RSS

Monthly Archives: January 2016

શ્રી રમેશભાઈ તન્ના દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તક ” મારી માવલડી ” જેમાં એનઆરજી (Non Resident Gujarat)ભાઈ-બહેનોએ શબ્દો દ્વારા પોતપોતાની માતાઓને માતૃવંદના તરીકે પોતાની લાગણીઓને વ્યક્ત કરી છે, જેમાં મારા દ્વારા લખાએલ આર્ટીકલ ને આપ સહુ સમક્ષ અહી રજુ કરૂ છું ,વાંચી યોગ્ય પ્રતિભાવ આપશો … રેખા વિનોદ પટેલ

આ તો વાત છે માના પ્રેમની ,સાથ અને સહકારની, લાગણીઓ નાં પ્રવાસની ,ગુંથાતા અહેસાસની, બે શરીરના એક શ્વાસની.
આ માનો ખોળો એટલે શિયાળાની ગરમાહટ ભરેલી સવાર, માથા ઉપર ફરતો માનો હાથ એટલે બળબળતા બપોરે શીળી છાય.

આજે જ્યારે મા વિશે થોડું લખવાનો મોકો મળ્યો છે તો ઓછામાં માત્ર એટલુજ કહી શકાય કે ” મા સાથે નો સાચો સબંધ એજ છે કે જો તે ઉદાસ હોય તો તેની એ ઉદાસી આપણા મન સુધી પહોચી જાય” . કારણ આપણાં જન્મની સાથે માત્ર આ એકજ વ્યક્તિ જે દરેક ઈચ્છા, તૃષાને સમજી જતી હતી અને તેને પૂરી કરવામાં દિવસ રાત જોતી નહોતી.
ગમે તેટલી નીંદર વહાલી હોય પણ એક મા કદી બાળકને ઊંધમાં પણ રડવા દેતી નથી.આજે એજ માને જ્યારે આપણી જરૂર પડે છે ત્યારે આપણે આપણા હાથ કેમ કરીને પાછાં ખેંચી શકીએ.

“આજ સુધી મા વિષે ઘણાય લેખ લખાયા છે ,જેમાં મા અને માના પ્રેમની વાતો આલેખાઈ છે. કારણ મા વિષે લખવું એ નાના બાળક માટેનો પણ સાવ સહેલો વિષય છે , આજ કારણે નાનપણ માં સહુથી પહેલો નિબંધ હંમેશા “મા ” ઉપર લખવાનો હોય છે . નાનપણથી એક બાળક જેટલું તેની માને સમજતો હોય છે તેટલું તે બીજા કોઈ વિષે જાણતો નથી માટે આજ સુધી સેંકડો આર્ટીકલ મા માટે આલેખાયા છે .

મારી મા એટલે પ્રેમીલાબેન નવનીતભાઈ પટેલ જે રાજસ્થાનમાં જન્મ્યા ત્યાંજ મોટા થયા ,પરણીને ગુજરાત આવ્યા ત્યારે તેમની માટે ગુજરાતી ભાષા સાથે ગુજરાતના ગામડાંનું જીવન સાવ અલગ હતું. છતાં મારા આઘુનિક વિચારસરણી ઘરાવતા પિતાની સુઝબુઝ અને પ્રેમના કારણે ઝડપથી ગુજરાતી વાંચતા લખતા શીખી ગયા. અમને ત્રણ ભાઈ બહેનોને આંતરિક સૂઝસમજ આપવામાં મારા માતા પિતા બંનેનો ફાળો ખુબ મહત્વનો છે . દુઃખને સ્પર્શ્યા વિના જ અમે મોટા થઇ ગયા તેનું કારણ તેમની શીળી છાયા અને પ્રેમ માત્ર છે .
આજે પણ બાળપણને યાદ કરું ત્યારે માના પાલવ સાથે ગૂંથાએલી સઘળી વાતો આંખ સમક્ષ આવી જાય છે . મારું મૂળ વતન વાલવોડ જે નાનું ગામ હતું ,ત્યાંની સ્કુલ પણ નાની જેમાં કેળવણી માટે ખાસ કઈ વઘારે નાં કહી શકાય . મમ્મીને શરૂઆત થી અમને ભાઈ બહેનોના ભણતરમાં વધારે રસ. કદી ઘરનું આગણું એકલા છોડયું નહોતું તે માએ ઘરમાં બધાની નાં હોવા છતાં ” હું એકલી ભાદરણ રહીશ પણ બાળકોને ત્યાંજ રહી ભણાવીશ” ની તેમની જીદના કારણે અમે નાનપણથી બહાર નીકળી શક્યાં પરિણામે શિક્ષણ સાથે આચાર વિચાર પણ વધુ તંદુરસ્ત બની શક્યાં .

મારી મમ્મીની એક ખાસિયત એ હતી કે તેમને મન નાના મોટા બધાજ સરખા હતા , અમારે ત્યાં કામ કરતાં રઈબેન ની દીકરી જ્યારે પરણી ત્યારે હું બાર તેર વર્ષની હોઈશ . મમ્મી કહે રેખા આપણે રઈની દીકરીના લગ્નમાં જવાનું છે ”
” મમ્મી આપણાં થી ત્યાં કેમ જવાય? હું નહિ આવું ” મેં જવાબ વાળ્યો હતો . ત્યારે મમ્મીએ કહેલી વાત આજે પણ યાદ છે
” કેમ નાં જવાય ? શું તે આપણા જેવી માણસ નથી? , જો બેટા કામ ઉપર થી માણસ ને નાં પારખવા તેના સ્વભાવ ઉપરથી તેમની સારા ખોટા કે નાના મોટાની તુલના કરવી” . અને ત્યારબાદ અમે તેમની દીકરીને આશીર્વાદ આપવા આપવા ગયા હતા .

