દુનિયાભરનાં લોકોને અમેરીકાનું ઘેલું છે..અને આજની તારીખે અમેરીકામાં દુનિયાભરની વિવિધ પ્રજાતિઓ આવીને વસતી રહે છે..બધાનાં મનમાં એક જ વિચાર સ્ફુરે છે,કે અમેરીકા એટલે સપનાઓનો દેશ જ્યાં સપનાઓ સાકાર કરી શકીએ એવી તમામ શક્યતાઓ ઉપલબ્ધ છે.”અમેરીકા એટલે એક ડ્રીમલેન્ડ.”
અમેરિકા એક ડ્રીમલેન્ડ..જ્યારે આવી ટેગલાઇન ધરાવનારા દેશમાં “હોમલેસ” એટલે “ઘરવિહોણા” શબ્દ સાભળીયે ત્યારે આપણી વિચારોમાં ખળભળાટ મચી જાય છે.આપણે મોટાભાગે ગરીબ કે પછાત દેશોમાં આવા હોમલેસ એટલે ધરવિહોણાં ભિખારીઓની વાત આવતા દરેક સુઘરેલા દેશ સુધરેલા સમાજના નાકના ટેરવા ચડી જાય છે. જ્યારે અમેરીકાની ગણતરી જગતનાં સૌથી આગળ પડતા સુધરેલા દેશમાં ગણતરી થાય છે.
જ્યારે પરદેશમાંથી હિંદુસ્તાનમાં આવતા આપણા જ દેશી ભાઇઓ રસ્તા ઉપર ભીખ માંગતા ભિખારીઓને જોઈને નાકનું ટીચકુ ચડાવે છે અને આ બાબતની ટીકા અવશ્ય કરતા જોવા મળે છે.પરતું પરદેશમાં આવા ભિખારીઓને એક સુધરેલું અને મજાનું નામ ” હોમલેસ ” આપી આખી વાત સંકેલાઈ દેવાય છે.
આપણે ત્યાં કહેવત છે કે,”ગામ હોય ત્યાં ઉકરડો હોય”.તો સુધરેલા દેશમાં પણ ગામ અને નગર તો હોય જ છે.બસ આપણે એજ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે તે ઉકરડો સમાજમાં ગદકી નાં ફેલાવે તે માટે તેને રોકવો દરેક ની ફરજ બને છે
અમેરિકા સમૃદ્ધ દેશ છે તેમાં જરાય અતિસયોક્તી નથી.અહીની લાઇફ સ્ટાઈલ સુરુચિ પૂર્વકની છે.અહીની ગવર્મેન્ટ પોતાની નાણાકીય તાકાત કરતા વધુ ડોલર ખર્ચીને ગરીબી રેખા નીચે જીવતા લોકોને તેમની જિંદગીભર મદદ કરે છે.જે આપના દેશમાં શક્ય નથી.તે છતા ભીખ માગતા ભીખારીઓ અમેરીકા હોય કે યુરોપિયન દેશોમાં પણ ઠેરઠેર જોવા મળે છે..અને મોટે ભાગે અંડર ગ્રાઉન્ડ સ્ટેસન અને અન્ય જાહેર જગ્યાઓ આવા લોકોની હાજરી અવશ્ય જોવા મળે છે.
અન્ય પછાત અને ગરીબ દેશોની જેમાં અહી પણ આવા હોમલેસ પીપલ(ભિખારીઓ)નું ટોળું સ્ટોરમાંથી તફડાવેલી વસ્તુઓ,કપડા,ઓઢવાનું અને બીજો પરચૂરણ સામાન લઈને ફરતા હોય છે.રાત્રી નિવાસ માટે ઝાડી ઝાખરામાં સુવા જેવી જગ્યા કરીને પડ્યા રહે છે.
અહીની સરકાર બીજા દેશોની સરકારની સરખામણીમાં આવા લોકો પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવે છે.અને આ વાતનો ફાયદો આવા લોકો બરાબર ઉઠાવે છે.કારણકે અહીની હોસ્પિટલોમાં ગરીબ કે ધનવાન જોયા વીના એક વખત સારવાર શરુ કરી દેવાય છે.આ સુવિધાનો લાભ લેવા અહીના હોમલેસ માણસો બીમારીનું બહાનું કરી એક બે દિવસ માટે સારુ ખાવાનું અને શાંતિ થી સુવાનું મળે એટલા માટે હોસ્પીટલમાં ભરતી થઇ જાય છે.
