દ્રષ્ટીફેર – રેખા પટેલ(વિનોદિની)
હાશ ચાલો હવે આ ભારતની ધૂળ,ગરમી અને બેકારીમાંથી મુક્તિ મળશે એવું વિચારતો ૨૫ વર્ષનો મોહન મોટાભાઈની ફાઈલ ઉપર અમેરિકા આવ્યો. શરૂઆતના એકાદ અઠવાડિયું તો અહી બહુ સારું લાગ્યું. ન્યુજર્સીના જર્સી-સીટી એરિયાના બે બેડરૂમના નાના ઘરમાં ભાઈ ભાભી અને તેમની દસ વર્ષની દીકરી રહેતા હતા. થોડું ચાલીને જતા ઇન્ડિયન માર્કેટ આવી જતું. આજુબાજુ રહેનારા પણ ઘણા ઈન્ડિયાનો હતા તેને અહી ગમવા લાગ્યું. આ બધું થોડા દિવસનું હતું. હવે ભાઈએ જોબ શરૂ કરી દેવાની વાત મૂકી.
થોડું ઘણું અંગ્રેજી જાણતા મોહનને અહીની અલગ ઉચ્ચારણ વાળી અંગ્રેજી હજુ બરાબર સમજાતી નહોતી, અને દેશમાં ખાસ કામ પણ કર્યું નહોતું. છતાં કાયમ અહી રહેવા માટે કામ તો કરવુજ પડશે વિચારી મોટાભાઈની લાગવગથી થોડે દુર એક ઇન્ડીયનની કોફી અને બ્રેકફાસ્ટ માટે પ્રખ્યાત ડંકીન ડોનટમાં કામે લાગી ગયો. શરૂઆતમાંતો શીખવાનું હોય કરી બે ત્રણ અઠવાડીયા ખાસ કોઈ પગાર મળ્યો નહિ. ત્યાર બાદ હજુ કશું આવડતું નથી કહી પાણીચું પકડાવી દીધું. છતાય હિંમત હાર્યા વિના મોહન જે પણ કામ મળે તે કરવાનો પ્રયત્ન કરતો રહેતો. છેવટે ઘરથી માઈલ દુર તેને ગ્રોસરી સ્ટોરની વખારમાં આવેલા માલને ગોઠવવાનું કામ મળ્યું. આખો દિવસ ભારે બોક્સ ઉઠાવવા પડતા. સાંજે ઘરે આવી ભાભીને કામમાં મદદરૂપ થવાનો પ્રયત્ન કરતો. કારણ ભાભી પણ જોબ કરતા હતા,આથી એકબીજાને હેલ્પ કરવી અહીનો નિયમ હતો.
આમને આમ બે વર્ષ થઈ ગયા. હવે ભાભીને મોહનની હાજરી ખૂંચવા લાગી હતી. આ વાત મોહન પણ સમજતો હતો. એવામાં વખારમાં ઇન્ડીયાથી ઈલીગલ કમાવવા આવેલી શિવાની સાથે મનમેળ થઈ ગયો. શિવાનીને પણ આ બહાને ગ્રીનકાર્ડ મળી શકે તેમ હતું. આથી ઝાઝી પૂછપરછ કર્યા સિવાય ભાઈ ભાભી અને થોડાક મિત્રોની હાજરીમાં બંને એ લગ્ન કરી લીધા. અને એક બેડરૂમના ફ્લેટમાં નવજીવનની શરૂઆત કરી.
સમય તેની ગતિએ વહેતોજ જાય છે જેમાં સહુએ પોતપોતાના રોલ ભજવતા રહીને વહેતા જવાનું હોય છે. બસ આમજ મોહન અને શિવાનીએ બહુ મહેનત કરી ડોલર બચાવી દસ વર્ષમાં પોતાનો નાનકડો અમેરિકન ગ્રોસરીનો સ્ટોર ખરીદ્યો. આ સાથે દીકરા રાજનો પણ જન્મ થયો. પોતે જે દુઃખ વેઠવા છે તે દીકરાને નાં પડે એની આ બંને ખુબ કાળજી રાખતા. દસ પંદર ડોલરથી મોંઘા કપડા કે વસ્તુઓ મોહન કે શિવાની જાત માટે ખરીદતા નહોતા. પરંતુ રાજ માટે તેની ગમતી વસ્તુઓ માંગતાની સાથે હાજર કરી દેતા.
