RSS

Category Archives: ટુંકી વાર્તા …રેખા પટેલ

શક્તિનું એક સ્વરૂપ.

શક્તિનું એક સ્વરૂપ … રેખા વિનોદ પટેલ (ડેલાવર, યુએસએ)

રાજસ્થાન અને ગુજરાતની સરહદ ઉપર આવેલા નાનકડા પછાત ગામડામાં વિધવા સંતુ બાપ વિનાની ત્રણ છોકરીઓને છાતીએ લગાવી જીવનનો ભાર વેઢારતી હતી.
આજૂબાજૂના ખેતરોમાં આખો દિવસ કાળી મજૂરી કરે ત્યારે માંડ સાંજે બે રોટલા ભેગી થતી હતી.
તો ક્યારેક વરસાદની હેલી વચમાં મજૂરીનાં પણ સાસાં પડી જતા.
મોટી છોકરી વંદના માના દુઃખને કળી જઈ પેટ દબાવી સુઈ જતી પરંતુ નાની કાળી અને મંગુ” માં પેટમાં ગલુડીયા બોલે છે, માં પેટમાં બહુ દુઃખે છે. ભૂખ લાગી છે.” કહેતા ખાવાનું માંગતી ત્યારે સંતુની આંખો તગતગી જતી.

સંતુને આટલું દુઃખ પડવા છતાય એ ગામમાં આવેલી સરકારી નિશાળમાં ત્રણેય છોકરીને ભણવા મોકલતી હતી.અહી મળતું મધ્યાહ્ન ભોજન એક કારણ હતું, અને બીજું કારણ હતું ગામમાંથી બહાર શહેરમાં ધંધો કરતા શેઠ છગનલાલે નિશાળમાં છોકરીઓ માટે પાંચ વર્ષ પહેલા બંધાવેલ મૂતરડી અને શૌચાલય.
સંતુ જાણતી હતી કે એકલા હાથે શહેર હોય કે ગામડું પણ છોકરીઓની દેખભાળ કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. બહાર ખૂલ્લામાં કુદરતી હાજત માટે જતી છોકરીઓ ઉપર ગામના ઉતાર ગણાતા ભુખ્યા વરુઓની નજર ટાંપીને રહેતી હતી.
” અલી સંતુડી તું તો આખો દાડો દાડિયે જાઉં સુ પાછળ આ છોડિયું નું ધ્યોન કોણ રાખસ, એમા પણ વળી આતો બાપ વગરની છોકરીઓ અને તેમાય વંદના તો મૂઈ ગયા ભવનું ઉધાર બાકી હોય તેમ નાગરાણીનું રૂપ લઈને જન્મી સ. આ ર્ધુભા ના કાળિયા ની નજર બૌ હારી નથ” મનુ ડોસીએ બે ત્રણ વાર ચેતવી હતી.

વાત પણ સાચી હતી વંદના જાણે ચિંથરામા વીટાળેલું રતન હતી.તેના જન્મ પછી તેનો બાપ કટાક્ષમાં બોલ્યો હતો કે “સંતુ…., આ મારી જ છોકરી છે કે કોક તને આભના તારા બતાવી ગયું છે?” સંતુ જાણતી હતી કે મૂઓ મજાક કરી રહ્યો છે. કારણ કે જીવલો સંતુ માટે જાન પાથરતો હતો.પણ આ સુખ માંડ બીજા આઠ વરસ ચાલ્યું અને એક કાળોતરાએ જીવલાને ડંખ મારતા એ સ્વર્ગ સીધાવી ગયો અને સંતુંનાં સુખમાં ઝેર ભરી ગયુ.

ત્યાર પછી મજૂરીએ જતા નાની છોકરીને મનુબા પાસે અને મોટી બંને છોકરીઓને નિશાળમાં મુકીને જતી હતી. આજે કાળી ચાર વર્ષની અને મંગુ સાત વર્ષની અને વંદના સોળ વર્ષની થઈ હતી. ભણવામાં બહુ તેજસ્વી એવી વંદના મેટ્રીકમાં પાસ થઈ ગઈ હતી.
હવે આગળ ભણવા શહેર જવું પડતું હોવાથી નાં છૂટકે તેને ઘેર બેસવું પડ્યું. જોકે તેના ઘેર બેસવાથી સંતુને થોડી રાહત થઈ કે માં દીકરી ભેગા મળી મજૂરીએ જતા થયા જેથી આવકમાં થોડો વધારો થતો દેખાયો અને હવે રોજ રોટલા સાથે શાક પણ મળતું થયું.

પણ કરમની કઠણાય પણ કેવી હતી કે બીજા વર્ષે આખું ચોમાસું કોરૂ ધાકોર ગયું અને મજૂરી તો ઠીક ખાવાના સાંસા પાડવા લાગ્યા આખા ગામમાં બધાના આ હાલ હતો કોણ કોને મદદ કરે ?આ ભૂખ્યા ગરીબ લોકો માટે દેવતા સ્વરૂપ શેઠ છગનલાલે ગામને થોડી રાહત ફંડ મળે. એવા હેતુથી તેમના મુનીમ સાથે એક મદદનીશ તરીકે શિવા નામના યુવાનને ગામમાં મોકલ્યા. શેઠનાં મુનીમ સાથે જરૂરતમંદોને કપડા અનાજ પહોચાડતાં. થોડાજ દિવસોમાં મીઠા સ્વભાવના શિવાને ગામના બધાજ ઓળખવા લાગ્યા. યુવાન શિવાની નજર વંદના ઉપર પડી અને બોલી ઉઠયો, “આ તો ગામડા ગામનું ચીથરે વીટ્યુ રતન’’!!!!

તેમાય જાણવા મળ્યું કે આ છોકરી ગામમાં રહીને પણ ઘોરણ દસ સુધી ભણી છે આથી શિવાએ સંતુની આગળ વાત મૂકી,”સંતુ તારી આ છોકરી બહુ હોશિયાર લાગે છે. જો તને વાંધો નાં હોય તો તારી છોકરી વંદનાને શહેરમાં મોકલી આપ, શહેરમાં કમાણી છે, અને તને પણ મદદ રહેશે.
શિવાની વાત સાંભળીને ગરીબાઈમાં પીસાતી સંતુની નજર સમક્ષ નાની બે ભૂખી બાળકીઓના ચહેરા તરવરી ઉઠયા. બે પેટ ઠારવા એકને આગમાં શેકાવ્યા વિના છૂટકો નહોતો. શિવાએ બે ટંક ભરપેટ ખાવાનું સપનું દેખાડ્યું હતું. અને આમ કરવાથી વંદનાનું પણ કઈ ભલું થશે એવી આશાએ સંતુએ કમને હા પાડી.

વંદના માની મજબૂરી બરાબર સમજી ગઈ હતી આથી આંખના આંસુ છૂપાવી માને હિંમત બંધાવી ” માં તું ચિંતા નાં કરીશ હો શીવાબાબુ છે અને હું તારી ભણેલી બહાદુર દીકરી છું. ક્યાંક સારી નોકરી મળી જશે પછી તો હું તને અને બંને નાની બેનોને શહેરમાં બોલાવી લઈશ. બંનેને આપણે ભણાવીશું ,મા મને તારી દીકરી નહિ દીકરો માનજે!!”

સંતુ જાણતી હતી કે દીકરીને ભૂખ્યા વરુઓના શહેરમાં મોકલી રહી છે. છતાય ભારે હૈયે મજબૂરીની મારી એક માં કાળજાના કટકાને પરાણે કાપીને દૂર કર્યો.
“જા બેટા માં ખોડિયાર તારી રક્ષા કરે.” રડતા રડતા સંતુએ દીકરીના માથે હેતાળ હાથ ફેરવ્યો

વહેતા આંસુઓના ધોધને પરાણે રોકી પતરાની પેટી માં ચાર જોડ કપડા મૂકી સંતુએ વંદનાને શિવા સામે હાથ જોડી કરગરી પડી ” શીવાભાઈ મારી છોડીને તમારે આશરે મોકલું છું એને નોકરીએ કાંક સારા ઠેકાણે રાખજો.”

“હા..સંતુ, તું જરાય ચિંતા ના કરીશ તારી છોકરી બહુ હોશિયાર છે જલ્દી શહેરમાં ગોઠવાઈ જશે અને પછી તો તારે અહી લીલાલહેર થાશે” શિવાએ કહ્યું

હૈયામાં હામ ભરી વંદના શિવા જોડે શહેરમાં આવી ગઈ.શહેરમાં આવીને શિવાએ એની એક માસીને ઘેર વંદનાને રહેવાની ગોઠવણ કરી આપી .

બે દિવસમાં તો વંદનાને મમતા માસી સાથે બહુ ફાવી ગયું.માસી શહેરની બધી રીતભાત તેને શીખવવા માંડ્યા અને હોશિયાર વંદના બહુ ઝડપ થી બધું શીખવા માંડી ,

“વંદના તું બહુ રૂપાળી છે પણ તને જરાક આધુનિક રીતે શણગારવા ની જરૂર છે ,અહી નોકરીઓ કરતી છોકરીઓ મોર્ડન લાગવી જોઈએ ” કહી માસી તેને નજીકના ખાસ મોંઘા નહિ એવા બ્યૂટી પાર્લરમાં લઇ ગયા ત્યાં વંદના ઉપર હેરકટ,વેક્સિંગ બ્લીચીંગ અને થ્રેડીગ જેવા પ્રયોગો અજમાવી જોતજોતામાં શહેરની યુવતી જેવી બનાવી દીધી.

પહેલી વખત તેના શરીર ઉપર થયેલી આવી બધી ક્રિયાઓથી પીડા અનૂભવતી વંદનાએ જ્યારે તેના બદલાયેલા સ્વરૂપને અરિસામાં જોયું તો તે પણ આભી બની ગઈ અને બધાંજ દુઃખ પળવારમાં ભૂલી ગઈ. અઢાર વર્ષની વંદના આજે પહેલી વાર તેના ખુદના પ્રેમમાં પડી ગઈ.

“બસ છોડી ,આમ તારીજ જાતને ટીકી ટીકીને જોવાનું બંધ કર, નકામી તું તને જ પ્રેમ કરવા માંડીશ તો બીજા તને પ્રેમ કેમ કરીને કરશે?” કહી ખુશ થતા માસીએ વંદનાના ગોરા ગાલ ઉપર ચીમટો ખણ્યો. આ સાંભળતાં વંદના પણ શરમાઈ ગઈ.

અહી આવ્યાને વંદનાને પંદર દિવસ થઇ ગયા હવે તે જરૂરી મેકઅપ અને શહેરની ઘણી રીતરસમ શીખી ગઈ હતી.શિવો માસીને મળવા એકાંતરે આવતો રહેતો અને જ્યારે પણ આવે વધારે સમય વંદના સાથે વિતાવતો અને જ્યારે શિવો ધરે આવે એ સમય દરમિયાન માસી ,”બહાર કામ છે” એવું બહાનું કાઢી થોડો સમય ગાયબ થઈ જતા આ સ્થિતિથી ભોળી વંદના બિલકુલ અજાણ હતી.પરંતુ ચાલાક શિવો ધીમેધીમે વંદનાની નજીક સરતો જતો હતો.

વંદનામાંથી વંદુ કહીને બોલાવતો, સામે વંદના પણ તેને શિવાજી કહેતી હતી.
શિવો વંદનાને કહેતો, “વંદુ તું બહુ સુંદર છે .તું મને બહુ ગમે છે.તને ખબર છે હવે બે દિવસ થાય અને તને ના જોઉં તો મનમાં બેચેની થાય છે અને તારી પાસે અનાયાસે ખેંચાતો ચાલ્યો આવુ છુ. સાચે વંદુ તે મારા ઉપર જાદુ કર્યું છે.”

આ સાંભળતાં મુગ્ધ એવી વંદના શરમાઈ ગઈ.અત્યાર સુધી યૌવનમાં પગ મુક્યાં પછી પહેલી વાર તે કોઈ પૂરૂષને આટલી નજીક અનુભવતી હતી અને તેની આંખોમાં તેના પ્રત્યે આટલો લગાવ જોઈ તેનું યૌવનને બાહોમાં ભરી ઉડવાની તૈયારી કરતુ નાજુક હૈયું હાથથી છટકી ને પાસે બેઠેલા પૂરૂષની વાતોમાં જકડાઈ ગયું.

કાચી વયની અને શહેરમાં નવી આવેલી શમણાઓની પાંખે ઉડતી વંદના શિવા ની મોહજાળમાં બરાબર ફસાઈ ગઈ હતી. કારણકે વંદનાને નોકરી કરવાની ઉતાવળ હતી અને બને એટલા પૈસા કમાવા હતા અને એ કમાયેલા પૈસામાંથી બચત કરીને ગામડે રહેતી એની મા સંતુને મોકલી શકે.

એક દિવસ શિવો દુ:ખી ચહેરે મમતા માસીના ઘરે આવ્યો.આવતાની સાથે જ માથે હાથ દઈને પાસે પડેલી ખુરશીમાં બેસી પડ્યો.

“શું થયું ભાઈ કેમ આમ ઉદાસ થઈ ગયો છે ” માસી હેત બતાવતા બોલ્યા.

“માસી બહુ કોશિશ કરી અને આજે બહુ રખડ્યો પણ વંદનાને લાયક કોઈ સારી નોકરી મળતી નથી.”

“પણ શિવા….., આ છોકરીનું ઠેકાણું પાડવુ જ પડશે નહીતર ગામડે તેની માં ભૂખે મરતી હશે ” માસી બોલ્યા

માસી અને શિવા ની વાત સાંભળતાં જ વંદના રડી પડી અને બોલી,”માસી….,શિવાજી જે પણ કામ કહેશે એ હું કરીશ. મને મહેરબાની કરી કઈક કામ અપાવો, ઘરે રહીને એ પણ હવે કંટાળી ગઈ હતી. ”

વંદનાની આજીજી સાંભળીને શિવા તુંરત બોલ્યો,”એક કામ છે!બાર ડાન્સર તરીકેનું,પણ તને ત્યાં મોકલતા મારું મન નથી માનતું.”

“તમે ચિંતા નાં કરશો ,હું એ કામ કરીશ પણ મારે રૂપિયા જોઈયે છીએ મા રાહ જોતી હશે.” વંદના ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

મમતા માસી અને શિવો એકબીજા સામે જોઈ કંઈક વિચિત્ર લાગે તેવું હસ્યા ….

શહેરના બદનામ ગણાતા એરિયામાં ચાલતા “મસ્તી બીયર બાર” શિવા ની ભલામણથી વંદનાને બાર ડાન્સર તરીકે કામ મળી ગયું. ત્યાં પહેલીવાર પગ મુકતા જ વંદના અંદરથી અને બહારથી કાંપતી હતી તેના ચહેરા ઉપર ભય અને ગભરાહટ ચોખ્ખા દેખાતા હતા.
” ગભરાતા ગભરાતા બોલી, “શિવાજી, અહી તો બધા દારૂડિયા જેવા લોકો જ દેખાય છે.મને બહુજ બીક લાગે છે.”

અમે મારી વ્હાલી વંદુ, તું જરાય ડરીશ નહી. હું અહી તારી આજુબાજુ જ રહીશ તું જરાય ફિકર નાં કરીશ બસ અહી આવતા ગ્રાહકો અને માલિક સાથે પ્રેમથી વાત કરજે. માલિક જે કામ બતાવે તે હસતા ચહેરે કરજે. એ દરેક કામને તું તારી નોકરીનો એક ભાગ માનજે .અહી શેઠ જે તને પગાર આપશે તે તું તારી માને ગામડે મોકલી શકીશ અને બીજું સામેના સ્ટેજ ઉપર તારે આમતેમ ડોલતા રહીને નાચ કરવાનો છે એના બદલામાં ગ્રાહકો ખુશ થઈ જે રૂપિયા આપે તેમાંથી અડઘા તારા હશે.અડધા બારના માલિક રાખશે.” આમ કહી બાકીના ટીપમાં આવતા અડધાની રૂપિયાની વ્યવસ્થા ચાલાક શિવાએ બીયર બારના માલિક સાથે મળી પોતાની ઐયાસી માટે કરી લીધી હતી.

બધું નક્કી થઈ જતા વંદનાએ બીજા દિવસની સાંજથી બારમાં નાચ કરવાનું શરુ કર્યું. સીગારેટનાં ધુમાડાના ગોટાઓ ઉડાળતાં શરાબમાં નશામાં ડોલતા પૂરૂષોનાં બીભત્સ હાસ્ય અને વાસનાભરી ગંદી નજરો વચ્ચે વંદનાને ખુબ ડર લાગતો હતો. શિવો ત્યા ખુણાના એક ટેબલ ઉપર બેઠેલો હતો એ તેની માટે હૈયાધારણા હતી. સંકોચ અને આંખોમાં શરમ ભરીને વંદના બીજી ચાર ડાન્સરોને જોઈ જોઈ મટકતી હતી છતાય તેમની જેમ બિન્દાસપણે શરીરનાં આરોહ-અવરોહને મૂક્તપણે મરોડી શકતી નહોતી.

આજે તો બીજીઓના પ્રમાણમાં ખાસ કઈ જ ટીપ મળી નહોતી છતાય નાજૂક નમણી વંદનાને પ્રથમવાર શરમ સાથે નાચતી જોઈ કેટલાક જમાનાના ખાધેલ ફિદા થઇ ગયા અને બસો રૂપિયા તેના હાથમાં આવી ગયા.પહેલીવાર જાત કમાણીના સો રૂપિયા જોઈ વંદનામાં હિંમત આવી ગઈ.

બીયર બારમાં થોડા દિવસો જતા વંદનાની શરમ ધીરે ધીરે બાષ્પીભવન થતી ગઇ. હવે તે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી બારમાં ગોઠવાયેલા ટેબલો ફરતી આંખોથી ચેનચાળા કરી બેઠેલાને લલચાવત. ગામડાની આ ભોળી છોકરીને તેના આ નાચ દરમિયાન તેને મળતી ટીપના રૂપિયા માત્ર દેખાતા હતા. તે ખૂશ હતી કે ભલે તેના આત્માને મારીને તે અહી કામ કરે છે પણ ગામડે તેની નાની બે બહેન અને ઘરડી થવા આવેલી તેની માં સુખે ભરપેટ ખાઈ તો શકે છે.

આ બાજ લાલચું શિવાને આ અડઘા મળતા ટીપના રૂપિયામાં હવે સંતોષ નહોતો.તેણે મમતા માસી સાથે મળીને આ સોનાની મરઘીને સારી કિંમત મળતા વેચવાનું કાવતરું ઘડી નાખ્યું

છેલ્લા કેટલાય સમયથી એક નબીરો સોહન મસ્તી બારમાં આવતો હતો અને શિવો જોઈ ગયો હતો કે તેની નજર વંદનાની આસપાસ લટ્ટુ બની મંડરાતી હતી. શિવાએ એનો બરાબર લાભ ઉઠાવ્યો અને વંદનાનો મોટા ભાવનો સોદો કરી નાખ્યો,
“સોહનભાઈ….., આ તો સો ટચનો માલ છે અને આ છોકરીની નથ વિંધાણી નથી.સાવ પેટીપેક માલ છે અને સોહનભાઇ આ છોકરી ગામડેથી આવી છે એ શહેરની નથી માટે તમારે એનાં નખરા પણ ઓછા સહન કરવા પડશે. જો તમે એકવાર હા કહો તો તે આખી જિંદગી તમારી ગુલામ બની રહેશે તેની ગેરંટી મારી”

શિવાની વાત સાંભળી પૈસાદાર બાપનો એકનો એક ઐયાસ નબીરો સોહનનાં મનમાં લાળ ટપકવા લાગી અને બોલ્યો,”ભલે શિવા,તું ભાવ બોલ, મારે ક્યાં તેને ઘરે લઇ જવાની છે, મારો શહેરની બહારનો ફ્લેટ ખાલી છે ત્યાં રહેશે” આટલુ બોલી સોહન મનોમન બબડ્યો કે એ પછી મને વધારાની કમાણી પણ કરી આપશે ”

એ રાતે જાણે સ્ત્રી કોઈ ચીજવસ્તુ હોય એ રીતે એનો તોલમોલ થયો અને પાંચ લાખની બોલીથી શરુ થયેલો સોદો છેવટ ત્રણ લાખમાં નક્કી થયો. એક જીવતી લાગણીથી લથપથ સ્ત્રી નિર્જીવ વસ્તુની માફક ત્રાજવે ચડી હતી.

રોજ સાંજે મમતામાસીને ઘરેથી સાદા વસ્ત્રોમાં બારમાં કામ કરવા જતી વંદના ત્યાં જઈ માહોલને અનુરૂપ કપડા અને મેકઅપ કરી લેતી. અઠવાડીયાના અડઘા દિવસ તો શિવો અહી મફતના રોટલા ખાઈ જતો. કોણ જાણે મમતા માસી જોડે શું ખીચડી રાધતો હતો કે એ માસી પણ આવ ભાઈ કહી ઘરનાં સભ્યની જેમ સાચવતી હતી.

આજે વંદનાને ઘરકામ પતાવી નીકળતા સહેજ મોડું થઈ ગયું હતું અને ઉતાવળમાં સાફ કરવા લાવેલા સાંજે પહેરવાના ચમકીલા ભપકાવાળા ચણીયાચોળીની થેલી ઘરે ભૂલી ગઈ. થોડે દુર જતા જ આ યાદ આવતા તે ઝડપથી ધર તરફ પાછી વળી. એણે જતા અડકાવેલું બારણું હજુ પણ અધખૂલ્લું હતું.માસી અને શિવા વચ્ચેની વાતોનાં શબ્દો વંદનાનાં કાને પડતા બારણું ખોલવા લંબાયેલો હાથ અટકી ગયો.

“શિવા તું ત્રણ લાખમાં બધું નક્કી કરી આવ્યો છે તેમાં લાખ મારા અને બે લાખ તારા આતો બરાબર છે. પણ શું આ છોડી માનશે ?ક્યાંક નાસી જશે કે બુમબરાડા કરશે તો શું કરીશું?”માસી થોડા હિચકિચાટથી બોલતા હતા.

માસી તમે વંદુની જરાય ચિંતા નાં કરો.હું બધું એને મારી રીતે સમજાવી દઇશ.આમ પણ તેની માં અને બહેનોની ભૂખનું બહાનું તો છે જ,અને હવે તેમને અહી શહેરમાં ભણાવવા આવું બધું કરવું જરૂરી છે.એવું બહાનું હું આગળ ઘરીશ. એક વાર સોહનશેઠના પીંજરામાં પૂરાયેલું પંખી ક્યાય બહાર જવાનું નથી. બસ હવે આ ભાર તારે માથે ચાર દિવસ જ છે માસી.પછી આપણે નવા પંખીની શોધ આદરીશું.”

“શિવા….,તું જે રીતે કહે છે એટલું સહેલું તો નથી આ વંદનાને મનાવવાનું. કારણકે એને હવે શહેરની હવા લાગી ગઇ છે.” માસીએ શિવાને કહ્યું.

