હેપ્પી વેલેન્ટાઈન- રેખા પટેલ (વિનોદિની)
“વોટ ઇસ યોર વેલેન્ટાઈન પ્લાન?” શૈલુએ પૂછી લીધું.
“આઈ એમ વેરી એક્સાઈટ ધીસ યર. સીડ સાથેના મારા એન્ગેજમેન્ટ પછી અમારી આ પહેલી વેલેન્ટાઈન છે.” કર્લીએ ખુશીથી ઝૂમી ઉઠતાં જવાબ આપ્યો.
” તો તારી શું ઈચ્છા છે તેના તરફથી ગીફ્ટમાં મેળવવાની?”
” ઓહ ડીયર આઈ એમ આસ્કીંગ ડાયમંડ નેકલેસ, તે મને બહુ પ્રેમ કરે છે માટે હું જે માંગીસ તે જરૂર અપાવશે.”
” હું જાણું છું તારા શોખ ,સ્વપ્નો બહુ ઊંચા છે અને તેથીજ તને એન્ગેજમેન્ટ વેળાએ સીડે મોંઘીદાટ ડાયમંડ રીંગ અપાવી હતી ને! વધારામાં તેનાં બિઝનેસની પણ હજુ શરૂઆત છે. તો શું કામ તેને તહેવારોના બહાને ખોટા ખર્ચાઓ કરાવે છે.”
” તહેવારો તો આમજ ઉજવાય. અને તોજ તે વરસોના વરસ યાદગીરી સ્વરૂપે જળવાઈ રહે.”કર્લીએ બેફિકરાઈ થી જવાબ આપ્યો.
કર્લીના આ જવાબે શૈલુંને વિચારતી કરી મૂકી. “શું ડોલર્સ અને મોંધી વસ્તુઓનો આવો ખોટો દેખાડો પ્રેમને વ્યક્ત કરવા પૂરતાં છે?”
દરેક તહેવારની પાછળ કોઈને કોઈ કારણ હોય છે તેને ઉજવવાની અલગ દ્રષ્ટી હોય છે. આ વાત આપણે ઉજવણી પહેલા સમજવી રહી. વેલેન્ટાઈન એ પ્રેમની અભિવ્યક્તિ માટેનો ખાસ તહેવાર છે. દરેક પ્રેમીઓને એવી ઈચ્છા હોય કે તેને પ્રેમ કરનાર પ્રેમ જતાવે અને તેની કદર કરે. પરંતુ પ્રેમને માંગીને પરાણે નાં લેવાય. તેમજ પ્રેમમાં ભેટ પણ ગજા બહારની નહિ કે તેની આશા નાં રખાય. આમ કરવાથી પ્રેમનું અમે પ્રેમીની લાગણીઓનું અપમાન છે. એ માંગનાર વ્યક્તિ ભૂલી જાય ત્યારે પ્રેમ પ્રેમ નાં રહેતા બોજો બની જાય છે.
“સામે વાળાની સ્થિતિને જાણ્યા સમજ્યા વિના જ્યારે કોઈ માંગણી કરવામાં આવે છે ત્યારે તેની અસર સબંધો ઉપર ચોક્કસપણે થાય છે.” કેટલાક માંગતા નથી પણ આશા ચોક્કસ રાખતાં હોય છે. આવી સ્થિતિમાં જ્યારે અપેક્ષા પ્રમાણે ભેટ કે વાતાવરણ નાં મળે તો સ્વાભાવિકપણે દુઃખ પણ અચૂક થવાનું. આવી સ્થિતિમાં તે તહેવારનું મહત્વ અને ખુશી અધુરી રહી જાય છે.
આ તે કેવો પ્રેમ જ્યાં તેમની વચમાં અપેક્ષાઓ નો આખો ભંડાર પડેલો હોય , કહેવાય છે પ્રેમમાં તો સૂકો રોટલો અને ખાલી ઓટલો પણ ખપે. પરંતુ અહી દેખાદેખી કેન્દ્રમાં હતી. કર્લીએ તેની એક ફ્રેન્ડને તેના લગ્નની ભેટ સ્વરૂપે મળેલી લક્ઝુરીયસ કાર જોઈ ત્યારથી તેના કરતા વધુ આગળ બતાવી આપવાની જીદમાં તે નવા બંધાતા સબંધને દોલતના ત્રાજવે તોળવા તૈયાર થઇ ગઈ હતી. જે કદાચ તેના સોનેરી ભવિષ્ય માટે અંધકાર પણ સાબિત થઇ શકે તેમ હતો.
જ્યારે કોઈ વેલેન્ટાઈન ગીફટની સામે ચાલી માંગણી કરતા જોઈએ ત્યારે વિચાર આવે છે કે શું ગિફ્ટનું મહત્વ લાગણી કરતા સ્ટેટસ વધુ છે? વેલેન્ટાઈન એટલે પ્રેમ અને ખુશીનો તહેવાર …ગીફ્ટ આપવી લેવી એ બધું સબંધોને ઉષ્માભર્યા રાખવાની ટેકનીક માત્ર છે. જેનાથી રોજબરોજની લાઈફ સ્ટાઈલમાં થી બહાર નીકળી પ્રેમી માટે કંઈક અલગ કર્યાની અનુભુતી જન્મી જાય.
