
ફેલાતા જતા પુરુષ સમાજના ક્રોક્રિંટી જંગલો મહી નથી તૃપ્ત ચકલી
ઈંટ સિમેન્ટના માણસોના હ્રદય વચ્ચે પીસાઈને થતી લુપ્ત ચકલી.
ક્યારેક મને ચકલી અને સ્ત્રી સાથે કેમ સામ્યતા જણાય છે.?જેમ જેમ અમુક વિસ્તારોમાં ચકલીઓનુ અસ્તિત્વ જોખમ આવી ગયુ છે,એ રીતે શુ સ્ત્રીઓનુ અસ્તિત્વ જોખમાતુ જાય તો..?
જે રીતે ભ્રુણ હત્યા થતી રહે છે ત્યાં આ શક્યતા પણ વધી જાય છે અને સતત એના અસ્તિત્વ સામે અવનવી સામાજિક રીત રસમોની આંગળી ઉઠતી જ રહે છે..
સ્ત્રીનું સાચું સ્વરૂપ મજબુરીના આવરણ હેઠળ ઠંકાઈ જાય છે..જ રીતે જેમ સિમેન્ટ કોન્ક્રીટ નીચે ચકલીઓ ચણાઈ ગઈ છે.
સ્ત્રી પોતાની વેદના-સંવેદનાને તેના જીવનનો એક ભાગ ગણીને ટુકડે ટુકડે જીવે છે,એનું આંતરિક મનોજગત પણ અનેક ટુકડાઓમાં વહેચાઈ જાય છે..
એક જ સ્ત્રીને આખી જિંદગીમા કેટલા રોલ ભજવવા પડે છે..દીકરીથી લઇને દીકરીના સંતાનોની નાની અને દીકરાના સંતાનની દાદી સુધી…પણ દીકરીથી લઇને દાદી બનવાની સફરમાં એક સ્ત્રીએ પોતાની આંતરિક અને મુળભૂત ઇચ્છાનુ મને કે કમને કેટલુ બલિદાન આપવુ પડે છે….એની સંપુર્ણ જાણકારીથી મોટે ભાગે પુરુષોનો આધિપત્ય ધરાવતો પૈત્રુક સમાજ અલિપ્ત અને અજાણ જ રહે છે..
દીકરીના જન્મ થતાની સાથે એક છુપી નિરાશા પરિવારમાં ફેલાઈ જતી હોય છે અને તે પ્રકારની લાગણી બાળકી નાનપણથી પરિવારના સભ્યોના વર્તન અને અનુભવતી હોય છે.મોટે ભાગના સમાજમા ઘરોમા આવી વાતો સામાન્યતઃ કાને પડતી હોય છે..કે..
“દીકરીને બહુ લાડ ના લડાવવા જોઇએ,મોટી થઇ એને પારકે ઘેર જવાનું છે..પછી સાસરીયામા એને લાડ કોણ લડાવશે?..જેવા અનેક સ્વસ્તિક વચનો સાંભળીને આજની તારીખે દીકરીઓ મોટી થાય છે..આ પ્રકારનોવાણી,વ્યવહાર દીકરીને સતત એ વાતનું ભાન કરાવતા રહે છે તે પારકી છે, આ ઘરની નથી … ? જે ઘરે જન્મ લીધો ત્યા જ તે કેમ નાં રહી સકે? શું આ ઘર તેનું પોતાનું નથી ?
સમય આવતા તે પોતાની સઘળી ઇચ્છાઓ,અપેક્ષાઓને તે અભરાઈ ઉપર ચડાવી દે છે. પારકાને પોતાના કરવા સાવ અંજાની ડગર ઉપર પગ માડે છે ત્યારે પણ તેની સાથે માં બાપના આશીર્વાદ વચનો અને સલાહ નું પોટલું ભાથામાં અપાય છે…
જ્યારે દીકરો થોડાક દિવસો માટે બહાર જતો હોય છે ત્યારે તેને સલાહ અપાય છે ” બેટા તારી તબિયત સાચવજે ફોન કરતો રહેજે ,અહીની ચિંતા નાં કરીશ … વગેરે વગેરે”
જ્યારે દીકરી સાસરે વિદાય થાય છે,ત્યારે પહેલી શીખ આપવામાં આવશે કે સાસરીયાને તારૂ જ ઘર સમજીને સંભાળી લેજે…સાકરની જેમ ભળી જજે…અને બાપનુ નામ ઉંચુ રહે એનો ખ્યાલ રાખજે….વગેરે વગેરે..પણ “ક્યાય એવું નથી આવતું કે તારું ઘ્યાન રાખજે.”
