સળવળાટ
સુકા લંગોટિયા બાવા જેવા વૃક્ષો,
અને સળવળતાં રણના સર્પો જેવી ડાળીઓને,
વાસંતી પવન સાથે
અંકોડા ભીડીને આવેલી,
વરસાદની જળપરીઓ પીગળાવી ગઈ.
જોતજોતામાં ઇન્દ્રનો દરબાર ભરાઈ ગયો
કામદેવના બાણ ચારે દિશાને વીંધી ગયા,
ફૂલોના રંગીન લિબાસમાં
અપ્સરાઓ ડોલી ઉઠી.
ઓલ્યા બાવાઓએ પણ વૈરાગ્ય છોડ્યું,
પહેલા ભગવા અને પછીતો રંગીની ઘારણ કરી.
સુકા સર્પો લીલુડા બન્યા.
અને હૈયામાં સળવળતાં થયા.
રેખા પટેલ(વિનોદિની)
૨
અછાંદસ ; “સુખ દુઃખનો સાથી”
મારા જન્મ સાથે તું નહોતો છતાં,
મારા દરેક સુખમાં તે સાથ આપ્યો છે.
મસ્તીમાં તું દળો બની ફંગોળાતો રહ્યો,
પ્રેમની મીઠી પળોમાં તું હાથમાં અમળાતો હતો.
તને ટેકવીને,
જાતને કલાકો વિચારતી કરી છે.
વિરહની ક્ષણોમાં તને છાતીએ ભીડયો હતો.
મારી બધી વેદનાઓને તે
ચુપચાપ તારા મહી છુપાવી હતી.
તારા એકએક તાતણાંમાં
મારા કેટલાય સ્વપ્નો ધરબાઈને પડયાં છે.
અને
આજ ડચકા ખાતી મારી જીવન શૈયાએ,
મારા સુખ દુઃખનાં સાથી તુજ એક હાજરાહુજુર છે.
“મારું ઓશીકું”
રેખા પટેલ(વિનોદિની)
https://vinodini13.wordpress.com