ચ્હા સાથે ચાહ- રેખા પટેલ (વિનોદિની)
બચપણની દોસ્તી અને તેનાં દ્વારા થયેલા કોઈ પણ અહેસાનને ભૂલી જનારા ઉપર કયારેય વિશ્વાસ રાખવો નહિ.
એ દોસ્તો જ્યારે આપણી પાસે કશુંજ નહોતું ત્યારે પણ હમકદમ હતા, આજે બીજાઓ સર કે મેમ કહે એવી પદવી ઉપર બિરાજમાન હોઈએ ત્યારે માત્ર તેઓ જ તુંકારો કરી હચમચાવી શકે છે. કાન પકડાવી ભૂલ પણ કબુલ કરાવી શકે છે.
આખી દુનિયા જ્યારે પછાડવા તૈયાર હોય ત્યારે એજ મિત્રો નિસ્વાર્થભાવે સાથ આપે છે. ખુશીમાં સહુથી આગળ નાચતાં અને દુઃખમાં સંભાળવા જોડાજોડ રહેનારા, મહદ્ અંશે બાળપણના જ મિત્રો હોય છે. આપણી પ્રગતિમાં સહુથી વધારે અભિમાની થઇ તેઓજ ફરતા જોવા મળે છે.
સામાન્ય રીતે જગતનાં કોઈ પણ સબંધોમાં પડેલી તિરાડો કાયમી બની જાય છે. જ્યારે બચપણના મિત્ર સાથેની લડાઈ પછી ફરી જ્યારે પણ મળવાનું, વાત કરવાનું બને ત્યારે જૂની વાતોનો ઉલ્લેખ પણ નથી આવતો. દંશ અને વેરઝેર થી મુક્ત આ દોસ્તીને સંભાળી લેવા જો જરા ઝૂકવું પડે તો જરાય નાનમ વિના ઝુકી જવું જોઈએ.
આવા મિત્રોનો સાથ કદીના છોડવો જેના ખભા તમારા દુઃખ ઝીલવા તૈયાર હોય અને જેના પગ તમારી ખુશીમાં ઝૂમવા તત્પર હોય. બાકી અહી આપણી ખુશીમાં દુઃખી ને દુઃખમાં ખુશ થનારાઓની ખોટ નથી…
“ કોઈ મિત્ર સાથે અણબનાવ થયો હોય તો પ્રયત્ન કરી જુવો. નફો નહિ થાય તો ખોટ પણ નહિ આવે “
દરેક સવાર ગઈકાલની ભૂલોને સુધારવાની એક તક આપે છે, એ તકને કેટલા અંશે ઝડપી લેવી એ માત્ર આપણા હાથમાં રહેલું છે.
એક નાની અમથી વાતમાં સ્મિતાને, તેના બહુ જુના મિત્ર સાથે મન દુઃખ થયું હતું. અને દોસ્તીના એ રેશમી દોરામાં ગાંઠ પડી ગઈ. એક આવીજ સવારે તેને એ દોસ્તની અચ્છાઈ યાદ આવી. સહુ પહેલા સ્વસ્થ ચિત્તે તેણે બંને વચ્ચેની ગેરસમજ વિચારી લીધી. અને બધો અહં એક બાજુ મુકીને તેણે મિત્રને “કેમ છે” નો પત્ર લખી દીધો. અને તુટતો સબંધ બચાવી લીધો. આના કારણે સ્મિતાને બમણી ખુશી મળી ગઈ..
સાચી મિત્રતા હશે તો માત્ર “કેમ છે” થી જરૂર સંધાઈ જશે. એક શબ્દથી જો આટલી ખુશી મળતી હોય તો આનાથી વધારે નફો બીજો કયો હોઈ શકે? —