RSS

Category Archives: સંવેદનાનું સીમ કાર્ડ

“સઁવેદનાનું સિમકાર્ડ ”
ખાલી જગ્યા – રેખા પટેલ (વિનોદિની)
મિતેશ અને વનિતા બહુ વખતે શોપિંગ મોલમાં મળી ગયા. એકબીજાને જોઈ બંને ખુશીથી છલકાઈ ગયા.
” અરે વનિતા તું કેટલા વર્ષે તને જોઈ, તું તો વીસ વર્ષ પછી પણ એવીને એવીજ રૂપકડી લાગે છે.” મિતેશ વનિતાને મળી બહુ ખુશ હતો.
” થેક્સ, પણ સાચું કહું તું સાવ બદલાઈ ગયો છું. હડપચી ઉપરનો તારો આ તલ જો સાક્ષી પુરતો ના હોત તો કદાચ આટલી જલ્દી તને ના ઓળખી શકી હોત.” વનિતા બોલી
” વનિતા તારી પાસે સમય હોય તો આવ કાફેમાં થોડીવાર બેસીએ. તું ક્યા છે શું કરે છે? ઘણું પૂછવું છે અને કહેવું છે.”
” હા મિતેશ ચાલ તારી માટે હું સાવ ફ્રી બસ.” મિતેશ અને વનિતા મોલની વચ્ચોવચ આવેલા ફૂડ કોર્ટમાં એક કોર્નરમાં સામસામે ગોઠવાઈ ગયા.”
મિતેશે બે કોફી અને સેન્ડવિચનો ઓર્ડર આપ્યો. પછી આજે તું ક્યાં છે? શું કરે છે? થી શરુ કરીને એકબીજાને પોતપોતાના વર્તમાનથી પરિચિત કરી દીધા, અને ઝડપભેર વર્તમાનના પર્વતને ઓળંગી બંને હાઈસ્કુલનાં સમયની તળેટીમાં ઉપરથી ઢળતાં ઝરણાની માફક ઝડપભેર ઢળવા લાગ્યા.
” મિતેશ કેટલા મઝાના એ દિવસો હતા કેમ? મેં તને કડી જણાવ્યું નહોતું પરંતુ આજે કહું છું કે હું તને હાઈસ્કૂલના સમયથી પસંદ કરતી હતી” વનિતા હસતાં બોલી.
” રીયલી? તારે મને કહેવું જોઈતું હતું, હું પણ તને પસંદ કરતો હતો. પરંતુ તું નારાજ થઇ જાય તો? એ બીકે તને એ વાત જણાવી શક્યો નહોતો.”
“ખેર હવે તો બહુ મોડું થઈ ગયું. કઈ નહિ આજે આપણે આપણી મેરેજ લાઈફમાં સુખી છીએ એટલે બસ.” વનિતા બોલી આંખો ઝુકાવીને બોલી.
” વની, પરંતુ મારી ચુપકીદીને કારણે તને ખોયાનો અફસોસ હવે જીવનભર ડંખવાનો.” મિતેશે વનિતાના હાથ ઉપર હાથ મુકીને જવાબ વાળ્યો.
બસ એક મુલાકાત બંનેના સરળ ચાલતા જીવનમાં હળવો આંચકો આપતી ગઈ. એકબીજાને ફોન નંબરની આપલે કર્યા પછી ક્યારેક મળતા રહીશું કહી છૂટ્યા પડ્યા.
હવે રોજ સમય મળતા તું કેમ છે ? શું કરે છે? જેવી ટુંકી વાતોનો દોર લંબાઈને
” મને યાદ કરે છે? હું તને બહુજ યાદ કરુ છું. તારા આવવાથી મારા જીવનમાં રહેલી ખાલી જગ્યા ભરાઈ ગઈ છે. તું વાત કરે તો સારું લાગે છે.” જેવી વાતોનો દોર લંબાવા લાગ્યો.
ક્યારેક મળતાં રહીશું ને આગળ વધારી અઠવાડિયામાં એક બે વાર મુલાકાત ગોઠવાવા લાગી.
મિતેશ તેની પત્ની મોનાને આપવાનો મોટાભાગનો સમય વનિતાને ફોન કોલ ઓનલાઈન ચેટીંગ કે મિલન મુલાકાતમાં આપી દેતો. અને વનિતા પણ તેના પતિના ઘરે નાં આવે ત્યાં સુધી મિતેશ સાથે ચેટીંગમાં વ્યસ્ત રહેતી. પરિણામે તેના પતિને સમયસર જમવાનું મળતું નહિ. પરિણામે તેમની વચ્ચે નાનીમોટી ચકમક ઝરી જવા લાગી.
” મિતેશ હમણાંથી તમારું ઘ્યાન ઘરમાં નથી રહેતું. ઘરે આવો છો તો પણ કોણ જાણે કોની સાથે ચેટીંગમાં બીઝી રહો છો. તમારું ઓફિસનું કામ ઘરે લઈને આવશો નહિ ” કહી મોના મિતેશ ઉપર ગુસ્સો કરી લેતી.
આ બધાથી આ બંનેને ખાસ ફર્ક પડતો નહોતો કારણ તેમની ખુશી મેળવવાની પ્રાયોરીટીઝ હવે બદલવા લાગી હતી. એકબીજા સાથે વાતો કરતા મળતી વેળાએ તેઓ વધુ યુવાન હોવાનો અનુભવ કરતા હતા.
એક બપોરે લંચ ટાઈમમાં મિતેશ અને વનિતા તેની ઓફીસની બાજુમાં આવેલા લવલી રેસ્ટોરન્ટના ફેમીલી રૂમમાં દુનિયાથી બચવા માટે ભરાઈને બેઠા હતા.
” મિતેશ આપણે આમ મળીને કશું ખોટું તો નથી કરતા ને!” વનિતાએ પૂછી લીધું.
” નાં વની આપણે આપણા દાપંત્યજીવનને હોડમાં મુક્યા વગર જીવનની ખુશીઓને એકઠી કરીએ છીએ. આપણા સાથીદારને તેનાથી કોઈ નુકશાન નથી. માટે તું કોઈજ જાતની ગિલ્ટી રાખ્યા વિના આ ક્ષણોનો આનંદ માણી લે” કહી વનિતાનો હાથ પકડી તેને સમજાવવા લાગ્યો. બરાબર તેજ સમયે બહારતી આવતા કોઈના ખડખડાટ હાસ્યને કારણે તેની નજર બારણાં ઉપર લટકતાં પડદાની તિરાડ માંથી બહાર ખેંચાઈ ગઈ…..
ત્યાં સામેનાં ખુણાની ચેરમાં તેની પત્ની મોના તેના હમઉમ્ર કોઈ યુવાન સાથે વાતો કરવામાં મશગુલ હતી. અને બહુ વખતે મળેલા મિત્રની જૂની વાતો ઉપર તે મુક્ત મને હસી રહી હતી. આ જોઈ મિતેશ ચમકી ગયો! શું મોના તેમની વચ્ચમાં પડેલી આ ખાલી જગ્યાને પુરવા માટે તૈયાર તો નહિ થઇ હોય ને! જો આમ બને તો?
અને મીતેશના હાથમાંથી વનિતાનો હાથ છૂટી ગયો…
ડેલાવર (યુએસએ)

 

વરસાદી સાંજ”- રેખા પટેલ(વિનોદિની)

ગોરંભાએલુ એ આભ બધી વેદનાઓ ઠાલવતું વરસી રહ્યું હતું. નોકરી ઉપરથી ઘર તરફ પાછો ફરતા આકાશે ફોરાથી બચવા સીટી સ્ટેન્ડના છાપરાં હેઠળ સ્કુટર ઉભું રાખ્યું. ચહેરા ઉપરથી રેલાતાં પાણીને લુછતા તેની નજર બાજુમાં ઉભેલી યુવતી તરફ ગઈ. “ઓહ આરસી”! એતો બેધ્યાન રહી નીતરતાં કપડામાં થરથર ધ્રુજતી હતી. કઈ પણ બોલ્યા વિના આકાશે ડેકી માંથી પાતળી શાલ બહાર કાઢી તેને ઓઢાડી દીધી. આરસીએ ચમકીને તેની તરફ જોયું. બંનેની નજર એક થઈ ત્યાંજ વીજળીનાં ભયંકર ચમકારા સાથે વાદળ ગરજી ઉઠ્યા. આરસી ભયને કારણે આકાશને વળગી પડી.

વિખુટા પડ્યાનાં દસ વર્ષની તરસ બે પળના આલિંગનમાં ભડકી ઉઠી.. જે અધુરી આગ આજ સુધી ધુમાળા ગોટા વેરતી હતી ત્યાં એક ચમકારો પ્રજ્જ્વળી ગયો. જે ઈચ્છા કદીયે પૂરી થાય તેમ નહોતી તે આ વરસાદી સાંજે વીજળીના એક કડાકાએ પૂરી.કરી. આભની વેદના તો શાંત થઈ ગઈ હતી પરંતુ એ હવે આ બંનેની આંખોમાં ઉતરી આવી હતી. સીટી બસ આવતાં આરસી આંખોમાં આવેલા પાણીને જેમતેમ સાચવી રાખી ચડી ગઈ.

આકાશ તેની પત્નીની સાલ ઓઢીને જતી આરસીને પાછળથી જોઈ રહ્યો. તે જાણતો હતો કે આ સાંજ કદાચ ફરી ક્યારેય નહિ આવે.
” લગજા ગલેસે કે ફિર એ હસી શામ હો નાં હો, સાયદ ફિર ઈસ જનમમે મુલાકાત હો નાં હો.” ✍🏼IMG_6341

 

માઈક્રોફિક્સન

ખુશી:

કેટલાક સમયથી મનન નું મન ઉદાસ રહેતું, હંમેશ કશુંક ખૂટતું લાગતું.

પોતાની મસ્તીમાં જીવતી પત્ની અને બાળકો કહેતા આ બધી મનની બીમારી છે. અને તેને લાગતું કોઈ તેના મનની સાચી વાત સમજતું નથી.

દોમદોમ સાહ્યબી અને ભરેલા ઘર વચમાં ભલા શું ખૂટતું હશે! વાત પણ વિચારવા જેવી ખરી.

આજે સવારે મહારાજે ગરમ બ્રેકફાસ્ટ ખવરાવ્યો તોય સંતોષ નહોતો લાગ્યો. સામે ગોરી ચિટ્ટી પત્ની રૂપાને કોફીના શીપ ભરતી જોઈ ઉત્સાહ નહોતો જન્મ્યો. શું કારણ હશે? વિચારતો મનન ચુપચાપ તૈયાર થઇ , બાય કહી ડ્રાઈવર સાથે તેની ઈમ્પોર્ટેડ કારમાં ઓફીસ જવા નીકળી પડ્યો.

ટ્રાફિક લાઈટની લાલ બત્તી સામે તેની કાર અટકી ગઈ. મનનની નજર સામેની ફૂટપાથ ઉપર ફેલાએલાં વાળ અને મેલોઘેલો સાડલો પહેરેલી સ્ત્રી ઉપર પડી. જે સામે બેઠેલા પુરુષને ટીનના ડબલામાં કાળી ચા અને ચૂલા ઉપર શેકાતો રોટલો ભાવ કરી આપી રહી હતી. બરાબર એજ વખતે મનનને એ પુરુષના ચહેરા ઉપર તેની ખોવાઈ ગયેલી ખુશી ઝળહળતી દેખાઈ ગઈ. અને ત્યાંજ ગ્રીન લાઈટ થતા થતા ડ્રાઈવરે ગાડી હંકારી મૂકી.

રેખા પટેલ (વિનોદિની) , ૧૪૦ શબ્દો

 

માઈક્રોફિક્સન

આજની વાર્તા …રેખા પટેલ(વિનોદિની)

યુવાનીના આંગણમાં પગલા માંડતી દીકરીએ પુછેલાં એક સવાલે, રેવતીના અંતરમાં કેટલાય વમળો ઉત્પન્ન કરી નાખ્યા. ” મમ્મી તું જ્યારે કોલેજમાં હતી ત્યારે શું તારે કોઈ બોય ફ્રેન્ડ હતો?”. સહેજ ચમકી જઈને રેવતીએ માથું હલાવી ના પાડી. પણ એ ચમક અને નકારની વચ્ચે તેને કશુંક હચમચી ગયું હતું. વીસ વર્ષ થઇ ત્યાંતો  “દીકરી સાસરે શોભે”  વિચારસરણી ધરાવતા માતાપિતાએ રેવતીને પરણાવી દીધી હતી. બધી લાગણીઓની ફુંટતી કુંપળો કોણ જાણે સિંદુરનાં ભાર હેઠળ ક્યાંય દટાઈ ગઈ હતી. આજે આ છોકરી એકજ પ્રશ્નમાં બધું ઉલેચી ગઈ છતાય મૌનનો પહાડ યથાવત રહ્યો….

એ સાંજે મિત્રો સાથે ટોળટપ્પા કરતા મનોહરને રેવતીએ બારણાની તિરાડમાંથી સાંભળી લીધો. મનોહર લગ્ન પહેલા તારે એકાદ ગર્લફ્રેન્ડ હતી કે ? કોઈકે પૂછ્યું અભિમાન ભર્યું હસતા તે બોલ્યો હતો “અલ્યા આ શું બોલ્યો એક? મારેતો ઘણી ગર્લફ્રેન્ડ હતી. એક જતી ને તરત બીજી આવી જતી. શું જમાનો હતો ,આપણો તો વટ હતો.” અભિમાન ભર્યા સુરે તે બોલતો હતો.

રેવતીના પગ નીચેની ઘરતી ધ્રુજી ગઈ. એટલે નહિ કે મનોહરને બહેનપણીઓ હતી, પણ એટલા માટે કે પુરુષ પોતાના જુઠા પ્રેમની કે લફરાની વાતો વધારી ને લોકો સામે રાખી શકે છે. અને એમ કરવામાં પોતાની શાન સમજે છે. જ્યારે એક સ્ત્રી જૂની સાચી લાગણીઓને લગ્ન પછી પોતાની સામે પણ વ્યક્ત કરતા ખચકાય છે. અને જો તે આમ કરે તો? પતિ અને સમાજ ………… રેખા પટેલ(વિનોદિની) (૨૦૦ શબ્દો)

 

 

રોટલો આપે એ કામ ઉજળું

સંવેદનાનું સીમકાર્ડ ; “રોટલો આપે એ કામ ઉજળું “…રેખા પટેલ (વિનોદિની )
    

મારા પોલીસ સર્વિસમાં જોડાયાને લગભગ દસ વર્ષ પૂરા થયા હતા. સબ ઇન્સ્પેકટર થી શરુ કરીને ઇન્સ્પેકટર સુધીની સફરમાં મેં મારી છાપ એક કડક અને ઈમાનદાર ઓફિસરની બનાવી હતી.

મારી સર્વિસ દરમિયાન નાં આ સમયમાં કોઈ પણ મોટા માથાની શેહશરમ રાખ્યા વિના મેં ભલભલા ગુનેગારોના ગાત્રો ધ્રુજાવ્યા હતા. અંડર વર્લ્ડમાં લેન્ડ માફીયા અને નાના ટપોરીઓ મારા પકડમાં આવ્યા પછી સજા વિના છૂટી શકતા નહોતા. એક વખત એક બહું મોટા કહેવાતા નેતાને પોતાની દીકરાની વહુ ઉપર દહેજ બાબતે ત્રાસ આપવાના બદલામાં પુરતા સબુત સાથે ડર્યા વિના સજા અપાવી હતી.

 

પરંતું આજે તો હું ખુદ અચંબામાં પડી ગયો કે કોણ સાચું છે? હું,કે આ છોકરી,આ કાનુન કે આ સમાજનો દાયરો?