જીવનનાં પ્રથમ જરૂરી પાઠ મા સહુ પહેલા શીખવે છે ,સાવ સાચી વાત છે . આવી એક વાત અહી યાદ કરું તો , અમારું પહેલું ભાડાનું ઘર ગામ બહાર રોડ ઉપર હતું જ્યાં અમારા ઘરની સામેની ખાલી જગ્યામાં કાંસકી વેચનારા ,ગધેડાં રાખનારાં વણઝારા જેવા ગરીબોની વસ્તી હતી. નાનપણમાં બહુ નવાઈ લાગતી જ્યારે મમ્મી તેમને ઘરે બોલાવી તેમના જાતે માપ લઇ તેમને ચણીયા કાપડાં સીવી આપતાં અને તે પણ સાવ મફતમાં , હું ગુસ્સે થતી કે આ શું બધું કરો છો ,પપ્પા પણ ક્યારેક કહેતા શું આખો દિવસ સંચા ઉપર બેસી રહે છે” .
ત્યારે તે જવાબમાં કહેતા ” જુઓ મારો થોડો સમય તેમને કેટલી બધી મદદ કરાવી જાય છે ,અને આમ પણ અહી સમય પસાર કરવા આનાથી બીજું કોઈ સારું કામ નથી દેખાતું કહી હસીને સંચો ચલાવવા બેસી જતા.
હું નાનપણ થી મારા મારા પિતાને જોઈ આગળ વધતાં શીખી છું , પરિણામે કોઈનું દુઃખ નાં જોઈ શકું તેવું સંવેદનશીલ હૈયું મને તેમની ભેટ સ્વરૂપે મળ્યું છે.

મારા લગ્ન પછી ચાર દિવસમાં સાવ ટુંકી માંદગીમાં મારા પપ્પાનું નિધન થયું ત્યારે મમ્મીની ઉમર માત્ર 42 વર્ષની હતી . પપ્પા અમારા ઘરનો મોભ હતા ,તેમના ગયા પછી મારા નાના ભાઈ અને બહેનની જવાબદારી મમ્મીને માથે આવી પડી . ત્યાર પછી હંમેશા ખુશ રહેતી મમ્મીનાં જીવનને બદલાઈ જતા બહુ નજીક થી જોયું અને અનુભવ્યું છે, તેમાંય આજે જ્યારે હું મમ્મીની ઉંમરે પહોચી છું ત્યારે તેમની મનોવ્યથા બરાબર સમજી શકું છું , અને ત્યારની જવાબદારી સાથેની એકલતાએ તેમને કેટલાં હંફાવ્યા હશે તે વગર અનુભવે સમજી શકું છું . તે દુઃખને શબ્દોમાં મુકવું અશક્ય બને છે.

આજે જ્યારે હું મા છું ત્યારે બાળકો માટેના કર્તવ્યનો અને પ્રેમનો અહેસાસ હું જાતે અનુભવી શકું છું. આજે હું સમજી શકું છું કે દુનિયામાં જો કોઈ પણ વ્યક્તિનું મહત્વ સહુ થી વધારે હોય તો તે માનું છે. મા ક્યારેય કોઈ અહેસાન ગણાવતી નથી છતાં તેના આપણી ઉપરના અહેસાનનો બોજ કદી ઉતારી શકાય તેમ નથી . એક ગર્ભમાં રહેલું બાળક જે માનાં શરીરનો અંશ છે અને તે માતાએ ખાઘેલા ખોરાક દ્વારા પોષણ મેળવે છે , તેનાજ ગર્ભમાં એ પોતાનો કચરો ઠાલવે છે . તે બાળકના જન્મ બાદ માતા પોતાના બાળનું ખુશી ખુશી લાલનપાલન કરે છે તેની દરેક ઈચ્છા ,જીદ પૂર્ણ કરે છે અને આ જગતના પડકારો સામે ઝઝૂમવા ને લાયક બનાવે છે .
એ મા માટે તેમના બાળકો તેમનું સર્વસ્વ હોય છે હવે જ્યારે મા પાસે કરવા કોઈ નથી રહેતા ત્યારે આપણી પાસે તે માની એકલતા માટે સમય નથી આ આજની કરુણતા છે જે ચારે તરફ જોવા મળે છે .

આપણે કહેતા હોઈયે છીએ કે માનો પ્રેમ નિસ્વાર્થ છે ,પણ હકીકતમાં સાવ એવું નથી હોતું. પાછલી ઉંમરમાં મારો દીકરો કે દીકરી મારા ઘડપણની લાકડી બનશે આ એક ભાવના દરેક માતા પિતાના મનમાં વ્યક્ત કે અવ્યક્ત રહેલી હોય છે. જેને કારણે વૃધ્ધાવસ્થામાં તેઓ બાળકો પાસે સમય હુંફ માંગતા હોય છે. પાછલી અવસ્થામાં તેની પાસે કરવા જેવું કોઈ કામ રહેતું નથી ત્યારે શરીર અને મનથી કૃશ થયેલી મા આપણી પાસે સમય અને પ્રેમ અવશ્ય માગે છે.

આપણે જોતા સાંભળતાં આવ્યા છીએ “જનરેશન ગેપ ” . હા આ દરેક સબંધોમાં ઓછા વત્તા અંશે આ ગેપ જરૂર રહેવાની પરંતુ તેને માત્ર વિચારો સુધી સીમિત રાખવી જોઈએ. તે પ્રેમમાં અને ખાસ કરીને માતા પિતા સાથેના વ્યવહારમાં નાં આવે તે જોવાની ફરજ આપણી જ બની રહે છે. આજના આધુનિક જીવનમાં દરેક વ્યક્તિ દોડતી રહે છે પરતું આ દોડમાં તેને નાં ભૂલી જવા જોઈએ જેમણે આપણને દોડતા શીખવ્યા છે અને તે પહેલી વ્યક્તિ એ મા છે.

આજે આપણે આપણા સંતાનોની માંગણીઓ અને ઇચ્છાઓ પૂરી કરતા ક્યારેક થાકી જઈએ છીએ ત્યારે વિચારવું રહ્યું કે તે વખતમાં પૈસાની અને સ્વતંત્રતાની અછતમાં એ માને બાળકોની નાની નાની ખુશીઓ પૂરી કરવા કેટલી મથામણ કે અગવડતાનો સામનો કરવો પડ્યો હશે !
જ્યારે શરીર સાથ નથી આપતું ત્યારે તન સાથે મન પણ ઘરડું બને છે તેવા વખતે તેમના દુઃખને વહેચવા કોઈ સાથી નથી હોતું અને કદાચ બની શકે તેમનો સ્વભાવ પણ ચીડિયો બન્યો હોય પણ આજ સમયે આપણે ફરજ બજાવવાની છે, એકલા પડેલા માં બાપને સ્નેહ અને ધીરજ થી સંભાળવાની . “બસ આટલું કરીશું તો આપણો જન્મારો સુધરી જશે બાકી દાન ઘર્મનો કોઈ અર્થ નહિ સરે”.

