RSS

Category Archives: અમેરિકાની આજ કાલ

ચહેરે પે ચહેરા

29497297_1899983036703118_5053049195350945152_nચહેરે પે ચહેરા – રેખા પટેલ(વિનોદિની)

આજકાલ ચારે બાજુ જ્યાં સ્વાર્થના જાળા બાઝેલાં જોવા મળે છે ત્યાં સાચા સબંધને પારખવો બહું મુશ્કેલ થઇ પડે છે. જરૂરીયાત વખતે પગે પડતા કે માથે બેસાડતાં લોકો કામ પૂરી થઇ જતા ક્યારે ફેંકી દે સમજાતું નથી.

ધીર અને વિરાજની દોસ્તી કઈ આજકાલની નહોતી. છેલ્લા ત્રીસ વર્ષોથી તેમની સ્વાર્થ વિનાની દોસ્તી જગ જાહેર હતી. જ્યાં પણ જવાનું બનતું બંને સાથેજ જોવા મળતાં લોકોને તેમના સાથની ઈર્ષા થતી. બંને મિત્રો સુખ દુઃખમાં સાથે રહેતા, એકબીજા માટે જીવ પાથરતા. બંને માનતા બહુ નશીબદારને આવી દોસ્તી મળે છે. અત્યાર સુધીના સફરમાં ઘણા ચઢાણ ઉતાર આવ્યા હતા, તેમની દોસ્તી કેટલીય વાર કસોટીએ ચડીને પરિપક્વ થઇ ચુકી હતી.

ધીર અને વિરાજના સ્વભાવમાં બહુ ફર્ક હતો. ધીર બહુ ગણતરી વાળો હતો. બહારથી બહુ ભોળો અને સત્યવાદી લાગતો યુવાન હતો પરંતુ એ સમય અને સંજોગો પ્રમાણે ઝડપથી બદલાઈ જતો. જ્યારે વિરાજ ઓછાબોલો અને ચોખ્ખા દિલનો હતો, મનની વાત બહુ ઝડપથી બહાર લાવી શકતો નહોતો. પરિણામે સમાજમાં ધીર મળતાવડો અને સ્માર્ટ લાગતો. વિરાજનો ગુણ ગણોકે અવગુણ એ જુઠાણા સામે પોતાનો આક્રોશ તુરંત દર્શાવી દેતો. જ્યારે પણ જરૂર પડી બધુજ છોડી વિરાજ ધીર માટે બીજા મિત્રો સાથે લડી ચુક્યો હતો.

આજના આધુનિક યુગમાં દરેક સબંધોના સમીકરણો જરૂરીયાત પ્રમાણે બદલાઈ જતા હોય છે. બરાબર આવાજ કોઈ સંજોગોમાં ધીરની ઓળખાણ પરાગ સાથ થઇ, થોડા સમયની મિત્રતામાં ઘીરે નોંધ્યું કે પરાગ પાસે બિઝનેશ કરવાની આવડત છે જે પોતાને ભવિષ્યમાં ઉપયોગી થઇ પડે તેમ છે. આથી વારે તહેવારે પરાગને તેના ફેમીલી સાથે ઘરે આમંત્રિત કરી કરી બહુ ઝડપથી તેને દોસ્તીની પકડમાં બાધી દીધો. બીજી તરફ પરાગ પણ ધીરની વાક્પટુતા થી અંજાઈ ગયો હતો.આ બધામાં તેમને વિરાજને જાણી જોઇને દુર રાખ્યો.

ધીર અને પરાગ સાથે દોસ્તી બંધાઈ ગઈ. આ દોસ્તી એકબીજા સાથેની જરૂરીયાત પ્રમાણે સ્વાર્થની હતી, આ વાતની તેમને ખબર હતી છતાંય ભાઈ ભાઈ થઈને સમાજમાં ફરતાં રહેતા. બંનેને ભેગા મળીને કોઈ ધંધો કરવો હતો. આમતો કોઈ બીજા સાથે મિત્રતા કરાવી કે કોઈ બિઝનેશ કરવો એ જરાય ખોટું નહોતું છતાં તે માટે જુના સબંધોને દાવ ઉપર લગાવવાની મુર્ખામી ધીર કરી ચુક્યો હતો. તેણે વિરાજને વિશ્વાસમાં લેવાને બદલે તેને અંધારામાં રાખી પરાગ સાથેની દોસ્તીને આગળ વધારી હતી. આ વાત ઉડતી ઉડતી વિરાજ સુધી આવી ગઈ હતી કે તેમની દોસ્તીની વચમાં બીજું કોઈ આવી ગયું છે. શરૂઆતમાં વિરાજને સાચું નહોતું લાગતું. પરંતુ ધીર હવે બહુ બીઝી રહેવાય છે. કામ ઘણા વધી ગયા છે. કહી વિરાજને મળવાનું ટાળતો જતો. આ બધુ જોતા વિરાજને સાચી હકીકતનો અંદાજો આવી ગયો હતો. જે ધીરને મદદ કરવા વિરાજે કદી પાછી પાણી નહોતી કરી તે હવે તેનાથી ખુશીઓને સંતાડવા લાગ્યો હતો. આ વાત દોસ્તીની વચમાં ખીલા રૂપે જડાઈ ગઈ હતી.

આવામાં ધીર અને પરાગે નવી નવી દોસ્તીને વધુ ગાઢ બનાવવા ફેમીલી સાથે કોઈ હિલસ્ટેશન ઉપર જવાનું નક્કી કર્યું. ટિકિટ આવી ગઈ હતી, બુકિંગ બધુજ થઇ ગયું. પરંતુ હવે પ્રશ્ન એ આવતો હતો કે આ વિરાજને શું કહેવું? આજ સુધી વિરાજ અને ધીર હંમેશા સાથે બહારગામ જતા રહ્યા હતા તો હવે આ બદલાવને કેમ કરીને અમલમાં મુકવો! આજ સુધી જે બંધન બહુ મીઠું લાગતું હતું તે આજે ભારેખમ લાગવા માંડ્યું તું હતું. ધીરના મગજના ચક્રોગતિમાન થઇ ગયા.

દોસ્તીમાં દરિયાનાં પેટાળ જેવું મન અને સમજ જોઈએ, પરસ્પર નિષ્ઠા અને વફાદારી જોઈએ. દોસ્ત એવો હોવો જોઈએ જેની સાથે દિલ ખોલીને વાત કરી શકાય. વક્ત બેવક્ત તેના બારણે ટકોરા મારી શકાય. મનમાં ઉભરતા બધા સવાલોની પોટલીને વિના સંકોચ ખુલ્લી કરી શકાય. સ્વાર્થને કારણે ધીરની સમજમાં ખોટ આવી ગઈ હતી.

વિરાજ ધીરને પોતાનાથી દુર થતો જોઈ આમ પણ થોડો ઉશ્કેરાયેલો રહેતો હતો. તેવામાં બંને મિત્રો વચ્ચે કોઈ નાનીશી વાત ઉપર બોલાચાલી થઇ. ધીરને બસ કોઈ આવાજ સમયની રાહ જોતો હતો. નાની સરખી વાતને તેણે મોટું સ્વરૂપ આપી દીધું. વિરાજ ઉપર ખોટા આરોપ લગાવી વાતનું વતેસર કરી નાખ્યું. અને છેલ્લે જાણે કોઈ સબંધ બાકી ના રહ્યો હોય તેમ પગ પછાડી ચાલ્યો ગયો. ત્રીસ વરસોના સબંધને ત્રીસ મીનીટમાં પૂરો કરી નાખવાની ભૂલ ધીરે કરી નાખી. અંદરખાને વિચારી લીધું હતું કે વિરાજ તો ભોળો છે સમય આવ્યે હું તેને ફરી થોડું માન અને પ્રેમ બતાવી ફરી આસાનીથી મારો કરી શકીશ.

વિરાજ સમજી ના શક્યો કે કોઈ ખાસ વાત નહોતી, અને પોતાનો કોઈ વાંકગુનો નહોતો છતાં પણ આટલું બધું કેમ બની ગયું. વરસોનો સબંધ આમ અચાનક તોડી ધીર કેમ કરી તોડી ગયો? બે દિવસ વિરાજ દુઃખી રહ્યો. તેવામાં તેને જાણવા મળ્યું કે ધીર તેના નવા બનેલા મિત્ર પરાગ સાથે વેકેશન ઉપર નીકળી ગયો છે. હવે તેની સમજમાં આખી વાત આવી ગઈ હતી કે આમ કેમ બન્યું. પરાગ સાથેની નવી દોસ્તી વધારવામાં તે વચમાં નડતો હતો. તેને દુર કરવા માટે તેનાજ મિત્રે તેની સાથે દુશ્મન કરતાં પણ ખરાબ વહેવાર કર્યો હતો. તેનું પ્રેમ ભર્યું હૈયું તૂટી ગયું હતું. તેણે મનોમન સ્વાર્થની સગાઈઓ થી દુર રહી ફરી પોતાની જાતને કદી પણ ના દુઃખી કરવાનું નક્કી કરી લીધું હતું.

જો સ્વાર્થ અને લુચ્ચાઈ ના હોય તો દોસ્તો સાથે બિન્દાસ થઇ ઝગડો કરી શકાય છે કે ગુસ્સામાં આવીને બે ચાર અપશબ્દો પણ કહી શકાય છે. જેમ કારણ વિના લડાઈ ઝગડો પણ કરી શકાય તેમ અહી વિના માફી પણ માગવામાં કોઈ નાનમ નથી હોતી. અને આમ બને તોજ આ દોસ્તીને સાચી ગણી શકાય.

“રિસાઈ ગયેલા દોસ્તને મનાવી લેવા જેવું બીજું સુખ પણ નથી” એવું માનનાર દોસ્તીની દુનિયામાં કાયમ અમીર રહેવાનો. પરંતુ અહી છુપાએલો સ્વાર્થ અને કપટ જો બીજા મિત્રના ઘ્યાનમાં આવી જાય તો વચમાં પડેલી તિરાડ સંધાવાની નથી આ વાતથી અજાણ્યો ધીર અને પરાગ સાથે વેકેશની મઝા માણતાં હતા એકબીજાની ખોટી ખુશામત કરતા ખુશ હતા એક અમુલ્ય સબંધના ભોગે…ડેલાવર (યુએસએ)

 

શ્રેષ્ઠ લગ્ન પ્રથા : એરેન્જ મેરેજ કે લવમેરેજ ? ?

Displaying IMG20150324130357.jpg

શ્રેષ્ઠ લગ્ન પ્રથા : એરેન્જ મેરેજ કે લવમેરેજ ? ?

કહેવાય છે કે પૃથ્વી ઉપર લગ્ન માટેના જોડા ઉપરથી નક્કી થઈને આવે છે.હકીકતમાં આ વાતમાં સત્ય કેટલું છે એ તો સાથે  જીવનારી બે વ્યકિત  જ  નક્કી કરી શકે છે.છોકરીની મુગ્ધાવસ્થા અને છોકરાની કિશોરાવસ્થા પૂરી થતાં લગ્નની ઉંમરે પહોચતાં લગભગ દરેકને આ પ્રશ્ન થતો હશે લગ્ન પછીનું જીવન કેવું હશે? લગ્ન કોની સાથે કરવા?  લવ મેરેજ કરવા કે એરેન્જ મેરેજ કરવા?  ક્યા લગ્ન ઉત્તમ ગણાય?લવ મેરેજ કે એરેન્જ મેરેજ?

મોટે ભાગે એરેન્જ મેરેજ  કરનારા એમ વિચારીને દૂખી થતાં હશે કે મારા મારા લવ મેરેજ થયા હોત તો હું મારું મનગમતું પાત્ર મેળવી શક્યો હોત.  જ્યારે લવ મેરેજ કરનારા એમ વિચારીને દુખી થતાં હશે કે મેં હાથે કરી કુહાડી  મારા પગ ઉપર મારી .

એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય એને ટકાવી રાખવાં સૌથી વધું અગત્યનું પરિબળ છે પ્રેમ.લગ્ન એ પ્રેમ કરવાં કરતાં પ્રેમને ટકાવી રાખવાનું બંધન છે.કારણકે લાંબા ગાળાનાં એકધારા સહવાશ દરમિયાન પ્રેમને ટકાવી રાખવો એ જ સૌથી મુશ્કેલ કામ છે.

પ્રેમ એટલે શું?
એ કોઈ સબંધ છે કે બંધન છે ?
કે મનનું મન સાથેનું ગઠબંધન છે…

મન એટલે શું ?
શું ઈચ્છા કે અનીચ્છાઓની ગાંસડી છે?
કે કાયમની અતૃપ્તિ ભરી પોટલી છે …

આ વિચારવા જેવી બાબત છે.કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિને દોષ આપતા પહેલા તેના દરેક પાસાઓ ઉપર વિચાર કરવો જરૂરી બને છે …લવ મેરેજમાં કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે.આવી સ્થિતિમાં જ્યારે બસ પ્રેમ થઈ જાય છે ત્યારે તેના સારા નરસા પરિણામોનો વિચાર કરવાની સુધબુધ  પ્રેમીઓ ગુમાવી દેતા હોય છે અને કેટલીક વખત આકર્ષણ માત્રમાં પાત્રની પસંદગીમાં થાપ ખાઇ  જવાતી હોય છે.હક્કીત એ છે વીસથી ત્રીસ વચ્ચેનાં ઉમરનો માણસ પ્રેમ અને આકર્ષણની પાતળી ભેદ રેખાને સમજી શકતો નથી.

આ જ કારણસર આકર્ષણનાં પાયા પર રચાયેલો લગ્ન સંબધ અને તેમાં આવતા પરિણામો જીંદગીમાં સુખને બદલે અસુખ નોતરે છે.થોડા વર્ષમાં આકર્ષણનો ઉભરો સમી જાય એટલે વિચારે  કે આના કરતા એરેન્જ મેરેજ થયા હોત તો સારું હતુ.કમસે કમ માતાપિતા કે કુટુંબના કોઈ વડીલની સલાહ કે પસંદગીને ઘ્યાનમાં લેવાઈ હોત તો મને યોગ્ય પાત્ર મળ્યું હોત!!?

પ્રેમલગ્ન હોય કે એરેન્જ મેરેજ હોય પણ ગમે તેવી કપરી સ્થિતિમાં સાથી સાથે હળવા મૂડમાં રહેવું જરૂરી છે.નહીતર ગમે તેવા સબંધનો વિચ્છેદ થતા વાર લાગતી નથી.ક્યારેય જો આપણે જોઇએ છીએ કે સામાન્ય પણે આપણી આજુબાજુ કાયમ ખુશમિજાજમાં રહેતા લોકો બીજાને વધુ પસંદ આવતા હોય છે.જ્યારે અકડું અભિમાની કે ગંભીર લોકોને મિત્રો બહુ ઓછા હશે.બસ આજ પરિબળ સુખી લગ્નજીવને માટે જરૂરી છે.સદા મળતાવડું અને હસમુખું પાત્ર તણાવ પામેલા લગ્નજીવનને ફરીથી ખુશીઓથી મહેકતું બનાવી શકે છે.

શોભા અને સંજીવનાં પ્રેમ લગ્ન હતા બંને કોલેજના દિવસોથી એકબીજા તરફ આકર્ષાયા હતા.ખાસ કરીને બંનેનાં  શોખ અને રૂચી એકસરખા હતા આથી તેમને જોનાર દરેક માનતા કે આ જોડું બેસ્ટ કપલ બની શકે તેમ છે.શોભા બહુ વાતોડીયણ,મળતાવડી અને મીઠી છોકરી હતી સામે છેડે સંજીવ મળતાવડો અને હસી મજાક કરનાર યુવાન હતો.બંનેને બહારનું ખાવા પીવાનો અને ફરવાનો શોખ પણ સરખો હતો.એક અસમાનતા હતી કે શોભા ઉચ્ચ મધ્યમ પિતાની પુત્રી હતી.જ્યારે સંજીવ મધ્યમવર્ગનાં પિતાનો ત્રીજા નબરનો પુત્ર હતો.તેનું પરિવાર સંયુક્ત હતું.આ અસમાનતા જોતા બંને પરિવારો આ લગ્નની વિરૂધ્ધમાં  હતા.છતાં શોભા અને સંજીવની જીદ સામે બધાએ હાર કબુલી લીધી અને તેમના લગ્ન સાદાઈથી કરાવી આપ્યા.લગ્ન પછી થોડા સમય બધું બરાબર ચાલતું રહ્યું. છેવટે સંજીવને ગૃહસ્થજીવન જવાબદારી પૂરી કરવાં માટે બોજો માથે પડતા કેટલા વિસે સો થાય છે તે સમજાવવા લાગ્યું.આ જવાબદારીએ તેના હાસ્ય અને શોખને છીનવી લીધા.વધુ પૈસા કમાઈને પોતાનું ઘરનું ધર બનાવવામાં તે આખો દિવસ કામમાં રચ્યોપચ્યો રહેવા લાગ્યો.આ તરફ નાનકડા ઘરમાં શોભા પણ મુઝાતી હતી.જેના સાથ માટે તે બધું છોડીને આવી હતી તે સંજીવ પોતાનાં કામસર હવે એનાથી દુર રહેતો હતો.પરિણામે એ વિચારતી કે હવે સંજીવ બદલાઈ ગયો છે.હવે એની પાસે મારી માટે સમય નથી અને તેના શોખ પુરા કરવા તેની પાસે જોઈતા રૂપિયા પણ એ આપવામાં ગલ્લાતલ્લા કરે છે.આ બધા અસંતોષમાં તેનો મૂળ સ્વભાવ બદલાઈ ગયો.એક હસતા રમતા જોડાને જાણે કોઈની નજર લાગી ગઈ અને રોજનાં તણાવ અને સમયના અભાવે તેમને બહુ જલ્દી અલગ કરી દીધા.

આવા સમયમાં શોભા અને સંજીવ પોતાના સંબંધમાં નિરસતાની ફરિયાદ કરવાને બદલે એકબીજાને સમજવાની કોશિશ કરી હોત અને બંનેએ કપરી પરિસ્થિતિમાં પોતનો મુળભૂત હસમુખો સ્વભાવ જાળવીને પરસ્પર થતી બોલાચાલી કે આક્ષેપોને ગંભિરતાથી લેવાને બદલે હળવા મુડમાં કે  હસી-મજાક ગણીને અપનાવ્યા હોત તો આજે આ બે પ્રેમાળ હૈયાઓને આમ વિખૂટા પડવાનો દિવસ નાં આવ્યો હોત….એક બીજાની અણસમજનાં કારણે ઉદભવેલી પરિસ્થિતિને કારણે છેલ્લે તો દોષ દેવાયો લવમેરેજના લેબલને.

ઘણા યુગલો એવા હોય છે જેમાં કેટલીક વખત એકતરફી પ્રેમ હોય છે.તેવા સમયમાં જો લગ્ન નક્કી થયા તો તેના પરિણામો બહુ ઘાતક આવે છે  પ્રેમમાં એક તરફી પાગલતા પણ સારી નહીં.એક તરફી પ્રેમનાં કારણે લગ્નજીવનમાં એક પાત્રની નિરસતાનાં કારણે જે સહજીવની અસલ મીઠાસ હોય છે એની સતત ગેરહાજરી જોવા મળે છે.
મારી આસપાસના કેટલાક યુગલોનાં જે અનુભવો હતા એ એકબીજાથી ભિન્ન હતા. કેટલાંક સફળ લગ્નો હતાં, તો કેટલાક અસફળ રહ્યા તો કેટલાંક સમજુતીથી નિભાવ્યે રાખતાં હતાં.
માત્ર સમાજને દેખાડવા ખાતર અથવાં સંતાનો હોય તો એનાં ખાતર આવા લગ્નજીવન નિભાવતાં હોય છે.
પ્રેમ હોય કે  લગ્ન જીવન હોય.જ્યારે અધિકાર ભાવના એક હદ કરતા આગળ વધી જાય છે ત્યારે ગમે તેવા મજબુત સબંધને તોડી નાખે છે.ત્યારે એમ જ લાગે કે જાણે વધારે પડતા ખેચાણને કારણે મજબુર રબર પણ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવી બેડોળ બની ગયું છે.

આમ કરવાની કોશિશ બહુ ઘાતક પરિણામ આપી શકે છે.કેટલાક લોકોને ટેવ હોય છે કે મારી પત્ની કે મારો પતિ મારી મરજી મુજબ જીવે.હમેશા મને ગમતું એ કાર્ય કરે.મારી જ પસંદગીના કપડા પહેરે.શરૂઆતમાં સામેની વ્યક્તિ વધું પડતો  સ્નેહ ભાવ સમજીને સાથીને હાવી થવા દે છે પરંતુ સમય જતા તેને આજ વસ્તુઓનો ભાર લાગે છે અને તેનામાં રહેલ હું બહાર આવવા કોશિશ કરે છે ત્યારે સ્થિતિ બદલાઈ જાય છે.છેવટે થતું નુકશાન બંનેએ ભરપાઈ કરવું પડે છે.