“માસી……,તમે ચિંતા ના કરો.હું વંદનાને રવિવારે એક પાર્ટીમાં ડાન્સ કરવા જવાનું છે. એવું કહીને એને સોહમશેઠના બંગલે લઇ જઈશ અને ત્યાં વંદનાને ઘેનની દવાવાળું સરબત પીવડાવી દેશે.એ પછી સોહમ શેઠ વંદનાં પર કાયમને માટે તેમની મહોર લગાવી દેશે ” શિવો બિભત્સ હાસ્ય વેરતાં બોલ્યો.

વંદનાને માથે તો જાણે આખું આભ તૂટી પડ્યું.એને લાગ્યું કે અંધારું ભરેલા કોઈ વિશાળ જંગલમાં એકલી પડી ગઈ છે અને ચારે કોર ભૂખાળવી નજર મનુષ્ય નામનાં પશું એને તાકી રહ્યા હોય.માંડ માંડ પોતાની જાત પર કાબું કર્યો.શહેરમાં આવ્યા પછી વંદનામાં ચાલાકી અને હોશિંયારી આવી ગઇ હતી અને આમ પણ એ ચતૂર હતી. કશો પણ અવાજ કર્યા વિના ઝડપથી પાછી વળી ગઈ.તે રાતે તે ડાન્સ બારમાં જવાને બદલે નજીકના મંદિરને ઓટલે બેસી રહી કઈક વિચારી છેક મોડી રાત્રે ઘેર પાછી આવી. સવારે માસી જાગે તે પહેલા તેના કપડાની પોટલી અને થોડા જુદા રાખી મુકેલા પૈસાની પોટલી લઇ બિલ્લીપગે ખૂલ્લા આભ તળે એકલી નીકળી પડી .

ચાર દિવસ પહેલા અહીના લોકલ ન્યૂઝ પેપેરમાં વાચેલી વાત આજે વંદનાનાં હૈયે ધરપત સાથે ઘીરજ બંધાવી ગઈ હતી.એ કે જેમાં એક બળાત્કારની ઘટનાં વિરુદ્ધ અહીની એક નારીસંસ્થાએ કરેલો ઉહાપોહ અને તેના કારણે બળાત્કારીને મળેલી સજાનાં સમાચાર છપાયા હતા.

આજે હિંમત કરી વંદના એ નારી સંસ્થાના બારણે જઈને ઉભી રહી.થોડી ગડમથલ સાથે નારી સંસ્થાની ઓફિસમાં એને પ્રવેશ કર્યો.અંદર આવી એટલે ઓફિસમાં અનેક આધેડ વયની મહિલાઓને જોઇ. એમાની એક મહિલાની નજર વંદનાં પર પડતા એને પુછ્યુ,”” શું નામ છે છોકરી તારું અને કેમ અહી આવવાનું થયું ?”

“મેડમ….., મારુ નામ વંદના છે અને મારે મોટા મેડમને મળવું છે.”આટલું બોલીને તેની આંખોમાં આંસુ સરી આવ્યા.
તેની આ દશા જોઈ એ બહેન વંદનાને સીધા આ સંસ્થાના મુખ્યા મીનાબહેન પાસે લઇ ગયા.

“આવ દીકરી શું કામ છે તને?શું થયું ?” મીનાબહેન પ્રેમાળ સ્વરે બોલ્યા .

વંદનાને મીનાબેનની પ્રેમાળતા સ્પર્શી ગઈ અને તે ધ્રુસકે રડી પડી.મીનાબેન તરફ સાંત્વના અને સહાનુંભૂતિ મળતા વંદનામાં હિંમત આવી અને તેને શરૂઆતથી લઈ આજ સુધીની આપવીતી કહી સંભળાવી …..

વંદનાની વાત ધીરજપૂર્વક સાંભળ્યા બાદ મીનાબેન બોલ્યા,”બેટા,હવે તું જરાય ચિંતા કરતી નહી.ક્પ્ તારે ઘરે પાછા જવું હોય તો હું તારી ટીકીટ ની વ્યવસ્થા કરાવી દઉ છું.”

“નાં મોટા બહેન….હવે હું ગામડે પાછી જઈને કરીશ પણ શુ? મસરી આશામાં જીવતી મારી માં અને નાની બહેનો ઉપર બોજ બનવા નથી માગતી. અહી ક્યાંક નોકરી અપાવો તો હું ચાર પૈસા કમાઈને મા અને નાની બહેનોનું જીવન સુધારી શકું. ત્યાં ગામડાગામ તો ખાવાના પણ સાંસા પડે છે.”વંદનાએ મક્કમતાંથી કહ્યું.

વંદનાની આવી હાલત જોઈ મીનાબહેને તેની રહેવા જમવાની વ્યવસ્થા સંસ્થામાં કરી આપી અને કામ અપાવવાની હૈયા ધારણા પણ આપી આથી વંદના અહી પોતાને સુરક્ષિત માનવા લાગી.

તેના નાજુક ચહેરા ઉપર સદાય રમતા મૃદુ હાસ્ય અને પરગજુ વૃત્તિના કારણે થોડા દિવસોમાં વંદનાએ અહી રહેતા બધાનું દિલ જીતી લીધું.મીના બહેન સમજી ગયા કે આ છોકરી બહુ હોશિયાર છે.જો તેને સાથ મળશે તો જરૂર આગળ વધી શકે તેમ છે .

એક દિવસ મીનાબહેને વંદનાને પોતાની ઓફિસમાં બોલાવીને કહ્યુ,”વંદના…તને હું અહી આપણી સંસ્થામાં પાર્ટ ટાઈમ કામ અપાવી દઈશ અને તેમાથી મળતી રકમ તું તારી માને મોકલી આપજે.જેથી તારે બહાર કામ કરવા જવાનો સમય બચી જાય અને બાકીના સમય માં જો તું ઈચ્છે તો અહી રહી આગળ ભણી શકે છે.”

મીનાબહેનની વાત સાથે વંદના તુરત સહમત થઈ ગઈ.એનાં માટે તો જાણે કોઈ ભૂખ્યા સામે પકવાન ભરેલી થાળી પીરસાઈ હોય એવું લાગ્યુ.તેને લાગ્યું કે આગળ ભણવાના તેના અઘુરા સ્વપ્નને પૂરા કરવાનો સામેથી મોકો મળ્યો છે. મળ્યો છે મારા માટે ભવિષ્યની પ્રગતિનો રસ્તો ખુલી ગયો..

વંદનાએ સંસ્થાના કામ સાથે ઘગસ અને મહેનતથી ભણવાનું શરુ કરી દીધું. ક્યારેક રજાઓમાં બે ચાર દિવસ મા બહેનોને મળવા જતી. ત્યારે પોતાનાં પરિવારને મળીને એનાં ચહેરાની ખુશી જોઈ તેની હિંમત બેવડાઈ જતી હતી.

વંદનાએ બારમું ઘોરણ સારા માર્ક્સ સાથે પાસ કરી આગળ કોમ્યુટરનો કોર્સ કર્યો.
” બહેન હવે મને ક્યાંક સારી નોકરી મળી જાય તો હું મારા પગ ઉપર ઉભી રહી શકું તેમ છું.” વંદનાની ઈચ્છાને માન આપી મીનાબહેને આ શહેરમાં સી આઈ ડીની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની નવી ખુલેલી ઓફિસમાં પોતાની ઓળખાણ લગાવી નોકરી અપાવી દીધી.

અહીની ઓફિસનું મુખ્ય કામ હતું કે તેને ટેકનોલોજીના પડદા પાછળ છુપાઈને સ્ત્રીઓને હેરાન કરનારા વિકૃત લોકોને સમાજમાં ખુલ્લા પાડવાનું કામ કરવું હતું.
આવા લોકોને જાળમાં ફસાવવા વંદના તેના રૂપનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરતી હતી. ઈન્ટરનેટ ઉપર ખોટી આઈડી બનાવી તેમની જાળમાં સામેથી ફસાઈને છેવટે તેમને ખુલ્લા પાડવા માટે મેદાને ઉતરતી.
વંદનાને આ કામ ખુબજ ફાવી ગયું હતું. વંદનાની તેની આગવી સમજ અને હિંમતના કારણે સ્ત્રીઓના અર્ધનગ્ન ફોટો કે વિડીયો કલીપ કરીને તેમને બ્લેકમેલ કરનારી એક આખી મજબુત ટુકડીને જનતા અને પોલીસ સમક્ષ ખુલ્લી પડી હતી.
આ નોકરીની સાથે સાથે આગળ ભણીને વંદનાએ એમ.સી.એ પણ ફાઇનલ કર્યુ. ત્યાર બાદ તેને બઢતી રૂપે સ્પેશિયલ સાઇબર ક્રાઇમમાં ખસેડવામાં આવી.વંદનાની આ મહત્વની કામગીરી રૂપે રાજય સરકાર તરફથી ખાસ સન્માન પત્ર આપવામાં આવ્યુ.

રૂપાળી એવી વંદનાની બહાદૂરી અને કાબેલિયત સાઇબર ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ રણમલ પરમારના હૃદયમાં જગ્યા બનાવી ગઈ. કાયમ કામ કરતા હોવાથી બંને વચ્ચે મીઠા સંબંધો બંધાઈ ગયા. છેવટે અઠ્યાવીસ વર્ષની વંદના અને બત્રીસ વર્ષના રણમલ પરમારના લગ્ન ગોઠવાઈ ગયા.

રણમલ પરમારે માતાપિતાને નાનપણમાં ગુમાવી દીધા હતા આથી મામાએ તેને ભણાવ્યો હતો. વંદનાં સાથે લગ્ન પછી રણમલ સાથે પોલિસ કવાટરમાં રહેવાં આવી ગઇ.

સમય જતા વંદના તેની મા અને બહેન માટે આ જ શહેરમાં એક નાનકડું ઘર લઇ દીધું અને બંને બહેનોને આગળ ભણવા માટે શહેરની સ્કુલમાં એડમિશન અપાવી દીધુ.

સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ખૂબ કામ હોવા છતાં વંદનાં અઠવાડિયામાં બે વખત તે સમય કાઢીને મીનાબહેનની સંસ્થામાં મદદ માટે જતી હતી.અહી નારી સંસ્થામાં સ્ત્રીઓની સુરક્ષા માટે છોકરીઓને ત્યાં સેલ્ફ ડિફેન્સના ક્લાસ શીખવવાની શરૂવાત વંદનાએ પોતાના ખર્ચે કરાવી હતી અહી માર્શલ આર્ટસ: કરાટે, કિક-બોક્સિગં જેવી આર્ટસ સ્વરક્ષણ માટે શીખવવામાં આવતી હતી.જેથી જરૂર પડે સ્ત્રીઓ પોતાનું રક્ષણ કરી શકે. વંદના સાચા અર્થમાં શક્તિનું સ્વરૂપ બની ગઈ .

સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં હોવાથી ખાખી વર્દી પહેરેલી રૂપકડી વંદનાં હવે એક કડક મહિલા પોલિસ ઓફિસર જેવી લાગતી હતી.

રેખા વિનોદ પટેલ (ડેલાવર ,યુએસ

 

રોહિણી નક્ષત્ર

29571216_1907017622666326_5061124096262332003_nરોહિણી નક્ષત્ર – રેખા પટેલ(વિનોદિની) ડેલાવર (યુએસએ)

શબ્દ અલિપ્તતા જેમ બોલવામાં સરળ નથી તેમ તેને અનુસરવું પણ સરળ નથી. કહેવા માત્રથી કોઈ વસ્તુ કે વ્યક્તિથી આપણે સંપુર્ણપણે અલિપ્ત નથી થઇ શકાતું નથી” રોહિણી માથે હાથ મૂકી વિચારી રહી.

છતાં પણ તેની શરૂઆત દરેકે ક્યાંયથી તો કરવીજ જોઈએ. કારણ અતિશય આસક્તિ માત્ર અને માત્ર દુઃખ આપે છે. આટલું વિચારવા છતાં પણ હું ક્યાં મિતના વિચારો થી દુર જઈ શકી છું. વ્યક્તિથી દુર જઈ શકાય પણ તેને વિચારોથી સાવ અલિપ્ત કરવું અઘરું છે…..
“ઓહ નાં ઈચ્છવા છતાં કેટલા બધા વિચારો છુકછુક ટ્રેનની માફક ધીમી ગતિએ આવતાં જ રહે છે.” આ બધાથી ભાગવા માટે માથું હલાવી રોહિણી ઉભી થઈ ગઈ.
ત્યાંજ ફોનની ઘંટડી રણકી ઉઠી.

હલ્લો રોહિણી હું કર્મ બોલું છું? કેમ છે તું?” સામે અવાજ ગુંજી ઉઠ્યો.

” ઓહ કર્મ? કેમ છે તું? ક્યાંથી બોલે છે?

“તારાજ શહેરમાં છું. બે દિવસ થયા લંડનથી સુરત આવ્યાને, બસ તને મળવાની ઈચ્છા થઈ જો તું આજે ફ્રી હોય તો”. કર્મ બોલતો રહ્યો.

” અરે હા જરૂર આવ. હું તો ઘરે જ છું, બસ મારા હસબંડ ઘરે નથી તો તું તેમને નહિ મળી શકે.” કહેતા રોહિણીએ નવા ઘરનું એડ્રેસ આપી કર્મને ડીનર માટે આમંત્રણ આપ્યું.

સાંજે સમય પ્રમાણે કર્મ આવી પહોચ્યો.
” વાઉ કર્મ યુ આર લુકિંગ વેરી હેન્ડસમ” રોહિણી તેને હળવું આલિંગન આપતા બોલી. ચાર વર્ષ લંડનમાં રહીને આવેલો તે હવે વધારે ડેસિંગ લાગતો હતો.

કર્મ,રોહિણી અને મિત સ્કુલ સમયના મિત્રો હતા. કોલેજ પૂરી થતા કર્મને વિઝા મળતાં તે લંડન મામાને ઘરે ફરવા ઉપડી ગયો અને ત્યાંની સિટીઝન છોકરી મળી જતા લગ્ન કરીને ત્યાંજ સેટલ થઇ ગયો.
ફોનમાં કર્મની લંડનની વાતો અને લાઈફ સ્ટાઈલથી પ્રભાવિત થયેલા મીતને પણ ત્યાં જવાની ઈચ્છા જોર મારતી. પરંતુ રોહિણી સાથેના પ્રેમ સબંધોને કારણે તેના પગ પાછા પડતા હતા. સ્કુલ સમયની દોસ્તી કોલેજમાં આવતા સુધીમાં પ્રેમમાં પલટાઈ ગઈ હતી.

જીંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ઈચ્છા વિરુદ્ધ પણ કરવું પડે છે વિચારતા કર્મે મોકલાવેલા સ્પોન્સરને આધારે મિત લંડન જવા તૈયાર થઇ ગયો. જવાની આગલી રાત્રે રોહિણીને મળ્યો.

” રોહિણી મને સમજવાની કોશિશ કર, હું માત્ર તનેજ પ્રેમ કરું છું, આપણા પ્રેમને કારણેજ હું પરદેશ જઈ રહ્યો છું. જો બે ત્રણ વર્ષ મને ત્યાં કામ કરી લેવા દે, પાછો આવીશ પછી હું અને તું આખી જીંદગી સાથેજ રહીશું.”

આંખોમાં અવિરત આંસુની ધારા સાથે રોહિણીએ મીતને વિદાઈ આપી. હિથ્રો એરપોર્ટ ઉપર લેવા આવેલા કર્મની સાથે મહિનો રોકાયા પછી મિત વેમ્બલીમાં બીજા ત્રણ ગુજરાતી અને એક બાંગ્લાદેશી યુવાન સાથે રહેવા ચાલ્યો ગયો. કારણ અહીંથી નવી મળેલી જોબ નજીક પડતી હતી. ઓછા સમયમાં વધુ પાઉન્ડ કમાઈ લેવા તે ઓવરટાઈમ કરવા લાગ્યો.

આ બધી નવી ગોઠવણીઓ દરમિયાન રોહિણી સાથેનો તેનો સંપર્ક ઘટતો ચાલ્યો. આ બધાથી અજાણ રોહિણીને લાગતું મિત તેને ભૂલી રહ્યો છે. આવી અણસમજ તેમની વચ્ચે ખાઈનું કામ કરવા લાગી.

” મિત પરદેશની હવામાં તું બદલાઈ ગયો છે. તારા વચનો બધા અત્યારથી જુઠા સાબિત થઇ રહ્યા છે, અને મારા માતા પિતા મારી ઉપર લગ્ન માટે ખુબ દબાણ કરે છે. હવે તુજ કહે હું શું જવાબ આપું?”

” જો રોહિણી તું મને સમજવાનો ટ્રાય કર. અહી જેટલું દુરથી લાગે છે તેટલું સોહામણું નથી. અત્યારે હું ૧૪ કલાક કામ કરું છું જેથી જલ્દી ત્યાં આવી શકું. ઉપરથી બે મહિનામાં હું ઈલીગલ થઇ જઈશ પછી અહી અઘરું થઇ પડશે. તું મને આમ હેરાન ના કરીશ. બસ વિશ્વાસ રાખી મારી રાહ જોજે.” કહી કંટાળેલા મીતે ફોન પટકી દીધો.

આ તરફ રોહિણી લગ્ન માટે નાં ના કરીને થાકી ગઈ હતી. હવે તેના માતાપિતા તેનું કશુંજ સાંભળવા તૈયાર નહોતા. રોહિણીએ થાકીને મીતને પાછા આવી જવા સમજાવ્યો.

” ભલે રોહિણી હું દસ દિવસ પછી પાછો આવું છું. ખાસ બચત નથી થઈ પરંતુ તારી ખુશી માટે હું આવીશ”

રોહિણી ખુશ હતી કે હવે બધું બરાબર થઈ જશે. આમ કરતા દસ દિવસ વીતી ગયા. આ દરમિયાન નાં તો મિત ફોન ઉઠાવતો અને નાં તેના આવવાના કોઈ સમાચાર આવ્યા. થાકીને રોહિણી તેના ઘરે આંટો લગાવી આવી તો જાણવા મળ્યું.

” બેટા તને નથી જાણ તેની ત્યાં રહેવાની મુદત પૂરી થઇ જતી હતી આથી ત્યાંની કોઈ સીટીઝન છોકરી સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે.”

રોહિણી સાંભળતાં તેની માટે જાણે ધરતી ફાટી ગઈ હતી. આસમાન તૂટી પડ્યું હતું. પહેલા પ્રેમની આવી અવગતિએ તેને સંપૂર્ણપણે તોડી નાખી હતી. થોડા દિવસો એ સુનમુન બની ગઈ, સમય જતા આઘાતની કળ વળતાં તેણે નક્કી કરી લીધું કે બસ હવે ભૂતકાળને ભૂલી જવો છે. તેનો ઓછાયો પણ આવનાર ભવિષ્ય ઉપર પાડવા દેવો નથી. માતાપિતાની પસંદગી ઉપર હા ની મહોર લગાવી રોહિણી સરયુ સાથે પરણી ગઈ.

સરયુ સ્વભાવે સરળ અને પ્રેમાળ હતો. રોહિણી તેના પ્રેમની છાયામાં મીતને ભૂલવા લાગી હતી. તેમાય તેના દ્વારા થયેલા દગાને કારણે તે હવે તેના વિચારોથી પણ દુર ભાગતી હતી. છતાં ક્યારેક તો જૂની વાતો જુના મિત્રોની હાજરી તેને કોચલામાંથી બહાર ખેચી લાવતી.

આ વખતે પણ આમજ બન્યું હતું. કર્મની સાથે તેજ આપોઆપ ખેંચાઈ આવ્યો હતો. કર્મની સાથે વાતો કરતી હસતી હતી. વાતોમાં તે જતાવતી રહેતી કે પોતે સરયુ સાથે ખુબ સુખી છે. છતાં તેના કાન તો તેજ વિષે સાંભળવા ઉત્સુક હતા. કર્મ એ બાબતે એક પણ હરફ ઉચ્ચારતો નહોતો. છેવટે સામેથી તેજ વિષે પૂછપરછ આદરી.

” તારો મિત્ર તેજ તેની યુરોપિયન વાઈફના શું સમાચાર છે?”

” બસ બંને ખુશ છે તેમની લાઈફમાં. મારે ખાસ કોન્ટેક્ટ નથી તો વધારે કઈ માહિતી નથી.” કર્મ આટલું બોલી ચુપ થઈ ગયો.
” બાથરૂમ ક્યા છે હું જરા ફ્રેશ થઈને આવું. ભૂખ પણ લાગી છે જો તે કઈ બનાવ્યું હોય તો જમી લઈશું” વાતાવરણને હળવું કરતા બોલ્યો.

જમીને બંને મિત્રોએ પેટભરીને વાતો કરી છેવટે છુટા પડ્યા. જતા પહેલા કર્મ ફરી સરયુંને મળવા જરૂર આવશે કહી વિદાય થયો.

” એક શબ્દ ” બંને ખુશ છે તેમની લાઈફમાં” આંચકો આપી ગયો. આ અણગમતો અનુભવ અલિપ્તતા વધારી ગયો. થોડાક દર્દ પછી તેને લાગ્યું હવે કાયમને માટે માનસિક શાંતિ મળી ગઈ.

રસ્તામાંથી કર્મે તેજને ફોન કર્યો.
” તેજ હું રોહિણીને મળીને આવ્યો. ખુબ ખુશ છે તેની ફેમીલી લાઈફમાં. તારી પ્રાર્થના ફળી ગઈ યાર. તું કેમ છે? નર્સ તારી બરાબર દેખરેખ કરે છે ને!”.

” હા યાર તું ચિંતા ના કરીશ હું આ ચાર વર્ષમાં મારું ઘ્યાન રાખતા શીખી ગયો છું. અને પુનામાં ત્રિવેણી આશ્રમનું વાતાવરણ મને ખુબ ફાવી ગયું છે. અહી યોગ ઘ્યાન બધુજ શીખવે છે અને હું હવે કવિતાઓનું પુસ્તક “રોહિણી” બહાર પાડી રહ્યો છું. અને રાઈટરમાં મારું ઉપનામ નક્ષત્ર હશે. કર્મ લંડન જતા પહેલા મને મળવા તો આવીશ ને?” તેજના અવાજમાં આજીજી હતી.

” હા યાર ચોક્કસ મળવા આવીશ. પણ મન એક વાર રોહિણીને સાચું કહેવાની છૂટ આપીશ?”

” નાં દોસ્ત એવી ભૂલ ક્યારેય ના કરીશ , હું તેને દુઃખી નહિ જોઈ શકું. તે જો જાણશે કે એરપોર્ટ જતી વેળાએ કારને થયેલા એકસીડન્ટમાં મારા બંને પગ ગુમાવી દીધા હતા. તો તેની જાતને તે ક્યારેય માફ નહિ કરી શકે. બસ તું આવું ત્યારે તેનો તેના પતિ સાથેનો ફોટો મારી માટે જરૂર લઇ આવજે. હું રાહ જોઇશ.” કહી તેજે ફોન મૂકી દીધો.