“માની એકલતા એ આજના સમાજની કરુણતા છે”
મોટા થઇ ગયેલા તે સંતાનો જ્યારે સમયની અછતને આગળ મૂકી ઘરડી માને નજર અંદાજ કરે કે પછી ઘરમાં જુના ફર્નિચરની જેમ સજાવીને ખૂણામાં રાખી મુકે ત્યારે આંખ સાથે મન ગ્લાની થી ભરાઈ જાય છે . માત્ર ખાવા પીવાનું આપવાથી કે તેને રાખવાથી આપણી જવાબદારીઓ પૂરી થઇ જય છે તેવું વિચારવું યોગ્ય નથી .
જે બાળકો માટે રાત દિવસ એક કરતી મા તેની એકલતામાં બાળકો તરફ થી બે પ્રેમના શબ્દો કે તેમના ફાજલ સમયના એકાદ ટુકડા માટે ઝંખના કરતી જોવા મળે છે ત્યારે એકજ વિચાર મનમાં ઝબકી જાય છે શું આપણે અપનાવેલો રસ્તો યોગ્ય છે ? કારણ આજ રસ્તે આપણા બાળકો પણ વધવાના છે.

બાળપણમાં આપણી બીમારીમાં મા માત્ર દવા અને ડોક્ટર ની સહુલીયત આપીને એકલા નહોતી છોડી દેતી , જરૂર પડે બાળક શાંતિથી સુઈ જાય તે માટે તે આખી રાત જાગતી ,તેની ચિંતા કરતી, તેની માટે ભગવાન પાસે પ્રાર્થના કરતી… તો હવે જ્યારે આપણી મા બીમાર હોય ત્યારે તેની સાથે ઓરમાયું વર્તન શા માટે?

મા ગરીબની હોય કે અમીરની પણ મા માજ હોય છે , છતાં ગરીબાઈમાં ઉછરતા બાળકો માટે માનો પ્રેમ,હુંફ ઉત્તમ રમકડાં બરાબર હોય છે જેને લઈને તે એનું મન બહેલાવી શકે ખુશ રહી શકે છે. મા એક ઉત્તમ શિક્ષક બની બાળપણ થી જીવનના પહેલા પાઠ ભણાવવાની શરૂઆત કરતી હોય છે , સામાન્ય રીતે જોતા એક શિક્ષિત અને સંસ્કારી મા બાળકોની ઉત્તમ પરવરીશ કરી શકે છે. ત્યારે સામે છેડે અછતમાં ઘેરાએલી એક અભણ મા પણ બાળકોમાં નાનપણ થી જગત સામે ઝઝુમવાના જીવનમાં આવતા પડકારો ઝીલવાના પાઠ ભણાવતી હોય છે , ટુંકમાં જરૂરીયાત પ્રમાણે ભાવ સાથે ભાગ ભજવે તેવી કુશળ ગુરુ તે મા જ છે

હવે જ્યારે આપણે સ્ત્રીને પુરુષ સમોવડી ગણીએ છીએ ત્યારે જો કોઈ માને દીકરો નાં હોય કે દીકરો અને તેની વહુ માને સાચવી શકે તેવા નાં હોય તો તે ફરજ દીકરીએ પૂરી કરતા અચકાવું જોઈએ નહિ. કારણ મા તો જેટલી દીકરાની તેટલીજ દીકરીની પણ ગણાય છે.
જ્યારે પણ કોઈ માને દુઃખ પડે તો સહુ પહેલા દીકરીનું મન કોચવાય છે આવા સમયે દરેક દીકરીએ સાસુ સામે એક નજર અવશ્ય નાખી લેવી જોઇયે જેથી આપણે સમજી શકીએ કે આપણે આવી સ્થિતિમાં કઈ જગ્યાએ ઉભા છીએ . શું આપણા ઘરમાં રહેલી એક મા ખુશ છે ? સ્ત્રીઓ નાં હાથમાં કુટુંબની સાચી ખુશી રહેલી છે અને તેને જાળવી રાખવી આપણી ફરજ પણ છે.

મારું બહુજ ભારપૂર્વક માનવું રહ્યું છે કે વૃદ્ધ તેમાય જીવનસાથી વિના એકલી પડેલી માતા નો અણગમો કદી ના કરવો ,કારણ તમારી પાસે તો આખું જગ છે જ્યારે તેમની માટે તમેજ જગ આખું છો. તમને મળતી દુનિયાની વિશાળતામાં તમે મોજથી મહાલી શકો છો ,જ્યારે તેની નાની દુનિયામાં તમેજ સર્વસ્વ બાકી રહ્યા છો .
માના પ્રેમને પૈસા સાથે ના તોલી શકાય ,એમણે જીવનભરની કમાણી તેમનું સુખ તેમનો સમય તમારીજ પાછળ વાપર્યો છે હવે તેને માત્ર રૂપિયા પૈસા આપી વળતર સમજી ચૂકવી દેવું યોગ્ય નથી. તેમને હવે બદલામાં પૈસા નહિ તમારા પ્રેમની જરૂર છે આ વાત યાદ રાખવી અત્યંત જરૂરી છે.

ભૂલતા નહિ આજે જ્યાં તે ઉભા છે કાલે ત્યાંજ તમારો વારો છે,હાથે કરી તમારા પગ ઉપર કુહાડી નાં મારો. કારણ તમે પણ આજ અને કાલની ક્ષિતિજ રેખા ઉપર ઉભા છો .આ રેખાની પેલે પાર જનરેશન ગેપ ધરાવતા તમારા સંતાનો તમને બરાબર નિહાળી રહ્યા છે . એક માની આજ સુધારીશું તો આપણી કાલ જરૂર સુધરશે.

આનો એક દાખલો હું વર્ણવું તો …………
હું થોડો સમય પહેલા મારી મમ્મી અને મારી સત્તર વર્ષની દીકરી શિખા સાથે મોલમાં ગઈ હતી , જ્યાં સમયના અભાવે મેં મમ્મીને કહ્યું “તમે શાંતિ થી પાછળ આવો ત્યાં સુધી હું અને શિખા શોપિંગ પતાવી દઈએ” . આમ કહી હું દીકરી સાથે ઝડપથી આગળ ચાલી. ત્યારે મારી દીકરીએ મને જે કહ્યું તે સાંભળતાં હું અવાક બની ગઈ
” મોમ ધીસ ઇસ નોટ ફેર ,તું બાને એકલા મુકીને આગળ ચાલે છે . જ્યારે તું ઓલ્ડ થઈશ ત્યારે હું તને આવું કરીશ તો તને ગમશે ? ” અને મારા પગ ત્યાંજ થંભી ગયા.
બહુ જરૂરી છે આ યાદ રાખવું કે આપણાં બાળકો આપણને અનુસરી રહ્યા છે.

દરેક સબંધોને એક મર્યાદા હોય છે એક સીમારેખા હોય છે જ્યારે માની મમતાને કોઈ સીમા હોતી નથી તો આપણો પ્રેમ માત્ર મધર્સ ડે કે જન્મદિવસ પુરતો સીમિત ના રહે તે જોવાની આપણી ફરજ બની રહે છે. બાળકોનો થોડો સમય થોડી હુંફ માના ચહેરાને અને મનને આનંદથી ભરી દે છે. “કાલે જ્યારે મા પાસે નહિ હોય ત્યારે તેની અવગણના બહુ રડાવશે માટે આજ થી શરૂઆત કરીએ કે માના દરેક દિવસને ઉત્સવ બનાવવા આપણાં આખા દિવસ માંથી ઓછામાં ઓછી દસ મિનીટ તેને આપીએ” ….એક દીકરી… rekhavp13@gmail.com

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)
https://vinodini13.wordpress.com

Advertisements
 

સમજદારીની પાળ બાંધવી જોઈએ

IMG_4574.JPGabhiપ્રિય  સખી  સુજાતા
તારો પત્ર મળ્યો ,વાંચી થોડી ચિંતા થઇ આવી ,તું લખે છે તારી સોળ વર્ષની દીકરી સ્વીટીને આવતા વર્ષે યોજાનારી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ માં જોડાવું છે અને તેની માટે તે અત્યારથી તેના શરીરનું વધારે પડતું ઘ્યાન રાખવા માંડી છે , તે જણાવ્યા પ્રમાણે સ્વીટી સવાર સાંજ એકસરસાઈઝ કરે છે સાથે ખાવાનું લગભગ અડધું કરી નાખ્યું છે , આ વાત હું સમજી શકું છું કે આ એક ઉંમર છે જ્યાં દરેકને બીજાઓ કરતા વધુ રૂપાળું દેખાવાની હોડ હોય .  પણ તું કહે છે તેમ તે હમણાં થી તે કોઈ ફેટ બર્ન મેડીસીન પણ લેવા માડી છે . બસ સખી આ વાત મને રૂચી નથી
એમ નથી કે બધી દવાઓ નુકશાન કારક હોય છે ,છતાં આવી દવાઓમાં કેમીકલની માત્ર જરૂર કરતા વધારે હોવાની જે આગળ જતા આડઅસર આપે છે ,તેમાય આ બધા માટે તેની ઉંમર નાની છે માટે તેને સમજાવવી આપણી ફરજ બને છે.

આજ કાલ યોજાતા જુદાજુદા નામ હેઠળના બ્યુટી કોન્ટેસ્ટ જોઈ ક્યારેક સવાલ થાય છે કે સ્ત્રીઓ ને માત્ર સુંદરતાનું પ્રતિક ગણાવવી કેટલા હદ યોગ્ય ગણાય ? આ ઘેલછા ક્યા સુધી બરાબર લાગે છે ?  હમણાં સાંભળવામાં આવેલો એક કિસ્સો તને જણાવું છું.  અહી ફિલાડેલ્ફીયા માં રહેતી ઈલોઈસ એમી નામની 21  વર્ષની યંગ બ્યુટીફૂલ યુવતી નું મૃત્યુ ઈન્ટરનેટ દ્વારા મંગાવેલી ડાયેટ પિલ્સ ના ઓવરડોઝ થી થયું .  આ દવા હાઈ ટોકસીક ઇન્ડસ્ટી યલ કેમિકલ યુઝ કરાઈ બનાવાઈ હતી , આના ઓવરડોઝ ને કારણે મેટાબોલીઝમ સેલ વધારે બર્ન થયા પરિણામે તેનું અંદરનું  બોડી ઓવરહીટ થઈ ગયું અને શારીરિક સિસ્ટમ ખોરવાઈ જતા તેજ દિવસે તેનું મોત થયુ , આમ બહારે પ્રીટી દેખાવાની ઘેલછામાં માં તે જિંદગીને કાયમ માટે ખોઈ બેઠી .
સુજાતા આજે તને કેટલીક વાતો આવા બ્યુટી કોન્ટેસ્ટ વિશેની લખું છુ.  જેમાં બહારથી ચમકદમક આપતી આ ફરિફાઈ વિશેની અંદરની વાતો જાણવા જેવી હોય છે. આ ટાઈટલ જીતવા માટે વિશ્વભરની રૂપાળી યુવતીઓ પોતાના શરીરથી લઈ મન સુધીના બદલાવ માટે સજ્જ હોય છે. કેટલાક દેશો તો આ ખિતાબ જીતવો ગૌરવ ગણી પોતાની સુંદરીઓને ઘોળા દિવસે તારા બતાવે તેવી ક્રૂર ટ્રેનિંગ આપીને આ કોમ્પિટિશન માટે તૈયાર કરે છે.
અહી જવા ઇન્ટરેસ્ટ ઘરાવતી  છોકરીઓને નાની ઉંમરથી જ ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. જ્યાં તેમને શરીરને ચરબી વિનાનું પાતળું રાખવાની પહેલી ફરજ પડે છે આ માટે જરૂર કરતા ઓછો ખોરાક આપવામાં આવે છે , વધારે ખાઈ ગયેલા ખોરાકને ઉલટી કરી કાઢી નંખાય છે . આવી કોન્ટેસ્ટમાં 17 થી 24 વર્ષની યુવતીઓ ભાગ લઇ શકે છે , આથી નાની ઉમર થી જ તેમના અંગ સુડોળ રહે અને ઊંચાઈ વધે તે માટે હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે છે.

