RSS

Category Archives: ગુજરાતી કવિતા..રેખા પટેલ

ભૂલવું જો સહેલું હોય તો જીવન કેટલું સહેલું હોય?
છૂટી ગયો જે સાથ એની પાછળ ના હૈયું ઘેલું હોય.
કોણ આવીને ક્યારે ગયું, એ સરવાળા નકામાં હોય,
કેમ કોઈ વસી ગયું એનું કારણ જાણવું પહેલું હોય.
સઘળું ઈચ્છાઓ કરવાથી એમ કંઈ મળવાનું નથી,
જો ગમતું મળી આવે જીવન ખુશીઓથી લીલું હોય.
ભૂલી જવું ભૂતકાળને, આજ ડહાપણ સાચવી લેશે,
તકદીરમાં લખાયું હોત, ચોક્કસ આવ્યું વહેલું હોય.
છીનવી લેવો નહિ, કોઈનો આનંદ કદી ચોરીછૂપી
ઉછીની ખુશીઓથી ઉજળા કપડે જીવતર મેલું હોય.
રેખા પટેલ (વિનોદિની)

 

સ્ત્રી હોવાની સજા,મજા….

એક સ્ત્રી ખાસ્સી રૂપાળી,

સાજ શણગાર જાણે તેનો હક,

કાનમાં ઝુમ્મર,હાથમાં કડલાં,

ભાલે શોભે કુમકુમ ચાંદ.

આંખોમાં આંજે કાજળ ઘેરું.

હોઠો પર લાલી ગુલાબ’સી,

રુમઝુમ મ્હાલે ચારેકોર..છે સ્ત્રી હોવાની મજા.

ત્યાં કોઈ બોલ્યું છે નખરાળી,

કોઈ સીટી મારી વાત કરે.

કહે આંખ મીચકારી ભાઈ વાહ!

વળી હાથ હલાવી ચાળો કરે.

મુંઝાઈ ગઈ એ ચંચલ હીરની,

આ જોઈ સઘળો શોરબકોર.

લહેરાતો પાલવ માથે ખેંચ્યો

લાંબી તાણી ચહેરે લાજ.

ઝંખવાઈ ગયું એનું સઘળું રૂપ,

જાણે ભર વસંતે દાઝ્યું ફૂલ…છે સ્ત્રી હોવાની સજા.

રેખા પટેલ(વિનોદિની)

 

 

આજ તમારી આંખોમાં પળભર ડૂબી જઉં
ઉતારો કાળા ચશ્માં હું મનભર ઝૂમી લઉં

હવાના કાળા વાદળા વચમાં ,ઘેરો નાખે છે
હટાઓ ધેરાતું ધુમ્મ્સ,જરા તમને ચૂમી લઉ

ઉપવન છે,તો ફૂલો ચોમેર ખીલતા રહેવાનાં
હું છોડી અત્તર ફૂલો,મહેકતા શ્વાસ સૂંઘી લઉં

ભલે લહેરાતો દરિયો આકર્ષણનો આસપાસ
માનવ મહેરામણ મેળામાં તમને શોધી લઉં

જીતવાની આદત છે, હાર જરા મંજુર નથી.
બધી પડતી મૂકી હુંસા તુંસી પ્રેમે મનાવી લઉં

રેખા પટેલ( વિનોદિની)IMG_6309

 

એ પહેલા તો મને કોઈ ફૂલની ઉપમા આપે છે
પછી દિલને ઉપવન બનતું એ રોકવા આવે છે

ભમરાઓનો અહીં ઝાઝો, એમને ડર સતાવે છે
ફૂલોના રસ ચાખવાં બહાને ડંખ મારવા આવે છે

સુગંધ મહેકતી હશે તો લોક સહુ ખેંચાઈ આવશે.
લ્યો હવે એ હવાને બંધ મુઠ્ઠીમાં બાંધવા તાણે છે

કોણ સમજાવે એમને કે ફૂલોય ઘણા કાબેલ છે
પાંદડીઓની આડમાં પણ કાંટા રાખતા જાણે છે

થોડી સતાવે બીક ખરી,કે સુરજ કરમાવી જશે
ખીલ્યાં જે ચમનમાં ત્યાંજ સુખ ખરતા માણે છે.

રેખા પટેલ ( વિનોદિની)IMG_6246.JPG

 

હોય સરળ કે બરછટ ઘણું, પડવાની અસર પક્ષપાતની.

સીધા સરળ શબ્દોને અહી નડવાની અસર પક્ષપાતની.

રેલાવે સુરજ આભેથી એના કિરણોને બધે એક સમાન,

હોય મહેલ કે ઝુંપડી, નાં પડવાની અસર પક્ષપાતની.

છે શ્વાસોનો મહિમા બધો, જેની ભીતર આવનજાવન છે,

થાય નશ્વર દેહ પછી, નાં નડવાની અસર પક્ષપાતની.

ગમતું મળે મુખ મલકાય, જો દુઃખ આવે ચિરાય છાતી,

સમજદારી લેશે જન્મ, નાં જડવાની અસર પક્ષપાતની

દાન ધરમ થી માન મળે, મંદિરમાં જગ્યા ખાસ સચવાય,

એવા ભેદભાવની ક્યા ઈશ્વરને અડવાની અસર પક્ષપાતની

રેખા પટેલ(વિનોદિની )IMG_5974

 

પ્રતીક્ષા લાંબી પછી ક્ષણિક મિલનનો સમય આવ્યો.
એક ઘડીને પ્રહરમાં ગણવી, મિલનનો સમય આવ્યો.

ફરી ફરી તો શક્ય નહોતું એકાંતે આપણું એ તારામૈત્રક
જુદાઈની વસમી વેળા,વહારે મિલનનો સમય આવ્યો.

ઓગળતી રહી જાત આખી એક એ વાયદાની આસમાં
પાનખર પછી કહેશે એ ફૂલો, મિલનનો સમય આવ્યો.

આ શુંન્યતાઓ વિસ્તરતી રહી છેક ચારે દિશાઓ સુધી
પીછું એ આભેથી ખર્યું, લાગ્યું મિલનનો સમય આવ્યો.

ઓછામાં જો મન ભરાય , એને જિજીવિષા કેમ કહેવી
જોઈ રેખા હથેળીમાં, લાગ્યું મિલનનો સમય આવ્યો.

રેખા પટેલ(વિનોદિની)IMG_5971

 

આ સૃષ્ટીનો રચેયતા આજ ઈશ્વર કવિતા વાંચે છે.
તિમિરથી લઇ ધરા મહાલતી ઈશ્વર કવિતા વાંચે છે

એની શાબ્દિક નજરોથી મીઠા મધુરા ટહુકા ઝરે છે
પંખીઓ સૂર તાલ પુરાવે આ ઈશ્વર કવિતા વાંચે છે

પતંગિયા પાંખો હલાવી તહી હળવેક તાલી ભરે છે
આભે વાદળાં બહુ ધૂમ મચાવે ઈશ્વર કવિતા વાંચે છે

ફૂલ પત્તીઓ પાછળ સંતાય,ને કળીઓ ધીરે ખુલે છે
હૈયે હૈયા બહુ જોડાય જ્યાં ઈશ્વર કવિતા વાંચે છે

અંતરના આનંદ સંગે જડચેતનનાં તનમન ઝૂમે છે
ઝરણું પણ નિર્ભીક થઇ દોડે ઈશ્વર કવિતા વાંચે છે
રેખા પટેલ(વિનોદિની)IMG_5186