અહીયાંનાં શીયાળાની ઠંડી હાડગાળી નાખે એવી કાતિલ હોય છે.એવા સમયે આ હોમલેશ લોકો જાણીજોઇને નાના મોટા ગુના કરી જેલમાં પણ પોતાના રહેવાની વ્યવસ્થા કરી લેતા અચકાતા નથી.કેટલીક વખત જોવા મળે કે જેલમાંથી પરત ફરેલા આવા હોમલેસ ભીખારીઓ પહેલા કરતા શરીરે વધુ શસક્ત દેખાતા હોય છે.બહાર ખુલ્લી હવામાં જ્યારે ખાવાના સાંસા પડતા હોય ત્યારે અહીની જેલમાં બે ટાઈમ સારું ખાવાનું અને રહેવાનું મળે.ઉપરાંત અહીની જેલોમાં સામાન્ય ગુનાઓ કરેલા કેદીઓને માટે રમત ગમત અને જીમની પણ વ્યવસ્થા મળતી હોય છે આથી થોડા દીવસ માટે તેમને ખાઈ પીને તેઓ તગડા બની જાય છે.
હમણાં થોડા સમય પહેલા મારે કેસીનોના શહેર લાસવેગાસ જવાનું થયું ત્યાંની સ્ટ્રીટમાં ફરતા ફરતા એક નવાઈ પમાડે તેવું દ્રશ્ય નજરે પડ્યું.રાત્રીના બે વાગે એક હોમલેસ માણસ હાથમાં એક બોર્ડ લઈને બેઠો હતો જેના ઉપર લખ્યું હતું”નીડ હેલ્પ ફોર વીડ” અર્થાત તેને ડ્રગ લેવું છે માટે ભીખ આપો.આ માણસને ડ્રગ્સ લેવાની આદત હતી.અને આ ખરાબ જાન લેવા આદત માટે ભીખ જોઈતી હતી. તે છતાં વધુ નવાઈ ત્યારે લાગી કે રાહદારી લોકો તેણે મુકેલા ડબ્બામાં સિક્કા આપતા જતા હતા.આવું દ્રશ્ય અમેરીકા સિવાય સિવાય બીજે ક્યાય જોવા નહિ મળે.હિંદુસ્તાનમાં કોઇ ભીખારી”મારે શરાબ પીવો છે”એવું પાટીયું મારીને ભીખ માંગવા બેસે તો હરામ એક માણસ એને શરાબ પીવા માટે ભીખમાં પૈસા આપે ઉપર થી ગાળો આપે.
ગરીબ હોય કે તવંગર હોય દરેકની માણસની જીંદગી કીમતી હોય છે.પરંતુ હિંદુસ્તાન હોય કે અમેરિકા હોય કોઇ પણ દેશનાં સમાજમાં ગરીબની કોઈ કીમત નથી.આ વાત સાચી ઠરે છે.
આપણે ત્યાં ફૂટપાથ ઉપર ટુટુયું વાળીને પડેલા ભીખારીઓ ઉપર કોઈ અમીરની બેફામ આવતી કાર ચડી ગયાના કેટલાય દાખલા જોવા મળે છે.અને આવા અકસ્માત પછી તેમને કોઈ સજા મળ્યાના ખાસ કોઈ પુરાવા નથી મળ્યા કે એ ભીખારીનાં મૃત્યુ માટે એના પરીવારને મુઆવજાની રકમ આપવામાં આવી હોય.આ આપણી કાનુન વ્યવસ્થા કહો કે પેલા અમીરની પહોચ કહો કે જે કે પેલા ગરીબ ભીખારીના પરિવારનું મ્હો બંધ કરવા આ અમીર લોકો શક્તિમાન હશે?
જ્યારે અમેરિકામાં કાનુન વ્યવસ્થા બહુ મજબુત છે.અહી દરેકની જીંદગી કીમતી હોય છે.અહીંયા પણ અકસ્માત બની જતા હોય છે.
થોડા સમય પહેલા બનેલી કાળજું કંપાવતી વર્ણવું છું
જાન્યુઆરીની કાતિલ ઠંડી આખાય અમેરિકામાં તેમા ખાસ કરીને ઈસ્ટ કોસ્ટને થીજાવી દેતી હોય છે.આવી પરિસ્થિતિમાં અહીયા વસતા હોમલેસ માણસો દિવસ આખો તો જેમતેમ રખડીને કે ભીખ માગીને વિતાવે છે અને ભીખમાં મળેલા ડોલરથી બર્ગર ને એકાદ પેગ સસ્તી બ્રાંડીનો ચડાવી પૂરો કરી લતા હોય છે.પરંતુ રાત્રીનો કપરો કાળા એમના માટે અસહ્ય બની જાય છે.
