રોહિણી નક્ષત્ર – રેખા પટેલ(વિનોદિની) ડેલાવર (યુએસએ)
શબ્દ અલિપ્તતા જેમ બોલવામાં સરળ નથી તેમ તેને અનુસરવું પણ સરળ નથી. કહેવા માત્રથી કોઈ વસ્તુ કે વ્યક્તિથી આપણે સંપુર્ણપણે અલિપ્ત નથી થઇ શકાતું નથી” રોહિણી માથે હાથ મૂકી વિચારી રહી.
છતાં પણ તેની શરૂઆત દરેકે ક્યાંયથી તો કરવીજ જોઈએ. કારણ અતિશય આસક્તિ માત્ર અને માત્ર દુઃખ આપે છે. આટલું વિચારવા છતાં પણ હું ક્યાં મિતના વિચારો થી દુર જઈ શકી છું. વ્યક્તિથી દુર જઈ શકાય પણ તેને વિચારોથી સાવ અલિપ્ત કરવું અઘરું છે…..
“ઓહ નાં ઈચ્છવા છતાં કેટલા બધા વિચારો છુકછુક ટ્રેનની માફક ધીમી ગતિએ આવતાં જ રહે છે.” આ બધાથી ભાગવા માટે માથું હલાવી રોહિણી ઉભી થઈ ગઈ.
ત્યાંજ ફોનની ઘંટડી રણકી ઉઠી.
હલ્લો રોહિણી હું કર્મ બોલું છું? કેમ છે તું?” સામે અવાજ ગુંજી ઉઠ્યો.
” ઓહ કર્મ? કેમ છે તું? ક્યાંથી બોલે છે?
“તારાજ શહેરમાં છું. બે દિવસ થયા લંડનથી સુરત આવ્યાને, બસ તને મળવાની ઈચ્છા થઈ જો તું આજે ફ્રી હોય તો”. કર્મ બોલતો રહ્યો.
” અરે હા જરૂર આવ. હું તો ઘરે જ છું, બસ મારા હસબંડ ઘરે નથી તો તું તેમને નહિ મળી શકે.” કહેતા રોહિણીએ નવા ઘરનું એડ્રેસ આપી કર્મને ડીનર માટે આમંત્રણ આપ્યું.
સાંજે સમય પ્રમાણે કર્મ આવી પહોચ્યો.
” વાઉ કર્મ યુ આર લુકિંગ વેરી હેન્ડસમ” રોહિણી તેને હળવું આલિંગન આપતા બોલી. ચાર વર્ષ લંડનમાં રહીને આવેલો તે હવે વધારે ડેસિંગ લાગતો હતો.
કર્મ,રોહિણી અને મિત સ્કુલ સમયના મિત્રો હતા. કોલેજ પૂરી થતા કર્મને વિઝા મળતાં તે લંડન મામાને ઘરે ફરવા ઉપડી ગયો અને ત્યાંની સિટીઝન છોકરી મળી જતા લગ્ન કરીને ત્યાંજ સેટલ થઇ ગયો.
ફોનમાં કર્મની લંડનની વાતો અને લાઈફ સ્ટાઈલથી પ્રભાવિત થયેલા મીતને પણ ત્યાં જવાની ઈચ્છા જોર મારતી. પરંતુ રોહિણી સાથેના પ્રેમ સબંધોને કારણે તેના પગ પાછા પડતા હતા. સ્કુલ સમયની દોસ્તી કોલેજમાં આવતા સુધીમાં પ્રેમમાં પલટાઈ ગઈ હતી.
જીંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ઈચ્છા વિરુદ્ધ પણ કરવું પડે છે વિચારતા કર્મે મોકલાવેલા સ્પોન્સરને આધારે મિત લંડન જવા તૈયાર થઇ ગયો. જવાની આગલી રાત્રે રોહિણીને મળ્યો.
” રોહિણી મને સમજવાની કોશિશ કર, હું માત્ર તનેજ પ્રેમ કરું છું, આપણા પ્રેમને કારણેજ હું પરદેશ જઈ રહ્યો છું. જો બે ત્રણ વર્ષ મને ત્યાં કામ કરી લેવા દે, પાછો આવીશ પછી હું અને તું આખી જીંદગી સાથેજ રહીશું.”