“શયનેષુ રંભા – કાર્યેષુ મંત્રી અને કરણેષુ દાસી”… બસ લગ્ન પછી જાણે સ્ત્રીના આ જ કામ રહી જતા હોય છે .. સમયને જોઈ સમજી ને અનુરૂપ બનો.
ક્યારેક વિચાર આવે છે કે પ્રાચીનથી અર્વાચીન, અને આઘુનિક યુગ સુધીમાં સ્ત્રીની વેદનામાં કેટલો ઘટાડો થયો?ફક્ત વેદનાનું સ્વરૂપ બદલાતું ગયું છે પણ વ્યથા તો એની એજ રહી છે…..
પહેલા સતીપ્રથા અને બહુપત્નીત્વ પ્રથા હતી જે સમાજસુધારાને નામ ઉપર બંધ થઈ ગઇ, પરતું સ્ત્રીના શરીરને રમકડું ગણવાની પ્રથા તો આદિકાળથી હતી તે સમય જતા વધુ બિહામણી થતી રહી છે। સામુહિક બળાત્કાર,સ્ત્રી હાથના આવે તો તેના ઉપર હુમલો કે એસીડ છાટી તેના સ્વરૂપને વિકૃત કરવું આ બધું જાણે સામાન્ય બનતું ચાલ્યું છે..
કદી એવા સમાચાર વાંચવામાં આવ્યા કે એક છોકરો એક છૉકરીના પ્રેમના ઠુકરાવતા છોકરીએ એ છોકરાના મોઢા પર એસીડ ફેકીને વિકૃત કરી નાખ્યો..??
નાં ! કારણકે સ્ત્રીના સ્વભાવમા હિંસા નથી પણ એની સાથે હિંસા આચરવામા આવે છે.. ભલે આપણૉ સમાજ જાગૃત થયો એ છતાં સ્ત્રી વ્યથા એની એ જ રહી !!!!
નવી જગ્યા નવા લોકો અને નવી રીતભાત અપનાવતા સામાન્ય રીતે દરેકને વખત લાગે છે..પણ આ સ્ત્રી નામના રમકડાને આ બધું ટુકા સમયમા ખૂશીથી અપનાવી લેવું પડે છે..એ વખતે એક કુમળા અને અપરિપકવ માનસ ધરાવતી એક દીકરી જે નવી વહુ થઇ આવી છે એને માનશીક તણાવ ભોગવવો પડે છે,એ હક્કીકત કોઈની નજરમાં આવતી નથી…અફસોસની વાત તો એ છે કે વરસો પહેલા જે સાસુ આ જ રીતે ઘરમાં નવી વહુ થઈને આવી હોય એ સાસુ પણ આ વાત ભૂલી જતી હોય છે…અને ત્યારે એક કહેવત યાદ આવી જાય કે,”સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે..” જો કે દરેક કિસ્સામાં આવુ બને એ જરૂરી પણ નથી..ઘણા એવા ઘરો છે જ્યાં નવી આવેલી વહુંને દીકરી જેવો જ આવકારો મળે છે.
છતા પણ અનેક વિટંબણાઓની વચ્ચે એક સ્ત્રી આટલા જ ટુકા સમયના ગાળામાં દુઘમાં સાકરની જેમ ભળી જાય છે અને તદ્દન નવા માણસો અને નવી જગ્યાને પોતાની કરી લે છે..કુટુંબમાં એકતા પણ સ્ત્રીની બુઘ્ઘી અને ઉદારતા જ દ્વારા જળવાય છે.વિવેકબુદ્ધિમાં રહીને એક પત્ની એક ભાભી એક માં અને ઘડપણમાં ફરી એક સાસુ કેટકેટલાં કિરદાર નિભાવે છે ..
” એટલેજ સ્ત્રી ને વહેતી નદી અને વહેતી શક્તિ કહે છે”
જ્યારે આવી સ્ત્રી ઉપર દ્વારા અત્યાચાર થયાની વાતો સંભળાય છે ત્યારે સુધરેલા સમાજની અસલિયત જોઈ મન ધ્રુણાથી ભરાઈ જાય છે..બાળકી જન્મે તેમાં સ્ત્રીનો વાંક અને બાળક નાં થાય તો પણ સ્ત્રીનો વાંક,બાળક કપૂત પાકે તો સ્ત્રીનો વાંક,ઘરમાંથી લક્ષ્મીનો નાશ થાય તો પણ સ્ત્રીનો વાંક …
દરેકમાં બાબતમા સ્ત્રીના પગલા જ અશુભ કેમ? ” આમ કેમ?એનાંથી પણ વધારે આજની તારીખે અમુક સમાજોમાં સંતાનવિહિન સ્ત્રીને અમુક શુભકાર્યથી દૂર રાખવામા આવે છે….સંતાન ના થવુ એના પાછળ માત્ર એક સ્ત્રી જ જવાબદાર હોતી નથી…ઘણા કિસ્સાઓમાં પુરુષો સ્ત્રીને ગર્ભવતી બનાવી શકે એટલા સક્ષમ હોતા નથી..માટે પોતાની નામર્દાનગી જાહેર ના થાય એટલે બધુ દોષારોપણ સ્ત્રીના શીરે આવે છે..