સીમા અને મહેશ વચ્ચે આવું જ કંઇક બન્યું હતું.બનેનાં લગ્નની શરૂઆતમાં સીમાનાં સાડી ડ્રેસથી લઇને ચપ્પલ સુધ્ધાની પંસદગીમાં મહેશ પોતાને ગમતાં રંગોની પહેરે એવો જ એનો આગ્રહ રહેતો હતો.શરૂઆત સીમાં મહેશને ગમે એ મને પણ ગમે એમ સમજીને મહેશની પંસદગીને પ્રાધાન્ય આપતી હતી.જેમ જેમ વરસો વિતતા જતાં હતા.ટીવીથી લઇને ઓનલાઇને શોપીંગ જાહેરાતોમાં અવનવી વસ્તુઓ જોઇને સીમાં પોતાને ગમતી વસ્તુંઓનો આગ્રહ રાખવા માંડી.પરિણામે નાની નાની પસંદગી બાબતનાં ઝઘડા મોટું સ્વરૂપ લઇ લેતાં હતાં.
સૌ પ્રથમ વિચારવું જોઈએ કે તમારો સાથી શું ઈચ્છે છે?તેને તમે સજાવવા માગો છો એ પ્રકારની સજાવટ એને પસંદ છે કે નહી? પતિ પત્ની એ પોતાની ઈચ્છા અનિચ્છા એકબીજા ઉપર લાદવાનો પ્રયત્ન નાં કરવો જોઈએ.કારણકે આ રીતે પડતી ગાંઠ જલદી ઉકેલાતી નથી  એકવાર જો તે આ બાબતને લઇને નારાજ કે દુર થઇ ગયેલો સાથી પછી કદાચ તમારા લાખ પ્રયાસો પછી પણ મૂળ ભાવે તમારાથી ના પણ જોડાઈ શકે.

તમે અધિકારભાવથી સાથીદાર પંસદગી બદલી શકો  છો પણ એનો મુળભૂત સ્વભાવ બદલી શકતા નથી.કદાચ એનો મુળભૂત સ્વભાવ અને આદત બદલવાં મજબૂર કરો તો એનું ધાતક પરિણામ આવી શકે છે…આવો જ એક દાખલો છે રજની અને રોકીનાં લગ્નજીવનનો છે.

રજની અને રોકીના લગ્નજીવનમાં આ એક વાત હોળી પ્રગટાવી ગઈ હતી.. ..
રોકી એક ફેશનેબલ યુવાન હતો.માતા પિતાની પસંદગી પ્રમાણે તેના લગ્ન એક સીધી સાદી રજની સાથે થયા.તે ભણેલી સંસ્કારી યુવતી હતી પરંતુ તેનો ઉછેર સંસ્કારોની આડમાં બહુ સામાન્ય રીતે થયો હતો.આથી રોકીને રજની ગામડીયણ લાગતી હતી.છેવટે માતાપિતાની સલાહ મુજબ તેણે રજનીને પોતાને ગમતી યુવતી બનાવાવનું બીડું ઝડપ્યું.તેથી રજની માટે આઘુનિક યુવતીને શોભે તેવા ટુંકા વસ્ત્રો રોકી લઇ આવતો.બ્યુટી પાર્લરમાં શારીરિક સાજ સજાવટ માટે સમયાંતરે લઇ જતો.આમ ધીરેધીરે રજની રોકીની પસંદ આવે એવી મોર્ડન બની ગઈ. હવે તે રોકી સાથે પાર્ટીઓમાં જવા લાગી અને ક્યારેક ડ્રીન્કસ પણ લેવા લાગી.રજનીની સુંદરતાથી અંજાઈ રોકીના મિત્રો ક્યારેક તેની સાથે છૂટછાટ લેતા તો રોકી અકળાઈ ઉઠતો.પરંતુ આઘુનીકતાનો ચહેરો લગાવેલી રજનીને આ બધું સામાન્ય લાગતું હતું.તે રોકીના વર્તનને ઉલટી રીતે સમજવા  લાગી.રજની હવે વિચારતી કે રોકી તેની ખુશીથી જલે છે તેને ઈર્ષા આવે છે કે પોતે બીજા સાથે મિત્રતા રાખે છે. બંને વચ્ચે નાં મતભેદ એ પછી મનભેદ સુધી પહોચી ગયા. રજની હવે રોકી વગર પણ પાર્ટીઓમાં જવા લાગી હતી અને આ બાબતે જ્યારે રોકી કે તેના પિતા રજનીને કઈ કહે તો જવાબમાં કહેતી હતી કે હું તો સીધી સાદી યુવતી હતી પણ આ બધું તમારા ઘરે આવીને હું શીખી છું. હવે જયારે આ જિંદગી મને માફક આવી ગઈ છે ત્યારે તમારા ઇશારે ફરી બદલાઈ જવું મને મંજુર નથી.હવે હું જેવી છું એવી જ અલ્ટ્રામોર્ડન સ્વીકારવી પડશે.

આમ સામાન્ય રીતે સુખી લાગતું યુગલ દેખાડા કરવા બદલ બરબાદીના રવાડે ચડી ગયું .આમ જોતા અહી એરેન્જ મેરેજ હતા છતાં પણ આજે સ્થિતિ બદલાઈ ગઈ હતી .

મોટે ભાગે લગ્ન નિષ્ફળ નથી જતાં પરંતુ,લગ્ન કરીને જીવાતુ જિવન નિષ્ફળ હોય છે..બે વ્યક્તિઓ વચ્ચેની સમજ નિષ્ફળ જાય છે.કારણકે લગ્ન માત્ર સ્ત્રી અને પુરુષનું શારીરિક ઐક્યથી ટકતી કોઈ ઘટના નથી.તેમાં બે અલગ અલગ વિચારસરણી ઘરાવતા બે અલગ મનનું એકત્વ થવું જરૂરી છે.સાચુ ઐકય માનસિક રીતે તમારૂ બંધન કેટલુ મજબૂત છે,એના પાયા પર ટકેલુ રહે છે… કારણકે અહી બે અલગ વ્યક્તિઓનો વૈચારિક સંગમ પણ એટલો મહત્વનો બને છે..દરેકનું વ્યક્તિત્વ અને વૈચારિક દ્રષ્ટીકોણ અલગ અલગ હોય છે..અને મોટે એક બીજાથી સ્વતંત્ર હોય છે.આથી સ્વાભાવિક રીતે જ જીવન  સમજવાની રીત પણ અલગ હોય છે ..આ અલગ દ્રષ્ટીકોણનું લક્ષ એક થવું જરૂરી છે આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું લગ્ન જીવન હશે તો પણ સફળ જશે .

અત્યારે અમેરિકામાં યુવક યુવતીઓના લગ્નની ઉંમર સામાન્ય રીતે જે ૨૨થી૨૪ વર્ષની હતી તે વધીને ૨૬ કે ૨૮ કે ૩૦ની થઇ ગઈ છે.તેનું મુખ્ય કારણ એ છે  કે આજકાલના યુવક યુવતીઓ આધુનિક શિક્ષણ અને ટેરવાં પર પીરસાતા જ્ઞાનને કારણે જલ્દી પુખ્ત બની જાય છે.આ બધી વસ્તુઓ એમની  વિચારસરણી પર  મજબુતાઈથી પકડ જમાવતી હોય છે.જીવનમાં કૈક કરી બતાવવાની ભાવના સાથે તેમની પોતાની  જીદગીને જોવાની અલગ દ્રષ્ટી કેળવતી જાય છે.જેના પરિણામે તેઓ બાંધછોડમાં બહુ માનતા નથી અને સો ટકા ગમતું પાત્ર મેળવવાની ઈચ્છામાં ઉમર વધતી જાય છે.જેમ જેમ ઉમર વધતી જાય તેમતેમ તેમની માન્યતાઓ મજબુત બનતી જાય છે.

પહેલા આપણે માનતાં કે  કુમળો છોડ વાળીએ તેમ વળે.તે અહી લાગુ પડે છે.જ્યારે આ સત્ય  અઠ્યાવીસ ત્રીસ વર્ષના પોતે કમાતા યુવાન યુવતીઓને  સમજાવવું ભારે પડી જાય છે.પરિણામે લગ્નની ઉંમર વધતી જાય છે આજે આ સ્થિતિ એકલા અમેરિકામાં નથી પરતું યુરોપ અને ભારત સહીત બધા જ દેશમાં આ સમસ્યાઓ જોવા મળે છે.ત્યારે વિચાર આવે છે કે જો અરેંજ મેરેજની પ્રથા ચાલુ રહી હોત તો આવા યુવાન યુવતીઓ પોતાના જીવનમાં ક્યારના સ્થાઈ થઇ ગયા હોત.ગ્લોબલાઇઝેશનાં યુગમાં ઘણાં યુવક યુવતીઓ લગ્ન કર્યાં વિનાં એક બીજાને અનૂકૂળ હોય ત્યા સુધી સાથે રહે છે અને અનૂકૂળ ના આવે તો બંને છુટા પડી જાય છે.

એક રીતે જોઇએ તો અરેન્જ મેરેજની વાત આવે છે.ત્યારે સહુથી પહેલો વિચાર આવે છે કે શું આ પ્રકારનાં લગ્નો ક્યારેક અંધારી કેડી જેવા નથી લાગતા?

કારણકે જ્યાં આગળ ભાવિમાં શું હશે તેનો કોઈ ખ્યાલ આપણને હોતો નથી.મોટે ભાગે આપણા સગાવહાલાઓ લોકો સારા માણસો છે એવી ભલામણ કરી હોય છે,અને એના કહેવાં પર આવા લગ્નો નક્કી થતાં હોય છે.કારણકે ઘણી વખત એવું બનતું હોત છે કે જેની સાથે આખો જન્મારો કાઢવાનો હોય તેવી વ્યકિતને એક જ મુલાકાતમાં મળીને માત્ર એક વાર કેમ છો? શું નામ તમારું? તમારો શોખ શું છે? જેવા સાવ સામાન્ય હસવું આવે તેવા સવાલો પૂછવામાં આવે છે અને બસ માત્ર દેખાવ અને એકબીજાના કુટુંબો જોઈ હા કહેવાઈ જાય છે.

આવી પરિસ્થિતિમાં સૌથી વધારે દયાજનક સ્થિતિ સ્ત્રીની બને છે કે જેને એ જાણતી પણ નથી.એવી વ્યક્તિ સાથે લગ્ન થતાં,જે માતા પિતા એને ફૂલની જેમ સાચવે છે એ જ માતા પિતા તેને પરાયે ઘેર સાવ એકલી વળાવી દે છે અને તે પતિ કહેવાતા પુરુષને લગ્નની પહેલી રાત્રે પોતાનું સર્વસ્વ હસતા મ્હોએ સોંપી દેવાનું હોય છે. તેમાય બીજા દિવસે તેને એ પણ ખબર નથી હોતી કે જેની સાથે હવે આખી જીંદગી વિતાવવાની છે એ સવારમાં ચા પીવે છે કે કોફી? તેને શું પસંદ છે શું નાં પસંદ છે? એ પણ જાણતી નથી હોતી.છતાં પણ ભારતિય સર્વેનાં રીપોર્ટ પ્રમાણે એવું કહેવાઇ છે કે પ્રેમ લગ્નો કરતાં એરેન્જ મેરેજ વધું સફળ જોવા મળે છે. એક રીતે જોઇએ તો આ સામાજિક પરંપરા દ્રારા રચાતા લગ્નો શું  સ્ત્રી માટે એક માનાશિક આઘાત આપે તેવી વાત નથી?

આ બાબતે એક સ્ત્રી તરીકે મારૂં એવું માનવું છે કે લગ્ન ગમે તેવી સ્થિતિમાં થયા હોય પરંતુ બંને વ્યકિતએ એકબીજાને સમજવાનો સમય અવશ્ય આપવો જોઈએ.પરણીને પ્રેમ કરો કે પ્રેમ કરીને પરણી જાઓ ,તે મહત્વનું નથી પરતું મહત્વનું છે જેની સાથે જિંદગીભર રહેવાનું છે તેને સમજો તેની પસંદ નાપસંદ જાણો.તો જીવન આસાનીથી શરૂં થઇ શકશે અને હા તેનો અંત કેવી રીતે લાવવો એ તો તમારી સમજ અને ધૈર્ય ઉપર આધાર રાખે છે.

જો તમારામાં એક પ્રેમાળ હ્રદય હશે તો સમજ અને ધૈર્ય જેમ જેમ પરિથિતિ આગળ વધે એમ વધુને વધુ આવતા જશે..એક પ્રેમાળ હ્રદય જગત જીતવા માટે સક્ષમ છે.જ્યારે અહીંયા તો એક દિલને જીતવાની વાત છે…

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસે)

 

આજ કી નારી,સબ પે ભારી.

Displaying 40.jpg
પ્રિય વાંચક મિત્રો
આજની મારી “અમેરિકાની આજકાલ” શ્રેણીમાંનો આ લેખ આ વખતે અલગ રીતે લખ્યો છે.અહીયાં મેં બંને દેશોની સંસ્કૃતિ અને રીતભાતને અલગ નાં રાખતા એક પલ્લામાં મૂકી છે કારણ દુનિયાનો કોઈ પણ છેડો હોય સ્ત્રીઓની એક જ મનોદશા હોય છે.”સ્ત્રી એ બહુ નાજુક અંકુરણ પામતો છોડ છે જો યોગ્યતા મુજબ તેનું સિંચન કરવામાં આવે તો તે વટવૃક્ષ થઇ આખા કુટુંબ સાથે સમાજને છાંયડો આપવા સક્ષમ બની શકે તેમ છે અને એ જ સ્ત્રીઓને ઘરનાં એક ખૂણામાં એ નિર્જીવ ચીજની જેમ માનવામાં આવે તો એ જ નાજુક છોડ જેવી સ્ત્રીઓ એક સંવેદના વિહિન સુકાયેલા થડ જેવી બની જાય છે.કારણકે મોટે ભાગે સ્ત્રીઓ સંવેદનાં અને સજીવ લાગણીની ભાષાને વધારે પ્રાધાન્ય આપે છે.

આજની નારી,આજની આધુનિક નારી,ટુ ડેઝ વુમન લખેલા જાહેરાતોનાં હેડીગ ઠેરઠેર જોવા મળે છે.

પહેલા હંમેશા એકજ  વાક્ય સાંભળવા મળતું હતું કે “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” પરંતુ આજે સમીકરણ બદલાઈ ગયું છે “આજે દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે”. પોતાની કારર્કીદી એટલે કે કરિયરને મહત્વ આપતી સ્ત્રીઓ માટે આજની વુમન બનવું ખરેખર ચેલેન્જીગ હોય છે પુરુષો માત્ર ઘરની બહારની દુનિયામાં જીત મેળવવા ઝઝુમતા જોવા મળે છે. જ્યારે એ જ  સ્ત્રીને ઘર અને બહારના બંને મોરચા બાખૂબીથી સભાળવા પડે છે. ત્યારેજ તે પોતાની કઈક અલગ પહેચાન બનાવવામાં સફળ થતી હોય છે પછી તે અમેરિકા હોય કે ભારત કે પછી દુનિયાના ગમે તે દેશનો ગમેતે ખૂણો હોય,પણ સ્ત્રીઓને સોપાયેલા કામ દરેક જગ્યાએ એક સરખા જ હોય છે પતિ,  ઘર અને બાળકો ” સ્ત્રી આ બધામાંથી સમય કાઢી પોતાની અલગ પહેચાન બનાવવા ઝઝૂમે છે તારે તેને બીરદાવવી જ રહી.મોટે ભાગે જેને હાઉસ વાઇફ કહીએ છીએ એ આ બધા જવાબદારી ભર્યા કામમાંથી પણ સમયનો સદુપયોગ કરીને પોતાનાં નિજાનંદ માટે અથવા કેરિયર લક્ષી કોઇ કામમાં સફળ થાય છે ત્યારે આ સ્ત્રીને સલામ કરવી જ પડે.

અમુક પુરુષ સમાજ એવો દાવો કરે છે કે સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેવું ગમતું નથી એટલે સ્ત્રીઓ સ્વતત્રતાની આડે બહાર રહેવાના બહાના શોધે છે.અહીયાં મારૂં એવું માનવુ છે કે ખરેખર આવું નથી કે આજની સ્ત્રી કામકાજી દુનિયામાંથી બહાર નીકળવા વ્યાકુળ છે.હક્કીત એ છે એ સ્ત્રી બેવડી કમાણી કરી ઘર ચલાવવાની વિવશતાને અને વધારાની કમાણી કરીને ઘરમાં મદદરૂપ થવાનાં કારણે તે કામ કરવા મજબૂર બની અને પોતાની અલગ પહેચાન કરવા પ્રેરાઈ છે .

આજની નારીએ સમાજના જુના રૂઢીચુસ્ત વિચારોને ફગાવી પોતાની પ્રગતિનો માર્ગ જાતે મોકળો કર્યો છે.તો આજની નારીને બિરદાવવી રહી.પુરુષોના માથે તો સ્વતંત્રતાનો મુગટ સદિયોથી વરેલો હતો અને તેનો લાભ ગેરલાભ તેમણે આજ સુધી પુરતા પ્રમાણમાં લીધે રાખ્યો છે કે સ્ત્રીઓને પગની જુતી સમજીને,કે ભોજયેષુ માતા ,શયને શું રંભા ગણીને  ,પણ હવે શિક્ષણ આ સમાજને સમાજના વિચારોને ઘીરે ઘીરે બદલી રહ્યું છે તે આનંદની વાત છે અને સાથે એવા ધણા સમજદાર પુરુષો પણ છે જે પોતાની સ્ત્રીને આગળ વધવાં એને જોઇતી મોકળાશ અને અન્ય સહારો આપવા તત્પર રહે છે.

સ્ત્રીઓની હમેશાં એક ખાસિયત રહી છે.સ્ત્રીઓ એક સાથે અનેક કામ એક સમયે કરી શકે છે.ઘરકામ કરતા કરતા તે બાળકોને ભણાવી શકે છે પતિની વાતો સાંભળી તેને યોગ્ય સલાહ આપી શકે છે કે આજની વુમન તરીકે એક તરફ તેનું લેપટોપ રાખી ઓફીસ કામ કે તેનાથી વધી મિત્રો સાથે ચેટ પણ કરી સકે છે ,
“જ્યારે પુરુષ પોતે કામ કરતો હોય એવા સમયે જો બાળક તેના હોમવર્ક વિષે કઈ પણ પૂછવા આવે તો તેનો સીધો જવાબ મળી આવે છે હમણા હું બીઝી છું પછી પૂછજે ”
આનો અર્થ એ નથી કેપુરુષ તે કામમાં કાબેલ નથી પણ તેને એક સાથે બધા કામ કરવાની આદત નથી જ્યારે એક સ્ત્રી એક પત્ની એક માતા એક ગૃહિણી બધા રોલ સાથે નિભાવી શકે તેમ છે , થોડા હળવા શબ્દમાં કહું તો રસોડામાં ગેસ ઉપર શાકનાં વધારની સાથે રોટલી ચોડવતા ચોડવતાં એ ટીવી સિરિયલ જોઇ શકે છે , છતા એના એક પણ કામમાં કચાશ રહેતી નથી.દરેક કામમાં જાત રેડી દેવાની તેની આદત હોવાથી સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવી શકે છે. “શિક્ષિત,પ્રતિભાસંપન્ન અને કાર્યદક્ષ મહિલાઓ માટે બેહતર વિકલ્પ એ જ છે કે તે પોતાની યોગ્યતાઓનો ઉપયોગ પોતાના અને કુટુંબના ઉત્કર્ષ માટે કરે. એવું કરવાથી તેની યોગ્યતાઓ ઘર,પરિવાર અને બાળકોને ધણી ઉપયોગી બની રહે છે

પુરુષોની તુલનાએ સ્ત્રીઓના નિર્ણય શકિતમાં લાગણીનો પ્રભાવ વધુ હોય છે. આથી તે જે કાર્ય હાથમાં લે છે તેને આગવી સૂઝ સાથે પુરેપુરી લગનથી પૂરું કરવા કટિબદ્ધ હોય છે.તેથી સ્ત્રીઓનાં કાર્યમાં એક ચોખ્ખી કાર્યદક્ષતા દેખાઈ આવે છે.એટલા માટે જ ઉચ્ચ કક્ષાએ પહોચેલી સ્ત્રીઓ બહુ સકસેસફૂલ હોય છે.