બહુ જતનથી ડોલર બચાવી અઢાર વર્ષના રાજને ન્યુજર્શીની રડ્ગર્સ કોલેજમાં ભણવા મુક્યો. ખર્ચા વધવા લાગ્યા અને આવકમાં ખાસ કોઈ વધારો નહોતો. આથી શિવાની સ્ટોર ચલાવતી અને મોહન હવે બહાર નોકરી કરવા લાગ્યો. રાજ આ બધું જોતો હતો પરંતુ તેને મોજશોખની આદત પડી ગઈ હતી. મિત્રોમાં વટ જળવાઈ રહે માટે ખર્ચા ઉપર કાપ મુકવા એ તૈયાર નહોતો.
મોહન અને શિવાનીને બે છેડા એક કરવામાં તકલીફ પાડવા લાગી. સાથે રાજના ખર્ચા પણ ભારે પાડવા લાગ્યા. પરંતુ હવે તેને કંઈ પણ કહેવાનું નકામું હતું. કારણ એ કોઈ વાતને સમજવા તૈયાર નહોતો “બેટા તું તારા વધારાના ખર્ચા ઓછા કર, બહાર ખાવાનું ઓછું રાખ.” શિવાની તેને સમજાવતાં કહેતી.
” તો ભલે હું હવે આગળ ભણવાનું છોડી દઉં છું અને તમારી જેમ કોઈ લેબર જોબ શોધી લઉં છું.” રાજ અકળાઈ જતો.
આમ કરતા રાજની કોલેજ પૂરી થઈ અને સારા નશીબે તેને એક કંપનીમાં જોબ મળી ગઈ. મોહનને હાશ થયું ” ચાલો હવે દુઃખના દિવસો ગયા, સુખનો સુરજ ઉગ્યો.”
પરંતુ આ માત્ર સપનું નીકળ્યું. ” ડેડી મમ્મી હું મારી સ્પેનીશ ગર્લ ફ્રેન્ડ સાથે રહેવા જવાનો છું.’ રાજે ધડાકો કર્યો.
” બેટા તારી ગર્લફ્રેન્ડ હોય તને પસંદ હોય તો અમે તેની સાથે તારા લગ્ન કરાવી આપીશું. પણ આ રીતે લગ્ન વગર તેની સાથે રહેવા ના જવાય.” મોહને શાંતિથી રાજને સમજાવતા કહ્યું.
” લુક ડેડ ધીસ ઇસ નોટ યોર ઇન્ડિયા, અહી આ બધું કોમન છે, મને મારી રીતે જીવવા દ્યો.”
માં બાપ રડતાં રહ્યા અને રાજ તેની ગર્લફ્રેન્ડ સાથે તેના ફ્લેટમાં રહેવા ચાલ્યો ગયો. રાજના ગયા પછી શિવાનીની તબિયત લથડતી ચાલી. એક માં દીકરાનું આવું અવહેલના ભર્યું વર્તન સહન નાં કરી શકી. ડીપ્રેશનની હાલતમાં હવે શિવાની સ્ટોર ઉપર કામ કરવા જવાનું બંધ કરી દીધું. હવે મોહનને માથે બેવડી જવાબદારી આવી પડી. સ્ટોર અને શિવાનીની સંભાળ લેવાનું.
” રાજ તારી મમ્મીની તબિયત સારી નથી રહેતી તું બધું છોડી ઘરે રહેવા પાછો આવીજા.” થાકીને મોહને રાજને ફોન કર્યો.
” ડેડી હું સાંજે મમ્મીને મળવા આવું છું. તમે પણ હાજર રહેજો.” કહી રાજે ફોન પટકી દીધો.
એ સાંજે રાજ ઘરે આવ્યો. શિવાનીએ રાજનું ભાવતું જમવાનું બનાવ્યું, તેનો બેડરૂમ ફરીફરી ગોઠવી સુવ્યવસ્થિત કર્યો અને આખો દિવસ એ બીઝી છતાં ખુશ રહી હતી.
” આવી ગયો બેટા? બે મહિના થયા તને તારી મમ્મી યાદ નહોતી આવતી? તારો સામાન ક્યા?”શિવાનીના અવાજમાં અધીરાઈ હતી.
” લુક મોમ હવે હું નાનો નથી. હું પણ જોબ કરું છું મારી પોતાની લાઈફ છે. આ બધામાં મને સમય નથી મળતો નથી. ડેડીએ કહ્યું કે તમારી તબિયત સારી નથી તો મળવા આવ્યો. પણ તમે તો બરાબર લાગો છો. મને નકામો દોડાવ્યો.” રાજાના અવાજમાં કંટાળો સ્પસ્ટ વર્તાતો હતો.