આજે એક બાતમીના આધારે હું એક નાઈટ બારમાં છાપો મારવા પહોચી ગયો.મારી સાથે ચાર લેડીસ કોન્ટેબલ પણ હતી.અણધારી પોલીસ રેડના કારણે સાત યુવતીઓ અને નાઈટ કલબનો માલિક પકડાઈ ગયો. કારણ મને જાણવા મળ્યું હતું કે એ નાઈટ બારમાં ડાન્સ સાથે બીજી પણ ગેરનીતી વાળા ધંધા ચાલી રહ્યા હતા.

હું ખુશ થતો હતો કે ચાલો આજે કઈક સારું કામ કર્યું.અને આ યુવતીઓને નરક માંથી છોડાવી.બધાને પુરતી પૂછપરછ પછી એક સ્ત્રી ઉધ્ધારક સંસ્થામાં મોકલવાની વ્યવસ્થા કરી. એ બધી યુવતીઓ નનમસ્તક બની મારી આજ્ઞાનું પાલન કરી રહી હતી કેટલીકની આંખોમાં આભાર હતો કેટલીકને શરમ હતી .

પણ મારા આશ્ચર્ય વચ્ચે એક વધુ રૂપાળી લાગતી યુવતી મારા પગ પાસે બેસીને કરગરવા લાગી “સાહેબ મને જવા દો મારે કોઈ સંસ્થામાં નથી જવું”
“સંસ્થામાં નથી જવું તો તું ક્યા જઈશ? જો તારા સગાવહાલા અહીયા હોય તો એમને બોલાવી શકે છે અને તને એ લોકો આ હાલતમાં સ્વીકારવા તૈયાર હોય તો એની સાથે જવા દઈશ.”હું બોલ્યો.

“સાહેબ……,અસ્થિર મગજની મા,અપંગ બાપુ , બે નાના ભાઈ અને એક બહેન છે. એ લોકોને અહ્યા બોલાવીને શું કરશો?  એ લોકોને તો ખબર પણ નથી કે હું આ ધંધામાં છું. મારી કમાણી ઉપર આખું ઘર નભે છે. મને જાવા દો”. કહીને એ છોકરી રીતસરની હિબકે ચડી.

“કોણ જાણે મેં સહાનુભુતિ થી પૂછ્યું,”તો તું ક્યા જઈશ?”.

“સાહેબ જ્યાંથી પકડી લાવ્યા એ જ ધંધામાં પાછી જઈશ. જે ધંધાથી પાચ જણાનાં પેટ ભરાય છે.અને મારા માટે આ જ ધંધો રોટલોને ઓટલો આપે એવું ઉજળું કામ છે.”વિના સંકોચ એ બોલી ઉઠી.

મેં થોડા લહેજાને શાંત રાખીને પુછ્યુ,”બહેન….તારી આખી વાત સાંભળી તને જવા દઉં છું, સારા ધરની છોકરી લાગે છે તો આ ધંધો છોડી કોઇ જગ્યાએ નોકરી શોધી લેજે.”

મારી વાત સાંભળીને એ છોકરી મારી સામે પોપટ જેમ બોલવા લાગી,” સાહેબ હું ખાસ ભણેલી નથી. ચાર વર્ષ પહેલા બાપુના બે હાથ જે ફેકટરીમાં કામ કરતા હતા ત્યા એક અકસ્માતમાં કચડાઈ ગયા.ઘરમાં કમાનાર કોઇ ના હોવાથી હું ઘર ચલાવવામાં ગામના ખેતરોમાં મજૂરીએ જતી હતી. ત્યાં પણ  જમીનદારની ખરાબ નજર હંમેશા મારી ઉપર રહેતી હતી.માટે બચાવવા બાપુએ મારા લગન લેવાનું નક્કી કરી નાખ્યું . મારી મા તો મગજના તાવમાં અરધી ગાડી થઈ ગઈ હતી. મારા લગ્ન પછી આ બધાનું શું થશે? હવે આ ઘરમાં રોટલો કેવી રીતે આવશે તેની ચિંતા અમને બધાને કોરી ખાતી હતી? પણ બાપુને મારી ઈજ્જત રોટલા કરતા વધારે વહાલી હતી.”

આટલી બોલીને એ છોકરી પાણી માંગ્યુ એટલે પાણી આપ્યુ અને પછી એને પોતાની વાતને આગળ વધારી,”સાહેબ…છેવટે એક મોટી ઉંમરવાળા પુરુષ સાથે લગ્ન કરી આ શહેરમાં વળાવી દીધી છે.બદલામાં એ કહેવાતા જમાઈયે તેમના ભરણપોષણની જવાબદારી લીધી હતી.લગ્નના બે મહિનામાં જ એ નપાવટ મને વેચીને ચાલતો થયો.પણ હું તો દીકરી છું કેમ ભૂલી જાઉં કે મારા મા બાપ દર મહિનાની પહેલી તારીખે ટપાલીની રાહ જોતા ભુખ્યા બેઠા હશે.સાહેબ…., પહેલી તારીખને બસ ચાર દિવસની વાર છે. ” આટલું કહીને એ છોકરીની આંખોમાં આસું દડી આવ્યા.રડતા રડતા પોતાની વાત આગળ વધારી.

”સાહેબ……, ઈજ્જતના રોટલા સામે એ ભૂખ્યા પેટનો ખાડો કઈ કેટલો વધતો જાય છે. શરીર વેચીને હું રોજ એક મોત મારું છું પણ જોડે સંતોષ થાય છે કે મારા આ કામથી મારા નાના ભાઈ બહેનનું પેટ ભરાય છે બાપુની લાચારી ઓછી થાય છે. સાહેબ આજે મને જાવા દો. મારો ભાઈ મોટો થશે ત્યારે હું સામે ચાલી તમારી પાસે આવી જઈશ”.

આ નાજુક બાવીસ વર્ષની છોકરી જાણે મને  ગીતાનો બોધ આપી રહી હોય એવું લાગતાં હું અબોલ અને સ્તબ્ધ થઇને લાચારી અનૂભવવા લાગ્યો.

અને થોડો વિચાર કરીને આ એક યુવતીને કેસમાંથી નામ રદબાતલ કરીને મે આઝાદ કરી..મને ખબર નથી કે મે એને આઝાદ કરીને હવસખોરોનાં પીંજરામાં બંધક બનાવી.  કાશ હું તેને રોકી શક્યો હોત. કે ક્યાંક ચાર જણાનું પેટ ભરાય તેટલી કમાણી કરાવી શક્યો હોત.

આજે પહેલી વાત એ ચાર જણાના પેટને ખાતર હું બેઈમાની કરવા તૈયાર થયો હતો. હું નથી જાણતો હું સારું કરું છું કે ખોટું, હું પણ આ સિસ્ટમનું એક પ્યાદું માત્ર છું.

રેખા પટેલ (વીનોદીની)

 

જુના સ્મિતની ઓળખાણ

ટુંકી વાર્તા : જુના સ્મિતની ઓળખાણ

હંમેશાં એ બિલોરી કાચ જેવી બે તગતગતી આંખો સવારે મને ઉગતાં સૂર્યના દર્શન કરાવતી.
રોજ સવારના સાત ચાલીસની ટ્રેનને પકડવા હું સ્ટેશનના પગથીયા ચડતી હોઉં
ત્યારે સ્ટેશનની લગોલગ આવેલા ઝુંપડાની બહાર પાથરેલી ગોદડીમાં,
સુતી રહી એ એની ભોળી આંખોથી આભમાં તાક્યા કરતી હોય, જાણે આભમાં ઉડવાની એક માત્ર તમન્ના હોય.
તેની આંખોમાં ઉગતો સુરજ પડઘાતો રહી પાંપણના પલકારે આંખમિચોલી ખેલ્યા કરતો.
અમારી નજર મળતા તે સામે જોઈ મીઠું હસતી ,અને હું પણ સ્મિત થી  વળતો જવાબ આપતી.