આશ્રમના રૂમમાં બંને પગ ગુમાવી બેઠેલો મીત પણ માનસિક શાંતિ અનુભવી રહ્યો હતો. “કમસે કમ રોહિણી હવે તેની યાદમાં દુઃખી તો નહિ થાય ને! “

 

ફૂલોની મહેક સમી આ જીંદગી- રેખા વિનોદ પટેલ(ડેલાવર)યુએસએ

આજથી ચાલીસ પિસ્તાળીસ વર્ષ પહેલાંનું અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર ગણાતું હતું. આવા અમદાવાદમાં સોહનચંદ રાયચંદ નામના યુવાને કાપડ ઉદ્યોગમાં ઝંપલાવવાનો વિચાર આવ્યો અને તે માટે નાનકડી મિલ સ્થાપવાનું વિચાર્યું.

શેઠ રાયચંદનો એકનો એક પુત્ર હોવાના ફાયદા રૂપે સોહનચંદને લંડન જઈ તાલીમ મેળવવાનું અહોભાગ્ય મળ્યું હતું. ત્યાંથી શીખેલું જ્ઞાન અને શિષ્ટતા પાલન તેને અહીંયા બરાબર કામ આવી રહ્યા હતા. સોહનચંદનાં પિતા શેઠ રાયચંદની અમદાવાદમાં કાપડની ધમધોકાર ચાલતી બે દુકાનો હતી.એનાં દીકરા સોહનને તો બસ કાપડ બનાવવામાં રસ હતો અને તે માટે તેણે બરાબર કમર કસી હતી

સોહનચંદે અમદાવાદ નજીક ગામડામાં આવેલી બાપદાદાની જમીનો વેચી, કેટલાક મિત્રો પાસેથી ઉછીના રૂપિયા લીધા અને પાસે પડેલી બધી જ મૂડી આ સ્વપ્ન યજ્ઞ માટે લગાવી દીઘી. તેના આ કાર્યમાં નવી પરણીને આવેલી પરણેતર ગાયત્રીએ પોતાની સાથે લાવેલા દાગીના પણ સ્વેચ્છાએ આપી એક અર્ધાગીની હોવાની ફરજ અદા કરી હતી.

સોહનને કોઈ આર્થિક કારણોસર બંધ પડેલી એક મિલ સસ્તા ભાવે મળી ગઈ. ત્યારથી સોહનચંદમાંથી શેઠ સોહનચંદ થવાના સફરની શરૂવાત થઇ હતી. રાત દિવસ જોયા વિના નાના પાયે કરાએલી મિલને તેણે પ્રગતિના પંથે દોડતી કરી દીધી.

સો કામદાર થી શરુ થયેલી તેમની મિલ બે વર્ષમાં તો એક હજાર કામદારનો આંકડો આબી ગઈ, સાથે વાર્ષિક વેચાણનાં આકડાઓમાં પણ પંદર ગણૉ વધારો થયો. બે વર્ષનાં ગાળાં સૌ કોઇને અંચંબિત કરી દેતી પ્રગતિ કરી હતી. માત્ર બે વર્ષમાં હવે એ શેઠ સોહનચંદ તરીકે જાણીતા બની ગયા.

શેઠ માત્ર રૂપિયા પૈસાને મહત્વ આપતા એવું નહોતું. તે જાણે શિષ્ટતા અને સમય સૂચકતાના પણ જબરા આગ્રહી હતા અને આજ કારણે તેમની મિલનાં મજદૂરથી લઇ કર્મચારી સુધ્ધાં સમયસર આવુઈ જતા. કારણકે જો કોઈ મોડા પડે તો તેની આખા દિવસની રોજગારી કપાઈ જતી. કેટલાક છાને ખૂણે કહેતા કે “શેઠ ઘડિયાળ ગળી ગયા છે અને હવે કાંટા ઉપર જીવે છે”.
આમ છતાં તે અહી કામ કરતા કામદારોમાં પ્રિય હતા. તેનું કારણ હતુ કે શેઠ કડક હોવા છતાં ઉદાર વ્યક્તિત્વના માલિક હતા. બહાર સખત નાળીયેર જેવા અંદર મુલાયમ કોપરા જેવું હ્રદય હતું.

લંડન તાલિમ પામી હોવાથી વર્કર વેલફેર અને અન્ય સુવિધાઓનો ખાસ ખ્યાલ રાખતા હતાં. મિલમાં કામ કરતા મજુરોની પ્રાથમિક સારવાર માટે દવાખાનું અને નાના બાળકો માટે ખાસ બાલમંદિર જેવું મિલની પાછળના ભાગમાં બનાવડાવ્યું હતું. જેથી અહી કામ કરતા માતાપિતાને તેમના નાના બાળકોની ચિંતા નાં રહે અને બાળકોનો પ્રાથમિક પાયો પાકો બને. તે માનતા હતા કે પાયો પાકો અને મજબુત હશે તોજ ઈમારત ટકી રહેશે. વધારામાં અહી કામ કરતા કામદારોની ઘાર્મિક લાગણીઓ ને પણ ઘ્યાનમાં રાખી નાનકડા મંદિરની બાજુમાં મુસ્લિમ કામદારો નમાજ પઢી શકે એવી નાની મસ્જીદ પણ બંધાવી હતી.જ્યાં દરેક પ્રસંગોને તહેવારોને સાથે મળી સાથે ઉજવવાની નેમ હતી. આ જ કારણસર અહી કોમી એકતા દેખાતી હતી. સાથે દરેકની કાર્યશક્તિ પણ એક બની વધતી જતી હતી.

વધારે પડતી મહત્વકાંક્ષા તમને તમારા પોતાનાઓથી અલગ રાખે છે. તે વાત સોહન ચંદ ભૂલી ગયા હતા. તેમનું બધુજ ઘ્યાન પૈસા અને શાખ કમાવવા પાછળ હતું. તેમને મન આબરુની બહુ કિંમત હતી. શેઠ રાયચંદનાં અવસાન પછી તેમને બાપદાદાની દુકાન જ્યાં હતી ત્યાં તેમનાં રીટેઇલ શોરૂમ શરૂ કર્યા હતાં. તેમની મિલનાં ઉત્પાદન અને માલની ગુણવત્તાનું નામ હતું. બંધ પડેલી નાનકડા પાયે શરુ થયેલી મિલ હવે સોહન મિલના નામે જાણીતી બની ગઈ હતી. એ જમાનાંમાં કાચા માલ માટે રૂમાંથી દોરા બનાવવા માટે સ્પીંડલ મશીનો વસાવવાં એક સપનાં જેવું હતુ. ત્યારે એને જર્મનીથી ખાસ સ્પીંડલ મશીનો બેસાડીને કાચા માલ બનાવવાની એક જુદી ફેકટરી નાંખી દીધી.

કામમાં ડૂબેલા રહીને શેઠ પરિવાર સાથે કૌટુંબિક કારણ વિના ક્યાય બહાર જતા નહિ. ના મોજ શોખ અને ના કોઈ વેકેશન…તેઓ હંમેશા કહેતા “અત્યારે કામ કરવાના દિવસો છે. હરવાં ફરવા માટે આખી જિંદગી પડી છે.”

બહારની માફક ઘરમાં પણ તેમની શિસ્તતાની ધાક પ્રસરતી જતી હતી ઘરના નોકરોથી લઇ ગાયત્રીબેન , દિકરો ઘવલ સોહનચંદના ઘરમાં આવતાની સાથે યાંત્રિક બની જતા. વધારે પડતી મીઠાશ કે છૂટ જેમ ઝેરનું કામ કરે છે એ જ રીતે વધુ પડતી કડવાસ કે બંધન બળવાનું કામ કરે છે.

હવે ઘવલ દસ વર્ષનો થઇ ગયો હતો. પહેલા તે પિતાજીનાં ગુસ્સાથી તેમની ડાંટ ડરતો હતો. પરંતુ હવે સમાજણો થતા તે પિતાજીની વાત સામે પોતાનો વિરોધ નોંધાવતો થઇ ગયો. સોહનચંદ શેઠને આ વાત ખૂંચતી હતી આથી પોતાના જેવી શિષ્ટતા શીખવવાના હેતુ થી એકના એક દીકરાને નાની વયમાં દેહરાદૂનની કોન્વેન્ટ સ્કુલમાં મોકલી દીધો. તેમની ઇચ્છા તો ધવલને પરદેશ મોકલવાની હતી પરંતુ ગાયત્રીબેનની સ્ત્રી હઠ સામે તે ઝુકી ગયા.

સોહનચંદ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા અને ગાયત્રીબેન ઘરમાં નોકરો સાથે એકલા રહી જતા. આથી સમયાંતરે દીકરાને મળવા પ્લેનમાં દહેરાદુન પહોંચી જતા. દરેક સબંધમાં નજીદીકી અને વાતચીતના દોર જેટલા વધારે રહે તેટલા લાગણીના તંતુઓ મજબુત રહેતા હોય છે. સોહન શહેરની બહાર ભણતો હોવા છતાં મા દીકરા વચ્ચે પ્રેમ અકબંધ રહ્યો હતો.પરંતુ સોહનચંદની વ્યસ્તતાને કારણે પુત્ર તેમનાથી દુર થતો ગયો વધારામાં તેના નાનકડા મગજમાં ઘુસી ગયું હતું કે પિતાજીની જીદને કારણે તેને વહાલસોઈ માતાથી દુર રહેવું પડે છે.

હવે ઘવલ ફક્ત ઉનાળાની રજાઓમાં ઘરે આવતો હતો. જ્યારે પણ અમદાવાદ આવે ત્યારે આખો દિવસ તે માતા સાથે અથવા જુના મિત્રો સાથે વિતાવી દેતો. આ દરમિયાન બહુ ઓછો સમય તે શેઠ સોહનચંદ સાથે વિતાવતો અને સમય થતા પાછો ચાલ્યો જતો. આમજ સમય ઉડતો રહ્યો. ઘવલ દહેરાદુનથી સીધો આગળ ભણવા માટે સીધો અમેરિકા બોસ્ટનની યુનીવર્સીટીમાં પહોચી ગયો. તેના જવાની બહુ મોટી અસર ગાયત્રીબેન ઉપર પડી હતી. તે બધી સુખસાહબી વચ્ચે પણ એકલતા અનુભવતા હતા અને સોહનચંદ કામમાં વધુને વધુ ખુંપતા જતા હતા આમ ને આમ સોહનચંદે આ વર્ષે બાસઠ બર્ષ પુરા કર્યા .

બે વર્ષ પછી એક દિવસ અચાનક ધવલનો ફોન આવ્યો.
“મા,પિતાજી જય શ્રી કૃષ્ણ ,મારે તમને એક ખાસ વાત કરવાની છે ” ઘવલે વાતની શરૂવાત કરી
“હા બેટા, બોલને” ગાયત્રી બેન દીકરાનો ફોન આવતા ખુશ થઇને બોલ્યા.
“મા …..,તારા માટે મે વહું શોધી લીધી છે. હું મિતાલીને પસંદ કરું છું. તે ગુજરાતી છે. તેના પિતા રાજેશભાઈ અહીના મોટેલ કિંગ છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ. મા……તેની એક શરત છે કે તે ઇન્ડીયામાં આવી અમદાવાદમાં સેટલ નહી થાય. અને મારે પણ અહીજ સેટલ થવું છે. ”

ધવલની આ વાત સાંભળીને ગાયત્રીબેન દુઃખી થઇ ગયા.” બેટા……,તારા વગર અમારું શું? તું એકમાત્ર અમારો અને તેમાય મારો સહારો છે” આટલું બોલ્યા પછી ગાયત્રીબેનની આંખો ભીની થઇ ગઇ.

“મા હું સમજુ છું,તારી વાત પણ સાચી છે , પણ હું મિતાલી વિના નહિ રહી શકું અને ત્યાં આવીને મારે પિતાજીના હાથ નીચે જ કામ કરવું પડશે જે મને મંજુર નથી.જો તું મને પ્રેમથી અને ખૂશીથી હા કહે તો સારું.”ઘવલે માતાની મમતાની આડ લઇને છેલ્લો દાવ ફેક્યો … તે જાણતો હતો કે મા તેની ખુશીમાં ખુશ થશે અને પિતાજી તો આમ પણ કામમાં ખુશ રહે છે.

બન્યું પણ એ જ જે ધવલ ધારતો હતો. ગાયત્રીબેન અને સોહનચંદે દીકરાની ખુશીને પોતાની ખુશી શોધી લગ્ન માટે હા કહી અને બંનેને લગ્ન કરી થોડો સમય ભારત આવવા જણાવ્યું.

ઘવલ અને મિતાલી મહિના માટે ઇન્ડીયા આવી થોડો સમય અમદાવાદ અને થોડો સમય ભારત દર્શન કરી પાછા પોતાના અલગ બનાવેલા માળામાં અમેરિકા પહોચી ગયા.જેટલા દિવસ ધવલ અને મિતાલી અહીં રહ્યા એ દિવસો ગાયત્રીબેનના જીવનનાં સુખ દીવસો હતા અને પહેલીવાર શેઠ સોહન ચંદે મોટાભાગનો સમય પરિવાર સાથે વિતાવ્યો હતા અને ત્યારે પહેલી વાર તેમને અહેસાસ થયો કે આટલું મેળવવામાં ઘણું ગુમાવ્યું છે.પહેલીવાર પત્નીના લાંબા કાળા વાળમાં સફેદીની ઝાંય જોઈ હતી. તેના ગોરા ચહેરા ઉપર ઝીણી કરચલીઓનું બંધાતું જાળું જોયું હતું અને આંખોમાં એક ખાલીપો પણ અનુભવ્યો હતો , અને દીકરાને બચપણથી લઇ જુવાનીના વેશમાં પલોટાતો જોવાનો મોકો ચુકી ગયાનું દુઃખ તરવરી ઉઠ્યું હતું.

એક રાત્રે પાછલા વર્ષોનું સરવૈયું કાઢતાં સોહન ચંદે એક નિર્ણય લીધો “બસ હવે બહુ થયું હવે બાકીની જિંદગી હું ગાયત્રી સાથે શાંતિથી વ્યતીત કરીશ”

બીજા દિવસની સવારે આકાશ આખું ગોરંભાએલું હતું. કાળા વાદળાઓ સૂર્યને ઢાંકવાની કોશિશ કરતા હતા અને આ વરસું વરસું કરતો વરસાદ કોણ જાણે કોની પ્રતીક્ષામાં અવઢવમાં હજુય ઘેરાએલો હતો.

હંમેશની માફક વહેલી સવારે ગાયત્રીબેન થોડીવાર પ્રાણાયામ કરીને નાહી પરવારીને પૂજાઘરમાં ગયા. તે પૂજા વિધિ સંપન્ન કરીને પાછા આવે છે ત્યારે રોજની જેમ સોહનચંદ બહાર બાલ્કનીમાં બેસી પ્રાણાયામ કરતા હોય કે પછી હળવી એકસરસાઈઝ પતાવતા હોય આ છેલ્લા દસ વર્ષથી ચાલતો નિયમ હતો. પણ આજે કોણ જાણે સોહનચંદ હજુ પથારી છોડી બહાર આવ્યા નહોતા. કદાચ વાતાવરણની અસર હશે એમ સમજીને ગાયત્રીબેન રાહ જોઈ બેસી રહ્યા. પરંતુ એને સોહનચંદનાં રૂમમાંથી ઉહાકારો સંભળાતા તે અચાનક ચમકી ગયા. રૂમમાં જઈને જોયું તો સોહનચંદ શેઠનું શરીર તાવમાં તપતું હતું. તેમણે ફેમિલી ડોક્ટરને ફોન કરી દીઘો અને સોહનચંદને માથે ઠંડા પાણીના પોતા મુકવા બેસી ગયા.

ફેમિલી ડોકટર શાહ તુરંત આવી ગયા. તેમણે તાત્કાલિક સારાવાર આપી અને તેમનું બ્લડ ટેસ્ટ માટે મોકલી આપ્યું અને જતા જતા કહેતા ગયા,”ગાયત્રીબેન,ચિંતા ના કરશો. હું કાલે રીપોર્ટ આવશે એટલે જાતે જ આવી જઈશ અને કામ હોય તો ગમે ત્યારે મને ફોન કરી શકો છો.”

આજે પહેલી વાર શેઠ મિલ ઉપર ગયા નહી. આખો દિવસ આરામ કર્યો.અચાનક શું થયું હશે તે પણ વિચારમાં પડી ગયા હતા!! બીજા દિવસે પણ અશક્તિ લાગતી હતી અને ડોક્ટર શાહના કહ્યા મુજબ આજે પણ તેમને આરામ કરવાનો હતો.બપોર થતાં ડોક્ટર જાતે બંગલે આવી પહોચ્યા.
“કેમ છો સોહન શેઠ મઝામાં છો ને” ડૉ.શાહ હસતા બોલ્યા તે શેઠના મિત્ર હતા ,
શેઠ ડોક્ટર મિત્રની ફિક્કી હસીને જાણી ગયા “બોલો…..,રીપોર્ટ શું કહે છે.વિના અસંકોચે મને જણાવો, મરીઝથી દરદ છુપાવશો તો તે ઈલાજ કેમ કરી કરાવશે” સોહનચંદ સાહજિક થઈ બોલ્યા….

“હા મિત્ર મારે તમને કહેવુ જ પડશે કારણકે આ વાત ભાભીજીને હું કહી શકું તેમ નથી અને ધવલ પણ દેશમાં નથી. તમને હાડકાનું કેન્સર છે અને તે પણ છેલ્લા સ્ટેજનું બહુ ઝાઝો સમય હાથમાં નથી રહ્યો. છતાં પણ હું મારાથી બનતી કોશિશ કરીશ તમે હિમત નાં છોડશો , પરતું એક વાત કહો કે આટલી સ્થિતિ કાબુ બહાર થઇ પણ તમને જરાય સરખી ગંધ નાં આવી?” ડોકટરે પૂછ્યું

“ડોક્ટર ભારે કરી!આજે પહેલી વાર તમને મારી સારવાર કરવાનો મોકો આપ્યો અને તેમા પણ તમે પીઠ બતાવી ? ચાલો કઈ નહિ જેવી ઉપરવાળાની મરજી. બાકી છેલ્લા મહિનાથી મને થાક વરતાતો હતો.થોડું શરીર કળતું હતું. પરંતુ ધવલ સાથે સમય વિતાવ્યા પછી કામનું ભારણ વધી ગયું હતું તો મેં બહુ ઘ્યાન નાં આપ્યું.” સોહન શેઠના અવાજમાં પહેલી વખત કંપતો હતો.

કંપતા અવાજ પર કાબુ મેળવી ને સોહનચંદ બોલ્યા,”ભલે ડૉકટર….,જેવી ઈશ્વરની મરજી. પણ ડોક્ટર તમે હમણા ગાયત્રીને કઈ નાં જણાવતા.હું ખુદ સમય આવ્યે જાતે જણાવીશ”.

“ભલે પણ તમે સમયસર મારી હોસ્પીટલમાં ચેક અપ માટે આવજો. ત્યાંજ ડોક્ટર જેસ્વાનીની સારવાર શરુ કરી દઈશું.” કહીને ડોક્ટર ઉઠ્યા.

ડૉકટર વિદાય થતા,સોહન શેઠે વિચારમાં પડી ગયા.આજ લગી બધા સુખ ચેન ભૂલી માત્ર નામ અને પૈસા માટે જીવ્યો અને તેમા હું ભૂલી ગયો કે સમયનું કેટલું મહત્વ છે? આજ સુધી માનતો હતો કે થાય ત્યાં સુધી કામ કરી લેવા દે પછી શાંતિથી જીવીશ …પણ હવે ક્યા સમય છે.શાંતિ ક્યા છે? હવે આ અઢળક ધનને શું કરવાનું? કાલ કોણે દીઠી હતી? સમયના રહેતા બધું ભોગવ્યું હોત તો આજે આ અફસોસ નાં રહેત. હવે એને આજે તેમણે નક્કી કરી લીધું કે સમય તો રહ્યો નથી કે હું આ ધનને વાપરી શકું. પંરતુ એવું કઈક કરુ કે મારી મહેનતનું ઘન સત્કર્મમાં વપરાયાનું સંતોષ રહે.

દીકરાને તો આ રૂપિયાની જરૂર નથી અને ગાયત્રીને ઘનનો કોઈ લોભ નથી. કંપનીના સાઈઠ ટકાના શેર પોતે રાખી બીજા બધા શેર મિલના જુના અને વફાદાર કામદારોમાં વહેચી આપ્યા.

હવે પાસે પડેલા ઘનને જરુરીયાત વાળા સુધી પહોચાડવાનું બીડું હાથમાં લઇ શહેરની અલગ અલગ સંસ્થાઓમાં નીકળી પડ્યા. સીધા તે અનાથાશ્રમમાં ગયા. બહાર પ્રાંગણમાં મોંઘીદાટ વિલાયતી ગાડીને પાર્ક કરી નીચે ઉતર્યા.પહેલીવાર અહી આવતા હતા. તેમના મનમાં એમ હતુ કે બિચારા લાગતા બાળકો વિલા મ્હોએ અહી બેઠેલા જોવા મળશે.પરંતુ તેમની કલ્પનાથી વિરુદ્ધમાં ખીલખીલાટ હસતા રમતા બાળકોને નાં આજની ચિંતા હતી ના કાલની ફિકર. તેમની સાથે વાતો કરતા સમજાયું કે તેમને પૈસા કરતા પ્રેમની જરૂર વધુ હતી. મનની ઈચ્છા પૂરી કરવા જરૂરી દાન આપ્યું.

પછી વૃધ્ધાશ્રમમાં ગયા, ત્યાં પણ જોયું કે કેટલાક વૃધ્ધો ભેગા મળી હરિભક્તિ કરતા હતા કેટલાક જીવનની ખટમીઠી વાતો મમળાવતા હતા. કેટલાક પોતાનાઓથી તરછોડયાનું દુઃખ વળગાળી બેઠા હતા. તેમને કાલની ચિંતા પણ નહોતી રહી. શેઠે નોંધ્યું કે આ બધાને પણ પૈસા કરતા પ્રેમની જરૂર વધુ હતી..

આમ તે જ્યાં જ્યાં જતા બધે તેમને પ્રેમનું મહત્વ વધુ લાગતું હતું. બસ એક ભૂખ પાસે અને દવાખાનાંના પગથિયાં ચડતાં પૈસો ઉંચે ચડતો હતો. આથી સોહનચંદે સારો એવો હિસ્સો ભુખ્યાના ભોજન માટે અન્નક્ષેત્ર બંધાવવા માટે અલગ રાખ્યો.

હવે તે ગાયત્રીબેન સાથે વધુ સમય વ્યતીત કરતા હતા. તેમની સાથે સગાવહાલાના ઘરે પણ જઈ આવતા હતા… બધાને સોહનશેઠના આવા બદલાતા વર્તનથી આશ્ચર્ય થતું હતું. પણ બધા ખુશ હતા કે ચાલો હવે શેઠ વ્યવહારુ થતા જાય છે.