આજની જે પણ સુશિક્ષિત સ્ત્રીઓ સ્વાવલંબી બની છે તેમને કોઈની ઉપર અવલંબન રાખીને જીવવાનું પસંદ નથી. હું પોતે એક સ્ત્રી તરીકે માનું છું કે સ્વાબલાબી બનવું અતિ મહત્વ નું છે પણ સ્વછંદી નહિ। …. સ્ત્રીઓ એ પોતાની સમાજમાં પોતાનું સ્થાન બનાવવાનું હોય છે આવા સમયે દરેકે એક વાતનો ખ્યાલ રાખવો જરૂરી બને છે કે સ્ત્રીઓ એ પોતાની બુદ્ધિ અને વિચારશક્તિનો  ઉપયોગ એવી રીતે કરવો જરૂરી બને છે કે જ્યાં કૌટુંબિક એકતા અને સુખ શાંતિ જળવાઈ રહે ,તેની પહેલી જવાબદારી છે પોતાના ઘરની ચાર દીવાલો બની તેમાં હૂફ અને લાગણીનું સર્જન કરવું જો આમ નાં કરવામાં આવે તો  ઘર ભંગાણ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી.કારણ એક રીતે જોઇએ તો સ્ત્રી ઘરની એકતા અને સુખ શાંતિની પહેલી અને મજબુત કડી છે.

મોટા ભાગે દરેક પુરુષને એવી સ્ત્રી ગમે છે જે પોતાનાં અને રૂપ સાથે ગુણમાં અને વાક્ય ચાતુર્યમાં અવ્વલ હોય.એ સ્ત્રી પુરુષનાં દિલમાં આગવું સ્થાન બનાવે છે.દરેક પુરુષને આવી વર્કિંગ વુમન પસંદ હોય છે તેમની આગવી છટા અને ટેલેન્ટ થી લોભાઈ જતા હોય છે પરતું બેવડી વિચારધારા પ્રમાણે પોતાના ઘરની નારી તેમને ઘરમાંજ પુરાએલી ગમે છે

એકવીસમી સદીમાં વર્તમાન પત્રો, સામાયિકો,ટી.વી.. રેડિયો, ઇન્ટરનેટ જેવા ઇલેકટ્રોનિક મિડિયાનાં કારણે સ્ત્રીઓ જુદા જુદા ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપી ઝડપથી આગળ આવી રહી છે.આજે આ બધા કારણે પોતાને લક્ષી કોઈ પણ જાતના પ્રશ્નોની ચર્ચા પણ તે ખુલ્લે આમ કરી પ્રશ્નોનું નિવારણ શોધી રહી છે

આજની નારી સમાજને બતાવી દેવા તૈયાર છે કે આજે તેની પહોંચની બહાર હવે કશું રહ્યું નથી.તે પુરુષ કરતા પણ વધુ ચાર ડગલાં આગળ ચાલી શકે તેમ છે,અને દરેક પ્રકારના મુશ્કેલીભર્યાં કામને એ સહજ રીતે કરી રહી છે. આજની સ્ત્રીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે.

કાર્યક્ષેત્રમાં પુરુષ અને સ્ત્રી એક જ હોદો સંભાળતા હોય પણ સ્ત્રી હોવાને કારણે જે તે કાર્યક્ષેત્રને સ્ત્રીનાં કલાકો અને કાર્યદક્ષતાનો વધારાનો લાભ મળે છે.કારણકે સ્ત્રી થોડા થોડા સમયે ચાની તલપ નથી લાગતી.સ્ત્રી ઓફિસમાં પાન મસાલા કે સીગારેટ પીતી નથી.સ્ત્રીઓને ઓફીસ કામ પતાવી બીજો મોરચો સંભાળવા એટલેકે ઘર તરફ જવાની ઉતાવળ વધુ હોય છે આથી પરિણામે સ્ત્રીને સોપેલા કામ વધુ ઝડપથી પૂરા થાય છે.

ઈન્દિરા ગાંધી,માર્ગરેટ થેચર,શિરામાઓ ભંડાર નાયકે જેવી મનની સશક્ત અને અડગ નિર્શ્ચય ધરાવતી સાથે લોંખડી મનોબળ ધરાવતી મહિલાઓએ વર્ષો સુધી પોતપોતાના દેશ પર શાસન કર્યું હતું અને તેમના શાસન દરમિયાન તેમને હજારો પુરુષ નેતાઓ અને અધિકારીઓને પોતાના હાથ નીચે જ રાખેલા હતા.

ઇંદિરા ગાંધીનું ઉદાહરણ લઇએ ૧૯૭૧નાં ભારત પાકિસ્તાન યુધ્ધમાં પોતાની બાહોશી અને મુત્સદીગીરીથી કેકનાં બે ટુકડા કાપતાં હોય એમ પાકિસ્તાનમાંથી બાંગલાદેશ અલગ કરી નાખ્યુ.જ્યારે આવો યુધ્ધવિષયક નિર્ણય લેવા માટે લોંખડી મનોબળ જોઇએ.આ પ્રકારનો નિર્ણય લેવા માટે પુરુષ નેતાઓ પણ એક નહી અનેક વિચાર કરે.જ્યારે ઇંદીરાગાંધી આ નિર્ણય લેવાં જરા પણ સમય બગાડ્યો નહોતો.

આમ રાજકીય રીતે પણ સ્ત્રીઓ પોતાનું યોગદાન આપતી રહે છે.એટલું જ નહી,પોતાની કાબેલિયત દ્વારા સ્ત્રીઓને જુદી જુદા રાજકીય સંસ્થાઓમાં જોડાઇને પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવતી રહે છે.એ પછી કોઇ પણ પ્રકારની ચળવળ હોય કે રાજકીય મકસદ હોય,સ્ત્રીઓ એક શકિત બનીને ઉભરી આવે છે.એ પછી તસ્લીમા નશરીન હોય કે મલાલા હોય કે બેનઝીર ભૂટ્ટો હોય કે માયાવતી હોય કે સુષ્મા સ્વરાજ હોય કે સ્મૃતી ઇરાની હોય કે બાંગ્લાદેશની ખાલિદા ઝીયા હોય કે આપણા હાલ ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોય.

આનંદીબેનની એક શિક્ષિકાથી શરૂ થયેલી યાત્રા મુખ્યમંત્રીની ખૂરસી સુધી પહોંચી છે.હજુ પણ  ભવિષ્યમાં આનંદીબેન પોતાની પ્રતિભાને કારણે સફળતાનાં નવા શીખરો સર કરશે.

આવીજ રીતે હાલમાં થયેલા એક સર્વે મુજબ બહુજન સમાજ પાર્ટીની હાલની સર્વેસર્વા માયાવતીનોપણ પણ સમાવેશ થયો છે.જે પોતે ઉત્તર પ્રદેશનાં એક નાનકડા ગામમાંથી એક દલિત પરિવારમાંથી આવ્યા હતા.કાંશીરામની છાયામાં રહી રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો. દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે ચાર-ચાર વાર બિરાજમાન થનાર માયાવતીને હવે વિશ્વમાં માનની નજરે જોવામાં આવે છે.

સ્ત્રીઓ વિશે દરેક દેશ હોય કે સમાજ હોય એક માન્યતા પહેલેથી જોવા મળે છે..એનું મુખ્ય કારણ એક જ છે.સર્જનહારેલી કરેલી સ્ત્રી શરીર રચના..ઇશ્વર જાણે છે કે સ્ત્રી સંતાનને જ્ન્મ આપવાથી લઇને અમુક મહારત વાળા કાર્ય પર સ્ત્રીઓનો સંપુર્ણ ઇજારો છે..એટલે સ્ત્રીઓને અન્ડરલાઇન કરવા કહેવતથી લઇને વાકયોમાં સ્ત્રીઓને એનું સ્થાન સમજાવવાની નિરથક કોશિશ કરી છે.

સાહિત્યકાર કાકાસાહેબ કાલેકર કહે છે
“અપ્રિતમ સૌંદર્ય આગળ જ્યારે વૈરાગ્ય પરાભૂત થાય છે ત્યારે આત્મા સંકુચિત થાય છે અને વિશ્વ માંગલ્યને આઘાત પહોચે છે…”

બસ મિત્રૉ કાકાસાહેબનાં એક વાકય પરથી જોઇએ તો પુરુષો માટે સ્ત્રીઓનું સૌંદર્ય જેટલુ દ્રશ્યપ્રિય છે એટલુ જ એનાં પુરુષ અહમને નીચા દેખાડી શકવાં શક્તિમાન  છે..કદાચ એટલે જ પુરુષો સ્ત્રીઓને રીઝવવાં એનાં બાહ્ય સૌંદર્યની પ્રશંસા કરતો જોવા મળે છે…ખરેખર તો સ્ત્રીઓને એવા પુરુષો ગમે છે જે એના સૌંદર્ય કરતાં એનાં આત્મિય સૌંદર્યને સમજી શકે તેના અંતરમન સુધી પહોચી શકે .આજની વુમનને કોઈ તેના રૂપના નહિ પણ ગુણ ના વખાણ કરે તેની શક્તિઓને બિરદાવે તે વધુ પસંદ હોય છે

આપણા પુરાણૉમાં પણ નારીઓનું મહત્વ અને  પ્રદાન જરા પણ ઓછું ગણી શકાય એમ નથી.એ પછી રામચંદ્ર ભગવાનની સીતા હોય કે મહાભારતની દ્રૌપદી હોય.ગાંધારી હોય કે રાવણની પત્ની મંદોદરી હોય.અને પ્રેમ અને બલીદાનમાં રાધા હોય કે લક્ષ્મણની પત્ની ઉર્મિલા હોય આપણાં પુરાણૉએ હમેશાં સ્ત્રીઓને શકિતનું સ્વરૂપ આપ્યું છે અને દરેકયુગમાં સ્ત્રીઓને મોકો મળતા પોતે આધ્યાશકિત છે એ પૂરવાર કરી બતાવ્યું છે.

આવી જ રીતે અમેરિકામાં સ્ટાર ઈન રાઈઝીંગ માં બિલ-હિલેરી ક્લિન્ટનને પણ સામેલ કરવામાં આવ્યા છે.જેમને એક વખતના અમેરિકાના પ્રેસિડેન્ટ બીલ ક્લીન્ટન ઉપર મુકાએલા આરોપો સામે અડગ ઉભા રહી પોતાના પતિને સમાજમાં જાહેરમાં સપોર્ટ કર્યો હતો.બધું જાણવા છતાં પણ કે તેમાંના પતિની ભૂલ ક્યાંક તો થયેલી છે.છતા પણ પત્ની તરીકે પતિને સાથ આપી સમાજમાં એક મહત્વનું સ્થાન પણ અપાવી શકે છે અને તે જ રીતે પતિની ભૂલ પકડાઈ જતા પતિનો સાથ પલભરમાં છોડી ને સમાજમાં હલકો પણ બતાવી શકે છે
આજ સાબિત કરે છે “એક પત્ની પતિને જીતાવી શકે છે તો જીતેલા પતિને હરાવી પણ શકે છે.”

બીલ ગેટ્સની અજાબો સંપતિના માલિક તેમની પત્ની મીલીંડા ગેટ્સ પોતાને ભાગમાં આવેલી અઢળક સંપતિને હસતા મ્હોએ દાનમાં આપી દેવાની ઉદારતાં  દર્શાવીને પતિના પગલે ચાલવાની હિમત દર્શાવી છે

જ્યારે પણ વુમન્સ પાવરની વાત આવે છે ત્યારે આપણે ભારતના કલ્પના ચાવડાને કેમ ભૂલી શકાય? કલ્પના ચાવલા અમેરિકાના એક સ્પેસ મિશનની નિષ્ફળતાનો ભોગ બન્યા હતા અને તેને પરિણામે કલ્પના ચાવલા સહિત બીજા અવકાશીઓએ પણ જાન ગુમાવ્યો. જ્યારે રાતના અંધારામાં સ્ત્રીઓ બહાર જતા પણ ડરે છે ત્યારે કલ્પના ચાવડા પોતાના ફેમિલીને ટાટા કરી સ્પેશમાં કોઈ પણ ડર વિના જવા તૈયાર થઇ ગયા હતા.

આજ રીતે આજકાલ કોર્પોરેટ જગતમાં એક નામ મોખરે જણાય છે પેપ્સીકોલા ના  સીઈઓ ઈન્દ્રા નુઈ. શ્રી નૂયી પોતે ભારતીય મહિલા છે તેમણે કરેલા એ ઈનોવેશન ને કારણે  પેપ્સી કંપનીનેને ખાસ્સો ફાયદો થઈ રહ્યો છે .આજ રીતે બીજી અગ્રણી મહિલાઓમાં આઇસી આઇસી આઇ બેન્કના એમડી અને સીઈઓ  ચંદા કોચરને ભારતની શક્તિશાળી બીઝનેસ વુમન જાહેર કરવામાં આવ્યા.  એક્સીસ બેન્કના શીખા શર્મા તથા  અરુણા જયંતી ,અનીતા ડોગરે જેવી કેટલીય બીઝનેસ વુમન પોત પોતાના ફિલ્ડમાં બહુ નામના કાઢી છે.રીલાઇન્સના મુકેશ અંબાણીનાં પત્ની નીતા અંબાણી આજકાલ જાહેરક્ષેત્રની તથા શૈક્ષણીક અને સ્પોર્ટને લગતી સંસ્થાઓ સાથે  જોડાયેલા છે.નીતા અંબાણીની એક બીજી ખાસિયત છે.એની કોઇ પણ કંપનીનાં એમ્પલોઇસની સુવિધા માટેની જવાબદારી પણ સંભાળે છે.રીલાઇન્સની ટાઉનશીપનાં મકાનોની ડીઝાઇનથી લઇને કર્મચારીઓને આધિનિક આરોગ્ય સુવિધા મળી રહે એ માટે હમેશાં પોતે જાગૃત રહે છે.

અહીંયા અમેરિકામાં પણ સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પુરુષોના ખભે ખભા મિલાવી કામ કરે છે અને દરેક ક્ષેત્રમાં પોતાની નામના અલગ રીતે બનાવતા જાય છે.હાલ ચોકાવનારી વાત ફોર્ચ્યુન મેગેઝિને બહાર પાડી તે મુજબ ‘વર્ષ ૨૦૧૪ની સૌથી શક્તિશાળી બિઝનેસ વિમેન’ની યાદી જાહેર કરી જેમાં લગભગ ૫૦ ટકા મહિલાઓ ખૂબ જ મોટા કદની કંપનીઓનું સંચાલન કરે છે જે એક રેકોર્ડ છે.

ન્યૂયોર્કના મેરી બારા પ્રખ્યાત ઓટો મેકર જનરલ મોટર્સના સીઇઓ છે. તેઓ એપ્રિલ ૨૦૧૪નાં બારા ટાઇન્સ મેગેઝીનનાં દુનિયાના સૌથી વધુ ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં ચમકયાં હતાં.એન્જિનિયરિંગ અને ઇલેકટ્રીકલ અભ્યાસ પહેલા પુરુષોને હસ્તક ગણાતું હતું તેમાં આજે સ્ત્રીઓ પોતાનું વર્ચસ્વ ઘરાવતી થઇ ગઈ છે અને તે પણ આટલી મોટી પોસ્ટ ઉપર પોતાની નામના કાઢવી તે કઈ નાની સુની સિદ્ધિ તો ના જ ગણાય.

આજ રીતે ન્યુયોર્કમાં જન્મેલા જેનેટ યેલન અમેરિકાની ફેડરલ રીઝર્વ બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રથમ ચેરપરસ બન્યા હતા.જે બીલ ક્લીન્ટનની સરકાર વખતે વ્હાઈટ હાઉસમાં કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઈઝર રહી ચુક્યા હતા. અમેરીકા જેવા દેશમાં આટલી મોટો પોસ્ટ ઉપર એક સ્ત્રીનું હોદ્દા ઉપર રહેવું તે ગર્વની વાત છે.

હેડમાર્ક તથા હેરાલ્ડરોબિસ જેવા પુરુષ નવલકથાકારોની જોનકાલિસ તથા એરિકા બીંગ્સ,અને શોભા ડે જેવી સ્ત્રી લેખિકાઓએ છુટ્ટી કરી દીધી છે.

આટલું બધું જોતા સામાન્ય રીતે એમ જ લાગે કે હવે મહિલાઓ સુરક્ષિત છે પોતાના પગ ઉપર ઉભી રહેલી સ્વતંત્ર બની છે… પણ નાં ! સાવ એવું નથી હોતું જે દેખાય છે.આવો આઘુનિક સમાજ આપણી વચ્ચે જુજ છે.આજની નારી કહેવાય છે વુમન પાવર,પણ હકીકતમાં આજે પણ પુરુષ સમાજથી દબાએલી કચડાએલ છે.કારણકે આજે પણ અમેરિકન હોય કે ભારતિય સમાજ હોય એ સમાજનાં મુળ પર આજે પણ પૈતૃક સમાજની પકડ જોવા મળે છે.

ભારત જેવા દેશોમાં તેમાય ખાસ જ્યાં પુરુષ પ્રઘાન સમાજ અસ્તિત્વમાં હોય તેવા સ્થળોએ ઘરેલું હિંસા થવી સામાન્ય વાત બની ગઈ છે.વિશ્વમાં દરેક જગ્યાએ સ્ત્રીઓ પર થતા પુરુષોના અત્યાચારોમાં જ્યારે અમેરિકા જેવા મહાસત્તા ધરાવતા વિકાસશીલ દેશોમાં સ્ત્રીઓ ઉપર થતા અત્યાચાર અને ઘરેલું હિંસાની  વાતો સાંભળવામાં આવે ત્યારે સમજાય છે કે આજની નારી હજુ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પગભર નથી બની.

સમાજ વિકસી રહ્યો છે, પણ  જે વર્ષો પુરાણી બદીઓ અને વિચારસરણીઓ માંથી હજુ સંપૂર્ણ રીતે મુક્ત નથી બન્યો.એ માટે શિક્ષણ સહુથી મોટી જરૂરીયાત છે.

જુના પુરાણા વિચારો ઘરાવતો સમાજ હજુ પણ માને છે કે સ્ત્રી પુરુષની દાસી માત્ર છે.જ્યાં પત્નીને ઘરસંસાર સંભાળવા સિવાય બાકીના કોઈ હક આપવામાં આવતા નથી.તેઓનું માનવું હોય છે કે ઘર સાચવવા રસોઈ શીખવાની જરૂર છે.નહી કે વધારે ભણતરની…આજે પણ અમુક સમાજમા એવી માન્યતા પ્રર્વતે છે વધુ ભણેલી છોકરી અને ભણતર દ્રારા મેળવેલી કેળવણી એનું માંનસ બગાડે છે અને એના વિચારોને સ્વછંદતા આપે છે..સ્ત્રી સ્વતંત્રતાનો જુસ્સો આવે છે.જેના કારણે સ્ત્રી મુક્ત અને કુકર્મો કરનારી બને છે..

આ સુધારેલો કહેવાતો સમાજ એક પત્નીને ઘરમાં રસોડાની રાણી અને અને સમાજમાં તેના બાળકોની માતા તરીકે ઓળખ આપીને ખુશ રહે છે અને એમ માણે છે કે સ્ત્રીઓનો ઉઘ્ઘાર કરી નાખ્યો …

હક્કીતમા સ્ત્રીઓનો ઉધ્ધાર જ કરવો હોય તો દરેક દીકરીને સાચી કેળવણી આપો..એને જ્યાં સુધી ભણવુ હોય એટલી સ્વતંત્રતા આપો…

ભણેલી ગણેલી દીકરી તેના બાળપણથી લઇ યુવાની સુધીના સફરમાં કોઈ પણ ખરાબ પગલું ભરતા પહેલા દસ વખત વિચાર કરશે અને એ જ દીકરી એના સાસરિયામાં પણ તેની બુધ્ધીમત્તાને અને સંસ્કારને કારણે માં બાપનું નામ ઊચુ રાખશે.

એક માતા સો શિક્ષકો ની ગરજ સારે છે..અને એક શિક્ષિત માતા હોય તો એક પ્રાધ્યાપકથી લઇને એક સાચા કેળવણીકાર ગરજ સારે છે.જો માતા ભણેલી અને ઉચ્ચ વિચારો ઘરાવતી હશે તો તમારા બાળકોને તેમના જીવનપથ ઉપર આગળ વધવા મદદરૂપ બનશે.

પત્ની તરીકે એ શિક્ષિત હશે તો સાચા અર્થમાં પુરુષની સહચારીની બની તેના મુશ્કેલીના સમયમાં સાચો માર્ગ ચિંધનાર દોસ્ત અને સલાહમાં માર્ગદર્શીની સાબિત થઇ શકશે.. પુરુષની કટોકટીનાં સમયમાં એક પ્રેમિકા બની તેના માનસિક તણાવને કઈક અંશે ઓછો કરી શકશે!!!!

ભણેલી સ્ત્રી વિચારોની ઉચ્ચ્તાને લઈને ખરાબ માર્ગ ઉપર જતા પહેલા સારા નરશા પાસાઓ  ઉપર એક વાર જરૂર વિચાર કરશે..તે પોતાનો સ્ત્રી ધર્મ સમજીને ઘર સરસ રીતે ચલાવી છોકરાંને કેળવણી આપી શકે છે.

અક્ષર જ્ઞાન સ્ત્રી માટે જરૂરી છે તેના કરતા વધુ જરૂરી સમાજના ઉધ્ધાર માટે છે.