અહી દરેક લીકર સ્ટોર (દારૂની દુકાન) કે કન્વીનીયન ગ્રોસરી સ્ટોરની પાછળ મોટા કોમર્સિયલ ગાર્બેજના કન્ટેનર(કચરો જમાં કરવાનાં લોંખડનાં ચોરસ બકસા) રાખવામાં આવે છે.જ્યાં સ્ટોરમાંથી ખાલી થતા પુંઠાના ખોખાઓને અલગ રાખવામાં આવે છે.જેનો નિકાલ કરવા અઠવાડિયાનાં નિશ્ચિત કરેલા દિવસે ગાર્બેજની ટ્રક આવે છે જે આખા કન્ટેનરને મશીન વડે ઉઠાવી તેમાના કચરાનાં જથ્થાને પીલીને નાનું પેકિંગ બનાવીને લઇ જાય છે.
આવી જ એક ઠંડીની કાળજું કંપાવતી રાતમાં અમેરિકાના ડેલાવર સ્ટેટમાં એક હોમલેસ માણસ આવા જ એક લોખંડના કન્ટેનરમાં પુંઠાની પથારી કરી સુઈ ગયો. કદાચ નશામાં હશે કે કોણ જાણે!! પણ વહેલી સવારે ગાર્બેજ લેવા આવેલી ટ્રકનો અવાજ એને સંભળાયો નહી અને પુઠાઓના ખોખા સાથે એ માણસ પીસાઈ ગયો.આ પ્રકારની કેટલીય ધટનાઓ બનતી રહેતી હોય છે.
આટલો પ્રગતિશીલ દેશ હોવા છતાં પણ અહીયા અંધેર ચાલતો હોય છે.કારણકે આ પ્રકારનાં હોમલેસ લોકો કાઉન્સીલના વોટર રજીસ્ટરમાં નથી હોતા કે ના કોઈ નામ સરનામાં હોય છે.એના કારણે આ હોમલેસ લોકોને મત આપવાનો અધિકાર સુધ્ધા હોતો નથી.કારણ કે
તેમને રહેવા કોઈ સ્થાન કે જગ્યા નિશ્ચિત હોતી નથી.આથી સેવાઓ આપતી સરકારી કે બીન સરકારી કાઉન્સીલ દ્વારા તેમને એક સ્થળેથી બીજા સ્થળે,જ્યાં જ્યાં જગ્યા મળે અને ત્યાના રહેવાસીઓની પરવાનગી મળે ત્યાં તેમને ફેરવવામાં આવે છે.
આવી હોમલેસ યુવતીઓ દ્વારા અહી દેહનાં વહેપાર પણ પુરજોશમાં ચાલતા હોય છે.અહીયા પણ મોટેભાગે ટ્રક ડ્રાઈવરો અને ઘરબારથી દુર રહેનારા શ્રમજીવીઓ માટે આવી યુવતીઓ સરળતાથી હાઇ-વે પર ઉપલબ્ધ હોવાથી આ બદી દિવસે દિવસે વધતી જાય છે.મજાની વાત એ છે કે અહીની પોલિશ પણ આંખ આડા કાન કરતી જોવા મળે છે
આવા રખડતા લોકોના કારણે અહી ડ્રગ્સનું પ્રમાણ પણ વધતું જાય છે આથી ક્યારે હોમલેસ ઉપર માફીયાઓને હાથ રહેતો હોય છે.તે છતા એમની અને એમનાં બાળકોની રોજીંદી જરૂરીયાત માટે અહી ગવર્મેન્ટ ઘણું કરતી હોય છે.એ સિવાય ચર્ચ અને બીજી કેટલીક સરકારી એજન્સી દ્રારા રોજનું મફત ખાવાનું,દવા વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે.
ગમે તેમ હોત પણ આ બાબતે અહીની ગવર્મેન્ટ આપણી ભારતની સરકાર કરતા ઉદારવાદી બની હોમલેસ લોકો માટે કઈક કરવા પ્રયત્નશીલ રહેતી હોય છે.
આવા લોકોને ભીખ નહિ પણ કામ આપવું જોઈએ તેવું હંમેશા મારું માનવું રહ્યું છે ”
રેખા પટેલ(વિનોદિની)
યુ.એસ.એ-ડેલાવર