મારે તો આ રોજનું થયું, હું સુંદર ચિત્ર આંખોમાં ભરીને સીડીઓ ચડી જતી .
ગઈ કાલ રાત થી વરસાદ હતો, સુરજના કોઈ ઠામ ઠેકાણા નહોતા .
સ્ટેશન પાસે આવતા વિચાર આવ્યો, ચાલો આજે વાદળાં ભરી ભૂરી આંખો જોવા મળશે.
પણ આ શું?
ના આભે સૂરજ, ના પેલી તગતગતી આંખો. અને ઝુંપડી સાવ ખાલી હતી. ખુણામાં પેલી ગોદળી ટુંટીયું વાળી પડી હતી.
મારા દાદર ચડતાં પગલાં ત્યાંજ રોકાઈ ગયા. આજુબાજુ નજર દોડાવી, ક્યાંય કોઈજ બીજો અણસાર નહોતો.
દૂર દેખાતાં એક પોલીસમેન ઉપર મારી નજર પડી.પૂછપરછ કરતા વાતનો તંતુ પકડાઈ ગયો.
રાત અહી ઝુંપડામાં રહેતાં વૃધ્ધની મોત થઈ હતી.જોડે રહેતી એની અપંગ દીકરીને અનાથાશ્રમમાં પહોચાડાઈ હતી.
પળવાર લાગ્યું મારા પગે લકવા મારી ગયો, એ દિવસે ટ્રેન પણ છૂટી ગઈ.
થોડા દિવસ ઉગતી સવાર કૈક અંશે ખાલી લાગતી.
પણ એક સંતોષ મનમાં રહેતો કે જ્યાં પણ હશે એ ભૂરી આંખો ખુશ હશે ,સલામત હશે.
છ મહિના પછી મારી વર્ષગાંઠના દિવસે અનાથાશ્રમમાં જવાનું થયું.
અચાનક મારી નજર ખુણામાં આવેલા ખુલ્લા ઓસરી જેવા ભાગમાં પડી. ખાટલામાં રહેલી માનવ આકૃતિ જોઈ હું ચમકી ઉઠી.
આતો એજ કાચ જેવી આંખો જે મને જોઈ વરસી પડી, કદાચ મને ઓળખી ગઈ હતી.
હું પાસે ગઈ,ત્યાંતો એ બોલી ઉઠી ” બહેન હું તમને રોજ યાદ કરતી હતી”
“અરે વાહ તું મને ઓળખી ગઈ” હું બોલી
” હા બહેન આ દુનિયામાં હવે તમે એકજ બાકી રહ્યા છો જેને હું ઓળખું છું ” કહી તેની આંખો વરસી પડી.
” અનાયાસ મારો હાથ તેના માથા ઉપર ફરવા લાગ્યો ” અમારી આ જુના સ્મિતની ઓળખાણ હતી “
રેખા પટેલ (વિનોદિની)
 