આંખોમાં અવિરત આંસુની ધારા સાથે રોહિણીએ મીતને વિદાઈ આપી. હિથ્રો એરપોર્ટ ઉપર લેવા આવેલા કર્મની સાથે મહિનો રોકાયા પછી મિત વેમ્બલીમાં બીજા ત્રણ ગુજરાતી અને એક બાંગ્લાદેશી યુવાન સાથે રહેવા ચાલ્યો ગયો. કારણ અહીંથી નવી મળેલી જોબ નજીક પડતી હતી. ઓછા સમયમાં વધુ પાઉન્ડ કમાઈ લેવા તે ઓવરટાઈમ કરવા લાગ્યો.
આ બધી નવી ગોઠવણીઓ દરમિયાન રોહિણી સાથેનો તેનો સંપર્ક ઘટતો ચાલ્યો. આ બધાથી અજાણ રોહિણીને લાગતું મિત તેને ભૂલી રહ્યો છે. આવી અણસમજ તેમની વચ્ચે ખાઈનું કામ કરવા લાગી.
” મિત પરદેશની હવામાં તું બદલાઈ ગયો છે. તારા વચનો બધા અત્યારથી જુઠા સાબિત થઇ રહ્યા છે, અને મારા માતા પિતા મારી ઉપર લગ્ન માટે ખુબ દબાણ કરે છે. હવે તુજ કહે હું શું જવાબ આપું?”
” જો રોહિણી તું મને સમજવાનો ટ્રાય કર. અહી જેટલું દુરથી લાગે છે તેટલું સોહામણું નથી. અત્યારે હું ૧૪ કલાક કામ કરું છું જેથી જલ્દી ત્યાં આવી શકું. ઉપરથી બે મહિનામાં હું ઈલીગલ થઇ જઈશ પછી અહી અઘરું થઇ પડશે. તું મને આમ હેરાન ના કરીશ. બસ વિશ્વાસ રાખી મારી રાહ જોજે.” કહી કંટાળેલા મીતે ફોન પટકી દીધો.
આ તરફ રોહિણી લગ્ન માટે નાં ના કરીને થાકી ગઈ હતી. હવે તેના માતાપિતા તેનું કશુંજ સાંભળવા તૈયાર નહોતા. રોહિણીએ થાકીને મીતને પાછા આવી જવા સમજાવ્યો.
” ભલે રોહિણી હું દસ દિવસ પછી પાછો આવું છું. ખાસ બચત નથી થઈ પરંતુ તારી ખુશી માટે હું આવીશ”
રોહિણી ખુશ હતી કે હવે બધું બરાબર થઈ જશે. આમ કરતા દસ દિવસ વીતી ગયા. આ દરમિયાન નાં તો મિત ફોન ઉઠાવતો અને નાં તેના આવવાના કોઈ સમાચાર આવ્યા. થાકીને રોહિણી તેના ઘરે આંટો લગાવી આવી તો જાણવા મળ્યું.
” બેટા તને નથી જાણ તેની ત્યાં રહેવાની મુદત પૂરી થઇ જતી હતી આથી ત્યાંની કોઈ સીટીઝન છોકરી સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા છે.”
રોહિણી સાંભળતાં તેની માટે જાણે ધરતી ફાટી ગઈ હતી. આસમાન તૂટી પડ્યું હતું. પહેલા પ્રેમની આવી અવગતિએ તેને સંપૂર્ણપણે તોડી નાખી હતી. થોડા દિવસો એ સુનમુન બની ગઈ, સમય જતા આઘાતની કળ વળતાં તેણે નક્કી કરી લીધું કે બસ હવે ભૂતકાળને ભૂલી જવો છે. તેનો ઓછાયો પણ આવનાર ભવિષ્ય ઉપર પાડવા દેવો નથી. માતાપિતાની પસંદગી ઉપર હા ની મહોર લગાવી રોહિણી સરયુ સાથે પરણી ગઈ.
સરયુ સ્વભાવે સરળ અને પ્રેમાળ હતો. રોહિણી તેના પ્રેમની છાયામાં મીતને ભૂલવા લાગી હતી. તેમાય તેના દ્વારા થયેલા દગાને કારણે તે હવે તેના વિચારોથી પણ દુર ભાગતી હતી. છતાં ક્યારેક તો જૂની વાતો જુના મિત્રોની હાજરી તેને કોચલામાંથી બહાર ખેચી લાવતી.
