એક કવિતા : એક મહેણું વાગી ગયું.
સનનન કંઈક છૂટ્યું …
ચાર દીવાલોમાં સાચવેલું અચાનક ડહોળાઈ ગયું
કેટલુંય તરડાઇ ગયું ને કેટલુંય નંદવાઈ ગયું ,
ગુચળું વળી મહી સુતું હતું ,તે પણ સોરવાઈ ગયું
એક આવેગમાં ઉકલ્યું વણઉકલ્યું ખોરવાઈ ગયું.
તડાક કંઈક તૂટ્યું ….
ભેગું કરેલું આજ લગી જે પલકારે ઢોળાઈ ગયું
લીસું મુલાયમ ઝરી ગયું, બાકીનું શોષાઈ ગયું,
સાચવીને ભર્યું હતું મન જેમાં,એ નીર સુકાઈ ગયું
એક અભાવની લહેરમાં સારું નરસું તણાઈ ગયું.
જાળવીને કંઈક જોડયું…
લાગણીઓના ટાંકા દીધા થોડું સંધાઈ ગયું
સાચ જુઠની મલમપટ્ટી થી કેટલુંક જોડાઈ ગયું
બહારથી રૂડું લાગતું અંદરથી બેડોળ થઈ ગયું
લોક વાહવાહ કરે,પણ આંખોથી આહ બોલાઈ ગયું
રેખા પટેલ (વિનોદિની)