અહી ભાગ લઇ રહેલી સ્ત્રીઓ ના શારીરિક  સૌંદર્યને ઝીણવટ થી જોવામાં આવે છે ત્યાર બાદ તેમની બુધ્ધી શક્તિનો ક્યાસ પણ કાઢવામાં આવે છે, આવી સૌદર્ય સ્પર્ધામાં રંગને કોઈ મહત્વ અપાતું નથી . બધી પરીક્ષાઓમાં ઉતીર્ણ થયેલ યુવતીને મિસ યુનિવર્સ, મિસ  વર્લ્ડ , મિસ અર્થ વગેરે ઉપનામ આપવામાં આવે છે , આ એક વર્ષ દરમિયાન તેઓને જવાબદારીના ભાગ રૂપે લગ્ન કરવાનો હક છીનવાઈ જાય છે , આ ઉપરાંત તેમને ચેરીટી વર્કમાં કામ અલગ અલગ દેશોમાં ફરી લોકોને હેલ્થ, ભણતર ,સ્વચ્છતા જુદાજુદા રોગો વિષે જાગૃત કરવા પડે છે, ટુંકમાં સમાજસેવા તેમના કામનો એક ભાગ બની જાય છે , બદલામાં તેમને ફેન, ફેઈમ અને પૈસા મળે છે.
આ સ્વપ્ન મોટાભાગે તે યુવતીઓમાં તેમના માતા પિતા બચપણ થી રોપી દેતા હોય છે.  અને બચપણ થી તેમને આ માટે તૈયાર કરાય છે ,તેનો એક જીવંત દાખલો છે અહી અમેરિકામાં ચાલતો એક રીયાલીટી શો ….  “ટોડલર્સ એન્ડ ટીયારાઝ”  2008 થી શરુ થયેલ આ રીયાલીટી શો ચિલ્ડ્રન બ્યુટી પેજન્ટ માટે જાણીતો છે . જેમાં સાવ નાના ભૂલકાઓને ભારે મેકઅપ અને ગ્લેમર થી તૈયાર કરી , બ્લીચીંગ, વેક્સિંગ જેવી ટ્રીટમેન્ટ કરાવી કેટવોક કરાવાય છે . આવા પ્રોગ્રામમાં મોટાભાગે મા બાપ બાળકોને તેમની મરજી વિરુદ્ધ પોતાની મહત્વકાંક્ષા પૂરી કરવા ઘકેલાતા હોય છે .
આજથી પચીસ વર્ષ પહેલા જ્યાં પેરેન્ટસ ને બાળકો ઊંચા કપડાં પહેરે તે પસંદ નહોતું ત્યાં હવે ટુંકા કપડાં પહેરી એડલ્ટ પણ શરમાય તેવા સેક્સી પોઝ આપતા શિખવાડવામાં આવે છે,  પેડેડ બ્રા પહેરાવી અને શરીર ચપોચપ કપડાં પહેરાવી રેમ્પ ઉપર ખુશી ખુશી મોકલી આપે છે . આમ અપાતા જરૂર કરતા વહેલા શારીરિક જ્ઞાન તેમના માસુમ મગજમાં વિકૃતિઓ લાવી શકે છે આધુનિક સમાજમાં નાના બાળકોને પોતાના એમ્બીશીયસ નો ભોગ બનાવી તેમને દિવસ રાત સુંદરતા અને ફેશનમાં ડુબાડી દઈ,તેમને જરૂર કરતા બહુ વહેલા મેચ્યોર બનાવી તેમની માસુમતાને ઓગાળી નાખે છે.
બેન ,જ્યારે આપણે જ સમાજનાં ઉગતી આશાઓ જેવા બાળકોને વિકૃત બનાવવા માગતા હોઈએ ત્યાં તેમનો દોષ કેટલો કાઢવો ?, પોતાના સંતાનોના રૂપ ગુણનું ગૌરવ દરેક માં બાપને હોય છે જે કશુજ ખોટું નથી છતાં તેનો અતિરેક થાય ત્યાં આપણેજ સમજદારીની પાળ બાંધવી જોઈએ   ” .
ચાલ હવે હું રજા લઉં… નેહાની સુમધુર યાદ.
રેખા વિનોદ પટેલ (યુએસએ)
 

मुझमें अबभी कुछ बाकी है,जीने को बस येही काफी है

 

मुझमें अबभी कुछ बाकी है,जीने को बस येही काफी है
बात जीतनी दिखती सादी है , इसकी इतनी ही रवानी है

समज़ कर अंत किसीने, कहानी को अधूरा छोड़ दिया,
वक्त लगेंगा समझते ,दुखोंकी शुरुआत वहीँ से आनी है

हालात बदलते ही,हर रिश्तो की पहचान बदल जाती है
हर दिल तराजू रखता है ,यही तो घर घरकी कहानी है

इस रंगीन जहाँमे,सबकी तबियत से तबियत मिलती नहीं,
हो मुहब्बत दिलमे अगर ,दो चहेरोकी पहचान पुरानी है

यह जीवन बाग़ है ,कोई फूल देख अटका कोई शूल पर,
सच-जूठ के बीच बंधी आदमी की अपनी आमदानी है

चलते रहना जीवन है, हार जीत का आना बारी बारी है
थाम लेना हाथ उनका जिन आंखोमें इंसानियत पानी है
-रेखा पटेल (विनोदिनी)

 

બરફનું તોફાન

કાચનાં ઘર મહી,
પીજીયન ભરાયાં છે ,
જે પુરાઈ રહીને,
સ્નો ઝીલવાની
વ્યર્થ મઝા માણે છે  .
ઘડીક વિચારે ,
શું કૃષ્ણે ,
આભે ગોરસ મટકી ફોડી?
કે પછી ,
કલ્પતરુ એ મોગરા વેર્યા.
પવનનો સુસવાટો,
તંદ્રા તોડી ગયો.
કાચ ધ્રુજ્યો , પીજીયન ધ્રુજ્યા ,
સમજી ગયા
આ જોનસ નામે બરફનું તોફાન છે
જેણે
આખી રાત વરસતા રહી,
લાખો પીજીયનને
કેદમાં રાખ્યા છે .

રેખા પટેલ (વિનોદિની)

 

happy republic day

એક ચરખો એક ગાદી તકિયો
સોંપી બાપુ ચાલ્યાં ગયા…
આ આઝાદીને નાં ચાલે ,નાં ચાલે.
એને જોઈએ એરોપ્લેન ,
વિધાનસભામાં ખુરશીના ખેલ
સ્વીઝબેંકમાં રેલમછેલ.
બાપુ નાં અફસોસ કરો,
તમને પાકીટમાં રાખ્યાં છે ,
બહુ જતને સાચવ્યાં છે.
છબી તમારી સાચવવાં,
કર્યા છે કાયમ તોલ મોલ
કરી સહુ સંગે જોરમ જોર .
બાપુ અમર રહો , આઝાદી અમર રહો

રેખા પટેલ (વિનોદિની)

 