સોહનશેઠના અચાનક બદલાવને કારણે ગાયત્રીબેનને નવાઈ લાગતી હતી.તે સમજી ગયા કે દાળમાં કંઈક કાળું છે!!!! બહુ પૂછતા સોહનચંદે ગાયત્રીબેનને સાચી વાત જણાવી દીધી. સોહનચંદ શેઠની વાત સાંભળીને પહેલા તો ગાયત્રીબેન બહુ રડ્યા,પણ તે બહુ હિંમતવાળા હતા. તેમણે તરત ધવલને ફોન જોડ્યો અને બધી વાત કહી સંભળાવી બદલામાં દીકરો વળતી ફ્લાઈટે અમદાવાદ આવી ગયો. શેઠની આંખોમાંથી પહેલી વાર પાણી નીકળી આવ્યા. જે દીકરાને અને પત્નીને જરા સરખો સમય નહોતો આપ્યો તે તેમનું બધું કામ છોડી આજે મારી પાસે ઉભા છે …

પિતાજી તમે જરાય ચિંતા નાં કરો તમને કશુય નથી થવાનું જુવો અહી સિવિલ હોસ્પીટલના કેન્સર ડીપાર્ટમેન્ટનાં હેડ ડોક્ટર મિતાલીના મામા છે. આપણે આજે જ ત્યાં જઈને તમારું ચેક અપ કરાવી આવીએ. બધા ચેકઅપ અને બ્લડ ટેસ્ટ પછી ડોકટરે ધવલ અને સોહન શેઠને ફરી બોલાવ્યા.”જુઓ સોહન ભાઈ…..,તમે ખુશ થાઓ.તમને કશુ જ નથી થયુ. તમારો બ્લડ રીપોર્ટ બીજા પેશન્ટ સાથે બદલાઈ ગયો હશે.તમે એકદમ તંદુરસ્ત છો.”

ડૉકટરે સચ્ચાઇ જણાવતા બધા ખુશ થયા. સહુથી વધારે ખુશ શેઠ સોહન ચંદ હતા કે ડોક્ટરની એક ભૂલે તેમને જિંદગીનો સાચો આયનો બતાવી દીધો,અને તે સમજી ગયા કે પૈસાનું મહત્વ છે. પરંતુ ફૂલોની મહેક સમી જિંદગી કરમાઈ જાય તે પહેલા જીવી લેવી જોઈએ.ના જાણે સમય ક્યારે દગો દઈ જાય.

 

પિંજરામાં કેદ કોણ? રેખા પટેલ(વિનોદિની)
ડીસેમ્બર મહિનાની કડકતી ઠંડી અમેરિકાના ઇસ્ટ કોસ્ટને થથરાવી રહી હતી. સવારના નિત્યકર્મથી પરવારી બાળકો અને કામમાં વ્યસ્ત રહેતા પતિને બાયબાય કહી સજલ ગરમ ચાયનો કપ લઇ તેના વિશાળ ઘરની પાછળના ભાગમાં આવેલા સન રૂમનાં સોફા ઉપર બેઠી. ગ્લાસની વિન્ડોની આરપાર પર્ણ વિહીન વૃક્ષોને ગ્લાની ભરી નજરે નિહાળતી હતી ત્યાંજ તેની નજર ડેક ઉપર પડી. સજલે જોયું કે એક તાજું જન્મેલું નાનકડું પીળું ચકલીનું બચ્ચું ઠંડીમાં થરથર ઠુંઠવાતું હતું. બહાર જઈ બહુ એને કોમળતાથી તેને હાથમાં ઉચકીને તે ઘરમાં લઇ આવી. એક ગરમ રૂમાલમાં વીટાળી તેને ગરમાટો આપ્યો. અને પછી નામ આપ્યું ’સોના’
ફાજલ સમયમાં એ નાનકડા બચ્ચાનો બહુ લાડકોડથી ઉછેરવાનું શરૂ કર્યુ. સોના માટે હવે ઘરમાં એક નાનું મઝાનું પીંજરું આવ્યું. બાળકોએ અંદર હિચકો લગાવ્યો, એક નાનકડો અરીસો મુક્યો. સજલે નાની નાની ઘૂઘરીઓ લગાવી. અને બહાર ‘સોના’નામની તકતી મૂકી.
જેમ જેમ તેનો ઉછેર થતો ગયો તેમ ઘરના બધાને સોના સાથે ગજબની માયા બંધાતી ગઈ. રોજ બધા પોતોતાના કામે બહાર જાય પછી એકલી પડેલી સજલ સોનાને બહાર કાઢતી તેને ઉછળતી કુદતી જોઈ રાજી થતી. ક્યારેક સજલે સામે ધરેલી આંગળીને ચૂમવા સોના અધીરી થઇ જતી. હવે આ બંને વચ્ચે સ્પર્શ અને સંવેદનાં નાતે મમતાનો એક મીઠો અહેસાસ બંધાઈ ગયો હતો.
સોના હવે આ ઘરથી હેવાઈ બની ગઈ હતી. અને સમજદાર પણ થઇ ગઇ હતી. આથી હવે તેને પીંજરાની ખાસ જરૂર ના પડતી. સજલ કામ કરતી હોય ત્યારે તે તેની આસપાસ મંડરાયા કરતી. ક્યારેક ખભા ઉપર બેસી જતી તો વળી માથા ઉપર બેસી ટહુકો કરતી.
સજલને માં યાદ આવી જતી. વિચારતી …”નાનપણમાં એ પણ મારી પાછળ આમ જ દોડતી રહેતી.અને હું પણ માને જોઈ આમ જ ઘેલી થઈ જતી .આખો દિવસ માનો સાડલો પકડી આજુબાજુ ઘુમરાતી રહેતી હતી.”
શિયાળો પૂરો થતા ઉનાળો આવ્યો. સજલને હાશ થઈ ચાલો હવે બહાર ખુલ્લી હવામાં ફરવા જવાનું મળશે. આ કાતિલ શીયાળાના પાંચ મહિના તો જાણે તેને સોનાના પીંજરા જેવા લાગતા હતા. રોજ સાંજે તે ઘરથી થોડે દુર આવેલા બગીચામાં ચાલવા જતી હતી. એક દિવસ એવી બહાર જવાની તૈયારી કરતી હતી ત્યા તો સોનાને જાણે સાથે જવું હોય એમ ચી..ચી..ચી.. કરી મૂકી.
સજલે તેને નાના પિંજરામાં મૂકી બગીચામાં સાથે લઇને ગઈ. કૂણાં કૂણાં પાંદડા અને ઝીણાં ફૂલોથી ભરેલા એક વૃક્ષની નીચે એક બાંકડા ઉપર પીંજરું મૂકી એ થોડું આમતેમ ચાલવા નીકળી ..થોડું આગળ ચાલી તેણે પાછળ વળીને જોયું તો સોના ગભરાએલી મૂંઝાયેલી લાગતી.એ દ્રશ્ય જોઇને સજલને તેનો કોલેજનો પહેલો દિવસ યાદ આવી ગયો. “હું પણ આમ જ મુઝાઇ ગઈ હતી.પછી સમય જતા ટેવાઈ હતી અને એ નવી દુનિયા ગમવા માંડી હતી.” નજીકમાં જ થોડા ચક્કર લગાવી એ સોનાને લઇ ઘરે આવી.
હવે તો આ રોજનું થઇ ગયું હતું. સોનાને પણ બહારની હવા લાગી ગઈ હતી. બગીચામાં તેના જેવા પાંખોવાળા ઘણા જીવોને જોઈ તે હરખાઇ જતી હતી. કેટલાક તો તેની નજીક આવી કાનમાં કંઈક કહી જતા હતાં. બગીચામાં હવે સોનાના દોસ્તારો વધતા જતા હોય તેવું સજલને લાગતું હતું.
એક દિવસ બહાર ચાલવા જવાના સમયે તેની કોઈ મિત્રનો ફોન આવ્યો. અને વાતો વાતોમાં ચાલવા જવાની ઉતાવળમાં સોનાનાં પિંજરામાં બાકડા પર મુકીને જરા દુર સુધી નીકળી આવી. ઉતાવળમાં પિંજરાનું બારણું અધખુલ્લું રહી ગયું હતું.
થોડીવાર પછી એ પાછી આવી અને સામેનું દ્રશ્ય જોઈ અવાક બની ગઈ.સોના પોતાની પાસે આવેલા એના જેવાજ એક સોનેરી સાથી સાથે ઘડી બે ધડીમાં ઉડીને ઉંચે ઝાડની ડાળી ઉપર ઝૂલા ખાતી હતી.
બરાબર એજ રીતે જેમ સજલ તેના પતિ સાથે ચાર ફેરામાં જ સોનેરી બચપણને ભૂલી આટલે દુર ઉડી આવી હતી.
સજલે જોયું ત્યાં દુર સોના એના જેવા જ બીજા સાથી સાથે ચાચમાં ચાંચ પરોવી બેઠી હતી, ટહુકતી હતી.
સજલને યાદ આવ્યું “હું જ્યારે તેમનો હાથ પકડીને ઉડી હતી ત્યારે મારી માના મનની સ્થિતિ પણ કદાચ આવી જ હશે….ગભરાએલી,મુઝાએલી અને દુઃખી છતાં મારા સુખે સુખી”.
ફરી પાછા સનરૂમની વિન્ડોનાં ગ્લાસની આરપાર નજર ફેલાવતી સજલ વિચારતી રહી કે પિંજરામાં કેદ કોણ હતું ” હું કે સોના?”
ડેલાવર (યુએસએ )22282074_1713021062065984_7541422037707309756_n

 

“કાળીની રાણી”

“કાળીની રાણી ”
સામાન્ય છોકરીથી રૂપથી ઉતરતી અને શ્યામવર્ણી એવી વીસ વર્ષની ઉમરની શાલીનીના લગ્ન મિત જેવા દેખાવડા અને સારી નોકરી કરતાં ત્રીસ વર્ષનાં યુવાન સાથે નક્કી થયા ત્યારે શાલીનીનાં કુંટુબીજનોથી લઇને એનાં આડોસી પાડૉસી સહીત બધા મ્હોમાં આગળાં નાખી ગયા હતા.બધા વિચારવાં લાગ્યા કે દેખાવડી રૂપાળી છોકરી સાથે શ્યામવર્ણા છોકરનાં લગ્ન નક્કી થાય ત્યારે એમ કહેવાય કે,”કાગડૉ દહીંથરૂં લઇ ગયો.”જ્યારે અહીંયા સાવ ઉલટું બન્યું છે,એક હંસલો જાણે કાગડીનો લઇ ગયો.”

મિત સુંદર,દેખાવડો અને છ ફૂટ લંબાઇ ધરાવતો એકદમ ગોરો સાથે એમબીએ થયેલો હતો.જ્યારે આ શાલીની તેની આગળ રંગે ખાસ્સી કાળી.શાલીની રંગે કાળી જરૂર હતી પણ એના દેખાવમાં તનવીશ્યામાં જેવી વ્યાખ્યામાં એવી નમણી ભીનાશ તરવરતી હતી .સગાવહાલાં બધા વિચારમાં પડી ગયા કે આમ કેમ કરીને બન્યું ? ચોક્કસ આ મિતકુમારમાં કોઈ ખામી હોવી જોઇએ અથવા એ ચોક્કસ છેતરાયા હશે?

ગમે તે કારણ હોય પણ શાલીનીને સાસરું સારું મળ્યું.પ્રેમાળ સાસુ સસરા હતા સુંદર મઝાનું અમદાવાદની પોળમાં બાપીકું ઘર હતું.આ હરીફાઇના જમાનામાં પોતાની નોકરીમાં સારી પોસ્ટ મેળવવાની લાલચમાં મિતની ઉંમર ત્રીસી વટાવી ગઈ હતી.પાછલા વર્ષોમાં મિતનાં માતા પિતા એને લગ્ન માટે સમજાવતાં ત્યારે એક ચોક્કસ બહાનું આગળ ધરીને કહેતો,”હવે તમારો જમાનો નથી રહ્યો,નોકરી કરતા અને સારા પગાર મેળવતાં યુવાનો મોટે ભાગે સારી પોસ્ટ મેળવ્યા પછી અઠાવીશ કે ત્રીસ વર્ષે લગ્ન કરે છે.”મિતની દર વખતે આ વાત સાંભળી એનાં માતા પિતાને મનને મનાવી લેતાં હતાં.

મોટે ભાગે આપણા સમાજમાં કોઇ છોકરી વધુ છોકરાઓ જુએ છે ત્યારે એને સમજાવવામાં આવે છે કે,”વરનાં ખિસ્સાનો વજન જોવાઇ,એ કેટલા કમાય છે એ જોવાય છે એની ઉંમર કદી ના જોવાઇ.શાલીનીને પણ આ જ રીતે સમજાવીને તેના માં બાપુએ મિતથી દસ વર્ષ નાની શાલિનીને ખુશી ખુશી મિત સાથે વળાવી દીઘી અને હાશકારો અનુભવ્યો.

લગ્નની પહેલી જ રાત્રીએ શાલીનીએ અનુભવ્યું કે મિત તેનાથી દુર ભાગી રહ્યા છે.કશું બોલ્યા ચાલ્યા વિનાં કે સુહાગરાતની પુરુષ સહજ જે પ્રતિક્રિયા હોય મિતે ફકત એટલું કહ્યુ કે,”હું આજે બહુ થાકી ગયો છું.લગ્નની પહેલી રાત્રે પડખું ફેરવી સુઈ ગયો.ફૂલોથી સજાવેલા પલંગ ઉપર અવાચક બનેલી શાલીની આખી રાત પડખા ફેરવતી રહી અને વિચારતી રહી કે,” મિતે કોઈ દબાણ હેઠળ આ લગ્નની હા કહી હશે ? કે પછી સાચેજ થાકી ગયા હશે.આવા અનેક વિચારોમાં ખોવાયેલી શાલીનીની આંખ મીચાઈ ગઈ.

સવારે શાલીનીનાં સાસુસરલાબેને બારણું ખખડાવ્યુ અને ઘડીયાળમાં સમય જોયો ત્યારે મજાયુ કે આજે પહેલા દિવસથી જ પોતે મોડી પડી છે.જલ્દી જલ્દી પરવારી શરમને માથે ચડાવી સાસુ સસરાને પગે લાગી.કહેવાય છે કે,”પુત્રના લક્ષણ પારણે અને વહુના લક્ષણ બારણે” પરખાઈ જાય છે.

લગ્ન થયાં પછીના થોડા મહીનાઓમાં શાલીની સમજી ગઈ કે ભગવાન તુલ્ય અને માતા પિતા જેવા પોતાને વહુને બદલે દીકરી સમજે એવા સાસુ સસરાની શીતલ છાંય માથા ઉપર છે,પણ વરનો સ્નેહ જીતવામાં હજુ સમય લાગશે .

શાલીનીને યાદ આવ્યું લગ્ન પછી સામે ચાલીને એના સાસુ સસરાએ બંનેને થોડા દિવસ હનીમુન માટે બહાર ફરવાનું દબાણ કર્યું તો ત્યારે પણ મિતે બેફીકરાઇથી જવાબા આપ્યો કે,”હમણા નોકરીમાં બહુ કામ છે.”આમ કહીને હનીમુન ઉપર જવાની પણ નાં પાડી દીધી.

લગ્ન થયાં પછી મિત સવારે વહેલો ઘરેથી નીકળી જતો અને રાત્રે પણ મોડો ઘરે આવતો અને મોટાભાગે બહાર જમીને આવતો હતો અને બહુ થાકી ગયો છું કરી તરત સુઈ જતો.

શરુઆતનાં એક બે મહિના શાલીની બહુ પૂછપરછ કરતી નહોતી.કોઇ પણ યુવાન કન્યા લગ્ન કરીને આવે ત્યારે એનાં મનમાં ધણા કોડ,ઉમંગો અને આશાઓ પણ એનાં દહેજ સાથે લાવી હોય છે.સારી સારી સાડીઓ અને અવનવા ડ્રેસને શાલીનીએ લગ્ન પછી ભાગ્યે જ પહેર્યા હતા.એ મનોમન વિચારતી કોનાં માટે પહેરૂં જેને પહેરીને દેખાડવાની ખૂશી હોય એ મિતને જાણે મારી કોઇ પરવા જ નથી.

સતત મિત દ્રારા થતી એની સતત અવગણના અને એના ઠંડા પ્રતિસાદ વગેરે સહન ના થતા એક દિવસ શાલીની મૌન તોડતા બોલી,
“મિત તમે મારાથી નારાજ છો કે શું ?”
“નાં એવું કઈ નથી,જેવું તુ સમજે છે,મારી ઓફિસમાં થોડા મહિનાઓથી બહું કામ બહુ રહે છે.”વાતને ટુંકમાં પતાવવા તે બોલ્યો
“હું જાણું છુ કે તમારું કામ પહેલા,પરંતુ ક્યારેક તો ઘર માટે કે મારા માટે તમારે સમય ફાળવવો જોઈએ એવું તમને નથી લાગતું?”
થોડી પળ તો શીવાની વાતની કોઇ અસર ના થઇ હોય પોતાનાં લેપટૉપમાં ઓફિસનું કામ કરતો રહ્યો.મિતની આવી બેપરવાઇ શીવાનીથી સહન ના થતા,એ મિતની લગોલગ આવીને એનાં હાથને પકડીને બોલી,”હું તમને પુછું છું મિત,મારી વાતનો જવાબ તો આપો?”

” જો શીવાની…..,મારી પાસે આવી કોઇ પ્રકારની આશા નાં રાખીશ.આ ઘર તારું છે.ઘરમાં મમ્મી પપ્પા છે.બસ તું તારી રીતે શાંતિથી રહે મને મારું કામ કરવા દે.”કહીને અત્યાર સુધી સુખરૂપ ચાલતી જીંદગીમાં વમળો ઉત્પન્ન કરવા બદલ આજે તે શાલિનીને “દોષિણી” સમજતો મિત પડખું ફરી સુઈ ગયો.

મિતની આ રીત અવહેલનાં જોઇને શાલીની થોડી સમસમી ગઇ પણ પોતાની જાત પર કાબું રાખતા મિતને ઢંઢૉળતા બોલી,”મિત….., હું પરણીને તમને આવી છું માત્ર ઘરને નહી.હા મમ્મી પપ્પા છે અને મને તેમનો અઢળક પ્રેમ મળે છે પણ સાથે સાથે તમારો સ્નેહભર્યો સાથે અને પ્રેમ બધું જોઈએ છે.” શાલીની એકદમ શાલિનતાથી અને થોડા દબાયેલા અવાજે બોલી.

બંને સંવાદો પૂરા થયા પછી લાંબી ચુપકીદી છવાએલી રહી.છેવટે શાલીની થાકીને આડી પડી.છાનાં છાના ડુસકા ભરતી મોડી રાત સુધી ઓશિકું ભીજવતી રહી.મોડી રાત સુધી રડીને સવારે ઉઠી ત્યારેતેની સૂજેલી આંખો બરાબર ખાતી હતી.

જેવી શાલીની પરવારીને પોતાનાં ઓરડાની બહાર આવી ત્યારે સરલાબેન એની આંખ જોઇને કૈક બન્યું છે એ કળી ગયા અને શાલીની પ્રેમથી માથે હાથ ફેરવતાં પુછયુ,”શાલીની બેટા…..,કશું થયું તને? તારી આંખો આમ લાલ કેમ છે?”

સાસુના સ્નેહને જોતા શાલીનીને માં યાદ આવી ગઈ અને અચાનક બધા બંધન છૂટી ગયા અને તે બે હાથોમાં મ્હો છુપાવી રડી પડી.

આમ તો સરલાબેન આ બધી અંદરખાને બનતી ઘટનાઓથી સાવ અજાણ તો નહોતા.ઘણી વખત એનાં સગાઓ મારફત શાલીનીની સમજના બહુ વખાણ સાભળ્યા હતા.એ જ આશાએ શાલીની પર પોતાની પુત્રવધું તરીકે પસંદગતી ઉતારી હતી કે તેમના પુત્રને સાચા માર્ગે લાવવા માટે આવીજ સુશીલ અને ગુણિયલ કન્યા મદદરૂપ થશે અને આ જ કારણે તેમણે કંકુ અને કન્યા માગી હતી.

શાલીનીની ભીની થયેલી આંખોને પોતાના સાડીને છેડાથી લુછતાં સરલાબેન બોલ્યા,”જો બેટા……, હું પણ જાણું છું કે કામના ભારણને લીધે મિત તને પુરતો સમય આપી શકતો નથી.તે પહલેથી પોતાને કામને જ પ્રથમ પ્રાધાન્ય આપે છે.માટે તારે થોડી ધીરજ રાખવી પડશે અને તારા સદ્વ્યવહાર અને પ્રેમને હથિયાર બનાવીને તારે આ લડાઈમાં ફતેહ મેળવવી પડશે.આ કામ માટે હું અને તારા પપ્પા હંમેશા તારો સાથ આપીશું.બસ તું થોડી ધીરજ રાખતા શીખી લે.”સરલાબેન સ્નેહથી વહુની પીઠ પસવારતા બોલતા હતા,ત્યારે જોનારને લાગતું કે એક માં દીકરીને સમજાવી રહી છે.

“બે પારકા ઘરમાંથી આવતી સાસુ અને વહું જ્યારે એકમેકનો સહારો બને ત્યારે ગમે તેવી તુટતી દીવારને પણ સહારો મળે છે.જ્યારે આ જ પારકા ધરમાથી એક સ્ત્રી બીજી સ્ત્રીની દુશ્મન બને ત્યારે ગમે તેવું મજબુત ઘર પણ તૂટી પડે છે”

મિત જે પોળમાં રહેતો હતો એ પોળનાં છેવાડે આવેલા શાહ સાહેબના બંધ ઘરમાં ભાડે રહેવા આવેલી મોના મિતની જ ઓફિસમાં સીનીયર પોસ્ટ ઉપર કામ કરતી મોર્ડન અને બહુ મહત્વકાક્ષી યુવતી હતી.તેના માતા પિતા દુર ગામડે રહેતા હતા અને તે છેલ્લા દસ વર્ષથી અહી શહેરમાં આવીને રહેતી હતી.એક સામાન્ય પોસ્ટથી શરુ કરેલી તેની નોકરીમાં તેણે આ દસ વર્ષમાં સીનીયર મેનેજર સુધી કુદકો બહુ ઝડપથી લગાવ્યો હતો.આમા તેણે તેની જીંદગીના મહત્વના દસ વર્ષો સાથે બીજું ઘણું કુરબાન કર્યું હતું,તેના સંસ્કારોને પણ નેવે મુક્યા હતા. આમ કરતા તે લગ્નની ઉંમર પસાર કરી ચૂઈ હતી.છેવટે તેનામાં રહેલી સ્ત્રીએ તેની જરૂરીયાત માટે બાજુમાં રહેતા કુંવારા મિતને શોધી નાખ્યો હતો.બંને એક જ ઓફિસમાં કામ કરતા હતા તેથી શરૂઆતી દોસ્તીનાં સબંધમાં પ્રેમમાં બદલાતા બહુ વાર નહોતી લાગી. મોના મિત કરતા ચાર વર્ષ મોટી હતી છતાં પણ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડી ગયા અને સમય જતા એકબીજાની જરૂરીયાત બની ગયા હતા.

