ફાયર આર્મ્સ લો એ સ્વબચાવ કે સ્વચ્છંદતા- રેખા પટેલ (ડેલાવર)
અમેરિકા ફ્રીડમનો દેશ. રહેણીકરણી, બોલચાલ તહેવારો, જીવનશૈલી બધામાં પુરતી સ્વતંત્રતા, વધારે પડતી સ્વતંત્રતા ક્યારેક સ્વચ્છંદતામાં પણ પરિણામે છે.
સ્વતંત્રતા દરેકને ગમે પરંતુ તેનો અતિરેક અને અંકુશવિનાના નિયમો પોતાની સાથે બીજાના જીવનમાં પણ મુશ્કેલીઓ નોતરે છે
થોડા સમય પહેલાની એક ઘટના યાદ આવી ગઈ. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યની “સેન્ડ બર્નાડીનો” કાઉન્ટીમાં આવેલા “ડીપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થના ડિસેબલ અને ઓથેસ્તિક બાળકોના સેન્ટર” માં એક મુસ્લિમ યુગલ ઘુસી ગયું જેમા સાઉદ રીઝવાન ૨૮ વર્ષનો યુવાન અને તેની સાથીદાર યુવતી તસ્ફીન ૨૭ વર્ષની હતી , હથિયારોથી સજ્જ આ બંને બાળકોનાં આ સેન્ટરમાં ધુસી જઈ આડેઘડ ગોળીબાર કર્યો. જેમાં ૧૪ લોકોના જાન ગયા અને ૧૭ જેટલા ઘાયલ થયા. એક માત્ર તેમની પાસે બંધુક હતી અને મગજની કોઈ વિકૃતતા જેના કારણે બીજા નિર્દોષ લોકોને ભોગવવું પડ્યું.
આવું અઘમ કૃત્ય કરનાર રીઝવાન પોતે પાંચ વર્ષથી અહી કાઉન્ટીના હેલ્થ ડીપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. આ સેન્ટરમાં ક્રિસમસની હોલીડે પાર્ટી ઉજવાતી હતી, જ્યાં રીઝવાન પણ ઇન્વાઇટેડ હતો. પાર્ટી દરમિયાન કોણ જાણે તેને શું થયું કે થોડીવારમાં તેની ગર્લફ્રેન્ડ સાથે હથીયારોથી સજ્જ આવી પહોચ્યો અને આડેઘડ ગોળીબાર શરુ કર્યો હતો. કોણ જાણે અચાનક શું બન્યું હશે, ગુસ્સો કે કોઈ વિકૃતિએ એના મગજમાં જન્મ લીધો હશે કે તેણે આવ્યું અઘમ કૃત્ય આચર્યું. ત્યારબાદ પોલીસ સાથેની અથડામણમાં તે બંને માર્યા ગયા.
એજ સમજાતું નથી કે શા માટે લોકો જાણેકે પીપરમીન્ટ ની ગોળી ખિસ્સામાં રાખતા હોય તેટલી સાહજિકતા થી ઘરમાં આવા હથીયારો વસાવે છે અને મગજ ઉપર જરાક ગુસ્સો સવાર થતા તેનો આવી રીતે છૂટથી ઉપયોગ કરે છે “. જો તેની પાડે આવું કોઈ ઘાતક હથિયાર નાં હોત તો કદાચ મારામારીથી વાત પતિ ગઈ હોત.
બીજા દેશોમાં પણ લોકો વચ્ચે અથડામણ થયા છે છતાં કોઈ ધાતકી બનતું નથી. પરસ્પર બોલચાલ વધી જાય તો બાથંબાથ અને મારામારી જેમાં ઘાતક હથિયારથી થયા અકસ્માતો કરતા બહુ ઓછી ઈજાઓ નોંધાય છે. પરંતુ અહી હથિયાર રાખવા ગેર્કાયદેસર નથી આ માટે સ્વબચાવના ભાગ હેઠળ ગમેતે હથિયાર વસાવી શકે છે.
