન પછી તેણે આ નામ બદલાવી નાખવા બહુ પ્રયત્ન કર્યો હતો ,
“મારે બસ એકજ મિનીટ વાત કરવી છે ” ઉપેક્ષા ભૂલી સીમાએ વળતો જવાબ આપ્યો,
કારણ આજે તે હંમેશને માટે વિદેશ સ્થિત થવા જઈ રહી હતી .
“સનમ તારો ફોન છે જલદી પતાવજે ,બાકી આ જળો જેવી છે લોહી પીધા વગર છુટશે નહિ ” ઓહ કેટલું અપમાન
કડવો ઘુંટ ગળી જઈ સીમા ફોનને વળગી રહી.
“હા જલ્દી બોલ શું કામ હતું તારે ? સવારમાં મને નકામો સમય નથી હોતો ” ઘેરો તિરસ્કાર ભર્યો અવાજ સંભળાયો
સીમા સમજી ગઈ આ દસ વર્ષથી સાથી રહેલો સનમ નથી બોલતો ,આ તેનામાં ઘર કરી રહેલી તેની સ્ત્રી બોલે છે.
“કઈ નહિ બસ આવજે કહેવા ફોન કર્યો હતો ” સીમાએ એ નંબર કાયમ માટે ડીલીટ કરી નાખ્યો.
” સીમાને તેના પ્રેમનું અપમાન દરેક સબંધો કરતા ભારે હતું ”
રેખા પટેલ(વિનોદિની )

 
 

મારી વહાલી દીકરી: તું એટલે તારામાં સમાએલી હું

મારી વહાલી દીકરી,તું મારા અસ્તિત્વનો એક અંશ માત્ર જ નથી તું તો મારા અસ્તિત્વનું એક ધબકતું અને જીવંત પ્રમાણપત્ર છે. તું માત્ર તું જ નથી મારા માટે તું એટલે તારામાં સમાએલી હું.

જ્યારે મેં તને જન્મ આપ્યો હતો.એ દિવસથી હું મારી જાતને તારા મહી પળપળ રોપતી રહી છું.તું જેમ જેમ વધતી ગઇ તેમ હું પણ તારામાં ઉછેર પામતી ગઇ હતી, જાણે કે હું ફરીથી મારી નજર સામે બાલ્યાવસ્થા પસાર કરી એક કીશૉરી બનતી હોય એવું અનૂભવતી રહી છું.

મને હજુ પણ યાદ છે.જે દિવસ તારો જન્મ થયો હતો અને તું મારા અસ્તિત્વથી વિખુટી પડી ત્યારે આપણી બંનેનાં આંખોમાં આંસુ હતા.તું મારી કુખની હુંફ છોડી જવાના દુઃખ થી આક્રંદ કરતી હતી અને હું ચુપચાપ સુખ અને દુઃખ મિશ્રિત આંસુ વહાવતી હતી.જ્યારે ડોકટર આન્ટીએ પહેલી વાર તારા નાજુક ફૂલ જેવા દેહને મારા હાથમાં સોપ્યો ત્યારે અર્ધજાગૃત અવસ્થામાં મેં પહેલી વખત જાણે મારા આત્માને સ્પર્શ્યો હોય તેવી આહલાદક અનુભૂતિ થઈ હતી.તે ક્ષણ આજે પણ મને રોમાંચિત કરી દે છે.કારણકે એ એક સ્ત્રી માટે માતા બનવાનો એક અદભૂત પડાવ હતો. તે ખુશી અવર્ણનીય હોય છે ,ત્યારે દરેક માતા પોતાની જાતને કુદરત ની લગોલગ મહેશુસ કરતી હોય છે ,એક જીવને જન્મ આપવો એનાથી મોટી ગર્વની વાત શું હોઈ શકે ? મારી માટે તું જન્મથી જ મારું અભિમાન હતી.

આજે હું તને એક વાત આજે આ પત્ર દ્વારા જણાવું છું.જે આજ સુધી મેં કદી તને જણાવી નહોતી.