સાદગીમાં સૌંદર્ય 
 લે. રેખા પટેલ (વિનોદિની)
આ જગત આખું સુંદરતાનું પુજારી છે. હમેશાં લોકોની નજર સુંદર અને દેખાવડી વસ્તુને પહેલી પસંદ કરે છે. પછી તે લગ્નવિષયક જાહેરાત હોય કે ઘરનું કોઇ રાચરચીલું.
આ કારણે જ પોતાની બહેનથી ઓછી દેખાવડી શ્યામવર્ણી શીતલ નાનપણથી મનોમન હિજરાતી રહેતી હતી. વાત પણ સાચી હતી. બાળપણથી બીજા ભાઈ બહેનોની તુલનામાં તે રંગે શ્યામ હતી. ક્યારેક તો એનાં મા બાપ પણ તેની અવગણના કરતા. જ્યારે પણ ઘરમાં નવી વસ્તુ કે કપડાં આવતા ત્યારે પહેલી પસંદગી હમેશાં તેની મોટી બહેન કરતી, અને બાકીનું ‘લે, આ તને સારું લાગશે,’ કહીને શીતલને અપાતી હતી. નાનો ભાઈ કદી શીતલ નામથી બોલવતો નહી. એને હમેશાં  કાળી કહી ચીડવતો હતો.એક માત્ર દાદી તેને ‘મારી શ્યામા’ કહી બોલાવતાં અને કહેતાં કે જે કૃષ્ણની પ્રિય સખી હોય તેને જ શ્યામા કહેવાય. દ્રૌપદી કૃષ્ણની પ્રિય સખી હતી તેથી જ તેને શ્યામા અને કૃષ્ણા ઉપનામ આપવામાં આપ્યું હતુ.
શીતલ રંગે શ્યામ હતી પણ તેની કાયા ઘાટીલી અને ત્વચા સુંદર અને ચળકતી હતી. બુદ્ધિમાં પણ એટલી જ તેજસ્વી હતી. સ્વભાવે નામ પ્રમાણે શીતળ અને સૌ સાથે સહજતાથી ભળી જતી. એની એક વિશેષતા એ હતી કે કોઇને પણ હમેશાં કામમાં મદદરૂપ થવાની. તેમ છતાં એનાં શ્યામ રંગના કારણે સ્કુલ અને હાઈસ્કુલમાં તેને આ રંગભેદ હંમેશા નડતો. જ્યારે વાર્ષિક મહોત્સવ નિમિત્તે કલ્ચરલ પ્રોગ્રામ થતા ત્યારે તેની અભિનય કળા બીજા બધા કરતાં વધારે વાસ્તવિક હોવા છતાં તેને ભાગે ખાસ સારૂં પાત્ર મળતું નહિ. આનું એક માત્ર કારણ હતું તેનો શામળો રંગ. તેમ છતાં તેના મળતાવડા સ્વભાવને કારણે મિત્રોમાં તે પ્રિય હતી.
મોટીબહેન રૂપા હંમેશા બ્યુટી પાર્લર અને સૌદર્ય પ્રસાધન પાછળ ખર્ચા કરતી અને જ્યારે પણ શીતલ આ માટે કંઈ કહે તો તેને તરત જવાબ મળતો કે, ”હું રૂપાળી છું અને એટલે જ મારા રૂપને સાચવવા હું પાર્લર જાઉં છું. તારે ક્યાં રૂપ સાથે નહાવા નિચોવા જેવું છે! તારે ક્યાં કોઈને બતાવવા તૈયાર થવાનું હોય છે.” આમ રૂપા દિવસે દિવસે અભિમાની થઇ ફરતી હતી.
શીતલ હંમેશા ચૂપ રહેવામાં માનતી પરંતુ ક્યારેક બહુ દુઃખી થાય તો તે મમ્મીને કે બાને આ બાબતે ફરિયાદ કરતી. મમ્મી હંમેશા કહેતી કે,”એ તો છે જ એવી. તું તેની સાથે શું કામ જીભાજોડી કરે છે?” કહી શીતલને ચુપ કરી દેતી. પણ બા ગુસ્સે થઈ રૂપાને કડવાં વેણ જરૂર કહેતાં.
હવે શીતલ કોલેજમાં આવી ગઈ હતી, જ્યાં રૂપા પણ ભણતી હતી. અહીં રૂપાને તેના મિત્રો સામે તેની બહેન તરીકે ઓળખાણ કરાવતાં બહુ સંકોચ થતો. શીતલ આ વાત જાણી ગઈ હતી તેથી તે સમજી કરીને તેનાથી દુર રહેતી હતી. કોલેજમાં બંને બહેનો હોવાં છતાં એક બીજાથી કિનારો કરી પોતપોતાનાં મિત્ર મંડળ સાથે રહેતા.
ધીમે ધીમે શીતલ એનાં મિલનસાર સ્વભાવને કારણે કોલેજના પહેલા વર્ષથી બધાને પ્રિય થઇ ગઈ હતી. જેમ જેમ ભણતર વધે તેમ ગણતર પણ વધે છે તેમ બધાનાં મન અને વિચારો બહુ સંકુચિત નહોતા રહ્યાં, તેથી સૌએ શીતલને પ્રેમથી અપનાવી લીધી હતી. એક બાજુ જેમ જેમ શીતલ બધામાં પ્રિય થતી જતી હતી તેમ તેમ રૂપાને તેની નાની બહેનની ઈર્ષ્યા થતી જતી હતી. તેમ છતાં બંને બહેનો હતી તો ઘરે આવતાં બધું બરાબર થઈ જતું હતું. 
સમય જતાં રૂપાને કોલેજના ચાર વર્ષ પુરા થયા અને શીતલ હવે કોલેજના બીજા વર્ષમાં આવી હતી.
ઘરમાં હવે રૂપાનાં લગ્નની વાત ચાલવા લાગી. ક્યારેક મમ્મી બળાપો કાઢતાં, ‘મારે રૂપાની કોઈ ચિંતા નથી, પણ કોણ જાણે મારી આ શીતલને કેવો વર અને કેવું ઘર મળશે!’
તે દિવસે અમેરિકાથી આવેલો રવિ રૂપાને જોવા માટે આવવાનો હતો. ઘરમાં સહુ ખુશ હતા. રૂપા આગલા દિવસે પાર્લરમાં જઈ બ્યુટી ટ્રીટમેન્ટ કરાવી આવી હતી તેથી તેનો ચહેરો ખુશીથી ચમકતો હતો. તેનાં પગ તો જાણે જમીન ઉપર ઠરતા નહોતા. એ સુંદર રીતે તૈયાર થઈ રવિની રાહ જોતી હતી. ઘરમાં મહેમાન આવવાના હોવાથી શીતલે પણ સુંદર લાઈટ વાયોલેટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેણે લાંબા કાળા વાળને ખુલ્લા રાખ્યા હતા અને કપાળમાં નાની લાલ બિંદી ચોંટાડી હતી. બંને કાનમાં એનાં જ્ન્મદિવસમાં મામાએ આપેલા લાંબી સેર વાળા બુટિયાં પહેર્યા હતાં. ખુલ્લા વાળા અને નાકમાં જમણી બાજુ પહેરેલી વાળીને કારણે શીતલ બહુ સોહામણી લાગતી હતી.
રવિ તેના પરિવાર સાથે આવ્યો ત્યારે નાની બહેન હોવાના કારણે મમ્મી પાપા અને દાદી સાથે શીતલ બધાને આવકાર આપવા બહાર ઉભી હતી. રવિની નજર પહેલાં શીતલ ઉપર પડી અને તેને જોતોજ રહી ગયો. તે મનોમન બોલી ઉઠયો, “સાદગીમાં સૌંદર્ય તે આનું નામ”. 
બારી પાસે ખુણામાં પડેલા કોતરણી વાળા કોર્નર ટેબલ ઉપર ઝીણી બારીકાઈથી ફૂલવેલની ગુંથણી ભરેલો ટેબલ ક્લોથ બેઠકખંડમાં આવનારા દરેકની નજરને ખેંચતો હતો. રવિ થોડીવાર પછી ત્યાં જઈને ઉભો રહ્યો અને ઘ્યાન પૂર્વક પેલા રૂમાલને જોઈ રહ્યો. તેને આમ જોતા રૂપાનાં બા ત્યાં આવી પહોચ્યાં. 
” શું જોઈ રહ્યા છો, કશું જોઈએ?”
” બા આ સુંદર કલાત્મક ડિઝાઈનનો ટેબલ ક્લોથ ક્યાંથી લાવ્યા? આવી આર્ટ પરદેશમાં જોવા નથી મળતી,” રવિ અહોભાવપૂર્વક બોલ્યો.
” બેટા આ મારી દીકરી શીતલની હસ્ત કારીગરી છે, આવું તો કેટલુંય તે જાણે છે” બાના આવાજમાં આનંદ છલકાતો હતો.
આટલું સાંભળતાં રવિ શીતલ સામે જોઈ ગર્વથી હસ્યો. જવાબમાં શીતલ બોલી ” હા આવો બીજો ટેબલક્લોથ જતી વેળાએ હું તમને અમેરિકા લઇ જવા ભેટમાં ચોક્કસ આપીશ”.
થોડીવાર પછી રૂપા ચા – નાસ્તાની ટ્રે લઈને બહાર આવી. બધાએ સાથે મળી કેટલીક વાતો કરી. આ દરમિયાન અહીં બધાને શીતલના મૃદુ સ્વભાવનો, તેની સૌમ્યતા અને વાચાળતાનો અનુભવ થઈ ચુક્યો હતો. થોડીવાર પછી રૂપા અને રવિએ એકબીજા સાથે એકાંતમાં વાતચીત કરી. જતી વેળાએ રવિના માતા પિતાએ ‘બે દિવસ પછી જવાબ આપીશું’, કહી વિદાય લીધી. આ તરફ રૂપાને તો વિશ્વાસ હતો કે રવિ તેને હા જ કહેવાનો છે.
બે દિવસ પછી રવિના પપ્પાનો ફોન આવ્યો. તેમણે કહ્યુ,”નવીનભાઈ, રવિને તમારી દીકરી પસંદ છે પણ માફ કરજો તેણે રૂપા પર નહી, શીતલ પર પસંદગી ઉતારી છે.”
“શું…….? “આટલું બોલ્યા તો  નવિનભાઈના હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો. ફકત એટલું જ બોલી શક્યા, “પણ રૂપા અમારી મોટી દીકરી છે, અને વધુ દેખાવડી પણ છે.”
“નવીનભાઈ, તમારી વાત સાચી છે પણ મારા દીકરો અમેરિકામાં રહે છે. અને ત્યાં છોકરીના એકલા રૂપ પરથી એનું મૂલ્ય અંકાતું નથી. દેખાવ સાથે સાથે એનાં આંતરિક ગુણોની પણ નોંધ લેવાય છે. ઉપરાંત ત્યાં  કાળા રંગનો કોઇ છોછ નથી. તમારી શીતલ તો નાજુક નમણી અને  સૌમ્ય સ્વભાવ અને મીઠી વાચાળતા ધરાવતી દીકરી છે.”
નવિનભાઈને શાંત થયેલા જોઈ તેમણે કહ્યું, “જુઓ નવિનભાઇ, અમને બધાંને પણ શીતલ પસંદ છે. જો તમારી હા હોય તો અમે શીતલનું માગું નાખીએ છીએ”.  રવિના પપ્પાએ છેલ્લો જવાબ આપ્યો.
આટલું સારું ઘર અને છોકરો નવીનભાઈ છોડવા તૈયાર નહોતા આથી તેમને જવાબ આપ્યો, ”ભલે જેવી તમારી મરજી. હું ઘરમાં બધાને પૂછીને જવાબ આપું છું,” કહીને ફોન મૂકયો.
ઘરમાં બધાને આ જાણીને બહુ નવાઈ લાગી.બા એ મોકો જોઇને હસતા હસતા કહ્યું,”મારી શ્યામાને તો રૂડો રૂપાળો કાન મળ્યો”.
આજે પહેલી વાર રૂપાનું અભિમાન તૂટી પડ્યું. તેને સાક્ષાત્કાર થયો કે સુંદરતાના દાયરામાં એકલા રંગની ગણના નથી થતી. રૂપ અને રંગની કરતાં આંતરિક સૌંદર્યનાં મૂલ્યો વધુ મહત્વના હોય છે.
 લે. રેખા પટેલ (વિનોદિની)
 

‘સાચી શ્રધ્ધાંજલિ

સંવેદનાનું સીમકાર્ડ : ‘સાચી શ્રધ્ધાંજલિ” રેખા પટેલ 🙏

અદિતિ માધ્યમવર્ગના માતાપિતાનું એકનું એક સંતાન, ટૂંકી આવકમાં કરકસર સાથે જીવતા માતાપિતાએ અદિતિને બહુ લાડકોડ થી ઉછેરી હતી. પહેલેથી જ મહત્વકાક્ષી અદિતિના સ્વપ્નો બહુ ઊંચા હતા, તેને ભણવા સાથે હરવા ફરવાનો અને ફેશન જગત સાથે તાલમેલ મિલાવી ચાલવાનો જબરો શોખ હતો. આમતો અદિતિના પિતાને જુદી જુદી જગ્યાઓ ઉપર જવાનો બહુ શોખ હતો છતાં તેઓ પોતાની બધી ઈચ્છાઓ ને મનમાં દબાવી દીકરીને ફરવા મોકલતા. તેવીજ રીતે તેની મમ્મી તેમના શોખને મનમાં સંઘરી રાખી દીકરીના મોજશોખને પોષતી હતી.આમ અદિતિના માતાપિતા તેની દરેક ઈચ્છા પૂરી કરવા બનતું બધું કરી છુટતાં હતા.