” બેટા સાવ એવી નહોતું તારી મમ્મી તને યાદ કરીને ઉદાસ રહે છે. હવે સ્ટોર ઉપર કામ કરવા પણ નથી આવતી. તું પાછો આવીજા તું અહી પણ તારી મરજી પ્રમાણે જ રહેતો હતો ને!” નાં છુટકે મોહન મા દીકરાના વાર્તાલાપ વચ્ચે કુદ્યો.”
જનરેશન ગેપ અને વિચારોની અસમાનતાનાં કારણે ત્રણેવ વચ્ચે ઉગ્રતા સરજાઈ ગઈ. છેવટે સમાધાન કરવાનાં હેતુ થી રાજે પોતાનો આખરી વિચાર જણાવ્યો
” જુઓ મમ્મી ડેડી હું હવે સોફી સાથેજ રહેવાનો છું તેને અહી તમારી સાથે ફાવે તેમ નથી અને તમને ત્યાં ફાવે નહિ. બીજું હમણાં અમારે લગ્નના કોઈ બંધનમાં ફસાવું નથી. તમે ભારત છોડીને આવ્યા અને તમારી મરજી મુજબ જીવ્યા. હવે મારો વાળો છે. હું દર મહીને તમને મળવા આવીશ બાકી તમેં તમારી રીતે અને હું મારી રીતે જીવીશું.”
આ બધાથી અકળાઈ મોહને રાજને ત્યાંથી ચાલ્યા જવા જણાવ્યું” અમારે તારી મહિનામાં એકવાર આવી મ્હો બતાવી જવાની ભીખ જોઈતી નથી. આજથી તારે અને અમારે કોઈ લેવાદેવા નથી. હા તારું ઘર સમજી તું કાયમને માટે આવે તો આવજે બાકી તારો અને અમારો સમય બગાડીશ નહિ.”
શિવાની રડતી રહી અને રાજ પગ પછાડીને ચાલ્યો ગયો. સમય વીતતો રહ્યો ત્રણ મહિનામાં બધુજ બદલાઈ ગયું. રાજના સુખમાં જીવ પરોવીને જીવતી શિવાની સાવ સુનમુન બની ગઈ હતી. મોહન આ વાત સમજતો હતો પરંતુ એ તે પણ જાણતો હતો કે રાજ હાથમાંથી ચાલ્યો ગયો છે તેને પરાણે ખેચવામાં બંનેના હૃદય લોહીલુહાણ થઇ જવાના છે.
છેલ્લા ઉપાય તરીકે રાજે શિવાની સામે એક વાત મૂકી.
” શિવાની અહી આપણા ઘરની સામેના અપાર્ટમેન્ટમાં ચાર પાંચ ઇન્ડીયાથી આવેલા યુવક યુવતીઓ દસ બાર કલાક નોકરી કરે છે અને એકલા રહે છે. તેમને જમવાની બહુ તકલીફ રહે છે. એવું મારી સાથે વાત થઇ તો કહેતા હતા. શું આપણે તેમની માટે ટીફીન સર્વિસ શરુ કરીએ તો કેમ?”
શિવાનીએ પહેલા તો નન્નો ભણી દીધો. પછી તે છોકરાઓની તકલીફ વિષે જાણી તેનું દિલ પીગળી ગયું. અને વિચાર્યું ચાલો એ બહાને થોડું વ્યસ્ત રહેવાશે. શરૂઆતમાં ત્રણ છોકરાઓના ટીફીન બનાવવાનું શરુ કર્યું. ક્યારેક તેઓ ટીફીન ઘરે લઇ જતા ક્યારેક અહી શિવાની માસીના ઘરેજ વાતોના વડાં કરતા જામી લેતા. ધીમેધીમે આઠ છોકરાઓનું ટીફીન બનાવવાનું કામ મળ્યું. વધારે આનંદ આઠ છોકરાઓની માસી બનવાનો હતો. આખો દિવસ ઘરમાં ચહલપહલ રહેવા લાગી, વધારામાં ઘરથી દુર એકલા રહેતા બાળકોની મદદ પણ મળવા લાગી. શિવાની આજુબાજુના વિસ્તારમાં શિવાની માસી તરીકે બધાના પ્રિય થઇ પડ્યા. તેમનો દીકરો રાજ આવીને મળીને પાછો જતો રહેતો તેનાથી કોઈ ખાસ ફર્ક હવે તેમના જીવનમાં નહોતો પડતો. મોહનને સંતોષ હતો કે હવે શિવાનીની દ્રષ્ટીફેર ને કારણે તેની સૃષ્ટી બદલાઈ ગઈ હતી. તેની આંખોમાં તરસ અને વેદનાને બદલે તૃપ્તિ અને વાત્સલ્ય લહેરાતું હતું…. ડેલાવર(યુએસએ)