રેખા વિનોદ પટેલ (વિનોદિની)
ડેલાવર (યુએસએ)

 

“સ્વચ્છતાને સંપતિ,વસ્તી અને સામાજીક નિષ્ઠા સાથે સીધો સંબંધ છે.”

Displaying IMG-20150131-WA0062.jpg
આજના પ્રગતિશીલ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીજીના અધૂરા સ્વપ્નને પૂરા કરવા માટે તેમની જન્મજયંતીને અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું અને તે માટે ૨૫મી સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર સુધીના સમય ને સ્વચ્છતા સપ્તાહ તરીકે જાહેર કરી સ્વચ્છતા અભિયાન હાથે ધર્યું  ગાંધીજી સ્વચ્છતાના અતિ આગ્રહી હતા. તે માનતા મન શુદ્ધ રાખવા સહુ પ્રથમ તનની સ્વચ્છતા જરૂરી છે આ માટે દરેક વ્યક્તિએ પોતાનું કામ જાતે કરવું જોઈએ અને પોતાની આસપાસ સ્વચ્છતા રાખવી જોઈએ। તે માનતા હતા “પોતાના કામ કરવામાં કોઈ નાનમ નથી  “
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છતા અભિયાનની હાકલને દેશ ભરમાં ભલભલાના હાથમાં ઝાડું પકડાવી દીધા, નાના માણસોથી લઇ કોલેજ સ્ટુડન્ટ ,નાના મોટા અધિકારીઓ ,બિઝનેસમેનનાં હાથમાં સફાઈના સાધનો પકડાવી દીધા બધા ઉત્સાહ પૂર્વક આ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયા.  જેમણે ઘરમાં કદી ઝાડુને હાથ પણ નાં અડાડ્યો હોય તેવા લોકો પણ હાથમાં પ્લાસ્ટીક ગ્લોઝ પહેરીને મ્હો ઉપર કપડું બાંધીને ઝાડું લઈ સફાઈમાં સહયોગી બન્યા હતા. દેશભરમાં સ્વચ્છતા અભિયાનમાં સામાજિક સંસ્થાઓ પણ જોડાઈ હતી, ઠેર-ઠેર સ્વચ્છતા કાર્યક્રમ યોજાતા હતા,આ માટે ઈન્ટરનેટનો અને ટેલીવિઝન તથા આધુનિક મીડિયાનો ભરપુર ઉપયોગ કરાયો હતો.માત્ર  પગારદાર માણસો રાખીને સ્વચ્છતા રાખી શકાતી નથી આ માટે દરેક વ્યક્તિએ પોતાનો સહકાર આપવો જરૂરી છે . આ સુધારો ગરીબ અને પૈસાદાર બંનેના પુરેપુરા સહકારથી જ થઇ શકે છે ”
માત્ર મહીનાભર માટે આ સ્વચ્છતા અભિયાન ચલાવવાથી દેશ ચોખ્ખો નથી થવાનો , આ અભિયાનની શરુઆત તો દરેક નાના મોટાએ પોતાના રોજીંદા જીવનમાં વણી લેવો પડે નાના બાળકોના જીવનમાં નાનપણથી જ સ્વચ્છતાનો પાઠ ભણાવવો જોઈએ તેમને સમજાવવું જોઈએ કે  “સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા” છે અને આ આદર્શને જીવનમાં વણી લેતા શીખવાડવું જોઈએ.મોટા ભાગના રહેવાસીઓ પોતાના આંગણા ને  સાફ કરી કચરો ઘરની બાજુમાં ફેકી દેતા હોય છે, આમ પોતાનું આગણું ચોખ્ખું દેખાય પણ બીજાનું ખરાબ થાય છે આમ જો દરેક વ્યક્તિ કરશે તો  ક્યાય ચોખ્ખાઈ નજરે નહિ આવે
જાહેર માર્ગો ઉપર શૌચાલય અને મુતરડીઓ ને પોતાના ઘરનો એક ભાગ ગણવામાં આવે તોજ  ત્યાંથી આવતી માથું ફાડી નાખતી દુર્ગંધ માંથી છુટકારો મળી શકે તેમ છે
લગ્ન પ્રસંગોમાં કે ભોજન સમારંભ ના પ્રસંગો મા એઠવાડ ના ગંદકીના થર જામે છે જેમાંથી આવતી ગંધ આજુબાજુ રહેતા લોકોને અસહ્ય બની જતી હોય છે,અને ગંદકી થી બીમારીઓ ઉત્પન્ન થાય છે.
મંદિરો,આશ્રમો અને હોસ્પીટલ માથી ફેલાતી ગંદકી પણ કઈ ઓછી નથી હોતી  ,અને પવિત્ર ગંગામાં ઠલવાતી ગંદકી આનુ જ પરિણામ છે

સ્વચ્છતા અભિયાન  દરમિયાન તો લાગતું હતું કે  આખો દેશ ચોખ્ખો થઇ ચમકવા લાગશે પણ નવું “નવ દહાડા”  …
ઘોડાપુરની માફક આવેલો ચોખ્ખાઈનો ઉત્સાહ સમય જતા  વળતા પાણીની જેમ ઓસરવા ના લાગે તેનો ખ્યાલ રાખવો પડશે .આ અભીયાનને કાયમ માટે પોતાના રોજીંદા કાર્ય સાથે વણી  લેવો જોઈએ .

દરેક જણ પોતપોતાના ઘર, આંગણ ,મહોલ્લો અને પછી શહેરના સાર્વજનિક રસ્તા જગ્યા સ્વચ્છ રાખવવાનો વિચાર કરે અને તેમ કરવામાં ભાગીદાર બને તો આખો દેશ આપોઆપ સ્વચ્છ અને સુઘડ લાગશે.”સ્વચ્છતાને સંપતિ ,વસ્તી અને સામાજીક નિષ્ઠા સાથે સીધો સબંધ છે ”

ગરીબાઈ અને ગીચ વીસ્તારોમાં ગંદગી આપોઆપ ફેલાય છે. ગરીબ માણસોનાં કપડા ગંદા ઘોયા વિનાના પરસેવાની વાસ વાળા હોય છે તેમાય તેમના રહેઠાણ અસ્વચ્છ ગીચતાના કારણે હવાઉજાસ વિનાના હોવાથી ગંદકીનો સાથે રોગોનો ઝડપથી ફેલાવો કરે છે .
મધ્યમ વર્ગના લોકો ફેશનમાં ચવાતી ચુઇન્ગમ કે ચીપ્સ અને બિસ્કીટ કે કેન્ડીના ખાલી થયેલા રેપર, ઠંડા પીણાના ડબ્બા વગેરેને ગમેત્યા નાં ફેકતા તેને બરાબર કચરાપેટીમાં નાખવાનું રાખેતો જાહેર રસ્તાઓ સુઘડ રહેશે , કેટલાક લોકો ઘરે યોજાએલી નાની મોટી પાર્ટીમાં ભેગો થયેલો કચરો ગમે ત્યાં ફેકાવી દેતા હોય છે..
આ બધો કચરો ગમેત્યા ફેકાવાને બદલે કોઈ એક યોગ્ય જગ્યાએ એકઠો કરી યોગ્ય નિકાલ કરવા માટેની સગવડ સરકારે દરેક ગામ શહેરમાં કરવી આવશ્યક છે .
જેમ પૈસો અને સમૃદ્ધિ  વધારે તેમ સ્વચ્છતા વધારે ,આથીજ પૈસાવાળા દેશો જેમકે અમેરિકા ,ઓસ્ટ્રેલીયા ,સીંગાપુર ,સ્વીઝરલેન્ડ ,દુબાઈ ,જેવા દેશો ભારત પાકિસ્તાન કે આફ્રિકાના દેશો કરતા વધારે સ્વચ્છ અને સુવ્યવસ્થિત રચના વાળા હોય છે. જેમકે ભારતની અને ભારત બહારની તાજ ,ઓબેરોય કે હયાત જેવી હોટલો સામાન્ય ઘર્માંશાળા કે લોજ કરતા ચોખ્ખી હોય છે અને આવીજ રીતે મોધી હોસ્પિટલો પણ સામાન્ય સરકારી દવાખાના કરતા ચોક્કસ પણે સ્વચ્છ જોવા મળશે.
જેમ વસ્તી વધે છે તેમ ચોખ્ખાઈનું પ્રમાણ ઓછું થાય છે તે પણ હકીકત છે. ઓછી વસ્તીમાં જ્યારે વપરાશના સાધનો વધારે હોય તો ચોખ્ખાઈનું પ્રમાણ જળવાઈ રહે છે આથીજ અમેરિકા ઓસ્ટ્રેલીયા કે યુરોપ જેવા દેશો વધુ સ્વચ્છ છે જ્યારે ગીચ વસ્તી ધરાવતા દેશ કે પ્રદેશમાં ગંદકીનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળે છે, આપણા દેશમાં શરીરને ઉપયોગી એવા ફળોના રસ કાઢતી કોઈ ખુલ્લી દુકાન પાસે જઈને ઉભા રહો તો જણાશે કે આ શરીરના રોગો વધારે છે કે ઘટાડે છે , આજુ બાજુ  બણબણતી માખીઓ રોગોને ભગાડવા ને બદલે આવકારે છે. જ્યાં ગંદકી છે ત્યાં રોગોનું પ્રમાણ પણ મોટી માત્રામાં મળી આવે છે.  અને આનુજ પરિણામ છે કે આજે માથા ઉપર મંડરાતા ઇબોલા જેવા મહામારીના રોગ જન્મ લઇ રહ્યા છે
“પ્રદુષણ અને ગંદવાડ યમરાજ સુધી જવાનો એક માર્ગ બને છે ,કેટલાય ચેપી રોગોનું ઘર બને છે “સામાજીક નિષ્ઠાને પણ સ્વચ્છતા સાથે અતુટ સબંધ ગણવો જોઈએ  વિકસિત દેશોમાં લોકો પોતાના કચરાનો નિકાલ જાતે કરે છે નહી કે બીજાના ઘર પાસે ફેકી આવે છે , આથી ઘર અને બહાર ચોક્ખીનું પ્રમાણ એક સરખું જોવા મળે છે।  પોતાના ઘરમાં પાળેલા કૂતરાને સવાર સાંજ કુદરતી હાજત માટે જો લઇ જતા હોય તો મોટાભાગે દરેક જણ સાથે પ્લાસ્ટીકની કોથળી અને હાથમાં પહેરવાનું મોજું રાખતા હોય છે જેથી તેમનો ગંદવાડ નો યોગ્ય જગ્યાએ નિકાલ થઈ શકે
બહારના વિકાષિત દેશોમાં એક નાનું કાગળ પણ ફેકવું હોય તો ડસ્ટબીન શોધવું પડે છે, જ્યારે અહી કાગળનો ડૂચો જાહેરમાં ફેકતા લોકો શરમાતા નથી ,
નાના મોટા સ્ટોરની બહાર કે મોલ  કે રેસ્ટોરન્ટ ની બહાર બીડી સિગારેટ હોલવી તેના ઠુંઠા ફેકવા માટે ખાસ રેતી ભરેલા કેન બનાવી મુકાય છે, જ્યારે અહી દેશમાં લોકો પાન ની પિચકારી જાણે કોઈ મહાન કાર્યની ઉજવણી કરી રહ્યા હોય તેમ શાન થી જાહેરમાં થુંકે છે.આજકાલના યુવાનોમાં ઘીમું ઝેર ગણાતા પાન ગુટકા ના ખાલી રેપર અને તે ચવાતા હાનીકારક ગુટકાના થૂંક ની પીચકારીઓ ને ગમે ત્યા દીવાલોને ચીતરવાનું બંધ કરે તો ઘણું બદલાઈ શકે  છે..
અમેરિકામાં જાહેર રસ્તા અને હાઈવે ઉપર કચરો કે કાગળ ફેકવા માટે 200$ થી લઇ 1200$નાં દંડની જોગવાઈ કાનૂની રીતે થઇ શકે છે
સીંગાપુરમાં જાહેરમાં ચુઇન્ગ્મ ફેકવા ઉપર દંડ થાય છે
અમેરિકામાં વધુ સ્વચ્છતા હોવાનું એક મહત્વનું કારણ છે અહીની કચરાનો નિકાલ કરવાની વ્યવસ્થા
નાના ગામ કે મોટા શહેરોમાં દરેક જગ્યાએ કચરો ઉઘરાવવા મોટો ગાર્બેજ ટ્રક આવે છે અને દર સપ્તાહે ઘરેઘર આવતી આ ટ્રક બધો નકામો કચરો અને મોટાભાગનો સામાન લઇ જાય છે અહી દરેક ઘર દિઠ બે અલગ અલગ પ્લાસ્ટીકના મોટા કન્ટેનર આપવામાં આવે છે જ્યાં રીસાઈકલ થતી વસ્તુઓ ને અલગ કન્ટેનર માં ભરવામાં આવે છે અને નકામો કચરા માટે અલગ કન્ટેનર રાખવામાં આવે છે ,અને આજ પ્રમાણે બધો કચરો ટ્રકમાં ખડકાય છે જેને શહેરની બહાર અલગ નક્કી કરાએલી જગ્યા ઉપર લઇ જવાય છે જ્યાં તેનું ગોગ્ય નિરાકરણ થાઉં છે રીસાઈકલ થતી વસ્તુઓ ઉપર જરૂરી પ્રોસેસ કરી વેસ્ટ માંથી બેસ્ટ બનાવાનો ટ્રાય થાય છે અને નકામાં કચરાને કોહડાવી તેનું ખાતર બનાવાય છે આ બધીજ જવાબદારો ગવર્મેન્ટ ની હોય છે આ માટે કેટલીક વાર પ્રાઈવેટ કંપનીઓ પણ રોકાવાય છે
આપણા દેશમાં વસ્તી  વધારો પણ ભારે છે અને સામે આવી કોઈ સખત વ્યવથા હજુ સુધી રોજીંદા વ્યવહારમાં આવી નથી .આના કારણે કચરાનો યોગ્ય નિકાલ થઈ શકતો નથી ,તદ ઉપરાંત કચરાને ઠાલવવાની જગ્યા પણ હવે ગામડાઓનું શહેરીકરણ થતા ઘટતી જાય છે. સાચા અર્થમાં જો સ્વચ્છતા અભિયાન આગળ વધારવું હોય તો આ બધી બાબતોનો ખ્યાલ રાખવો અત્યત જરૂરી બને છે
ભારત ખેતીપ્રધાન દેશ છે અહી મોટાભાગના લોકો નજીવી આવક ઉપર ગુજરાન ચલાવતા હોય છે અહી તેમને પરદેશ સુ વ્યવસ્થીત રીતે પેક થયેલા અનાજ કે શાકભાજી મળતા નથી ,અહી મોટાભાગે અનાજ અને શાકભાજીના બજાર ખુલ્લા ભરાય છે અહી શાકના ઢગલા થયા હોય તેમાંથી વીણીને શાક લેવાના હોય છે. જ્યાં કેટલોય બગાડ થતો હોય અને બગડેલા કોહવાએલા શાક નજીકમાંજ પડયા હોય છે ત્યાં માખી મચ્છર જેવી જીવાત ફરતી રહેછે આ બધું સ્વાસ્થ માટે હાનીકારક ગણાય છે ,તેમાય ઓછી મહેનતે વધુ પૈસા કમાવવાની લાલચ વાળા વેપારીઓ અનાજ અને શાક અને ફળોને આર્ટીફીસીયલ ચમક અને રંગ આપવાના મોહમાં શરીર માટે ઝેર સમાન કેમિકલ્સ વાપરી જાહેર જનતાના જીવન સાથે ખુલ્લેઆમ રમત રમે છે ,આજની પ્રગતિશીલ સરકારે આ સામે પણ કડક પગલા તાકીદે લેવા જરૂરી બને છે ,અને તોજ સ્વાસ્થ અને દેશ માટેનું આ સ્વચ્છતા ખરા અર્થમાં સાર્થક થયું જણાશે.
અમેરિકામાં 2006માં મેક્સિકન ફૂડમાં બહુ વપરાતી ગ્રીન ઓનિયન(લીલી ડુંગળી ) ને કારણે ઇ કોલા નામનું ઇન્ફેકશન ફેલાયું હતું જેના કારણે  મેક્સિકન ફાસ્ટ ફૂડની જાણીતી ફાસ્ટ ફૂડ ચેનલ તાકો બેલના 5800 રેસ્ટોરન્ટમાં આ બહુ વપરાતી ગ્રીન ઓનિયન બંધ કરાઈ હતી.  અમેરિકામાં અહી વસતા દેશી વિદેશી દરેકના સ્વાસ્થ સાથે જરા પણ ચેડા થતા નથી.. પહેલું સુખ તે જાતે નર્યા ” આ કહેવત અહી પુરવાર થાય છે.આ શિસ્ત અને આટલું કડક અનુશાસન જો ભારતમાં પણ અમલમાં મુકવામાં આવે તો આપણો દેશ છે તેના કરતા પણ વધુ સુંદર અને નીરોગી બની રહે.
દરેક નાગરીકે પોતાના ગંદવાડનું નિરાકરણ  જાતેજ  કરવું જોઈએ.  જો દરેક પોતાની આસપાસની જગ્યાને ચોખ્ખી રાખવાનો સંકલ્પ લેશે તોજ આ ગંદકીનો મહાસાગર ઓછો થઇ સકે તેમ છે ,અને આમ કરવાથી આ અભિયાનનો હેતુ ખરા અર્થમાં સાર્થક બનશે .
બાકી આગળ જણાવ્યું તેમ “બસ ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત” જેવું થશે તે નક્કી છે .રેખા વિનોદ પટેલ (ડેલાવર ,યુએસએ )

 

ભારતિય કલાકારો

હીન્દી ફિલ્મો નો ઇતિહાસ લગભગ ૧25 વર્ષ જુનો છે ,સૌ પ્રથમ સળંગ ફિલ્મોને બદલે ટુકડા-ટુકડામાં વહેંચાતી મુંગી ફિલ્મોથી શરુઆત થઇ.
મુંગી અને બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો થી શરું થયેલા ચલચિત્રો સમયના બદલાવ સાથે ઇસ્ટ્મેન કલર અને સાઉન્ડ સિસ્ટમથી વધુ આકર્ષક બન્યા. ત્યાર બાદ વધુ લોકો ફિલ્મ જોતા થયા અને થિયેટરો ઉભરવા લાગ્યા અને ટેકનોલોજી નાં સાથ વડે ફિલ્મોમાં મહત્વના ઉમેરા થયા સાથે સાથે ધણું બધું બદલાતું ચાલ્યું.છેવટે આજની કરોડોની કમાણી કરતી આઘુનિક અને મોર્ડન ફિલ્મો આવી.આનો સહુ થી વધુ ફાયદો નવા-જુના કલાકારોને મળ્યો અને દેશ વિદેશમાં તેમની બોલબાલા વધી….
હીન્દી ફિલ્મોનો આપણા લોકમાનસ ઉપર અભૂતપૂર્વ પ્રભુત્વ છે. આપણે જે કલ્પનામાં વિચારીએ તેનું પ્રતિબિંબ જ્યારે ફિલ્મોમાં જોઈએ ત્યારે તે ફિલ્મ આપણી પોતાની લાગે અને તેજ કારણે તેમાં કામ કરતા હીરો હિરોઈનને પણ આપણે આપણા સ્વજનો હોય તેમ પ્રેમ કરવા લાગી જઈયે છીયે.
1882 માં જ્યારે કુલી ફિલ્મના શુટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન જ્યારે મોતના મુખમાં પહોચી ગયા હતા ત્યારે તેમનાં સ્વાસ્થના રક્ષણ કાજે દેશના કરોડો લોકોએ પ્રાર્થનાઓ, દુવાઓ કરી હતી ,કારણ હતું તે સહુને શ્રી બચ્ચન સાહેબ પોતાના સ્વજન લાગતા હતા.
આ તરફ આજ અરસામાં અમેરિકામાં દર દાયકે ભારતોયોની સંખ્યા વધતી હતી આથી તેઓ દિલમાં દેશ પ્રેમ સાથે અહીની સંસ્કૃતિ, શોખ અને પોતાના ગમતા ફિલ્મ સ્ટારોની યાદ સાથે લઈને વિદેશમાં વસતા હતા.
1990-2000 પછી પૈસેટકે સુખી અને ફિલ્મોના શોખીન ભારતીયોના કારણે બોલીવુડ ના કલાકારોનું આકર્ષણ વિદેશોમાં વધતું ચાલ્યું,અને તેના પરિણામે ફિલ્મસ્ટારોના સ્ટેજ શો અમેરિકાની ઘરતી ઉપર આયોજાવા લાગ્યા
અહી કલાકારોને મુખત્વે ફાયદો થતો હતો જેમાં તેમને મળતી રકમ ડોલરના ભાવમાં હતી જે દેશનાં રુપિયા સામે ઘણો આગળ હતો અને દેશમાં ભરવા પડતા ઇન્કમટેક્ષ માં પણ ઓછા વાતા અંશે ફાયદો થઈ જતો હતો ,બીજી ખાસ એ વાત હતી કે અહી કલાકારીની સિક્યોરીટી સચવાતી .જો દેશમાં આવા સ્ટેજ શો કરે તો તે વખતે ઘણી  ગેરવ્યવસ્થા સર્જાતી આના કારણે કલાકારોને કટુ અનુભવોનો સામનો કરવો પડતો.
અમેરિકામાં ખુબજ શિસ્ત પૂર્ણ અને સુંદર વાતાવરણ પૂરું પડતું હોવાથી ફિલ્મી કલાકારોને તેમનો પ્રોગ્રામ કરવામાં આસાની થતી.અમેરિકામાં મોટા મોટા સ્ટેડીયમ ,હોલ અને કસીનોમાં બોલીવુડના ભારે સફળ શો આયોજિત થયા છે  જેમાનો 1999 માં મેડીસન સ્ક્વેર ન્યુયોર્કમાં થયેલો શ્રી અમિતાભ બચ્ચનનો શો આજે પણ યાદ છે જ્યાં તેમના હજારો ચાહકોએ તેમને બહુ અંગત સ્વજનની જેમ પ્રેમ થી વઘાવ્યા હતા,અને આમ જોતા તે દિવસો તેમની આર્થિક કટોકટીના હતા ત્યારે આવા શો તેમને આર્થિક રીતે સપોર્ટ કરતા પણ હતા .