જ્યારે વહેવારમાં સબંધમાં લેવડદેવડ વધી જાય ,ત્યારે તેની અસર હેઠળ પ્રેમની મીઠાશમાં ઓછપ આવી જાય છે, ગમે તેવા મીઠાં સબંધનો વિચ્છેદ થતા વાર લાગતી નથી.
વેલેન્ટાઈનનો સાચો અર્થ છે પ્રેમ. પાંચમી સદીની શરૂઆતમાં યુરોપમાં સંત થઇ ગયા જેનું નામ હતું વેલેન્ટાઈન … તેમણે રોમમાં ચાલતાં એક પુરુષના બહુ સ્ત્રીઓ સાથેના સબંધને અનૈતિક કહી લગ્નપ્રથાને મહત્વ આપવા વિશે પ્રચાર કર્યો. કારણ તે વખતે સ્ત્રીઓને દિલ બહેલાવવાનું રમકડું ગણાતું હતું. જેમાં લગ્નપ્રથા ખોરવાઈ રહી હતી. વેલેન્ટાઇનની આ વાત રોમના ક્રૂર રાજાને પસંદ આવી નહિ અને વેલેન્ટાઈનને ૧૪ ફેબ્રુઆરી ૧૪૯૮નાં રોજ સંત વેલેન્ટાઈનને ફાંસી પર ચડાવી દીધો. બસ તેમની દુ:ખદ યાદમાં વેલેન્ટાઈન ડે મનાવવાની શરૂઆત થઇ હતી.
અમેરિકા પાશ્ચાત સંસ્કૃતિ ઘરાવતો દેશ છે. અહી નાનપણથી જ બાળકોને પ્રેમનું મહત્વ અને તેને વ્યક્ત કરવાનું શિખવાડવામાં આવે છે. નાના બાળકોને સ્કુલના દિવસો થીજ આ તહેવારને સેલીબ્રેટ કરતા શીખવાડે છે. દરેક બાળકોને બીજા બાળકો માટે નાના વેલેન્ટાઈન કાર્ડ અને કેન્ડી કે નાની ગીફ્ટ લાવવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ તેઓ આ બધું એકબીજા સાથે એક્સચેન્જ કરે છે, આ સમયે નાતજાત કે રંગભેદ કે છોકરા છોકરીઓનો ભેદ જોવાતો નથી માત્ર બાળકોને મિત્રતાની સાચી સમજ આપવામાં આવે છે.
પ્રેમની યાદગીરી સમાન આ તહેવાર એટલે કોઈ મનગમતી વ્યોક્તિત સાથે આત્મીીયતા અને પ્રેમની લાગણી વ્યેકત કરવાનો દિવસ. દરેક લાગણીભીના હૈયા પોતાની ગમતી વ્યક્તિને ,ફ્લાવર્સ, કાર્ડ,સ્વીટસ કે ગીફ્ટ આપીને લાગણી વ્યક્ત કરે છે. વળી ખાસ ટેબલ બુક કરાવી રેસ્ટોરન્ટમાં ડીનર અને લંચ માટે જતા હોય છે. કેટલાક તો આનાથી આગળ વધીને આ દિવસે એડલ્ટ ડે કેર , નર્સિંગ હોમ કે ચિલ્ડ્રન હોમની મુલાકાતે જાય છે ત્યાં જઈ તેમને ફ્લાવર, કેન્ડી વગેરે ભેટમાં આપી તેમની સાથે સમય વ્યતીત કરીને ઉજવે છે.
આજકાલ પશ્ચિમના તહેવારો, સમાજને અને સમજને કોઈ અછૂત દ્રષ્ટીએ જોવાની પણ ફેશન ચલણમાં આવી છે. કેટલાક આ બધા પાછળનો હેતુ સમજ્યા વિના વિરોધ કરવામાં પાવરધાં બન્યા છે. તે લોકોએ ખાસ સમજવા જેવી વાત છે કે આ વેલેન્ટાઈનની ઉજવણી કંઈ માત્ર પ્રેમીઓનો ઈજારો નથી. કોઈ દેશ કે જાતિનો આ તહેવાર નથી. આને એ દરેક ઉજવી શકે છે જેના મનમાં પ્રેમ લાગણી હોય, મિત્ર મિત્રને કે બાપ દીકરીને કે ભાઈ બહેનને “બી માઈ વેલેન્ટાઇન” કહી શકે છે જેનો સાદો અર્થ ” જે તે સબંધે પણ તું મારી સાથે રહે ” આ સમજને આપણે લાંબે સુધી લઇ જવી જોઈએ.
“પ્રેમ એ એક અનોખી વસ્તુ છે તેને સમજવી અને સાચવવી બહુ જરૂરી છે. પ્રેમમાં ગીફ્ટ કરતા લાગણીની ખાસ જરૂર છે.”