વહાલી દીકરી,તું જ્યારે મારા ગર્ભમાં ચાર મહિનાનો અંશ બની પાંગરી રહી હતી ત્યારની આ વાત છે.હું શરીરે બહુ નાજુક હતી અને પરદેશમાં હું અને તારા ડેડી એકલા રહેતા હતા.ત્યારે મારું ઘ્યાન રાખવા વાળું કોઈ ધરનું વડીલ અહીયાં નહોતું.તેવામાં મારી શારીરિક તપાસ પછી ડોકટરોએ મને અને તારા ડેડીને જણાવ્યું હતું કે  તમારૂં આવનાર બાળક માનસીક કે શારીરિક ખોડ લઈને જન્મે તેવી શક્યતાઓ છે.આવા સમયે અહી જો માતાપિતા ઈચ્છે તો બાળકને ગર્ભમાં મિટાવી શકે છે.”

તને ખબર છે આ નિદાન સાંભળીને હું જરાં પણ વિચલિત થઇ નહોતી.કારણકે મારી દીકરી હું તો તારા મહી જીવતી હતી. હું મને કેમ મિટાવી શકું? જ્યારે પહેલી વહેલી વખત જાણ્યું હતું કે મારા ગર્ભમાં એક જીવ આકાર લઇ રહ્યું છે ત્યાર થી હું તેની મહી ફરી થી જીવંત થઇ ચુકી હતી ,જ્યારથી જાણ્યું હતું  કે તું મારામાં આકાર પામી રહી છે ,એ દિવસથી પળ પળ મારી અંદરની એક માતા પણ તારી સાથે તાદાત્મય સાધતી હતી.

ડૉકટરોની વાત સાંભળીને મેં અને તારા ડેડીએ  એક સાથે પળનો પણ વિલંબ કર્યા વિના જવાબ આપ્યો હતો કે,”અમારું બાળક છે.અમને જેવું પણ આવશે મંજુર હશે અને આજે તને જોઇને સાબિત થાય છે કે  અમારી શ્રધ્ધા જીતી ગઈ છે.આજે માત્ર મને નહી પણ તને જોનારા દરેકને માણસને ગર્વ થાય તેવી મારી દીકરી મારા અસ્તિત્વનું પ્રમાણ બની મારી આજુબાજુ જાણે કે સૂર્યની આસપાસ પૃથ્વી ઘૂમે તેમ સતત ઘુમતી નજર આવે છે.

તું જાણે છે કે દીકરી વિષે તો લખાય તેટલું ઓછું છે. કોઇએ દીકરીને વહાલનો દરીયો કહ્યો છે. પણ હું તો દીકરીને પૃથ્વી માનું છું.કઈ કેટલા દરિયા તે તેની અંદર સમાવીને બેઠી છે.
કેટકેટલા અગણિત રૂપો તારી અંદર સમાએલા છે. તેની જાણ દીકરીને ખોળે ભરનાર જ સમજી શકે છે , દીકરીને પામનારા સમજી શકે કે  “દીકરી વિના તો ઘર આગણે અંધારું છે”.

 આ નાનકડું બાળ ફૂલ જ્યારે બે હથેળીઓમાં સમાય તેટલું હોય છે ત્યારે મારા પિતાને લાગણી શું ?વહાલ શું તે શીખવાડે છે.એની વધતી જતી નટખટ તોફાની રમતો બતાવે છે કે તમારું  બાળપણ કેવું હશે? તારા  ડેડી સાંજે ઘરે આવવા આટલાં ઉતાવળા થતા , કારણકે તારી કાલી ધેલી ભાષા સાંભળવા માટે એ પણ અધીરા થતા હોય છે. ઓફીસમાં ભલે ને એ મોટા સાહેબ બનીને ફરતા હોય પણ તારી પાસે આવતા તે સાવ નાના બાળક બની જીવતા હતા ..

જ્યારે તારી કિશોરાવસ્થાં આવી ત્યારે  તું કિશોરાવસ્થામાં તું તારા ડેડીની માં બની ગઈ હતી.હા આ સાવ સાચું છે.એનું પ્રમાણપત્ર આ રહ્યુ.તું તારા ડેડીને કહેતી કે,”ડેડી…, તમે આ કપડા પહેરો તો વધુ સારા લાગશે.ડેડી આમ નાં કરો તેમ નાં કરો….આહા કેટલી બધી સલાહ તું તારા ડેડીને આપતી અને કેટલી ચિંતા કરતી હતી.જાણે એક માં દીકરા માટે જેટલી ફિકર હોય એમ તું ડેડીની ચિંતા કરતી હોય છે.

