સંવેદનાનું સીમકાર્ડ – બહુ જલ્દી મારું સાંભર્યું
આટલી ઠંડીતો આટલા વર્ષોમાં ક્યારેય પડી નથી.લાગે છે ઉપરવાસમાં બરફ વર્ષા થઇ હશે?.ડીસેમ્બર મહિનાની કાતિલ ઠંડીની અસર,આ બંધ મકાનોવાળાને પણ આટલી બધી નડતી હશે?
રાતે તો ઠીક છે.પરંતુ સવારના પ્હોરમાં પણ રસ્તાઓ સુમસાન હોય છે.ક્યાંક રડ્યું ખડ્યુ મારા જેવું પાપી પેટનો ખાડો ભરવા રસ્તા પર નજર પડતુ હતુ.રસ્તા સાફ કરનારો એક હરિજન કામદાર,ખભે કોથળૉ નાખી કાગળ કચરો વિણનારો એક છોકરો.અને એકલદોકલ દુધવાળા સિવાય બાકીના લોકો સહુ સહુના માળામાં ભરાઈ રહેતા હતા.બજારોમાં દુકાનદારો પણ બારણા અડધા અટકાવી ગ્રાહકોની રાહ જોતા।
આખો દિવસ મજૂરી માટે અહીંતહીં ભટક્યો પણ મને કોઈ કામ ના મળ્યું. આખો દિવસ ભટક્યા પછી સાંજે સુરજ ઢળવાની તૈયારીમા હતો.અને ગાત્રા થીજાવતી કાતિલ ઠંડી હતી. જ્યારે ઠંડીથી બિલકુલ વિરુદ્ધ સાંજની વેળાએ પેટમાં જઠરાગ્ની સૂરજની જેમ જલતી હતી.અને ભૂખની ગરમીની અસર છેક મગજ પર પડતી હતી.છેવટે બેચાર જગ્યાએ હાથ લાંબો કરી જોયો.
તોય કઈ દિવસ ના ફળ્યો!
આવા અલમસ્ત શરીર વાળાને ભીખ પણ કોણ આપે?
જ્યારથી ગામડામાં મારા એકના એક ખોળિયે આગ લાગી અને ઘરવખરી સાથે મારો આશરો પણ સળગી ગયો હતો.ત્યારથી હું એકલપંડ આ શહેરમાં આવ્યો.એ દિવસથી મારે આ રોજે રોજની મોકાણ છે.કોક દિવસ છુટક મજુરીનું કામ,તો કોક દિવસ કામ શોધવામાં જ પૂરો થાય.ક્યારેક ભરેલા પેટે,તો ક્યારેક ખાલી પેટે હું રાત એકલતામાં વિતાવું છું.
હું ,મારી ગોદડી,એક માટલું અને જૂના મંદિર પાછળ સાંકડી ગલી …આજ મારો ભવ્ય રસાલો.
આજે ટાઢથી બચવા વ્હેલો આવીને ગોદડી પાથરી ભૂખ્યા પેટે લંબાવ્યું.અને આગળ મંદિરમાં રહેતા ઉપરવાળાને બે ચાર ચોપડાવી દીધી …”તને તો માથે છત છે અને સવાર સાંજ તૈયાર ખાવાનું પ્રસાદના નામે મળી જાય છે! રોજ રોજ શણગારેલા નવા વાઘાં પહેરવા મળે છે.બાજુમાં બિરાજેલા દેવીનો તને ચોવીસ કલાક સાથ મળે છે તો તું શું કામ મારું વિચારે?
ઓ મંદિરના દેવ…., તને કદી વિચાર આવે છે કે તારાથી ફલાંગ દુર કોક ભુખ્યા પેટે એકલવાયો થઈને ટાઢમાં થીજે છે ?તુ ય ભલા સ્વાર્થી નીકર્યો જગતના સ્વામી.”
“તું ભૂલતો હોય તો કાલ સાંજની વાત યાદ કરાવું। .. તારા મંદિરની બહાર ભૂખ્યા બે છોકરા અંદર તારા ચમકતા થાળમાં પ્રસાદના લાડવા જોઈ માનો ફાટેલો થીગડાં મારેલો સાડલો ખેચી રડતા હતા.તારા મંદિરની અંદર પ્રસાદની રેલમછેલ છે.અને તું ખાતો નથી ને ખાવા આપતો નથી આ તે તારો કેવો ન્યાય ? “
સ્હેજ આંખ મીંચાવા આવી ત્યાંતો કડકડતી ઠંડીમાં ગરમાવાનો અહેસાસ થયો લાગ્યું કો’ક મારી ગોદડીમાં આવી જોડે ભરાણું. કોણ ભરાણું… મેં બૂમ પાડી…એક સહેમી ગયેલો અવાજ સંભળાયો…’’આજની રાત અહી સૂવા દો મને અને આજે બહુ ટાઢ છે.અને આખો દિવસ પેટ ભરવા બહુ રઝળી છું.બહુ થાકી છું.આ અંધારામાં ક્યા જાઉં?’’-
હું પણ કઈ બોલ્યો!,થોડો સંકોચાઈ પેલી આવનારી માટે જગ્યા કરી.અને મેં મનોમન ઉપરવાળા નો આભાર માન્યો !
“વાહ જગત સ્વામી…તને મારૂં બહુ જલ્દી મારું સાંભર્યું,તે પેટની નહી તો શરીરને ગરમાવો દીધો… કદાચ તારી નજીક રહું છે એટલે જ ને?”
રેખા (પટેલ વિનોદિની)