જોકે અદિતિ આ વાતને ત્યારે ખાસ સમજતી નહોતી, બસ તેને બધાની સામેં ધી બેસ્ટ રહેવું હતું. છતાં એક વસ્તુ તેની બહુ સારી હતી. તે હતી ” તેની ઓનેસ્ટી ” . અદિતિ કઈ પણ સારી ખોટી વાત તેના પેરેન્ટ્સ થી છુપાવતી નહોતી. પરિણામે જીવનના દરેક પગલે તેને તેમની સારી અને સાચી સલાહ તેને મળતી રહેતી.

અદિતિ જીવનને મસ્તીમાં જીવતી હતી સાથેસાથે સ્ટડીમાં પણ બેસ્ટ રહેતી હતી. આમ તેને સમયસર એમબીએ પૂરું કરી લીધું, દેખાવમાં અત્યંત રૂપાળી કહી શકાય તેવી અદિતિ માટે કેટલાય માગાં આવી ચુક્યા હતા પરતું સ્ટડી પહેલા કહી તે બધાને ઠુકરાવતી રહી.
” છેવટે મા બાપની અધુરી ઈચ્છા પૂરી કરવા માટે અદિતિએ એક દિવસ પોતાના મનની વાત સામે ચાલીને કહી. ” મમ્મી પપ્પા હું વિકાસને પસંદ કરું છું. જે કોલેજમાં મારા કરતા એક વર્ષ આગળ હતો, તે એમબીએ કમ્પ્લીટ કરીને હાલ પુનાની એક પ્રતિષ્ઠિત કંપનીમાં ઉચા પગારની નોકરીમાં જોઈન્ટ થયો છે.’
મમ્મી પપ્પાની ઈચ્છાને માન આપી અદિતિએ વિકાસને ઘરે બોલાવ્યો. શાલીન સ્વભાવનો વિશાલ તેમને પસંદ આવી ગયો. તે પણ તેના માતા પિતાનું એક માત્ર સંતાન હતો. વિકાસના પિતાનું પુનામાં પોતીકું ઘર હતું અને તે રીટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર હતા. આથી લગ્ન પછી અદિતિ પુના તેમની સાથેજ રહેવાની હતી. દીકરીને મનગમતો વર અને સારું ઘર મળતા અદિતિના પેરેન્ટસે ખુશી ખુશી દીકરીના લગ્ન મનગમતી જગ્યાએ કરાવી આપ્યા.

અદિતિ પરણીને વડોદરા થી પુના ચાલી ગઈ. ત્યાં તેને પણ એક સારી કંપનીમાં જોબ મળી ગઈ. એક વર્ષ તો પલક ઝબકારે પસાર થઈ ગયું. આખું વિક જોબ હોય ને વીકેન્ડમાં વિકાસ સાથે બહાર ફરવા જવાનો પ્લાન હોય. ક્યારેક ફેમીલી સાથે કોઈ સોશ્યલ પ્રસંગોમાં જવાનું બનતું. હા ઉનાળામાં વિકાસને તેના માતા પિતા સાથે એક વિક ફરવા જવાનું થયું. અદિતિએ નોઘ્યું હતું કે તેના સાસુ સસરા બહુ ખુશ હતા. છતાં પોતે વિકાસથી સહેજ દૂર થાય તો તેઓ તેમના દીકરા સાથે સમય પસાર કરવાનો એક પણ મોકો ચુકતા નહોતા. આ બધા સમય દરમિયાન તેને મમ્મી પપ્પાને મળવાનો ખાસ મોકો મળ્યો નહોતો , બસ ફોન ઉપર તે સમય મળતા અચૂક વાત કરી લેતી. એક દિવસ તેને કંપનીના કામે વડોદરા જવાનું થયું. વર્ષ પછી ઘરે આવતા તેને મમ્મી પપ્પાની લાઈફમાં ખાસ્સો બદલાવ લાગ્યો. બહારથી હસતા આ બંને અંદરથી મુંઝાતા જણાયા.

અદિતિએ બહુ પૂછતાં તેમણે જણાવ્યું કે તેઓ અદિતિ વિના રહેવાથી હજુ ટેવાઈ શક્યાં નથી, પરતું દીકરીના સુખે બહુ સુખી છે.” જણાવી અદિતિના હૈયાનો ભાર હળવો કરતા રહ્યા. અદિતિ પોતે પણ હવે મા બાપને યાદ કરતી હતી. છતાં દીકરી સાસરે શોભે વિચારી બે દિવસ રોકાઈ તે ભારે હૈયે પાછી વળી.

કેલેન્ડરના પાનાં તૂટતા રહ્યા. ફરી ઉનાળો આવી ગયો. એક સાંજે જમ્યા પછી ડાઈનીંગ ટેબલ ઉપર અદિતિએ બધાની વચ્ચે એક એન્વેલપ ખોલ્યું. જેમાં ગોવાના કોઈ રિસોર્ટનું ચાર દિવસના પેકેજનું બુકિંગ કન્ફર્મેશન હતું.
” અદિતિ આ શું છે?” વિકાસે નવાઈ પામતા પૂછ્યું.
” વિકાસ તું ,મમ્મી અને પપ્પા ચાર દિવસ માટે ગોવા જાઓ છો, અને એ માટે મે તમારી લીવ પણ મંજુર કરાવી લીધી છે.” અદિતિએ કહ્યું
“પણ તું કેમ નહિ?” ત્રણેવ એક સાથે બોલી ઉઠ્યા.
” મમ્મી પપ્પા આપણે અહી સાથે જ હોઈએ છીએ પરંતુ આ દિવસો તમે માત્ર તમારા દીકરા સાથે વિતાવો તેવું હું ઈચ્છું છું.” બોલતા અદિતિનો અવાજ ભારે થઈ ગયો .

બીજા દિવસની આવીજ સાંજે જમ્યા પછી વિકાસે એક એન્વેલપ અદિતિના હાથમાં મુક્યું જેમાં કેરાલાની ત્રણ ટીકીટો પેકેજ ટુર સાથે હતી.
” અદિતિ જેવી ઝંખના મારા માતાપિતાના મનમાં છે તેવીજ તારા પેરેન્ટ્સના મનમાં પણ જાગતી જ હશે. હું જાણું છું તારા પેરેન્ટ્સે અભાવો વચ્ચે કોઈજ મોજશોખ નથી કર્યા. હવે તારો વાળો છે તેમને જે નથી મળ્યું તે બધુજ અપાવવાનો” અદિતિ સમય અને સ્થાન ભૂલીને વિકાસને વળગી પડી. તેની આંખોમાં ચોધાર આંસુ વહેતા હતા……………………

“બહુ નશીબદાર હોય છે એ દીકરા દીકરી જેમને મા બાપનું ઋણ ઉતારવાનો મોકો મળે છે. જે પણ સંતાનોને આવો કોઈ મોકો મળે પ્લીઝ અચૂક પેરેન્ટ્સ ને ગમતું કરી લેજો. તેની ઇચ્છાઓને પરિપૂર્ણ કરી દુનિયાનું સર્વોત્તમ સુખ મેળવી લેજો.આ તેમને માટે જીવતા જીવત સાચી શ્રધ્ધાંજલિ ગણાશે ”

“આ વાર્તા હું મારી આવી ઘણી બધી ઈચ્છાઓને અધુરી રાખીને , છવ્વીસ વર્ષ પહેલા અમને છોડી શ્રીજી ચરણ ગયેલા મારા પપ્પાને શ્રધ્ધાંજલિ તરીકે અર્પણ કરું છું.”