દીકરી વીના સુની લાગે સંસારની વાડી
જાણે ફુલો વીના સુકી ભાસે વાડી રે લોલ
દીકરી એ ઉર્મીઓ કેરો પાંગરતો છોડ
એને સ્નેહના ખાતરથી સીંચવો રે લોલ

સમય જતા તું મારી દીકરી મટીને મારી મિત્ર બનતી ચાલી  ,પછી તારી મમ્મી તારી સખી હોય એ એ રીતે તું મને મીઠા હક્કથી કહેતી કે,હવે મમ્મી તારી હેરસ્ટાઈલ ચેન્જ કર એકને એક હેરસ્ટાઇલ કેટલા વરસ ચાલે. તું મને આધુનિક ફેશન મેગેઝિનમાં મોડેલની હેરસ્ટાઇલ બતાવીને કહેતી કે,”મમ્મી,આ હેરસ્ટાઇલ તને એકદમ સારી લાગશે.ક્યારેક એમ કહેતી,ચાલ મમ્મી,આપણે સાથે શોપિંગમાં જઈએ…અને તું મને તારા પસંદગીના કપડા ખરીદી કરાવતી અને મને એ કપડા પહેરાવી ખુશ થતી.

તું મને વારેવારે કહેતી રહેતી કે,”મમ્મી હવે તો તું તારી માટે સમય ફાળવ. કંઈક  તારું ગમતું કાર્ય કર.અત્યાર સુધી અમને મોટા કરવામાં તારો બધો સમય ચાલ્યો ગયો.. જો મમ્મી અમે મોટા થઈ ગયા છીએ હવે તું તારી માટે જીવતા શીખ.ત્યારે તારી એ વાતો સાભળીને મને પણ થયું હવે હું મારી મનગમતી પ્રવૃત્તિ કરું અને જો આજે હું તારી માટે કંઈક લખવા યોગ્ય બની ગઈ છું.આજે મને ગર્વ છે હું તારી માં છું ત્યારે તને પણ ગર્વ છે તું મારી દીકરી છે. આ આપણો પરસ્પરનો પ્રેમ છે જે દરિયાથી વધુ વિશાળ છે અને આકાશનાં ધેરાવા જેટલો અફાટ છે.

વહાલી દીકરી,તારું બચપણ જવાની તૈયારીમાં હોય ત્યારે માની ચિંતા વધી જાય છે અને એટલે જ તારી ઉપર રોકટોક વધે છે.કારણકે મારે તને દુનિયાની નજરથી  બચાવવી હોય છે.હું જાણું છું કે તું મારી સમજુ દીકરી છે છતાં પણ મને એક ડર સતત સતાવ્યા કરે છે કે  મેં તેને આટલું વિશાળ ફલક તો આપ્યું છે પણ મારી આ પંખી જેવી દીકરીની ઉડાનમાં કોઇ વિધ્ન ના આવે.

તારા ડેડી તને એક શક્તિનું બિરુદ આપે છે તેમના મત પ્રમાણે તું દરેક સ્થિતિને આપમેળે જીતવાની તાકાત ઘરાવે છે. છતા પણ મારામાં માનો જીવ છે.એ વાત  તું કેમ ભૂલી જાય છે કે આજ દિવસ સુધી મેં તને મારા આચલના છાંયડે સાચવી છે.હું નથી ઈચ્છતી કે બહાર ફરતા કોઈ ગીધની નજર સુદ્ધા તને સ્પર્શે.તું માનસીક  રીતે મજબુત હો ભલે પણ શારીરિક રીતે એ બધાથી જરા ઉતરતી છો અને આજ કારણે તને કરાટે શીખવા હું જોર કરતી હતી.મારું તને રાત્રે વહેલા ઘરે આવી જવાનું કહેવાની પાછળ આ જ એક કારણ જવાબદાર હતું બાકી  દીકરી એ માનો શ્વાસ અને બાપની વિશ્વાસ છે.