ગયા વિન્ટર માં બનેલી એક ઘટનામાં, સત્તર વર્ષનો આફ્રિકન અમેરિકન યુવાન સાંજના સમયે ઠંડીથી બચવા મ્હોને ઢાંકતી ટોપી અને કાળો ઓવરકોટ પહેરીને સુમસાન રસ્તામાં ઝડપથી ચાલતો કોઈ અમેરિકન ધોળિયાની સામે આવ્યો. પેલાને સાવ સામે આ રીતે આવી જતા અમેરિકનને લાગ્યું આ ચોક્કસ લુંટ કે મારવાના ઈરાદાથી આવી રહ્યો છે. સ્વબચાવ હેઠળ અમેરિકને લાંબુ વિચાર્યા વિના કોટના ખિસ્સામાંથી બંધુક બહાર કાઢી તેની ઉપર ફાયર કર્યું. પેલા નિર્દોષ આફ્રિકન યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું. કોર્ટમાં કેસ ચાલ્યો છેવટે ચુકાદામાં “સ્વરક્ષા માટે ચલાવાએલ હથિયાર ના કારણે તે નિર્દોષ જાહેર કર્યો “.
આવી ઘટનાઓ અને મૃત્યુ પાછળ રાઈફલ કે બંધુક જેવા ઘાતક હથિયારોના સહેલાઈથી મળતા લાઈસન્સ કેટલેક અંશે જવાબદાર ગણી શકાય છે. પરંતુઆ “ફાયર આર્મ લો ” નો કાયદો અમેરિકા જ્યારે આઝાદ થયું ત્યારે જંગલોમાં શિકાર કરવા અને આત્મ રક્ષણ માટે બંધારણ વખતે ઘડાએલો કાયદો છે. જેમાં સેલ્ફ ડીફેન્સ , હન્ટિંગ કે સ્પોર્ટ્સ એકટીવીટી માટે સહેલાઇ થી ગન કે રાઈફલ જેવા હથિયારોનું લાયસન્સ મળી જાય છે.
અમુક સ્ટેટમાં ગન ખરીદી તેનું લાયસન્સ લેવું ફરજીયાત છે. ક્યાંક ટ્રેનીંગ લેવી પડે છે, કે ગન લેતા પહેલા પોલિસ સ્ટેશન કે લો ઇન્ફોર્સમેન્ટ એજન્સીમાં રજીસ્ટર કરાવવું જરૂરી બને છે. તો ક્યાંક વળી માત્ર ડ્રાઈવિંગ લાયસન્સ અને આઈડી પ્રૂફ આપતા ગન સહેલાઇ થી મળી જાય છે.
જાણીને નવાઈ લાગશે કે આજે અમેરિકમાં આશરે ૪૦૦ મિલિયન ફાયરઆર્મ્સ હથીયારો જાહેરમાં લોકો પાસે રહેલા છે. જે બહુ મોટો આંકડો કહેવાય. રોજબરોજ બનાવો જોતા ૨૦૧૨ માં લેવાએલા એક સર્વે પ્રમાણે ૪૪ ટકા લોકોનું માનવું છે કે આ કાયદાને બંધ કરવો જોઈએ કે આટલી આસાનીથી ગન મળે. અને ૯૨ ટકા લોકો નું કહેવું છે કે પહેલા બેક્ગ્રાઉન્ડ ચેક કરવું જોઈએ તેની જરૂરીયાત જોઈ તેને આવા ઘાતક હથિયાર આપવાની છૂટ આપવી જોઈએ . અહી “ગન શો ” માં હથિયાર આપણે ત્યાં તલવાર અને ચપ્પા મળે તેટલી આસાની થી મળતા હોય છે .સેલ્ફ ડીફેન્સ લો પ્રમાણે ઘણા સ્ટેટમાં તમારા બચાવમાં ચલાવાએલી ગોળીમાં થતી જાનહાની થી તમે ગુનામાં નથી આવતા.
એક રીતે જો કહીએ તો અહી ગન રાખવી તે બરોબર જાણે કે આપણે ત્યાં રાજપૂત લોકોને મન તલવાર અને શીખ માટે કટાર જેવું ગણાય છે . આ ધોળી પ્રજા એટલેકે બ્રીટીશર ,ડચ,ફ્રેંચ ,સ્પેનિયાર્ડ બધી પ્રજા પહેલે થી લડાયક હતી, જંગલમાં ઘોડા ઉપર રખડવું અને શિકાર કરવો તેમની ખોરાક માટેની જીવન જરૂરીયાત પણ હતી.