“ખુલ્લા આભમાં ઉડવાને તૈયાર “

 “ખુલ્લા આભમાં ઉડવાને તૈયાર ”
——————
થોડાક સમય પહેલા બનેલી ઘટનાએ મારા જીવનને એક સુખદ મોડ આપી દીધો હતો.
“નીમા…ઓ નીમા….,મારી પીળા રંગની ફાઈલ ક્યા છે?”
જરૂરી ફાઈલ હાથ ના લાગતા ભદ્રેશે આખા ઘરને માથે લઇ લીધું હતું.સ્ટડીરૂમના ટેબલના ખાનાઓમાંથી બધી વસ્તુઓ બહાર વિખેરાયેલી પડી હતી.ભદ્રેશે બેડરૂમને એક પીખાએલા પંખીના માળા જેવો કરી મુક્યો કે ત્યાં સુધી કે કપડાના કબાટમાંથી પણ ઘણું વેરણ છેરણ થઇ ગયું હતું.
“નીમા આખો દિવસ તું ઘરે રહે છે , અને મોટાભાગનો સમય નવરીજ રહેતી હોય છે , તો ક્યારેક સમય કાઢીને કમસે કમ મારા ઓફિસના પેપર્સ અને ફાઇલોને સરખા મુકવાનું કામ કરતી હોય તો પણ સારું લાગે, ક્યારેક સાવ અભણ જેવું વર્તન કરે છે .”
ભદ્રેશના મ્હોએથી નીકળતા થોડા ગુસ્સાભર્યા અને તુમાખી ભર્યા શબ્દો મને ચુભતા હતા છતાં મન મારી હું ચુપચાપ તેમની એ પીળી ફાઈલ શોધવામાં મદદ કરતી રહી.
છેવટે કઈક યાદ આવતા ભદ્રેશ બોલ્યા,” ઓહ !યાદ યાદ આવ્યું..એ ફાઈલ તો કારની પાછલી સીટમાં જ રહી ગઈ હતી… સોરી નીમા, હું નીકળું.. મોડું થાય છે….બાય ડીયર ” કહી મારા ગાલને સહેલાવી જાણે કશુ જ નાં બન્યું હોય તેમ ભદ્રેશ કારની ચાવી ઘુમાવતા ઓફિસે જવા નીકળી ગયા.
સવારમાં એમના ઓફિસે જવાની દોડધામમાં  અને  અસ્તવ્યસ્ત થઇ ગયેલા ઘરને અને ખાસ તો સ્ટડીરૂમને વ્યવસ્થિત કરવામાં આજે મને થાક લાગ્યો હતો.વધારે થાક તો મારા મનને લાગ્યો કારણ કે બધું પાછું વ્યવસ્થિત ગોઠવવા જતા એક જૂની ફાઈલ મારા હાથમાં આવી ગઈ.અને એમાંથી નીકળી આવ્યું ધૂળ ખાતું મારું “એમ.એસ.સી.નું સર્ટીફિકેટ “
પહેલી વખત જ્યારે આ સર્ટીફિકેટ મારા હાથમાં આવ્યુ ત્યારે મારું મન હવામાં ઉડતું હતું. દુનિયાને મુઠ્ઠીમાં ભરવી હતી.કઈક કરી બતાવવાનું જોશ હતું !
ત્યા જ મમ્મી પપ્પાના શબ્દો કાને પડ્યા”નીમા બેટા…..,જો દીકરી હવે તારી પરણવા લાયક ઉંમર થઇ ગઈ છે.તારા સપના તારા પતિના ઘરે જઈ તેનાં સાથમાં પુરા કરજે.”
મારી ઉમર લગ્નલાયક થતા એક મોટા ઓફિસર સાથે લગ્ન નક્કી થયા.સપનાઓને પાંખમાં ભરી સુખદુઃખમાં સાથ દેવાના વચને બંધાઈ હું સપ્તપદીના બંધનમાં બંધાય ગઇ.બંધન કોઇ પણ પ્રકારનું હોય વહેલા મોડા એ બંધનમાંથી ક્યારેક તો છુટવાની ઇચ્છા તો માણસને થાય જ છે.કદાચ પંખીને પીંજરામાં કેદ કરી લો તો આકાશ એના માટે એક સપનું બની જાય છે.

અહીંયા તો જાણે મને લાગ્યું કે મારી બે પાંખો સાથે એમની બીજી બે પાંખો જોડાઈ ગઈ “બસ હવે આખું આભ મારી મુઠ્ઠીમાં!!!!!”
પણ આ સ્વપ્નને તુટવા માટે બસ એક જ સવારની,એક જ નાની જરૂર પડી!એ દિવસે જ્યારે ભદ્રેશે કહ્યુ કે,”જો નીમા…..,આપણે ક્યા કશી ખોટ છે. હું કમાઉ છું.અને એટલું કમાંઉ છું કે તું તારે લહેર કર અને મને અને મારા ઘરને સાચવ.ખાસ કરીને તો તું બહાર કામ કરે તે મારા હોદ્દાને અને મારા સ્વભાવને અનુકુળ નથી.”

બસ એ દિવસ પછી તો એ જ સવાર અને એ જ સાંજ,” બાય નીમા ડીયર …હાય નીમા ડીયર.”
“આજે હું બહુ થાકી ગયો છું પ્લીઝ ડીનર માટે ઉતાવળ કરજે”
તો ક્યારેક”નીમા ડીયર….,આજે હું મોડો આવીશ.મારે આજે મીટીંગ છે અને ડીનર પણ બહાર કરીશ.”
તો ક્યારેક”નીમા ડીયર આજે સાંજે સરખી રીતે તૈયાર થજે પાર્ટીમાં જવાનું છે “
બાકીના બધાજ દિવસો …,આ રીતે લગભગ એક સરખા પુરા થતા,
જીવનનાં પન્ના ઉપર હવે સમયની પીળાશ ચડવા લાગી હતી .

એક સવારની વાત યાદ આવી ગઈ …..
ચા પીતા પીતા ભદ્રેશ બોલ્યા “નીમા આજે સાંજે એક પાર્ટી છે” !
એની વાત સાંભળીને હું ચુપ રહી.તુરત મારી ચુપ્પીને ના સમજી બોલી ઉઠ્યા,”નો પ્રોબ્લેમ ડીયર.આજે કોકટેલ પાર્ટી છે .આમ પણ તને ઓછી ફાવે છે.માટે હું કંપની માટે સેક્રેટરી મિસ જુલીને સાથે લઇ જઈશ.તું આરામ કરજે નીમા ડીયર.”
હું જાણતી હતી કે રાબેતા મૂજબ કે આ જવાબ તેમનો પહેલેથી ગોઠવેલો હતો !!!
થોડા સમય પહેલાની એ પીળી ફાઇલ વાળી ઘટનાંથી મનનો એક ખૂણો ભારે હતો,અને ઉપર આ દાઝ્યા ઉપર ડામ આપી ગઈ હતી.

હું થોડીક મનોમન ધુંધવાયેલી હતી ,અચાનક યાદ આવી ગયું મારું પેલું “પીળું પડતું જતું એમ.એસ.સી.નું સર્ટીફિકેટ “
અચાનક મારામાં રહેલી “હું” વરસોની આળસ ખંખેરીને બેઠી થઈ ગઈ …..એક નવા જોશ,ઉમંગ દિલમાં ભરીને પીળા પન્નાના સાથમાં ઉડવાને તૈયાર .

એજ સવારથી મારા ચક્રો ગતિમાન થયા . ટેકનોલોજી સાથે હરણફાળ ભરવા માટે મેં કમર કસી ,ઘરના ખુણામાં પડી રહેતા કોમ્પ્યુટર ઉપર થી નવું વાંચવા અને શીખવાની શરૂઆત બહુ કામમાં લાગી રહી હતી , જે છૂટી ગયું હતું તે બધું હું ઝડપથી એકઠું કરવા માંડી હતી કારણ હવે મને મારી ઉપરનો વિશ્વાસ બેસતો જતો હતો , મન  ઉપર એકજ વાતનું ઝનુન ચડતું જતું હતું કે બસ મારે મારા સંસારની મીઠાસને પાંખોમાં સાચવી રાખીને ઉડવું છે અને આબવું છે આભે ચમકતાં ચાંદને જે શીતળતા સાથે ચમક પણ આપે છે .

જુદી જુદી કંપનીઓમાં મેં પૂરી લગન અને ઈમાનદારી થી ઈન્ટરવ્યું આપવાના શરુ કાર્ય ,થોડી મહેનત જરૂર પડી કારણ મારી ડીગ્રીની જેમ મારું ભણતર પણ સમયના થર હેઠળ થોડુ પીળું પડતું હતું પણ ભદ્રેશ સાથે આટલા વર્ષો જીવતા મારામાં ધીરજ ના અગણિત પુષ્પો ખીલ્યા હતા,ક્યાંક તો આજે એ કામ લાગી રહ્યા હતા

**********************************
આજે આખો દિવસ હું વ્યસ્ત રહી હતી ,નવું શીખવાની ચાહ મને સમયનું ભાન ભુલાવી દેતી હતી , ભદ્રેશ રાત્રે મોડા ઘરે આવ્યા સાથે બહાર લટકાવેલા મેલ બોક્સ માંથી સવારની આવી પડેલી મેલનો થપ્પો લેતા આવ્યા.

” નીમા શું કરે છે આખો દિવસ આ મેલ પણ અંદર લાવતી નથી ” જરાક અણગમો દર્શાવતા બોલ્યા
ત્યાજ હું પાણીનો ગ્લાસ લઇ હસતાં ચહેરે હાજર થઇ ” સોરી આજે ઘણું કામ હતું ભૂલી ગઈ ”
મારા શબ્દોની મીઠાસ તેમેને સ્પર્શી ગઈ હશે ,અને “ઇટ્સ ઓકે ” કહી તેમને વાત ટુંકાવી દીધી. તેમના હાથમાં મારા નામનું એક સફેદ પરબીડિયું આવ્યું .

” નીમા આ તારા નામની ટપાલ છે ,જો તો શું છે એમાં “
” તમે જોઈ લ્યો ને શું છે ?” મેં જવાબ વાળ્યો
કવર ફોડતા તેમની આંખોમાં આશ્ચર્યના ભાવ બેવડાઈ ગયા” આતો તારો કોઈ મલ્ટીનેશનલ કંપનીમાંથી જોબ લેટર છે “.
તેમના શબ્દો સાથે મારા શરીર માંથી ખુશીની લહેર દોડી ગઈ સાથે એક આશંકા જન્મી ગઈ હતી કે હવે ભદ્રેશનો પ્રતિભાવ કેવો આવશે ?
મારી આંખોની છાની આશંકા તેઓ સમજી ગયા હશે , એક ક્ષણની ખામોશી પછી તેમના ચહેરા ઉપર પ્રશંસા ના ભાવ ફેલાઈ ગયા.
હું મારી ખુશી વ્યક્ત કરતા આટલું જરૂર બોલી ” અત્યાર સુધી હું ઘર અને વર  માટે જીવી છું હવે થાય છે થોડું મારી માટે જીવી લઉં , એક પ્રેમાળ પતિ તરીકે તમે પણ મારી ખુશીમાં ખુશ હશો ” .

” નીમા કોન્ગ્રેજ્યુલેશન ડીયર ,પણ મને આ માટે તારે પૂછવું જોઈતું હતું છતાય આજે તારી ખુશીમાં હું ખુશ છું, હું જાણું છું તારી એકલતા અને મારી વ્યસ્તતાને ” કહી મને સોડમાં લીધી .

મે બારીની બહાર નજર કરી તો ઉપર ખુલ્લા આકાશમાં ચંદ્ર મંદમંદ હસી રહ્યો હતો જાણે કહેતો હતો  ” નીમા હવે તો તને બે પાંખો સાથે ભદ્રેશનો મજબુત સહારો મળી ચુક્યો છે ,ચાલ ખુલ્લા આભમાં ઉડવાને તૈયાર થા  “.

રેખા વિનોદ પટેલ(વિનોદિની )
ડેલાવર , યુએસએ
https://vinodini13.wordpress.com

 

તમે ખુશ છો તેજ સાચી ખુશી છે”

FullSizeRender.jpg 11

તમે ખુશ છો તેજ સાચી ખુશી છે” 

