RSS

જનરેશન ગેપ.

23 May

જનરેશન ગેપ – બે પેઢી વચ્ચે વિચારોની અસમાતા. – રેખા પટેલ (ડેલાવર, યુએસએ)

જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચે સમય અને સમજનું અંતર…. બે પેઢીના આગવા દ્રષ્ટિકોણ અને વિચારોની ભિન્નતા અને વિકસતી જતી ટેકનોલોજીને કારણે ૨૦ -૨૫ વર્ષના સમય ગાળા દરમિયાન આવતો તફાવત સામાન્ય બાબત છે. પરંતુ એ અલગ મંતવ્યોને કારણે અંતરમાં દૂરી ના આવે તે માટે બંને પેઢીએ એકબીજાના વિચારોને અને પરિસ્થિતિઓને સમજવી જોઈએ.

“મોટાભાગની ગેરસમજ વાતને પ્રસ્તૃત કરવાની અને સમજાવવાની કળાનાં અભાવને કારણે થાય છે, આને ઉંમર સાથે ખાસ કોઈ લેવાદેવા નથી.” હા સમય સાથે ટેકનોલોજીનો વપરાશ એક દેખીતી ગેપ જરૂર ઉભી કરે છે. પરંતુ તેમાં જો એજ્યુકેશન થી બેલેન્સ જળવાઈ રહ્યું હોય તો બે પેઢી વચમાં ખાસ ગેપ દેખાતી નથી.

છતાં રહેણીકરણી, સમય સાથે વિચારોની સ્વતંત્રતા અને મુક્તતા જનરેશન ગેપ ઉભી કરવામાં મહત્વનો ફાળો આપે છે. આ અસમાનતા દરેક પેઢી વચમાં રહેવાની જ છે. તેને હસતા પચાવી લેતા કળા સહુ પહેલા આપણે શીખવાની જરૂર છે. નહિતર મતભેદને મનભેદ થતા વાર નહિ લાગે.

આજનાં યુવાનો યુવતીઓ ખુબજ અગ્રેશીલ હોય છે. બહુ ઝડપથી આગળ આવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરવાની તેમની ઝડપ અને આવડત દાદ માંગી લે તેવી છે. આ સાથે વિચારોમાં તેમની સ્પષ્ટતા તેમનો પ્લસ પોઈન્ટ ગણી શકાય. વડીલો માટે પોતાનાથી નાના સામે માથું ઝુકાવવું એ હાર છે, આ ભ્રમણામાંથી તાત્કાલિક બહાર આવી જઈ જેની પાસે વધુ છે તેની પાસેથી નવું શીખવામાં નાનામ નથી. એવી જો ભાવના અપનાવીશું તો મનભેદની સ્થિતિ નહિ સર્જાય.

અહી બાળકોમાં નાનપણથી લુચ્ચાઈનો અભાવ હોય છે. બધાજ પોતપોતાની મસ્તીમાં, પ્રાયવેસીમાં જીવતા હોવાને કારણે આજુબાજુ વાળા થી કશુજ સંતાડવાની કે ખોટું બોલવાની ખાસ જરૂરીયાત ઉભી થતીજ નથી. આવી સ્થિતિમાં બાળકોમાં નાદાનિયત, સચ્ચાઈ સચવાઈ રહે છે. જોકે હવે શિક્ષણનું પ્રમાણ વધતા લગભગ દરેક જગ્યાએ આ મહત્વનો ફેરફાર જોવા મળે છે. આવા વિચારો ધરાવતા બાળકો જ્યારે પણ પોતાનું મંતવ્ય કે પોઈન્ટ ઓફ વ્યુ જણાવે ત્યારે તેમને સાંભળવા જોઈએ. પોતાની વાત સ્પસ્ટતા થી બીજાઓ સમક્ષ મુકવાની તેમની ટેવને કારણે દબાએલી કચડાયેલી સ્થિતિમાં જીવવાનું બહુ ઓછું થઇ ગયું છે. પરિણામે તેમનો વિકાસ પણ ઝડપી બન્યો છે. તો જરૂર વગર તેમના અવાજને દબાવી દેવાનો ગુનો કરવાની કોઈ જરૂર નથી.