એ લાગણીઓ જે દેખાતી નથી છતાં તેનું ચલણ બહુ ભારે હોય છે. તેના ભાર નીચે ગમે તેવો પથ્થર દિલ માણસ પણ દબાઈ જાય છે. અને બહુ હોશિયાર વ્યક્તિ પણ ભોળવાઈ જાય છે.
આ બધી પ્રવર્તતી લાગણીનું જોડાણ માત્ર આપણી અપેક્ષાઓ અને આપવા મેળવવાની લાલસાને આધારિત રહી અસરકારક બને છે. સામા માણસ પાસે થી આપણને કેટલું જોઈએ છે અને તે કેટલું આપી શકે તેમ છે તે આધારે લાગણીઓ સ્પર્શતી હોય છે. બહુ ઓછા એવા નશીબદાર હોય છે જેમને કોઈ પણ લેવડદેવડ વિના પ્રેમ અને લાગણીઓની લ્હાણી મળે છે. જે પણ નામે એ મળી આવે તેને બે હાથે એકઠી કરી સાચવી લેવી જોઈએ…
વધારામાં આજકાલ બહુ ચર્ચિત એવો એક પ્રશ્ન ભારતમાં અને ભારત બહાર ચર્ચાઈ રહ્યો છે.”લવ જેહાદ”. પ્રશ્ન થાય છે આ લવ જેહાદ એટલે શું? પ્રેમના બહાને હિંદુ યુવતીઓને ફસાવીને પહેલા પોતે હિંદુ છે કહી પછી પ્રેમના ખોટા વચનો આપીને ફસાવવામાં આવે છે. લગ્ન પછી તેમને ધર્માંતર કરવાની ફરજ પાડવામાં આવે છે. આ રીતે તેમને હિંદુ માંથી મુસ્લિમ બનાવની ફરજ પાડવામાં આવે છે. જે સ્ત્રી સ્વાતંત્ર્ય ઉપર બહુ મોટો ફટકો અને ખતરો ગણી શકાય. જ્યાં પ્રેમ હોય ત્યાં ધર્મને વચમાં નાખવો એ પ્રેમની વિરુદ્ધ કહેવાય. આવી ઘટનાઓ સમાજમાં વધી રહી છે. આજે એકલા ભારતમાં પાંચ હજાર કરતા વધારે યુવતીઓ આ રીતે લવ જેહાદનો ભોગ બની છે ત્યારે સ્ત્રીઓએ જાતેજ આંખો ખુલ્લી રાખવાની જરૂર છે.
આવું માત્ર ભારતમાં બને છે તેમ નથી અહી અમેરિકા જેવા આધુનિક દેશમાં પણ આવાજ દાખલાઓ જોવા મળે છે. હિંદુ છોકરીઓ મુસ્લિમ યુવકો સાથે પ્રેમમાં ફસાઈને ધર્માંતર કરી નાખતી હોય છે. પાછળથી તેમને આમ કરવાનો પસ્તાવો પણ થાય છે. જોકે બધેજ આમ થાય છે તેમ કહેવું અયોગ્ય કહેવાય. છતાં જ્યારે પણ આવા દાખલાઓ જોવા સાંભળવા મળે ત્યારે દુઃખ થાય સ્વાભાવિક છે.
જોકે અહી અમેરિકામાં, અમેરિકન કે આફ્રિકન અમેરિકન યુવક યુવતી સાથેના લગ્નમાં આવી ખાસ મુશ્કેલીઓ નથી આવતી. હા રહેણીકરણી, વિચારસરણી અલગ હોવાને કારણે થોડા પ્રોબ્લેમ્સ આવતા રહેવાના. છતાં ધર્મનો પ્રોબ્લેમ હિંદુ મુસ્લિમ જેટલો વચમાં આવતો નથી.
એક જુના હિન્દી ફિલ્મ ખામોશી નાં ગીતની કડી યાદ આવી ગઈ.
“હમને દેખી હૈ ઉન આંખોકી મહેકતી ખુશ્બુ, હાથ સે છૂકર ઇન્હેં રિસ્તોકા ઇલ્જામનાં દો”
આવો પ્રેમ હવે ભાગ્યેજ જોવા મળે છે. આજે તો સામસામે મળ્યા પછી આંખો ચાર કર્યા પછી પ્રેમ કરવાનું તો બાજુ ઉપર રહ્યું ,ઈન્ટરનેટ માં જોયા વગર પણ પ્રેમ થઇ જતો હોય છે. અને મળ્યા વિના લગ્ન અને છૂટાછેડા પણ થઇ જતા હોય છે. આવા સમયમાં સાચો પ્રેમ શોધવો બહુ મુશ્કેલી ભર્યો બની જાય છે. છેલ્લે એકજ વાત ઉપર ભાર મુકવાનો ગમેં છે કે ” જો નશીબ થી આવો પ્રેમ મળી આવે તો તેને સંભાળીને જતનથી રાખવો જરૂરી છે”.