” વર્ષો પહેલાના જીવન અને જરૂરીયાત પ્રમાણે તે સમયે કાયદાના બંધારણની રચના થઇ, ત્યારે જરૂરિયાતના ભાગ મુજબ બંધુક જેવા હથીયારો પાસે રાખવાની છૂટ રખાઈ હતી. તે વખતનું જીવન અને વિચારો અલગ હતા. નશાખોરીની માત્ર આટલી બધી નહોતી. હવે સમય વર્તે સાવધાન પ્રમાણે કાયદાઓમાં ફેરફાર થવા આવશ્યક છે.”
પરતું આજે સમાજમાં ફેલાતી ગેરનીતિ અને આર્થિક માનશીક સંકડામણ ને કારણે સાયકોલોજી પ્રોબ્લેમ્સ વધતા રહ્યા છે. આજના સમાજનું માનસ ડામાડોળ છે આવી સ્થિતિમાં તેની પાસેના આવા હથિયાર બહુ ભયાનક સ્થિતિ સર્જી નાખે છે , લોકોના મગજ ઉપર ગુસ્સો કાયમ સવાર થઈને રહેતો હોય છે ,જરાક મનને અણગમતુ બને કે તુરંત ગુસ્સો અને ડીપ્રેશનમાં બહાર આવી જાય છે. ત્યારે જાણતા અજાણતા ઘાતક હથીયારનો ઉપયોગ થઈ જાય છે, જેના માઠાં પરિણામ ગુસ્સો ઉતર્યા પછી ભોગવવા અઘરા થઇ પડે છે. પણ આપણી કહેવત છે કે ” જબ ચીડિયા ચૂગ ગઈ ખેત તબ પછતાવે ક્યા હોવત હૈ ” સાચી વાત છે કે દરેક પરિસ્થિતિમાં સમજશક્તિ નો ઉપયોગ બહુ જરૂરી બની રહે છે .
અમરિકામાં ક્યા રાજ્યમાં કેટલા રજીસ્ટર થયેલા હથીયારો છે તેના વિષે જો માહિતી મેળવીએ તો ટેક્સાસમાં ૮૩૦, ૦૦૦, ફ્લોરીડામાં ૫૦૦,૦૦૦ વર્જીનીયામાં ૪૦૦,૦૦૦ હથીયારો રજીસ્ટર થયેલા અને ખરીદાએલા છે. આજ રીતે ઘટતા ક્રમે બીજા રાજ્યો આવે છે.
જેમાં ૪૨ ટકા લોકો ગન જેવા હથિયાર સલામતી માટેના કારણોસર ઘરમાં રાખે છે. તેમાં કેટલાક પાસે તો એક કરતા વધારે હથિયાર ખરીદાએલા છે. ૩૬ ટકા ૬૫ વર્ષના કરતા વધુ મોટી ઉંમરના પોતાના રક્ષણ માટે રાખે છે. ૩૧ટકાએ પોતાના અંગત કારણોસર રાખેલા છે. વર્ષે ૯,૦૫૨,૬૨૮ જેટલા હથિયાર અમેરિકામાં બની રહ્યા છે. ૫૫૪,૨૩૭ બહારથી આવી રહ્યા છે. આ સિવાય ગેરકાયદેસર આવતા હથિયારોની સંખ્યા આ કરતા કઈ વધારે હશે.
લોકો માને છે કે બંધૂક જેવા હથિયાર ઘરમાં હોવાથી સાલમતી વધારે રહે છે. પરંતુ હકીકતમાં બંધુક વાળા ઘર ઓછા સલામત કહી શકાય. અહી આકસ્મિક મૃત્યુ, આપધાત અને ઘરેલું હત્યાના જોખમો રહેલા છે.