મોટાભાગે બાળકોની વાતને આપણે મજાકમાં ઉડાવી દઈયે છીએ. ” તને નાં સમજાય કે એવું કશુજ નાં હોય ” એમ કહ્યા વિના તેમની વાતને સાભળીને તેમની જગ્યાએ ઉભા રહીને સમજવાનો પ્રયત્ન કરાવી જોઈએ. જો શરૂવાતથી બાળકો સાથે આ પ્રમાણેનું વર્તન કરવામાં આવશે તો મોટા થયા પછી પણ તેઓ તમારી સાથે વિચાર વિમર્સ કરતા નહિ ખચકાય અને જનરેશન ગેપ જેવા ભારેખમ શબ્દોનો માર નહિ પડે.

એક સાથે કામ કરતી બે પેઢી વચમાં નાનો મોટો ટકરાવ જરૂર રહેવાનો. જૂની પેઢીના વયસ્કોને યુવાનોની ઝડપ નડે છે. પરિણામે બંને પક્ષે પોતપોતાની રીતે સચ્ચાઈ હોવા છતાં એક દીવાલ રચાઈ જાય છે. જે લોકોએ વર્ષો સુધી ખુબ મહેનત કરી જે પદ પ્રતિષ્ઠા મેળવી હોય તે બધું આજની જનરેશન આસાનીથી પામી લે તો સંઘર્ષ રહેવાનો જ.
રોજરોજ બદલાતી જતી ટેકનોલોજી યુવાનોને હસ્તક હોય છે જેના કારણે તેઓ ઝડપી છે. તો વડીલોએ અહં છોડી એ બધુજ શીખવા માટે મોટું મન કરવું જોઈએ. સામા છેડે આગલી પેઢી પાસે અનુભવની ખાણ છે. યુવા પેઢીને આ અનુભવો ઉપરથી ઘણું શીખવા જેવું મળી આવશે. આથી તેઓ પણ આ વાતને નજર અંદાજ નાં કરે એ ખુબ મહત્વનું છે. પરસ્પર સહયોય થી બધુજ આસાન થઇ રહે છે.

આવીજ મોટી ગેપ ફેશનમાં આવી છે. આજથી માત્ર ત્રીસ વર્ષ પાછળ જઈએ તો તે સમયમાં પાવડર લીપ્સ્ટીક અને કાજળ બિંદી… બસ આજ મેકઅપના હાથવગા સાધનો હતા. જ્યારે આજે નાની બાળકીઓ પણ ફાઉન્ડેશન થી લઇ મશ્કરા અને આઈસેડો વિષે અધધ જ્ઞાન ધરાવતી થઇ ગઈ છે. આઠ દસ વર્ષની બાળકી તેની મમ્મીને મેકઅપ કરવાની ટીપ્સ આપે છે. મેનીક્યોર પેડીક્યોર બાબતે સભાન થઇ રહી છે. જેલ નેઈલ પોલીશનો જમાનો આવી ગયો છે.
એક સમય હતો કે લગ્ન કરતી યુવતીને તેની માતા કેમ સાડી પહેરાવી તે શીખવતી હતી. જ્યારે આજે બાળકો યુવાન માતાને પણ કેવા કપડાં ક્યા પહેરાય , કેવા સારા લાગે તે શીખવે છે. આજે શું કહેવું, સ્વછંદતા કે અસંસ્કાર? આ આજની જનરેશનની સ્માર્ટનેસ છે. તેઓ જાણે છે અને સામે શીખવવામાં પણ માને છે. ખુલ્લા મને તેમની સાથે ચર્ચાઓ કરવી જોઈએ. તેમની સાથે કદમ મિલાવવા આપણે મોટાઈ છોડી હરણફાળ ભરવી પડશે.