મિત અને મોનાના આ છુપા સબંધની ચર્ચા ચાર વર્ષમાં ગાળામાં પહેલા ઓફીસ અને પછી પોળ સુધી ફેલાઇ ગઇ હતી.છેવટે આ બધાથી કંટાળી સરલાબેને દીકરાને મોનાના મોહપાશમાંથી છોડાવવા કોઈ સુશીલ કન્યાની શોધ આરંભી દીધી હતી અને તેના પરિણામ સ્વરૂપે આજે શાલીની મિતની પત્ની તરીકે અહી હતી.

અત્યાર સુધી લગ્નની ના પાડતા મિતને લોકોના મ્હો બંધ કરવા માટે મોના એજ મિતને આ લગ્ન માટે સમજાવ્યો હતો.જેથી આ પતિપત્નીના સબંધની આડમાં તેમનો આ ગેરકાયદેસર સબંધ પાંગરી શકે.કારણ સ્વતંત્ર વિચારશરણી ધરાવતી અને બાળકો અને ઘરને લપ સમજનારી મોના હવે લગ્ન કરી ઘર સંસારની પળોજણ વહોરવા ઈચ્છતી નહોતી.ગામાડાગામનાં બંધિયાર વાતાવરણમાંથી આવેલી મોનાને સ્વછંદી અનેઆઝાદ જીંદગી ફાવી ગઈ હતી.મિતે શાલીની સાથે લગ્ન તો કરી લીધા છતાં તેને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર નહોતો.તેને હજુ પણ મોર્ડન મોનામાં જ રસ હતો.તે દિવસનો મોટો ભાગ મોના સાથે જ વિતાવતો બંને સાંજે પણ સાથે રહેતા.અઠવાડીયાનાં એકાદ દીવસ બાદ કરતાં મોટે ભાગે રાતનાં મોડેથી ધરે આવતો હતો.

આ બાજુ મિતને પોતાના તરફ ખેંચવા શાલીની પુરતો પ્રયત્ન કરતી રહેતી હતી.શાલીનીએ નક્કી કર્યુ કે મિત આવે પછી એની સાથે જ રાતે જમશે. ઘણી વખત બનતું કે મિત જમીને આવ્યો હોય છતાં પણ રોજ જમવાના સમયે તેની રાહ જોતી બેસી રહેતી.શાલીનીના આવ્યા પછી મમ્મી પપ્પાની કે ઘરની કોઈ જવાબદારી મિતને માથે નહોતી રહી. ઘરની સંપૂર્ણ જવાબદારી તે હસતા મ્હોએ પૂરી કરતી હતી.મિત આ બધું જોતો સમજતો હતો.અંદરખાને ક્યારેક તેને શાલીની પ્રત્યે દયાભાવ આવી જતો ત્યારે મોના સાથે મને કમને શાલીની સાલિનતા અને સંસ્કારની વાતો થતી ત્યારે મોના એની અદાઓના જાદુ ફેલાવી મીતને તેના તરફ વધુને વધુ ખેચી લેતી અને કહેતી કે,”લુક મિત ડાર્લિંગ….,ગરીબ માં-બાપના ઘરેથી આવેલી શાલિનીને અહી ક્યા કોઈ ખોટ છે? ઘરમાં બધું સુખ છે તારા મમ્મી પપ્પાં આટલો પ્રેમ કરે છે તું તેને જોઈતા રૂપિયા આપે છે પછી તેને જોઈએ શું? તું નાહક તેની ચિંતા ના કરે છે અને તું આ બધા માટે તારી જાતને “દોષિત” ના સમજે એ જ તારા માટે સારું છે.” આ રીતે મોના સ્ત્રીચારિત્રનો સચોટ ઉપયોગ કરીને મિતના મનમાં ઉભો થયેલો ગીલ્ટ ભાવ ભગાડી દેતી હતી.

એક દિવસ શાલીનીને મિતની ઓફિસની કર્મચારી ચારું શાલીનીને રસ્તામાં મળી ગઇ અને એને મિત અને મોનાના વ્યભિચારી સબંધોની વાતો શાલીનીને માર્મિક કહી દીધી.એક સ્ત્રી દ્રારા કહેવાલે મર્મ શાલીની બરોબર સમજી ગઇ.આમે પણ શાલીની આજની ભણેલી સમજદાર યુવતી હતી.હવે તેની ધીરજ ખૂટતી જતી હતી,પણ એ સાસુમાના સાથ અને હિંમત ના કારણે ટકી રહી હતી પણ હવે તેણે નક્કી કરી લીધું હતું કે બસ જો આમ જ ચાલતું રહેશે તો,આ દિવાળી પછી તે માં બાપુના ઘરે પાછી ચાલી જશે અને તેમનો સહારો બની જીવન વિતાવશે.

હવે દિવાળી નજીકમાં હતી.શાલીની સવારથી ઘરની સફાઈમાં વ્યસ્ત હતી.તેને મદદ કરવા ઉત્સુક સરલાબેન દોડાદોડી કરતા હતા.સાંજ પાડવા આવી હતી તેવામાં ભીની ફરસ ઉપર સરલાબેનનો પગ લપસી ગયો
“ઓય માડી રે!” કહેતા સરલાબેન ભોંય પર ફસકી પડયા.
સરલાબેન દર્દ ભરી ચીસ સાંભળીને શાલીની પોતાનું કામ પડતું મુકીને,”શું થયુ મમ્મી?” કહેતા દોડી આવી.પાછલા થાપામાં મુંઢમાર લાગવાને કારણે સરલાબેન દર્દથી કણસતાં હતા.
શાલીનીના સસરા બે દિવસ માટે કોઇ કામસર નવસારી ગયા હતાં.

શાલીનીએ માંડ માંડ સરલાબેનને ઉભા કર્યાં બાજુમાં ખૂરસી પર બેસાડી અને તુરત મિતને ફોન જોડયો.રીંગ વાગતી રહી.સામા છેડે ફોન કટ થઈ ગયો. કારણકે મિત આ સમયે મોનાના ઘરે હતો ,અને મોબાઈલના સ્ક્રીન ઉપર શાલીનીનું નામ જોઈ મોનાએ ફોન બંધ કરી બાજુમાં મૂકી દીધો અને મિત જોડે ઝગડો કરી બેઠી અને શાલીની વિશે જેમ ફાવે એમ બોલવાં લાગી,”મિત…..,તારી કાળીની રાણીને આ સમયે જ ફોન કરવાનું યાદ આવે છે…સાવ મેનરલેસ છે તારી કાળીની રાણી..”

સાચી વાત એ છે કે મિત,હવે તને મારામાં રસ નથી રહ્યો.તને તો તારી કાળી કલુટી બૈરી વ્હાલી લાગવા માંડી છે.જો આમ જ ચાલતું રહેશે તો આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ કરી દઈશ.”કારણકે મોનાં જાણતી હતી કે આ વાક્ય મિતની કમજોરી હતું.મોનાંને ખબર હતી કે મિતની એ કમજોરી બની ગઇ છે.

ગુમસુમ થયેલો મિતે મોનાનાં બે ગાલ પર પોતાની હથેળી રાખીને પટાવતા બોલ્યો,”જાન…આવું ના બોલ પ્લિઝ,મને તારા કરતા કોઈ પ્રિય નથી.પ્લિઝ મોના ડાર્લિંગ આ વખતે માફ કરી દે.”

રાત ઠળતા થોડૉ મોડેથી મિત ઘરે ગયો ત્યારે ઘરમાં કોઈ નહોતું.તેને શાલિનીના મોબાઇલ ફોન ઉપર ફોન કર્યો તો જાણવા મળ્યું કે માના પગમાં ફ્રેકચર થયું છે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે.મિત દોડતો હોસ્પિટલ પહોચી ગયો.શાલીનીને એકલે હાથે ડોકટરો અને દવાઓ વચ્ચે ઝઝુમતી જોઈ તેનું માથું શરમથી ઝુકી ગયું। તેને સમજાઈ ગયું કે શાલીનીએ તેને ક્યા કારણથી ફોન કર્યો હતો.જે કામ દીકરાએ કરવાનું હોય તે કામ વહુ કરતી હતી……

એવામાં સરલાબેનનો અવાજ સંભળાયો.

“બેટા અહી આવતો,જરા મારી પાસે, થોડુ કામ છે! ” આ સાંભળતાં મિત અને શાલીની બંને અંદર દોડ્યા

પણ જાણે માએ મિતને ના જોયો હોય તેમ શાલીનીનો હાથ પકડીને બોલ્યા,”બેટા,તારા પપ્પાને ફોન કરીને આ બધું નહી જણાવતી નહીતર એ દોડતા અહીંયા આવી જશે.

“દીકરા તારી સાસુમાને કહે આ આપણું ઘર છે અને આપણો પરિવાર છે.એકબીજાના દુઃખમાં આપણે આપણુ સુખ ભૂલી જઈયે છીએ” આમ કહેતા શાલીનીનાં સસરા મનુભાઈ પણ અંદર આવી ગયા અને બોલ્યા,”શાલીની જેવી દીકરી રૂપે વહું મળી હોય ત્યાં સુખ જ હોય.દુખ સો ગાઉ છેટું રહે.”

આ બધામાં મિત પોતાને પરાયા પણાનો અનુભવ કરતો ખુણામાં શરમ અનુભવતો ઉભો હતો વિચારતો હતો કે આજ ની સ્થિતિ માટે જવાબદાર કોણ ?

મિતની સામે આજે સચ્ચાઇ આવતા આજે દોષિણી મોના લાગતી હતી અને શાલીની ઘરની રાણી લાગતી હતી.

રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુએસએ)

 

19510376_1609198372448254_4581931847235259814_nદ્રષ્ટીફેર – રેખા પટેલ(વિનોદિની)
હાશ ચાલો હવે આ ભારતની ધૂળ,ગરમી અને બેકારીમાંથી મુક્તિ મળશે એવું વિચારતો ૨૫ વર્ષનો મોહન મોટાભાઈની ફાઈલ ઉપર અમેરિકા આવ્યો. શરૂઆતના એકાદ અઠવાડિયું તો અહી બહુ સારું લાગ્યું. ન્યુજર્સીના જર્સી-સીટી એરિયાના બે બેડરૂમના નાના ઘરમાં ભાઈ ભાભી અને તેમની દસ વર્ષની દીકરી રહેતા હતા. થોડું ચાલીને જતા ઇન્ડિયન માર્કેટ આવી જતું. આજુબાજુ રહેનારા પણ ઘણા ઈન્ડિયાનો હતા તેને અહી ગમવા લાગ્યું. આ બધું થોડા દિવસનું હતું. હવે ભાઈએ જોબ શરૂ કરી દેવાની વાત મૂકી.
થોડું ઘણું અંગ્રેજી જાણતા મોહનને અહીની અલગ ઉચ્ચારણ વાળી અંગ્રેજી હજુ બરાબર સમજાતી નહોતી, અને દેશમાં ખાસ કામ પણ કર્યું નહોતું. છતાં કાયમ અહી રહેવા માટે કામ તો કરવુજ પડશે વિચારી મોટાભાઈની લાગવગથી થોડે દુર એક ઇન્ડીયનની કોફી અને બ્રેકફાસ્ટ માટે પ્રખ્યાત ડંકીન ડોનટમાં કામે લાગી ગયો. શરૂઆતમાંતો શીખવાનું હોય કરી બે ત્રણ અઠવાડીયા ખાસ કોઈ પગાર મળ્યો નહિ. ત્યાર બાદ હજુ કશું આવડતું નથી કહી પાણીચું પકડાવી દીધું. છતાય હિંમત હાર્યા વિના મોહન જે પણ કામ મળે તે કરવાનો પ્રયત્ન કરતો રહેતો. છેવટે ઘરથી માઈલ દુર તેને ગ્રોસરી સ્ટોરની વખારમાં આવેલા માલને ગોઠવવાનું કામ મળ્યું. આખો દિવસ ભારે બોક્સ ઉઠાવવા પડતા. સાંજે ઘરે આવી ભાભીને કામમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરતો. કારણ ભાભી પણ જોબ કરતા હતા,આથી એકબીજાને હેલ્પ કરવી અહીનો નિયમ હતો.
આમને આમ બે વર્ષ થઈ ગયા. હવે ભાભીને મોહનની હાજરી ખૂંચવા લાગી હતી. આ વાત મોહન પણ સમજતો હતો. એવામાં વખારમાં ઇન્ડીયાથી ઈલીગલ કમાવવા આવેલી શિવાની સાથે મનમેળ થઈ ગયો. શિવાનીને પણ આ બહાને ગ્રીનકાર્ડ મળી શકે તેમ હતું. આથી ઝાઝી પૂછપરછ કર્યા સિવાય ભાઈ ભાભી અને થોડાક મિત્રોની હાજરીમાં બંને એ લગ્ન કરી લીધા. અને એક બેડરૂમના ફ્લેટમાં નવજીવનની શરૂઆત કરી.
સમય તેની ગતિએ વહેતોજ જાય છે જેમાં સહુએ પોતપોતાના રોલ ભજવતા રહીને વહેતા જવાનું હોય છે. બસ આમજ મોહન અને શિવાનીએ બહુ મહેનત કરી ડોલર બચાવી દસ વર્ષમાં પોતાનો નાનકડો અમેરિકન ગ્રોસરીનો સ્ટોર ખરીદ્યો. આ સાથે દીકરા રાજનો પણ જન્મ થયો. પોતે જે દુઃખ વેઠવા છે તે દીકરાને નાં પડે એની આ બંને ખુબ કાળજી રાખતા. દસ પંદર ડોલરથી મોંઘા કપડા કે વસ્તુઓ મોહન કે શિવાની જાત માટે ખરીદતા નહોતા. પરંતુ રાજ માટે તેની ગમતી વસ્તુઓ માંગતાની સાથે હાજર કરી દેતા.
બહુ જતનથી ડોલર બચાવી અઢાર વર્ષના રાજને ન્યુજર્શીની રડ્ગર્સ કોલેજમાં ભણવા મુક્યો. ખર્ચા વધવા લાગ્યા અને આવકમાં ખાસ કોઈ વધારો નહોતો. આથી શિવાની સ્ટોર ચલાવતી અને મોહન હવે બહાર નોકરી કરવા લાગ્યો. રાજ આ બધું જોતો હતો પરંતુ તેને મોજશોખની આદત પડી ગઈ હતી. મિત્રોમાં વટ જળવાઈ રહે માટે ખર્ચા ઉપર કાપ મુકવા એ તૈયાર નહોતો.
મોહન અને શિવાનીને બે છેડા એક કરવામાં તકલીફ પાડવા લાગી. સાથે રાજના ખર્ચા પણ ભારે પાડવા લાગ્યા. પરંતુ હવે તેને કંઈ પણ કહેવાનું નકામું હતું. કારણ એ કોઈ વાતને સમજવા તૈયાર નહોતો “બેટા તું તારા વધારાના ખર્ચા ઓછા કર, બહાર ખાવાનું ઓછું રાખ.” શિવાની તેને સમજાવતાં કહેતી.
” તો ભલે હું હવે આગળ ભણવાનું છોડી દઉં છું અને તમારી જેમ કોઈ લેબર જોબ શોધી લઉં છું.” રાજ અકળાઈ જતો.
આમ કરતા રાજની કોલેજ પૂરી થઈ અને સારા નશીબે તેને એક કંપનીમાં જોબ મળી ગઈ. મોહનને હાશ થયું ” ચાલો હવે દુઃખના દિવસો ગયા, સુખનો સુરજ ઉગ્યો.”
પરંતુ આ માત્ર સપનું નીકળ્યું. ” ડેડી મમ્મી હું મારી સ્પેનીશ ગર્લ ફ્રેન્ડ સાથે રહેવા જવાનો છું.’ રાજે ધડાકો કર્યો.
” બેટા તારી ગર્લફ્રેન્ડ હોય તને પસંદ હોય તો અમે તેની સાથે તારા લગ્ન કરાવી આપીશું. પણ આ રીતે લગ્ન વગર તેની સાથે રહેવા ના જવાય.” મોહને શાંતિથી રાજને સમજાવતા કહ્યું.
” લુક ડેડ ધીસ ઇસ નોટ યોર ઇન્ડિયા, અહી આ બધું કોમન છે, મને મારી રીતે જીવવા દ્યો.”
માં બાપ રડતાં રહ્યા અને રાજ તેની ગર્લફ્રેન્ડ સાથે તેના ફ્લેટમાં રહેવા ચાલ્યો ગયો. રાજના ગયા પછી શિવાનીની તબિયત લથડતી ચાલી. એક માં દીકરાનું આવું અવહેલના ભર્યું વર્તન સહન નાં કરી શકી. ડીપ્રેશનની હાલતમાં હવે શિવાની સ્ટોર ઉપર કામ કરવા જવાનું બંધ કરી દીધું. હવે મોહનને માથે બેવડી જવાબદારી આવી પડી. સ્ટોર અને શિવાનીની સંભાળ લેવાનું.
” રાજ તારી મમ્મીની તબિયત સારી નથી રહેતી તું બધું છોડી ઘરે રહેવા પાછો આવીજા.” થાકીને મોહને રાજને ફોન કર્યો.
” ડેડી હું સાંજે મમ્મીને મળવા આવું છું. તમે પણ હાજર રહેજો.” કહી રાજે ફોન પટકી દીધો.

 

એ સાંજે રાજ ઘરે આવ્યો. શિવાનીએ રાજનું ભાવતું જમવાનું બનાવ્યું, તેનો બેડરૂમ ફરીફરી ગોઠવી સુવ્યવસ્થિત કર્યો અને આખો દિવસ એ બીઝી છતાં ખુશ રહી હતી.
” આવી ગયો બેટા? બે મહિના થયા તને તારી મમ્મી યાદ નહોતી આવતી? તારો સામાન ક્યા?”શિવાનીના અવાજમાં અધીરાઈ હતી.
” લુક મોમ હવે હું નાનો નથી. હું પણ જોબ કરું છું મારી પોતાની લાઈફ છે. આ બધામાં મને સમય નથી મળતો નથી. ડેડીએ કહ્યું કે તમારી તબિયત સારી નથી તો મળવા આવ્યો. પણ તમે તો બરાબર લાગો છો. મને નકામો દોડાવ્યો.” રાજાના અવાજમાં કંટાળો સ્પસ્ટ વર્તાતો હતો.
” બેટા સાવ એવી નહોતું તારી મમ્મી તને યાદ કરીને ઉદાસ રહે છે. હવે સ્ટોર ઉપર કામ કરવા પણ નથી આવતી. તું પાછો આવીજા તું અહી પણ તારી મરજી પ્રમાણે જ રહેતો હતો ને!” નાં છુટકે મોહન મા દીકરાના વાર્તાલાપ વચ્ચે કુદ્યો.”
જનરેશન ગેપ અને વિચારોની અસમાનતાનાં કારણે ત્રણેવ વચ્ચે ઉગ્રતા સરજાઈ ગઈ. છેવટે સમાધાન કરવાનાં હેતુ થી રાજે પોતાનો આખરી વિચાર જણાવ્યો
” જુઓ મમ્મી ડેડી હું હવે સોફી સાથેજ રહેવાનો છું તેને અહી તમારી સાથે ફાવે તેમ નથી અને તમને ત્યાં ફાવે નહિ. બીજું હમણાં અમારે લગ્નના કોઈ બંધનમાં ફસાવું નથી. તમે ભારત છોડીને આવ્યા અને તમારી મરજી મુજબ જીવ્યા. હવે મારો વાળો છે. હું દર મહીને તમને મળવા આવીશ બાકી તમેં તમારી રીતે અને હું મારી રીતે જીવીશું.”
આ બધાથી અકળાઈ મોહને રાજને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું” અમારે તારી મહિનામાં એકવાર આવી મ્હો બતાવી જવાની ભીખ જોઈતી નથી. આજથી તારે અને અમારે કોઈ લેવાદેવા નથી. હા તારું ઘર સમજી તું કાયમને માટે આવે તો આવજે બાકી તારો અને અમારો સમય બગાડીશ નહિ.”
શિવાની રડતી રહી અને રાજ પગ પછાડીને ચાલ્યો ગયો. સમય વીતતો રહ્યો ત્રણ મહિનામાં બધુજ બદલાઈ ગયું. રાજના સુખમાં જીવ પરોવીને જીવતી શિવાની સાવ સુનમુન બની ગઈ હતી. મોહન આ વાત સમજતો હતો પરંતુ એ તે પણ જાણતો હતો કે રાજ હાથમાંથી ચાલ્યો ગયો છે તેને પરાણે ખેચવામાં બંનેના હૃદય લોહીલુહાણ થઇ જવાના છે.
છેલ્લા ઉપાય તરીકે રાજે શિવાની સામે એક વાત મૂકી.
” શિવાની અહી આપણા ઘરની સામેના અપાર્ટમેન્ટમાં ચાર પાંચ ઇન્ડીયાથી આવેલા યુવક યુવતીઓ દસ બાર કલાક નોકરી કરે છે અને એકલા રહે છે. તેમને જમવાની બહુ તકલીફ રહે છે. એવું મારી સાથે વાત થઇ તો કહેતા હતા. શું આપણે તેમની માટે ટીફીન સર્વિસ શરુ કરીએ તો કેમ?”
શિવાનીએ પહેલા તો નન્નો ભણી દીધો. પછી તે છોકરાઓની તકલીફ વિષે જાણી તેનું દિલ પીગળી ગયું. અને વિચાર્યું ચાલો એ બહાને થોડું વ્યસ્ત રહેવાશે. શરૂઆતમાં ત્રણ છોકરાઓના ટીફીન બનાવવાનું શરુ કર્યું. ક્યારેક તેઓ ટીફીન ઘરે લઇ જતા ક્યારેક અહી શિવાની માસીના ઘરેજ વાતોના વડાં કરતા જામી લેતા. ધીમેધીમે આઠ છોકરાઓનું ટીફીન બનાવવાનું કામ મળ્યું. વધારે આનંદ આઠ છોકરાઓની માસી બનવાનો હતો. આખો દિવસ ઘરમાં ચહલપહલ રહેવા લાગી, વધારામાં ઘરથી દુર એકલા રહેતા બાળકોની મદદ પણ મળવા લાગી. શિવાની આજુબાજુના વિસ્તારમાં શિવાની માસી તરીકે બધાના પ્રિય થઇ પડ્યા. તેમનો દીકરો રાજ આવીને મળીને પાછો જતો રહેતો તેનાથી કોઈ ખાસ ફર્ક હવે તેમના જીવનમાં નહોતો પડતો. મોહનને સંતોષ હતો કે હવે શિવાનીની દ્રષ્ટીફેર ને કારણે તેની સૃષ્ટી બદલાઈ ગઈ હતી. તેની આંખોમાં તરસ અને વેદનાને બદલે તૃપ્તિ અને વાત્સલ્ય લહેરાતું હતું…. ડેલાવર(યુએસએ)

 

નવલિકા – લાલ ફૂલ : રેખા પટેલ (વિનોદિની)

નવલિકા – લાલ ફૂલ : રેખા પટેલ (વિનોદિની)

” રૂપલી…ઓ છોડી હવારના પ્હોરમાં કંઈ ગઈ હતી”?