એક દિવસ તે મને ભોળાભાવે પૂછ્યું હતું કે “મમ્મી,તારે બે દીકરીઓ છે તો તને ક્યારેય દીકરો નથી તેની ખોટ નથી સાલતી?” ત્યારે  મેં કહ્યું હતું કે,”દીકરી મારી, દીકરો હોય કે દીકરી,બાળકો તો બધા માતા પિતાને વહાલા હોય છે.હા…દીકરાની આશા દરેકને એટલા માટે રહેતી હોય કે દીકરો ઘડપણમાં લાકડી બની રહે.ચિતાને આગ આપે, બાપનું નામ રહે.જો આવી આશા મારા મનમાં જાગે તો એને હું સ્વાર્થની સગાઇ માનું છું.”

મારા માટે પ્રેમ એ દીકરો,વ્હાલ અને મમતા એ દીકરી…. તું જ કહે કે,વ્હાલ અને મમતામાં શું પ્રેમ સમાઈ નથી જતો ? આજે દીકરા કરતા આ બધી દીકરીઓ વધુ સારી રીતે કરતી આવી છે.આજે હું તને તારું આ સાચું મહત્વ જણાવું છું.તારી મમ્મી તો તારામાં દિકરો અને દીકરીનું બંનેનું સ્વરૂપ નિહાળે છે.કારણકે  દીકરી એ માનું રૂપ છે તો બાપનું સ્વરૂપ છે.

દીકરીને બાપ પાસે પ્રેમ સિવાય કોઈ અપેક્ષા હોતી નથી.જ્યારે દીકરો તેની પત્ની સામે કે બીજા કોઈ દ્વારા થતી માં બાપની નિંદા સાંભળી લેશે.પરંતુ એક પણ દીકરી એવી જોવા નહી મળે,જે તેના માતાપિતાની થતી નિંદા ચુપચાપ સાંભળી શકે. આજનો જમાનો હોય કે પહેલાનું સંકુચિત માનસ ઘરાવતો સમય હોય દીકરી હંમેશા બાપનું નાક ઉચું રાખવા પોતાનાથી બનતું બધુજ કરી છુટવાની ભાવના રાખતી આવી છે .દીકરો નવી આવેલી પરણેતરને ખુશ રાખવા ક્યારેક ફરજ ચૂક થઇ શકે છે ,પણ દીકરી પારકા ગૃહે ગયા પછી પણ ઘરડા માં બાપની લાકડી બની રહે છે ,આજકાલ આ દાખલા સર્વત્રે જોવા મળે છે અને તેજ કારણ છે હવે જમાનો દીકરીઓના પ્રેમને મુલવતો થઇ ગયો છે.  મને અભિમાન છે હું બે દીકરીઓની માતા છું

એક વાર દીકરીને સાસરે વળાવ્યા પછી બાપને મદદરૂપ થવાની દીકરીની ફરજ નથી.છતાં પણ દીકરી સીધી કે આડકતરી રૂપે દીકરી માં બાપનો હાથ પકડતી હોય છે.એને મદદરૂપ થતી હોય છે.માટે હું કહું છું દીકરીને દરિયો નહીં પણ ઘરતી કહેવાય.જે અકુંરણ પામતા સબંધોને જીવન આપે છે અને પરિપકવ થયેલા  સબંધોને સ્થિરતા આપે છે.તૂટી પડતા સબંધીને ટેકો આપે છે નવજીવન બક્ષે છે.આ બધું એક દીકરી ,એક બહેન ,એક પત્ની અને એક મા જ કરી શકે છે જે અંતમાં એક સ્ત્રી એક દીકરી જ છે.

પહેલા દીકરીનો જન્મ થતો ત્યારે કહેવાતું પાણો અવતર્યો,પણ  હવે જમાનો બદલાય છે.હવે દીકરીનો જન્મ થયા છે ત્યારે કહેવાય છે કે ગયા ભવમાં  વધુ પ્રમાણમાં પુણ્ય કર્યાં હશે કે દીકરી આવી અને ધણા લોકો એમ કહે છે ધરે લક્ષ્મીજી પધાર્યા છે.

આ કહેવત આજે ખરેખર સાચી લાગે છે કે ‘મા વિના સૂનો સંસાર’ તો ‘દીકરી વિના અધૂરો સંસાર.’દીકરી વિના જીવન અધૂરું છે.