રેખા વિનોદ પટેલ (ડેલાવર, યુએસએ)

 

“કરેલા કર્મોની સજા”…રેખા પટેલ

 કરેલા કર્મોની સજા”…રેખા પટેલ

આજથી ચાર વર્ષ પહેલા મનુ અને શારદા તેમનું નાનકડું ગામડું છોડીને તેમના પાંચ વર્ષના દીકરા ગણેશનાં ભવિષ્ય માટે અમદાવાદમાં રહેવા આવ્યા. તેનાજ ગામના એક ઓળખીતા મહેશને કારણે એક સરકારી હોસ્પીટલના ચપરાસી તરીકે મનુને કામ મળી ગયું. સાથે નજીકની વસ્તીમાં તેમને એક રહેવા લાયક ખોલી મળી ગઈ.  શારદા ઘરના બેઉ છેડા ભેગા કરવા આજુ બાજુમાં બે ઘરકામ બાંધી આવી હતી. ગણેશ નિશાળમાં જાય અને પાછો આવે ત્યાં સુધીમાં કામ પતાવી ઘેર આવી જતી.અને મનુ પણ સવારમાં જાય તે છેક સાંજે પાછો ઘેર આવતો. સરસ મઝાનો સંસાર તેની ગતિએ ચાલવા લાગ્યો હતો.   હવે અહી આવ્યાને તેમને બે વર્ષ પૂરા થયા હતા. હોસ્પીટલમાં ડોકટરોને રુવાબથી ફરતા જોઈ મનુના દિલ દિમાગમાં એક સ્વપ્નું આકાર લેવા માડ્યું, વ્હાલસોયા દીકરાને ડોક્ટર બનાવવાનું સપનું મજબુત થતું જાતું હતું. પણ સપના પુરા કરવા પુરતી બચત થતી નહોતી.એવામાં સાથે કામ કરતો મહેશ એક કીડો મગજમાં નાખી ગયો કે ગેરકાયદેસર કામ કરીને પૈસા કેમ કમાઇ શકાય …

કહેવાય છે ને કે સંગ તેવો રંગ. હવે મનુ પણ મહેશની વાતોમાં આવી ગયો. કારણ બાદ હવે તેને જન્મેલા સ્વપનને એક વટવૃક્ષ બનતા જોવું હતું.

અહી તેમણે ગેરકાયદેસર રીતે કામ સરકારી દવાખાનામાં આવતા બ્લડ બેન્કના લોહીના બાટલા અને સરકારી દવાઓને તેમને નજીકની ખાનગી હોસ્પીટલમાં ખાનગી રીતે પહોચાડી દેવાના રહેતા. બદલામાં તેમને નક્કી કરેલી રકમ મળી જતી. મોટી  હોસ્પિટલ અને અહી ચાલતી અંધાધુંધીમાં તેમની આ ઘાલમેલની કોઈને ખબર પડતી નહી.આમને આમ  ત્રણ વર્ષ નીકળી ગયા.

એક સાંજે ગણેશ રડતો પગ પછાડતો પાસે આવ્યો ” બાપુ બધા છોકરાઓ પાસે સાઇકલ છે અને તે બધાય સ્કુલમાં સાઇકલ ઉપર આવે છે,મને એક સાઇકલ જોઈએ છે”  મનુએ તેનો હાથ પકડીને પ્રેમથી સમજાવ્યો કે”બસ હવે રડવાનું બંધ કર.આ મહિનાનો પગાર આવશે એટલે હું તને સાયકલ અપાવી દઈશ.”   “મહેશ મારે ચાર પાંચ હજાર જોઈએ છે.” કામ ઉપર આવતાની સાથે મનુએ મહેશને વાત કરી.

મહેશે તેને એક સૂઝાવ આપ્યો “જો એક ખાનગી હોસ્પીટલમાં એક મોટા માણસની સર્જરી  થવાની છે એમને એબી નેગેટીવ બ્લડ ગ્યુપની બે બોટલ જોઈએ છે.અને આપણી પાસે પણ બેજ બોટલો વધી છે. તું જો તારા જોખમ  ઉપર આ બે બોટલ આપી આવે.તો ચાર હજાર તને આરામથી મળી જશે,બોલ તૈયાર છે આ કામ કરવા?”

મનુની નજર સામે ગણેશનો ખુશ ખુશાલ ચહેરો તરવરી ઉઠ્યો અને લાંબો વિચાર કર્યા વિના તેણે હા કહી દીધી. બીજા દિવસે કહ્યા પ્રમાણે ખાનગી હોસ્પિટલમાં એ લોહી પહોચાડી આવ્યો. અને બદલામાં કડકડતી ચાર હજારની નોટો ખિસ્સામાં લઇ નવી સાઇકલ ખરીદીને ઘેર પહોચી ગયો.

સવારે જરા સાચવીને રસ્તો ક્રોસ કરજે..બહું ફાસ્ટ ના ચલાવતો..એવી સલાહો આપીને મનુએ ગણેશને નિશાળે રવાના કર્યો અને પછી દવાખાને પહોચી ગયો. થોડીવારમાં એક રીક્ષા વાળો એક લોહી નીતરતા છોકરાને ઉચકીને અમારી હોસ્પીટલમાં હાંફતો દોડી આવ્યો ” ભાઈ સ્ટ્રેચર લઇ આવો આ છોકરનો જીવ જવાની અણી ઉપર છે.” મનુ ને ત્યાં કામ કરતો જોઈ એ બુમ પાડવા લાગ્યો. તેને આમ ગભરાએલો જોઈ મનુ દોડીને સ્ટ્રેચર લઇ સામો ગયો અને પેલા છોકરાને એમાં સુવાડ્યો. પણ આ શું? આ જોઇને તે  ચક્કર ખાઈ ત્યાંજ ઢગલો થઈ ગયો.. મારો ગણેશ..મારો ગણેશ..બોલીને મોટેથી મનુએ મોટી પોક મુકી. ગણેશની હાલત જોઇનેડોકટરો દોડી આવ્યા. તરત ઓપરેશન માટે લઇ જવાયો.પૂછપરછમાં જાણવા મળ્યું કે ગણેશ તેની નવી આવેલી સાઇકલ ઉપર ઝડપી ગતિએ સ્કુલે જતો હતો અને કોઈ ટેમ્પાવાળાએ એને ઠોકર મારી દીધી. તેને માથામાં સખત માર વાગ્યો હતો. પગેપણ ફ્રેકચર થયું હતું અને એનું ખાસું લોહી વહી ગયું હતું. આથી સર્જરી કરતા તેને લોહીની તાત્કાલિક જરૂર પડી …. ડોક્ટર મહેતા બહાર આવી મને કહેવા લાગ્યા,”જા મનુ નર્સ સાથે જઈને કોલ્ડરૂમમાંથી “એબી નેગેટીવ” બ્લડનો બાટલો લઇ આવ”.   ડૉકટરની વાત સાંભળી મનુના શરીરનું લોહી સુકાઈ ગયું હોય તેવું લાગવા લાગ્યું. એ જાણતો હતો કે અંદર એબી નેગેટીવ બ્લડ બાકી નથી રહ્યું.

કોલ્ડરૂમમાથી હાફળી ફાફળી દોડતી આવીને નર્સ બોલ “ડોક્ટર સાહેબ,અંદર આ ગ્રુપની એક પણ બોટલ બાકી નથી.”   શું ?એક પણ નથી હવે શું કરીશું આ છોકરાનું બહુ લોહી વહી ગયું છે તેને બચાવવો ભારે થઈ પડશે ” ડોક્ટર આટલું બોલીને અંદર દોડ્યા. મનુનું બ્લડ ગ્રુપ ચેક કરતા મેચ નાં થયું.અને શારદાને અહી બોલાવવાનો સમય હાથમાં નહોતો. હવે મનુને તેણે કરેલા કૃત્યો ઉપર મનોમન પસ્તાવા સિવાય કોઈ રસ્તો દેખાતો નહોતો. તે તેની જાતને કોસતો હતો.      “હે ઈશ્વર! મારા કરેલા ખરાબ કામોની સજા મારા દીકરાને નાં આપીશ” તે કરગરી ઉઠ્યો. તેની આવી મનોદશા કોણ જાણે કેટલો સમય રહી હશે. અચાનક તેના ખભા ઉપર એક હુંફ ભર્યો હાથ પડ્યો તે હાથ ડોક્ટર મહેતાનો હતો

“ મનુ….,હવે કશી ચિંતા નહી કરતો.તારા દીકરાનું ઓપરેશન સારી રીતે થઇ ગયું છે, ડોક્ટર પટેલનું લોહી એબી નેગેટીવ  હોવાથી તેની વ્યવસ્થા થઇ ગઈ હતી.” આટલું સાંભળતાં મનુના જીવમાં જીવ આવ્યો. મનોમન તેણે કરેલા કર્મો ઉપર તે પસ્તાવો કરી રહ્યો હતો અને સાથેસાથે એ આ ડોક્ટરોની મહાનતાને મનોમન વંદી રહ્યો હતો.

