અજાણ્યો હમસફર -રેખા પટેલ (ડેલાવર)
વડોદરાથી મુંબઈ જતી રાતની સાડા અગિયારે ઉપડતી એ એક્સપ્રેસ ટ્રેનમાં જાન્યુઆરીની ગાત્રો થીજાવી દેતી ઠંડીને કારણે બહુ ઓછા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. કાશ્મીરમાં ભારે હિમ વર્ષા થઇ હતી તેની અસર છેક ગુજરાતમાં આટલે દુર થઈ જતી. દિવસે સુરજની ગરમીને કારણે ચહલપહલ જણાતી પરંતુ સાંજે સુરજ આથમતાં ઠંડી તેનો કાળો કામળો ફેલાવી બધી ચહલપહલ તેની હિમાળી પાંખોમાં સંકેલી દેતી.
બહુ ઓછા લોકો પ્લેટફોર્મ ઉપર હતા. રાધિને કંપાર્ટમેન્ટમાં ચડાવી તેના પપ્પાએ સલાહ આપી ” જો વધારે બકવાસ કર્યા વિના જે કામ માટે જાય છે તેમાં રસ દાખવી નિર્ણય કરજે. અને પહોંચીને ફોન કરજે”
હકારમાં માથું હલાવી તે તેની સીટ નંબર જોઈ બેસી ગઈ. ગાડી કોઈ નાના બાળકની પગલીઓ ગણતી હોય તેમ પ્લેટફોર્મ છોડવા લાગી. રાધિએ નારાજગીથી ચહેરો ફેરવી લીધો હતો. જે સામે બેઠેલા મુસાફરે બરાબર નોંધ્યો. પરંતુ વિના ઓળખાણ કઈ પણ કહેવું પૂછવું શિષ્ટતા નથી વિચારી તેના સામાનને ગોઠવવા લાગ્યો.
વડોદરા સ્ટેશનથી ગાડી નીકળી પડી હતી. ફર્સ્ટક્લાસના સ્લીપિંગ કંપાર્ટમેન્ટમાં માત્ર બેજ મુસાફરો હતા. રાધિ અને બીજો ધૈર્ય એકબીજાથી સાવ અજાણ્યા છતાં આજની રાત પુરતા પાડોશીઓ બની સામસામેની સીટમાં ગોઠવાઈ ગયા હતા. હાઈ હલ્લો અને ઔપચારિક હાસ્ય આપી બંને ચુપ રહ્યા. સમય થતા ગરમ ધાબળો અને ઓશિકા આવી ગયા. જેને શરીર ઉપર વીંટાળી રાધિ સુવાની તૈયારી કરતી હતી. છ કલાકની મુસાફરીને ગમેતેમ પૂરી કરવા માટે તેણે લંબાવી દીધું છતાં આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. સામેની સીટ ઉપર ધૈર્ય બ્રિફકેસમાંથી પુસ્તક કાઢીને વાંચવાનું શરુ કર્યું. તેને સુવાની કોઈ ઉતાવળ નહોતી.
ટ્રેન પુલ ઉપરથી પસાર થઇ રહી હતી તેના ખટાખટ અવાજથી કંટાળી રાધિ બેઠી થઈ ગઈ. તેને આમ બેચેન બનતા જોઈ ધૈર્ય સામેથી બોલ્યો
” તમને ઊંધ નાં આવતી હોય તો આપણે સમય પસાર કરવા એકબીજા સાથે વાતો પણ કરી શકીએ તેમ છીએ, મારું નામ ધેર્ય મજમુદાર, બે દિવસ માટે મુંબઈ હું કંપનીના કામ થી જાઉં છું.”
” મારું નામ રાધિ આચાર્ય વડોદરાથી મુંબઈ માસીને ત્યાં અંગત કારણોસર જાઉં છું.” થાકીને સમય પસાર કરવા રાધિએ વાતમાં ઝંપલાવ્યું.
આમતો એ બોલવામાં ઘણી વાચાળ હતી છતાં મુંબઈ પરાણે જવું પડતું હતું, ગુસ્સો અને નારાજગી તેના વર્તનમાં એની ચાડી ખાતા હતા. મનની વાતો મનમાં સંતાળવી રાધિને આવડતી જ નહોતી, છતાં અજાણ્યા સામે ચુપ રહેવાનું ઉચિત સમજી એ બારીની બહાર નજર લંબાવી દોડતાં કાળાં દ્રશ્યોને ઓળખવાનો પ્રયત્ન કરવા લાગી.
” તમે પરાણે મુંબઈ જઈ રહ્યા હોય તેવું કેમ લાગે છે? બાકી મુંબઈ તો નવયુવાનો માટે ડ્રીમ સીટી છે.” સામાન્ય વાતચીતમાં ધૈર્ય રાધિની મનોસ્થિતિ સમજી ગયો હતો.