માની બુમ સાંભળીને રૂપી દોડતી આવી અને મારી સામે જોતા જ મારી મા હસી પડી અને બોલી ” એ,છોડી આ માથા કરતાં મનોહર મોટું . લાલ ફૂલ જોયું નથી કે માથામાં ખોહ્યુ નથી,કેવડું મોટું ફૂલ!”

રૂપી બોલી’તી, ” એ..માં, મારા ફૂલને કંઈ નાં કે’તી ને હોંભળી લે, મને બહ્ડા વગર હાલશે પણ લાલચટક ફૂલ વગર નંઈ હાલે.”

મા જોડેનો આ વાર્તાલાપ રૂપીને રોજનો હતો. આમ કરતા કરતા આઠ ચોપડી પુરી કરી ત્યાજ તેના લગ્ન નક્કી થઇ ગયા. નીચલા વરણમામાં છોડીઓ ને કંઇ લાંબું ભણાવે નહી.. પણ રૂપી એના માં-બાપુની લાડકી હતી એટલે આઠ ચોપડી સુધી ભણવા મળ્યું.

રાવજી સાથે લગ્ન પછી અઢાર વર્ષની રૂપી સાસરે આવી ગઈ. રાવજી બહુ સરળ અને સ્વભાવનો મીઠો હતો. માં બાપ વગરના નાના ભાઈ વિપિનને રાવજીએ મોટો કર્યો હતો. થોડું ભણીને વિપિન શહેરમાં ક્યાંક નોકરી કરતો હતો. અને. રાવજી ચાર વીઘાના ટુકડામાં ઘરનુ ગાડુ ચાલે એનાથી થોડુ ઘણુ વધારે પકવી લેતો.. સાસરે આવીને રુપીને એય લીલા લહેર હતી!! ના સાસુ સસરાની રોક ટોક કે ના કોઈ ખાસ જવાબદારી..

વધારામાં વિપિન શહેરમાંથી  ઘેર આવે ત્યારે નવી આવેલી ભાભી હાટુ કંઈક ને કંઈક લેતો આવતો. એક વખત તો લાલ હોઠ રંગવાની લીપસ્ટીક લાવ્યો હતો, જોડે પાઉડરનો ડબ્બો ને કેટકેટલું બીજું લાવ્યો હતો, રાવજી એ જોઇને બોલ્યો હતો. ” બસ અલ્યા વિપીનીયા તારી ભાભીની તેવો નાં બગાડીશ.”

બેય દીયર ભોજાઈને બહુ બનતું. એ પછી તો રૂપી વિપિનના ઘેર આવવાની રાહ જોતી..કે ક્યારે મારો દિયેર  શહેર થી ઘરે આંટો દેવા આવે..વિપિન હતોય નટખટ!!! ક્યારેક મસ્તીમાં તેનો હાથ પકડી લેતો કહેતો કે,”મારી ભાભી તું તો ભારે રૂપાળી લાગે છે હો!!” અને રૂપી બદલામાં જવાબ દેતી,”હોવે… એટલે તો તારા ભાઈને બહુ વહાલી છુ.”

આમને આમ એના લગ્નને છ વર્ષ થઇ ગયા. રામ અને શ્યામ બે છોકરા તેનો સાડલો પકડીને પાછળ દોડતાં થઇ ગયા. રામ ચાર વર્ષનો, નાનો શ્યામ એક વર્ષનો થઇ ગયો. વિપિન રજાઓમાં ઘરે આવ્યો હતો.  આ વખત ખેતરમાં ડાંગરનાં પાકનો મબલખ ઉતારો આવ્યો હતો.એક રાતે વિપિન અને રાવજી વચ્ચે કંઇક બોલાચાલી થઇ.. બેય ભાઇ  થોડે દુર રહી બોલાચાલી કરતા હતા, તેથી ખાસ તો સંભળાતું નહોતું છતાં એ સમજી ગઈ કે  કાંઇક પૈસાની વાત હતી. માં-બાપુના ગયા પછી રાવજીએ વિપિન ને ભણાવી શહેરમાં મોકલ્યો હતો. છેલ્લી એકાદ વાત રુપીને કાને પડી,રાવજી ઘરમાં આવતા આવતા બોલતો હતો કે,”જા..જા..તારાથી થાય તે કરી લેજે, હવે હું તારા ખોટા શોખને પુરા કરવા કાંઇ વધારાના રૂપિયા આપવાનો નથી. તારી મનમાની બહુ પૂરી કરી હવે તારી જબાબદારી જાતે ઉઠાવ વિપલા…તારી આ ટેવો કંઈ સારી નથી”.

તે રાત્રે રાવજીએ વાળુંપાણી કર્યા ને છોકરાં સાથે થોડીવાર ઘમાલ કરી મસ્તી કરી, રૂપલીને થોડા લાડ લડાવીને રાતવાસો કરવા હાથમાં ડાંગ લઇને તે ખેતરે જવા નીકળ્યો. રોજની ટેવ પ્રમાણે રુપલીએ એને

પાછળથી ઝાલી લીધો.. દરેક વખતે એને ખેતરે જતો રોકવામાં તેને  બહુ મજા આવતી, રાવજી પણ પાછળ ફરી એને વહાલથી જકડી લેતા બોલ્યો કે “જાવા દે રૂપલી,સવારે આવું છું પાછો, ને હવે બસ બે જ રાતની વાત છે. આ ઉભી ડાંગર ઘેર આવે પછી તો તું ને હું,ને એય આપણો ઢોલિયો” આટલુ બોલી તેને પાતળી કમર પર હાથ ફેરવીને ખેતરે વહેતો થયો.. એના ચેન ચાળા જોઈ રૂપા પણ નવોઢાની જેમ શરમાઈ ગઈ..અને બંને છોકરાઓને  લઇ ઓરડમાં ભરાઈ ગઈ.

બીજા દિવસે મોં સૂઝણું થયું ને જરા આંખ ઉઘડી ત્યાં તો બહાર ગોકીરો સંભળાયો. રૂપા ગભરાઈ ગઈ અને અડધી પડધી બારી ખોલીને બહારે જોયુ.. એક ખાટલીમાં રાવજીનો ફીક્કો ભૂરો પડેલો કસાયેલો દેહ નિષ્પ્રાણ પડ્યો હતો..એ હાંફળી ફાંફળી બહાર દોડીને સીધી રાવજીના દેહને વળગીને મોટેથી પોક મુકી, હાથને ખાટલાની અફળાવા લાગીને પછી બેભાન બની ઢળી પડી. જ્યારે ભાનમા આવી ત્યારે તેના કલેજાના કટકા જેવા રાવજીના પ્રાણ વગરના ખોળિયાને સ્મશાન  ભેગો કરવા ગામ આખું ભેગુ થયું હતું. તેને ભાનમાં આવતા કલાકો લાગ્યા હશે.

તે છાતીફાટ રુદન વચ્ચે રડતી રહી “મારો ચૂડી ને ચાંદલો નંદવાઈ ગયો.મારા કાળજાનો કટકો હોમાઈ ગયો”.

*****************

“વિધિના લેખ કોઇ આજ ‘દી ટાળી શક્યુ છે?  દીકરી, અમને અહી આવ્યાને તેર દાડા થઇ ગયા..હવે અમારે જાવું પડશે,જો તું કહેતી હોઇ તો,તને ને તારે બેઇ છોકરાવને અમે સાથે લઇ જઈએ.” રૂપાના બાપુ તેના ચાંદલા વિનાના કપાળ ઉપર હેતાળ હાથ ફેરવતાં બોલ્યા.

ત્યાતો વચમાં વિપિન બોલી ઉઠ્યો,”હોવે ભાભી તમે જાઓ.અહી એકલા કેમ રહી શકશો? હું તો આજકાલમાં શહેર પાછો જવાનો છુ..શેરમાં મારું કામ અધૂરું છે.

બધાની વાતને વચ્ચમાંથી કાપી રૂપાએ મક્કમ બની જવાબ આપ્યો કે “તમ-તમારે બધા જાઓ. હું બેવ છોકરાનું અને મારું ઘ્યાન રાખીશ.જો કોઇની જરૂર પડે તો તમે બધા તો છો. હું કામ પડ્યે બોલાવી લઈશ . અહી મારા રાવજીની યાદો બસ છે મારી જોડે રહેવા માટે”.

બહુ સમજાવ્યા છતાં રૂપા એકની બે ના આથી છેવટે ભીની આંખોએ બા બાપુએ વિદાય લીધી.આ ચાર મહિના રૂપાને બહુ આકરા પડ્યા. આ વર્ષના તૈયાર પાકને જેમેતેમ વેચીને આગલા વરસનું દેવું ચૂકવી ગુજરાન ચલાવ્યું. હવે નવી ખેતી રોપવાનો સમય વીતી ગયો હતો. હવે શું કરવુ ? એ સવાલ તેની સામે મ્હો ફાડીને ઉભો હતો.

એક તો એકલી બૈરીની જાત એમાય રૂપાળી બહું! એટલે જીવવું આકરું થતું જતું હતું, ગામનો શાહુકાર બે વાર આટાં મારી ગયો હતો. ” તેની નજરમાં લોલુપતા ભરી રૂપા સામે જોઈને કહેતો, “કાંઇ કામ કાજ હોય તો અડધી રાતે મને હોંકારો દેજે..તારો જ માણહ સમજીને.”

કરીયાણાની દુકાન વાળો  શેઠ ઘેર આવીને વગર માંગ્યે અનાજ મોકલાવવાની વાતો કરતો હતો.આ બધું નાં સમજી શકે એટલી અભણ કે અબુધ એ નહોતી..જિંદગીની એકલતા કરતા આ ચારેતરફ ની વધતી ભીડ તેને બધું ડરાવી દેતી….હવે તો ઘર બહાર નીકળતા પણ તેને બીક લાગતી હતી.

એવામાં એક દિવસ વિપિન ઘરે આવ્યો. અને રૂપાથી આ બધું સહન ના થતા તે વિપીનને કહેતા રડી પડી. આ સાંભળી વિપિન રૂપાને માથે હાથ ફેરવતા કહેવા લાગ્યો કે,”ભાભી તું છે જ એવી રૂપાળી,એમાં લોકોના કાન કેમ કરી પકડવા. અહી ગામડામાં આવું બધું હાલતું રહેવાનું. એના કરતા તું મારી ભેગી શેર ચાલ., ત્યાં તને કોઈ પૂછવા વાળું નહી હોય. હવે તારો નહી પણ તારે આ બેઇ છોકરાવનો વિચાર કરવાનો .એને સારી નિશાળમાં ભણાવીને મોટા સાહેબ બનાવીશુ. ને બસ પછી તારેય લીલાલહેર.”

લાબું વિચાર્યા વિના છોકરાઓનાં ભવિષ્યને ધ્યાનમા રાખીને રૂપાએ  વિપિનની વાતમાં હા ભણી દીધી. તેને એક જ આશા હતી કે આ બાપ વગરના છોકરા કંઈક ભણી ગણીને નામ કાઢે. અને બસ એ જ લાલચમાં આવી એ વિપીન જોડે શહેર જવા તૈયાર થઈ. બે ચાર દહાડામાં આખુ ય ઘર સમેટી લીધું.બા બાપુને ગામડે જઈ મળી આવી. એમની જોડે વાત કરતા લાગ્યું તેમની ખાસ ઈચ્છા નહોતી,કે એ શહેર જાય. પણ રૂપાની જીદ આગળ તેમનું કશુય નાં હાલ્યું. અને ભાભીને તો જાણે હાશ થઇ એવું એના વર્તન ઉપરથી લાગતું હતું.

રૂપી રાવજીની યાદો મનમાં ભંડારી નશીબ અજમાવવા એના વહાલા ઘરને મોટું ખંભાતી તાળું લગાવી શહેરમાં જવા નીકળી. શહેરની વાતો મોટી એટલી જ ખોટી હોય છે,એ સત્ય અહીયા આવીને સમજાઈ ગયું. અહી ના તો રાવજી હતો કે ફળિયું હતું. હા બરોબર વિપિનની ચાલી બહાર એક જાસુદનો છોડ હતો…….

એક રૂમ રસોડું હતું રસોડાની બહાર જગ્યામાં વિપિન નો ખાટલો પથરાય અને બેઉ છોકરાને લઇ રૂપા અંદરના ઓરડામાં સુઈ જશે એવું રૂપાએ ફરમાન કર્યું. વિપીને પણ કઈ આનાકાની વગર હા કહી. થોડા દિવસ આ બધુ સારું લાગ્યું. રવિપિન તેમની માટે જરૂરી વસ્તુઓ ખરીદી લાવ્યો. અને રામને નજીકની સરકારી નિશાળમાં દાખલો પણ અપાવી દીધો.

એક રાત્રે વિપિન દારુ પીને નશામાં લહેરાતો ઘેર આવ્યો. રોજ રૂપી ને ભાભી કહેતો વિપિન આજે એ “રૂપલી લે હેંડ રોટલા કાઢી દે.” અને રૂપી સમજી ગઈ કે એ નશામાં બોલે છે,એટલે માથાકૂટ કર્યા વગર તેને રોટલા-શાકની થાળી આપવા હાથ લંબાવ્યો, ત્યાંતો વિપીને ભાન ભૂલીને રૂપીનો હાથ પકડી એના તરફ ખેચી.

ગામડાં ના ચોખ્ખાં ઘી દૂધ ખાઈ ઉછરેલી અને રાવજીને ખેતરમાં હારોહાર કામ કરીને રૂપીએ શરીર મજબુત રાખ્યું હતું. એક જ હડસેલે નશામાં ચુર વિપિનની મહેનત ઉપર પાણી ફેરવી દીધુ. એકવડીયા બાંધાના વિપિનને હડસેલી નાખ્યો..પણ  વિપિનના મોઢામાંથી બોલાએલા સત્યે રૂપાલીને ઝંઝોળી નાખી. વિપિને બોલવાનુ શરૂ કર્યુ, “સાંભળ રૂપલી, તને અને ગામડાંની મિલકત પામવા હારું તો મેં મારા સગા ભાઈને પણ

સાપ હારે વરાવ્યો છે અને જોઇ લેજે બેવ હું લઈને જ ઝંપીશ. હવે તમે બેવ મારા છો. પાસે આવ તારી જિંદગી બનાવી દઈશ”

બસ ખલાસ!!! રૂપી હ્રદયમા જાણે તેજાબ રેડાયો હોય એવી કાળીબળતરા થવા લાગી. એમ થાતું હતું ગામડે હોત તો એ હાથમાં દાતરડુ લઇને એક ઘાએ કદાચ એના ગળાને વાઢી નાખત..પરંતુ આવીચાર જોડે તેને અંદરના ઓરડામાં સુતેલા નાના બે છોકરાઓના દયામણા ચહેરા યાદ આવી ગયા અને મ્હોમાં સાડલાનો ડૂચો મારી અંદર રૂમમાં દોડીને ભરાઈ ગઈ. અકાહી રાત એક ખૂણામાં બસીને રડતી રહી. સવારે વિપિનને જોતા જોતા લાગ્યું નહી કે એને રાત્રે જે કંઈ બોલી ગયો એ કશુજ યાદ નહોતું.  બસ હવે રૂપીએ મગજનાં સોગઠાંની બાજી ગોઠવવા માંડી. એણે વિચાર્યું અહી બળથી નહિ કળથી કામ લેવું પડશે. અને  હિંમત સાથે ધીરજ રાખ્યા વગર છૂટકો તેને બીજો કોઈ છૂટકો પણ ક્યા હતો!”

થોડા દિવસો વિચારવામાં કાઢ્યા અને તે દરમિયાન તે વિપીનથી દુર રહેવાનો પ્રયત્ન કરતી રહી.. છેવટે જે મોકાની તલાશ હતી એ દિવસ આવી ગયો.

સાસરી પક્ષના કોઈ બીમાર સગાને મળવા જવાનું થયું.. રૂપી બાળકોને અને વિપિનની સાથે બીજા શહેર ટ્રેનમાં જવા નીકળ્યા..રસ્તામાં ખાવા માટે સુખડી બનાવી અને વિપિન માટે ભાંગ વાળી અલગ બનાવી.  ટ્રેનમાં બેઠા પછી  વિપિને સુખડી ઉપર મારો ચલાવ્યો..ધીરે ધીરે ભાગનો નશો મગજે ચડી આવ્યો. થોડી વાર પછી તો તેને ખ્યાલ નાં રહ્યો કે તે શું બકે છે..એ પછી રુપીએ વિપિનને થોડો ઉશ્કેર્યો અને તે બધુ જ બકી ગયો. એ રાત્રે જે એકાંતમાં બોલ્યો હતો એજ વાતો  જાહેરમાં બધાની વચમાં બોલવા લાગ્યો..

બસ રૂપીને આ જ જોઇતું હતુ, એ પછી લોકોનું ઘ્યાન ખેચવા માટે તેણે મોટેથી પોકો મુકી રડવાનું શરુ કરી દીધું. જે કંઇ બન્યું હતુ એ બધાને વિગતવાર હિબકા ભરતા કહેવા માંડી..દુઃખને બધાની વચમાં જાહેરમાં ફેલાવો તો જ લોકો તેને આસાનીથી સમજી શકે છે. આમ બધાને ભેગા કરી રુપીએ આસાની થી વિપિનને પોલીસમાં પકડાવ્યો.. કેસ લડવા રૂપીને જે થોડા ઘણા દાગીના હતા તે બધા વેચવા પડયા. છતાં તેને સંતોષ હતો કે તેના રાવજીના ખુનીને સજા અપાવવામાં કામિયાબ નીવડી. અંતે અદાલતે વિપીનને ચૌદ વર્ષ સજા ફરમાવી અને વિપિનને જેલ થઈ.

******************

હવે શું કરવું? સવાલ સામે ઉભો હતો. ગામમાં પાછાં જવાનું વિચારીને રૂપી અહીથી બધું સમેટવાની તેયારી કરતી હતી..ત્યા તો ગામથી આવેલા એક પાડોશીએ સમાચાર આપ્યા કે થોડા વખત પહેલાજ વિપીને જમીન અને ઘર બધું કોઈને નકલી દસ્તાવેજ કરી વેચી માર્યુ હતું. આ કારણસર ત્યાં પણ જવાનું ટળી ગયું. બાળકોને મોટા કરવાના અને ત્રણનું પેટ ભરવાનું , આ અજગર જેવો પ્રશ્ન મ્હો ફાડીને સામે ઉભો હતો.

એણે મનોમન ફરીથી એક વાર હિમત એકઠી કરીને આવનારા દિવસો સામે લડવાનું  નક્કી કરી લીધું. બીજા દિવસે મોટા છોકરાને સ્કુલમાં મુક્યો અને નાના મેં કેડમાં ખોસી ઘેર ઘેર કામ માંગવા નીકળી પડી. બહુ

રખડી ક્યાય કામ નાં મળ્યું..આમને આમ મહીનાના ત્રીસ દિવસ નીકળી ગયા..કોક ને તેનું  બે વર્ષનું છોકરું નડતું તો વળી કોકને તેનું રૂપ.  હવે. તો થોડા દિવસોનું કરિયાણું રહ્યું હતું.

નિરાશ હાલતમાં તેને કશુંજ સુઝતું નહોતું.. તેમાય વળી રૂપીએ બાપુને લખેલા કાગળના જવાબમાં ભાભીએ લખ્યુ કે અહીંયા હવે ઘર નાનું અને વસ્તાર મોટો છે…બની શકો નાનુમોટુ કામ ગોતીને તમે ત્યા જ રહો” વાંચીને એ સમજી ગઈ હતી કે ઘરડાં માં બાપની લાચારીને કારણે પિયરમાં હવે જગ્યા નથી રહી. છેવટે થાકી હારીને છોકરા ને મોટા કરવા ગમે તેવું કામ કરી લેવાનું નક્કી કરી લીધું. “એક સ્ત્રી વિકટ પરિસ્થિતિઓ સામે હારી જાય છે પણ એક મા કદીયે હારતી નથી “.

આ દરમિયાન તેની ઓળખાણ લીલા સાથે થઇ. એ એની સાસુ અને બે છોકરાઓ સાથે ચાલીમાં જ રહેતી હતી. લીલાનો વર આ ચારેને છોડી ક્યાંક ભાગી ગયો હતો. કશુજ કામ નાં મળતા છેવટે એ શરીર વેચવાના ધંધામાં જોડાઈ હતી. રૂપી પણ લીલાની લાંબી સમજાવટ પછી કકળતા હૈયે, ભારે મન સાથે આ કામ કરવા પરાણે રાજી થઇ. સાંજ પડતા લીલાના સાસુ પાસે બેવ છોકરાઓને મૂકીને લીલી સાદી પહેરીને,આછી લીપસ્ટીક ને પાવડર લગાવી એ તૈયાર થઇ. ત્યાં તો લીલાએ સામે ઉગેલું લાલ જાસુદ લાવી રૂપીના લાંબા ચોટલામાં ખોસી દીધું. અને બોલી કે,”હવે રોજ રાત્રે આ લાલ ફૂલ ખોસજે ,જો કેવી રૂપાળી લાગે છે.”

રૂપીના હાથપગ ઘ્રુજાતા હતા હૈયું રડતું હતું તેને સમજાતું નહોતું કે જે કરી રહી છુ તે યોગ્ય છે કે નહિ? એકવાર તો એને થયું કે બધું ઉતારી પાછી મારા ભૂરા સાડલાને વીંટી દુઉ પણ નજર સામે ભૂખ્યા બે છોકરાઓ તરવરી ઉઠ્યા.

છેવટે હિંમત એકઠી કરી ઘરને તાળુ લગાવી એ લીલા જોડે નીકળી પડી. ચાલીથી થોડે દુર એક નિર્જન ઓટલો હતો ત્યાં એક લાઈટનો થાંભલો હતો. ત્યાં નીચે જઈને બેવ ઉભા રહ્યા. લીલા હવે આ બધાથી ટેવાઈ ગઈ હતી. પરંતુ રૂપીના હાથપગ ઘ્રુજાતા હતા આંખો લાલ થતી જતી હતી..જાણે અંતરમાં ઉકળતું લોહી આંખોમાંથી આવી બહાર ટપકવાની રાહ જોતું હતું

ત્યાં એક ગાડી આવીને ઉભી રહી. ગાડીના ડાર્ક ગ્લાસને નીચે ઉતરી અંદર બેઠેલા પુરુષે લીલાને હાથ હલાવીને પાસે બોલાવી. લીલા લચકતી ચાલતી કોઈક વિચિત્ર હાસ્ય સાથે ત્યાં પહોચી ગઈ..ખબર નહી લીલાએ શું વાત કરી પણ મને કહે મારે જવું પડશે. તારો આજે પહેલો દિવસ છે અને આ ઘંઘામાં તું નવી છે તો તને આ મારા સાહેબના એક દોસ્તના ઘરે મુકતી જાઉં છું. એ બિચારાની બૈરી થોડા દિવસ પહેલા ભગવાનની પ્યારી થઇ ગઇ છે. એ સાહેબ બહુ દુઃખી રહે છે. બસ તારે એના ઘેર જઈ એમને બધી રીતે ખુશ કરવાના છે. હું વહેલી સવારે આવીને તને લઇ જઈશ.” કહી આંખ મિચકારી. તેની હાકે ના ની પરવા કર્યા વગર લીલાએ તેનો હાથ ઝાલીને ગાડીમાં ધકેલી દીધી..