એટલે જ દીકરી હું કહું છું,
જગતમાં બધા લોકો માતાનાં ગુણાગાન ફરતાં રહે છે,
પણ માતા બનવાં માટે દીકરી તરીકે જન્મ લેવો પડે છે

માત્ર દીકરી જ સંસારમાં એવી વ્યક્તિ છે જે બે કુટુંબને સાચવે છે.તેને યોગ્ય રીતે ન્યાય આપી , પ્રથમ પુત્રી બનીને પછી માતા બનીને જતન કરે છે સ્નેહની વર્ષા કરીને સિંચન કરે છે.

જે ક્યારેક પુત્રી હોવા છતાં માતા બનીને પિતાને સાચવે.બહેન બની ભાઈઓની રક્ષા કાજે પ્રાર્થના કરતી દેવી બને, માં સાથે તેની મિત્ર બની તેની મુશ્કેલીઓમાં સાથ આપે છે.
પારકા ઘરે જતા પતિની અર્ધાંગીની બની તેને ખભેખભા મિલાવી સુખદુઃખની સાથી બને તો ક્યારેક તેની માતાની જેમ  તેને સાચવે છે અને વ્હાલથી ભીજવે છે.પારકાને પોતાના કરવા માત્ર દીકરીજ પોતાના અસ્તિત્વને નજર અંદાજ કરી શકે છે. જે સબંધો પિયર ગૃહે નિભાવ્યા હોય તેનાથી બમણી લાગણી અને નિષ્ઠાથી તે પારકા ઘરને કુટુંબને અપનાવી તેમાં ઓતપ્રોત થઈ જાય છે આ માત્ર એક દીકરી કરી શકે છે.

હવે તુજ કહે મને દીકરી કેમ વહાલી ના હોય …. મારી માટે દીકરીજ મારું વિશ્વ છે જેમાં અનેક વિશ્વો સમાએલા હું જોઉં છું.

-રેખા વિનોદ પટેલ
(ડેલાવર – યુએસએ)

 

“છબી એક- સ્મરણો અનેક” – પ્રિયતમને દ્વાર

વાજતે ગાજતે જાન બસમાં “અમે ઈડરિયો ગઢ જીત્યારે આનદ ભર્યો”  ગાતા સહુ બસમાં બેસી  મારા નવા નવા બનેલા સાસરીયે પાછી વળતી હતી , અમારી કાર બસની આગળ હતી ,જેમાં હું અને મારા પતિદેવ સમીર ભગત સાથે નાની નણંદ સીમા હતી. હું મારા માતાપિતાનું ઘર છોડીને આવી હતી તેનું દુઃખ એક આંખમાં હજુ ઝમતું હતું અને બીજી આંખમાં ભાવિના સપના ચમકતા હતા.
સમીરનો હાથ મારા હાથ ઉપર ફરતો હતો,તેમની હૂફ મને સાંત્વના આપતી હતી. કોણ જાણે શું થયું  કે પાછળ આવતી બસને સ્પીડમાં આવતી એક  ટ્રકે ટક્કર લગાવી દીધી અને એક ઘડામ અવાજ સાથે બસ ખોડાઈ ગઈ.
ચીસાચીસ, રાડારાડ …..આ બધું સાંભળતાં અમારી કાર રોકાઈ ગઈ

અમે બધું ભૂલી સીધા બસ તરફ દોડયા ,હું નર્સિંગ નું ભણી હતી આથી હું મારી શરમ બધું છોડી જે ઘાયલ થયા હતા તેમની સેવામાં લાગી ગઈ ,બસને પાછળ થી થોડું નુકશાન થયું હતું અને પાછળ બેઠેલાઓને થોડું વાગ્યું હતું ,કેટલાકને પછડાટ આવી હતી…. બસ સારું હતું કે કોઈને વધારે વાગ્યું નહોતું આથી કોઈને ઈમરજન્સી હોસ્પીટલમાં દોડવું ના પડયું, બધા બોલતા સંભળાયા ‘ચાલો સુળીનો ઘા સોઈ થી સર્યો ”
દ્વારકાદીસ કી જય કહેતા બસ ફરી પાછી ઉપડી  .

