

મુળ સૌરાષ્ટ્રના પણ રાષ્ટ્રીય ફલક પર ખૂબ પ્રખ્યાત થયેલા અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સંગીત સમ્રાટ તથા ગાયક વિક્રમસિંહ પરમાર એમની સિત્તેર વર્ષની ઉમરમાં પણ મોહક વ્યકિત્વ ધરાવતા હતા.વિક્રમસિંહ એના યુવાનીથી વાનપ્રસ્થ અવસ્થાના પહેલાના સમયમાં એક પ્રખ્યાત સંગીતકાર હોવાને એનાં ચાહકો જ્યાં જ્યાં એમનાં કાર્યક્રમ યોજાતા ત્યા એમને ધેરી વળતા હતા..વાંકડિયા એવા લાબા વાળ,પાણીદાર આંખો,ચહેરા પર જીણી દાઢી કાયમ રાખતા હતા.જ્યારે વિક્રમસિંહ વાંકડિયા વાળ હવામાં લહેરાવતા લાંબા રાગ આલાપતા ત્યારે યુવાન વયની સ્ત્રીઓ તો ઠીક પણ વયસ્ક સ્ત્રીઓ પણ અંદરથી ડોલી ઉઠતી હતી.આરોહ અને અવરોહમાં નીકળતા એનાં મદીલા અવાજમાં એક જાદું હતો..એક સંમોહન હતુ.
ભારતભરના જુદા જુદા શહેરોમાં તેમના કાર્યક્રમ યોજાતા રહેતા હતા.બરાબર એવા જ એક કાર્યક્રમમાં જે અમદાવાદના નટરાજ હોલમાં યોજાયો હતો.મદહોશી ભર્યો સંગીત પ્રોગ્રામ ચાલતો હતો ત્યાં પ્રથમ હરોળની વચલી સીટમાં એક સુંદર યુવતી રાગના લય પ્રમાણે બરાબર ડોલતી હતી જાંણે મદારીનાં બિનની ધૂન ઉપર નાગણ ડોલતી હોય.બધુ જ ભાન ભૂલી એ યુવતી વિક્રમસિંહનાં સંગીતમાં મસ્ત હતી.આ વાત વિક્રમસિંહની શ્રોતાપારખું નજર બહાર નહોતી.
સંગીતની સાથે લયબધ્ધ ચાલતાં દેહ ડોલન સાથે ગાળામાં પહેરેલી હીરાનો હાર ચમકી ઉઠતો હતો.આ જોઈને એટલી ખાતરી તો જરૂર થતી હતી કે કોઈ ઘનવાન પિતાની પુત્રી હતી.બરાબર રાત્રે બાર વાગ્યે કાર્યક્રમ પૂરો થયો.ભૂરો રેશમનો પડદો ધીરે ધીરે ઘરતીને ચૂમવા લાગ્યો.જેવા વિક્રમસિંહ જવા માટે ઉભા થયા ત્યાજ કાર્યક્રમનાં આયોજક શાહ સાહેબ અંદર આવ્યા.સાથે સાથે પેલી યુવતી હતી
ચાંદના ટૂકડા જેવી રૂપાળી યુવાતી હતી.પણ કોણ જાણે આંખોમાં ગહેરી ઉદાસી દેખાતી હતી. ગોરી ચામડીમાં હોવા છતા ચમક નહોતી,પણ આંખોમાં કઈક અજબ આકર્ષણ હતું.એ આંખોની ગહેરાયમાં પહેલી નજરે જ વિક્રમસિંહ ખોવાઈ ગયા.
“વિક્રમજી…. આ કામયા શેઠ છે.સોહનલાલની શેઠની એકની એક સુપુત્રી છે.જે આપના સેકડો ચાહકોમાની એક સૌથી મોટી ચાહક છે.”શાહ સાહેબે ઓળખાણ આપતા કહ્યુ.
બંને એક બીજાને હલ્લો કર્યું અને થોડી વાતચીત પછી કામયાએ વિદાય લીધી.જતી વેળા તેની આંખોમાં કંઈક યાચના જેવું તરવરતું હતું.જે એક ઋજુ હ્રદયના સંગીતકારને હચમચાવી ગયું.
જેવી કામયા રવાના થઇ તુરત જ વિક્રમસિહએ શાહ સાહેબને પુછયુ,”આ યુવતી કઈ દુઃખી હોય તેવું નહોતું લાગતું?”
