સુખની શોધ :
સુખમાં રહેવાનું તારણ ભાઈ,રોગને કહેવાનું તું ભારણ ભાઈ
શરીર તો મારું એક બહાનું છે,મન દુઃખનું સાચું કારણ ભાઈ
દરેક વ્યક્તિ જાણે અજાણ્યે સુખની શોધ કરતો રહે છે , આ સુખ તે અસલમાં છે શું? કોઈ વસ્તુસ્થિતિ છે કે મનનો કોઈ ભાવ માત્ર છે ? આ ખરા અર્થમાં કોઈ સમજી શક્યું નથી. છતાય સતત તેની શોધમાં દરેક જણ રાત દિવસ દોડતો રહયો છે.
કેટલાક કહે છે ” સુખી રહેવા નકારાત્મકતાને હઠાવો” સુખી રહેવાની આ પ્રથમ ચાવી છે. પરંતુ આ નકારાત્મકતાને હઠાવવા માટે સહુ પ્રથમ શારીરિક હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે “.
આમતો આ વાત સાચી છે “જ્યારે માણસ શરીર થી બીમાર હોય ત્યારે નાનીનાની વસ્તુઓ અને આજુબાજુના ઘટના ક્રમનો તેના મન ઉપર નેગેટીવ અસર પડતી દેખાય છે, આવા સમય માં તે વધુ ને વધુ નબળો બનતો જણાય છે “. જો માનવી શરીરથી સુખી હશે તો મનથી પણ આપોઆપ પ્રફુલ્લિત થઇ શકશે. ખુશ રહેવું એ આપણી પોતાની ઈચ્છા ઉપર અવલંબે છે પરંતુ શારીરિક સુખ એ નિરોગી તન અને આંતરિક ચેતના શક્તિ ઉપર આધારિત છે .
આવા સમયે તે વ્યક્તિએ પોતાના માનસિક બળને એકઠું કરવાની તાતી જરૂર પડે છે ,આ સમયે દુઃખ નિરાશા કે ગ્લાની અનુભવવાને બદલે જો થોડા હકારાત્મક વિચારો મનગમતું કાર્ય હાથ ઉપર લેશે તો માનસિક નકારાત્મકતા થી દુર રહી શકશે, આ રીતે ઝડપથી શારીરિક મજબુતાઈ પાછી મેળવી શકાશે . “સારી હેલ્થ માટે સહુ પ્રથમ મેન્ટલ હેલ્થ પાવરફૂલ હોવી જરૂરી છે”. બીમાર માણસનાં મનમાં જો સારા થવાની , જીવન જીવવાની જીજીવિષા નાં રહે તો ગમે તેટલી મોંઘી દવા પણ અસર બતાવતી નથી.
આપણે સહુ જાણીએ છીએ કે” ખુશી ભૂતકાળમાંથી જન્મી વર્તમાન સુધી લંબાય છે”. પરંતુ એનો અર્થ જરાય એવો નથી થતો કે કાલને યાદ કરતા રહીએ અને આજને ભૂલી જઈએ .વર્તમાને ભૂતકાળ ઉપર બહુ નિસ્બત નાં રાખવું ,ભૂતકાળના દુઃખો ને આજના આનંદ ઉપર હાવી થતા રોકવા જરૂરી છે. નહીતર આજને બગડતા વાર નહિ લાગે .
કાયમ હર્યુભર્યુ રહેવા હસવું જોઈએ
કાલ ભૂલી આજમાં જીવવું જોઈએ …
ઉજ્જવળ હોય કે નિરાશાજનક પણ ભૂતકાળ ને ભુલાવામાં ભલાઈ છે,યાદ એટલુજ રાખવું જોઈએ જેના કારણે આપણી પ્રગતિનો માર્ગ ખુલ્લો રહે ,અને આપણી આજ ના બગડે. કેટલાક લોકો કાયમને માટે જુના સુખ અને દુઃખ, જુના સબંધોને ગણી ગણીને યાદ કરી તેમની આજને બગાડે છે. આને કારણે આજની મળતી નાની મોટી ખુશીઓને ગ્રહણ લગાડે છે. ગઈ કાલના સોનેરી સપનાને યાદ કરવામાં આજના અને આવતી કાલના સપનાને નજર અંદાજ ના કરવા જોઈએ. જીંદગીની સાચી મજા તો જીંદગીનાં આજને સ્નેહથી જીવવામાં છે
ક્યારેક કોઈ છૂપો ભય અંદર રહેલી ખુશીઓ નો શિકાર કરી નાખે છે ,અને થાકેલુ અસુખ મન શરીરને થકવી નાખે છે. સામાન્ય રીતે આપણું ઘાર્યું નથી થતું ત્યારે આપણે દુઃખી થઇ જઈયે છીએ આવા વખતે લાગે છે કોઈને આપણી પડી નથી કે કોઈને આપણી માટે ભાવ નથી રહ્યો … અંદરની ખુશી અને સ્થિર રહેતા મનનું સંતુલન ખોઈ બેસીએ છીએ, વધારે કરી વણનોતર્યું દુઃખ વહોરી લઈએ છીએ. નિરાશા કલેશ ,કંટાળો બધું આપણી આજુબાજુ ગોઠવાઈ જાય છે અને આનંદ , પ્રગતિનો રસ્તો રોકાઈ જાય છે. પ્રગતિના સમયમાં આડે આવતા લોકો અને તેમના અણછાજતા વ્યવહારોને નજર અંદાજ કરવામાં ભલાઈ રહેલી છે ,કારણ તેની સામે થવામાં આપણી શક્તિ અને સમય બંને વેડફાઈ જતા હોય છે . આવા સમયે મનમાં રહેલા ધ્યેયને આંખ સામે રાખી આપણે આગળ નીકળી જવું જોઈએ .
અહી મળતા દરેક ભાવ દરેક વ્યવહાર જરૂરી નથી કે આપણી ખુશી માટેજ હોય , જેમ આપણે કોઈ થી દુઃખી થઈયે છીએ તેવીજ રીતે આપણે પણ જાણે અજાણે કોઈના દુઃખનું કારણ જરૂર બની જતા હોઈશું ,માટે દરેક પ્રત્યે સદભાવ રાખવો બહુ જરૂરી છે. દરેકની ભાવનાને સમજવી જરૂરી છે. કોઈ માટે મનમાં રાખેલી કટુતા ક્યારેય સાચી ખુશી નહિ આપે. માટે કાયમ “જીઓ ઓર જીને દો” નો ભાવ રાખવો જોઈએ.
બહુ સહેલાઈથી ખુશીને પોતાની કરવા માટે પોતાની ઉપર વિશ્વાસ રાખવો બહુ જરૂરી બને છે. આ માટે દિવસમાં એકવાર પોતાની કે પોતે કરેલા કાર્યની પ્રસંશા જરૂર કરવી જોઈએ. આમ કરવાથી એક અલગ આત્મવિશ્વાસનો જન્મ થશે. અને આસપાસ એક હકારાત્મક વાતાવરણ રચાશે. જેના કારણે કાર્ય કરવાની ધગશ આપોઆપ વધતી જશે. અને નકારાત્મકતા ઘટતી જશે સાથે ખુશીઓનો વધારો થશે.
રેખા વિનોદ પટેલ (વિનોદિની )
ડેલાવર (યુએસએ )