આપણને બધુજ જ્ઞાન છે એવું વિચારવાનું છોડી આપણાથી નાના ઓને પણ સાંભળવા જોઈએ ક્યારેક તેમની સલાહ અને સૂચન પણ માનવા જરૂરી છે. આજની જનરેશન નવી ફેશન નવી સ્ટાઈલ ભલેને જૂની પેઢીને માફક ના આવે પરંતુ તેમની ટીપ્સ જરૂર હેલ્પફુલ હોય છે. ટીનેજર બાળકોના વિચારો સામે નન્નો ભણી દીધા કરતા તેમને સાંભળવા જોઈએ. ગમે કે ના ગમે તેમની વાતોમાં એક વખત તો હકાર ભણવીજ જોઈએ, પછીજ સમજાવટ માટે પ્રયત્ન કરવો જોઈએ. નહીતર આજની જનરેશન પાછલી પેઢીની વાતોને ક્યારેય કાને નહિ ધરે.

દરેક એક પેઢી એ પોતાની જુવાનીના દિવસોમાં જરૂરીયાત મુજબ સંધર્ષ કર્યો હોય છે. જેનાથી આવનારી પેઢી કાં તો અજાણ હોય છે કા લાપરવાહ હોય છે. જુવાનીનો આવેગ તેમને મરજી મુજબ જીવવા પ્રેરતો હોય છે. તેમને મરજી મુજબ જીવવું હોય છે મોજમઝા કરાવી હોય છે. આવા સમયમાં તેમની મુક્તતા જૂની પેઢીને કઠે છે. તેઓ માને છે કે પોતે કરેલા પરિશ્રમની આ લોકોને દરકાર નથી કે લાગણીઓનું મુલ્ય નથી.

સામા છેડે ઉગતી નવી પેઢી મને છે કે વડીલો જિંદગીને જીવન કેમ જીવવું એ નથી આવડતું, તેઓ જીવનનો આનંદ નથી લઇ શકતા તેમાં અમે શું કરીએ. શું અમને અમારી રીતે જીવવાનો અધિકાર નથી? તેમની જરૂરીયાત અને મોજશોખ સીમિત હતા તો શું અમારે પણ એમજ કરવું?
બસ આજ જનરેશન ગેપની પહેલી શરૂઆત….
જૂની પેઢી પોતાની કેરિયરમાં જીવનમાં ઠરીઠામ થઇ ગઈ હોય ત્યારે નવી પેઢીના જીવનની શરૂઆત હોય છે, આવા સમયમાં તેઓ મોજમજામાં વ્યસ્ત રહે, માતાપિતા પાસેથી વારસામાં જવાબદારી પૂર્વક શીખવાથી તેઓ દુર રહે, અથવા તો પોતાની કેરિયરની શરૂઆતમાં વ્યસ્ત રહેતા હોય છે. કેટલાક વડીલો પોતાની અધુરી રહેલી ઇચ્છાઓને તેમના બાળકો દ્વારા પૂરી કરવા ઇચ્છતા હોય છે. આમ નાં થતા બાળકો આપણી ભાવનાઓને સમજતા નથી કહી જનરેશન ગેપ નામનો શબ્દ મૂકી દઈ બળાપો કાઢતા જોવા મળે છે.
વીસ પચ્ચીસ વર્ષના સમયગાળા દરમિયાન અંતર વયની સાથે સાથે વિચારોનો ભેદ પણ રહેવાનો, તેમાય ઝડપથી વિકસી રહેલી ટેકનોલોજીને કારણે આ જનરેશન ગેપ બહુ ઝડપી વધતી લાગે છે. પહેલા વ્યક્તિ માત્ર અનુભવથી શીખી શકતો એ બધુજ હવે માત્ર એક ક્લિક થી જોઈ જાણી અને સમજી શકાય છે. હવે શીખવા સાથે કોઈ વયમર્યાદા રહી નથી. પરિણામે નાના બાળકો પણ તેમની ઉંમર કરતા ઘણું વિચારે છે જાણે છે.