૨૦૧૯મા ૧૦,૨૫૩ લોકો આવા હથીયારને કારણે મૃત્યુ પામ્યા છે. મોટાભાગના અમેરિકાનો હવે માની રહ્યા છે કે બિનજરૂરી હથીયાર રાખવા દુષણ છે. આ બધા આંકડાઓ કરતા ઘણા વધારે હથિયાર અમેરિકામાં લોકો પાસે રહેલા છે કારણ અહી ફેડરલ બંધુકની નોંધણી ફરજિયાત નથી. નવાઈની વાત છે કે કોવીડ દરમિયાન બંધુકની ખરીદીએ આજ સુધીના આંકડામાં વધારો કર્યો છે.
ખુબજ નવાઈ પમાડતી વાત છે કે વિશ્વની ચાર ટકા વસ્તી અમેરિકામાં છે અને વિશ્વના ૪૦ ટકા હથિયાર અમેરિકામાં લોકો પાસે છે. એક આંકડા અનુસાર ૪૦૦ મિલિયન બંધુકો અમેરિકામાં પ્રજા પાસે છે. પૈસાદાર દેશ તરીકે અમેરિકાની ગણના થાય છે ત્યારે આવું હોવું લોકોને વ્યાજબી લાગે છે. કદાચ રાજામહારાજા ઓના શોખ પણ આજ કારણોસર રહ્યા હશે. જેની પાસે વધુ હોય તેમને સાચવણીની ચિંતા વધારે હોય છે. અને ત્યાજ આકસ્મિક મુત્યુનો દર પણ વધારે હોય છે. જ્યાં ખાસ ખોવાનું નથી હોતું તેમને આવા સાધનો વસાવવાની જરૂર પણ નથી.
ગમે તેમ હોય પરંતુ આવા ઘાતક હથિયાર એ દરેક માટે ભયજનક છે. કોઈ પણ અંગત કારણોસર તેનો દુરુપયોગ થવાનો ડર સતત રહે છે. આજકાલ સમાજમાં પણ કોઈ સાથેની નાની સરખી બોલાચાલી કે ઝગડામાં આવી બંધુકનો ઉપયોગ થવાનું સાંભળી રહ્યા છીએ તેમાય નશાની હાલતમાં અને ડ્રગ્સના નશા હેઠળ માણસ પોતાની શાનભાન ભુલાવી ના કરવાનું કરી બેસે છે.
થોડા વર્ષો પહેલા ધંધાઓ ઉપર લુંટ થતી તેમાં છુરી કે બંધુક બતાવાતી અને તેના જોરે લુંટ થતી. પરંતુ એ વખતે મોતના સમાચાર ઓછા સાંભળવા મળતા. લુટ કરનાર ડોલર્સ લઈને નીકળી જતા. આજે ડ્રગ્સના નશામાં ચુર લુંટારાઓ ઉપર કોઈ વિશ્વાસ મુકાતો નથી. કારણ તેમની વિચારશક્તિ કોઈજ કામ કરતી નથી તેમાં આવું ધાતક હથિયાર હાથમાં હોય તો લુંટ ચલાવ્યા પછી પણ જતા જાતા ફાયર કરીને નીકળી જાય છે. છેલ્લા કેટલાય વર્ષોથી કામધંધા વિનાના બેરોજગાર અને છતાં ડોલર્સની જરૂરીયાત વાળા લોકો નાના બિઝનેશમાં આવા સાધનો બતાવી લુંટ ચલાવી રહ્યા છે. આજ કારણે લોકોમાં ડર વધતો રહે છે.
આજે કોઈ સાથેની તકરાક, ગુસ્સો , કે ઘર્મના નામે મતભેદ માં પણ બંધુકનોછૂટથી ઉપયોગ કરી દેવાય છે ” સામાન્ય રીતે સ્વબચાવના હથિયારો કદીય ઘાતક ના હોવા જોઈએ, બહુ જરૂરી લાગે ત્યાં ચીલી સ્પ્રે, નાનચાકું, હોકી સ્ટીક વગેરે સાથે રાખવા સારા. સહુથી યોગ્ય તો એક કે આપણે સહુએ સાથે મળીને એવી સમાજ ઉભો કરવો રહ્યો કે જ્યાં કોઈ પ્રકારના હથિયારોની જરૂર ના રહે.