નજીકના ભૂતકાળમાં ટામ્પામાં યોજાએલો આઈફા “IIFA” નું કુલ ખર્ચ ત્રીસ મિલિયન ડોલર કરતા વધારે હતું ,આ સૂચવે છે કે અહી બોલીવુડ નું અત્યંત મહત્વ છે કારણ એજ કે અહી વસતા ભારતીઓના મનમાં અહી પણ દેશ અને દેશ માટેનો પ્રેમ સલામત છે
અમેરિકામાં ભારતીય ડોક્ટરોની સંખ્યા પણ સારી માત્રામાં છે તેમની સંસ્થા આપી” AAPI” અને ભારતીય હોટેલ મોટેલની સંસ્થા આહોઆ “AAHOA ”  તેમના વાર્ષિક સમારંભોમાં મોટામોટા ગાયકો અને ફિલ્મી કલાકારોને તગડી રકમ ચૂકવે છે,
જેમકે આ વખતના આહોઆ ના વાર્ષિક સમારંભમાં કરીના કપૂરને 45 મીનીટના ડાન્સ પેટે 1,60.000 ડોલરની રકમ ચૂકવવામાં આવી હતી એમ કહેવાય છે જે આશરે એક કરોડ રૂપિયા થાય..
તેના અગાઉના  વર્ષે ફિલાડેલ્ફિયામાં AAPI દ્વારા યોજાએલ વાર્ષિક સમારંભમાં સોનું નિગમને આશરે 40,000 ડોલર ચુવવામાં આવ્યા હતા
અહી આવેલા કલાકારોને માન સાથે રૂપિયા પણ અઢળક મળે છે, તેનાજ કારણે દર વર્ષે કલાકારો અમેરિકાની ઘરતી ઉપર પોતપોતાના ગ્યુપ લઇ સ્ટેજ શો કરવા ઉતરી આવે છે જેને અમેરિકન ભારતીઓ દિલ થી વધાવે છે .રેખા વિનોદ પટેલ (ડેલાવર યુએસએ )

 

અમેરિકાની આજકાલ “વેલ્ફેર પ્રોગ્રામ‏ ભાગ-1

Displaying IMG_20150214_133429.jpg
અમેરિકામાં બેરોજગાર લોકોને કે મર્યાદિત આવક  ધરાવતા પરિવારોને મળતી સહુલીયતમાં અહીનો વેલ્ફેર પ્રોગ્રામ મહત્વનો છે
ગમે તેવી નાણાકિય કટોકટી હોય કે મંદી હોય ત્યારે પણ અહીની સરકાર આ પ્રોગ્રામને જાળવી રાખવા મરણીયો પ્રયાસ કરે છે.એ વાત ખાસ ઘ્યાનમાં રાખવા જેવી છે,કારણકે એનાં પરથી જાણી શકીએ કે અમેરિકન સરકાર નાનામાં નાના નાગરીકનો ખ્યાલ રાખે છે.આ વેલ્ફેરમાં યોજના હેઠળ નાગરીકો જુદી જુદી પેટા યોજનાં આવે છે.જેમાં એક છે ફૂડ સ્ટેમ્પ.આ યોજનાં હેઠળ નાગરીકો ફૂડ કુપનો આપવામાં આવે છે.બીજી છે મેડીકેડ.જેમાં મફત દાકતરી સેવા ઉપલબ્ધ કરાય છે.ત્રીજી છે,હુડ હોમ સપ્લીમેન્ટરી; જેમાં ઘર વગરના પરિવારોને નજીવા ભાડા હેઠળ ઘર અપાય છે.પછી આવે છે.સોશિયલ સિક્યોરીટી આવક ;જે કમાણીના અને ટેક્સના આઘાર ઉપર પાછલી ઉમરમાં મળતી પેન્સન જેવી ટેકારૂપ રકમ છે.

અમેરિકામાં એક વ્યક્તિની વાર્ષિક આવક  અગિયાર હજારની ડોલરની હોય તો તે ગરીબીની રેખા હેઠળ આવતો નથી.છતાં પણ પરિવારમાં કમાનાર એક જ વ્યકિત હોય અને ખાનારા વધુ તો તેને આ બધા આર્થિક સહાયના વેલ્ફેર પ્રોગ્રામોનો લાભ મળી શકે છે.

અહીના સહુથી મોટા વેલ્ફેર પ્રોગ્રામમાં ફૂડ સ્ટેમ્પ,મેડીકેડ મહત્વના છે આ પ્રોગ્રામમાં જરૂરી હોય એ ફંડ જે તે રાજ્ય એનો પોતાનો ફાળો આપે છે.તેમાં અમેરિકાની ફેડરલ ગવર્મેન્ટ પણ સહાય આપે છે.

ફૂડ સ્ટેમ્પ પ્રોગ્રામ એટલે સપ્લિમેન્ટલ ન્યૂટ્રિશન આસિસ્ટન્સ પ્રોગ્રામ (SNAP),એ રાજયનાં   ફંડ ઉપર ચાલે છે.જ્યાં ઓછી આવક ધરાવતા પરિવારોને ખોરાકના ખર્ચની ચૂકવણી માટે દર મહીને મળતી ફૂડ કુપન હોયા છે જેના દ્વારા રોજબરોજની ખાઘ્ય ચીજવસ્તુઓ ખરીદી શકાય છે.ફૂડ સ્ટેમ્પ લાભો માટે કોઇ પણ અરજી કરી શકે છે.આ પ્રોગ્રામ મુખ્યત્વે મર્યાદિત આવક  ધરાવતા પરિવારોને આર્થિક મદદના હેતુ માટે ચાલતો હોય છે.મોટાભાગે આર્થિક કટોકટી અનુભવી રહેલા પરિવારો તેમજ ઓછી આવક ધરાવતા પરિવારોનો સમાવેશ થાય છે.

તદુપરાંત કોઈ પણ સિંગલ પેરેન્ટ્સ બાળક સાથે એકલું રહેતું હોય અને તેની કમાણીની આવક ઓછી હોય તો આવી સ્થિતિમાં તેને ફૂડ કુપન આસાનીથી મળી શકે છે.ગર્ભવતી  સ્ત્રી અને છુટાછેડા પામેલી માતા પણ આ પ્રોગ્રામનો લાભ લઇ  શકે છે.

અહી કામ કરવા અશક્ત હોય તેવા કામદારો કે સીઝનલ માઈગ્રેટ વર્કર પણ આ પ્રોગ્રામની લાભ મેળવી શકતા હોય છે.અમેરિકાનાં એક આકડા મુજબ 109,630,000 થી વધારે અમેરિકન વેલ્ફેર પ્રોગ્રામના લાભ ઉઠાવે છે જેમાં 467,000,000 ફૂડ સ્ટેમ્પ લેતા હોય છે જે સર્વે પ્રમાણે મોટો આકડો કહી શકાય જે આશરે માસિક 1000 ડોલર મળતો હોય છે.આ બધો ભાર ગવર્મેન્ટની  તીજોરીને  પડે છે છતાં પણ અહીની ગવર્મેન્ટ આ કામ કરવામાં ક્યારેય કચાશ રાખતી જોવા મળતી નથી.દરેક લાભાર્થીને નિશ્ચિત સમયે આ રકમ મળી જતી હોય છે આ અહીની સરકારનું એક જમા પાસું ગણી શકાય.

બાકી બીજા ઘણા દેશો છે જ્યાં મહિનો પૂરો થવા આવે છતાં  પણ આવી વેલ્ફેરની રકમ જરૂરિયાતના હાથમાં પહોચી શકતી નથી ,અને જો પહોચે તો તેનો કેટલોક હિસ્સો સરકારી કર્મચારીઓના ખીસ્સાનો ભાગ બની ચુક્યો હોય છે ,અમેરિકાની આ આખી યોજનાં  સમજવા જેવી છેઆ લાભ મેળવવા માટે  યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનાં નાગરિક હોવું જોઈએ અને  પરિવારની આર્થિક સ્થિતિના પુરાવા માટેના જરૂરી દસ્તાવેજો આપવા પડે છે.પરિવારની માસિક આવક પરિવારમાં રહેતા લોકોની સંખ્યાને આધારિત આવક મર્યાદા કરતા વધુ ના હોય તો આ લાભ મળી શકે છે.

અહી આ પ્રકારની અરજી દાખલ થયા પછી લગભગ મહિનામાં આ લાભ મળી શકે છે અને જો પરિવારની જરૂરીયાત કરતા આવક ઘણી ઓછી જણાય તો આ લાભ વહેલા પણ મળી શકે છે.

આતો વાત થઇ સરકારની નાગરીકોને મદદરૂપ થતી યોજનાની.હવે હું આ ફૂડ કુપન લેનારા વિષે હું આજના લેખમાં થોડું જણાવવા માગું છું.જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે.એ જ રીતે  આવા યોજનાઓ સાચી રીતે લાભા લેનારા છે તો બીજી બાજુ આ યોજનાનો  ગેરલાભ ઉઠાવનારા પણ અહિયાં ઘણા લોકો મળી આવે છે

આ ફંડ એવા લોકો માટે હોય છે જે પોતાનું કે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા અસમર્થ હોય છતાં પણ બનાવાએલા કાયદા મુજબ મોટી સંખ્યામાં એવા લોકો આ પ્રોગ્રામનો લાભ લેતા હોય છે જેને આની જરૂરીયાત હોતી નથી. અને આવી પરિસ્થિતિમાં એવા લોકો આ કુપનનો દુરુપયોગ કરતા હોય છે…..જેમકે આમાં મળેલી કુપનની નક્કી કરેલા ડૉલરથી  માત્ર ખાવાની વસ્તુ જ ખરીદી શકાય છે તો તેના બદલે કેટલાક લોકો પોતાના શોખ પોસવા કે દારુ કે સિગારેટ જેવા વ્યાસન માટે કે એનાથી વધારે નશાને પોષવા મળતી કુપનો ને ઓછી કીમતે વેચી તેના બદલે ડોલર ખરીદી લે છે.તો કેટલાક ઓળખીતાની દુકાનોમાં ખાધ્ય સામાન કુપનની નિર્ધારીત રકમથી ઓછો  ખરીદી અને બાકીનાં ડોલર લઇ રોકડા મેળવીને આ કુપનોનો દુરુપયોગ કરે છે..

અમેરિકામાં જેમ બાળકો વધુ હોય તેમ આ કુપન બધું મળે છે.તદુપરાત તેમના બીજા ખર્ચાઓ માટે ગવર્મેન્ટ અલગથી રોકડ રકમ પણ આપતી હોય છે.તથા નાના બાળકો માટે મિલ્કનાં ડબ્બા,સીરીયલ,એગ્સ,ચીઝ જેવી પોસ્ટીક ખાવાનું પણ અલગથી આપે છે.એમાનાં કેટલાક માં બાપ નાના ગ્રોસરી સ્ટોરમાં જઈ વેચીને બાળકોનાં ફૂડની વસ્તુઓનાં રોકડા કરી લે છે.આવી અંગત કમાણી થતી હોવાથી કેટલાક લોકો જાણીબુઝીને વસ્તી વધારો કરતા હોય છે..

એકલી રહેતી બાળકની માતા  હોય તો એ આઘારે સાવ સસ્તા દરે રહેવાનું મળી જતું હોય છે.તેને હુડ હોમ સપ્લીમેન્ટરીમાં ગણવામાં આવે છે.વૃદ્ધોને  પણ આ યોજનાં લાગુ પડે છે.    આ પ્રકારના ઘર  આપણે ત્યાં સામાન્ય પરિવાર રહેતા હોય તેના કરતા પણ કઈક વધારે સારા હોય છે.જ્યાં દરેક જાતની પ્રાથમિક  સુવિધાઓ હોય છે.અહીની ગવર્મેન્ટ પણ આ બધામાં ખાસ ચોક્કસાઈ રાખતી હોય છે .

આજ કારણે અહી આર્થિક રીતે પોષાય તેવા લોકો પણ જુઠાણા ચલાવી આવા ઘરમાં સસ્તા દરે રહેતા હોય છે.આ બધામાં આપણા  દેશી ભાઈ બહેનો પણ કઈ પાછા નથી પડતા.

અહી આપણા દેશી વૃઘ્ઘો જે હંમેશા કહેતા હોય છે કે અમેરિકમાં તો અમારું જીવન જેલ જેવું છે ,બહાર જઈયે તો કોઈ આપણા ના મળે ,કે કોઈ કેમ છો કહેનારા ના મળે ,ઠંડીમાં તો હાડકામાં દુખાવો થઈ જાય છે…. વગેરે વગેરે
પણ વિચારો કે આવું બોલનારા કેટલા વૃઘ્ઘો કે વડીલો અમેરિકા છોડી ભારત પાછા આવે છે ? ખાસ કોઈ નહિ કારણ છે અહી આવા અમેરિકન નાગરિત્વ ધરાવતા પાંસઠ વર્ષથી વધારે ઉંમર વાળા વડીલોને ગવર્મેન્ટ દર મહીને અમુક ફાળવેલ રકમ તેમના માસિક ખર્ચા પેઠે આપે છે અને આ મળતી રકમ માટે તેમને આ જ દેશમાં રહેવું પડતું હોય છે। . બસ આજ કારણ છે કે તેઓ આ દેશમાં રહે છે અને દર વર્ષે તેમાંથી પોતાની ટીકીટ વગેરે ખર્ચી બે મહિના દેશમાં ફરવા આવી જતા હોય છે
આ દેશ જ એવો છે કે વગર મજૂરીએ તમને દર મહીને આવી રકમ ઘરે બેઠા આપે છે પછી ભલેને તમારે તેની જરૂર હોય કે ના હોય। …. કેટલાક તો આવું ફંડ બટોરવા અમેરિકાની સોસ્યલ ઓફિસમાં જઈને ખોટી કમ્પ્લેન પણ કરતા હોય છે કે દીકરો અને વહુ કે દીકરી અને જમાઈ રાખતા નથી અને બદલામાં પેઈન્ગેસ્ટ તરીકે આપવા માટે ગવર્મેન્ટ પાસે થી મોટી રકમ મેળવી લેતા હોય છે
હું તો બસ આજ કહેવા માગું છું કે જે ઘરતી ઉપર રહો છો તેને પ્રેમથી અપનાવતા શીખો

સારી નોકરી કરતા હોય અને તેની એ જોબ કોઈ કારણોસર છૂટી જાય તો તેને તે વ્યક્તિને તેના પગારના ઘોરણે “અન એમ્પ્લોયમેન્ટ” એટલે કે બેરોજગાર  તરીકે ચોક્કસ રકમ દર મહીને બીજી નોકરી નાં મળે ત્યાં સુધી કે પછી અમુક સમય સુધી મળતી રહે છે. આ વખતે એવું જોવામાં નથી આવતું કે તેની પાસે બાકીની મિલકત કેટલા પ્રમાણમાં છે કે પરિવારના બીજા સભ્યોની આવક શું છે. જોકે આ સહુલીયતનો મોટા ભાગે ગેરઉપયોગ વધુ થાય છે કારણકે કેટલાક લોકો થોડો સમય કામ કરીને યેનકેન પ્રકારે નોકરી છોડી ઘરે બેઠા અનએપ્લોયમેન્ટ એટલે કે બેરોજગાર ભથ્થું વસુલ કરે છે.

કેટલાક લોકો તો આ પ્રમાણે ગવર્મેન્ટ પાસેથી બેરોજગાર ભથ્થું વસુલે છે અને બીજે રોકડ પગાર લઇ બીજી નોકરી કરતા હોય છે.જે પણ હોય આ ફંડ જરૂરીયાત વાળા માટે ફાળવાય છે તે તેવાજ લોકો સુધી પહોચવું જોઈએ.આ યોજનાઓ ગેરલાભ ઉઠાવનારાઓને બહાર પાડવા જોઇએ અને એ લોકોને સમાજનો એક ભાગ બનાવવાં જોઈએ.

હવે આવે છે “ચાઈલ્ડ વેરફેર” જેમાં બાળક ફેમેલી સાથે રહેતું હોય કે સિંગલ પેરેન્ટ્સ સાથે તેના ઉપર આઘાર રહેતો નથી…. અહી બાળકને કેવી સુવિધાઓ મળે છે તેના ઉપર આ પ્રોગ્રામ આધાર રાખે છે.જો બાળક પોતાનાઓ સાથે રહેતો હોવા છતાં એકલતા અનુભવતો હોય કે ફેમીલી સભ્યો તેની દરકાર નાં કરતાં  હોય એવી સ્થિતિમાં આ પ્રોગ્રામ હેઠળ બાળકને ફૂડ,મેડીકલ ટ્રીટમેન્ટ થી લઇ કાઉન્સ્લીગ એટલે કે બાળકના કુમળા મગજ ઉપર આવી પરીસ્થિતિની થયેલી વિપરીત અસર દુર કરવા માટે માનસિક સારવાર આપવામાં આવે છે. ક્યારેક પરિસ્થિતિ બહુ બગડે અને બાળક પોતાનાજ ઘરમાં તરછોડાએલુ  હોય તો તેની માટે ફોસ્ટર પેરેન્ટ્સ એટલે કે તાત્કાલિક રીતે દત્તક અપાય છે.અહી આવા બાળકો માટે ચાઈલ્ડ એડપ્સન પ્રોગ્રામ પણ ચાલતા હોય છે.

રેખા વિનોદ પટેલ
ડેલાવર (યુ એસ એ )
 

ડ્રગ્સ, નશો

ડ્રગ્સ, નશો

“ડ્રગ્સ”.. આજે આ શબ્દ પણ માત્ર અમેરિકા જ નહિ આખી દુનિયા માટે સરદર્દ બની ગયો છે.એક અહેવાલ પ્રમાણે ૨૦૧૦મા અમેરિકામાં ચાલીસ હજાર લોકોએ પોતાની જાન ગુમાવ્યા હોવાનો છે.ડ્રગ્સની ખરાબ આદતના કારણે વિશ્વમાં કેટલા લોકો મોતને ભેટે છે.

આજે અમેરિકામાં યુવાનોનો સૌથી મોટો શત્રુ ડ્રગ છે.આજકાલનાં યુવાનો બહુ જલ્દી હતાશા અનુભવે છે.એનું મુખ્ય કારણ અમેરિકા અને અન્ય પશ્ર્મિના દેશોમાં તૂટતી જતી કુટુંબપ્રથા મહદઅંશે જવાબદાર છે.આ પરિસ્થિતિની અસર માતા અને પિતાની હુંફ વિનાનાં કુમળા મગજના બાળકો અને યુવાનો ઉપર પડે છે.અને આવા યુવાનો સહેલાઈથી ડ્રગ્સનાં નશા તરફ વળી જાય છે.

જ્યારે અમુક પોતાની શ્રીમંતાય અને દેખાડૉ કરવામાં વિકએન્ડમાં યોજાતી રેવપાર્ટીમાં અવનવા ડ્રગ્સનાં નશો કરે છે..અને ધીરે ધીરે આ નશાનાં આદી બની જાય છે.

કેટલાક લોકો જીવનની કડવી વાસ્તવિકતા સામે લડવાને બદલે.એનાથી દુર ભાગે છે.અને તે માટે પહેલો સહારો નશામાં શોધે છે.કેટલાક લોકો આલ્કોહોલના બંધાણી બની જાય છે.અને ધીરેધીરે શરીરને ખલાસ કરે છે.જ્યારે કેટલાક ડ્રગ્સને અપનાવી ઝડપથી મગજ વિચારશક્તિ સાથે શરીરને ખલાસ કરી મોતને વહાલું કરે છે.