આ વખતે પણ આમજ બન્યું હતું. કર્મની સાથે તેજ આપોઆપ ખેંચાઈ આવ્યો હતો. કર્મની સાથે વાતો કરતી હસતી હતી. વાતોમાં તે જતાવતી રહેતી કે પોતે સરયુ સાથે ખુબ સુખી છે. છતાં તેના કાન તો તેજ વિષે સાંભળવા ઉત્સુક હતા. કર્મ એ બાબતે એક પણ હરફ ઉચ્ચારતો નહોતો. છેવટે સામેથી તેજ વિષે પૂછપરછ આદરી.
” તારો મિત્ર તેજ તેની યુરોપિયન વાઈફના શું સમાચાર છે?”
” બસ બંને ખુશ છે તેમની લાઈફમાં. મારે ખાસ કોન્ટેક્ટ નથી તો વધારે કઈ માહિતી નથી.” કર્મ આટલું બોલી ચુપ થઈ ગયો.
” બાથરૂમ ક્યા છે હું જરા ફ્રેશ થઈને આવું. ભૂખ પણ લાગી છે જો તે કઈ બનાવ્યું હોય તો જમી લઈશું” વાતાવરણને હળવું કરતા બોલ્યો.
જમીને બંને મિત્રોએ પેટભરીને વાતો કરી છેવટે છુટા પડ્યા. જતા પહેલા કર્મ ફરી સરયુંને મળવા જરૂર આવશે કહી વિદાય થયો.
” એક શબ્દ ” બંને ખુશ છે તેમની લાઈફમાં” આંચકો આપી ગયો. આ અણગમતો અનુભવ અલિપ્તતા વધારી ગયો. થોડાક દર્દ પછી તેને લાગ્યું હવે કાયમને માટે માનસિક શાંતિ મળી ગઈ.
રસ્તામાંથી કર્મે તેજને ફોન કર્યો.
” તેજ હું રોહિણીને મળીને આવ્યો. ખુબ ખુશ છે તેની ફેમીલી લાઈફમાં. તારી પ્રાર્થના ફળી ગઈ યાર. તું કેમ છે? નર્સ તારી બરાબર દેખરેખ કરે છે ને!”.
” હા યાર તું ચિંતા ના કરીશ હું આ ચાર વર્ષમાં મારું ઘ્યાન રાખતા શીખી ગયો છું. અને પુનામાં ત્રિવેણી આશ્રમનું વાતાવરણ મને ખુબ ફાવી ગયું છે. અહી યોગ ઘ્યાન બધુજ શીખવે છે અને હું હવે કવિતાઓનું પુસ્તક “રોહિણી” બહાર પાડી રહ્યો છું. અને રાઈટરમાં મારું ઉપનામ નક્ષત્ર હશે. કર્મ લંડન જતા પહેલા મને મળવા તો આવીશ ને?” તેજના અવાજમાં આજીજી હતી.
” હા યાર ચોક્કસ મળવા આવીશ. પણ મન એક વાર રોહિણીને સાચું કહેવાની છૂટ આપીશ?”
” નાં દોસ્ત એવી ભૂલ ક્યારેય ના કરીશ , હું તેને દુઃખી નહિ જોઈ શકું. તે જો જાણશે કે એરપોર્ટ જતી વેળાએ કારને થયેલા એકસીડન્ટમાં મારા બંને પગ ગુમાવી દીધા હતા. તો તેની જાતને તે ક્યારેય માફ નહિ કરી શકે. બસ તું આવું ત્યારે તેનો તેના પતિ સાથેનો ફોટો મારી માટે જરૂર લઇ આવજે. હું રાહ જોઇશ.” કહી તેજે ફોન મૂકી દીધો.
આશ્રમના રૂમમાં બંને પગ ગુમાવી બેઠેલો મીત પણ માનસિક શાંતિ અનુભવી રહ્યો હતો. “કમસે કમ રોહિણી હવે તેની યાદમાં દુઃખી તો નહિ થાય ને! “