“તમે સાવ સાચા છો. હું લગ્ન માટે છોકરો જોવા જાઉં છું. એક તો મારે લગ્ન કરવાજ નથી તેમાય અરેન્જ મેરેજ તો જરાય નહિ. લોકો પ્રેમ કરીને પછી પણ લગ્નજીવન સુખેથી નથી જીવી શકતા તો હું સાવ અજાણ્યા જણને જીવનસાથી તરીકે કેમ કરીને માની શકું. લગ્નજીવનને ખેલ સમજનારા મને લગ્ન કરી લેવા દબાણ કરી રહ્યા છે.” સાવ નાના સવાલમાં જાણીતા અજાણ્યાનો ભેદ ભૂલીને રાધિનો બધો ગુસ્સો અને જુસ્સો ઠલવાઈ ગયો.
“અરે તમે લગ્નપ્રથાની વિરુદ્ધમાં છો કે શું? તો શું લીવ ઇન રિલેશનમાં માનો છો”
” ના હું કોઈ રીલેશનમાં બંધાવા માગતી નથી. શું સ્ત્રી એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ના જીવી શકે? પુરુષના સંસર્ગ વિના સાથ વિના શું તેનું કોઈ અસ્તિત્વ નથી? મને પુરુષનું અધિપત્ય સ્વીકાર્ય નથી. કોઈની આગળીનાં ઇશારે જીવવું મને માફક નથી.” રાધિના રૂપાળા ચહેરા ઉપર ગુસ્સો અને દુઃખની મિશ્ર રેખાઓ અંકાઈ ગઈ.
ધૈર્ય સમજી ગયો કે નક્કી કોઈ દુઃખ આ ચોવીસ પચ્ચીસ વર્ષની સ્વરૂપવાન યુવતીને દઝાડી રહ્યું છે. કોણ જાણે શું હમદર્દીની ભાવના જન્મી ગઈ કે પોતે પુરુષ હોવા છતાં તેની વાતોને સહેલાથી પચાવી ગયો.
” રાધિ તમારી વાત સાવ સાચી છે, સ્ત્રીને કોઈના સહારાની જરૂર નથી. એ પોતે પુરુષનો સહારો બની ખભેખભા મિલાવી સંસાર તારી શકે છે. સ્ત્રીને કારણે તો સંસાર આગળ ચાલી શકે છે બાકી અમારા જેવા ક્યા ખાનદાન આગળ વધારી શકવાના હતા. પરંતુ આટલા આક્રોશને કોઈક તો કારણ હશે કે તમે લગ્ન જીવનને ધિક્કારો છો.” બહુ શાંતિથી એ બોલ્યો.
તેની સમજશક્તિ થી અંજાઈને કે પછી મનમાં ભરાઈ રહેલા ડૂમાને ગુસ્સાને બહાર કાઢવાની તક મળી એ સમજીને પણ રાધિ સાવ અજાણ્યા પુરુષ સામે હૈયું ખોલી બેઠી.
ત્યાંજ સુરત સ્ટેશન આવતા ટ્રેનની ગતિ ધીમી પડી. બહારના અંધારામાં લગભગ અદ્રશ્ય થઈ ગયેલા દ્રશ્યો દુર શહેરની રોશનીને કારણે આછાપાછા દેખાવા લાગ્યા હતા. ટ્રેન સ્ટેશન ઉપર અટકી પડી. કેટલાક મુસાફરો ટ્રેનમાં ચડવા આગળ આવ્યા પરંતુ કોઈને જાણે આ ડબ્બામાં બેસવું નહોતું. કોઈ અંદર ડોકાયું નહિ. રાધિ પણ નહોતી ઈચ્છતી કે તેની ચાલુ વાર્તામાં કોઈ ત્રીજો સામેલ થાય. કારણ તેના મમ્મી પપ્પાની સરળ ચાલતી જીંદગીમાં ત્રીજી વ્યક્તિ આવી જતા સર્જાએલા ઝંઝાવાતની શિકાર પોતે પણ બની ગઈ હતી.
” હું મારી મમ્મી અને પપ્પા એમ ત્રણ જણાનું સુખી પરિવાર હતું. છેલ્લા દસ વર્ષથી આ માત્ર લોકોની દ્રષ્ટીએ જ સાચું છે પરંતુ અંદરખાને કોઈ ખુશ નથી. મારા પપ્પાની ઓફિસમાં કામ કરતી મનસ્વી જે મારા કરતા માંડ દસ વર્ષ મોટી હશે તેની ખૂબસૂરતીથી અંજાઈને પ્રેમ કરી બેઠા જેનો ભોગ મારી મમ્મી અને હું બની રહ્યા છીએ. દેખીતી રીતે મને તો કોઈ દુઃખ નથી પરંતુ મમ્મીને મે કાયમ પપ્પાના પ્રેમ માટે તરસતી જોઈ છે.
પુરુષ પોતાની મનમાની કરવામાં અને મોજમસ્તીમાં ભૂલી જાય છે કે ઘરમાં એક સ્ત્રી તેની રાહ જુવે છે. જો એ સ્ત્રી બહાર ભટકતી હોય અને પુરુષ ઘરમાં તેની રાહ જોતો રહે ખરો? એ સ્થિતિ તેની માટે કેવી હશે એની એ કલ્પના પણ એ નથી કરી શકતો. આવા પુરુષ પ્રધાન સમાજથી મને નફરત છે. અને એટલેજ મારે લગ્ન કરવા નથી.” રાધિના શબ્દોમાં આક્રોશ હતો.