આજે જ્યારે માનસિક તાણ, ચિંતા અને હતાશા જેવી તકલીફો વધે છે ત્યારે સાથે સાથે વ્યસનોનું પ્રમાણ બફામ પણે વધી રહ્યું છે.અમેરિકા જેવા વિકસિત દેશોમાં હ્રદયરોગ પછી માનસિક રોગોનું સ્થાન આવે છે!આવા લોકો જલદી ડિપ્રેશન અનુભવે છે.અહી મોટાભાગે મા-બાપ હંમેશા બીઝી રહેતા હોવાથી બાળકો અને યુવાનોને જરૂરી કૌટુબિક હૂંફ અને ટેકો, મળતો નથી અને અસલામતી અનુભવતા હોય છે.પરિણામે તેઓ બહુ ઝડપથી ડ્રગ્સ અને નશાના બંધાણી બની જાય છે.

અહીના ડ્રગ ડીલરો આ વાત બહુ સારી રીતે જાણે સમજે છે માટે તેઓ સહુ પહેલા તેમના ટાર્ગેટ તરીકે આવા બાળકોને સ્કુલ અને કોલેજનાં પોતાના શિકાર બનાવે છે.અહીં ડ્રગ્સની હેરફેરમાં નાના બાળકોનો વધુ ઉપયોગ થાય છે.કારણકે ઓછા પૈસે તેઓ સરળતાથી ડ્રગ્સ ની આપલે કરી શકે છે.પોકેટ ખર્ચી માટે જરૂરી ડોલર મેળવવા આવા બાળકો યુવાનો વિચારતા નથી કે તેઓ ડ્રગ્સ નહિ પણ અમેરિકાનું ભાવી વેચી રહ્યા છે.

માફિયાગીરી,વેપન ડીલર કે કોન્ટ્રાક્ટ કિલર બનીને જે કમાણી નથી કરી શકતા.એનાથી પણ વધુ કમાણી ડ્રગ્સ દાણચોરીના ધંધામાં કરતા હોય છે.આથી આજકાલ ડ્રગ્સની હેરફેર બહુ વધી ગઈ છે.દક્ષિણ અમેરીકાનાં અમુક દેશોની સરકાર પર ડ્રગ્સમાફિયાઓ ખુફીયા કબજો ધરાવે છે..કોલંબિયાનાં ડ્રગ્સ માફીયાઓ આજે જગવિખ્યાત છે.અને આવા લોકો પર હોલીવુડમાં ફિલ્મ સુધ્ધા બની છે.

ડ્રગ્સની હેરાફેરી કરનારા લોકોની એક ખાસ અને સાંકેતિક સંજ્ઞા કે ભાષા હોય છે.દીવાલો ઉપર ચિત્ર કરેલા હોય જેને “ગ્રીફીટી” કહે છે.ડ્રગ્સ ડીલરો અહી દીવાલો ઉપર ખાસ પ્રકારના ચિતારામણ કરે છે એને લે-વેચ કરનારાઓને આ રીતે ચૂચના આપે છે .ટ્રાન્સપોર્ટેસન એરિયા ,એપાર્ટમેન્ટ કે શોપિંગ કોમ્પ્લેક્સ ની દીવાલોને આવા લોકો ચીતરી નાખતા હોય છે હદ તો ત્યારે થાય છે કે છત ઉપર ચડીને પણ આવા ચિતરામણ કરી જાય છે.જેટલી આ દીવાલોને ફરી રંગી સરખી કરવાનો પ્રયત્ન થાય તેટલી આવી ગ્રીફીટી વધતી જાય છે.અહીના પોલીસતંત્રને જાણ હોવા છતાં અપૂરતા પુરાવાને કારણે કે ક્યારેક આંખ આડા કાન કરી ચુપ રહે છે.અમુક જગ્યાએ તાર ઉપર ઊંધા લટકતા સૂઝ પણ આજ પ્રકારની નિશાનીઓ સૂચવે છે.

એક આંકડા મુજબ અમેરિકામાં જુદાજુદા નશા લેતા ચાલીસ કરોડ લોકો બંધાણી બન્યા હોવાના અહેવાલ છે અને વિશ્વમાં કુલ બસ્સો કરોડ જેટલા લોકો લોકો મેરવાના(વીડ) નામના ડ્રગસ નો ઉપયોગ કરે છે.જે કોકેન અને મેથેમફેરમીન,હેરોઈનની સરખામણીમાં ઓછું હાનીકારક ગણાય છે, છતાય નશો એ નશો છે અને હમેશાં નુકશાનકારક જ છે.

આજકાલ અફીણની ખેતી ખાસ ડ્રગ્સ માટેજ કરવામાં આવે છે અફઘાનિસ્તાનમાં વિશ્ર્વના કુલ અફીણના લગભગ પંચોતેર ટકા અફીણ પેદા થાય છે.અનેક પ્રકારોમાં મળતા આ ડ્રગ્સમાં
નેચરલ ડ્રગ્સ ( ભાંગ, ચરસ, ગાંજા અફિણ, મેરિજુઆના )સેમી સીન્થેટીક ડ્રગ્સ ( હેરોઇન, કોકેઇન )સીન્થેટીક ડ્રગ્સ ( એમફીટામાઇન, એકસટેસી) જેવા પ્રકાર પાડેલા છે આ બઘા નેચરલ ડ્રગ્સમાં હાનીકારક કેમીકલ ઉમેરી તેને અવનવા ડ્રગ્સમાં રૂપાંતર કરવામાં આવે છે
આવે દુનિયામાં સૌથી ખતરનાખ નશો હેરોઇન અને કોકેઇનનો છે જે સૌથી વધુ ઉતેજના માટે ઉપયોગ કરવામાં આવે છે.

કોકેઇનનો છે જે ઇન્જેકશન કે પછી સીગારેટ કે ભુંગળી દ્ગારા સ્નોટ(સુંઘી)ને લેવામાં આવે છે આ નશાની અસર એક કલાક સુધી ચાલે છે.આ નશો કરવાથી શરીર ઉત્તેજના અનૂભવે છે અને મન ભ્રમિત થઇ ખયાલોની દુનિયામાં વિહરવા લાગે છે.આનો ઉપયોગ ખેલકુદમાં ખેલાડીઓ ઉત્તેજિત રહેવા માટે પણ કરતા હોય છે,દુખની વાત છે કે આ નેચરલ ડ્રગની ખેતી થાય છે. જેમાં અફિણ અને કોકો પતિને કેમીકલ પ્રોસેસમાંથી હેરોઇન અને કોકેઇન બનાવાય છે.

આ નશો કરનાર તે સમયે પોતાનું બધુ દુઃખ અને વાસ્તવિકતા ભૂલી જાય છે.પોતાની અલગ સ્વપ્ન સૃષ્ટીમાં પહોચી જાય છે અને જેવી નશાની અસર ઓછી થયા ત્યારે પહેલા કરતા વધુ હતાશા અનુભવે છે અને ફરી ફરી આ ડ્રગ્સ લેવા લલચાય છે આરીતે તેના બંધાણી બની જાય છે.

અત્યારે અમેરિકામાં બહુ ચર્ચિત ડ્રગ્સ છે મેરવાના વિડ (મેરિજુઆના) ડ્રગ્સ,જેના કારણે છલાં કેટલાય સમય થી વિવાદ રહ્યો છે.આ ડ્રગ્સ જોકે તમાકુના સેવન કરતા ઓછું હાનીકારક છે છતાં પણ નશો હમેશા નુકશાનકારક રહ્યો છે.

આ ડ્રગ્સ અમેરિકામાં ૧૯૩૭ પહેલા કાયદેસર હતુ અને જાહેરમાં વેંચી શકતા હતાં. ત્યાર બાદ તેનું વેચાણ ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું હતું.પરંતુ ૩૦૧૪માં તેની જરૂરીયાતને ઘ્યાનમાં રાખી હાલ બે રાજ્યોમાં લીગલ અને બાકીનાં ચોવીસ રાજ્યોમાં પ્રીસ્ક્રીપ્સ્ન એટલેકે ડોક્ટરની સહી હોય તો દવા તરીકે બજારમાં મળવા લાગ્યું છે.નવાઈની વાત આ છે કે જુદાજુદા ખાદ્ય સ્વરૂપે,જેમ કે ચોકલેટ,બિસ્કીટ અને કેપ્સ્યુલમાં વેચાતું મળે છે.આનું ખાસ કારણ આ છે કે આ ડ્રગ્સમાં ટી.એચ.સી જેવા કેમિકલ્સ રહેલા છે.જે કેન્શર જેવા અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓને જ્યારે કિમોથેરાપી લેવાની થાય કે બધું પીડાકારક બીમારીમાં દુઃખ સહન ના થઈ સકે તેવી સ્થિતિ ઉભી થાય ત્યારે દુખને થોડો સમય ભૂલી મનને આનંદિત કરવા આ દવા તરીકે વપરાય છે.

પરંતુ જ્યારે આનો અતિરેક થાય છે ત્યારે આ દવા પણ ઝેર બની જાય છે.વાત જો એટલેથી અટકતી હોય તો સારું પરતું આનો પ્રચાર પણ કોઈ છોછ વગર જાહેરમાં થઈ રહ્યો છે.આ જાણીએ ત્યારે ખરેખર દુઃખ થાય છે.આજના ભાવી પેઢીની ચિંતા થાય છે.અમેરિકામાં પોપ સિંગરો સ્ટેજ ઉપર ચાલુ પર્ફોમ્સ કરતા મેરવાના સ્મોક કરીને જાહેરમાં પ્રદર્શન કરે છે. તેમને જોઈ યુવાનો પણ આધુનિક દેખાવા આવી વસ્તુનો ઉપયોગ વધુ છૂટથી કરવા લાગ્યા છે યુવાનોનાં મગજ ઉપર જ્યારે નશો સવાર થાય ત્યારે તેના ઉન્માદમાં નાં કરવાના કામ કરી બેસે છે.આ નશાના વધુ પડતા સેવનથી કાર એકસીડન્ટ અને મોતના બનાવો બહાર આવતા હોય છે.

હમણાં થોડા વખત પહેલા ન્યુયોર્કમાં ચાલતા ત્રણ દિવસના મ્યુઝીકલ શોમાં એક દિવસે શો બંધ રાખવો પડ્યો હતો કારણકે આખો દિવસ ઉત્તેજના પૂર્વક પ્રોગ્રામ જોઈ શકાય.એ માટે બે યુવાનો નશાનું વધુ પડતું શેવન કર્યું હતું જેના કારણે તેમના મોત નીપજ્યા હતા.જ્યારે આવું બધું જોઈએ ત્યારે એક વિચાર અવશ્ય આવે છે કે શું બે પળની મોજને જિંદગી કહી શકાય?

આ ડ્રગ્સનો ખતરો ફક્ત અમેરિકામાં જ છે તેમ નથી આ નશાખોરી આખી દુનિયામાં બરાબર ફેલાઈ છે.

આપણા દેશની વાત કરીએ તો ભારતની યુવાપેઢી પણ નશાની બંધાણી બની રહી છે, નશીલા પદાર્થોના વ્યસનનું દૂષણ મેગા સીટીથી માંડી નાનાં નાનાં ગામડાંઓ સુધી પહોચી ગયુ છે…. ભારત નું ભાવી પણ દિવસે દિવસે નશામાં ઘેરાતું જાય છે.મોટા શહેરો અને નાનાં નગરોમાં આ પ્રકારના નશાઓનો વ્યાપાર ખુલ્લેઆમ ચાલે છે.સસ્તી ઈંક બોટલ કે પચાસ રૂપિયાની પડીકીથી માંડી દસ હજારવાળી કોકિનની પડીકીથી આરામથી મળી રહે છે. આપણા દેશની સરકાર ડ્રગ્સ માફિયાઓ સામે નબળી અને ઢીલી સાબિત થાય છે.ગરીબીના કારણે કેટલાય બેરોજગાર યુવાનો ડ્રગ્સની હેરફેરમાં ઝંપલાવે છે.તેમા ખાસ કરીને બાળમજૂરો જેવા નાના બાળકોને જબરજસ્તી થી આ ઘંઘામાં સંડોવી દેવામાં આવે છે.એ બાળક કે કિશોર હોય છે ત્યાં સુધી ડ્રગ્સ માફિયા માટે તેના ધંધાના ફેલાવા માટેનું માધ્યમ બની રહે છે અને યુવા થયા બાદ તેજ એના ડ્રગ્સના આજીવન તેનું ગ્રાહક બની જાય છે.

આજ કાલ ભારતમાં પણ પશ્ચિમના રવાડે ચડી રેવ પાર્ટીઓ નું ચલન વધ્યું છે.આવી મોટા શહેરોની આવી પાર્ટીઓમાં ડ્રગ્સને હિરોઈનનાં સાંકેતિક નામથી બોલાવાય છે.રેવ પાર્ટીઓનું મુખ્ય આકર્ષણ હોય છે શરાબ, શબાબ, સિગાર અને ડ્રગ્સ ,અહી આવી પાર્ટીઓમાં નશીલી દવાઓનું પણ ખુલ્લેઆમ સેવન કરવામાં આવે છે.આ પ્રકારની પાર્ટીનું ગુપ્ત રીતે આયોજન કરવામાં આવે છે.મોટાભાગે આવી પાર્ટીઓ પૈસાદાર વર્ગ દ્વારા આયોજિત થતી હોય છે.આજકાલ શહેરની બહાર ફાર્મહાઉસ ની બોલબાલા વધુ છે અને ત્યાજ આવી પાર્ટીઓ ગોઠવાતી હોય છે.પૈશાદાર નબીરાઓની સાથે દોસ્તી કેળવવાના લોભમાં મધ્યમવર્ગીય પરિવારના યુવાનો અને ખાસ કરીને યુવતીઓ આવા રેવ કલ્ચરમાં ફસાતી જાય છે.અહી માદક દ્રવ્યોના નશો કરીને યુવક-યુવતી આખી રાત સાન-ભાન ભૂલીને નાચતાં રહે છે.

આપણે જો આપણી સંસ્કૃતિ અને નૈતિકતાને ભૂલી બીજાની દેખા દેખી ખોટા રવાડે ચડીએ તો બીજા સમક્ષ આંગળી ચીંધવાનો આપણને કોઈ અધિકાર નથી.અમેરિકા હોય ,બ્રીટન હોય કે ભારત.ડ્રગ્સ એક માથાભારે નશો છે જે આજના યુવાધનને શક્તિવીહીન કરી રહ્યું છે. હજુ આપની પાસે સમય છે જો સમય રહેતા આંખો ખુલ્લી રાખી આ બાબતે ચોક્કસ પગલા લેવામાં આવે તો ઘણું સુધારી શકાય તેમ છે .

રેખા પટેલ
ડેલાવર (યુ.એસ.એ)

 

“અમેરિકાની આજકાલ” લેખ.નં-૮..”રંગ ભેદ”

આજથી લગભગ બસ્સોથી વર્ષ પહેલા અમેરિકામાં રંગભેદનું પ્રમાણ વધુ હતું.એનું મુખ્ય કારણ એ હતું કે એ વખતમાં અમેરિકાના આર્થિક વિકાસ માટે કામ કરી શકે એવા માણસોની જરૂર પડી હશે.કારણકે એ વખતે આઘુનિક યુગની મશીનરી નહોતી,અને એ વખતે પથ્થરોમાંથી રસ્તા કરી સકે તેવા સશક્ત માણસોની વધુ જરૂર હતી.ત્યારે ખાસ કરીને આફ્રિકાના દેશોમાંથી માણસોને કામની લાલચ અથવા પરાણે પકડીને અહીં લઇ આવવામાં આવતાં.જેમને ગુલામ પણ કહેવાતા હતા અને સમય જતા તેઓ અમેરિકામાં રહીને અહીના થઇને ભળી ગયા.

અમેરિકામાં કાયમી વસવાટ અને અમેરિકન નાગરીકત્વ પામવા માટે આ લોકોને રંગભેદ વિરુદ્ધ લડાઈ કરાવી પડી હતી.માર્ટીન લ્યુથરની એ રંગભેદની લડાઇને ક્યાંથી ભૂલી શકીએ..અહીંયાનાં કાળા લોકો માટે એ હીરો છે. ન્યાયની રીતે વિકસિત અમેરિકામાં વીસમી સદીના મઘ્યભાગ સુધી તેમને તેમના હકોથી વંચિત રહેવું પડ્યું હતું..આ બાબતને અમેરીકાની એક કાળી બાજુ કહી શકાય.

સહુ પ્રથમાં અશ્વેત મહીલા રોઝા મોન્ટગોમેરીએ ગોરા વ્યક્તિને બસમાં સીટ આપવાનો ઇનકાર કરીને વિદ્રોહ કર્યો હતો, તેણે અમેરિકન સિવિલ રાઇટ્સ ની લડતમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકાની સંસદે તેમને ધ મધર ઓફ ફ્રીડમ મૂવમેન્ટ’ નામ આપ્યું હતું.

છેવટે માર્ટીન લ્યુથર કિંગની લડત પછી અશ્વેત અમેરિકન પ્રજાને કઈક અંશે સમાન હક પ્રાપ્ત થવાની તક ઉભી થઈ. આ લડતે અશ્વેત લોકો માટે આશાનું કિરણ જન્માવ્યું હતું. અમેરિકન સિવિલ રાઇટ્સ મૂવમેન્ટ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.અને આ ચળવળને અમેરિકાની સંસદે “ધ મધર ઓફ ફ્રીડમ મૂવમેન્ટ’ નામ આપ્યું હતું.

આજે વિશ્વભરમાં ગ્લોબલ વિલેજની વાતો થાય છે. વિશ્વમાંથી ગરીબીને હાંકી કાઢવા માટેની આ હાકલ છે.છતાં આમ જો જોવા જઈયે તો આખા વિશ્વમાં ક્યાય શાંતિ પ્રવર્તતી નથી
માણસ-માણસ વચ્ચે પ્રેમ નથી, આદર નથી. આજનો માણસ રંગ,જાતિ,દેશ,પ્રદેશના નામે મારો કાપોના રસ્તાને વધુ અપનાવે છે ત્યારે આવા વખતમાં અમેરિકાની રંગભેદ નીતિ ઉપર નજર નાખવું આવશ્યક છે.

હા સાચું છે કે શ્વેત અશ્વેત વચ્ચે એક અંતર કાયમ રહ્યું છતાં પણ થોડા ઘણા મનબેદને બાદ કરતા અહીની પ્રજા બહુ ઝડપથી બદલાવને અપનાવી લે છે.એજ્યુકેશનલ કે પ્રોફેશનલ બેક ગ્રાઉન્ડ્ઝ પર દુનિયાના જુદા – જુદા દેશોમાં કેટલાય લોકો રોજ અમેરિકાના જુદાજુદા એરપોર્ટ ઉપર ઠલવાય છે અને અહી આવતા દરેક પોતપોતાની જરૂરીયાત મુજબ ગોઠવાઈ જાય છે.

જ્યારે આપણા દેશમાં તો વર્ષોથી વસવાટ કરી રહેલા,આપણા ઘરઆંગણે વસતા લોકો સાથે એક અંતર આખીયે છીએ. આજે જ્યારે પણ ભારતમાં જાતિવાદની વાત આવે ત્યારે અમેરિકાની રંગભેદની વાત અચૂક થાય છે.પણ તે યોગ્ય નથી કારણકે અહીનો રંગભેદ તે શ્વેત અશ્વેત વચ્ચેનો છે.આ બંને અલગ પ્રજાતી છે.જે અલગ અલગ ખંડોમાંથી આવેલી હતી. શ્વેત પ્રજા મૂળ યુરોપના દેશોમાંથી આવીને અહી વસી હતી.જ્યારે અશ્વેત આફ્રિકાના દેશોમાંથી કામ કરવા લવાએલી પ્રજા હતી તેમનો રંગ રૂપ બોલી અને વિચારશક્તિ બધુજ સાવ ભિન્ન હતું આથી બંને વચ્ચે એક અંતર હોવું સ્વાભાવિક છે.

જ્યારે આપણા દેશમાં દેશમાં એક સરખા રંગ રૂપ અને બોલી વાળી આર્યવંશની પ્રજા વચ્ચે તો જુના સમય કાળથી બ્રામણ,વૈશ્ય,ક્ષત્રિય અને ક્ષુદ્ર એવા ચાર ભાગ પાડી દેવાયા હતા. પછી ઉચનીચ એવા જાતીય ભેદભાવ થયા અને એક સરખા દેખાવ અને એકજ ભૂમિના લોકો વચ્ચે અણગમાના બીજ રોપાયા.જુના સમયમાં ઉચ્ચવર્ણનાં લોકો સામે ક્ષુદ્ર સમાજનો માણસ પસાર થાય તો માથા પર ચપ્પલ મુકીને પસાર થવું પડતુ.હદ તો ત્યા સુધી થતી કે ઉચ્ચવર્ણ સિવાયનાં લોકોને ગામનાં કુવામાંથી પાણી સુધ્ધા ભરવાની મનાઇ હતી.