એક સમય હતો જ્યારે પુખ્તવયના બે વ્યક્તિઓ સેક્સ કે જાતીય આવેગો વિષે વાત કરતા સંકોચ અનુભવતા હતા, એના બદલે કિશોરાવસ્થા થી જ આવા વિષયો ઉપર મુક્તપણે ચર્ચા કરતા કે કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. આ બધા માટે ઈન્ટરનેટના માધ્યમને કારણે બધુજ ખુલ્લું થઈ ગયું છે.
આવા સમયમાં આપણે માતાપિતાએ બાળકોને સમય રહેતા સેક્સ વિષે પણ સામે ચાલીને જરૂરી જ્ઞાન આપવું રહ્યું. ઈન્ટરનેટના માધ્યમથી અધકચરું જ્ઞાન મેળવી તેઓ અવળા રસ્તે નાં ચડી જાય તે જોવાની ફરજ આગલી પેઢીની જરૂર છે. માટેજ શ્રમ અને સંકોચને સત્વરે છોડી દઈ બાળકોના મિત્ર બનવાની ખાસ જરૂર છે. આમ કરવાથી જનરેશન ગેપ પણ ઘણી ઓછી લાગશે.

જનરેશન ગેપની આ દેખીતી અને નોંધપાત્ર અસમાનતા સ્વાભાવિકપણે જૂની પેઢીને આંખમાં ખુંચે છે. મોટાભાગના વિચારે કે આ સ્વછંદતા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ છે. જે સાવ સાચું નથી. બીજો થોડોક એવો પણ વર્ગ છે જે કહે છે આજની જનરેશનને બે હાથમાં લાડવા જેવું છે. બધુજ સમય કરતા વહેલું અને મહેનત વિના મળી રહ્યું છે. કેટલાક તો કહે છે અમે ત્રીસ વર્ષ મોડા જન્મ્યા હોત તો સારું રહેત.આ તેમની અપૂર્ણ રહેલી ઇચ્છાઓ જ છે. આનો દેખીતો અર્થ છે કે આપણને આ બધું ગમે છે અને નાં મેળવ્યાનો અફસોસ છે.
આ પણ એક કારણ છે બે પેઢી વચ્ચેના સંઘર્ષનું ” જેને મળ્યું છે તેને બધાનો ભરપુર ઉપયોગ કરવો છે તો બીજાને નથી મળ્યું તેનો વસવસો પજવે છે.”
અમેરિકા કે પરદેશમાં રહેતા બાળકોની સ્થિતિ જો આપણે ઝીણવટથી જોઈશું તો ખ્યાલ આવશે કે તેઓ પશ્ચિમી સંસ્કૃતિ અને માતાપિતાના દેશી વિચારો વચ્ચે પિસાઈ જાય છે. ઘરમાં સંસ્કૃતિની સાચવણીના પાઠ અને માન્યતાઓ, શીખવાના અને બહાર મિત્રો સાથે કદમ મિલાવવા પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાની હોય છે.

સાવ એવું નથી કે બાળકોને તેમની સ્વચ્છંદતા કે સ્વતંત્રતા વિશે ટોકવા નહિ. તેમની ભૂલ સામે કડક થઈને આંગળી પણ ચીંધવી પડે. પરંતુ એક વખત તેમના પોઈન્ટ ઓફ વ્યુ ને પણ સમજવા જોઈએ. જેમ આપણા થી આગળની પેઢીને આપણી સ્વતંત્રતા નડી હશે તેમજ નવી જનરેશનને આપણી જડતા નડવાની જ છે.

નવી અને જૂની પેઢી રિવાજો પણ બદલાતા રહ્યા છે. મુક્તતાને આપણે સ્વછંદતા કહીએ છીએ તેવીજ રીતે આજના યુવાનો જુના વિચારોને માન્યતાને કુરિવાજો કહી રહી છે. જેમ શિક્ષણને કારણે વિચારોની સ્વતંત્રતા વધે છે તેમ આગળ વધુ વિચારવાની શક્તિ અને પરિપક્વતા વધે છે. કોઈ પણ કાર્ય પાછળના સારા અને ખોટા બંને પાસાઓને ઘ્યાનમાં લેવાય છે. જે લોકો પહેલાના સમયમાં સદીઓથી ચાલી આવતા રીવાજોને સંસ્કારોને ઘ્યાનમાં લઈને આગળ વધતા રહ્યા છે તેમને આજના વિચારોની સ્વતંત્રતા નડવા સ્વાભાવિક છે. અહી સંસ્કારો સિદ્ધાંતોની લડાઈ રહેવાની..