સમય કરતા બસ ઘરે મોડી પહોચી ,અમે ઘરમાં પ્રવેશવા ગયા ત્યાજ મોટા બા એટલે કે સમીર નાં મોટા કાકી બારણાની વાચો વચમાં ઉભા રહી ગયા. ઉભા રહો હવે મુહરત નથી ,છેક સાંજ પછીજ તમને પોંખવામાં આવશે.
મોટાબા હજુ તો ચાર વાગ્યા છે સાંજ સુધી અમે ક્યા બહાર રહીએ,આમ પણ અમે થાક્યા છીએ અને હું આમ મુહરતમાં નથી માનતો ,તમે બસ જલ્દી વિધિ પતાવી દ્યો  ” મારા પતિદેવ તેમને સમજાવતા બોલ્યા. છેવટે મોટા બા કમને અમને પોખાવાં રાજી થયા .
નવું ઘર નવી જગ્યા અને માણસો પણ લગભગ અજાણ્યા ,આ પારકા ઘરને પોતાનું કરવા હું આવી હતી ,મનમાં ઉમંગ છલકાતો હતો ,શરમ નીતરતી હતી સાથે પોતાનાઓને છોડ્યાનું દુઃખ પણ ઝમતું હતું . આ બધાની વચ્ચે હું શરમથી લડાએલી ઓરડાની વચોવચ પલંગ ઉપર બે ઉભા પગ ને હાથોમાં સમાવી  માથું નમાવી બેઠી હતી .
આવનારા બધા મારી સુંદરતાના વખાણ કરતા હતા ” વહુ તો સમીર બહુ રૂપાળી લાવ્યો છે ,ચાલો તમારું ઘર ઉજળું થઇ ગયું ” આવેલા એક વૃદ્ધ માજી બોલ્યા
હા ભાભી વાત સાચી છે રૂપાળી વહુ છે પણ હવે જોવાનું એ કે ભાગ્ય રૂપાળું લાવી છે કે નહિ?” મોટા બા બોલ્યા.
“ભાભી બધુય બરાબર છે નકામી ચિંતા ના કરો “કહી મારા સાસુ એ મારું ઉપરાણું લીધું ,આમ તો બા સામે બોલવાનો હક કોઈને પણ નહોતો કારણ તે એકલાએ આખા ઘરને પંદર વર્ષની ઉંમરે થી સાચવ્યું હતું કારણ તેમના સાસુ નાના ચાર છોકરાઓને અને તેમના સસરાને એકલા મૂકી સ્વર્ગે સિધાવ્યા હતા .
” એ ભલે ગીતા એતો સમય આવે દેખાશે કોણ કેટલું નશીબ લઈને આવ્યું છે , હાલો હવે વાળું કરી લઈએ ” કહેતા બધા વિખરાયા  , હું પણ બધાની સાથે મોટા ઓરડામાં જમવા બેઠી , રસોડામાં મારી નાની નણંદે ગરમ દૂઘ લેવા તપેલી હાથમાં પકડી અને કોણ જાણે હાથ માંથી તપેલી છટકી ગઈ ,તે ચીસ પાડી ઉઠી …. તેની બુમ સાંભળી અમે બધા સીધા કિચનમાં દોડ્યા
” ઓ મારે આ શું થઈ ગયું , મારી છોકરીને આ શું થઇ ગયું ? આ ઘરને કોની નજર લાગી ગઈ છે ?આજે નર્યા  અપસુકન થયા જ કરે છે ”  મોટા બા બુમ પાડી ઉઠ્યા .
નાની નણંદ ઘરમાં બધાને બહુ વહાલી હતી , કોઈ કશું વિચારે તે પહેલા હું તરત દોડી ને, કિચનની બહાર ઉગેલા કુંડામાં કુંવારપાઠુ તોડી તેનો રસ ગરમ દાઝેલા ભાગ ઉપર નીતારી દીધો , તેના કારણે ઠંડક થવાથી તે શાંત થઇ.
હું આ બધામાં વ્યસ્ત હતી ત્યાં પાછળ થી મોટાબા નો અવાજ સંભળાતો હતો ,” હું કહેતી હતી કે વહુના પગલા બહુ સારા નથી હજુ ઘરમાં આવે તે પહેલા તો તેના પારખા બધાને થવા લાગ્યા
હું તો આ સાંભળી અવાક થઇ ગઈ આંખમાં આંસુ તરી આવ્યા.
ત્યાતો બીજો ઘેરો અને મક્કમ અવાજ સંભળાયો જે મારા દર્દ ઉપર મલમ નું કામ કરી ગયો.
” મોટાબા મહેરબાની કરી આવી અફવા નાં ફેલાવો ,તમને આજે થતા બધા અકસ્માત દેખાય છે પણ દરેક વખતે આ નવી આવેલી વહુએ તેની સમયસુચકતા વાપરીને જે મદદ કરી છે તે નથી દેખાતી.  બસમાં થયેલી ઈજામાં પણ એણે બધાને તરત મદદ કરી હતી ને આજે પણ એણે તેની બુદ્ધિ થી તમારી આ દીકરીને બળતરા ઓછી કરાવી છે “
આ સાંભળતાં મને મારી નવી જીંદગીમાં એક નવો આવકારો મળ્યો.
રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસે )
 