આ જાતીય ભેદભાવે હજારો વર્ષોથી માણસથી માણસને દુર કરવામાં ભાગ ઘણૉ મહત્વનો ભજવ્યો.ભારતમાં અટક ઉપરથી માણસનો વર્ગ નક્કી થાય છે કે એ કઈ કોમનો છે.એ જાણી શકાય છે.અને આ ઉપરથી તે સુદ્ર છે કે ઉજળીયાત છે એવા અણગમતા શબ્દોનો પ્રયોગ થાય છે.

જ્યારે અમેરિકામાં આ રીતે અટકનાં નામે વ્યવહારમાં કોઈ ઉચનીચ જેવું છે જ નહિ ,અહી સ્મિથ કાર્ટર પાર્કર કે જહોન્સન જેવી અટકો ઉપરથી કોઈની ઉચનીચ કે જાતી પ્રજાતિ નક્કી થતી નથી.આ દેશમાં લાખો લોકો બહારના જુદાજુદા દેશોમાંથી આવ્યા છે અને સમયાંતરે અહીના વતની બની ગયા છે.અને એક બીજી જ્ઞાતિઓ તથા વિભિન્ન પ્રજાતીના સાથેના આંતરવિવાહને કારણે હવે અમેરિકામાં મિક્સ પ્રજાની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો છે. અને જેના પરિણામે અહી રંગભેદ ઘટતું જાય છે.

યુરોપના દેશોમાંથી અને ખાસ કરીને સ્પેનીશ પ્રજા આવી પછી અહી રશિયન, ગ્રીક, ઈટેલિયન, આઈરિશ,લાંબો વખત પછી એ અમેરિકન જ બની જાય છે.અલગ અલગ સંસ્કૃતિનું મિશ્રણ ક્યારેક નવીનતા અર્પી જાય છે.આજનું જાઝ સંગીત એ શ્વેત અશ્વેત સંસ્કૃતિનો સ્વમન્વય છે.અમેરિકામાં અમેરિકન આફ્રિકન લોકોએ યુરોપની હાર્મની અને આફ્રિકન સંગીતનો સમન્વય કરીને જગતને એક મધુર પ્રકારના સંગીતની ભેટ આપી છે

આજના યુગમાં ટેક્નોલોજી કે વિજ્ઞાનના કારણે વિશ્વ નાનું થતું જાય છે ઝડપી વિમાન વાહનવ્યવહારના કારણે સ્થળોની દૂરતા ઘટતી રહી છે.જેના કારણે દુનિયામાં એક ભેદરહિત માનવ સમાજ બન્યો હોવાનો ભાસ થાય છે.પરંતુ માનસિક રીતે ઘર કરી ગયેલો ભેદભાવ એક સહેજમાં છૂટતો નથી.

શ્વેત અને અશ્વેતની રંગથી લઇને રહેણીકરણીથી લઇને બોલી સુધી બધું અલગ છે.બીજુ એક કારણ છે અશ્વેત પ્રજા ગોરા લોકો જેવું સ્વચ્છ અને સુધડ રહેણીકરણી ધરાવતા નથી.વધારામાં અમુક વિસ્તારોમાં જ્યાં અશ્વેત પ્રજાઓ વસે છે.એ વિસ્તારોની સ્વચ્છતાનું ધોરણ જળવાતું નથી.શાંતિપ્રિય ગોરા લોકોને આવા વિસ્તારનાં કોલાહલ જરા પણ પંસદ નથી.આવા અનેક કારણોને ક્યારેક આંતર જ્ઞાતિઓ ઓછાવધતા કોમવાદના ઝગડા જોવા મળે છે.પરતું તે વધુ પડતા ભિન્નભિન્ન સોચ અને સમાજના આઘારે થતા હોય છે

આજે પણ પ્રાઈવેટ સ્કૂલો કોલેજોમાં ક્યારેક બે અલગ જૂથો પડેલા જોવા મળે છે.છતાં પણ આ પ્રમાણ નહીવત હોય છે.રમતગમત ક્ષેત્રે ,સંગીત ક્ષેત્રે આફ્રિકન અમેરિકન યુવકો ગજબનું પ્રભુત્વ ઘરાવે છે આથી હવે ઘણી ગોરી છોકારીઓમાં અશ્વેત યુવકોનું આકર્ષણ વધતું જાય છે.અને આના પરિણામે શ્વેત યુવતીઓ અશ્વેત યુવકોને બોય ફ્રેન્ડ બનાવવા લાગી છે. જોકે આ પ્રમાણમાં ગોરા યુવકો સાથે કાળી છોકરી ઓછી જોવા મળે છે પરતું હવે આ છોછ દિવસે દિવસે ઘટતો જાય છે.

આજ એક સચોટ ઉદાહારના છે કે અમેરિકા જેવા સુપરપાવર દેશનો વડો અશ્વેત છે ” બરાક ઓબામાં ”

“આપણે કહીએ છીએ કે ગામ હોય ત્યાં ઉકરડો રહેવાનો” અમેરિકામાં એક એવો વર્ગ પણ છે કે જેને કામ કરવામાં રસ નથી તેમને બસ મોજ મસ્તી માટે ડોલરની જરૂર છે.અને આવા લોકો પોતાના શોખ અને ડ્રગ્સની આદતને પોષવા માટે અમેરિકામાં રોબરી કરતા ફરે છે. આવા એક જૂથના કારણે બાકીના મહેનતકશ માણસો બદનામ થઈ જાય છે.આવા લોકો આખો દિવસ મજુરી કરી ઘંધો ચલાવે અને સમય અને તક મળતા રોબરી કારનારા ગન પોઈન્ટ ઉપર બધું લુંટી જાય છે.ત્યારે અવશ્ય પણે એક ઉશ્કેરાટ છવાઈ જાય છે.ક્યારેક વાત આટલાથી અટકતી નથી અને લુંટ કરનારના ગુસ્સા અને જુસ્સામાં દુકાનદારને કમોતે મરવું પડે છે.

આવા લૂટ કરનારા લોકો માં જેટલા અશ્વેત છે એટલા જ શ્વેત યુવાનો પણ છે.માત્ર રંગના કારણે ભેદભાવ કરવો યોગ્ય નથી.પણ હા તેમની હરકતોના કારણે ભેદભાવ કરવો પડે તો માન્ય છે.

અમેરિકામાં એક વાત મહત્વની છે કે અહી રાજકીય અને સરકારી ક્ષેત્રે રંગભેદને કારણે અશ્વેત કે બીજા દેશોમાંથી આવેલા સીટીઝન તરીકે વસતા અમેરિકનોને અન્યાય થતો નથી મોટી મોટી પોસ્ટ ઉપર લાયકાત પ્રમાણે જ તેમને કામ અપાય છે.

અહી તેમના રહેવાની જગ્યા અલગ અલગ હોય તેવું ક્યારેય હોતું નથી.પરતું હા સહુને પોતપોતાના જેવા સાથે વધુ બને તે પ્રમાણે કેટલીક જગ્યાઓમાં માત્ર અશ્વેત વસતા હોય છે ક્યારે કેટલીક જગ્યાઓમાં શ્વેત અમેરિકનોનું પ્રમાણ વધુ હોય છે.અમેરિકા અશ્વેત લોકોના કારણે આજે “બ્રોન્કસ” પ્રખ્યાત થઇ ગયું છે.અને “બ્રોન્ક્સ”નાં નામ પરથી જેકીચેનની પ્રખ્યાત ફિલ્મ “રંબલ ઇન ધ બ્રોન્કસ” બની હતી.

પરદેશની રંગભેદની પીડા જેવો જ અનુભવ થાય છે તેવું નથી.ભારતમાં જ રહેતા ભારતીયોમાં પણ વાણિયા,બ્રાહમણ,પટેલ જેવી જ્ઞાતિનાં લોકો પોતાને ઉચ્ચ જ્ઞાતિના કહીને દલિત સમાજના લોકોને તેમનાથી દુર રાખે છે.તેમના રહેઠાણની નજીક રહેવાનું પસંદ કરતા નથી આજે પણ દલિતને ‘સારા’ એરિયામાં મકાન ભાડે મેળવવું દુર્લભ છે!જ્યારે અમેરિકામાં આવું કોઈ બંધન હોતું નથી.જે તે વ્યક્તિ પોતાની હેસિયત પ્રમાણે કોઇ પણ વિસ્તારમાં ધર બનાવી શકે છે અથવા ખરીદી શકે છે..

આ વાત પરથી અમુક આપણા ગુજરાતનાં અમુક કિસ્સાઓ યાદ આવે છે..અમુક શહેરમાં જ્યારે બહુમાળી ઇમારત બનતી હોય છે ત્યારે ફલેટ બુકિંગનાં સમયે અમુક ચોક્કસ જ્ઞાતિનાં લોકોને ફલેટ બુક કરવામાં આવતો નથી..આ પણ રંગભેદ કે જ્ઞાતિભેદનો એક વરવો પ્રકાર જ કહી શકાય.

આજે હું મારો ખુદનો અનુભવ અહી રજુ કરૂં છું ….. આજથી ચૉવીસ વર્ષ પહેલા જ્યારે હું અમેરિકામાં પહેલી વખત આવી ત્યારે મારું પહેલું ઘર એક એક અશ્વેતનાં પાડૉસમાં હતું. કારણકે અમાતો સ્ટોર એ એરિયામાં હતો.તેથી સ્ટોરની ઉપરના ભાગમાં આવેલા મકાનમાં અમે રહેતા હતા.

ચાર માઈલના વિસ્તારમાં એક ગોરાને જોવો મુશ્કેલ હતો.આ એરિયા બહુ રફ હતો લોકો અહી ઘોળા દિવસે આવતા ડરતા હતા.હું સાવ નવી આવેલી હોવાથી આ બધું જોઈ ડરતી હતી.પણ મારા પતિના કહેવા પ્રમાણે અહી બધા જ સારા છે અને મારા મિત્ર જેવા છે.અને એની વાત માની હું ઘીમે ઘીમે આ લોકો સાથે ગોઠવાતી ગઈ.ત્યાં હું એક વર્ષ રહી હતી પણ મને ક્યારેય કડવો અનુભવ થયો ન. ક્યારેક પાર્ટીમાંથી રાત્રે મોડા ઘરે આવતા અને મેં સોનાના દાગીના પહેર્યા હોય તો ત્યાં બેઠેલા યુવકો મને”યુ આર લુકિંગ પ્રિટી” કહીને વખાણ કરતા.અને ઉભા થઇને મારા જવાની જગ્યા કરી આપતા.મને ક્યારેય તે લોકોનો ડર લાગ્યો નહોતો

આમ રંગ ઉપરથી માણસના સ્વભાવનું નક્કી કરવું યોગ્ય નથી

રેખા વિનોદ પટેલ
ડેલાવર(યુએસએ)

 

અમેરિકા “લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટી’

 

અમેરિકા “લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટી’

લોકશાહી મતલબ પ્રજાતંત્ર ,પ્રજાના અવાજનુ એક વજન જે તે દેશની રાજકીય વ્યવસ્થા પર પડે છે.લોકશાહીએ આપેલી સહુથી મોટી ભેટ એ દેશની પ્રજાને વાણી સ્વતંત્રતા અને વૈચારિક સ્વતંત્રતા.

સ્વતંત્રતાને નામે કોઈની લાગણીઓ ના દુભાય એવી રીતે વાણી સ્વાતંત્રતાની માનસિકતા વિચારસરણીનું ઘડતર કરે છે.અને તેનો યોગ્ય રીતે જો ઉપયોગ કરવામાં આવે તો ગમે તેવા જટિલ લાગતા પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે.લોકશાહી ધરાવતા ધણા દેશ આ દુનિયામાં છે…આજે અમેરિકાની વાણી સ્વતંત્રા વિશે થોડી વાત કરવી છે.જેને પશ્ચિમનાં દેશોમાં એને
“ફ્રીડમ ઓફ સ્પીચ”કહે છે

અમેરિકાનું એક સહુથી મોટું જમા પાસું હોય તો એ છે.”ફ્રીડમ ઓફ સ્પીચ”

અહી વસતી નાની હોય કે મોટી દરેક વ્યક્તિને પોતાના વિચારો રજુ કરવાનો સમાન હક છે.અહીં વાણીસ્વતંત્રા બાબતે અમીર કે ગરીબનો કોઇ ભેદ નથી.એક સામાન્ય માણસ પણ ઉચી પોસ્ટ ઉપર બેઠેલા અધિકારીને પોતાની વાત અને વિચારોને બેધડક એની સમક્ષ રાખી શકે છે.

આ સવલત આપણા ભારત દેશની લોકશાહીમાં શક્ય નથી.મોટા ભાગે આપણે ત્યાં નાનો ગરીબ માણસ જો ભૂલથી પણ કોઈ અધિકારીને તુકારો કરે કે તું નકામો છે.એવું કહે તો બિચારા તે ગરીબ માણસને એના વર્તન બદલ કેટલાય કડવા અનુભવોનો સામનો કરવો પડે છે.આ જ વાત ભારત અને અમેરિકાનાં ગરીબ અને અમીર વચ્ચેનો ફર્ક બતાવે છે.

જ્યારે અમેરિકામાં અહી કોઈ સામાન્ય માણસ પણ જો અધિકારી ફોલ્ટમાં”વાંકગુનામાં ” આવે તો યુઝલેસ એટલે કે “નકામો” છે એવું એની સમક્ષ કહે તો.અને બદલામાં જે તે અધિકારી “થેક્યું” કહી ચુપ રહે છે.

લોકશાહીએ દેશની દરેક વ્યકિતને એ અબાધિત અધિકાર નથી આપ્યો કે,કોઈના દિલને ઠેસ પહોંચે,પરંતુ કોઈના અભદ્ર વર્તન કે દાદાગીરી સામે પડકાર ફેકવો જરૂરી છે જે અમેરિકાનાં દરેક નાગરીકને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો અબાધિત અધિકાર આપ્યો છે.અહી નાનામાં નાના માણસની વાતને ધ્યાનમાં લેવામાં આવે છે.જે અમેરિકા જેવા દેશમાં જ શક્ય બને છે.

અમેરિકાનું એક બીજી જમા પાસુ એ છે કે અમેરિકાને “લેન્ડ ઓફ ઓપર્ચ્યુંનીટી’ પણ કહે છે.
એનું ખાસ કારણ એ છે કે,અહી ભલેને ખાલી ખીસ્સે ભલે આવ્યા હોય.પરંતુ જો તમારામાં આવડત હોય અને કામ કરવાની તાકાત હોય તો ખિસ્સાને ભરાતા વાર લાગતી નથી.

એવા તો હજારો ઉદાહરણ જોવા મળે કે ખાલી હાથે આવનારા માણસો આજે મોટી મોટી કંપનીના માલિક બની ગયા છે કે મોટી ફાઈવસ્ટાર હોટલોના માલિક બની ગયા છે.આ બધું આ જ દેશમાં શક્ય બને છે.

જ્યારે આપણા દેશમાં ખાલી હાથે ગામડામાંથી શહેર આવેલો સામાન્ય માણસને બે ટંક રોટલા અને એક છત મેળવવા માટે આખી જિંદગી પૂરી કરી દેતો હોય છે.જ્યારે અહી સાવ પારકા દેશમાં પારકી ભૂમિ ઉપર આવેલો માણસ જેની ભાષા રહેણી કરણી બધુ જ સાવ અલગ છે.છતા તે અહીંયા બહુ જ થોડા સમયમાં અહીનો થઈને રહી જાય છે અને ભળી જાય છે જાણે દૂધમાં સાકાર હોય તેમ…. આનું કારણ છે કે આ દેશ જુદા જુદા દેશમાંથી આવેલા અલગ અલગ જાતના અને અલગ ધર્મના માણસોને પણ પ્રેમથી અપનાવી લે છે.

જ્યારે આપણા દેશમાં ગામ આખું હિંદુઓનું ગામ હોય ત્યા જ કોઈ પર જ્ઞાતિ અથવા મુસ્લિમ સમાજનું કોઈ આવે કે મુસ્લિમ સમાજમાં કોઈ હિંદુ આવીને વસે કે કોઈ ધંધો કરે તો સામાન્ય રીતે બહુમતી ધરાવતા સમાજને અંદરથી નહીં ગમે.જ્યારે અહીયાં તો સાવ અલગ ખંડમાંથી આવેલા લોકોને પણ પ્રેમ અને આદરથી અપનાવી લેવાય છે.અને એટલુ જ નહી,એને ડૉલર કમાવાની પુરેપુરી છૂટ આપવામાં આવે છે

અમેરિકા એક એવો દેશ છે જ્યાં ઉંચ નીચ જેવું કઈ નથી.અલગ અલગ દેશોની પ્ર્જાતિ વાળા લોકો એક સાથે રહેતા હોય છે.આ દેશ પાસેથી અલગ અલગ પ્રાંતો માટે લડતા લોકોએ આ શીખવા જેવી બાબત છે.

અહી ઝીરોમાંથી સર્જન કરવું હોય તો શક્ય બને છે,એનું કારણ એ છે કે અહી કોઈ પણ કામ કરવામાં નાનાપ અનૂભવવી પડતી નથી.એટલે સુધી કે આપણા દેશમાંથી આવેલો માણસ ત્યાં ગાડી અને ડ્રાઈવર રાખી ફરતો હોય છે.પરંતુ અહી આવી નવેશરથી જીવન ગોઠવવા માટે મોટેલમાં કામ કરવું પડે તો તે બેધડક કરે છે. મોટેલમાં કામ કરવું એટલે રૂમની સફાઈથી માંડી બાથરૂમ સાફ કરવાથી લઇ કચરો કાઢવાનું દરેક કામ આવી જતું હોય છે ,આ કામ કોઈ જાતની શરમ વગર તે કામ કરી શકે છે.

જ્યારે આપણા દેશમાં સમાજ શું કહેશેની બીક હોય છે એવી બીક અહી હોતી નથી.અને આ જ પહેલું પગથીયું છે મનમૂકીને અમેરિકામાં કામ કરવાનું.

અમેરિકાના મોટામોટા સ્ટોરના માલિકો પણ પોતાના સ્ટોરનેમાં જાતે સફાઈ કરે છે.એટલે સુધી કે માણસ કદાચ નાં આવ્યો હોય તો બહાર પાર્કિંગલોટ પણ જાતે સાફ કરી નાખે છે આ કામમાં શરમ હોતી નથી.

જેમ આપણા દેશની માફક અમેરિકામાં સરકારી કે અર્ધ સરકારી ઓફિસમાં કોઈ પ્યુન કે નોકર જેવું સ્થાન હોતુ નથી. અહીના દરેક કર્મચારીને પોતાના કામ જાતે કરે છે.પાણી પીવું હોય કે કોફી કે ચા પીવી છે તો જાતે જઇને લઇ આવવું પડે છે.જ્યારે આપણા દેશમાં મોટો માણસ એની નીચેનાં કર્મચારીઓનો સાહેબ બની જાય છે.પાણીનું સ્ટેન્ડ પાસે હોવા છતાં એક ગ્લાસ પાણી માટે બીજા માણસને બુમ મારીને બોલાવે છે.” પોતાના કામ જાતે કરતા સીખીયે તો સારું”.પણ એક રીતે જોઇએ તો આપણા દેશમાં આ બહાને ઓછું ભણેલા કે અભણ માણસોને રોજી રોટી તો મળી રહે છે.

એવી જ રીતે અહીંના ઘરોમાં કામવાળી બાઇઓ કે રામા નથી હોતા.. મિલિયોનર કહી શકાય એવા માણસને પણ પત્નિ સાથે ખભેખભા મિલાવીને ઘરનાં મોટા ભાગનાં કામ જાતે જ કરવા પડે છે.જ્યારે અહીંયા ભારતિય નારીની જેમ ધરનાં કામ નારીએ જ કરવા પડે એવું નથી ,એનું કારણ પણ છે મોટે ભાગે અહીયાં પતિ પત્ની બંનેએ ઘર ચલાવવા નોકરી કરવી પડે છે.સમયનો અભાવ અને ફકત સ્ત્રીઓને પુરતી સ્વતંત્રતા મળે એ બહાને અહીના પુરુષોનાં ઘરનાં કામ કરવામાં નાનપ અનૂભવતા નથી.
જોકે હવે ભારતમાં પણ મોટા શહેરોમાં જ્યાં પતિ પત્ની બંને કામ કરતા હોય ત્યારે એકબીજાના સાથ સહકાર થી ઘરકામ કરતા જોવા મળે છે.

સ્ત્રી અને પુરુષો વચ્ચે જાહેર કે ખાનગી ઓફિસમાં આપવામાં આવતી સમાનતા અમેરિકાનું એક જમા પાસુ છે અહી નોકરી કે કામ માટે સ્ત્રી અને પુરુષોને સરખું પ્રાધાન્ય આપવામાં આવે છે. જો કે હવે દરેક જગ્યાએ સ્ત્રીઓ પુરુષોને સમોવડી ગણાય છે છતાં પણ ઘણા એવા દેશ છે.જ્યાં પ્રમોશનની વાત આવે ત્યારે પુરુષોને આગળ રખાય છે તેમની કાર્યદક્ષતાને અંકાય છે.
જ્યારે આ દેશમાં આ પ્રકારની સવલત પુરુષ કર્મચારીઓને મળતી નથી. સ્ત્રીઓને પણ પુરુષોના સમાન હોય એવા તમામ હક આપવામાં આવેલા છે.