આ વાત કરી એ ઓછું ભણેલા સામાન્ય સમાજ પુરતી જ મર્યાદિત નથી…અમુ શિક્ષિત ઘરોમાં આનુ પ્રમાણ મોટા પાયે જોવા મળે છે….
હવે વિચાર આવે છે આવા ઓછા વિચારો ઘરાવતો સમાજ કેમ છે ? કારણ તે ઘરની મુખ્ય, સ્ત્રી કે માતા..એ અર્ધશિક્ષિત છે અથવા તો એ અભણ છે..કારણકે આજથી અમુક વરસો પહેલા છોકરી હાઇસ્કુલમા અભ્યાસ પુરો કરે એટલે તુરત એને પરણાવી દેવામા આવતી હતી…જ્યારે એક મજબૂત અને સંસ્કારી સમાજ માટે માતા નામનો પાયો મજબૂત હોવો જોઇએ…સમાજનો પાયો એક માં છે ,સ્ત્રી છે ! જો તેના વિચારોમાં પ્રગતિ નહિ આવે તો સમાજ કેમ કરીને પ્રગતિ કરી શકવાનો છે?હવે જો આ પાયામાં શિક્ષણ નામની સિમેન્ટની કમી હોય તો આ પાયો વહેલો મોડો ડગમગી જવાનો છે .
જુના પુરાના વિચારો ઘરાવતો સમાજ હજુ પણ માને છે કે સ્ત્રી પુરુષની દાસી માત્ર છે.જ્યાં પત્નીને ઘરસંસાર સંભાળવા સિવાય બાકીના કોઈ હક આપવામાં આવતા નથી.તેઓનું માનવું હોય છે કે ઘર સાચવવા રસોઈ શીખવાની જરૂર છે.. નહી કે વધારે ભણતરની…આજે પણ અમુક સમાજમા એવી માન્યતા પ્રર્વતે છે વધુ ભણેલી છોકરી અને
ભણતર દ્રારા મેળવેલી કેળવણી એનું માંનસ બગાડે છે અને એના વિચારોને સ્વછંદતા આપે છે..સ્ત્રી સ્વતંત્રતાનો જુસ્સો આવે છે.જેના કારણે સ્ત્રી મુક્ત અને કુકર્મો કરનારી બને છે..
આ સુધારેલો કહેવાતો સમાજ એક પત્નીને ઘરમાં રસોડાની રાણી અને અને સમાજમાં તેના બાળકોની માતા તરીકે ઓળખ આપીને ખુશ રહે છે અને એમ માણે છે કે સ્ત્રીઓનો ઉઘ્ઘાર કરી નાખ્યો …
હક્કીતમા સ્ત્રીઓનો ઉધ્ધાર જ કરવો હોય તો દરેક દીકરીને સાચી કેળવણી આપો..એને જ્યાં સુધી ભણવુ હોય એટલી સ્વતંત્રતા આપો…
ભણેલી ગણેલી દીકરી તેના બાળપણથી લઇ યુવાની સુધીના સફરમાં કોઈ પણ ખરાબ પગલું ભરતા પહેલા દસ વખત વિચાર કરશે અને એ જ દીકરી એના સાસરિયામાં પણ તેની બુધ્ધીમત્તાને અને સંસ્કારને કારણે માં બાપનું નામ ઊચુ રાખશે ,
એક માતા સો શિક્ષકો ની ગરજ સારે છે..અને એક શિક્ષિત માતા હોય તો એક પ્રાધ્યાપકથી લઇને એક સાચા કેળવણીકાર ગરજ સારે છે જો માતા ભણેલી અને ઉચ્ચ વિચારો ઘરાવતી હશે તો તમારા બાળકોને તેમના જીવનપથ ઉપર આગળ વધવા મદદરૂપ બનશેજો..
પત્ની તરીકે એ શિક્ષિત હશે તો સાચા અર્થમાં પુરુષની સહચારીની બની તેના મુશ્કેલીના સમયમાં સાચો માર્ગ ચિંધનાર દોસ્ત અને સલાહમાં માર્ગદર્શીની સાબિત થઇ શકશે.. પુરુષની કટોકટીનાં સમયમાં એક પ્રેમિકા બની તેના માનસિક તણાવને કઈક અંશે ઓછો કરી શકશે!!!!