આવી મોંઘી ગાડીમાં એ પહેલી વાર બેઠી હતી..પણ એ આનંદ પણ લઇ સકતી નહોતી. એની પોચી પોચી ગાદી તેને ખૂંચતી હતી. ગભરાહટ સાથે તેનું હ્રદય બમણાવેગથી ધડકતું હતું. થોડે દુર એક ઘર પાસે ગાડી

ઉભી રહી. પેલા ગાડી વારા ભાઈ અંદર ગયા થોડીવાર પછી બહાર આવ્યા, રૂપીને ઇશારેથી બહાર આવવાનુ કહ્યુ,અને કહેવા લાગ્યા કે,”જા..અંદર એ મારો મિત્ર છે રોશન..એ બહુ સીધો છે, એને તારી રીતે ખુશ કરજે.” લીલાએ આંખોથી સાંત્વન આપવાની કોશીશ કરી ત્યાં તો ગાડી ઉપડી ગઇ.

મનમા ફડક સાથે ના છુટકે રૂપી સામે પડતાં અઘખુલ્લા બારણાને હડસેલતી અંદર પહોચી. અંદર બહુ ઝાંખી રોશની હતી..વિશાળ બંગલાને સુંદર રાચરચીલાથી સજાવેલુ ઘર હતું.. આછા અજવાશમા સોફા ઉપર એક પુરુષ હાથમાં સિગારેટ લઇ આંખો મીચી બેઠો હતો. રૂપી એની સામે ઉભી રહી. તેની આંખોમાં ભય અને આંસુ બંને બહાર આવવા મથામણ કરતા હતા..પેલા પુરુષે આંખો ઉચી કરી તેની સામે જોયું પછી ઈશારો કરી બાજુની ખુરશી ઉપર બેસવા કહ્યુ. અને તે  સંકોચાતી ત્યાં બેસી ગઈ.

તેને થતું હતું કે જો ઘરતી માર્ગ આપે તો સમાઈ જાઉં, અંદર ચાલી રહેલા યુધ્ધના પ્રહારો ઝીલતી એ વિચારતી રહી. સ્ત્રીઓ પાસે એવુ તો શું છે કે પુરુષો તેમના શરીર માટે હડકાયા બની જાય છે. લાગણીભાવ કે પ્રેમ વગર પૈસાના જોરે શરીર સાથે એ શું આનંદ લઇ શકતા હશે? પાના મારા છીકારાઓની ભૂખ અને જીવન માટે હું આજે એક માસનો લોચો બનવા તૈયાર છું. ત્યાં તો જાણે એક તણખો અડયો હોય એમ એ ઝબકી ઉઠી..પેલા પુરુષે રુપીના હાથ ઉપર હાથ મૂકી એકદમ સહજતાથી પંપાળ્યો. અને ત્યાજ રૂપીની આંખો ભય અને શોક થી મિચાઈ ગઈ,અને શરીરમાં એક લખલખુ પસાર થઇ ગયુ. એ એકદમ સહજ ભાવે એ બોલ્યો કે, શાંતિ રાખ અને લે આ પાણી પી પછી બોલ તારું નામ શું છે?.”

એ ધ્રુજતા હાથે પાણી લઇ એકજ શ્વાસે ગટગટાવી ગઈ અને પછી બોલી “રૂપી”..

તે હસી પડયો ,”તારું નામ તો સરસ છે સાથે તારા ચોટલે હસતું તારું આ લાલ ફૂલ મને બહુ ગમ્યું વળી તેની ગભરુ પારેવા જેવી હાલત જોઈને એ અનુભવી ભાવે આગળ બોલ્યો,”તું આ ઘંઘા માં પહેલી વાર આવી છે ને “?

એના અવાજમાં થોડો લાગણીનો ભાવ અનુભવતા રૂપીની આંખો માથી બે મોટા મોતી જેવા ચમકદાર આસું મોંધી કાર્પેટ પર આળોટી પડ્યા.. આછા અજવાળામાં આંખોની પાણીદાર ચમક જોઇને પેલા સજ્જન પુરુષે થોડી વધુ સહાનુભુતિ ઉમેરીને એને કહ્યુ, રૂપી ,જરાય ચિંતા નાં કરીશ તને નાં ગમે તેવું હું કશુજ નહી કરું…ચાલ શાંતિથી તારી બધી વાત મને માંડીને કહે”. આ સાંભળીને તપતા રેગીસ્તાનમાં બે ઘુંટ વરસાદ જાણે હેલી કરી ગયો..અને રૂપીએ તેના જીવનને શરુથી લઇ અંત સુધી અજાણ્યા પુરુષ સામે પાથરી દીધુ.

” રૂપી તને ખબર છે ,આ દુનિયામાં કોઈ સુખી નથી.બધાને કોઈ ને કોઈ વાતનું દુઃખ હોય છે. મારી પત્ની સાથે મારા દસ વર્ષના લગ્નજીવનના અમૃતસમી મારી આઠ વર્ષની દીકરી છે. મારી પત્ની અમને બંનેને એકલા મૂકી ભગવાની વહાલી થઇ ગઇ. તેના જવાથી અમે સાવ નિરાધાર થઈ ગયા. તેની યાદોને ગળે વળગાડી હું એકલતામાં આરામથી જીવું છું. છતાં મારા મિત્રને એવુ લાગ્યું કે હું દુઃખી છું..મને કોઈ સ્ત્રી શરીરસુખ આપી શકશે, એવુ માની તને મોકલી આપી. પણ રૂપી જેમ તારામાં  “રાવજી” જીવે છે બસ એમજ મારામાં “તારા” જીવંત છે.” આટલું બોલી તેમણે વાત આગળ વધારી.

“જો તારે આ ઘંઘામાં નાં જવું હોય તો તું મારે ઘરે કામ કરવા આવી શકે છે. મારે મારી દીકરી માટે એક એવી બાઈ જોઈયે છે,જે દીકરીની દેખરેખ સાથે તેને માનો પ્રેમ પણ આપી શકે. જો તું આ કામ કરી શકે.’

અને તારી હા હોય તો કાલથી જ તારા બાળકો સાથે અહી મારા બંગલાની પાછળના ભાગમાં આવેલા આઉટહાઉસમાં રહેવા આવી શકે છે”.

રૂપી કશું બોલ્યા વિના એ દેવ જેવા પુરુષના ચરણૉમાં નમી ગઇ.. તેની આંખોનાં પાણી એ નવજીવન આપનારા દેવ જેવા પુરુષના ચરણોને પખાળી રહ્યા હતાં. એ સાથે માથામાં ખોસેલું પેલું લાલ ફૂલ સરકીને તેમનાં ચરણોમાં પડી ગયું.

રેખા પટેલ (ડેલાવર , યુએસએ )

 

વેલેન્ટાઇનની મીઠાશ

fullsizerenderવેલેન્ટાઈનની મીઠાશ ….રેખા પટેલ (વિનોદિની)

શરદભાઈને અમેરિકામાં આવ્યાને ચાલીસ વર્ષ થઇ ગયા છે. આવ્યા ત્યારથી તેઓ ન્યુજર્શીમાં આવેલ જર્સી સીટી એરિયામાં રહે છે. એન્જીનીયર હોવાને કારણે આવીને તરત સિટીમાં સારા પગારની જોબ મળી ગઈ હતી. શરદભાઈને ઓછું બોલવાની ટેવ હતી છતાં પરગજુ હોવાને કારણે મિત્રો અને સગાસબંધીઓની કદીયે ખોટ પડતી નહોતી. તેમના પત્ની રમાબેન પણ સ્વભાવે સંતોષી અને હેતાળ હતા.

શરદભાઈના લગ્ન થયા ત્યારથી લઇ આજ સુધી દર રવિવારની સવારે ઇન્ડિયા હતા ત્યારે એક કિલો અને અમેરિકા આવ્યા પછી પાઉન્ડ જલેબી ઘરે લાવવાનો અતુટ નિયમ રહ્યો હતો. આ કારણે બધા જાણતા હતા કે શરદભાઈને જલેબી બહુ ભાવે છે.

ઉંમરનાં તકાજાને કારણે તેમને ડાયાબિટીસ બોર્ડરમાં આવ્યો. આથી દીકરો અને બે દીકરીઓ સાથે રમાબેન તેમને દર વીકે આમ જલેબી નાં લાવવી એમ સમજાવતા. જોકે લાવ્યા પછી તેઓ ભાગ્યેજ તેમાંથી અડધી ખાતા, બાકીની ઘરમાંજ ખવાઈ જતી. છતાંય કોઈનું સાંભળ્યા વીના તેમના આ નિયમને તોડતા નહોતા. છેવટે બધાયે તેમને ટોકવાના છોડી દીધા હતા.

શરદભાઈ અને રમાબેનનો સંસાર મધુરતાથી ચાલતો હતો. છતાય ક્યારેક રમાબેન બર્થડે કે વેલેન્ટાઈન જેવા દિવસોમાં દીકરીઓ સામે અફસોસ વ્યક્ત કરતા કે તમારા પપ્પાને પ્રેમ વ્યક્ત કરતા નથી આવડતો, કદીયે મારા માટે ગીફ્ટ નથી લાવતા કે આઈ લવ યુ કે હેપી વેલેન્ટાઈન જેવા મીઠા બે શબ્દો નથી ઉચ્ચારતા.

સમયની ચાલને કોણ રોકી શકે છે. પચાસ વર્ષના દાપન્ત્ય જીવન પછી ઉંમરના છેલ્લા પડાવે રમાબેને ટુંકી માંદગીમાં શરદભાઈનો સાથ છોડી સદાને માટે આંખો મિચી ગયા. બહારથી નોર્મલ લાગતા શરદભાઈ હવે સગા સબંધીઓની વચમાં રહીને પણ એકલતાનો અનુભવ કરી રહ્યા હતા જે એમના વાણી વર્તન ઉપરથી કળાઈ આવતું.

છેલ્લા પચાસ વર્ષોનો દર રવિવારે જલેબી લાવવાનો ક્રમ અચાનક સદંતર બંધ થઇ ગયો. ઘરમાં બધાને ખુબ નવાઈ સાથે દુઃખ પણ થતું. તેમને ખુશ કરવા વેલેન્ટાઈનના દિવસે દીકરીઓ જલેબીનું બોક્સ લઈને તેમને મળવા આવી.

” પપ્પા આજ સુધી તમે અમને જલેબી ખવડાવતા હતા, હવે અમે તમને જલેબી ખવડાવીશું. આવો વેલેન્ટાઇનના દિવસે સાથે બેસીને નાસ્તો કરીએ”

” બેટા જેની માટે હું ખાસ દર વીકે જલેબી લાવતો હતો તેતો હવે આપણી વચમાં રહી નથી, લગ્નનાં બીજા દિવસે તારી મમ્મીને મેં કોઈને કહેતા સાંભળી હતી કે તેને જલેબી બહુ ભાવે છે. તો બસ તેની માટેજ હું લાવતો હતો.મારી માટેતો તેનો સાથ રોજ વેલેન્ટાઇન હતો”. આટલું બોલી શરદભાઈ રૂમમાં ચાલ્યા ગયા.

દીકરો વહુ અને દીકરીઓ બધા એકબીજાની સામે ચુપચાપ તાકી રહ્યા. દરેકના મનમાં એકજ સવાલ હતો કે ” પપ્પા કાશ આ વાત મમ્મીને મોઢામોઢ કહી હોત તો તેમને છેવટ સુધી આ એક વસવસો નાં રહ્યો હોત કે તમારા પપ્પાને પ્રેમ વ્યક્ત કરતાં નથી આવડતો.

“હેપી વેલેન્ટાઇન”

રેખા પટેલ (વિનોદિની)

 

માઈક્રોફીક્સન ફ્લેસ

“માઈક્રોફીક્સન ફ્લેસ”

૧-“ગુમાની પતંગ”

ચડ્યો ત્યારે બહુ ગુમાનમાં હતો , લે પાછો પડ્યોને!”

“હા એતો જે ચડે એજ પડેને!”

“એ બરાબર પણ પડતા પહેલા જો જરાક વિચાર્યું હોત તો આજે ફરી હવામાં ઉડવાનું મળ્યું હોત.”

“પણ એમ હાર માની માથું નમાવવું શું યોગ્ય હતું”

“આ કોઈને હાથ નાં આવુંની જીદમાં તું જઈ ઝાંખરામાં અટવાયો. એના કરતા કોઈનાં લંબાવેલા હાથમાં પહોચ્યો હોત તો ફરી ઉડવાનું સૌભાગ્ય તો પ્રાપ્ત થાય ને!

રેખા પટેલ (વિનોદિની)

 

ટુંકી વાર્તા: ” કુસુમ બા “

fullsizerender

કુશુમબા ..રેખા પટેલ (વિનોદિની)
અમેરિકાનું ન્યુજર્સી સ્ટેટ એટલે ત્યાં ભારતીયો માટે દેશનું એક શહેર. અહી એવા ઘણા વિસ્તારો છે કે જ્યા તમે ફરતા હો તો લાગે કે ભારતના કોઈ શહેરની ગલીમાં ફરો છો.. એડીસન નામનો વિસ્તાર તો જાણે બસ બીજુ અમદાવાદ જોઈ લ્યો … નીલ અને નીશીના લગ્ન થયા પછી નીલની મોટી બહેનને કરેલી ઇમિગ્રન્ટ ફાઈલ ઉપર પંદર વર્ષ પહેલા અમેરિકા આવ્યા હતા.જ્યારે બંને આવ્યા ત્યારે બે બેગ અને થોડી ઘરવખરી અને જરૂરી મસાલા ભરેલા બે થેલા લઇને આવ્યા હતા.ત્યારે બે મહિના બહેનના ઘરે રહ્યા પછી આ નાની ઘરવખરીથી તેમને એક રૂમ રસોડામાં વાળા નાના ફલેટમાં ઘરસંસાર શરુ કર્યો.. નીલને ઘરથી દુર એક ઓળખીતાના કન્વીનીયન ગ્રેસરી સ્ટોરમાં કામ મળી ગયું. પણ ત્યાં પહોચવા તેને સવારે વહેલા સાડા છ વાગે ઘરેથી નીકળી જવું પડતું. જોબના સ્થળ પર પહોચવાં બે બસ બદલીને જવું પડતું. સાંજે આઠ વાગે ઘરે પહોંચતો ત્યારે થાકીને ચુર થઇ જતો હતો. નીશી પણ બે બે ડોલર બચાવવા એક માંઈલ દુર ગ્રોસરી લેવા ચાલતાં જતી હતી. નીશીને નજીકમાં એક ભારતિય ગ્રોસરી સ્ટોરમાં કલાકના ચાર ડોલરના હિસાબે રોજ પાંચ કલાક કામ વાળી જોબ મળી ગઇ….. એ દિવસોમાં કરેલા સંધર્ષના વર્ષો નિશી અને નીલને આજે પણ બરાબર યાદ છે. બસ ત્યાર પછી બંનેએ પાછું વાળીને જોયું નહોતું. તેમાય જ્યારે માણસનું નશીબ જોર કરતું હોય ત્યારે ચારે દિશામાં સહયોગ સાંપડતો જાય છે. આવું જ કંઇક નીલ સાથે બન્યું. નીલ જ્યાં નોકરી કરતો હતો એ સ્ટોરના માલિક મહેશભાઈનો એક બીજો સ્ટોર જે નીલનાં ઘરેથી પાંચ માઇલ દૂર હતો.એ સ્ટોર્સ કોઇ કારણોસર વેચવાનો હતો અને નીલના મહેનતુ અને મિલનસાર સ્વભાવના કારણે મહેશભાઈએ તેને સારી કિંમતમાં વેચવા જણાવ્યું. બસ નીલ અને નીશી આવી જ કોઈ તકની રાહ જોતા હતા. પોતાની થોડી ઘણી બચત અને થોડા બહેન બનેવી પાસેથી ઉછીના લઇ નીલએ આ નાનકડા સ્ટોર ખરીદી અને માલિક બની ગયો. એ દિવસ નીલ અને નીશીની જિંદગીનો ખુશીનો દિવસ હતો.. થોડૉ સમય સ્ટોર સારો ચાલતા એક સેકંડ હેન્ડ કાર ખરીદી લીધી. હવે બંને સવારે સાત થી સાંજે સાત વાગ્યા સુધી સ્ટોર ઉપર કામ કરતા હતાં. ઠંડીમાં ગરમ ઓવર કોટમાં લપેટાઈ અને ગરમીમાં હાફ પેન્ટ પહેરીને નિશા નીલને પુરેપુરો સાથ આપતી. આમને આમ બંનેને અમેરિકા આવ્યાને ત્રણ વર્ષ પુરા થઇ ગયા હતા. બંનેની સહિયારી લગન અને ખંતના કારણે હવે થોડી બચત થવાની શરુ થઈ ગઈ હતી. અહીં એપ્રિલ મહિનાના ત્રીજા રવિવારે ઇસ્ટરનો તહેવાર મનાવે છે. એ દિવસે જાહેર રજા હોવાથી સ્ટોર બંધ હતો.ઉનાળાના શરૂવાત હતી.બહાર નાનકડી જગ્યામાં નીશીએ રોપેલા લવંડર અને વ્હાઈટ લીલીનાં ફ્લાવર તન અને મનને તાજગીથી ભરી દેતા અને એક માદકતા ઉભી કરતા હતાં.એપાર્ટમેન્ટ ની બારીમાંથી બહાર દેખાતા પાર્કમાં નાનાં ભૂલકા સુંદર તૈયાર થઇ આમ તેમ દોડતા હતા. નીલ બેડરૂમની બારીમાંથી આ મજાનું દ્રશ્ય જોઈ રહ્યો હતો. અને આજે અચાનક સરળતાથી ચાલતી જીંદગીમાં એક ખોટ લાગી.. તે કઈક વિચારી મનોમન મીઠું હસીપડ્યો એ માદક મહેકતી સવારે નિશા મોડે સુધી બેડમાં પડી રહી હતી. નીલ તેને આમ શાંતિથી સુતી જોઈ રહ્યો હતો. બંને વચ્ચે અપાર સ્નેહ હતો.પછી હળવેકથી નીલે નીશીના કપાળ ઉપર ફેલાએલાં વાળને સરખા કરતા પૂછ્યું,”શું વાત છે નીશું!આજે ઉઠવાની ઈચ્છા નથી કે શુ.આજે બહું ઊંઘ લીધી. આજે હું તારા માટે મસ્ત ચા બનાવી લાવું છુ.”કહી તેને વહાલ કરતા કપાળ પર હળવું ચુંબન કર્યું. ત્યાજ નીશી અચાનક પથારીમાંથી ઉઠીને બાથરૂમ તરફ દોડી અને ત્યા ઉલટી કરવા લાગી અને ચક્કર આવતા તે ત્યાં જ નીચે ફસડાઈ પડી. નીશીની આવી હાલત જોઇને નીલ ગભરાઈ ગયો તેને લઇ તરત નજીકની હોસ્પીટલમાં લઇ ગયો. ડોક્ટર અને દવાખાનું સામાન્ય રીતે ચિંતા કરાવે છે પરતું આજે આજ ડોક્ટર નીલ માટે એક મઝાના સમાચાર લઈને આવ્યા..ડૉકટએ નીલને જાણ કરી કે,”નીશી પ્રેગનેન્ટ છે.” બંને પતિ પત્ની માટે આ ખુશીના સમાચાર હતા નીલ તો બહુ જ ખુશ હતો કે આજે જે ઈચ્છા વ્યક્ત કરી એજ તેની સામે સાકાર થઇને ઉભી રહી. હવે નીલ પણ નીશીનું વઘારે પડતું ઘ્યાન રાખતો હતો. ક્યારેક એની બહેન કઈક સારું બનાવ્યું હોય તો નિશી માટે આપી જતા હતા. આમને આમ નીશીને સાતમો મહિનો શરૂ થયો. હવે નીશીને વધારે આરામની જરૂર રહેતી હોવાથી સ્ટોર ઉપર એક પાર્ટ ટાઈમ માણસ રાખી લીધો હતો.એવું વિચારીને કે ઓછી બચત થશે પણ નીશીને આ સમય દરમિયાન આરામ મળવો જરૂરી છે.પરંતુ નાના સ્ટોરમાં બહારના માણસ કાયમ નાં પોષાય,આ વાત બંને જાણતા હતા. છતાં હાલ પુરતું આમ કરવું જરૂરી હતું.