“હા તમારી વાત સાચી છે.કામાયાને કેન્શરનો મહારોગ છે.હાલમાં એની ટ્રીટમેન્ટ ચાલે છે, પરંતુ જોઈએ એવી અસર બતાવતી નથી.સોહનલાલ શેઠ મારા સારા મિત્ર છે.મને આ દીકરીની બહુ ચિંતા છે.” શાહ સાહેબ દુઃખી વદને બોલ્યા
“આજે ચાલુ કાર્યક્રમ દરમિયાન મે જોયું કે કામયાને સંગીતમાં બહુ રૂચી છે.અને જો તમે હા કહો તો હું એક વખત તેમના પિતાજી સાથે આ બાબતે વાત કરવા માગું છું.”વિક્રમસિંહ બોલ્યા.
“જી વિક્રમજી…જરૂર હું આવતી કાલે સોહનલાલ શેઠ સાથે મુલાકાત કરાવી આપું છું.”
બીજા દિવસે સોહનલાલ સાથે મુલાકાત દરમિયાન વાત કરી વિક્રમસિંહ જાણી શક્યા કે કામયાને સંગીતનો બહુ શોખ છે.સાથે સાથે તેના વિશે સારી એવી સમજ પણ છે.એના પરથી વિચારીને વિક્રમસિંહએ સોહનલાલ સાથે વાતચીત દરમિયાન તેમણે સંગીત થેરાપી વિશે સમજ આપી.
મ્યુઝિક થેરાપીમાં બહુ તાકાત હોય છે. ભલભલા હઠીલા રોગો સામે લડવામાં મદદ કરે છે. કેટલાય મહારોગો જેમ કે કેન્શર,ટેન્શન,ડિપ્રેશન જેવા માનસિક અને શારિરીક રોગોથી મુક્તિ મેળવવા મ્યુઝિક થેરાપી બહુ મોટો ભાગ ભજવે છે.
જેમકે રાગ ભૈરવી અસ્થમા,શરદી કે અનિદ્રા જેવા રોગ મટાડી શકે છે.રાગ મલ્હાર,રાગ જયજયવંતી માનસિક તાણ દૂર કરી શકે છે. રાગ સારંગથી માથાનો દુ:ખાવો દૂર કરી શકાય છે. રાગ દરબારી હૃદયનાં રોગોમાં અને રાગ શિવરંજ યાદશક્તિ વધારવા મદદરૂપ બને છે ” વિક્રમસિંહ બહુ શાંતિ પૂર્વક શેઠ સોહનલાલને સંગીતના ફાયદા સમજાવી રહ્યા હતા
“પણ આ કઈ શરદી કે દુખાવો નથી કે સંગીતથી મટી જાય,કામયાને તો કેન્શર છે.તેનો ઈલાજ ચાલે છે.”સોહનલાલ દુઃખી અવાજે બોલ્યા
“હા એ હું જાણું છું.તમે તમારો ઈલાજ ચાલુ રાખો અને મને સંગીત થેરાપી કરવા દો.હું ઈચ્છું છું કામયાજીને બને તેટલા જલ્દી સજા થતા જોવાની ઈચ્છા છે.બસ તમે હા કહો તો.” વિક્રમસિંહ બોલ્યા
“ભલે,તમારી ઈચ્છા હોય તો તમે પણ તમારી સંગીત થેરાપી અજમાવી જુવો ”
આમ સોહનલાલની હા થતા વિક્રમસિંહ સવાર સાંજ લગાતાર એક મહિના સુધી અલગ અલગ રાગ કામયા સામેં આલાપતા જતા હતા.ક્યારેક કામયા પણ એમાં સાથ પૂરાવતી હતી.અને જોત જોતામાં દવા સાથે જેમ દુવા અસર કરે તેમ તેની ઉપર સંગીતની અસર થવા લાગી.
ધીરે ધીરે આ મ્યુઝિક થેરાપીથી કામયાને સારું લાગતા વિક્રમસિંહ હૈયામાં ખુશી અને જુદાઈના દર્દને સાથે લઇ વતન પાછા ફર્યા.
વિક્રમસિંહનાં હૈયામાં કામયા પ્રત્યે ફૂટેલું ભીની લાગણીનું એક અંકુર થીજીને રહી ગયું.એ પછી કામયા વિક્રમસિંહ સાથે પત્રવ્યવહારથી જોડાયેલી રહી.કારણકે તેના તકલીફના દિવસોમાં સંગીત સમ્રાટે તેને બહુ મદદ કરી હતી અને ગુરુ બની સંગીતનું દુર્લભ જ્ઞાન પણ પીરસ્યું હતું.