રંગોની મોહજાળ ….

પ્રિય સખી ,
હું જાણું છું હોળી ધૂળેટી તારો પ્રિય તહેવાર છે ,કારણ તું રંગોની માલીકણ છે, સાતેય રંગોને તારી આસપાસ લઈને ફરે છે ,
તું હંમેશા મને ધુળેટીમાં રમવા લેવા આવે છે અને હું દરેક વખતે તને કોઈને કોઈ બહાના હેઠળ નિરાશ કરું છું,

તું હંમેશા રંગો સાથે સાતતાળી રમતી હોય છે અને હું તને ખુશ જોઈ હું પણ ખુશ રહું છું ,તારા અને મારા સ્વભાવની આ એક અસમાનતા છે બાકી તો તું મને બહુ વહાલી છું

તારી મહી ક્યારેક દોસ્તીનો સફેદ રંગ ફરફરતો હોય ,ક્યારેક પ્રેમનો ગુલાબી,તો લાલ ગુસ્સાનો ,વળી ક્યારેક બધાથી દુખી થઈ નિરાશાનો ઘેરો રંગ કે વિરક્તિનો ભગવો રંગ તું ઘારણ કરે છે. તો વળી ખુશમિજાજી હરિયાલી જેવી લીલીછમ તો ક્યારેક વાદળા સંગે હોડ લગાવતી તું વાદળી બને છે ,ક્યારેક ચાંદની જેવી ચમકતી તો મિજાજે સૂર્ય જેવી સોનેરી લપકારા કરે છે …….

જ્યારે હું રંગો થી દુર ભાગુ છું, મારી માટે એકજ તરલ હવા જેવો રંગ છે સ્નેહનો ,જેમાં બધા જરૂરી રંગો ભેગા કરી મનગમતા રંગને મેળવી લઉં છું ,

સખી ! આ વખતે હું ઘુળેટીમાં રંગ રમવા આવીશ ,પણ તારી સાથે નહિ ભવન સાથે રંગ રમવા આવીશ, તેની સાથે હું સાથે રંગોના ખેલ રમીશ .
હા ! તારા જીવનમાં છવાયેલા ભૂખરા છેતરપિંડી ના રંગને દુર કરવા માટે આવીશ.

હું જાણુ છુ ભવન સાથે તું આજકાલ ગુલાબી રંગે રંગાઈને બધું વિસરી બેઠી છે ,આજે તને મારી સમજાવટ ની કોઈ અસર થવાની નથી કારણ તારા જીદ્દીપણા ને હું વર્ષો થી પિછાણું છું ,
સખી હું ભવનને બરાબર જાણું છું, તે કોઈજ પ્રકારે તારે યોગ્ય નથી . તેનામાં ખુદ્દારી જરા પણ નથી જે તારામાં ભારોભાર ભરેલી છે . તેના શબ્દકોશમાં ઈમાનદારી શબ્દ નથી અને સબંધોમાં વફાદારી છે જે તારી પ્રકૃતિ છે , રૂપ ગુણમાં તે તારાથી સાવ ઉતરતો છે. હા તારાથી એકજ વાતે ચડિયાતો છે અને તે છે છેતરપીંડી અને વાક્પટુતા જે તારામાં ક્યાય દેખાતી નથી , મારી પ્રિયે તું સાવ નાદાન અને ભોળી છે અને તેથીજ ભવનના ફેલાવેલા રંગોની મોહજાળમાં સંપૂર્ણ ઘેરાઈ ચુકી છે .

