પિંજરામાં કેદ કોણ? રેખા પટેલ(વિનોદિની)
ડીસેમ્બર મહિનાની કડકતી ઠંડી અમેરિકાના ઇસ્ટ કોસ્ટને થથરાવી રહી હતી. સવારના નિત્યકર્મથી પરવારી બાળકો અને કામમાં વ્યસ્ત રહેતા પતિને બાયબાય કહી સજલ ગરમ ચાયનો કપ લઇ તેના વિશાળ ઘરની પાછળના ભાગમાં આવેલા સન રૂમનાં સોફા ઉપર બેઠી. ગ્લાસની વિન્ડોની આરપાર પર્ણ વિહીન વૃક્ષોને ગ્લાની ભરી નજરે નિહાળતી હતી ત્યાંજ તેની નજર ડેક ઉપર પડી. સજલે જોયું કે એક તાજું જન્મેલું નાનકડું પીળું ચકલીનું બચ્ચું ઠંડીમાં થરથર ઠુંઠવાતું હતું. બહાર જઈ બહુ એને કોમળતાથી તેને હાથમાં ઉચકીને તે ઘરમાં લઇ આવી. એક ગરમ રૂમાલમાં વીટાળી તેને ગરમાટો આપ્યો. અને પછી નામ આપ્યું ’સોના’
ફાજલ સમયમાં એ નાનકડા બચ્ચાનો બહુ લાડકોડથી ઉછેરવાનું શરૂ કર્યુ. સોના માટે હવે ઘરમાં એક નાનું મઝાનું પીંજરું આવ્યું. બાળકોએ અંદર હિચકો લગાવ્યો, એક નાનકડો અરીસો મુક્યો. સજલે નાની નાની ઘૂઘરીઓ લગાવી. અને બહાર ‘સોના’નામની તકતી મૂકી.
જેમ જેમ તેનો ઉછેર થતો ગયો તેમ ઘરના બધાને સોના સાથે ગજબની માયા બંધાતી ગઈ. રોજ બધા પોતોતાના કામે બહાર જાય પછી એકલી પડેલી સજલ સોનાને બહાર કાઢતી તેને ઉછળતી કુદતી જોઈ રાજી થતી. ક્યારેક સજલે સામે ધરેલી આંગળીને ચૂમવા સોના અધીરી થઇ જતી. હવે આ બંને વચ્ચે સ્પર્શ અને સંવેદનાં નાતે મમતાનો એક મીઠો અહેસાસ બંધાઈ ગયો હતો.
સોના હવે આ ઘરથી હેવાઈ બની ગઈ હતી. અને સમજદાર પણ થઇ ગઇ હતી. આથી હવે તેને પીંજરાની ખાસ જરૂર ના પડતી. સજલ કામ કરતી હોય ત્યારે તે તેની આસપાસ મંડરાયા કરતી. ક્યારેક ખભા ઉપર બેસી જતી તો વળી માથા ઉપર બેસી ટહુકો કરતી.
સજલને માં યાદ આવી જતી. વિચારતી …”નાનપણમાં એ પણ મારી પાછળ આમ જ દોડતી રહેતી.અને હું પણ માને જોઈ આમ જ ઘેલી થઈ જતી .આખો દિવસ માનો સાડલો પકડી આજુબાજુ ઘુમરાતી રહેતી હતી.”
શિયાળો પૂરો થતા ઉનાળો આવ્યો. સજલને હાશ થઈ ચાલો હવે બહાર ખુલ્લી હવામાં ફરવા જવાનું મળશે. આ કાતિલ શીયાળાના પાંચ મહિના તો જાણે તેને સોનાના પીંજરા જેવા લાગતા હતા. રોજ સાંજે તે ઘરથી થોડે દુર આવેલા બગીચામાં ચાલવા જતી હતી. એક દિવસ એવી બહાર જવાની તૈયારી કરતી હતી ત્યા તો સોનાને જાણે સાથે જવું હોય એમ ચી..ચી..ચી.. કરી મૂકી.
સજલે તેને નાના પિંજરામાં મૂકી બગીચામાં સાથે લઇને ગઈ. કૂણાં કૂણાં પાંદડા અને ઝીણાં ફૂલોથી ભરેલા એક વૃક્ષની નીચે એક બાંકડા ઉપર પીંજરું મૂકી એ થોડું આમતેમ ચાલવા નીકળી ..થોડું આગળ ચાલી તેણે પાછળ વળીને જોયું તો સોના ગભરાએલી મૂંઝાયેલી લાગતી.એ દ્રશ્ય જોઇને સજલને તેનો કોલેજનો પહેલો દિવસ યાદ આવી ગયો. “હું પણ આમ જ મુઝાઇ ગઈ હતી.પછી સમય જતા ટેવાઈ હતી અને એ નવી દુનિયા ગમવા માંડી હતી.” નજીકમાં જ થોડા ચક્કર લગાવી એ સોનાને લઇ ઘરે આવી.
હવે તો આ રોજનું થઇ ગયું હતું. સોનાને પણ બહારની હવા લાગી ગઈ હતી. બગીચામાં તેના જેવા પાંખોવાળા ઘણા જીવોને જોઈ તે હરખાઇ જતી હતી. કેટલાક તો તેની નજીક આવી કાનમાં કંઈક કહી જતા હતાં. બગીચામાં હવે સોનાના દોસ્તારો વધતા જતા હોય તેવું સજલને લાગતું હતું.
એક દિવસ બહાર ચાલવા જવાના સમયે તેની કોઈ મિત્રનો ફોન આવ્યો. અને વાતો વાતોમાં ચાલવા જવાની ઉતાવળમાં સોનાનાં પિંજરામાં બાકડા પર મુકીને જરા દુર સુધી નીકળી આવી. ઉતાવળમાં પિંજરાનું બારણું અધખુલ્લું રહી ગયું હતું.
થોડીવાર પછી એ પાછી આવી અને સામેનું દ્રશ્ય જોઈ અવાક બની ગઈ.સોના પોતાની પાસે આવેલા એના જેવાજ એક સોનેરી સાથી સાથે ઘડી બે ધડીમાં ઉડીને ઉંચે ઝાડની ડાળી ઉપર ઝૂલા ખાતી હતી.
બરાબર એજ રીતે જેમ સજલ તેના પતિ સાથે ચાર ફેરામાં જ સોનેરી બચપણને ભૂલી આટલે દુર ઉડી આવી હતી.
સજલે જોયું ત્યાં દુર સોના એના જેવા જ બીજા સાથી સાથે ચાચમાં ચાંચ પરોવી બેઠી હતી, ટહુકતી હતી.
સજલને યાદ આવ્યું “હું જ્યારે તેમનો હાથ પકડીને ઉડી હતી ત્યારે મારી માના મનની સ્થિતિ પણ કદાચ આવી જ હશે….ગભરાએલી,મુઝાએલી અને દુઃખી છતાં મારા સુખે સુખી”.
ફરી પાછા સનરૂમની વિન્ડોનાં ગ્લાસની આરપાર નજર ફેલાવતી સજલ વિચારતી રહી કે પિંજરામાં કેદ કોણ હતું ” હું કે સોના?”
ડેલાવર (યુએસએ )
29
Dec