“બદલાવ જરૂરી છે પરંતુ વિવેક અને નમ્રતા સાથે સંસ્કારો સાચવી રાખવા કોઈ પણ પેઢી કે સમય માટે અતિ આવશ્યક છે. નહીતર સમાજનું પતન થતા વાર નહિ લાગે.”

આ ભેદ અને ટકરાવ જ્યારે યુવાનો અધકચરું જ્ઞાન ધરાવતા હોય અને સામે વડીલો રૂઢીચુસ્ત હોય ત્યારે નરી આખે જોઈ શકાય તેવો હોય છે. એકલી સલાહ કોઈને પણ પસંદ નથી. જ્યાં મા-બાપ પોતાના બાળકોને વિચારવાની સ્વતંત્રતા નથી આપતા કે તેમને સમજવાની કોશિશ નથી કરતા તેમના બાળકો જીદ્દી કે બળવાખોર બને તો નવાઈ નથી. આમ બનતા તેમની પ્રગતિ પણ અટકી જાય છે.

સુહાગ અને માન્ય બંને બચપણથી મિત્રો રહ્યા હતા. સુહાગના પિતા કરિયાણાની દુકાન ચલાવતા સામાન્ય માણસ હતા. જ્યારે માન્યના પિતા ગવર્મેન્ટ નોકરી કરતા હતા. હાઈસ્કુલ સુધી બધુજ બરાબર હતું. કોલેજના દિવસો દરમિયાન ફેશન અને લાઈફસ્ટાઈલના ફેરફારોને કારણે સુહાગના ઘરે રોજ કંકાસ થતા રહ્યા.
” જો આમજ રૂપિયા ઉડાવવાના હોય તો સારું છે કે તું મને છૂટો કરી મારી આ દુકાન સંભાળી લે. તારા શોખ તું જાતે કમાઈને પુરા કર. મને નથી લાગતું કે તું જીવનમાં કઈ આગળ કરી શકે” વારંવાર આવા વાક્યો અને ઉગ્ર તણાવને કારણે સુહાગ કોલેજના પહેલાજ વર્ષમાં નાપાસ થયો. હારી થાકીને પિતાની દુકાન ઉપર બેસી ગયો.

બીજી તરફ માન્યની લાઈફસ્ટાઈલ પણ બદલાતી હતી જેને તેના પિતા ઝીણવટ થી જોતા રહ્યા.
” દીકરા તને ગમે તે રીતે તું મઝા કર પરંતુ આપણા કુટુંબની શાન ઉપર કોઈ આંગળીનાં ચીંધે એ જોવાની ફરજ પણ તારી જ છે. અને હા રૂપિયા જોઈએ તો જરૂર કહેજે. બસ હવે થી ઘર ખર્ચ અને તારો હિસાબ બધું તુજ લખવાનો રાખ. મારું આટલું કામ તો તું કરીજ શકે ને? હવે તું મોટો થઇ ગયો છે તો મારે એક કામ ઓછું રહે.” આમ માન્યના પિતાને તેને રોજીંદો ઘરખર્ચ લખતા કરી દીધો. જેના પરિણામે એકજ મહિનામાં તેને સમજાઈ ગયું કે ઘરનું બજેટ કઈ રીતે ચાલે છે. પોતાની જવાબદારી એ જાતે સમજી ગયો.
આમ રૂપિયા પૈસાનું મૂલ્ય સાથે સંબંધોનુ મૂલ્ય પિતાએ કુનેહથી સમજાવી દીધું. બાળકોને તેમની ભૂલ અને જવાબદારી બતાવવી એ પણ એક કળા છે.

“જનરેશન ગેપનો હાઉ એ તો પાણીનો પરપોટો માત્ર છે. હવામાં વિલીન થઇ જતા તેનો અહેસાસ પણ નહિ રહે. બસ તેને તોડતા આવડવો જોઈએ. “

 

One response to “જનરેશન ગેપ.

  1. vimala Gohil

    May 23, 2020 at 10:44 pm

    “બદલાવ જરૂરી છે પરંતુ વિવેક અને નમ્રતા સાથે સંસ્કારો સાચવી રાખવા કોઈ પણ પેઢી કે સમય માટે અતિ આવશ્યક છે.

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: