કદાચ મારી આજની પોસ્ટ એ કોઈ બોધપાઠ નથી બસ મારા વિચારોને વ્યક્ત કરું છું
ખાસ :કોઈએ બંધબેસતી પાધડી પહેરવી નહિ !!! આજકાલ વ્યસ્ત અને ઝડપી જીવનમાં હું જે જોતી સમજતી આવી છું તે ઉપરથી આ લખવાની ઇચ્છા થઇ આવી છે બસ।
હું આજે મારા માબાપ ની આંખોનો તારો છું , કાલે હું તેમની આંખોનું નુર બનીશ
હું આજે મારા માબાપના ટેકાથી આગળ વઘ્યો છું,કાલે તેમની હાથ લાકડી બનીશ
આવા ગીતો ગાનારા બહુ સાભળ્યા પણ આવા ગીતોને પાળનારા આજની દુનીયામાં કેટલા?
જ્યારે પણ સાંભળું છું કે જોઉં છું કે ઘરડા માં બાપ તેમના દીકરા વહુને માટે ઘરના ખૂણાનું જુનું પુરાણું ફર્નીચર માત્ર રહી જાય છે ત્યારે દુઃખ સાથે આક્રોશ અનુભવું છું ,
આવી વહુઓ માટે ફક્ત બેજ લાઈન કહીશ કે તમારા ઘરડાં સાસુ શ્વસુર સાથે અણછાજતો વ્યવહાર કરતા પહેલા એક વાર તમારા પોતાના મા બાપને આવી પરીસ્થિતિ માં મૂકી જોજો, જો તમારું મન જરા પણ દુભાય નહિ તો આવા અણછાજતા વર્તન કરતા રહેજો.. પરંતુ એક વાર પણ મન દુભાય તો સમજી જજો તમારામાં ખોટ છે
આવા દીકરાઓને બહુ સરળ ભાષામાં મનની કેટલીક વાતો અહી લખું છું……
કદી પણ વૃદ્ધ માતા પિતાનો અણગમો ના કરો,કારણ તમારી પાસે તો આખું જગ છે ,તેમની માટે તમેજ જગ આખું છો
તમને મળતી વિશાળતામાં તમે મોજથી મહાલી શકો છો ,તેમને મળતી તમારી સમયની સંકડાસ માં તે જીવી જાણે છે
ઘરડા માતા પિતા તમારી પાસે થી સ્નેહના બે ચાર શબ્દો ઉછીના માગે છે જે તમારા ઘડપણ માં તમારા પુત્ર પુત્રીઓ પાછા વાળશે ,
કારણ તમારા બાળકો તમને જોઇને શીખી રહ્યા છે તે વાત ઘ્યાનમાં રાખો
આજે તમે તમારા સંતાન માટે જે હાડમારી ભોગાવો છો તેવીજ હાડમારી તમારા માતા પિતાએ તમારી માટે ભોગવી છે ,
વિચારતા રહેજો જ્યારે તમારા બાળકો તમારી અવગણના કરશે ત્યારે તમને કેટલું દુઃખ થશે ?
જ્યારે શરીર સાથ નથી આપતું મન ત્યારે તન સાથે મન પણ ઘરડું બને છે તેવા વખતે તેમના દુઃખને વહેચવા કોઈ સાથી નથી હોતું અને જેમ કહેવત છે કે “સાઠે બુદ્ધિ નાઠે ” આ પ્રમાણે કદાચ બની શકે તેમનો સ્વભાવ પણ ચીડિયો બન્યો પણ આજ સમયે આપણે ફરજ બજાવવાની હોય છે
જેમ આપણા બાળપણ માં આપણા ગંદવાળ તેમણે હસતા મ્હોએ સાફ કર્યો અને જેમ આપણી દરેક જીદને પુરા પ્રેમથી પૂરી કરી, બસ આમજ આવા સમયે દીકરા દીકરીઓની ફરજ બને છે કે એકલા પડેલા માં બાપને સ્નેહ અને ધીરજ થી સાંભળે અને સાચવે , બસ આટલું કરીશું તો આપણો જન્મારો સુધરી જશે બાકી દાન ઘર્મનો કોઈ અર્થ નહિ સરે.
યાદ કરી જોજો એક પણ એવો પ્રસંગ જો યાદ આવે કે તમારા માબાપે એમના શોખ પુરા કરવામાં તમારા શોખને અવગણ્યા હોય… તો ભૂલી જજો મારી આ વાતને અને તમારી મરજી મુજબ વર્તજો … હું ચેલેન્જ મારું છું આવો એક પણ પ્રસંગ યાદ નહિ આવે
બીજી એક વાત માબાપના પ્રેમને પૈસા સાથે નાં સાંકળો ,પૈસા તો તેમને જીવનભર કમાયા છે અને તમારીજ પાછળ વાપર્યા છે
તેમને હવે બદલામાં પૈસા નહિ તમારા પ્રેમની જરૂર છે આ વાત યાદ રાખજો
તેમાય જ્યારે માતા કે પિતા વૃઘ્ઘવસ્થામાં એકલા પડે છે ત્યારે તેમની સ્થિતિ ખરેખર દયાનીય હોય છે
એકલતાનો ભરડો તેમને તન અને મન થી ભાગી નાખે છે બસ આવા વખતે તેમને તમારા બીઝી સમય માંથી સમયનો થોડો ટુકડો આપો, હું તો કહું છું ભલેને દયાના ભાવે આપો પણ આપો. તમારી હુંફમાં એ વૃદ્ધ જીવ જીવી જશે ,જેને તમને જીવ આપ્યો છે તે માં બાપને સમય કરતા પહેલા ના મારો …………….. નહિ તો કાલે જ્યારે તે નહિ હોય ત્યારે તમને આંસુ વહાવવાનો કોઈ હક નહિ રહે.
ભૂલતા નહિ આજે જ્યાં તે ઉભા છે કાલે ત્યાજ તમારો વારો છે,હાથે કરી તમારા પગ ઉપર કુહાડી નાં મારો
રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુ એસ એ )