હું ભવનના માત્ર કાળા રંગને બહુ સમયથી ઓળખું છું, કારણ તે કેટલીય વાર મારા ઉપર આ રંગનો છંટકાવ કરવા આવી ચુક્યો છે પરતું મારી પ્રકૃતિ તેના રંગને રંગવિહીન કરવામાં સફળ રહી છે.પણ તારા મેઘધનુષી રંગોનું રક્ષણ કરવા હું આજે ગુલાબી રંગને મારા મહી ધારણ કરી ભવન સાથે ધૂળેટી રમવા આવીશ અને તે પણ તારી સામેજ અને ત્યારે તું તેની સાચી રીતે ઓળખી સકીશ
હું જાણું છુ સખી તું આ સહન નહિ કરી શકે ,પરંતુ ભવનના કાળા રંગને તારી સામે લાવવા અને તને એ રંગ માંથી છુટકારો અપાવવા આ એકજ માર્ગ બાકી છે ,નહિ તો તેના રંગમાં રગદોરાઈ તારા જીવનના અવનવા રંગોનું મલીનીકરણ થઇ જશે જે હું મારા જીવતે જીવત નહિ જોઈ શકું

તું મારી સહિયર માત્ર નથી પણ મારા મનમાં સમાએલી મારી પ્રતિકૃતિ છે ,જ્યારે તું સાચી વાત જાણશે ત્યારે તું હંમેશની માફક આવીને મારે ગળે વળગી પડશે।
ચાલ સખી હવે સમય ઓછો છે ,,તારા જીવનના ગ્રહણને દુર કરવા મને ગુલાબી રંગો થી સજવા દે ….જો સખી પૂનમ સામેજ છે કોઈ આભે ચમકતો ચન્દ્ર તારી રાહ જોતો તને મળી જશે.

તારી પ્રિય સખી..રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર યુએસએ

 

ચાર ઝાંખી પાંખી જાગતી આંખો સાથે પથરાતી જાય રાત

જવાનીમાં એકલતા વહાલી લાગે છે ,પરંતુ તેજ એકલતા ઘડપણમાં બહુ વેદનામય બની જાય છે .પોતે સજાવેલા માળામાં સંભાળેલા બચ્ચાઓ એક પછી એક બહાર પોતપોતાના માળાં વસાવવામાં મશગુલ થઈ જાય છે ત્યારે ઘડપણ સાથે એકલતા બહુ દર્દનાક લાગે છે.બે જીવો સુખ દુઃખ વહેચવા સાથે હોય છે ત્યારે રાત કઈક પણ વીતે છે પણ જ્યારે આ જોડું જીવનના છેવાડે આવી એકલું થાય ત્યારે તેમની મનોદશા વર્ણવી અઘરી બને છે…..

ચાર ઝાંખી પાંખી જાગતી આંખો સાથે પથરાતી જાય રાત
દિવસ એ જેમ તેમ ટુંકો થાય, કેમેય નાં વીતી જાય રાત,

અડઘી રાતે ડેલીએ ખખડાટ થાય,ત્યાં મને કોક વરતાય
“સાંભળો કહું છું જાગો છો? એમના હુકારે વીતતી જાય રાત

લઈ જાવા જેવું ના કશું બાકી છે,સઘળું વરસો લઇ ચાલ્યા
આ ભીનું મન ચુપચાપ સરકતું જાય ,જોડે સરતી જાય રાત

પાછલા પહોરે ઝાકળ સંગે ભીની થયેલી આંખો જરા મીચાય
સુરજ સાથ ઝંખનાઓ ફરી આછેરી કળાય,ગળતી જાય રાત

ના સળવળાટ જણાય ઉઠતા લાગે વાર,તો બીજુ મન થડાકાય,
ભરાએલ ગળફો રાહત આપે, ઉચાટ ખસેડી હટતી જાય રાત

ફરી એજ સુકી તરસી આંખો અને એક મેકનો અકબંધ સાથ
ના કોઈ આવ્યું આંગણ,ના આવશે બીજી આવતી જાય રાત

રેખા પટેલ (વિનોદિની)