ભણેલી સ્ત્રી વિચારોની ઉચ્ચ્તાને લઈને ખરાબ માર્ગ ઉપર જતા પહેલા સારા નરશા પાસાઓને એક વાર જરૂર વિચાર કરશે..તે પોતાનો સ્ત્રી ધર્મ સમજીને ઘર સરસ રીતે ચલાવી છોકરાંને કેળવણી આપી શકે છે.
” અક્ષર જ્ઞાન સ્ત્રી માટે જરૂરી છે તેના કરતા વધુ જરૂરી સમાજના ઉધ્ધાર માટે છે ”
સ્ત્રીનું મન પુરુષના મન કરતા વધારે કોમળ છે,આ બધી એક સામાન્ય સમાજની વાતો કરી પરંતુ આજ કાલના આઘુનિક કહેવાતા ભદ્ર સમાજમાં સ્ત્રીની વ્યથા કઈક અલગ છે..એ ભણેલા ગણેલા મોભાદાર સમાજમાં સ્ત્રી પુરુષનાં માન મોભાને દર્શાવતું એક પ્રતિક બની જાય છે….ત્યાય પણ એ સ્ત્રીની એક અલગ પહેચાન હોતી નથી..
સ્ત્રીઓ શરીર અને મન બંને થી કોમળ હોય છે તેનું મન અને હૃદય પુરુષની સરખામણીમાં વધુ સંવેદનશીલ હોય છે.. મોટેભાગે લાગણીશીલ હોવાને કારણે પુરુષને મન જે વાત સામાન્ય લાગતી હોય એ સ્ત્રીઓના નાજુક મન ઘારદાર અસર કરી જાય છે.સ્ત્રીને હંમેશા એક ભાવાત્મક સહારાની જરૂર રહેતી હોય છે…
આજકાલની ઝડપી અને વ્યસ્ત લાઈફમાં ગૃહિણી એકલતાનો અનુભવ કરતી હોય છે અને આવા વખતે પોતાની જાત સાથેના કોચલામાં વિટાઈ ડીપ્રેશનનો શિકાર બની જાય છે..અને એક સ્ત્રી માટે “માનસિક તણાવ” મોટામાં મોટા ઘાતક રોગ પુરવાર થાય છે ”
આવા વખતે જો સ્ત્રી ભણેલી હોય તો તેના મનગમતા શોખને આરામથી અપનાવી જીવનમા અચાનક આવતી એકલતાને હસતા હસતા કઈક નવીન કાર્ય કરીને ટાળી શકે છે..
સ્ત્રીઓને એક રમકડું સમજવાની ભૂલ કરતો સમાજ પણ હવે આ વાત સ્વીકારી રહ્યો છે કે તે બધીજ રીતે પુરુષસમોવડી છે..
મારા માટે તો પુરુષ કરતા એક ડગલું આગળ છે કારણ વંશવેલાને આગળ વધારવાનું કાર્ય એક માત્ર એક સ્ત્રી જ કરી શકે તેમ છે.
મને ગર્વ છે હું એક સ્ત્રી છુ અને આ ગર્વ દરેક સ્ત્રીઓ એ અનુભવવો જરૂરી છે !!!
એક નાના સ્ત્રી કાવ્ય સાથે આ લેખ પૂરો કરૂ છુ…આશા રાખુ છુ કે મારા આ વિચારો આપને જરૂર ગમશે અને સ્ત્રીઓ પ્રત્યેની કેળવણી ભાવનાને આગળ વધારવામાં પ્રયત્નરૂપ બનશે…
હુ એક સ્ત્રી છુ,એ જ મારી ઓળખ નથી
હુ અનેક સ્વરૂપે માનવદેહ ધરીને આવી છુ
હુ મીરાની અતુટ શ્રધ્ધા છુ
હુ રાધાનો અગાધ સ્નેહ છુ.
હું રુકિમણી સમ આદર્શ પાત્ર છુ
હુ શબરીના ધીરજની પ્રતિક છુ
હું સીતા જેવી સનિષ્ટ છુ
હુ ગીતા જેવી જ્ઞાનથી સમૃધ્ધ છુ
હુ યશોદા અને દેવકીનો સંગમ છુ
હુ દમયંતીનો સાથ છુ,સવીત્રીની જીદ છું
હુ નવયુગમાં મઘર ટેરેસાનો કરુણા સાગર છું.
હુ….હું જ છુ…એક સ્ત્રી છું !!!
– રેખા પટેલ ( વિનોદિની)
3/25/14