અમેરિકામાં રીટાયરમેન્ટની ઉંમર ભારત કરતા લાંબી હોય છે.અને રીટાયરમેન્ટ પછી માણસ સશ્કત હોય અને શારીરિક અને માનસિક રીતે કામ કરી શકે એવો હોય તો સામાન્ય રીતે કંપનીઓમાં ઉંમરલાયક થવા છતાં કામ કરી શકે છે. મહેનત અને લગન આ દેશનું પહેલું સુત્ર છે.

ધારો કે અમેરિકામાં તમારી પાસે ખાસ મૂડી ના હોય તો પણ તમે આસાનીથી બેંકમાંથી લોન લઇ પોતાનો કોઈ ધંધો શરુ કરી શકો છો.અહી લીગલ એટલે કે અમેરિકન નાગરીકતા મેળવેલ દરેક વ્યક્તિને સોશ્યલ નંબર આપવામાં આવેલા હોય છે.જેથી કોઈ પણ સ્ટેટનાં કોઇ પણ શહેરમાં એ નંબર નાખતા કોમ્પ્યુટરમાં જે તે વ્યક્તિની સંપુર્ણ માહિતી મળી આવે છે.અને તેનાં ઉપરથી તેને નાની લોન તરત મળી જાય છે.જો કે હવે છેલ્લા કેટલાક સમયથી ચાલતા રીસેશનના(નાણાકિય કટૉકટી)કારણે લોન મળતા તકલીફ પડે છે. છતાં પણ ભારત કરતા વધુ આસાનીથી અને ઓછા વ્યાજે લોન મળી શકે છે.

પહેલા ભારત દેશમાં વ્યાજનાં દર બહુ ઉંચા હતા.એક સમયે બેંકમાં વાર્ષિક ચોવીસ ટકા જેવું વ્યાજ વસુલ કરવામાં આવતા.ધીરે ધીરે વ્યાજ દર ધટતા આજે દસથી પંદર ટકાના દરે લોન મળી રહે છે.છતાં પણ સામાન્ય માણસને લોન આપવામાં ધીરાણ સંસ્થાઓ આજે પણ ગલ્લાતલ્લા કરે છે.જ્યારે અમેરિકામા સામાન્ય માણસને લોન લેવી હોય અને ધંધો કરવા માટે એને સ્વપ્ન હોય ત્યારે સામાન્ય માણસને અહીની ધીરાણ સંસ્થાઓ આસાની લોન આપી શકે છે, અહી લોન પણ માત્ર પાચ ટકા વ્યાજના ધોરણે મળે છે.

અમેરિકામાં જુદા જુદા દેશના લોકો આવીને વસ્યા છે.અલગ અલગ સંસ્કુતિથી બનેલો આ દેશ ઉદારવાદી નીતિ અપનાવે છે.અહી આવેલા બધાને અપનાવી પોતાના બનાવી લેવાની કળામાં આ દેશ માહેર છે. તેથી જ બહારના દેશોમાંથી ભણેણું યુવાધન અમેરિકામાં રહેવાનું કે સ્થાઈ થવાનું પહેલું પસંદ કરે છે.અહી તમારી બુદ્ધિનું અને હોશિયારીનું પૂરેપૂરું વળતર મળે છે. જો કોઈ માણસ કોઈ નવીન વસ્તુની શોધ કરે અને તેની પેટર્ન બનાવે તો આ દેશમાં તેની શોધ અને પેટર્નનું નામ સાથે એને વળતર મળે છે.

આપણા દેશમાં ભણેલા તેજસ્વી લોકોને તેમના ભણતરનું કાબેલીયતનું એટલું વળતર મળતું નથી જેટલું અમેરિકામાં મળે છે.આથી સાયન્ટીસ્ટ હોય કે ડોક્ટર્સ હોય તેમની નજર અમેરિકા જેવા ધનાઢ્ય દેશો તરફ જ દોડતી હોય છે.અમેરિકામાં નવી નવી પ્રેક્ટીસ શરૂ કરતા ડોક્ટરો પણ વર્ષે દહાડે એક લાખ ડોલર એટલે પચાસ લાખ રૂપિયા આસાનીથી કમાઈ શકે છે.આટલી કમાય ભારતમાં શક્ય નથી. આજે અમેરિકામાં કુલ જેટલા ત્રીસ ટકાથી વધુ ડોક્ટર્સ ભારતીય છે.જે ભારતિય લોકો માટે એક ગૌરવ પણ કહી શકાય.માઇક્રોસોફટ જેવી ગ્લોબલ કંપનીમાં ભારતિય લોકોનાં એક મોટૉ હિસ્સો કામ કરે છે.

આ રીતે લેન્ડ ઓફ ઓપરચ્યુનીટી કહેવાતા અમેરિકા જે તે દેશનું સાચું ઘન ઘસડી જાય છે અને આ ખોટ જે તે દેશ માટે મોટી કહેવાય છે.હવે ધીમેધીમે ભારતમાં પણ ઘણા સુધારાઓ થવા લાગ્યા છે.જે સામાન્ય જનતાના હિતમાં હોય છે.આ સુધારા જરૂરી છે.નહી તો દેશનું યુવાન શિક્ષિત ઘન બહુ આસાનીથી પરદેશમાં જઈને વસી જશે.અને આનો ફટકો દેશને પડતો રહેશે.

Citizenship is the common thread that connects all Americans. We are a nation bound not by race or religion, but by the shared values of freedom, liberty, and equality.

-રેખા પટેલ
ડેલાવર(યુ.એસ.એ )

 

લગ્ન અને લગ્નજીવનની સારી નરસી વાતો – અમેરીકા અમેરીકા લેખમાળા લેખનં-૬

Displaying IMG20141219133031.jpg

આપણા સમાજમાં લગ્ન એટલે સ્ત્રી અને પુરુષને તન,મન અને ઘનનું એકત્વ બનવું અને બે માણસ એકત્વ બનવુ એટલે લગ્ન..આજનાં યુગમાં માત્ર સ્ત્રી પુરુષનું સાથે રહેવું કે શારીરિક એક થવું એ લગ્ન નથી…….

લગ્ન એટલે શુ?.. લગ્ન એટલે જેમાં એક સ્ત્રી અને એક પુરુષ અગ્નિની સાક્ષીએ ચારફેરા ફરે કે મૌલવી પાસે “કુબૂલ હે” કહીને કે ચર્ચમાં ફાધરની સામે ‘આઈ ડુ’ના શપથ લઈને કે પછી કોર્ટમાં મેરેજના પેપેર ઉપર સહી કરી સિવિલ મેરેજ કરીને.સહજીવન દરમિયાન એકબીજાના સુખ દુઃખમાં જિંદગીભર સાથે રહેવાનું વચન આપીને એકબીજાને મન વચન કર્મથી અપનાવે છે.આ પવિત્ર ગણાતી લગ્ન વ્યવસ્થામાં પતિ પત્ની બંને જિંદગીની આખરી ક્ષણ સુઘી એકમેકને અનુકુળ બની પોતાની અગવડને અવગણી પ્રથમ પોતાના પ્રિય પાત્રના સુખની ચિંતા કરે છે.જ્યાં સ્વાર્થનું પ્રમાણ નહીવત હોય છે .

આજકાલ જગતમાં લગ્નવ્યવસ્થા ડામાડોળ થતી જાય છે આ બાબતની સહુથી વધુ અસર યુરોપમાં જોવા મળે છે અને ત્યાર બાદ અમેરિકામાંનો નંબર આવે છે.છતા પણ યુરોપ કરતા અહી સ્થિતિ થોડી સારી ગણી શકાય. જ્યારે આ બધાની સરખામણીમાં ભારતમાં લગ્નવ્યવસ્થા એકંદરે મજબૂત છે.

વર્ષો પહેલા અમેરિકામાં કોઈ યુવાન કે યુવતી રહેતા જોવા મળે તો ચર્ચાનો વિષય બની જતા તેમાય સિંગલ પેરેન્ટ્સ ખાસ જોવા મળતા નહી.

આમ જોવા જઇયે તો અમેરિકામાં અલગ અલગ દેશમાંથી આવીને વસેલી પ્રજા છે.આથી આ દેશમાં અલગ અલગ રીતી રીવાજો અને પરંપરાઓ જોવા મળે છે.તેના કારણે બ્રિટન કરતા આ દેશની નૈતિકતા પ્રમાણમાં મજબુત છે છતાય ભારતના પ્રમાણમાં અહી લગ્ન સબંધોમાં ભંગાણ વધુ જોવા મળે છે.

આજ કાલ શિક્ષિત અને સુધરેલા લોકોમાં લિવ-ઈન રીલેશન બહુ ચલણ જોવા મળે છે. જેમાં સ્ત્રી-પુરુષ પરંપરાગત લગ્નને માળીયા ઉપર ચડાવી બંને એક સાથે ઘરસંસાર માડે છે.જ્યાં પરસ્પર સમજુતી અને અનૂકૂળતા જોડાયેલી હોય છે.ઉપરાંત બનેનાં  કામ પણ વહેચેલા હોય છે.જેમાં એક બીજાનો અહં ના ઘવાય તે રીતે આ સબંધ જોડાએલો હોય છે.

ધારો કે કોઈ કારણસર આમાં ભંગાણ પડે તો જાણે કોઈ લેવાદેવા નાં હોય તેમ કોર્ટ કચેરીના ઝગડા વીના કે માલમિલકતની વહેચણી વિના અલગ થઈ જાય છે.અલગ થવું બહુ સરળ હોય છે.આથી આજના યુવક અને યુવતીઓમાં આ વ્યવસ્થાં બહુ અનૂકૂળ આવે છે.

હવે તો આ મૈત્રીકરારના નામે આ  વ્યવસ્થા ભારતમાં પણ કેટલાક મોટા શહેરોમાં જોવા મળે છે.અને આ કરાર દ્રારા જન્મેલું બાળક હોય અને થોડા વરસો પછી એક બીજાને અનૂકૂળ ના આવતા જ્યારે આ યુગલમાં ભંગાણ પડે છે ત્યારે તેમના  બાળકની ખાસ કરીને મા બાળકની જવાબદારી સ્વીકારે લે છે અને સિંગલ પેરેન્ટસની શરૂઆત થાય છે.મોટે ભાગે તમોને “સીંગલ મધર”ની સંખ્યા સૌથી વધું જોવા મળશે.જ્યારે “સીગલ ફાધર”જેવો શબ્દ પણ ભાગ્યે જ કાને પડે છે.

હવે કોઈ સિંગલ પેરેન્ટ જોવા મળે તો કોઈ નવાઈ નથી પામતું.આજ કાલ એકલા હાથે બાળકોનો ઉછેર કરવો તે હવે એક સામાન્ય વાત બની ગઈ છે.જોકે સિંગલ પેરેન્ટના કારણે બાળકોનો જે રીતે જોઈએ એવો વિકાસ થતો નથી.કારણકે મા કે બાપ જે પણ એકલા હાથે બાળકને ઉછેરે છે એને ઘરનું અને બહારનું કામ એકલા હાથે કરવું પડે છે.તેથી બાળકને જરૂરી સમય આપી શકતા નથી.આવી પરિસ્થિતિમાં બાળ સહજ ઉછેર યોગ્ય રીતે થઈ શકતો નથી.આવા વાતાવરણમાં ઉછરેલુ બાળક બહુ સહજતાથી ખોટા માર્ગે ઘકેલાઈ જાય છે ક્યારેક તો પ્રેમની ભૂખ તેને ડ્રગ્સ અને બીજી બદીઓ તરફ કાચી યુવાન વયે ઘકેલી દે છે.
આ સિંગલ પેરેન્ટ્સહૂડને લીધે ડ્રગ અડિક્શન અને ક્રાઇમ અને માનશીક અસ્થિરતાનું પ્રમાણ વધી ગયું છે.

આજ રીતે એકલા રહેતા સ્ત્રી કે પુરુષના જીવનમાં પણ સાચા પ્રેમનો અભાવ અને હંમેશની તાણ હોવાને કારણે શારીરિક અને માનસીક સંતોષના બહાના હેઠળ તે પણ ડ્રગ્સ કે નશાની આદત વધતી જાય છે..અને ધણી ડીપ્રેસનમાં જીવતા જોવા મળે છે.

મૂળ અમેરિકનો અને આવીને વસેલી પ્રજા કરતા અહી અમેરીકામાંવસતા ભારતીયોમાં ડિવોર્સનું પ્રમાણ ઓછું હોય છે તે સ્વાભાવિક છે.કારણ કે આપણી માનસીકતા અને સામાજિક ડરના કારણે ડિવોર્સ અને લીવ ઇન સબંધો ઘણા  ઓછા પ્રમાણમાં જોવા મળે છે.ઘણી વખત એવું પણ  બનતું હોય છે કે શરુઆતથી જ પતિ પત્ની એકબીજાને અપનાવી શકતા નથી.પણ સમાજના ડરનાં કારણે કે માતાપિતાના દબાવના કારણે પરસ્પર સમજુતીથી મન મારીને જિંદગી કાઢી નાખતા હોય છે.જ્યારે અમેરિકામાં આવું બનવાની શક્યતાઓ નહીવત હોય છે.અહી ના ફાવે તો તરત રસ્તા અલગ થઈ જતા હોય છે.હવે તો આપણા ભારતીય યુવાન યુવતીઓને પણ આવા અણગમતા સબંધમાં બંધાઈ રહેવા તૈયાર હોતા નથી માટે છુટાછેડાના દાખલા દિવસેને દિવસે વધતા જાય છે.આમાંથી બચવા યુવાનો લગ્ન માટે સાથીની પસંદગીમાં બહુ ચોકસાઈ થી કરવા માગે છે.બંનેના શોખ અને આદતો સરખી હોય તેવા સાથીનો શોધમાં રહે છે.

સામાન્ય રીતે આપણે ત્યાં લગ્નપછી પતિપત્ની બંને એકબીજાને અનુકુળ થવા પ્રયત્ન કરે છે અને થાય છે પરંતુ અહી અલગ અલગ રીતે ઉછરેલા બે જણ પહેલા જ દિવસથી એકરૂપતા અને વિચારોની સંગતતા શોધે છે.આ કાર્ય જોઇએ એટલું સહેલું પણ નથી હોતું.અને આ જ કારણે યોગ્ય સાથીની શોઘમાં ઉમંર વધતી જાય છે।  જ્યાં પહેલા બાવીસથી પચ્ચીસ વર્ષની વચ્ચેની ઉમરમાં લગ્ન થઇ જતા હતા.જ્યારે આજે અ જ લગ્ન માટેની ઉમર આજે  ત્રીસથી આડત્રીસની વર્ષની વય મર્યાદા પહોચી ગઈ છે.અને પાકટ વયે ભેગા થયા પછી વિચારોની પરિપકવતા બહુ સજ્જડ થઈ જાય છે ત્યાં એકબીજા માટે બાંધછોડ કરવું મુશ્કેલી ભર્યું બની જાય છે.આના કારણે હવે અમેરિકામાં મોટી માત્રામાં પરણવાની ઉંમર વટાવી ચુકેલા ભારતીય યુવાન યુવતીઓ જોવા મળે છે

બીજું એક કારણ એ છે માં બાપની રૂઢિચુસ્તતા યુવાન થતો દીકરો કે દીકરી તેમના અભ્યાસ દરમિયાન જો કોઈ સાથી શોધી લે અને જો એ પાત્ર પરજ્ઞાતિનું હોય તો મા બાપ મંજુરી આપતા નથી.આના કારણે મનગમતો સબંધ બંધાતો નથી અને પછી ઉપર દર્શાવેલું ચક્ર   શરુ થઈ જાય છે.

અહીયા વસતી પચરંગી પ્રજાના કારણે ભારતીય યુવાન કે યુવતી જો શ્વેત,અશ્વેત કે હિસ્પેનિક લોકો સાથે સબંધ જોડી દે છે ત્યારે આખા  કુટુંબમાં તણાવ ફેલાઈ જાય છે.કારણકે સાવ અલગ રહેણી-કરણી વાળા  સાથે જીવન વિતાવવું બહુ અઘરું હોય છે.જેથી આ પ્રેમીઓને શરૂઆતમાં ભાન હોતું નથી પરંતુ માંબાપને સતત ભય સતાવે છે કે આ લગ્ન સબંધ ગમે ત્યારે તૂટી પડશે.અને તેની સહુથી માઠી અસર તેમના જન્મેલા બાળકો ઉપર પડશે અને તેઓ આ લગ્ન માટે મંજુરી આપતા નથી.

જો કે દરવખતે આપણે વિચારીએ તેવું બનતું નથી.અહીયા ઘણા કિસ્સઓ એવા પણ જોયા છે કે જ્યાં પોતાનો સગો દીકરો તેનામાં ભારતીય સંસ્કારો ભરેલું લોહી દોડે છે તે પોતાના માં બાપને જાકારો આપે છે અને એક પરદેશી બીજા ધર્મનો યુવાન પોતાની પત્નીના માતા પિતાનો સંપૂર્ણ બોજો હસતા મ્હોએ ઉઠાવી લેતો હોય છે.

અમેરિકામાં એક મોટી સમસ્યા આ છે કે હવે કોઈને સંયુક્ત કુટુંબમાં રહેવું નથી.ભારતમાં તો સંયુક્ત કુટુંબની પ્રથા સૈકાઓથી ચાલતી આવી છે.અને આજે પણ લોકો મને કમને ભેગા રહે છે. જેમ કે પિતાને જો ધંધો હોય તો પિતાના ધંધામાં પુત્ર જોડાય છે.ત્યાં સુધી તેની પાસે પોતાનું કહી શકાય એવું મકાન કે ખાસ કોઈ મિલકત હોતી નથી.એક સામાન્ય નોકરીથી આ મોઘવારીમાં ઘર અને આખો જીવનનિર્વાહ ના ચાલી શ કે માટે મન મારીને પણ તેને સાથે રહેવું પડે છે.પણ મોટે ભાગે ભારતનાં પરિવારમાં વડીલનાં મૃત્યુ પછી તેનાં સંતાનો મોટે ભાગે મિલકતનાં ભાગ પાડી અને છુટા પડી જાય છે.

જ્યારે અમેરિકામાં મધ્યમ કમાણીએ સ્વતંત્ર રહેવું ભારત કરતા ઘણું સહેલું છે.અહી પતિપત્ની સાથે કામ કરીને ભાડે ઘર રાખી શાંતિથી એકલા રહી સકે છે.આજકાલના યુવાનોને લગ્ન પછી માં બાપનું બંધન સ્વીકાર્ય નથી.અહી ઘણા એવા યુવાનો યુવતીઓ જોવા મળે છે કે જે  લગ્ન પહેલા જ માબાપથી જુદા રહેવા જાય છે.એક જ ગામ અને શહેરમાં અલગ ઘર રાખે છે.અને જ્યારે પણ સારું ખાવાનું મન થાય ત્યારે તે માનો પાલવ પકડવા ઘરે આવે છે.મનગમતું ભોજન  જમીને પાછા પોતાના માળાની એકલતામાં પહોચી જાય છે..સારું છે કે ભારતમાં  હજુ આ આધળી ફેશન આવી નથી .

મારા મત પ્રમાણે સારું છે કે લગ્ન પછી સંયુક્ત કુટુંબમાં રહેવાની પ્રથા અહી અમેરિકામાં નથી.કારણકે અહીની યુવતીઓને ખાસ રાંધતા આવડતું નથી અને તેમને બહારની નોકરી કરવી જ પસંદ હોય છે જે થી તે મરજી પ્રમાણે જીવી શકે.

આવા સમયે ઘરકામની બધી જવાબદારી માતા ઉપર આવી જાય છે.જેને અડધી જીંદગી છોકરાને જમાડીને તેને સાચવવામાં પૂરી કરી તેને હવે ઢળતી ઉંમરે એને વહુ અને તેમના છોકરાઓને સાચવવામાં પૂરી કરવી પડે છે.અધુરામાં પુરું,અહીયા ભારતની જેમ ઘરકામ માટે કામવારી હોતી નથી. ભલે મશીનથી કપડા વાસણ સાફ થતા હોય છતાય બાકી એવું ઘણુ કામ  હોય છે.જેનાં માટે શારીરિક શક્તિ વપરાય છે.

આટલું કરતા પણ તેમની સ્વતંત્રતા નાં જોખમાય તેનો ખ્યાલ મા બાપે રાખવાનો હોય છે. આમ ભારતીય અમેરિકન વહુ દીકરાને સાથે રાખવા ઘીરજ અને દાદ માગી લે તેવા હોય છે.આથી મારા માટે સહુ પોતપોતાની જીંદગી અલગ રહીને પોતાની મરજી મુજબ જીવે તો એકબીજા સાથે વધારે સુખ અને પ્રેમ જળવાઈ રહે છે.

રેખા પટેલ (વિનોદિની)