મૌસમ બદલાતા ગયા અને વરસોના પડળ ચડતા ગયા કામયા જીવનમાં ઘણી આગળ વધી ગઈ હતી.પરંતુ વિક્રમસિંહની દુનિયા તો જાણે બસ રોકાઈ ગઈ હતી.કામયાના બહુ સમજાવટ છતાય તે આગળ નાં વધી શક્યા.બસ સંગીતમાં આગળને આગળ વધતા ગયા અને એવોર્ડ જીતતા ગયા.
છેલ્લા કેટલાક વરસોથી વિક્રમસિંહના કોઈ પત્ર કે ખબર નહોતી મળી આથી ચિંતિત હતી.અને કામયાને કોઇ પણ સંજોગે વિક્રમસિંહની ભાળ મેળવવી હતી.આથી કામયા તેના ત્રીસ વર્ષના દામ્પત્ય જીવનનાં સાથી સુરેશ શેઠને સાથે લઇ રાજકોટ નજીકના વિક્રમસિંહના વતન ત્રાજપર ગામડામાં મોંધી વિલાયતી ગાડી લઇને પહોચી ગયા.
કામયા વા આવેલા ઘુંટણના દર્દને અવગણતી ઝડપભેર પગલા ભરતી વિક્રમસિંહનાં નાના પણ સુંદર બેઠા ઘાટનાં મકાનનાંપાછળના ભાગમાં આવેલા ઓરડામાં પહોચી ગઈ.પહોચીને સીધી કામયા ફરિયાદનાં સુરમાં કહેવા લાગી.”વિક્રમસિંહ…..,આ શું માંડ્યું છે?આટલા બીમાર છો અને મને જણાવ્યું પણ નથી..આવું તે કેમ ચાલે?તમારા માટે હું કોઈ પારકી છું?બોલતાં બોલતા કામયાનાં શ્વાસ સુધ્ધા હાંફવા લાગ્યા.
“બસ બસ કામયા જરા શ્વાસ લેવા રોકાય જાવ.આ જુઓ, સુરેશભાઈ પણ હસે છે,તમારી ઉપર.પહેલા શાંતિથી તમે બંને બેસો.”હફતા હાંફતા થોડા હસતા રહીને વિક્રમસિંહ બોલ્યા
નહી હું અહીંયા બેસવા નથી આવી કે ના કે તમારી ખબર પુછવા..હું પાણી તો જ પીશ.જો તમે તમારી હઠ છોડી અમારી સાથે અમદાવાદ આવશો”
“જો વિક્રમસિંહ તમે અમને મિત્ર માનતા હોય તો અમારી સાથે આવવુ જ પડશે ” સુરેશભાઈ પણ આગ્રહ કરતા બોલ્યા
“ભલે તબિયત સારી થાય ત્યા સુધી તમારે ત્યાં હું રહીશ..હવે તો તમે બંને ખૂશ!!!” કામયા અને સુરેશભાઇનાં અતિ આગ્રહને વશ થઇને વિક્રમસિંહએ હસીને હા ભણી.
“અંકલ આટલેથી કઈ અટકવાનું નથી.જે મ્યુઝિક થેરાપીથી તમે મમ્મીની જિંદગી બચાવી હતી.એ જ સંગીત થેરાપી હું તમારી માટે અજમાવીશ.અને તમારે મને સહન કરવી જ પડશે.ભલે હું તમારા જેવી મહાન સંગીતકાર નથી,પણ તમારી સાગિર્દ છું,તો ઘણું બધું હું પણ જાણું છું”કામયા અને સુરેશભાઇ સાથે આવેલી અત્યાર સુધી મુક બેઠેલી દીકરી શ્વેતાની વાત સાંભળી બધા હસી પડ્યા.
થોડા મહિનાઓ પછી કામિયાની હ્રદયપૂર્વક માવજત અને એની દીકરી શ્વેતાની મ્યુઝિક થેરાપીથી ચેતનવંતા બનેલા વિક્રમસિંહ એક સાંજે હારમોનિયમનાં સુર છેડતા હતા.કામયાં એના અવાજનો સાથ આપતી હતી.અને શ્વેતા એની થેરાપીથી સાજા થઇ ગયેલા વિક્રમસિંહને જોતી રહી….
રેખા વિનોદ પટેલ
ડેલાવર(યુ.એસ.એ)