છતાં સંતાનના જન્મ સમયે કોઈ પોતાનું પાસે હોય તો સારું રહે એવા આશય થી નીશીના મમ્મી કુશુમબા ને અહી બોલાવવા સ્પોન્સર અને વિઝાના કાગળો તૈયાર કરવાનું નક્કી કર્યું .કારણકે નીલની માતા ભાઇ બહેનને નાની ઉમરમાં એકલા મૂકી સ્વર્ગવાસ થઇ ગયા હતા અને અહી આવવાના થોડા સમય પહેલા પિતાજી પણ તેમની પાછળ ચાલ્યા હતા. કુશુમબા આમ પણ દેશમા એકલા જ રહેતા હતા. કુશુમ બાનો બે દીકરાઓ એમના પરિવાર સાથે વ્યસ્ત હતા. તેમને કુસુમ બાની ખાસ જરૂર નહોતી. આ હર્યા ભર્યા પરિવાર વચ્ચે સાઈઠ વર્ષના કુશુમબા એકલા જ હતા. છતાય તેમની તબિયત સારી હતી આ એક મોટું સુખ હતું. છેવટે કુશુમબા દીકરી પાસે અમેરિકા આવવા તૈયાર થયા. કુશુમબાને અમેરીકા આવ્યાને એક મહિના જેટલો સમય વિતિ ગયો. કુશુમબા બહુ ખુશ હતા કે દીકરીને મદદ કરી શકશે. આમ પણ નીલ અને નીશી માટે તેમને પહેલેથી જ બહુ લાગણી હતી. નીલ પહેલેથી હસમુખો અને પ્રેમાળ હતો અને કુશુમબા સાથે કદી જમાઈ જેવો વ્યવહાર કરતો નહી. કારણકે નાનપણથી એ માના પ્રેમનો ભૂખ્યો હતો. આથી કુશુમબાને પોતાની મા સમજીને એ પ્રેમ કરતો. “દિલની સાચી લાગણી હંમેશા વાણી વર્તનમાં ઝળકે છે ” પોતાનું ઘર હોવાનો એક અહેશાસ આ બંને કુશુમબાને કરાવતા રહેતા હતાં. અલગ દેશ,અલગ માણસો અને અલગ સંસ્કૃતિ છતાય કુશુમબાં અહીના માહોલમા ભળી ગયા હતા આ તરફ નીશીને મમ્મીના આવવાથી બહુ રાહત રહેતી હતી. “હોય હૈયામાં પ્રેમ અને શાંતિ હોય તો વગડો પણ ઉપવન લાગે”. તેમાય આ તો એડીસન. જે બિલ્ડીંગમા તેઓ રહેતા હતા એ બિલ્ડીંગના અન્ય ફ્લેટમાં ઘણા ગુજરાતીઓનાં કુટુંબ રહેતા હતા. કુસુમબાના મીઠા સ્વભાવને કારણે ઘણા પરિવાર સાથે ઘરોબો કેળવાઈ ગયો હતો. પૂરા મહિનાઓ જતાં નિશાને પેઈન ઉપડ્યુ અને તેને નજીકની મોટી હોસ્પિટલમાં પ્રસુતી માટે દાખલ કરી. નીશીએ સુંદર મજાના દીકરાને જન્મ આપ્યો. નીલ બહુજ ખુશ હતો જાણે દુનિયાનું આખું સ્વર્ગ એક બાળક સ્વરૂપે તેના હાથમાં આવી ગયું હોય તેમ લાગતું હતું. થોડી વારમાં બાળકના ફોઈએ નામ પણ સુચવી દીધું. નિશી અને નીલ ઉપરથી” શીલ ” હવે ઘરની રોનક સાવ બદલાઈ ગઈ હતી. નીલ સાંજ પડે તેનીજ રાહ જોતો. કુશુમબા પણ આખો દિવસ નિશી અને શીલની આજુ બાજુ ફરતા રહેતા હતા. આમ કરતા શીલ બે મહિનાનો થઇ ગયો. હવે નીશીને આમ ઘરે રહેવું પોસાય તેમ ના હતું. તે નાના બાળક ને નાની પાસે મૂકી હવે રોજ સવારે નીલ સાથે સ્ટોર ઉપર જતી અને સાંજે પાછી આવતી. હવે કુશુમ બાને એક મહત્વનું કામ મળી ગયું હતું શીલ તેમનો કાનકુંવર હતો સવારે ભજનો ગાતા ગાતા કાનુડાની સેવા કરતા અને સાથે સાથે આ બાળ કુંવરને પણ લાડ લડાવતા હતાં.હવે તો શીલ પણ બાનો હેવાયો થઇ ગયો હતો બાની પાછળ પાછળ ફર્યા કરતો બા તેને સુંદર ગીતો શીખવતા અને મજાની વાર્તાઓ કહેતા. “જો મુળીયા મજબૂત હોય તો છોડ તંદુરસ્ત રીતે ઉછરતો જાય છે”. આમને આમ શીલ ત્રણ વર્ષનો થઈ ગયો.આ બાજુ નીશી ફરી એક વાર માતા બની સુંદર દીકરી નિવાનો જન્મ થયો.

આ બાજુ મહેનત અને લગનથી કામ કરતો નીલ હવે બે સ્ટોરનો માલિક બની ગયો હવે નીલ એક સ્ટોર અને નિશી બીજા સ્ટોરને સંભાળતી હતી. શીલ હવે પ્રાઇમરી સ્કુલ જતો હતો અને નાનકડી નિવા કુશુમબાની હુંફાળી માવજતમા ઉછરતી હતી. કુશુમાંબા માટે આ કામ જવાબદારી નહોતા. બાળકોને હોશે હોશે સાચવતા અને સાંજ પડ્યે છોકરાઓ થાકીને આવ્યા હશે વિચારીને નીલ અને નીશી માટે જુદું જુદું જમવાનું બનાવતા. એક દિવસ નીલ સમય થયો છતાં પણ ઉઠ્યો નહી.તેથી નિશી તેને જગાડવા ગઈ તો એને જોયુ કે નીલનું શરીર તાવ થી ઘગઘગતું હતું .. હવે શું?નીશીને તો કામ ઉપર જવાનું હતું..!!!! નીશીએ ઘરમા પડેલી તાવની દવા આપી અને આદુ અને ગરમ મસાલા વાળી ચા બનાવી આપી પણ હવે શું ? જવાબદારીઓ માથે હોય તો બધું ભૂલવું પડે છે આગળ વધવું પડે છે.એક નીશી જે સ્ટોર ચલાવતી તે સ્ટોર ખોલવાનો હતો અને જતા જતાં નીલના સ્ટૉરના એમ્પ્લોયને બોલાવી નીલના સ્ટોરને ખોલાવવાનો હતો. ઓહ! આ દેશની આ એક મોટી મજબુરી છે કે ઘરમાં કોઈનું મોત થયું હોય તો પણ કામ કાર્ય વગર ચાલતું નથી,દેશમાં તો મદદ કરવા સગાવહાલાના હાથ લંબાય જાય છે પણ અહી તો બધાજ પોતાના કામમાં બીઝી અને મશગુલ હોય છે. જોકે આમ કહી કોઈના ઉપર દોષારોપણ નાં કરી શકાય પરંતુ અહીની જીવનવ્યવસ્થા જ આવી હોય તો થાય પણ શુ? નિશી મનમાં બોલતી હતી. નીશીને આજે બહુ લાગી આવ્યું કે તેને આટલો પ્રેમ કરતો પતિ જ્યારે પહેલી વાર તેની સામે આમ બીમાર પડ્યો હોય અને તેને છોડી આખો દિવસ બહાર રહેવું પડશે.તેની આ વ્યથા બા જાણી ગયા તેમને નીશીને હિંમત આપતા કહ્યું.” નીશીબેટા જરા ઓછું નાં લાવીશ,હું ઘરેજ છુ અને નીલ મારો દીકરો જ છે ને! હું તેને બરાબર સાચવીશ તું શાંતિથી તારું કામ પતાવીને આવીજા. અને જોજે તારું લંચબોક્સ લઇ જવાનું નાં ભૂલીશ મેં બનાવી તૈયાર રાખ્યું છે.”અને જો હવે તો નિવા પણ મારી હેવાઈ બની ગઈ છે તો જરાય હેરાન નથી કરતી. તું જા બેટા ચિંતા ના કરીશ. “કુશુમબા વ્હાલથી નીશીના માથે હાથ ફેરવતા બોલ્યા. “બા…,તમે નાં હોત તો મારું શું થાત.અમે બે અને અમારા બે બાળકો તમારા વિના અધૂરા છીએ.”હવે નીલા અને નિશી પણ કુશુમ બાને મમ્મી ના બદલે બા કહેતા હતા. કુશુમબા આખો દિવસ નીલને માથે પોતા મુકતા રહ્યા અને દેશી ઉપચારથી કાઢો બનાવી પીવડાવ્યો આમ બાના અથાગ પરિશ્રમ પછી નીલને તાવ ઓછો થયો.અને બીજા દિવસે અશક્તિના કારણે ઘરે જ રહ્યો અને કુશુમબા ભૂલી ગયા હતા કે આ જમાઈ છે.દીકરો નથી અને બસ પુત્રવત સ્નેહથી નીલનું માથું દબાવતા સિરો બનાવી ખવડાવતા રહ્યા.ત્રીજે દિવસે નીલને સારું થઇ ગયું.

આમ વર્ષો વિતતા ગયા હવે કુશુમબા બે ત્રણ વર્ષે એકાદ બે મહિના માટે આંટો મારી આવતા પણ તેમને આજ અમેરિકાનું ઘર પોતાનું લાગતું હતું. આ બાજુ કુશુમબાં લાંબો સમય અમેરીકા રહેતા હોવાથી દેશમાં દીકરા-વહુઓને પણ હવે એ મહેમાન તરીકે જ સારા લાગતા હતા. અને આ વાત કુશુમ બા અને નીલ નિશી જાણતા હતા. અમેરીકાના લાંબા રોકાણ બાદ કુશુમબા કાયમી નાગરીક બની ગયા હતાં.આ દેશનું એક બીજુ સુખ કે સીટીઝન વૃધ્ધોને અમેરિકી ગવર્મેન્ટ તરફથી માસિક બંધાએલી રકમ જીવનભર મળે છે,ઉપરાંત તેમની દવા તથા ડોકટરનો બધો ખર્ચ પણ અહીની અમેરીકન સરકાર ઉઠાવે છે…. સમય જતા શીલ પંદર વર્ષ તરૂણ બની ગયો હતો અને નિવા પણ બાર વર્ષની થઇ ગઈ હતી.હવે નીલ અને નિશી સાંજે વહેલા ઘરે આવી જતા હતાં. બંને સ્ટોરમાં મેનેજરની નિમણુક કરી હોવાથી સમય પણ પૂરતો માણી શકતા હતા.સરવાળે જિંદગી બરાબર ગોઠવાઈ ગઈ હતી.પરંતુ સમયની અસર દરેકની ઉપર સરખી જ થાય છે હવે કુશુમબાની ઉમર થઇ હતી.પંચોતેર વર્ષની આસપાસ થઇ હતી છતાય તે ઘીમે ઘીમે કામ કરતા અને નિશી ના કહે તો કહેતા કે,”જો કામ નહિ કરું તો જીવનમાં બીજું શું કામ રહી જશે અને કામ મને આનંદ આપે છે અને તારી મદદ પણ થઇ જાય છે.”કહી અને કુશુમબા હસતા રહેતા. નીલ અને નીશીના બંને બાળકો હવે તેમના અભ્યાસ અને એમની મસ્તીમાં વ્યસ્ત રહેતા હોવાથી મોટે ભાગે દિવસ દરમિયાન ધરની બહાર રહેતા હોવાથી. તબિયત સારી નાં રહેતી હોવાથી કુશુમબા વધારે સમય ઘરે એકલા વિતાવતાં હતા એક દિવસ સવારે બધુ જ રાબેતા મુજબ ચાલતું હતું.

બધા પોતપોતાને કામમાં વ્યસ્ત રહેતા હતા અને શીલને એ દિવસે મોડા જવાનું હતું તેથી તે એના રૂમમાં સુતો હતો.સવારના કામમાંથી પરવારી કુશુમબા બાથરૂમમાં જતા હતા ત્યારે બાથરૂમમાં ભીની ફર્શ પર પગ લપસ્યો અને નીચે પટકાયા અને માથામાં ભીત અથડાવાથી બેભાન થઇ ગયા.કુશુમબાના નશીબ સારા હશે,કે થોડી વાર પછી શીલ નીચે આવ્યો તો તેને બાને આમ પડેલા જોયા અને શીલ ગભરાઈ ગયો. તુંરત નીલ અને નીશીને ફોન કર્યો અને બધા આવે તે પહેલા તેને ૯૯૯ નંબર ઉપર ફોન જોડ્યો. અહીની પોલીસ અને હોસ્પીટલની સેવા બહુ ઝડપી હોય છે. અહી માણસના જીવનું બહુ કીંમત હોય છે પછી ભલેને તે યુવાન હોય કે બુઝવાની અણીએ આવેલું વૃદ્ધ જીવન હોય … નીલ અને નિશી પળવારનો પણ વિલંબ કર્યા વગર પોતપોતાની દુકાનો બંધ કરી ઘરે આવી ગયા પણ ત્યાં સુધીમાં તો એમ્બુલન્સ આવી પહોચી હતી.કુશુમબાને તરત નજીકની મોટી હોસ્પિટલમાં લઇ જવાયા અને ઝડપી ઇલાજ શરૂ કરી દેવામાં આવ્યો.બરાબર ચોવીસ કલાક પછી કુશુમબાને ભાન આવ્યું અને ડોક્ટર સહીત બધાના ચહેરા ઉપર હાશકારો દેખાયો. !!! પંણ માથાને ભાગે ઇજા થવાના કારણે કુશુમબા બધાને બરાબર ઓળખાતા નહોતા ક્યારેક ડાહી વાતો કરતા બધાને ઓળખાતા ક્યારેક બધું ભૂલી જઈ સાવ બાળક બની જતા. અને માં માં કહી રડવા લાગતા હતા.

લગભગ એક અઠવાડિયું અહી હોસ્પિટલમાં રહ્યા પણ તેમના વર્તનમાં કોઈજ ફેર નાં પડ્યો..છેવટે ડોક્ટરોની સલાહથી તેમને ઘરે લઇ જવામાં આવ્યા.ડૉકટરનું એમ માનવુ હતુ કે જાણીતા માહોલમાં રહેતો કદાચ તેમની યાદશક્તિ ઝડપ પાછી આવી શકે. હવે નીલ અને નીશીની સરળ જિંદગી છેલ્લા સોળ વર્ષથી બાની છત્રછાયામાં વીતતી હતી તે જાણે એક જ વાવાઝોડાથી ઉજ્જળ બની ગઈ હતી. આવતી કાલના ગર્ભ શું ભંડારાલું છે તે કોણ કહી શકે ? હવે નીલ અને નીશી ઉપર કુશુમબાની જવાબદારી વધી ગઈ હતી.આથી નિશી પાર્ટ ટાઈમ સ્ટોર ઉપર જતી હતી બાકીનો સમય મેનેજરને હવાલે સ્ટોર્સ ચલાવતી હતી. બચત ઓછી થાય તેની ચિંતા આ પરિવારને નહોતી પણ કુશુમબા જલદી સારા થઈ જાય એ મહત્વનું હતું. આ બાજુ કુશુમબાને દિવસે દિવસે સારું થવાને બદલે એની માનસિક હાલત વધુને વધુ બગડતી જતી હતી.ક્યારેક અડધી રાત્રે બારણા ખોલીને બહાર નીકળી જતા.એક વાર આ રીતે બહાર ચાલ્યા ગયા હતા પણ પાડૉસી શિશિરભાઈ કાપડિયા એની નાઈટ સિફ્ટના કારણે રાતે બે વાગે ઘરે પાછા ફર્યા હતા.અને કાર પાર્ક કરતા હતા અને એની નજર કુશુમબા પર પડતા અને સમજાવી ફોસલાવી ઘરે મૂકી ગયા. આ બનાવ બન્યા પછી ઘરે એલાર્મ સીસ્ટમ મુકાવી દીધી.જેથી તે ઘર ખોલે તો બધાને ખબર પડી જાય.એક વાતની શાંતિ થઇ ત્યાં બીજો પ્રેબ્લેમ શરુ થયો હવે કુશુમબા સમયસર જમતા નહી અને એક બાળક જેમ સમજાવી એને જમાડવા પડતા હતાં.ક્યારેક બાળક જેવી હરકત કરવા લાગતા. કુશુમબાની આવી હાલત જોતા નીલ અને નિશી બહુ દુઃખી થતા હતા .

એક દિવસ નીલ અને નીશીને કૌટુંબિક પ્રસંગે બનેને બહાર જવાનું થયું તે શીલ અને નીવાને બાનું ઘ્યાન રાખવાનું કહીને ત્રણ ચાર કલાક માટે બહાર ગયા.અનાયાસે એ જ દિવસે કુશુમબાને ફરીથી બચપણનું ભૂત સવાર થઈ ગયું બને બાળકોની સામે બહુ ગરમી લાગે છે કહી સાડી ઉતારી નાખી અને બીજા કપડા પણ ઉતારવા લાગ્યા. કુશુમબાની આ હરકત જોઇને શીલ અને નિવા ગભરાઈ ગયા.બંને બાને બહુ સમજાવવાની ખૂબ કોશિશ કરી.એવામાં અચાનક બાએ નીવાને થપ્પડ લગાવી દીધી.પરિણામે નિવા રડવા લાગી.અને શીલે નીશીને ફોન કર્યો અને બંને તેટલી ઝડપથી ઘરે આવી ગયા.ત્યાર બાદ બાને સમજાવી અને ઉંધની દવા આપી સુવડાવી દીધા. યુવાનીમાં ડગ ભરતાં બાળકો સામે આમ વારેવારે કુશુમબાની આવી હરકત બાળકો સામે યોગ્ય નાં લાગે..આ વાતને હવે નીશી સમજી ગઈ હતી.નીશી પણ આખરે પણ માં હતી. આથી લઈને તેણે હૈયા ઉપર પથરો મૂકી કુશુમબાને નજીકના “રીહેબીટેશન સેન્ટરમાં” સારવાર માટે દાખલ કરવાનું નક્કી કર્યુ.

અહીના રીહેબીટેશન સેન્ટરમાં મગજથી અસ્થિર યુવાન વૃદ્ધોને કે શરીરે અપંગ હોય તેવા દર્દીઓને રાખવામાં આવતા હતા.અહી તેમની પુરેપુરી સુવિધા સચવાતી હતી બહુ કાળજી અને પ્રેમથી સેવા થતી હતી અને મોટા ભાગે આવા દર્દીઓની સારવારનો તમામ ખર્ચ ગવર્મેન્ટ આપતી હોય માટે દર્દીના ઘરવાળા ઉપર પણ ખાસ કોઈ બોજ રહેતો નહિ બધું નક્કી કર્યા પછી પહેલી વખત જ્યારે બાને રીહેબમાં મુકવાનો સમય થયો ત્યારે નીલ નાના બાળકની જેમ છુટા મોંએ રડી પડ્યો.જાણેકે તેની સગી માને મુકવા જઈ રહ્યો હોય નીલ અને નીશી રીહેબ સેન્ટરની બધી વ્યવસ્થા જાતે જોઇને આવ્યા હતા તેમણે કુશુમબા ને પ્રેમથી સમજાવ્યા કે અહી તમને જલદી સારું થઇ જશે અને પછી તમને જલ્દીથી ઘરે પાછા લઇ જઈશું અને બા જાતે બહુ સમજુ હતા દુખી થયા પણ કોઈને જણાવવા નાં દીધું અને હકારમાં માથું હલાવી માની ગયા. નિશી સવારે કલાક અહી આવીને બા પાસે બેસીને જતી સાજે રોજ ઘરનું જમવાનું લઇ નીલ આવતો બાને પોતાના હાથે જમાડયા પછી જ ઘરે જઈ જમતો હતો. હવે આ રોજનો ક્રમ બની ગયો હતો.એક તો બાની વધતી ઉમર અને આ અસાઘ્ય મગજની બીમારીના કારણે દિવસે દિવસે એની યાદદાસ્ત ગુમાવવા લાગ્યા હતા. બસ ક્યારેક યાદ આવે તો નીલ અને નીશીના પરિવારને યાદ કરે. ક્યારેક શીલ અને નિવા પણ સમય મળતા બા પાસે જઈને બેસતા તેમની સાથે વાતો કરતા.આખો પરિવાર બા વિના જાણે અઘૂરો હતો.પરંતુ સમય ગમે તેવા દુઃખને ગમે તેવી ખોટને ભરવા સક્ષમ હોય છે ..

ક્યારેક ઠંડી હોય સ્નો પડે તોયે નીલ કુશુમબા માટે રાતનું ખાવા ખવડાવવા જવાનું ક્યારેય ભૂલતો નહિ. આમને આમ રીહેબ સેન્ટરમા એક વર્ષ નીકળી ગયું. આ દરમિયાન કુશુમબાની હાલત બગડતી જતી હતી. થોડા વખતથી કુશુમબાની રૂમમાં બીજા એક સ્ત્રી દર્દીને રાખવામાં આવી હતી.એક અમેરિકન સ્ત્રી જેની ઉમર પંચાસી નેવુની આસપાસ હતી. તેને અલ્ઝાઈમરની બીમારી હતી.એનુ નામ ‘જેન ડિસોઝા’ હતું.એ પણ યાદદાસ્ત ગુમાવી દીધી હતી.એ પણ બધું ભૂલી ગઈ હતી.એને બસ યાદ હતું તો તેની જવાનીના દિવસો.જ્યારે તે એક ફેમસ બેલે ડાન્સર હતી.એ એના સુંદર પગની વાતો કરતી.આજે લગભગ સંવેદના વિહીન થઇ ગયા હતા.વ્હીલચેરમાં બેસીને રૂમની બહાર જતી આવતી હતી.જે એક વખત હવામાં ઉડતી હતી.તેના સગામાં એક દીકરી હતી.જે દુર રહેતી હતી ક્યારેક આંટો મારી જતી. દરરોજ સાંજે આવતા નીલને આ જેન ડીસોઝા સાથે પણ એક લાગણીનો નાતો બંધાઈ ગયો હતો. તે ક્યારેરેક થોડું ઓછું તીખું એવું ખાવાનું બનાવી લાવી જેનને પણ ખવડાવતો તેની સાથે વાતો કરતો…ક્યારેક જેન મુડમા હોય તો એને હસાવતો પણ ખરો. જેન પણ ક્યારેક માય સન નીલ કહી બોલાવતી. એક દિવસે સવારથી બાની તબિયત ખરાબ હતી નિશી અને નીલ સવારથી સ્ટોર બંધ રાખી હોસ્પીટલમાં હતા.ડોક્ટર જવાબ આપી ચુક્યા હતા.છેવટે બાનો દેહ એના પવિત્ર આત્મા અનંતમાં વિલીન થઇ ગયો.

આખું કુટુંબ ઘેરા શોકમાં ગરકાવ હતું.નિવા અને શીલ પણ આઘાતમાં હતા અહીના ઇલેક્ટ્રિક સ્મસાનમા તેમના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યો. અંતિમકાર્ય વિધિ અનુસાર પુરુ કર્યાને દસ દિવસ વીતી ગયા.હવે નીલને સાંજ ખાલી લાગતી હતી.એક દિવસ અચાનક હોસ્પીટલમાં થી ફોન આવ્યો ” મિસ્ટર નીલ પ્લીઝ કેન યુ કમ ટુ ઘ હોસ્પિટલ એસ સુન એસ અર્લી” નીલ ફટાફટ હોસ્પિટલ પહોચ્યો અને જોયું તો જેન ડિસોઝા “નીલ નીલ” બોલી રડતી હતી નીલા પહોચ્યો તો તેને જોતા તે શાંત થઇ ગઈ અને તેની હાથ પકડી થોડીજ વારમાં શાંતિથી સુઈ ગઈ. ડોક્ટરોના જણાવ્યા મુજબ કુશુમબાનાં મૃત્યુ પછી જેન બહુ ઉદાસ રહેતી હતી.ક્યારેક નીલને યાદ કરતી રહે છે.અંતે નીલ સમજી ગયો કે ભલે કુસુમબા નથી પણ જેનને હજુ એની જરૂર છે અને તેનું રોજ સાંજે હોસ્પિટલ આવવાનું રૂટીન હજુ પણ જળવાઈ રહ્યું.અમેરીકામાં આવ્યાને બે દાયકા વિત્યા છતાં ભારતીય સંસ્કારના મુલ્યોની જાળવણી કરતા નીલ જેવા એવા ઘણા માણસો અમેરીકામાં વસતા હશે જેઓને માબાપનાં હિતની પૂરેપૂરી જવાબદારી નિભાવતા જોવા મળે છે.

રેખા વિનોદ પટેલ ( વિનોદિની )

ડેલાવર (યુએસએ)