RSS

“છબી એક- સ્મરણો અનેક” – પ્રિયતમને દ્વાર

16 Mar
વાજતે ગાજતે જાન બસમાં “અમે ઈડરિયો ગઢ જીત્યારે આનદ ભર્યો”  ગાતા સહુ બસમાં બેસી  મારા નવા નવા બનેલા સાસરીયે પાછી વળતી હતી , અમારી કાર બસની આગળ હતી ,જેમાં હું અને મારા પતિદેવ સમીર ભગત સાથે નાની નણંદ સીમા હતી. હું મારા માતાપિતાનું ઘર છોડીને આવી હતી તેનું દુઃખ એક આંખમાં હજુ ઝમતું હતું અને બીજી આંખમાં ભાવિના સપના ચમકતા હતા.
સમીરનો હાથ મારા હાથ ઉપર ફરતો હતો,તેમની હૂફ મને સાંત્વના આપતી હતી. કોણ જાણે શું થયું  કે પાછળ આવતી બસને સ્પીડમાં આવતી એક  ટ્રકે ટક્કર લગાવી દીધી અને એક ઘડામ અવાજ સાથે બસ ખોડાઈ ગઈ.
ચીસાચીસ, રાડારાડ …..આ બધું સાંભળતાં અમારી કાર રોકાઈ ગઈ

અમે બધું ભૂલી સીધા બસ તરફ દોડયા ,હું નર્સિંગ નું ભણી હતી આથી હું મારી શરમ બધું છોડી જે ઘાયલ થયા હતા તેમની સેવામાં લાગી ગઈ ,બસને પાછળ થી થોડું નુકશાન થયું હતું અને પાછળ બેઠેલાઓને થોડું વાગ્યું હતું ,કેટલાકને પછડાટ આવી હતી…. બસ સારું હતું કે કોઈને વધારે વાગ્યું નહોતું આથી કોઈને ઈમરજન્સી હોસ્પીટલમાં દોડવું ના પડયું, બધા બોલતા સંભળાયા ‘ચાલો સુળીનો ઘા સોઈ થી સર્યો ”
દ્વારકાદીસ કી જય કહેતા બસ ફરી પાછી ઉપડી  .

સમય કરતા બસ ઘરે મોડી પહોચી ,અમે ઘરમાં પ્રવેશવા ગયા ત્યાજ મોટા બા એટલે કે સમીર નાં મોટા કાકી બારણાની વાચો વચમાં ઉભા રહી ગયા. ઉભા રહો હવે મુહરત નથી ,છેક સાંજ પછીજ તમને પોંખવામાં આવશે.
મોટાબા હજુ તો ચાર વાગ્યા છે સાંજ સુધી અમે ક્યા બહાર રહીએ,આમ પણ અમે થાક્યા છીએ અને હું આમ મુહરતમાં નથી માનતો ,તમે બસ જલ્દી વિધિ પતાવી દ્યો  ” મારા પતિદેવ તેમને સમજાવતા બોલ્યા. છેવટે મોટા બા કમને અમને પોખાવાં રાજી થયા .
નવું ઘર નવી જગ્યા અને માણસો પણ લગભગ અજાણ્યા ,આ પારકા ઘરને પોતાનું કરવા હું આવી હતી ,મનમાં ઉમંગ છલકાતો હતો ,શરમ નીતરતી હતી સાથે પોતાનાઓને છોડ્યાનું દુઃખ પણ ઝમતું હતું . આ બધાની વચ્ચે હું શરમથી લડાએલી ઓરડાની વચોવચ પલંગ ઉપર બે ઉભા પગ ને હાથોમાં સમાવી  માથું નમાવી બેઠી હતી .
આવનારા બધા મારી સુંદરતાના વખાણ કરતા હતા ” વહુ તો સમીર બહુ રૂપાળી લાવ્યો છે ,ચાલો તમારું ઘર ઉજળું થઇ ગયું ” આવેલા એક વૃદ્ધ માજી બોલ્યા
હા ભાભી વાત સાચી છે રૂપાળી વહુ છે પણ હવે જોવાનું એ કે ભાગ્ય રૂપાળું લાવી છે કે નહિ?” મોટા બા બોલ્યા.
“ભાભી બધુય બરાબર છે નકામી ચિંતા ના કરો “કહી મારા સાસુ એ મારું ઉપરાણું લીધું ,આમ તો બા સામે બોલવાનો હક કોઈને પણ નહોતો કારણ તે એકલાએ આખા ઘરને પંદર વર્ષની ઉંમરે થી સાચવ્યું હતું કારણ તેમના સાસુ નાના ચાર છોકરાઓને અને તેમના સસરાને એકલા મૂકી સ્વર્ગે સિધાવ્યા હતા .
” એ ભલે ગીતા એતો સમય આવે દેખાશે કોણ કેટલું નશીબ લઈને આવ્યું છે , હાલો હવે વાળું કરી લઈએ ” કહેતા બધા વિખરાયા  , હું પણ બધાની સાથે મોટા ઓરડામાં જમવા બેઠી , રસોડામાં મારી નાની નણંદે ગરમ દૂઘ લેવા તપેલી હાથમાં પકડી અને કોણ જાણે હાથ માંથી તપેલી છટકી ગઈ ,તે ચીસ પાડી ઉઠી …. તેની બુમ સાંભળી અમે બધા સીધા કિચનમાં દોડ્યા
” ઓ મારે આ શું થઈ ગયું , મારી છોકરીને આ શું થઇ ગયું ? આ ઘરને કોની નજર લાગી ગઈ છે ?આજે નર્યા  અપસુકન થયા જ કરે છે ”  મોટા બા બુમ પાડી ઉઠ્યા .
નાની નણંદ ઘરમાં બધાને બહુ વહાલી હતી , કોઈ કશું વિચારે તે પહેલા હું તરત દોડી ને, કિચનની બહાર ઉગેલા કુંડામાં કુંવારપાઠુ તોડી તેનો રસ ગરમ દાઝેલા ભાગ ઉપર નીતારી દીધો , તેના કારણે ઠંડક થવાથી તે શાંત થઇ.
હું આ બધામાં વ્યસ્ત હતી ત્યાં પાછળ થી મોટાબા નો અવાજ સંભળાતો હતો ,” હું કહેતી હતી કે વહુના પગલા બહુ સારા નથી હજુ ઘરમાં આવે તે પહેલા તો તેના પારખા બધાને થવા લાગ્યા
હું તો આ સાંભળી અવાક થઇ ગઈ આંખમાં આંસુ તરી આવ્યા.
ત્યાતો બીજો ઘેરો અને મક્કમ અવાજ સંભળાયો જે મારા દર્દ ઉપર મલમ નું કામ કરી ગયો.
” મોટાબા મહેરબાની કરી આવી અફવા નાં ફેલાવો ,તમને આજે થતા બધા અકસ્માત દેખાય છે પણ દરેક વખતે આ નવી આવેલી વહુએ તેની સમયસુચકતા વાપરીને જે મદદ કરી છે તે નથી દેખાતી.  બસમાં થયેલી ઈજામાં પણ એણે બધાને તરત મદદ કરી હતી ને આજે પણ એણે તેની બુદ્ધિ થી તમારી આ દીકરીને બળતરા ઓછી કરાવી છે “
આ સાંભળતાં મને મારી નવી જીંદગીમાં એક નવો આવકારો મળ્યો.
રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસે )
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: