“સ્ત્રી શક્તિ જિંદાબાદ” રેખા પટેલ (વિનોદિની)
નાજુક નમણી સ્ત્રીમાં કેટલી બધી સંવેદનાઓ ઢબુરાઈને રહેલી હોય છે તે સ્ત્રીને તેના સ્વભાવને સમજ્યા પછીજ સમજાય છે. એ માટે સહુ પ્રથમ તેના વિચારોને જાણવા સમજવા પડે છે.
આમ સ્ત્રીની કલ્પના કોઈ કરે એટલે બે હાથની પહોળી સાંકડી અને ફરી પહોળી એવી મરોડદાર આકૃતિ રચાઈ જાય. કોઈ ગમતો ચહેરો તેની સુંદરતા આંખો સામે છલકાઈ જાય.
ક્યારેય એવું બનતું છે કે આ કલ્પનામાં બાવડાના મસલ્સ, કે રુઆબદાર ચહેરો કે પછી કરડી આંખો નજર સામે આવી જાય. નાં! એવું બનતું નથી કારણ સ્ત્રી એટલે સૌદર્યની પ્રતિમા.
સ્ત્રી માત્ર સૌદર્યનું પુતળું નથી. છતાં તેના દેખાવ અને સૌદર્ય ઉપર કઈ કેટલી ગાથાઓ લખાઈ છે., દુનિયામાં સૌથી વઘુ રસિક સાહિત્ય સ્ત્રીઓની સુંદરતાને આધારિત રચાયા છે. સામે પક્ષે કેટલાય યુધ્ધો પણ આજ કારણે ખેલાઈ ચુક્યા છે. સદીઓથી સ્ત્રી દેખાવથી અને પુરુષ બળથી અંકાય છે
પુરુષો માટે સ્ત્રીઓની બુધ્ધિ અને સૌન્દર્યની વચમાં સૌંદર્યની પસંદગી પહેલા આવે છે. છતાં દેખાવમાં ખુબસુરત સ્ત્રી બુદ્ધિમાં ઉતરતી હશે તો સુંદરતા હ્રદયને સ્પર્શી નહિ શકે. એજ રીતે અતિ મહત્વકાંક્ષી સ્ત્રી જો રૂપાળી નહિ હોય તો પુરુષને આકર્ષી શકે નહિ..
સ્ત્રીઓ માટે દેખાવ જેટલો મહત્વનો છે તેટલો પુરુષો માટે નથી. ગમે તેટલા સંસોધન પછી પણ સ્ત્રીના સાચા સૌદર્યને પુરુષ ઓળખી શકતો નથી કારણ સુંદરતાના માપદંડ અલગ અલગ હોય છે. એક સમય હતો કે તે માપદંડમાં ફીટ બેસવા સ્ત્રીઓ હાથે કરીને દુઃખ સહન કરતી હતી. જોકે હવે જમાનો બદલાઈ રહ્યો છે. છતાં સૌદર્યની લાલસા યથાવત રહી છે.
એક વાત હમેશાં વિચારવાં મજબૂર કરે છે કે સ્ત્રી એટલે શું? સ્ત્રી માત્ર ભોગવવાની વસ્તુ કે પછી જગતની અન્ય પ્રજાતીની જેમ બીજા જીવને ઉત્પન્ન કરવાની તાકાત ધરાવતી એક માત્ર માદા જાતી….કે પછી આ બધાની પર એવી એક શક્તિ છે જેને પુરતી ઓળખ મળતી નથી..
આધુનિક સ્ત્રી પોતાની ઓળખ જાતે બનાવી રહી છે. ઘર પરિવારની સંભાળ રાખવાણી સાથે તેને પણ આગવી ઓળખ જોઈએ છે. તે માટે બેવડી જવાબદારીઓ પણ ઉઠાવવા એ હવે તૈયાર છે. તેના સ્ત્રી સહજ સ્વભાવને કારણે તેને સજવું સંવરવું ગમે છે છતાં આ બધાની ઉપર તેને બહારની દુનિયામાં પુરુષો સાથે કદમ મિલાવી કામ કરવું છે. મનગમતા શોખ પ્રમાણે આગળ વધવું છે. સ્ત્રી એક નદીની માફક માર્ગમાં આવતા અવરોધો અને વળાંકોને અનુસરી આગળ વધતી સ્ત્રી સમાજને એક કરી રાખનારી એક શક્તિ છે જેને યોગ્ય માન મળવું પણ જરૂરી છે.
જ્યારે તે આમ બેવડાઈ જવાબદારીઓ ઉઠાવવા તૈયાર હોય ત્યારે તેને પોતાના અંગત સગાઓ તરફથી સહકાર મળવો અંત્યત જરૂરી છે. સ્ત્રીનો સૌથી પહેલો સહારો તેના ઘરની બાકીની સ્ત્રીઓ જ બની શકે. તેના ભાગની જવાદારીઓ ને હળવી કરી તેની પ્રગતિ માટેનો રસ્તો એક સ્ત્રીજ બીજી સ્ત્રી માટે આસાન કરી શકે તેમ છે.
અનીતા પરણીને સાસરે આવી ત્યારે ઘરમાં નાની નણંદ દિયેર અને સાસુ સસરા હતા. આમ કુલ છ જણાનો પરિવાર. સાંભળતાં ખુબ આનંદ થાય અનીતાને પણ ખુશી હતી કે પહેલાજ દિવસથી સાસરીમાં મિત્રો મળી ગયા. મહિનો ખુબ હસી ખુશીમાં પૂરો થયો. તકલીફ ત્યાંથી શરુ થઇ કે અનીતાને ત્રીસ દિવસની નોકરી ઉપરની રજાઓ પૂરી થઇ. હજુ માંડ અહીની રીતભાતમાં ટેવાઈ હતી ત્યાં ઘર અને નોકરીની બેવડી જવાદારીઓ આવી પડી.
પિયરમાં માતા પિતા સાથે તો ઘરે આવતા તૈયાર જમવાનું મળતું. સવારમાં મમ્મી લંચ બોક્સ હાથમાં પકડાવી દેતી.” બેટા ભૂલ્યા વિના બધુજ ખાઈ જજે. તારું મનગમતું બનાવ્યું છે હો!”
અહી સાવ ઉલટું બની ગયું. બધાને ચાય નાસ્તો આપીને તૈયાર થતા આઠ ક્યા વાગી જતા તેનો ખ્યાલ પણ ના રહેતો. લંચબોક્સ જેવું કશું યાદ પણ નહોતું આવતું. સાંજે પાછાં ઘરે આવતા કપડા બદલી સીધા કિચનમાં ઘુસી જવું પડતું. જેથી તેની પતિ અલય આવે ત્યાં સુધીમાં પોતે તેની સાથે સમય વિતાવવા ફરી થઇ શકે.
આ બધામાં ઉપર થી નાની નણંદના નખરા જરા વધારે હતા. ભાભી પ્લીઝ મારી માટે આજે સલાડ બનાવીશ, તારું ડ્રોઈંગ સારું છે પ્લીઝ આજે મારી જનરલમાં બધું દોરી આપીશ. મારી માટે માર્કેટમાંથી દુપટ્ટો લેતી આવીશ. આમ ફરમાઈશો રોજની રહેતી. અનીતા બધાનું મન સાચવતા પોતાનું શરીર સાચવવાનું ભૂલી ગઈ. અને બેજ અઠવાડિયામાં બીમાર પડી ગઈ.
તેના સાસુ આ બધું રોજ જોતા હતા. તે આખી વાત સમજી ગયા. બે દિવસ અનિતાની બરાબર સારવાર કરી અને અનીતા ફરી નોકરીએ જવા તૈયાર થઇ ગઈ. આ દિવસો દરમિયાન સાસુએ સવારમાં ચાય નાસ્તાની જવાબદારી ઉઠાવી લીધી હતી. આથી અનીતાને રાહત રહી. અનિતાના ગયા પછી તેના સાસુએ ઘરમાં બધાના કામની વહેચણી કરી. થોડી વ્યવસ્થા થી અનીતાને ઘણી રાહત મળી. કામ સાથે ઘરસંસારને બરાબર ન્યાય આપી શકી. આમ કરતા થોડાજ વર્ષોમાં તેની મનગમતી પોસ્ટ ઉપર પહોચી ગઈ. આ બધાનો લાભ કઈ તેને એકલીને નહોતો મળ્યો. તેના કારણે સાસરીનું ઐશ્વર્ય અને સુખ વધી ગયું હતું.
જીવનમાં આવતા પડકારોને ઝીલવાની ક્ષમતા પુરુષ કરતાં સ્ત્રીમાં વધુ છે છતાં પણ સ્ત્રીઓ પુરુષોની નજરમાં એક રમકડું બનીને રહી ગઈ છે. તેનું કારણ છે સ્ત્રી તેના અધિકારોને મેળવવા માટે ટટ્ટાર નથી બનતી. હક માટે લડાઈ કરતા તે શીખી નથી.
કારણ તેને ગળથૂથીમાં પીવડાવવામાં આવે છે કે તારું સાચું માપદંડ તારી સુંદરતા છે અને આ બાલાગોટી તેને બાહરી સુંદરતાથી આગળ વધવા દેતી નથી. સ્ત્રીના મગજમાં બાળપણથી જ એવું ઘુસાડી દેવામાં આવે છે કે તારું ચારિત્ર્ય એ જ તારી મોટામાં મોટીને કિંમતી સંપત્તિ છે. ગમેતે ભોગે તેની રક્ષા કરાવી. પરિણામે સ્ત્રી સંકોચાઈ ને રહી જાય છે.
પુરુષનો મૂળ અધિપત્ય ઘરાવતો સ્વભાવ છે. જે આદિકાળથી વિકસતો આવ્યો છે. પૃથ્વીના કોઈ પણ છેડે જાઓ દરેક જગ્યાએ પુરુષ સ્ત્રી ઉપર હાવી થવાનો પ્રયત્ન કરતો રહે છે. આ બાબતે દુનિયાનાં કોઇ પણ ઘર્મગ્રંથોનો સાંરાંસ જોઇએ તો એમાં સ્ત્રીઓ માટે ધર્મનાં ઓઠા હેઠળ અલગ અલગ નિયમો અને પાંબંધીઓની વિસ્તૃત છણાવટ જોવા મળશે. જ્યારે બીજી બાજુ આ જ ધર્મગ્રંથોમાં પુરુષો માટે આવી કોઇ છણાવટ જોવા મળતી નથી.
જમાનો બદલાઈ ગયો છે. દીકરીઓને તેમની મહત્તા સમજાવવી પહેલી ફરજ માં બાપની બનેની છે. દીકરી એતો પારકી થાપણ, એવી નકારાત્મક ઉક્તિઓમાંથી સ્ત્રીઓને નાનપણથી બહાર કાઢવી જોઈએ. સ્ત્રીઓમાં રહેલો શંકા ઈર્ષ્યાભાવ, અસલામતીની ભાવનાને નાનપણથી કચડી નાખવાની જરૂર છે. આ પ્રકારની અજ્ઞાનતા તેનામાં એક પ્રકારની લઘુતાગ્રંથિ ઉત્પન્ન કરે છે જેના કારણે તે હંમેશા કચડાએલી રહે છે.
આજનાં આધુનિક ડિઝીટીલ યુગમાં સ્ત્રીએ હવે ખરેખર જાગૃત થવાની જરૂર છે. પોતાની બુધ્ધી અને શક્તિના સમન્વય દ્વારા વિચારોને સ્પસ્ટતા પૂર્વક સમાજ સામે મુકવા જોઈએ. આ માટે સુંદરતાને માપદંડ બનાવવાનો જાતેજ છોડવો જરૂરી છે. સ્ત્રીઓ સુંદરતાને સજાવટ ને બદલે શક્તિ સમજશે તો સમાજમાં ઘણંબ બધું બદલાઈ શકે તેમ છે. સારા અને સાચા બદલાવ માટે સ્ત્રીઓના ચારિત્ર અને તેની આંતરિક શક્તિઓને નુકશાન ના પહોંચે તે જોવાની ફરજ સમાજની અને સમાજમાં પુરુષ તરીકે ઓળખાતા સમુદાયની છે. કારણ કે આવનાર ભાવી પેઢીના સારા અને નરશા ભવિષ્યનો આધાર સ્ત્રીઓ છે.