વ્હાલા દાદુ , જયશ્રી કૃષ્ણ ,
એક મજાની વાત કહું તો હવેના મોર્ડન યુગમાં રોજ અવનવા તહેવાર કેલેન્ડરમાં છપાયા છે જેમાં 13 સપ્ટેબર ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે નક્કી કરાયો છે ,તો હું પણ તમને આજે ખાસ આ પત્ર લખીને તમારી સાથેના મારા સતત સંપર્કને એક વધુ જીવંત ક્ષણની ભેટ આપું. આમ તો પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સની યાદ માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી હોતી છતાં પણ આઘુનિક ભાગદોડ દિવસોમાં આવા દિવસો માન્ય રખાઈ તેમની મારે કઈક અલગ કર્યાની અનુભૂતિ દ્વારા તેમને ખાસ મહત્વ આપવામાં આવે છે .દાદા-દાદીનું મહત્વતો આપણા આપણા દેશમાં પણ ઘણું છે કારણ તેમની પાસે બાળકોને અપવા માટે બહુ ફાજલ સમય રહેતો હોય છે . સામાન્ય રીતે મા-બાપ પોતપોતાની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે બા દાદા નવરાસની પળોમાં આપણી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. અમેરિકામાં આપણા દેશી ભાઈ બહેનો માટે દાદા-દાદી વરદાન જેવા બની જતા હોય છે. કારણકે તેમની છત્ર છાયામાં બાળકોને મુકીને નચિંત બની તેઓ બહાર કામ કરવા જઈ શકે છે.
અમેરિકન પિપલ માટે પણ આજ લાગુ પડે છે . અહી બાળકોને વધારે સ્પોઈલ પણ ગ્રાન્ડ પેરેન્ટસ જ કરે છે ,વારે તહેવારે અવનવી ગિફ્ટો આપે છે. કારણ અહી રીટાયર થઇ ચુકેલા વૃદ્ધજનો ને ગવર્મેન્ટ તરફથી દર મહીને સારી એવી રકમ મળતી હોય છે તદઉપરાંત તેમની કમાણી હવે તેમને આજ રીતે વાપરવાની રહેતી હોય છે આથી કરીને એક રીતે કહું તો આમ “દાદા દાદી બાળકોના સાચા સાંતા ક્લોઝ” બની રહે છે. આજ કારણે તેમની માટેનો અલાયદો રખાએલો આ એક દિવસ મને પણ બહુ ગમે છે.
છતાં પણ ક્યારેક મને ભારતથી આવેલા વૃદ્ધો માટે એક અજબ પ્રકારની હમદર્દી જન્મી જાય છે ,કારણ તેમની દશા તેમનું જીવન ,એક રીતે વરસાદી જંગલ માંથી કોઈ લીલા છમ બનેલા વૃક્ષને જડ સોતું ઉખાડી લાવીને ઠંડા ગરમ વિસ્તારમાં રોપીને સમયસર પાણીના સિંચન દ્વારા જીવંત રાખવા જેવું લાગે છે.
દેશમાં પોતાની ધરતી અને પોતાના માણસોથી ઘેરાએલા રહેતા આ વૃદ્ધો ને અહી ઘરની બહાર હાઈ હલ્લો કરવા પણ માણસો શોધવા પડે છે , વધારે દુઃખ ત્યારે થાય કે ક્યારેક ઘરમાં કેમ છો કહેનારની જ્યારે પણ કમી વર્તાય છે .
દાદુ આ વાત એટલે યાદ આવી કે હમણા વિકેન્ડના સમયે મારા શહેર થી દુર આવેલા મોલમાં શોપિંગ માટે ગઈ હતી ત્યારે એક ઘરડા દાદા લાંબા વખત થી ત્યાં બેઠા હતા ,હું લગભગ બે કલાક ત્યાં રોકાઈ હસું ,છેવટે પાછાં વળતાં પણ તેમને ત્યાજ બેઠેલા જોયા આથી કુતુહલતા વસ હું ત્યાં તેમની પાસે ગઈ અને આંખો મીચીને બેઠેલા દાદાને હલ્લો કર્યું , દાદાએ આંખો ખોલી ઊંડી ઉતારી ગયેલી આંખોમાં થાક અને દર્દ સ્પષ્ટ દેખાતું હતું .
મને જોઈ તરત બોલ્યા ” બેટા ગુજરાતી છો?”
મેં હકારમાં માથું હલાવ્યું તો કહે “હું અહી બેઠો છું તો વાધો નથીને ?” મને તેમની વાતોમાં દુઃખ કળાતું હતું . વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેઓ સાત વર્ષથી અહી અમેરિકામાં છે હજુ ભારત ગયા નથી તેમને જવું છે પણ કોઈ ટીકીટની વ્યવસ્થા કરતુ નથી . પછી મને કહે “આજે દીકરો વહુ અને તેમના ટીનેજર બાળકો ક્યાંક બહાર ગયા છે ઘરે મને એકલો મૂકી રાખવા કરતા અહી ઉતારી ગયા છે સાંજે જતા લેતા જશે” .
“મેં પૂછ્યું દાદા કઈ ખાધું ? ” તો જવાબમાં કહે સવારે ચા સાથે બે ભાખરી ખાધી હતી. મોલના ફૂડ કોર્ટમાં એ દાદા સાથે લંચ લેતા મને બહુ આનંદ થયો હતો અને દાદુ તમે યાદ આવી ગયા હતા.
આતો એકજ દાખલો આપ્યો છે અહી આવા કેટલાય વૃદ્ધો છે જે સંતાનીના સંતાનોને મોટા કરવા આવ્યા હોય છે ,બાળકો નાના હોય ત્યારે તેમના સંતાનોને આ મા-બાપ બહુ વ્હાલા હોય છે, જરૂરિયાત પ્રમાણે તેમને સાચવતા પણ હોય છે. અને નાના બાળકો દાદા-દાદીની આજુબાજુ દોડાદોડી કરતા હોય છે .આવામાં તે વૃધ્ધોને દેશની યાદ બહુ સતાવતી નથી પરંતુ જ્યારે બાળકો ટીનેજર બની જાય ત્યારે તેઓ વધારે કરી પોતાની રૂમમાં ભરાઈ રહે છે અથવા ઘરની બહાર રહેવાનું પસંદ કરે છે ત્યારે તેમને એકલતા સતાવે છે. આવા વખતે આપણી સ્વજનોની જ ફરજ બને છે કે તેમને થોડો સમય આપી તેમની એકલતા દુર કરવી જોઈએ. અહી આ પ્રકારની એકલતા વૃદ્ધત્વને જોરદાર ઝાટકાથી તોડી નાખે છે. અને ક્યારેક તેઓ ડીપ્રેશન પણ અનુભવે છે , તેઓ ચીડીયા પણ બની જતા હોય છે.
જોકે અહી પરદેશમાં બધાજ સંતાનો કઈ ખરાબ કે સ્વાર્થી નથી હોતા અહી પગભર થવા માટે તનતોડ મહેનત કરતા હોવા છતાં ફોરેનમા આવીને માબાપના સંસ્કારોને ભૂલતા નથી. તેમના થી શક્ય હોય એટલું એમના માબાપ ને સાચવવા પ્રયત્ન કરે છે. અહી એક એવો વર્ગ પણ છે કે તેઓ સમજતા હોય છે કે આ ભારત નથી કે તેઓ બહાર જઈ પોતાનું મન હલકું કરે આથી શક્ય તેટલો સમય માબાપ સાથે વિતાવે છે. પોતાના પ્રોગ્રામ કેન્શલ કરી તેમને મંદિર કે તેઓને આનંદ આવે તેવી જગ્યાઓ ઉપર અવારનવાર લઇ જાય છે..
અહી તેમના પેરેન્ટસ બીમાર હોય તો હસતા મ્હોએ તેમની સેવા ચાકરી કરે છે , કારણ અહી દેશની જેમ બધાને કઈ આયા કે કામ કરનાર બાઈ પોસાય તેમ નથી હોતું .
સામા છેડે કેટલાય વૃધ્ધો એવા જોવા મળે છે જેમને કાયમ ફરિયાદ રહેતી હોય કે અહી કોઈ આપણી માટે નવરું નથી ,આ દેશમાં નથી ગમતું અહી તો જેલ જેવું લાગે છે ,આપણો દેશ સારો . પણ આમ બોલનારને ભારત માત્ર શિયાળાના બે મહીના જ દેશમાં જવું હોય છે, ત્યાં ગયા પછી અહી એકલા શું કરીએ કરીને તરત પાછા વળી જતા હોય છે. તેનું સાચું કારણ છે કે અહી સીટીઝન બનેલા વૃધ્ધોને ગવર્મેન્ટ તરફથી અપાતી સહુલીયતો અને ડોલરની લાલચ તેમના મનમાં ભરાએલી હોય છે જેને છીડીને જતા તેમનો જીવ ચાલતો નથી. દાદુ તમે કહેતા હતાકે “એ દુનિયા હૈ રંગીન ” આ સાવ સાચી વાત છે.દાદુ તમારા સંસ્કાર પ્રમાણે હું તો માનું છું જે દેશમાં રહો છો ,જે ધરતી ઉપર નું કમાવેલું જમો છો તેને મા નહિ તો માસી ગણી અપનાવી લ્યો પછી આ દેશ પણ વહાલો લાગશે, દૂધ અને દહીં બેવમાં પગ મુકવાથી કાયમ દુઃખી રહેવાય છે ”
આપણે બીજાઓ સાથે કેમ વર્તીયે છીએ તે આપણા સંતાનો જોતા હોય છે. માટે કમસે કમ તેમના સારા શિક્ષણ માટે અને આપણા પોતાના ઘડપણને સુધારવા અત્યાર થી આંખો અને હૃદય ખુલ્લા રાખવા જોઈએ …અને આ રીતે પરદેશમા પણ આપણા દેશના મુલ્યો અને સંસ્કારની ગરિમાને આગળ વધારવી જોઈએ .
વ્હાલા દાદુ અહી હું હવે રજા લઉં છું, તમારી નેહાના પ્રણામ સ્વીકારજો
રેખા વિનોદ પટેલ
યુએસએ