પ્રિય માલતી બેન ,
તમારા દીકરાને સારી નોકરી મળી ગઈ જાણી આનંદ થયો , હું જાણું છું તમારો દીકરો અમેરિકા આવે તેવી તમારા બધાની બહુ ઈચ્છા હતી , તમે તેને ઈલીગલ અહી મોકલવા પણ ઘણા પ્રયત્ન કર્યા હતા .  તમે જાણો છો કે હું પહેલેથી આ બાબત ની વિરુદ્ધ હતી , છેવટે વાતની ગંભીરતા ને સમજીને થોડા પૈસા ગુમાવ્યા બાદ તમે આવો પ્રયત્ન કરવાનો છોડી દીધો હતો અને તેના પરિણામ સ્વરૂપે  દીકરો તમારી પાસે હેપ્પી છે.
આ વાત આજે એટલા માટે યાદ આવીકે અહી અમેરિકામાં NBC ની  ટીવી ચેનલે બતાવેલા ન્યુઝ જોયા, એમાં જણાવેલ માહીતી પ્રમાણે અમેરિકામાં ગયા વર્ષે 2014 ના ઓક્ટોબર નવેમ્બર બે મહિના ના સર્વે પ્રમાણે 5000 બાળકો ઈલીગલ મેક્સિકોની બોર્ડર ક્રોસ કરી અમેરિકામાં આવ્યા હતા અને જેના પરિણામે પ્રેસીડન્ટ બરાક ઓબામાં એ આ બોર્ડર ક્રાઈસિસ ની માહિતી એકઠી કરવાના આશય થી   “ફીમા ”  એટલેકે “ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સી ” રોકી.
 આજે જ્યારે ગવર્મેન્ટ યુરોપિયન અને સીરિયાના માઈગ્રન્ટ ઉપર ઘ્યાન આપી રહી હતી ત્યારે એક ચોકાવનારી બાબત ઘ્યાનમાં આવી , જેમાં આ વર્ષના સર્વે પ્રમાણે યુએસ -મેક્સિકો બોર્ડર ઉપર થી 1015 ઓક્ટોમ્બર નવેમ્બર માં આવેલા ઈલીગલ બાળકોની સંખ્યા 2014 નાં આ બે મહિનાઓ કરતા બમણી એટલેકે 10000 કરતા પણ બધી ગઈ હતી . આ આવનારા બાળકો 18 વર્ષ કરતા ઓછી ઉંમરના હતા ,
એક સવાલ જન્મી જાય છે ,આવા માઈનર બાળકોને આ રીતે મોકલતા તેમના માં બાપના જીવ કેમ ચાલ્યા હશે ! આ બાળકો જ્યારે પકડાયા ત્યારે મોટાભાગના બાળકો ગભરાએલા જણાતા હતા તેઓ કોઈને કોઈ પ્રકારે શારીરિક અને માનસિક રીતે એબ્યુઝ થયેલા હતા, આમાંના કેટલાકનો ડ્રગ્સ લેવાલાવવા ઉપયોગ થતો જણાયો.  આ બાળકોને સાવ એકલા તરછોડી દેવા પણ માનવતા નથી ગણીને તેમને રેફ્યુઝી કેમ્પમાં દાખલ કરાઈ દેવાય છે.
આ બે મહિનામાં 4000 જેટલા ફેમીલીઓ પણ ઝડપાયા છે જે બહુ મોટો આંકડો ગણાય ,આ તો વાત કહું છું લીગલી પકડાએલા લોકોની જેમની સંખ્યા 12550 જેટલી છે  બાકી ઈલીગલી ધુસી ગયેલા લોકો સાથે મળીને કોણ જાણે આંકડો ક્યા પહોચતો હશે?
ટેક્સાસ -મેક્સિકોની બોર્ડર ઉપર થી મોટા પ્રમાણમાં મેક્સિકનો ઘુસી જતા હોય છે. અહી આ બે બોર્ડર વચ્ચે પચાસ ફૂટ લાંબી દીવાલ છે એ પહેલા વચમાં એક નદી આવે છે જેને અહી ઘુસી આવતા લોકો જીવના જોખમે પાર કરતાં  હોય છે , ગેરકાયદેસર ધંધો કરતા લોકો આ બોર્ડર ક્રોસ કરવા નવાનવા છીડાં શોધી નાખતા હોય છે અને ત્યાંથી આવા લોકો પણ આવી જાય છે .
 પોતાના દેશમાં બેરોજગારી થી પીડાવા કરતા અહી આવી કામ મેળવવાની લાલચે મોટાભાગના આ રીતે આવતા હોય છે તેમાય આ દેશ બહુ વિશાળ છે તેથી એક વખત જે ઘુસી જાય તેમને પકડવા અઘરા પડે છે , અને આનો ફાયદો લાખો ઈલીગલ લોકો ઉઠાવતા હોય છે .
આવું જોખમ લેવું બિલકુલ એડવાઈઝેબલ નથી કારણ આવી રીતે ઘુસી આવતા લોકોને અમેરિકા પહોચતા પહેલા ઠંડી ને ભૂખ.સાથે કેટલીય યાતનાઓનો ભોગ બનાવો પડતો હોય છે ,આમ કરવામાં કેટલાય મોતને પણ નોતરે છે ,અને છેવટે તમામ વસ્તુનો સામનો કરી આવેલા લોકોને મહેનતના પ્રમાણમાં યોગ્ય મહેનતાણું પણ મળતું નથી અને હમેશા પકડાઈ જવાનો ડર સતાવતો રહે છે , આથીજ માલતી બહેન હું તમને તમારા દીકરા માટે આ રીતે પરદેશ મોકલવાની ના પાડતી હતી.
તમને હાલ અહી સાંભળેલો એક કિસ્સો જણાવું તો , અમેરિકા આવવાની લાલચે એક મેક્સિકન કપલ ટેક્સાસની બોર્ડર ક્રોસ કરવા માટે ઓઈલ ભરેલી ટેન્કરને થોડી ઓછી ભરેલી રાખી ઉપર બાકી રહેલી જગ્યામાં એક પાતળા પાટિયા ઉપર ચીપકી રહીને આવતા હતા , ઉનાળાની 100 ડીગ્રીને આંબતી ગરમીમાં ઓઈલ થી ભરેલી ટેન્કરમાં પેલી સ્ત્રીને ગભરામણ થવા લાગી , તેનો શ્વાસ  રૂંધાવા લાગ્યો અને છેવટે તેણે ટેન્કરમાં જ તેના હસબંડ ના દેખતા છેલ્લો શ્વાસ છોડયો , આ સ્થિતિમાં પેલો કંઈજ કરી શક્યો નહિ ,આ વાત જ્યારે મેં સાંભળી ત્યારે મારા રુંવાટા ઉભા થઈ ગયા હતા .  કઈ સ્થિતિએ તેમને અહી લાવી મુક્યા હશે ……જીવતા રહેવાની લાલચ કે સારી જીંદગી મેળવવાની લાલસા ?
કેટલાક લોકો એન્જટો દ્વારા પણ અહી આવતા હોય છે , અને રેફ્યુજી તરીકે આશરો લેતા હોય છે . આ રેફ્યૂજીનો સીધો અર્થ એવો થાય કે, જુલમ અથવા તો આપત્તિના સમયે પરદેશમાં આશરો લેનાર પરદેશી શરણાર્થી. આજે જ્યારે આખી દુનિયામાં ઠેરઠેર કુદરતી કે અકુદરતી આપત્તિઓ આવી રહી છે ત્યારે આવા રેફ્યુઝીઓ ની સંખ્યા વધી રહી છે,  લોકો પોતાના ઘરબાર છોડી અનિશ્ચિતતાની જિંદગી જીવી રહ્યા છે જે સ્થિતિ  ખરેખર દયાજનક હોય છે . ” માલતી બહેન આજે જે સ્થિતિમાં તમે ખુશ છો તેજ સાચી ખુશી છે” ….. નેહાની સુમધુર યાદ
રેખા વીનોદ પટેલ (યુએસએ )