આતો બહુ ખોટું કહેવાય. જેટલી લગ્ન પછી સ્ત્રીની જવાબદારી અને વફાદારી છે તેટલીજ પુરુષની પણ છે. બંનેના હક અને ભોગ સરખા હોવા જોઈએ. જોકે દરેક પુરુષ એક સરખા નથી હોતા અને દરેક સ્ત્રીઓ તમારી મમ્મીની જેમ સહનશીલતા નથી દાખવી શકતી. આથી તમે એક પુરુષના ભૂલની સજા આખી જાતિને આપી અન્યાય કરી રહ્યા છો.” ધૈર્ય તેને સમજાવતો રહ્યો.
એટલામાં તેના ફોનની રીંગ રણકી ઉઠી. વાતને અધુરી મુકીને ધૈર્ય ફોન ઓન કર્યો. સામા છેડે કોઈ બાળકી રડતી હતી અને કૈક બોલતી હતી. તેની વાત પૂરી થયા પછી એ બોલ્યો.
” મીનું બેટા જો રડ નહિ હું ભાઈને કહું છું તારી પાસે સુઈ જાય. સ્વપ્નમાં ડરવાનું નહિ તું તો મારી બહાદુર પ્રિન્સેસ છે. ચાલ ભાઈને ફોન આપ જો.”
” આશુ બેટા બહેનને સમજાવી તેની સાથેજ સુઈ જજે, અને મમ્મીને જગાડીશ નહિ. હું બે દિવસ પછી પાછો આવીશ ત્યાં સુધી તારે મમ્મી અને બહેનને સાચવાવના છે.” આમ વાતને પતાવી ધેર્યે ફોન પૂરો કર્યો.
“શું થયું તમારા ફેમિલીને તમે નાના બાળકને આટલી જવાબદારીઓ ભરી વાત કેમ કરી?” રાધિના પ્રશ્નમાં ચિંતા હતી.
“મારી વાઈફને કેલ્સ્યમની ઉણપને કારણે નાની ઉંમરમાં ઓસ્ટીઓપોરોસિસનો રોગ લાગુ પડી ગયો છે. જેના પરિણામે તેને ખુબજ સાચવવું પડે છે. તેના રોજીંદા કાર્યો પણ એ જાતે કરી શકાતી નથી. તેને સતત કોઈના મદદની જરૂર રહે છે. દિવસ દરમિયાન એક બહેન તેની સાથેજ રહે છે, હું જ્યારે ઘરે હોઉં ત્યારે સાંજે નોકરી પછી તેને અને બાળકોને સાચવી લઉં છુ. પરંતુ આ ત્રણ દિવસ તેને જરા તકલીફ પડશે.
હા મારો મોટો દીકરો દસ વર્ષનો છે છતાં ખુબ સમજદાર છે જરા નચિંત છું. છતાં ચિંતા તો રહેવાની” ધૈર્યના અવાજમાં ચિંતા હતી જે રાધિને સ્પર્શી ગઈ. હવે એ ટેકો દઈ બેસી ગઈ.
“કેટલા સમયથી આવી સ્થિતિ છે એમની”
” મારી નાની બેબી બે વર્ષની હતી, અને તેને કોઈ બીમારી લાગી તેમાં આ હાલત થઇ ગઈ. શરીરથી જરા તકલીફ છે બાકી તેની હથેળીમાં હજુ પણ એટલીજ ઉષ્મા છે જે લગ્નના પહેલા દિવસે હતી. બસ એના એ સાથને કારણે બધાજ દિવસો સુખેથી નીકળી રહ્યા છે. હું બહારગામ જાઉં તો તેની આંખો આજે પણ પહેલાના જેવીજ ટપકી પડે છે. તેમાય આ વખતે તો તેની એકજ શરત છે કે ચાર દિવસ પછી મારે તેની પાસે ઘરે પહોંચી જવું. ” ધેર્યના અવાજમાં સંતોષ હતો.
“એમ એવું કેમ?”રાધિને હવે પ્રેમની વાતોમાં રસ પડવા લાગ્યો
” એ દિવસે અમારી બારમી વેડિંગ એનિવર્સરી છે. પરંતુ એ ગાંડીને ક્યા ખબર છે કે એનો સાથ મારે રોજ એનિવર્સરી છે. એનો સાથ મારા જીવનનો પ્રાણ છે.” આમ કહી બાળક જેવું સ્નિગ્ધ હાસ્ય ફેલાવી તેણે વોલેટમાં રહેલો ફોટો કાઢી ચૂમી લીધો.
લગ્નજીવન આવું પણ હોઈ શકે છે, વિચારતા રાધિના ચહેરા ઉપર સંતોષ અને આશા ફેલાઈ ગયા.