 

રેખા પટેલ (વિનોદિની) ડેલાવર (યુએસએ )

 

એક ટકોર

ટુંકી વાર્તા : એક ટકોર

 

આજે મારી નોકરીનો પહેલો દિવસ હતો. એથી જરૂર કરતા વહેલી જાગી ગઈ હતી. એકતો રાત્રે ટેન્શનના કારણે બહુ મોડા આંખ મીચાઈ હતી છતાં પાંચ વાગ્યાનું એલાર્મ મુક્યું હતું,  રૂપેશ બોલ્યા પણ ખરા,”રીમા થોડી વાર સુઈ જા.હજુ વાર છે તારે આઠ વાગ્યે પહોચવાનું છે.આમ પાચ વાગ્યે ઉઠીને શું કરવાની છે?”

“રૂપેશ,મારે ઘરકામ પતાવીને જવાનું છે. તમે સાત વાગે ઉઠો તો ચાલે મારે ના ચાલે.”આમ કહીને ફટાફટ નાહી પરવારીને અને રસોડાની બાજુમાં આવેલા નાનકડા મંદિરમાં દીવો પ્રગટાવી પ્રભુના આશિષ લીધા. મનમાં સ્તુતિ બોલતા રસોડામાં ઘુસી ગઈ.આજે મશીન કરતા પણ વધુ ઝડપે મારા હાથ ચાલવા લાગ્યા હતા. લંચમાં લઇ જવા શાક અને ભાખરી બનાવી કાઢ્યા. થોડું શાક અને બાકીની ભાખરીનો લોટ ડબ્બામાં રહેવા દીધો. વિચારીને કે બાને ખાવું હશે ત્યારે ગરમ ભાખરી બનાવી લેશે. કારણ બાને ઠંડી ભાખરી ભાવતી નહોતી.

 

સામે ઘડિયાળમા  નજર પડી તો કાંટો સાડા છ બતાવતો હતો.રૂમમાં જઈ રૂપેશને જગાડ્યા “ચલો ઉઠો,ચા થઇ ગઈ છે ” રસોડું સાફ કરતા કરતા ચાના ગરમ ઘુંટ ભરવા લાગી. મને આદત હતી પહેલા ચાય પીવું પછીજ આગળ કામ સુઝતું. પણ આજે આ કામની લ્હાયમાં વર્ષોની ટેવ કેવી ભાગી! હું મનોમન હસી પડી.

આજે પહેલો દિવસ હતો નોકરીનો હું મોડી પાડવા માગતી નહોતી.અમારા લગ્નને છ મહિના થયા હતા હજુ બાળક માટે વાર હતી. મારી ઈચ્છા હતી કે ત્યાં સુધી હું ક્યાંક નોકરી કરું તો થોડી ઘણી વઘારાની બચત થઇ જાય.પરતું બાને આ વાત મંજુર નહોતી।…બાએ તો એક જ વાત પકડી રાખી હતી કે ” આજ સુધી મેં ધરકામ બહુ કર્યું હવે મારે આરામ જોઈએ છે” તેમને બીક હતી કે  જો રીમા નોકરી કરશે તો તેમને વધારાનું કામ કરવું પડશે.

હું આ વાતને બરાબર સમજી ગઈ હતી માટે મેં સામેથી જણાવ્યું હતું,”બા….,તમે કામની જરાય ચિંતા નાં કરશો.હું ઘર અને બહાર બંને બરાબર સંભાળી લઇશ.”

મારા કહ્યા મુજબ બધું પરવારી બાને પગે લાગી હું નોકરી ઉપર જવા નીકળી ગઈ. રૂપેશ પણ ખુશ હતા. કારણ તે મારી ખુશીમાં કાયમ ખુશ રહેનારા હતા , વધારામાં કહેતા કે “રીમા હવે તને બહારનો અને બહારના લોકોનો અનુભવ થશે અને વધારાની બચત થશે જે આપણા આવનારા ભવિષ્ય માટે ઉપયોગમાં આવશે”.

 

નોકરી પરથી પાંચ વાગ્યે ઘરે આવી જતી.ઘરે આવીને બાકીનું કામ હસતા મ્હોએ ફટાફટ આટોપી લેતી જેથી બાને કોઈ અગવડ નાં પડે. છતાં પણ તેમને લાગતું કે હું ઘરે નાં હો ત્યારે તેમને ભાગ થોડા ઘણા કામ આવી જાય છે. તે ખુશ નહોતા જણાતા.
આ રીતે એક વર્ષ જેવો સમય થયો હશે. હવે ઘરના કામ અને મારી નોકરી માટે કરવી પડતી દોડાદોડીની માઠી અસર મારા સ્વાસ્થ ઉપર પડવા લાગી. ક્યારેક તો ધરે આવીને એમ થતું થોડી વાર સુઇ જઉ.એક દિવસ આ કારણે હું તાવમાં પટકાઈ ગઇ.ડોકટરે આરામ કરવા જણાવ્યું. પણ નોકરીમાં બહુ રજા મળે તેમ નહોતું આથી બે દિવસ આરામ કરી ફરી હું હાજર થઇ ગઈ. હવે રૂપેશ બાને ટોકતા હતા અને કહેતા કે,”બા….,આખો દિવસ ઘરે રહો છો તો ક્યારેક રસોઈની થોડી તૈયારી કરી લેતા હો તો રીમાને પણ રાહત રહે.”

 

બાને લાગ્યું દીકરો માનો મટી વહુનો થઇ ગયો.બા સ્વભાવે મળતાવડા અને પ્રેમાળ હતા. પણ કોણ જાણે તેમને બહાર કામ કરતી વહુ પસંદ નહોતી .

બા હવે બીમારીનું બહાનું કાઢી અમારા ઘરે આવવાના સમયે સુઈ જતા. હું આ વાત સમજી ગઈ હતી પરંતુ મારે કામ ઘર અને નોકરીના બંનેને જાતેજ સંભાળવાના છે.

 

મારા મોટા નણંદ સ્મિતાબેન બે દિવસ અમારા ઘરે રહેવા આવ્યા. આ બે દિવસમાં તેમને ઘણું જોયું હતું તેઓ આખી સ્થિતિ સમજી ગયા હતા.  પાછા જવાની આગલી રાત્રે તે બાના ઓરડામાં વાતો કરતા હતા તે હું ત્યાંથી પસાર થતા સાંભળી ગઈ.
” બા સારું છે ને વહુ ચાર પૈસા કમાશે તો તારા જ ઘરમાં આવશેને! જો હું નોકરી કરું છું તો મારા ઘરમાં બધાને બહુ રાહત થાય છે. મારા સાસુ તો મને કાયમ કહે છે, “સ્મિતા,તું બહાર કામ કર હું ઘરનું કામ હું સંભાળી લઇશ.આથી મને પણ લાગે હું કામ કરું છું, બધાને મદદરૂપ થાઉં છું.”  મારા આ સાસુ એ માત્ર સાસુજ  નથી, તારી જેમ મા છે ”.

 

બીજા દિવસે એલાર્મ વાગતા હું બેઠી થઇ ગઈ અને રસોડામાં જઈને જોયું, તો બા મારી માટે ચા મૂકી રહ્યા હતા. તે બોલ્યા ” રીમા આવ પહેલા ચા પીલે પછી બીજા કામ કરજે” સ્મિતાબેનની એક ટકોર દવાની કામ કરી ગઈ અને મારી આંખો ખુશીથી છલકાઈ પડી.
-રેખા પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)